Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું એકાંત અનુભવું છું, પણ એકલતા નહીં

ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ કવિ નિરંજન ભગતનું નિધન થયું. તેમના નિધનથી ગુજરાતી કવિતામાં ખરા અર્થમાં એક યુગ આથમી ગયો. ભગત સાહેબનું સર્જન તો માતબર હતું જ, તેમનું વ્યક્તિત્વ પણ એટલું જ નિરાળું હતું. તેમના સ્નેહીજનો તેમની સાથેના સંભારણાને વાગોળે છે તેમાંથી ભગત સાહેબના પ્રેમાળ, અનોખા વ્યક્તિત્વનો પરિચય થશે.

ભગત સાહેબની સપ્તરંગી દુનિયા

ભગત સાહેબ ૩૦-૩૫ વર્ષથી રોજ સાંજે કોઇને કોઇ સ્નેહીજનને ઘેર ગોઠડી કરતા હતા. અઠવાડીયાના સાત દિવસની સાંજ એમણે પોતાના સાત અંતરંગ સ્નેહીઓને ત્યાં વહેંચી દીધેલી. એમની એ દરેક સાંજ જાણે કે જ્ઞાનશિબિર હોય એટલી વિદ્યાસભર રહેતી! એમના આવા સાત દિવસો આ મુજબ હતા.

સોમવાર પ્રફુલ્લ અનુભાઇ પરિવાર
મંગળવાર શૈલેષ પારેખ પરિવાર
બુધવાર ચિંતન શાહ (ધનપાલભાઇ) પરિવાર
ગુરુવાર ગોવિંદીનીબેન (ગીનીબેન),દિલીપભાઇ શાહ પરિવાર
શુક્રવાર ચિંતન પરીખ (આશીમા) પરિવાર
શનીવાર સૌરભ શોધન પરિવાર
રવિવાર    ડૉ.રૃપેશ-પ્રીતિબેન મહેતા પરિવાર

નિરંજન ભગતના પુસ્તકો

કાવ્યસંગ્રહો : છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, ૩૩ કાવ્યો, પ્રવાલ દ્વીપ, છંદોલય બૃહદ્,

વિવેચન સંગ્રહો : કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો,કવિ ન્હાનાલાલ (પરિચય પુસ્તિકા),  ન્હાનાલાલની ઊર્મિ કવિતા,  સ્વાધ્યાય લોક ભાગ-૧ થી ૫, ઉમા શંકર અને આધુનિકતા, યંત્રવિજ્ઞાાન અને મંત્રકવિતા, આધુનિક કવિતા : કેટલાંક પ્રશ્નો, મીરાંબાઇ, ડબલ્યૂ. બી.યેટ્સ, ટી.એસ.એલિયેટ, મીરાં, વિક્ટર હ્યુગો, વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ, સ્વાધ્યાયલોક

ગ્રંથશ્રેણી : ૧-૮.

અનુવાદો : ચિત્રાંગદા (રવીન્દ્રનાથના નાટકો), ઓડનના કાવ્યો, ધ વિઝન ઓફ વાસવદત્તા, રવિન્દ્ર કવિતા : એકોત્તરશતી, યોબ, અષ્ટપદી

સંપાદન : પ્રો.બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, સુંદરમ્ : કેટલાંક કાવ્યો, અમદાવાદમાં રવીન્દ્રનાથ,  મડિયાનું મનોરાજ્ય,  રાજેન્દ્ર શાહ અધ્યયનગ્રંથ, હરીશચંદ્ર ભટ્ટ અધ્યયન ગ્રંથ, શિવ પંડયાના કાવ્યો, બાપુની બિહારયાત્રા.
 

ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માન પ્રસંગે

૧૯૭૫માં મુંબઇમાં કવિતા અંગેના એક કાર્યક્રમમાં જવાનું થયું હતું, ત્યારે મારા મિત્ર મરાઠી કવિ મંગેશ પાડગાંવકરે મને પ્રશ્ન પૂછ્યો હતો, 'તેં તારું છેલ્લું કાવ્ય ક્યારે લખ્યું ? અને મેં ઉત્તર આપ્યો હતો, '૧૯૫૮માં'. ત્યારે એમણે મને કોઇ વિદગ્ધ વિદૂષકના કરુણ વ્યંગ સાથે કહ્યું હતું, 'એટલે કે તે અઢાર વર્ષથી એક પણ કાવ્ય કર્યું નથી.

અમારા  મહારાષ્ટ્રમાં કોઇ કવિ આટલાં વરસ કાવ્ય ન કરેને તો કોઇ એને યાદ પણ ન કરે !' જો કે ત્યારે મેં એમને કોઇ ધીરોદાત્ત નાયકના ગર્વિષ્ઠ હાસ્ય સાથે કહ્યું હતું, 'કોઇ યાદ કરે કે ન કરે એ તો ઠીક, પણ મેં જ્યારે કાવ્યો કર્યા છે ત્યારે એવા કાવ્યો કર્યા છે કે હજુ એને વાંચનારા પણ જન્મ્યાં નથી, એ તો હજુ સોએક વર્ષ પછી જન્મશે.'
- નિરંજન ભગત, ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માન પ્રસંગે

બંગાળી કવિતાથી શરૃઆત

ટાગોરની રચનાઓના અસલી મર્મને પામવા નિરંજન ભગતે બંગાળી ભાષા શીખી હતી કારણ કે 'ગીતાંજલિ' એ તેમને ગહન વિચારશક્તિ આપી હતી. બંગાળી શીખ્યા બાદ તેમણે બંગાળીમાં લેખન પર પણ હાથ અજમાવ્યો હતો. ગીતાંજલિ'ની શૈલીમાં તેમણે ૧૦૦ જેટલી અંગ્રેજી કવિતાઓ લખી હતી. 

ભગત સાહેબે કહ્યુ હતું  કે ભારતના ઉપનિષદો અને ધર્મગ્રંથોનો અવાજ આજે સેંકડો વર્ષ પછી જો કોઈ કવિઓની રચનામાં સાંભળવા મળતો હોય તો તે નરસિંહ મહેતા અને રવીન્દ્રનાથ ટાગોર છે. પશ્ચિમમાં નરસિંહ અને પૂર્વમાં રવીન્દ્રનાથ, બન્નેએ ઓછા શબ્દોમાં ઘણું વઘુ અને ગૂઢ સમજાવ્યું છે.

નરસિંહની કવિતાઓમાં છંદ અને અલંકારો હતા જ્યારે રવીન્દ્રનાથની કવિતાઓમાં ઉદગારો અને ઉપમાઓ હતી. ૧૯૪૩માં તેમણે ગુજરાતીમાં સોનાળુ નામનું ગીત લખ્યું હતું. જો કે આ ગીત લખતા પહેલા તેમણે બંગાળી લખી હતી. આમ તેમણે ગુજરાતી રચના પહેલા બંગાળી રચનાઓ લખી હતી

વાંચવાની શિખામણ

હું નાનપણથી એમની સાથે ઉછરી છું. મારા વ્યક્તિત્વનો આખો ત્રીજો ભાગ નિરંજનકાકાની દેન છે. મારા પિતા અને ઉમાશંકરના ભાઇ દેવેન્દ્ર જોશી એમના ખાસ મિત્ર. અમે બહાર રહેતા. એથી ઉનાળાના અને દિવાળીના વેકેશનમાં અમદાવાદ આવીએ. જે દિવસે આવીએ એ જ દિવસે તેઓ મને રિલીફ રોડ પરના સસ્તુ કિતાબ ઘરમાં લઇ જાય અને લેવા જેવા બધા જ અંગ્રેજી ક્લાસિક્સ અપાવે.

હાથમાં તેનો આખો ઢગલો થઇ જાય, ઊંચકાય પણ નહીં. પછી એ બધું વાંચ્યું કે નહીં ? એની ય દરકાર રાખે અને ચર્ચા કરે. હું એટલી નાની હતી કે તેમણે ધાર્યું હોત તો રમકડાં પણ અપાવી શકત, પણ નાની ઉંમરથી જ વાંચવાનો શોખ કેળવાય, એ શીખામણ તો નિરંજનકાકા પાસેથી જ મને મળી.
- ડૉ. પ્રીતિબેન મહેતા, અંતરંગ સ્નેહી

હું લાકડીને ચલાવું છું.

થોડા વર્ષો પહેલાં ભગત સાહેબને વધતી ઉંમરને કારણે ડૉક્ટરે સલાહ આપી કે હવે લાકડી લઇને ચાલવું પડશે. પણ આખી જિંદગી કોઇના ટેકા વગર ખુમારીથી ચાલતા ભગત સાહેબને હવે હાથમાં લાકડી લેતાં થોડો સંકોચ થતો હતો. આમ છતાં એમણે લાકડી પકડી તો ખરી, પણ પછી લોબીમાં ચાલતાં ચાલતા મને કહે જૂઓ રાજેન્દ્ર, એમ ન માનતાં કે આ લાકડી મને ચલાવે છે,પણ હું આ લાકડીને ચલાવું છું. આમ કહી એમણે લાકડી ઊંચી પકડી રાખીને ચાલવા માંડયું, અને અમે સહું હસતાં રહ્યાં !
- રાજેન્દ્ર પટેલ, સર્જક

સ્વાયત્તા એટલે.....

સાહિત્ય અકાદમી જેવી સંસ્થા રાજ્યના માહિતીખાતાનો એક વિભાગ હોય એવી પરાધીન નહિં પણ સ્વાધીન, સ્વાયત્ત હોવી જોઇએ એવો આ અકાદમીના આરંભથી જ આ બોલનારનો આગ્રહ હતો.
- નિરંજન ભગત, ૨૫ માર્ચ,૧૯૯૪
 

અજિત ભગત મેમોરિયલ લેક્ચર વખતે અમેરિકાના વિશ્વ વિખ્યાત ઈકોનોમિસ્ટ જ્હોન કેનેથ ગાલબ્રેથ તેમજ ડાબેથી ચોથા ભગત સાહેબના માતા મેનાબેન સાથેની તેમની પારિવારિક તસવીર.


યુવાવસ્થામાં ભગતસાહેબ, ઉમાશંકર જોશી અને ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ' સાથે..


૯૦મા જન્મદિવસે તેમના ત્રણ જૂના મિત્રો - દેવેન્દ્ર જોશી, ચુનિલાલ મડિયા અને ભાનુ ત્રિવેદીના પરિવાર સાથે ભગત સાહેબ. (ડાબેથી) પ્રથમ સ્વાતીબેન જોશી, ઉષાબેન ત્રિવેદી , ભગત સાહેબ, દક્ષાબેન મડિયા, ડૉ. પ્રીતિબેન મહેતા. (ઉપર ડાબેથી) મુનીર ઝવેરી, પૂર્વી મડિયા ઝવેરી, ડૉ. અપૂર્વ મડિયા, ડૉ. પારૃલ મડિયા, અમિતાભ મડિયા, ડૉ. રૃપેશ મહેતા અને ઈશિરા મહેતા. (તસવીર ડૉ. પ્રીતિબેન અને ડૉ. રૃપેશ મહેતાના સંગ્રહમાંથી)

ઝઘડા પછીનો પ્રેમ

ભગતસાહેબ છેલ્લાં ૩૦ વર્ષથી દર રવિવારે સાંજે ઘેર અચૂક આવે, અને જગતભરની ચર્ચાઓ ચાલે. સાહિત્ય ઉપરાંત તેઓ આખા વિશ્વના રાજકારણ અને સામાજિક નિયમોની વાતો કરે, પણ એમના દરેક વ્યુમાં એગ્રેસીવ જસ્ટીફીકેશન હોય. ગોળ ગોળ કોઇ વાત જ નહીં. દેવુભાઇ એમના ખાસ મિત્ર.તેઓ પણ  પણ ભગતસાહેબની ચર્ચામાં જોડાય. એકવખત પંડિત નહેરુ અને સરદાર સાહેબની સરખામણી શરુ થઇ. ચર્ચાનો દોર ધીમે-ધીમે ઉગ્ર રૃપ ધારણ કરવા માંડયો. એમાં વળી કાશ્મીરનો સળગતો પ્રશ્ન આવ્યો, એટલે ચર્ચા વધુ તેજ બની.

અમારા ડ્રોઇંગરૃમમાંથી એવી તો બૂમાબૂમ બહાર ગઇ, કે પડોશીઓને થયું કે અહીં ચોક્કસ મોટો ઝઘડો થયો છે. કોઇ તરત તો પૂછવા ન આવ્યું, પણ જ્યાં ચર્ચા પતી ત્યાં ફરીથી બધા હસી-મજાકમાં આવી ગયા. તેમને આ સ્પીરીટ હતો કે મુદ્દા આધારીત જ એમનો રોષ હોય. પાંચ મિનિટમાં તો પાછા વડીલ-મિત્ર બની જાય. કહેવાનું હોય તે કડક રીતે કહ્યાં પછી પણ પ્રેમ કરી શકાય, એવું વલણ તો ભગત સાહેબ પાસેથી જ શીખી શકાય.
- ડૉ. રૃપેશ મહેતા,
અંતરંગ સ્નેહી


૧૪ લીટી ૬ મહિના ભણાવી

એકવાર મેં ભગતદાદાને કહ્યું કે આજે મને ઝેવીયર્સમાં અંગ્રેજ કવિ 'મિલ્ટન'નું 'ઑન હીઝ બ્લાઇન્ડનેસ' કાવ્ય ભણાવ્યું. એમણે સ્હેજ મલકાઇને પૂછ્યું કે એક જ કલાકમાં એ ભણાવી દીધું? મેં કહ્યું હા, એટલે તેઓ ખડખડાટ હસ્યા. પછી એ હાસ્યનું રહસ્ય કહેતાં બોલ્યાં : મેં ૮૦ના દાયકે આ કાવ્ય એક ક્લાસમાં ૬ મહિના સુધી ભણાવ્યું હતું. આમ તો એ ૧૪ લીટીનું સોનેટ. મેં એના નિમિત્તે સ્ટુડન્ટ્સને આખો 'મિલ્ટન' ભણાવી દીધો. એ કમ્પલેઇન પ્રિન્સીપાલ જોડે ગઇ.

એમણે મને બોલાવીને કહ્યું ત્યારે મેં આચાર્યને સણસણતો સવાલ કરેલો કે તમે મારા ક્લાસમાં હતા? મેં સોનેટની પહેલી છ અને બીજી આઠ લટીના ચરણના બે તબક્કામાં તો 'મિલ્ટન' અને તેના યુગના સાહિત્યની બધી જ ચર્ચાઓ કરી છે. એ કાવ્ય તો માત્ર એક નિમિત્ત હતું.
- શૈલજાબેન ૫ટેલ,
ભગત સાહેબના વિદ્યાર્થિની


અમદાવાદ વિશે જાણતા હોય એ રીતે ભગતસાહેબ પેરિસ વિશે જાણતા હતા

દર શુક્રવારે સાહેબ અમારા ઘરે આવતા.  ભગત સાહેબ સાથે ચર્ચા કરતી વખતે લાગતું કે જાણે આખા વિશ્વના કવિઓ મારા બારણે આવીને ઉભા રહી જતા!

૧૯૮૪માં અમે પેરિસ ફરવા ગયા. સાહેબ એ અરસામાં લંડન હતા એટલે એમને પેરિસ સાથે ફરવા આવવાની વિનંતી કરી. સાહેબ જેટલું અમદાવાદ વિશે જાણતા હોય એ રીતે પેરિસ વિશે પણ જાણતા હતા. તેમણે સાત દિવસ સુધી સાથે રહીને પેરિસના જાણીતા સ્થળો વિશે તો રસપ્રદ જાણકારી આપી જ, પણ અજાણ્યા સ્થળોએ લઈ જઈને પણ એ સ્થળોના ઐતિહાસિક, સાહિત્ય મહત્વથી પરિચિત કરાવ્યા. શેરી-નાટકો બતાવે, કવિઓ જ્યાં બેસતા હોય એ સ્થળોએ લઈ જઈને તેમની કવિતાઓ, તેમના સાહિત્યથી માહિતગાર કરે.

એક વખત મેં તેમને પૂછ્યું હતું : સાહેબ તમે આટલા વર્ષથી એકલા રહો છો. ક્યારેય એકલતા નથી લાગતી? જવાબમાં સાહેબે જે કહ્યું હતું કે હું ક્યારેય ભૂલી નહીં શકું. તેમણે કહ્યું હતું : હું એકાંત અનુભવું છું, પણ એકલતા ક્યારેય અનુભવતો નથી. ભગત સાહેબ પાસેથી એ દિવસે એકલતા અને એકાંત વચ્ચેનો તફાવત બરાબર સમજાયો હતો.     ચિંતન પરીખ, અંતરંગ સ્નેહી
 

મારા દીકરાઓને ભગત સાહેબ ભણાવતા હતા

હું કિશોરાવસ્થામાં હતો ત્યારે ભગત સાહેબના એક રિલેટિવને ત્યાં કામ કરતા મારા ગામના એક ભાઈએ મને ભગત સાહેબને ત્યાં માણસની જરૃરિયાત હોવાનું જણાવ્યું હતું. ભગત સાહેબને એવા છોકરાની જરૃર હતી જે તેમની માતા અને ઘરની સંભાળ રાખી શકે. મારું કામ તેમને ગમ્યું પછી હું તેમના ઘરના સભ્ય જેવો બની ગયો. ભગત સાહેબ મારા માટે પિતાતુલ્ય હતા. મારા પરિવારની પણ ચિંતા કરતા. એક વખત મારી સાથે રાજસ્થાન પણ આવ્યા હતા અને પાંચેક દિવસ અમારા પરિવાર સાથે રહ્યા હતા. એ દિવસોમાં જયપુર અને આસપાસના જોવાલાયક સ્થળોએ પણ અમે સાથે ગયા હતા.

મારા બે પુત્રોના અભ્યાસ વિશે માહિતી મેળવતા. વેકેશનમાં મારા પુત્રો અમરસિંહ અને જયદીપ સિંહ અમદાવાદ આવે ત્યારે ભગત સાહેબ તેમને અંગ્રેજી શીખવતા. તેમને જ્ઞાાન મેળવવા ભારપૂર્વક કહેતા. મને ય સૂચન કરતા કે છોકરાઓને પોતાની રીતે જે ગમતું હોય એ ક્ષેત્રમાં કારકિર્દીમાં બનાવવા દેવાની. આપણે ગમે એ ફિલ્ડમાં જ આગળ વધે એવો આગ્રહ રાખવાનો નહીં. તેમને ગમતું હશે એમાં આગળ વધશે તો કંઈક કરી બતાવશે. મને દરેક પ્રકારે મદદ કરતા અને પુત્રની જેમ સાચવતા.

ભગત સાહેબ બપોરે એક જ વખત ઘરે જમતા. બપોરે એકદમ સાદું ભોજન પસંદ કરતા. દાળ-ભાત-શાક-રોટલી એ તેમનો લગભગ દરરોજનો ખોરાક હતો. ક્યારેક ભાખરી ખાતા. તેલવાળું કે ગળ્યું ખાવાનું પસંદ કરતા નહોતા.
 

જગતસિંહ રાજપુત (૩૦ વર્ષથી ભગત સાહેબના કેરટેકર)

ટાગોર માટે ગુજરાતના આઇન્સ્ટાઇન

આમ તો હું એક નોકરીયાત, પણ સાહિત્યમાં પહેલેથી રસ. ભગતસાહેબને તો હું એચ.કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણતી ત્યારથી વાંચતી. પણ વધારે પરિચય રવીન્દ્રભવનની અમારી મીટીંગો અને લેક્ચરોમાં થયો. તેમને હું અર્વાચીન ઋષિ કવિ કહીશ. તેમાંય ટાગોર સાહિત્યમાં એટલા ઓતપ્રોત કે ન પૂછોને વાત. ટાગોરના સાહિત્યનો કોઇ ખૂણો એવો નહીં હોય, જે ભગત સાહેબના મોઢે ના હોય. ટાગોર માટે તો એ ગુજરાતના આઇન્સ્ટાઇન હતા. હું તેમને રવીન્દ્રનાથ માટે હાલતા-ચાલતા જ્ઞાાનકોષ (એન્સાઇક્લોપિડીયા) તરીકે ઓળખું છું.

- કાદંબરીબેન દવે શાહ,
ભગત સાહેબના વિદ્યાર્થિનીવર્ષ ૨૦૦૦માં પ્રફુલ્લ અનુભાઈના પૌત્ર કબીર સાથે...

મારે નિરંજન ભગત કોફીહાઉસ બનાવવું છે.

મારા પિતાજીએ ટાઉનહોલના કેમ્પસમાં ડાબી બાજું શરું કરેલું હેવમોર પાર્લર ભગત સાહેબનો જાણે કે અડ્ડો. ૧૯૬૫થી દસ-બાર વર્ષ સુધી અમારું હેવમોર જ એમની સાહિત્ય ચર્ચાઓની ઓફિસ બની ગયેલું. અમારે ત્યાં પ્રો. વોરા, જ્યોતિ ફોટોગ્રાફર, વીરબાબુ, મનીષી જાની જેવાં કેટલાંક ભગત સાહેબને સાંભળવા ને વાતો કરવા આવે. સાહેબ એમને દુનિયાભરનું સાહિત્ય સમજાવે, પણ જો શાંતિથી કોઇ ના સાંભળે તો ગુસ્સે થઇ જાય. એમનો ગુસ્સો પણ એટલો ભારે. એકવાર એમણે બૂમ પાડી કે કોફીમાં મીઠું છે. ત્રણ-ત્રણવાર અમે કોફી બદલીને મોકલી,

પણ એ તો એમાં ખારાશની જ બૂમાબૂમ કરે. મેં જઇને જોયું તો તેઓ વાતોમાં એટલાં મશગૂલ હતા કે ટેબલ પરથી ખાંડને બદલે સફેદ લાગતા મીઠાને કોફીમાં ઠપકારીને પીતા'તા. મેં ચેક કર્યું, ત્યારે ખડખડાટ હસી પડયા. મારા હેવમોરમાં એમણે જ ઘરાકી જ વધારી દીધી'તી. મને કોઇ ખુલ્લી જગ્યા કે ગાર્ડનમાં એમના નામે કોફી હાઉસ કરવાની તમન્ના છે.

- પ્રદીપ ચોના (હેવમોરના માલિક)

ભણવું છે કે ભાવતાલ કરવો છે?

એ વર્ષ હતું ૧૯૬૫નું. હું ઝેવીયર્સમાં ભણું, ત્યારે ભગત સાહેબ GLSમાં ભણાવતાં. મને કોઇકના દ્વારા ખબર પડી તેથી ડાયરેક્ટ એમની પાસે મેટાફીઝીકલ પોએટ્રી શીખવા ગઇ. હેવમોરની સાંજ એ અમારો ક્લાસરૃમ. તેઓ મને સાહિત્ય ભણાવતા નો'તા, પણ સાહિત્યનો અનુભવ કરાવતા હતા.

કારણ કે નિરંજન ભગત સાહિત્ય લખતાં નો'તા, પણ સાહિત્ય જીવતા હતા. મને તો થોડા દિવસ પછી પૈસાની ચિંતા થવા માંડી. એક દિવસ મેં હિંમત કરીને એમને પૂછ્યું કે આ ટયુશનની ફી કેટલી? એ કશું ના બોલ્યાં, એટલે મેં બીજા દિવસે ભારપૂર્વક પૂછ્યું. ભગત સાહેબે તો જોરથી ચોપડી બંધ કરી, ટેબલ પર હાથ પછાડી, રાડ નાંખી કે 'તારે ભણવું છે કે ભાવતાલ કરવો છે? હું અહીં વિદ્યા વેચવા નથી આવતો, વહેંચવા આવું છું.

' એ દિવસે મને એમનામાં જે એક આધ્યાત્મિક શિક્ષકના દર્શન થયા છે, એને હું જીવનની ધન્ય ઘડી માનું છું. એમના જીવનની સૌથી મોટી વિશેષતા ઇન્ટીગ્રેટી હતી. તેઓ આચાર, વિચાર અને વાણીની અસરકારક એકરૃપતાના માણસ હતા, અને તેથી એમના મોઢેથી નીકળતો એક-એક શબ્દ વિદ્યાર્થીને આરપાર ઉતરી જાય એટલો જીવંત બનતો. ગીતાના કર્મયોગનું જીવંત ઉદાહરણ એટલે નિરંજન ભગત.

- ડૉ.ગોવિંદીનીબેન શાહ (ગીનીબેન), અંતરંગ સ્નેહી


સાહિત્ય ૫રિષદના પુસ્તક મેળામાં બાળકો સાથે ભગત સાહેબ

મારું કામ મનોરંજનનું નથી

નડીઆદમાં મણિલાલ નભુભાઇ અને બાળાશંકર કંથારીયા વિશેનો સેમિનાર હતો. હું ગોવર્ધનરામના ઘરમાં યોજાયેલા એ સેમિનારના આયોજકોમાંનો એક. સાંભળવા માટે અમે ઘણી કૉલેજોના સ્ટુડન્ટ્સને પણ બોલાવેલા, અને ઉદ્ઘાટન લેક્ચર નિરંજન ભગત આપવાના હતા.

ભગતસાહેબ જેવા સ્થળ ઉપર પહોંચ્યા કે મેં તરત એમને સાઇડમાં જઇને કાનમાં કહ્યું કે 'સાહેબ, ઘણાં સ્ટુડન્ટ આવ્યાં છે, થોડું સમજાય એવું કહેજો' આ સાંભળીને તેઓ મારી સામે તાડુક્યા. હાથમાં હતો તે કોફીનો ગ્લાસ બાજુની પાળી ઉપર મૂકીને આવજોની મુદ્રામાં બોલ્યા : 'હું આ ચાલ્યો ભાઇ, મારે અહીં મનોરંજન નથી કરવાનું, પણ ભણાવવાનું છે.

તમે કહો તો ભણાવું, નહીં તો ચાલતી પકડું' હું તો સ્તબ્ધ. માફી માંગીને મારો ભાવ સમજાવવા માંંડયો. એટલે બીજી જ ક્ષણે હસીને કહે, 'છોકરા ચિંતા ના કરીશ, મને સમજ પડે છે !' આજે જ્યારે ચોતરફ તાળીઓ પડાવાની લોકપ્રિયતાનો કાળો કળીયુગ વ્યાપ્યો છે ત્યારે ભગત સાહેબની વિદાય જાણે કે એક આખા સત્વશીલ સતયુગની વિદાય થઇ હોય તેવી લાગે છે.

- પ્રો. હસિત મહેતા

ઑપરેશનમાં પણ હસતા રહ્યા

મારા પિતા ચુનિલાલ મડીયાને કારણે અમારે નિરંજનકાકા સાથે બે પેઢીનો સંબંધ. પણ એક પેશન્ટ તરીકે મેં એમને જેટલા હળવા, ઓબેડીયન અને પરફેક્શનીસ્ટ જોયા છે, તેટલાં આજ સુધી કોઇને નથી જોયા. એમને જ્યારે મેં એન્જ્યોગ્રાફીના ટેબલ ઉપર જ કહ્યું કે હવે બાયપાસ કરવી પડશે, તો કહે : કરવા માંડો અત્યારે જ, કોની રાહ જૂઓ છો ? એકવાર એમના આંતરડામાં ગેંગરીન થયેલ

ઑપરેશન કરવાની ઇમરજન્સી હતી. પણ એમના સ્નેહીઓ મને રોકે અને ઑપરેશન વગર બીજો કોઇ ઉપાય કાઢવાનું કહે. પણ તેઓ મારી પડખે રહ્યાં, અને બિન્દાસ ઑપરેશન કરાવ્યું. એ દિવસોમાં ય મેં એમના મોઢા પરથી કદી હાસ્ય જતું રહ્યું હોય, એમ જોયું નથી.

- ડૉ. અપૂર્વ મડીયા, સર્જન

અમારા ઘરની મેક્સિકન ડિશ તેમને બહુ ભાવતી

અમે એલિસબ્રિજ પાસે રહેતા ત્યારે સપ્તાહમાં એકથી વધુ વખત પણ મળવાનું બનતું. ૧૯૮૮થી ભગત સાહેબ સપ્તાહમાં એક વખત ઘરે અચૂક આવતા. દર શનિવારે ભગત સાહેબ અમારા ઘરે આવતા. તેમનો ખોરાક બહુ ઓછો, પણ જમવાના શોખીન ખરા. આમ તો તેમને અમારા ઘરની ઘણી બધી વસ્તુઓ પસંદ હતી, પણ ઘણી વખત મેક્સિકન ડિશની ઈચ્છા વ્યક્ત કરતા.

ભગત સાહેબ સાથે ફરવાનું પણ બહુ બન્યું છે. બધા મિત્રો સાથે ગોવા ગયા હતા. ૧૯૯૧માં અમે પરિવાર સાથે લંડન ફરવા ગયા હતા. ભગત સાહેબ ત્યાં પહેલાંથી જ હાજર હતા. તેઓ લંડનથી ખૂબ જ પરિચિત. તમામ બાબતોની ઉમદા જાણકારી ધરાવતા ભગત સાહેબની તબિયત એ દિવસોમાં થોડી ખરાબ હતી. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યા અમે જ્યાં ઉતર્યા હતા તેનાથી એકાદ કલાકના અંતરે હતી, છતાં દરરોજ સમયસર ભગતસાહેબ અમારે ત્યાં આવી જાય અને આખો દિવસ અલગ અલગ સ્થળોએ ફરવા લઈ જાય. પછી સાંજે અમારા ઉતારા સુધી મૂકીને જતા રહે.

લગભગ ચાર-પાંચ દિવસ તેમણે નાદુરસ્ત તબિયત વચ્ચે પણ આ ક્રમ જાળવીને મને મારી પત્નીને અને એ વખતે ટિનેજના બે સંતાનોને આખુ શહેર બતાવ્યું હતું. અંગ્રેજી પોએટની કબરનો પરિચય કરાવે ત્યારે ત્યાં બેસીને તેમની જાણીતી કવિતાઓ પણ સંભળાવે. ભગત સાહેબની ખૂબી એ હતી કે તેઓ નરસિંહ મહેતા, મીરાંબાઈથી લઈને અંગ્રેજી સાહિત્યકારો સુધી એક સરખી સજ્જતાથી બોલી શકતા. સાહેબને એક વખત મળે તે તેમને ક્યારેય ભૂલી ન શકે એવું તેમનું વ્યક્તિત્વ હતું.    - સૌરભ શોધન, અંતરંગ સ્નેહી


ખૂબ જૂના અને આત્મીય મિત્ર દેવેન્દ્ર જોશી સાથે ભોજન લઈ રહેલા ભગતસાહેબ.

પગથિયા પર બે કલાક સમજાવ્યું

હું કૉલેજના બીજા વર્ષમાં હતો ત્યારે ભગત સાહેબનું એચ.કે. આર્ટ્સ કૉલેજમાં લેક્ચર હતું. સવારે ૧૦ થી ૧૧.૩૦ સુધી 'લીટરેચર અને સાંપ્રત સમાજનું પ્રતિબિંબ' વિષય પર મનનીય પ્રવચન આપીને ભગત સાહેબ પહેલા માળેથી નીચે ઉતરતા હતા.ત્યારે મેં અને મારા વર્ગના મિત્રોએ ભગત સાહેબ સાથે પગથિયા ઉતરતાં પૂછ્યું, '' સર, જ્યોફરી ચોસરની સેટાયરની સ્ટાઇલ અદ્ભૂત છે, પરંતુ ૧૪મી સદીનું અંગ્રેજી બહુ સમજાતું નથી અને ટ્રાન્સસ્ક્રીપ્ટ વાંચવામાં બહુ મઝા આવતી નથી.

તો એ સમજવા શું કરવું જોઇએ?''ત્યારે એમણે સ્હેજ હસીને કહ્યું, ''આ પગથિયા પર દિવાલને ટેકો દઇને થોડીવાર ઉભા રહેવું જોઇએ.'' એમ કહીને તેમણે બપોરે ૧૨ થી ર વાગ્યા સુધી એક પગ ઉપરના અને એક પગ નીચેના પગથીયા પર રાખીને બે કલાક સુધી ચોસરની 'પ્રોલોગ ટૂ કેન્ટરબરી ટેલ્સ'ને તેના વિવિધ પાત્રો સાથે સુંદર રીતે સમજાવી. ૧૪મી સીદીની એરીસ્ટોક્રેટ ઇંગ્લેન્ડની પ્રજાના કેટલાય પાત્રોની ચોસરે કેવી ઠેકડી ઉડાડીને દંભનો પડદો ચીર્યો હતો એ ભગતસાહેબે પગથીયા પર સમજાવી દીધું.

- દક્ષેશ પાઠક, ભગત સાહેબના વિદ્યાર્થી
 

કવિતા કરવાનો ધક્કો

નિરંજનભાઇ ૧૯૪૧માં માત્ર ૧૫ વર્ષના હતા, ત્યારે રવીન્દ્રનાથના મૃત્યુના સમાચાર જાણીને તેમના 'ગીતાંજલી'ના કાવ્યો એમણે અંગ્રેજીમાં વાંચ્યા. એટલી નાની ઉંમરે એમને થયું કે આ કાવ્યો તો મૂળ બંગાળીમાં જ વાંચવા જોઇએ. એટલે જાતે બંગાળી ભાષા શીખ્યાં. એના કક્કાથી શરુઆત કરી અને આજે નિરંજન ભગતે આખા ગુજરાતને રવીન્દ્રનાથના સાહિત્યથી  ન્યાલ કરી દીધું છે.

તેઓ મને કહેતા કે રવીન્દ્રનાથના અવસાનથી જ મને કાવ્ય લખવાનો ધક્કો મળ્યો હતો. એમણે ગુજરાતીમાં લખ્યું એ પહેલાં બંગાળીમાં કાવ્યો રચ્યાં હતા. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત મોટાભાગના શહેરોમાં, દીલ્હી, કલકત્તા અને છેક અમેરીકા સુધી એમણે રવીન્દ્રનાથના સાહિત્ય ઉપર અગણિત લેક્ચરો આપ્યાં છે.

-શૈલેષ પારેખ, અંતરંગ સ્નેહી
 

Post Comments