Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

અખાડા અને ક્રોસફિટ ફિટનેસનું ક્રોસ કનેક્શન

ક્રોસફિટને મળેલી ઝળહળતી સફળતાનો અભ્યાસ કરીને ભારતે અખાડાને સજીવન કરવા જોઈએ કારણ કે, આપણી સંકુચિત માનસિકતાના કારણે અખાડા સમય સાથે કદમ મિલાવી નથી શક્યા

ક્રોસફિટ એક્સરસાઈઝની જબરદસ્ત સફળતા પછી એવું કહેવાય છે કે, ક્રોસફિટ અમેરિકાનો નવો ધર્મ છે અને તેમનો 'પોપ' ગ્રેગ ગ્લાસમેન છે. અમેરિકામાં તો ક્રોસફિટને 'બાઇકર ગેંગ દ્વારા ચલાવાતો સંપ્રદાય' પણ કહેવાય છે

તમે અનેકવાર 'તારક મહેતાના ઉલટા ચશ્મા'ના આત્મારામ તુકારામ ભીડેની અદામાં સાંભળ્યું હશે કે, ''હમારે જમાને કે લોગ તો જિમ મેં નહીં, અખાડેમાં જાયા કરતે થે. દેશી કસરત કરતે થે.'' આવું બોલનારા મોટા ભાગના લોકો એવો ગર્ભિત ઈશારો હોય છે કે, જિમ કરતા અખાડા સારા.

અખાડામાં બનાવેલી બોડી સારી અને અખાડિયન વધુ શક્તિશાળી હોય વગેરે. આ પ્રકારના લોકો બીજી પણ એક બચકાના દલીલ કરતા હોય છે કે, આઝાદીકાળ વખતે અખાડા પ્રવૃત્તિએ યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ કર્યું હતું.

હા કર્યું હતું, તો શું? હવે અખાડા છે જ નહીં. તો યંગસ્ટર્સ કસરત કરવા જાય ક્યાં? અખાડા શારીરિક અને માનસિક ઘડતર માટેના ઉત્તમ સ્થળ હતા તો ભૂલાઈ કેમ ગયા? એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, આપણી સંકુચિત માનસિકતાના કારણે અખાડા સમય સાથે કદમ મિલાવી ના શક્યા અને ખતમ થઈ ગયા.

આજે અખાડાની વાત કરવાનું કારણ છે, ક્રોસફિટ. ક્રોસફિટ ફિટનેસ રેજિમન એટલે કે પ્રિસ્ક્રાઈબ્ડ એક્સરસાઈઝ અને ડાયેટથી વિશેષ કશું નથી, પરંતુ ક્રોસફિટ ફોલો કરતો અમેરિકન ચર્ચ જતો હોય એવી ઊંડી શ્રદ્ધા, એકાગ્રતા અને શાંત ચિત્તે ક્રોસફિટ જિમમાં જાય છે.

એટલે જ એવું કહેવાય છે કે, ક્રોસફિટ એ અમેરિકાનો બીજો ધર્મ છે અને તેમનો 'પોપ' ગ્રેગ ગ્લાસમેન છે. પોપ જેવું કલ્ટ સ્ટેટસ મેળવનારા ગ્રેગ ગ્લાસમેન કોઈ સંત નથી. ગ્લાસમેન પહેલાં જિમ્નાસ્ટ હતા અને હવે અમેરિકા, યુરોપની ફિટનેસ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તી ગણાય છે. તેમના દિમાગમાં ૧૯૯૬થી ફિઝિકલ એક્સરસાઈઝની સાયન્ટિફિક તાલીમ આપે એવું જિમ શરૃ કરવાના વિચારો ઘુમતા હતા.

છેવટે ૨૦૦૦ની સાલમાં તેણે પત્ની (પૂર્વ) લોરેન જેનાઇ સાથે મળીને 'ક્રોસફિટ' નામે કંપનીની સ્થાપના કરી અને એ જ નામનો ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યો. ગ્લાસમેને કેલિફોર્નિયાના સાન્તા ક્રૂઝમાં પહેલું જિમ શરૃ કર્યું અને થોડા સમયમાં જ વૉશિંગ્ટનના સિએટલમાં પહેલું ક્રોસફિટ એફિલિયેટ જિમ પણ ખૂલી ગયું. એ પછી ૨૦૦૫ સુધી અમેરિકામાં માંડ ૧૩ ક્રોસફિટ જિમ ખૂલ્યા.

અને અત્યારે? દુનિયાના ૧૨૦ દેશમાં ૧૩ હજારથી વધુ ક્રોસફિટ જિમ છે. અમેરિકામાં પહેલું સ્ટારબક્સ  કાફે ૧૯૭૧માં ખૂલ્યું હતું અને હાલ તેની સંખ્યા ૧૨,૫૦૦ છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, ક્રોસફિટનો વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે! ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, નોઇડા, ગુરગાંવ, ચંદીગઢ, બેંગલુરુ અને પૂણે સહિતના શહેરોમાં કુલ ૧૫ ક્રોસફિટ જિમ છે.

ક્રોસફિટ જિમમાં ટીપિકલ જિમ જેવી કસરત નથી કરાવાતી, પરંતુ સ્ટેમિના વધે એવી હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટવરલ ટ્રેઇનિંગ અપાય છે. ક્રોસફિટમાં રનિંગ, એરોબિક્સ, પુશ અપ્સ, પુલ અપ્સ, ચિન અપ્સ, રોપ ક્લાઇમ્બિંગ, જમ્પિંગ અને સ્ક્વૉટ જેવી સેલ્ફ બોડી વેઇટ (કેલિસ્થેનિક્સ) એક્સરસાઈઝ મુખ્ય છે. બિલકુલ અખાડાની જેમ. અખાડામાં પણ ખાડો ખોદવો અને પૂરવો, દોડવું, દંડ મારવા (પુશ અપ્સ), પુલ અપ્સ, સ્ક્વૉટ (ઉઠકબેઠક) અને ફ્રોગ જમ્પ (મજબૂત જાંઘ માટે) જેવી કસરત મુખ્ય હોય છે.

ક્રોસફિટ જિમમાં મોડર્ન જિમ જેટલા ઇક્વિપમેન્ટ પણ નથી હોતા. તેઓ  કસરત કરવા ફક્ત ડમ્બેલ્સ, બાર બેલ (વેઇટ લિફ્ટિંગ માટેનું સાધન), કેટલ બેલ્સ (નાનકડા પર્સ જેવા આકારનું સાધન), મોટા વજનદાર ટાયર, સ્ટોન બૉલ (પથ્થરના ગોળા) અને યોગા બોલ પર આધાર રાખે છે. એવી જ રીતે, અખાડામાં પણ મગદળ, લાકડાના બ્લોક, મહાકાય ટાયર અને દોરડાની મદદથી જ જુદી જુદી કસરત કરાય છે.

ક્રોસફિટર્સ બાર બેલની વજનદાર પ્લેટને દોરડાથી બાંધીને કમરે ભરાવે છે અને જિમમાં રાઉન્ડ મારે છે. પગના સ્નાયુઓની તાકાત વધારવા, કાફ મસલ્સ મજૂબત કરવા આ ઉત્તમ કસરત છે. અખાડામાં આ જ કસરત જુદા સાધનોથી કરાય છે. અખાડિયનો લાકડાના વજનદાર બ્લોકને દોરડાથી બાંધે છે, દોરડું કમરમાં કે છાતી પર રાખે છે અને માટીથી ભરેલા અખાડામાં ચક્કરો મારે છે. હવે અખાડામાં આ કસરત માટે ટાયરોનો પણ ઉપયોગ થાય છે.

અખાડામાં આવી અનેક કસરતો ઉપરાછાપરી કરીને સ્ટેમિના વધારવામાં આવે છે, જેને મોડર્ન ફિટનેસ રેજિમનની ભાષામાં 'સર્કિટ' કે 'હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેઇનિંગ' કહેવાય. આ પ્રકારની હાઇ સ્ટેમિના તાલીમમાં બર્પીઝ નામની કસરત અચૂક કરાવાય છે. બર્પીઝ એટલે દંડ મારીને તરત જ ઊભા થઈને કૂદકો મારવાનો અને કૂદકો મારીને ફરી નીચે જઈને દંડ મારવાનો. આવી જ કસરત અખાડામાં પણ કરાય છે, જેને ઊભા દંડ કહેવાય છે.

અખાડિયન દંડ મારીને ઊભો થઈ જાય છે અને ફરી પાછો નીચે જઈને દંડ મારે છે. બર્પીઝમાં કૂદકો મારવામાં આવે છે, જ્યારે ઊભા દંડમાં કૂદકો નથી મારવામાં આવતો. આ કસરતમાં જબરદસ્ત કેલરી ખર્ચાય છે. પેટના મસલ્સ મજબૂત કરવા, સ્ટેમિના વધારવા અને ઈવન સિક્સ પેક બનાવવામાં પણ આ કસરત સારું પરિણામ આપે છે. બર્પીઝ દેખાવમાં જેટલી સરળ છે એટલી જ અઘરી છે.

ટૂંકમાં અખાડા અને ક્રોસફિટમાં અનેક સામ્યતા છે. ક્રોસફિટમાં પણ અખાડા જેવી ગુરુશિષ્ય પરંપરાનો ખ્યાલ મજબૂત રીતે વણાઈ ગયો છે. ગ્લાસમેનનો જન્મ ૨૨મી જુલાઈ, ૧૯૫૮ના રોજ થયો હતો. ગ્લાસમેન અત્યારે ૬૧ વર્ષની આસપાસની ઉંમરના વૃદ્ધ છે, તેમની પાસે હોલિવૂડ સ્ટાર જેવું કરિશ્માઇ વ્યક્તિત્વ નથી અને સિક્સ પેક બોડી પણ નથી અને છતાં ક્રોસફિટ ફોલો કરતા કોલેજિયનો તેમના ઓટોગ્રાફ લે છે.

વળી, ગ્લાસમેન કોલેજ ડ્રોપ આઉટ છે, નાસ્તિક છે અને બહુ મોટા બિઝનેસમેન પણ નથી, પરંતુ ક્રોસફિટની સફળતા પછી તેઓ હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને હાવર્ડ રિલિજિયન સ્કૂલમાં ભાષણો આપી ચૂક્યા છે. ક્રોસફિટને એક ધર્મની જેમ ફોલો કરાતું હોવાથી ગ્લાસમેનને ધર્મનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરવા બોલાવાયા હતા.

અમેરિકામાં એવું કહેવાય છે કે, ક્રોસફિટ 'બાઇકર ગેંગ દ્વારા ચલાવાતો સંપ્રદાય' છે. કારણ કે, ક્રોસફિટ જિમની દુનિયા જ અલગ હોય છે. ત્યાં આવતા બધા જ લોકો પાસે પોતાના શરીર માટે ચોક્કસ લક્ષ્યાંક હોય છે. આ લક્ષ્યાંક પાર પાડવા કોચ અને બીજા લોકોની પણ મદદ મળે છે.

વળી, ક્રોસફિટમાં જુદી જુદી સ્પોર્ટ્સના એથ્લેટની જેમ ગર્ભવતીઓ, ફિઝિકલી ચેલેન્જડ અને બાળકો માટે સ્પેશિયલાઇઝ એક્સરસાઈઝ હોય છે. કોઈ ટીપિકલ જિમમાં ભાખોડિયા ભરતા બાળકો જોવા નહીં મળે, પરંતુ ક્રોસફિટમાં એ સામાન્ય બાબત છે. આ બધા લોકો બીજાને પણ પોતાના જેવું કરવાની પ્રેરણા આપે છે. એટલે ક્રોસફિટ જિમમાં એક કોમ્યુનિટી જેવો માહોલ સર્જાય છે.

ત્યાં બધા જ સરખા છે. કોઈ જ ભેદભાવ નથી. ક્રોસફિટ જિમમાં દરેક ચેમ્પિયન એથ્લેટ્સ નવાસવા યુવાનોને કે જુનિયર્સને પોતાના જેવા બનવામાં પૂરેપૂરી મદદ કરે છે. ધર્મ કે સંપ્રદાય એટલે એકસરખી શ્રદ્ધામાં વિશ્વાસ કરતા લોકોનું જૂથ કે નેટવર્ક. એટલે જ કહી શકાય કે, ધર્મો-પરંપરાઓ ક્યારેય મૃત્યુ નથી પામતા, પરંતુ ફક્ત પરિવર્તન પામે છે. ક્રોસફિટ આધુનિક ધર્મનું જ એક સ્વરૃપ છે.

ક્રોસફિટના વિકાસ અને સફળતા પાછળ સોશિયલ મીડિયાએ પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દુનિયાભરમાં ખૂલેલા ક્રોસફિટ જિમ ફ્રેન્ચાઇઝી નથી, પરંતુ સર્ટિફાઇડ ટ્રેઇનરોનું કન્ફેડરેશન (સંઘ) છે. તેઓ યુ ટયૂબ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા ક્રોસફિટના ઓથેન્ટિક સોર્સ પરથી સતત ક્રોસફિટર્સ સાથે સંપર્કમાં રહે છે, નવું શીખે છે અને બીજાને શીખવાડે છે. કોઈ પણ વ્યક્તિ ક્રોસફિટની ઓનલાઈન ટ્રેઇનિંગ લઈને સર્ટિફાઇડ ક્રોસફિટ ટ્રેઇનર બની શકે છે.

દુનિયામાં હાર્ડકોર ક્રોસફિટરની સંખ્યા માંડ ૪૦ લાખ છે, પરંતુ દુનિયાભરના ફિટનેસ ફ્રેક યુવાનો સોશિયલ મીડિયામાં સતત ક્રોસફિટના વીડિયો અને ઈમેજીસ અપલોડ કરતા હોવાથી પણ ક્રોસફિટને લાભ મળી રહ્યો છે. જેમ કે, અમદાવાદ, સુરત કે રાજકોટમાં ક્રોસફિટ જિમ નથી, પરંતુ તેના ચાહકો છે. આ લોકો જિમમાં કે મ્યુનિસિપલ ગાર્ડનમાં ક્રોસફિટ જેવી કસરતો કરીને સંતોષ માની લે છે.

આ ઉપરાંત ક્રોસફિટ એફિલિયેટેડ જિમના માલિકે દર વર્ષે ક્રોસફિટ કંપનીને ફક્ત ત્રણ હજાર ડૉલર ચૂકવવાના હોય છે. ક્રોસફિટના ઝળહળતી સફળતા પાછળ આ બિઝનેસ મોેડેલ પણ મહત્ત્વનું છે. ગ્લાસમેનને પૈસાનો બહુ મોહ નથી. તેઓ ક્રોસફિટનો વધુને વધુ ફેલાવો કરવા કમાય છે અને ખર્ચ કરે છે.  

ટૂંકમાં, ક્રોસફિટ જેવા જ વિકાસની સંભાવના અખાડામાં પણ છે. અખાડિયન માટે અખાડો ધર્મસ્થળ છે. અખાડિયન ખૂબ જ શ્રદ્ધાથી અખાડામાં ખાડો ખોદે છે, કુશ્તી માટે માટી પાથરીને રિંગ તૈયાર કરે છે, ગુરુ પાસે તાલીમ લે છે, જુનિયર્સને તૈયાર કરે છે અને અખાડામાં મંદિરની જેમ દીવો-અગરબત્તી પણ કરે છે.

એટલે જ આપણે અખાડાને સંપૂર્ણ સાયન્ટિફિક એપ્રોચ સાથે સજીવન કરવાની જરૃર છે. આ સાયન્ટિફિક એપ્રોચના કારણે જ અખાડિયનની બોડીમાં ક્રોસફિટર જેવું ફિનિશિંગ નથી અને સ્ટેમિના પણ નથી. ક્રોસફિટ જિમમાં પુરુષ-સ્ત્રી વચ્ચે પણ કોઈ ભેદ નથી.

અખાડામાં પણ એ શક્ય છે. દાયકાઓ સુધી અખાડા એટલે પુરુષોનું સ્થાન એવું મનાતું હતું. એ જૂનવાણી અને સંકુચિત ખયાલાત છે. થેંક્સ ટુ 'દંગલ' ટીમ. જૂનું એટલું સારું એવું માનનારા લોકો ચોક્કસ કુંડાળામાંથી બહાર આવીને કશું વિચારતા નથી, પરિવર્તનો સ્વીકારતા નથી અને આવા લોકોના કારણે જ સમૃદ્ધ પરંપરાઓ પણ નેસ્તનાબૂદ થઈ જાય છે.

આઝાદી પછી અનેક ક્ષેત્રોમાં આધુનિકતાનો વાયરો ફૂંકાયો. એ વાવાઝોડામાં આપણે અનેક બાબતોમાં પરંપરા સાથે આધુનિકતાનો સમન્વય કરીને આપણી સંસ્કૃતિ જીવંત રાખવામાં નિષ્ફળ રહ્યા. અખાડા સાથે પણ એવું જ થયું. આશા રાખીએ કે, અખાડાથી એક નવી શરૃઆત થાય.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments