Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોચર-અગોચર - દેવેશ મહેતા

મરણ બાદ પણ મૃત વ્યકિતનો પ્રિયજનો પર પ્રેમ ટકી રહે છે !

ચાર મહિનાથી ખોવાઈ ગયેલો એના મૃત પતિનો મૃદુ, હૂંફાળો, પ્રેમાળ સ્પર્શ પણ પ્રાપ્ત થયો ! તેના હાથ અને ગાલ પર જયોર્જે હળવેથી ચુંબન કર્યું હોય એવો એને અહેસાસ થયો.

'આ ઈ લવ યુ, માય ડિયર એનિડ. મને તારી ખૂબ ખોટ સાલે છે. હું તારું બહુ જ ધ્યાન રાખું છું. જો કે હું જાણું છું કે ભૂતકાળમાં હું એટલું ધ્યાન રાખી શક્યો નથી. પણ હવે વાત જુદી છે. મારે તને આ જણાવવું હતું એટલે જ આ પત્ર લખી રહ્યો છું.

એ વખતે મને થતું હતું કે પ્રેમ અને અંતરની લાગણીઓનો તો અહેસાસ કરાવવાનો હોય. એ શબ્દોથી પ્રકટ ના થાય. પણ આજે હું એની જરૃરત અનુભવું છું. હું જાણું છું કે તું મને સતત યાદ કરે છે. તારે મારી જરૃર છે. મારા વિના તું ભાંગી પડી છે. પણ હું તારી સાથે જ છું. એ જણાવવા તો આ પત્ર લખી રહ્યો છું.

મારી વાત માન. હવે તારે તારી જીવનશૈલી બદલવી જોઈએ. તું બધાની સાથે હળવામળવાનું રાખ. તારો વિષાદભર્યો ચહેરો જોઈને હું દુ:ખી થાઉં છું. તારે હસવું જોઈએ અને પ્રસન્ન રહેવું જોઈએ. કમ સે કમ મારે ખાતર તો હવે તું એમ કરજે. યાદ છે ને પાર્ટીમાં મેં તને કેટલી હસાવી હતી ? રજાના એ દવિસે આપણે કેટલી મોજ-મજા-મસ્તી કરી હતી. હું તારી પાસે નથી એટલે એમ ન માનીશ કે હું તારી સાથે નથી !

હું તારા શ્વાસોચ્છ્વાસમાં છું, તારા વિચારોમાં છું. તારા સ્વપ્નોમાં છું. અરે ! તારા જીવનની દરેક ઘટનાઓમાં તારી આગળ- પાછળ, ચારે બાજુ, હર પળ હું સાથે ને સાથે જ છું. તને મારો અહેસાસ સતત થતો જ રહેશે. હું તારી સાથે છું એનો દેખીતો અને બોલતો પુરાવો આ પત્ર જ છે !

તારો વ્હાલો જ્યોર્જ,

માર્ચ ૧૯,૧૯૯૪

૨૦ માર્ચ ૧૯૯૪ના રોજ એનિડને એના ડ્રોઅરમાંથી આ પત્ર મળ્યો. એ વાંચીને પ્રથમ તો તેને ભારે વિસ્મય થયો. પછી એની આંખમાંથી હર્ષના અશ્રુ સરવા લાગ્યા. એના હાથમાં એના પતિ જ્યોર્જનો પત્ર હોવા છતાં એને એ વિશે વિશ્વાસ નહોતો બેસતો. એ જાણતી હતી કે આ શક્ય નથી. એનો પતિ પત્ર ના લખે એટલા માટે નહીં.

પત્ર એનો જ હતો. એના લગ્નને ૩૦ વર્ષ વીતી ગયા હતા. એ એના પતિના અક્ષરોને ના ઓળખે એવું તો બને જ નહીં ને ! તો પછી વિશ્વાસ ન પડવાનું કારણ શું હતું ? એનું કારણ એ હતું કે એના પતિનું ચાર મહિના પહેલાં ડિસેમ્બર ૧૯૯૩માં મરણ થઇ ગયું હતું ! એના વિસ્મયનું કારણ એ જ હતું કે મૃત વ્યકિત પત્ર કેવી રીતે લખે ?

એનિડના મનમાં એક સામટા અનેક વિચારો ઉમટવા લાગ્યા. એક વિચાર એવો આવ્યો કે એના પતિએ ૧૯ માર્ચ ૧૯૯૩ના રોજ એટલે કે એક વર્ષ પહેલાં એ પત્ર લખ્યો હોય અને કદાચ ભૂલમાં શરત ચૂકથી ૧૯૯૪ લખાઈ ગયું હોય ! આવું પણ બન્યું હોઈ શકે ! પણ બીજી કેટલીક બાબતોનો વિચાર કરતાં એનિડને લાગ્યું કે એ શક્ય નથી.

જ્યોર્જ પોતાની દરેક બાબતમાં ખૂબ ચોકસાઈ ધરાવતો હતો. બીજી બાબત એ કે તેને પત્ર જે ડ્રોઅરમાંથી મળ્યો એ ડ્રોઅરનો ઉપયોગ તે રોજ કરતી હતી. જો જ્યોર્જે ૧૯૯૩માં એ લખીને ત્યાં મૂક્યો હોય તો કંઈ એક વર્ષ સુધી આવો મોટો ગડી પાડયા વગરનો ખુલ્લો કાગળ એના જોવામાં ના આવ્યો હોય એ શક્ય જ નહોતું. એ સિવાય એક અગત્યની બાબત એ હતી કે પત્રમાં જ્યોર્જે જે રજાના દિવસની પાર્ટીની વાત લખી હતી તે તો ૧૯ માર્ચ પછી મે મહિનામાં બનેલી ઘટના હતી.

એ ઉપરાંત અંતિમ બાબત એ હતી જો ૧૯ માર્ચ ૧૯૯૩ના રોજ એ પત્ર લખાયો હોય તો તેમાં જણાવ્યું હતું તેવો એનિડનો વિયોગ થાય, એને ભારે વિરહ સાલે એવા કોઈ સંજોગો એ વખતે હતા જ નહીં ! એટલે છેલ્લે એનિડને એ વિચાર આવ્યો કે એ પત્ર એના મૃત પતિએ બીજી દુનિયામાંથી લખ્યો હશે, એણે પ્રેત સ્વરૃપે આવીને ગઈકાલે રાત્રે જ એ એના ડ્રોઅરમાં મૂકી દીધો હશે !

પત્ર મળ્યા પછી એનિડની ખુશીનો પાર ના રહ્યો. એની ડિપ્રેશનની હાલતમાં પણ સુધારો આવી ગયો. જ્યોર્જ એની સાથે જ છે એવી પ્રતીતિ થતાં એનામાં હિંમત આવી ગઈ. તે બધાની સાથે હળવા મળવા લાગી. એના ચહેરા પર પ્રસન્નતા છલકાવા લાગી.

એનિડની દીકરીઓને પણ એની મમ્મીમાં આવેલા આ હકારાત્મક પરિવર્તનથી અચરજ અને આનંદ થયો. એમણે એનિડને પૂછ્યું પણ ખરું કે એનામાં એકાએક આવું પરિવર્તન કેવી રીતે આવી ગયું ? એનિડે વિચાર કર્યો કે એણે એની દીકરીઓને એ પત્રની વાત કરી દેવી જોઈએ અને એ પત્ર બતાવી દેવો જોઈએ.

એના માટે એ પત્ર દુનિયાની સર્વાધિક મૂલ્યવાન વસ્તુ હતુ. પેલી દુનિયામાં વસતી એની વહાલી વ્યકિતએ આ દુનિયામાં વસતી પોતાને મોકલેલી એક સર્વોત્તમ ભેટ હતી ! પ્રેમને કોઈ સરહદ કે સીમા નડતી નથી. પ્રેમને કોઈ દેશ કે વિદેશના બંધન નડતાં નથી અરે ! એને આ દુનિયા કે અન્ય દુનિયાના અંતર પણ છૂટાં પાડી શકતા નથી !

એનિડે એની દીકરીઓને પત્રની વાત કહી. એ સાંભળીને એમને પણ આશ્ચર્ય થયું એ પારલૌકિક અસ્તિત્વમાં જરાય માનતી નહોતી. એટલે એનિડે એમને વિશ્વાસ અપાવવા એ પત્ર બતાવવાનું નક્કી કર્યું. એ અવારનવાર એ પત્ર વાંચતી હતી.

સારી રીતે સચવાઈ રહે એટલે એણે એ એના પર્સમાં મૂક્યો હતો. એણે પત્ર બહાર કાઢવા પર્સ ખોલ્યું પણ તેમાં પત્ર નહોતો ! તેણે ઓશીકા નીચે અને ડ્રોઅરમાં જોયું પણ ક્યાંય એ પત્ર ન મળ્યો. એનિડની દીકરીઓ બોલી ઊઠી- મમ્મા તું આખો દિવસ ડેડીના વિચારો કરે છે એટલે તને આવો ચિત્તભ્રમ થયો હશે કે દિવાસ્વપ્ન આવ્યું હશે !

એક દિવસ એનિડ એનો એક ડ્રેસ પહેરવા જતી હતી ત્યાં એને વોર્ડરોબમાં એ ડ્રેસ પર પત્ર પડેલો મળ્યો. એ પત્ર મેળવીને એને જબરદસ્ત હાશકારો થયો. જાણે જગતનું મોટામાં મોટું સુખ મળ્યું હોય એવી અનુભૂતિ થઈ.

એ દિવસે માત્ર પત્ર જ નહીં પણ ચાર મહિનાથી ખોવાઈ ગયેલો એના મૃત પતિનો મૃદુ, હૂંફાળો, પ્રેમાળ સ્પર્શ પણ પ્રાપ્ત થયો ! તેના હાથ અને ગાલ પર જયોર્જે હળવેથી ચુંબન કર્યું હોય એવો એને અહેસાસ થયો. અને જ્યોર્જનો અવાજ પણ સંભળાયો- ' હું તારી સાથે જ છું. ભલે મૃત્યુએ આપણને શરીરથી વિખુટા પાડી દીધા. પણ આત્માથી તો આપણે જોડાયેલા જ છીએ. તું મને જોઈ શક્તી નથી, પણ હું તને જોઈ શકું છું.

મેં તને પત્રમાં લખ્યું હતું ને કે તને તારી આગળ પાછળ બધે જ હું છું એવો અહેસાસ થતો રહેશે.' એ દિવસથી એનિડને એવું ખરેખર એવું લાગવા જ માંડયું કે એની આજુબાજુ જ્યોર્જ ફરે છે. એક દિવસ તો એનિડને જ્યોર્જ સ્પષ્ટ દેખાયો પણ ખરો ! એ જ આકાર. એ જ પોશાક.. એ જ હસતો ચહેરો ! પછી તો અવારનવાર એની ઝાંખી થવા લાગી. એનિડ એની સાથે લાંબો સમય વાતચીત પણ કરતી. એણે પેલો પત્ર જાળવીને એના પર્સમાં મૂકી દીધો.

અભ્યાસ કર્યા બાદ દીકરીઓ ઘેર આવી ત્યારે દીકરીઓ સામે એનિડે પર્સ ખોલીએ પત્ર મૂકી દીધો. પિતાજીના હાથે લખાયેલો એ પત્ર જોઈ એ પણ વિસ્મિત થઈ ગઈ. એનિડની જેમ એમને પણ અવારનવાર પિતાજીની હાજરીનો અહેસાસ થવા લાગ્યો. મરણ બાદ પણ મૃત વ્યકિતનો પ્રિયજનો માટે પ્રેમ ટકી રહે છે એ માનવું જ રહ્યું !
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments