Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

કુદરતી પીણાં... યે દિલ માંગે મોર ?

તમે તમારા પપ્પા કે દાદાને પૂછજો કે આટલાં ફળો તમે ખાતા હતા ? તો તરત જ તેઓ કહેશે કે ફળો ને સૂકા મેવા તો રાજાઓ ને શ્રીમંતોને ઘેર જ દેખાય અને તે પણ સ્ટેટસની જેમ ખાવા કરતાં ટોપલીમાં દેખાય તે રીતે મૂકવામાં આવતાં.

સાતમી સદીમાં લખાયેલ 'હર્ષચરિત'માં પણ આ કુદરતી ઠંડાં પીણાં ઊર્જા, સ્ફૂર્તિ, ઠંડક તેમજ સર્વાંગી સ્વાસ્થ્ય માટે કેવાં જરૃરી છે તેનો મહિમા રજૂ થયો છે.

એક વાર મુગલ બાદશાહ બાબરે ધોલપુર ગામમાં આરસના પથ્થરોથી બનેલ એક તળાવ બનાવ્યું. બાદશાહને એવી ધૂન ચડી હતી કે આ તળાવ તેની માનીતી પ્રક્રિયાથી બનેલ શરાબથી ભરી દેવું.

આ તળાવ મુગલાઈ કલા કારીગીરી અને સ્થાપત્યની રીતે પણ બેનમૂન હોવું જોઈએ તેવો તેનો હુકમ હતો. શરાબના આ હોજમાં એક રજકણ પણ ઊડીને પડવી જોઈએ નહીં તેવી પણ તેણે બનાવનારાઓને કડક સૂચના આપી હતી. આ સંગેમરમરી, કલાત્મક હોજ બનતાં બે-ત્રણ વર્ષ નીકળી ગયા કેમ કે તેમાં કેટલાયે નવેસરથી સુધારા છેક આખરી સ્વરૃપ હોય ત્યારે જ બાદશાહ ફરમાવતા હતા.

આ દરમ્યાન અતિ નશાના રવાડે ચઢી ગયેલ બાબરને થયું કે આમ ને આમ તો હું શારીરિક અને માનસિક રીતે બરબાદ થઈ જઈશ. તેમણે શરાબનું સેવન નહીં કરવાની પ્રતિજ્ઞાા લીધી.

તેવામાં જ તેમની ઈચ્છા મુજબનો શરાબ માટેનો હોજ તો તૈયાર થઈ ગયો. ભારે પ્રયત્ન બાદ શરાબ છોડવામાં સફળ થયેલા બાબરે સખ્તાઈથી હુકમ કર્યો કે હોજને તોડી નાંખો.

ત્યાં જ દરબારના એક વૈદરાજે બાદશાહને ક્યું કે આટલા સુંદર હોજને તોડી નાંખવો તેના કરતા પ્રજામાં પણ કંઈ ઉદાહરણ બેસે તેવું પીણું તેમાં ભરીએ તો ?

બાદશાહે વૈદરાજને કહ્યું કે આ હોજમાં એવું પીણું ભરો કે પ્રજાનું સ્વાસ્થ્ય પણ સુધરે અને તેમના દિલને ઠંડક પણ મળે.

વૈદરાજે તરત જ બાદશાહનો બોલ ઝીલી લેતાં કહ્યું કે 'જહાંપનાહ, લીંબુનાં શરબત જેવું કોઈ પીણું નથી. આપ હુકમ કરો તો હોજમાં લીંબુનો શરબત ભરીએ. જેમની ઈચ્છા હોય તે રોજેરોજ આવતાં-જતાં લીંબુનો શરબત પી જશે.'

બાદશાહનો હોજ હોય એટલે કેવો હશે તેની કલ્પના કરી શકો છો અને તેનો હુકમ હોય એટલે કેવી ચોખ્ખાઈ રહેતી હશે તે પણ વિચારી શકાય.

જે જગાએ આ પ્રસંગ વાંચ્યો હતો તેમાં લખ્યું છે કે ઉપરોક્ત પ્રસંગ મુગલ સામ્રાજ્યના ઈતિહાસમાં નોંધાયેલ છે.

આવી ઘટના જોડી કાઢવામાં આવી હોય તેવું વિચારવાની જરૃર નથી કેમકે આજે જો ડગલે ને પગલે 'સોફ્ટ ડ્રિંક'ના ગલ્લા હોય કે હવે તો હાથલારીમાં પણ પેપર કપમાં મળતું હોય તો બાદશાહ પ્રજાને લીંબુ પાણી મળે તેવું નેટવર્ક કેમ ગોઠવી શકે નહીં.

ઘેર ફ્રીઝમાં મલ્ટીનેશનલ કંપનીનાં ઠંડાં પીણાંની બોટલો રાખવાની ફેશન થઈ ગઈ છે તમને ચા કે કોફીનું પૂછ્યા વગર તેને બનાવવાની કડાકુટમાં ના પડવું પડે એટલે સોફટ ડ્રિંક પીરસી દેવાતું હોય છે.

પશ્ચિમના દેશોની જેમ પાણીની જગ્યાએ ઠંડાં પીણાં જ પીવા માંડે તે દિવસો દૂર નથી. ફિલ્મસ્ટારો, ક્રિકેટરો, ટીવી ચેનલો, બધાં જ જાણે આવી ઝુંબેશમાં જોડાઈ ગયા છે.

અહીં આ સોફ્ટ ડ્રીંક કે મલ્ટીનેશનલ કંપનીને જાકારો આપવાની ઝુંબેશ માંડતો સ્વદેશી ચીજવસ્તુઓની ફરમાઈશ કરતો લેખ નથી લખ્યો પણ સોફ્ટ ડ્રીંકનું સેવન કરતાં એ પણ વિચારવાની જરૃર છે કે 'બુઝાયે અપની પ્યાસ' માટે આપણો કેવો વારસો હતો ?

આપણી નવી પેઢી, બાળકોને વાલીઓએ તે પીણાંઓ, શરબતોના સ્વાદ જ નથી ચખાડયો તો પછી તેઓનો શું વાંક ? માત્ર મલ્ટીનેશનલ કે પાશ્ચાત્ય સંસ્કૃતિની ટીકા કર્યે રાખવાથી કંઈ નહીં વળે. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે આપણે આપણી ચીજવસ્તુને વધુ લોકપ્રિય કે શ્રેષ્ઠ પુરવાર કરવાની વિદેશીઓની જેમ માર્કેટિંગ, પબ્લિસીટી સ્ટાઈલ શીખવાની જરૃર છે. સમાંતર વિકલ્પ, ગ્લેમરસ, ફિટનેસ, સ્ટેટસનું એલીમેન્ટ ઉમેરીને આક્રમક રીતે મૂકવો જોઈએ.

એક જમાનામાં ફળો ખૂબ મોંઘાં હતાં અને બાદશાહો, શ્રીમંતો જ ખાઈ શકતા હતા.

ત્યાર પછીનો તબક્કો એવો આવ્યો કે ફળો તો કોઈ માંદું હોય તો જ ખાય અથવા તો તેની ખબરઅંતર પૂછવા જતી વખતે જ લઈ જવાય. પણ હવે કૃષિ વિજ્ઞાાનની ક્રાન્તિ અને ટેકનોલોજીના લીધે ફળો બારેમાસ મબલખ ઉત્પાદન પામે છે અને તેની હેરાફેરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુલભ બની છે. 

ફિટનેસ માટેની જાગૃતિ, ઘેરઘેર  ફ્રીઝ, બદલાતી જતી પસંદ તેમજ માર્કેટિંગને કારણે ફળોની ખરીદી વધીતી જાય છે.

પાઇનેપલની લારીઓ, તરબૂચના પડાવ, ચીકુ, સફરજન, રાસબરી, કેળાં, નારંગી, દ્રાક્ષની પેટીઓ વગેરે શાકભાજીની જેમ મળે છે. સીઝનમાં સામાન્ય વર્ગ પણ તેની ક્ષમતા પ્રમાણે આ ફળો ખાય છે.

તમે તમારા પપ્પા કે દાદાને પૂછજો કે આટલાં ફળો તમે ખાતા હતા ? તો તરત જ તેઓ કહેશે કે ફળો ને સૂકા મેવા તો રાજાઓ ને શ્રીમંતોને ઘેર જ દેખાય અને તે પણ સ્ટેટસની જેમ ખાવા કરતાં ટોપલીમાં દેખાય તે રીતે મૂકવામાં આવતાં.

કહેવાનું એટલું જ કે આપણે જીવનના તમામ સ્તરે આપણા બાપ-દાદા કરતાં ઘણુંબધું સુખ ભોગવીએ છીએ.

આમ છતાં આપણને આ કુદરતી ફળો તેમજ તેના શરબતોની પરવા નથી.

તમે જાણો છો કે ૮૦ રૃપિયાના એક સારા પાઈનેપલમાંથી આઠેક કાચના મીડીયમ ગ્લાસ શરબત (જ્યુસ) તમારે ઘેર બનાવી શકાય ? માની લો કે ચાર ગ્લાસ બનાવાય તો પણ ગ્લાસ દીઠ વીસ રૃપિયા થાય છે.

માત્ર સસ્તું છે માટે નહીં પણ ફળોના જ્યુસની સ્વાસ્થ્ય, ઠંડકની રીતે સોફ્ટ ડ્રિંક કરતાં કેટલાયે ગણી મહત્તા છે. આવી જ રીતે અત્યારનાં ફળોના જ્યુસને ઘેર બનાવી તેની ગ્લાસ દીઠ કિંમત માંડશો તો લાગશે કે સોફ્ટ ડ્રિંક કે કૃત્રિમ શરબતોના ગ્લાસ કરતાં તે ઘણું જ સસ્તું પડશે. ફળોના રસનો સ્વાદ તો નિશ્ચિતપણે સોફ્ટ ડ્રિંક કરતા દસમાંથી આઠ જણાને ભાવશે જ.

તમે કોઈની મહેમાનગતિ કરતાં બરફનાં ટુકડાઓથી તરતું સોફ્ટ ડ્રિંક આપો અને પાઈનેપલ, નાળીયેર, લીબું, દ્રાક્ષ કે મોસંબીનો જ્યુસ આપો તો મહેમાનને વધારે શું ગમે તે તમે મહેમાન છો તેમ વિચારીને તુલના કરો.

આપણાં પરંપરાગત શરબતો, ફળોના જ્યુસ ખરા અર્થમાં ગરમીમાં તન-મનને શીતળતા ને આહલાદકતા આપે છે. મગજને રીતસરની ઠંડક આપે છે. હૃદય, કોલેસ્ટરોલ, સુડોળ શરીર, ચામડીની તાજગી માટે પણ તેનો કોઈ જવાબ નથી.

આની સામે સોફ્ટ ડ્રિંક એરેટેડ વોટરથી વિશેષ કશું જ નથી. તેમાં કોલેસ્ટરોલ વધારતી તેમજ તમતમાટી બોલતી 'જીંગ' છે. હૃદયરોગ, ડાયાબિટીસ, કોલેસ્ટરોલ તેમજ આંતરડાને પણ તે નુકસાન કરી શકે છે. ગળપણ માટે સેકરીન, લાંબો સમય ટકી રહે તે માટે રાસાયણિક પ્રિઝર્વેટર તેમજ ગેસની પ્રક્રિયાથી તે બને છે.

તેને માણવા માટે તે ફ્રીઝમાં ચીલ્ડ હોવું કે બરફના ટુકડા નાંખી પીવું અનિવાર્ય છે.

તમે સોફ્ટ ડ્રિંક બરફ વગર એમ ને એમ જ પીવાની કલ્પના કરી શકો છો ? કોઇ વખત પી જોજો તો ખ્યાલ આવશે કે તેની ફોર્મ્યુલા કંઇ હદે નુકસાનકારક હશે.

જ્યારે ફળોના રસ, તરબૂચ, ટેટી, નારિયેળ પાણી, છાશ વગેરે બરફ વગર સીધો જ પીવો તો પણ અનેરી ઠંડક મળશે. કુદરતી પીણાંની આ કમાલ છે.

અત્યારે લીલાં નારિયેળ પંદર-વીસ રૃપિયાનું એક મળે છે પણ આપણે તે પીતા નથી. મલ્ટીનેશનલ કંપની લીલાં નારિયેળનું માર્કેટિંગ જ્યારે હાથમાં લઈ લેશે ત્યારે દેશ આખો સ્ટેટસ અને ફેશનની જેમ નારિયેળ પીતો થઈ જશે પણ એ વખતે પેકિંગ કે બોટલમાં મળતું નારિયેળ પાણી પ્રોસેસ કરેલું અને ૪૦  રૃપિયામાં મળતું હશે.

અગાઉનાં વર્ષોમાં લીંબુનો શરબત પીવાતો હતો. મહેમાનને દહીં વલોવેલી છાશ આપવામાં આવતી તેમાં મીઠું કે ખાંડ પસંદગી પ્રમાણે નંખાતી. આજે પણ પંજાબમાં છાશનો કે લસ્સીનો મહિમા છે અને એ જ તેઓની તંદુરસ્તીનો રાજ છે.

તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુ.પી.માં ઠંડાઈ દૂધનું ગરમીમાં મહત્ત્વ છે. દૂધમાં યથાશક્તિ પૌષ્ટિક પદાર્થો ઉમેરવામાં આવે છે. બદામ, પીસ્તા પોસાય નહીં તેવા લોકો ચંદન, ગુલાબ, ખસ પણ નાંખે છે. તેવી જ રીતે ગરમીમાં લૂ લાગે નહીં તે માટે માત્ર પાણીમાં ગુલાબ, ખસના શરબત બનાવવામાં આવતા. આજે જેઓ શરબત પીવે છે તે કૃત્રિમ સ્વાદ, સુગંધ અને વસ્તુઓની મિલાવટનાં શરબતો પીવે છે. ઓરિજનલ ગુલાબ સીરપ, ખસ કે અન્ય ફલેવર વસ્તુ વપરાઈ હોય તેવી વિશ્વસનીય જગાએથી ખરીદી કરવી જોઈએ અથવા તો ઘેર તૈયાર કરવું જોઈએ.

કાચી કેચીનો શરબત પણ ગરમીમાં ને ગરમ પ્રદેશમાં ખૂબ પ્રચલિત હતો. કાચી કેરીને બાફી તેના દળના ભાગનો કૂચો કરીને તેમાંથી શરબત બનાવાતો જેમાં કાળાં મરી, જીરુ, ખાંડ વગેરે નાંખવામાં આવતું. વરીયાળી, જલજીરા, ફુદીનો, આંદુ અને કાહવો પણ આપણી પેય પદ્ધતિમાં નિયમિત સ્થાન મેળવે તે પ્રકારનું વાતાવરણ સર્જવું જોઇએ.

કૌટિલ્યના 'અર્થશાસ્ત્ર'માં ઠંડક માટે છાશ પીવાની હિમાયત કરવામાં આવી છે. પ્રસિદ્ધ ચિકિત્સક સુશ્રુતે તેમના ગ્રંથમાં શેરડીના રસની પ્રમાણસર માત્રાનું સૂચન કર્યું છે.

સાતમી સદીમાં લખાયેલ 'હર્ષચરિત'માં પણ આ કુદરતી ઠંડાં પીણાં ઊર્જા, સ્ફૂર્તિ, ઠંડક તેમજ સર્વાંગી સ્વાસ્થ્ય માટે કેવાં જરૃરી છે તેનો મહિમા રજૂ થયો છે.

જોકે જૂના જમાનામાં તેમાં બરફ ઉમેરવાનો ઉલ્લેખ નથી કરાતો પણ પ્રકૃતિને અનુકૂળ હોય તો ચોખ્ખો બરફ કે ઠંડક તેમાં ઉમેરી શકાય. ફાલસાનો શરબત પણ ઉનાળામાં વૈદ્યરાજો સૂચવે છે.

રાજસ્થાનમાં તો દૂધ કે દૂધમાં ઉમેર્યા વગર કેસર, ચંદનનો શરબત લોકપ્રિય છે. આપણને ખસના ઘાસ પર પાણી છાંટતાં ઠંડક મળે છે તો તેના બીજના રસમાંથી બનેલા શરબતની તો વાત જ શી કરવી ?

હવા ખાવાનાં સ્થળોએ મળતું જલજીરા શરબત પણ ભારે ઠંડક આપે છે. સુગંધ અને શરબતની સંસ્કૃતિ આપવામાં મુગલ કાળનું યોગદાન છે. નૂરજહાંએ ગુલાબનાં અત્તર અને શરબત સૌ પ્રથમ તૈયાર કરાવડાવ્યા હતા.

મહેફિલોમાં શરબતો પીરસવામાં આવતા હતા તેના પરથી જ આપણે ત્યાં લગ્નમાં બારાતીઓનું સ્વાગત કોઈ ગુટખાથી નહીં પણ રંગબેરંગી શુદ્ધ શરબતોથી થતું. લગ્નસમારંભમાં શરબતના પ્યાલાઓ ફરે ત્યારે બાળકોથી માંડી વૃદ્ધોની જઠારાગ્નિ જાણે જ્યોત પ્રગટવા માડતી.

કોઈ સારા માર્કે પાસ થયું હોય કે શુભ પ્રસંગની શુભેચ્છા આપવા જે તે ઘેર જાય ત્યારે ઘરનાં હોંશીલા વ્યક્તિ મોટા તપેલામાં શરબત બનાવવા બેસી જતા ને જે આવે તેને શરબત પીરસવામાં આવતો હતો. બાળકો તો બે-ત્રણ ગ્લાસ કોઈને ખબર પડે નહીં તેમ તેણે પી લીધા તેમ કહી નિર્દોષ બડાશ મારતા હતા.

આજકાલની ગૃહિણીઓને પણ આ મુલ્યો જાળવવાની પરવા કે હોંશ નથી, તેથી ફાસ્ટફુડની જેમ ફાસ્ટ રેડીમેડ કૃત્રિમ ડ્રીંક પીરસી દે છે. તે બધાં કરતાં સૌથી મોટું પરિબળ એ છે  કે આપણી કંપનીઓ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ટીવીમાં રેસીપી રજૂ કરતાં કાર્યક્રમો બધા જ આપણી વિશ્વશ્રેષ્ઠ ખાદ્યસામગ્રી, પીણાં, સ્વાસ્થ્ય સિસ્ટમને ગ્લેમરસ, માર્કેટિંગ કરવામાં નિષ્ફળ ગયા છે. હવે તો સોફ્ટ ડ્રિંકની જગ્યાએ વ્હીસ્કી અને વાઇન મેટ્રો કલ્ચરમાં ફેશન બનતા જાય છે.

મલ્ટીનેશનલ કંપનીને તેમની પ્રચાર સ્ટાઈલ માટે દાદ આપવી પડે. આપણને આપણામાં આત્મવિશ્વાસ નથી. બીજાની નજરમાં આપણે કેવા લાગીએ તે જ પુરવાર કરવામાં આપણે જીવન બરબાદ કરીએ છીએ. ગાડરિયા પ્રવાહમાં આપણે ભળીએ નહીં તો આપણે લઘુતાગ્રંથિ અનુભવવા લાગીએ છીએ.

વિદેશી કંપનીઓ, એડ્વર્ટાઇઝિંગ જગત આ પરિબળોનો ધરખમ ફાયદો ઉઠાવે છે. આપણે રાતોરાત સોફ્ટ ડ્રિંકની ઘૂસી ગયેલ આદત છોડી ન શકીએ તો કંઈ નહીં પણ સાથે સાથે આપણા પરંપરાગત શરબતો, ફ્રુટ જ્યુસ, છાશ જેવાં પીણાંઓની પણ ઘરમાં હાજરી રાખીએ તેવું કરી શકીએ. જો કે હવે પંતજલિ જેવી કંપની મલ્ટીનેશનલ કંપનીઓને ભારે પડી રહી હોઇ પેપ્સી અને કોક પણ ફ્રૂટ જ્યુસમાં રીયલ અને ટ્રોપોનિકાની જેમ મેદાનમાં ઉતરવા મજબૂર બન્યા છે તેવા સમાચાર છે.

પરંપરાગત પીણાં સિવાય કોઈ વિદેશી કંપની દાવો કરતું હોય કે તેના પીણાં  પ્યાસ બુઝાવે છે તો તે 'બાકી ઓલ બકવાસ', જ સમજવો. અને છેલ્લે... આપણે પંદર રૃપિયાની સોફ્ટ ડ્રીંકના ભાવતાલ નથી કરતા, રેસ્ટોરાંમાં કે અમુક જાહેર સ્થળોએ તો તેના પંચાસ રૃપિયા લેવાય તો પણ કોઈપણ જાતના વિરોધ વગર તે ચૂકવીએ છીએ પણ બિચ્ચારો ખેડૂત કેટલીયે મહેનત પછી નારગી કે મોસંબીના ડઝનના ૮૦ રૃપિયા કહેશે તો આપણે તેને તાડૂકીને નિચોવી લેતાં કહીશું કે પ૦  રૃપિયે ડઝન આપવાં હોય તો આપ !
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments