Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

સાંગપો, ઝાંગબો, સિઆંગ ઉર્ફે બ્રહ્મપુત્ર

ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરી ખ્રિસ્તી ધર્મના પ્રચારાર્થે ૧૬મી સદીમાં વાયા સુરત, અમદાવાદ, કાશ્મીર, લેહ થઈ તિબેટ ગયા ત્યારે અજાણતા જ બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા હતા

બ્રહ્મપુત્ર. ભારતની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી. છેલ્લાં બે મહિનાથી બ્રહ્મપુત્ર ચર્ચામાં છે કારણ કે, ચીનમાંથી ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રનું વહેણ અસામાન્ય રીતે કાળું પડી ગયું છે. ચીનનંે આધિપત્ય ધરાવતા તિબેટમાંથી ભારતમાં પ્રવેશતી નદી અચાનક કાળી પડી જાય એટલે ચીન પર શંકા જવી સ્વાભાવિક છે.

ભારતની પૌરાણિક નદીઓ પૈકીની એક ગણાતી બ્રહ્મપુત્ર ચીનમાં પણ આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે. એટલે ભારતને શંકા ગઈ કે, ચીન બ્રહ્મપુત્રના કિનારા પર લશ્કરી હેતુથી ક્યાંક બાંધકામ કરતું હશે! જોકે, એવું કશું નહોતું. બ્રહ્મપુત્રનું પાણી અત્યંત નિર્જન પહાડી પ્રદેશોમાં શક્તિશાળી ભૂકંપ આવવાના કારણે કાળું પડી ગયું હતું.

બ્રહ્મપુત્ર તિબેટમાં યારલૂંગ સાંગપો અને ચીનમાં યારલૂંગ ઝાંગબો તરીકે જાણીતી છે. આ ત્રણેય નદીનું મૂળ એક જ છે, એ વાત ૧૮૮૪-૮૬ સુધી કોઈ જાણતું ન હતું. ચીન, ભારત અને બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રની કુલ લંબાઈ ૩,૮૪૮ મીટર છે, પરંતુ આ ત્રણેય દેશોના જુદા જુદા વિસ્તારોમાં બ્રહ્મપુત્રને અનેક નામ મળ્યા છે.

દુનિયાની ૧૫મી સૌથી લાંબી બ્રહ્મપુત્રનો તટપ્રદેશ ૭,૧૨,૦૩૫ (સાત લાખ, બાર હજાર પાંત્રીસ) સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, જેમાંનો મોટા ભાગનો વિસ્તાર હિમાલયના અતિ ગાઢ પર્વતીય અને જંગલ વિસ્તારમાં છે. આ વિસ્તારોમાં થતાં ભૌગોલિક ફેરફારો જાણવા અત્યારે તો ઉપગ્રહ ટેક્નોલોજી છે, પરંતુ આવા હાઇટેક સાધનો નહોતા ત્યારે કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનું મૂળ શોધી તેનો સંપૂર્ણ નકશો તૈયાર કરવા પગપાળા અને ઘોડા પર પ્રવાસ કર્યો હતો.

એ વિશે વાત કરતા પહેલાં બ્રહ્મપુત્ર વિશે થોડી વાત.

બ્રહ્મપુત્ર વિશે આપણને ઓછી જાણકારી કેમ?

આપણે ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, સિંધુ, ચિનાબ, બિયાસ, ક્ષિપ્રા કે ગોદાવરી વિશે જેટલું જાણીએ છીએ એટલું બ્રહ્મપુત્ર નદી વિશે નથી જાણતા. શું હશે કારણ? બ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વીય ભારતમાં વહે છે એટલે? નવી દિલ્હીથી ઓપરેટ થતાં રાષ્ટ્રીય મીડિયામાં આખી દુનિયાની પંચાત થાય છે પણ ઉત્તરપૂર્વીય રાજ્યોેને લગતી ગમે તેવી મોટી ઘટનામાં 'લેક ઓફ ઈન્ટરેસ્ટ' સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો વિશે એક સરેરાશ ભારતીય પાસે સચોટ માહિતી ઓછી અને પૂર્વગ્રહો વધારે હોય છે.

તિબેટના બુરાંગ પ્રાંતના ઉત્તરી હિમાલયમાં કૈલાશ પર્વત નજીક આવેલા આંગસી ગ્લેશિયરમાંથી એક વહેણ ઉત્પન્ન થાય છે, જે હિમાલય પર્વતમાળામાંથી પૂર્વ તરફ (તિબેટ-ચીન) આગળ વધે છે.

આ વહેણ એટલે ત્રણ દેશના અત્યંત નિર્જન વિસ્તારોને ભેદીને આગળ વધતી તિબેટની સાંગપો, ચીનની ઝાંગપો અને ભારતની બ્રહ્મપુત્ર. આ વહેણ તિબેટના ગ્યાલા પેરી અને નામચા બારવા નામના પર્વતને કાપીને વિશ્વની સૌથી મોટી ખીણનું સર્જન કરે છે, જે યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ) તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી ઊંડી આ ખીણની લંબાઈ ૫૦૪.૬ કિલોમીટર છે. અમેરિકાની કોલોરાડો નદી પર આવેલી ગ્રાન્ડ કેન્યોનની લંબાઈ પણ ફક્ત ૪૪૬ કિલોમીટર છે.

૧૭મી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે આ ખીણના કિનારે આવેલા ગ્યાલા પેરીના પર્વતીય પ્રદેશમાં ૬.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. એ પછીના ૩૨ કલાકમાં આ પ્રદેશે સરેરાશ ચાર રિક્ટર સ્કેલના બીજા પાંચ આફ્ટરશૉક્સ પણ ઝીલ્યા.

આ ભૂકંપમાં થયેલા ભૂસ્ખલનને કારણે તિબેટમાં વહેતી સાંગપો નદીમાં હજારો ટન માટી-પથ્થરોનો કચરો ઠલવાયો અને બ્રહ્મપુત્રનું વહેણ પણ ગંદુ થઈ ગયું. ભારત સરકારે ઉપગ્રહોથી લીધેલી તસવીરોમાં પણ સાબિતી મળી કે, ભૂકંપના આંચકાની સાંકળ રચાવાના કારણે આશરે ૧૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું.

યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોનમાંથી ધસમસતી આગળ વધીને સાંગપો હિમાલયની ઝીગઝેગ પર્વતમાળામાં એક જગ્યાએ 'યુ' ટર્ન લઈને પશ્ચિમ (ભારત) તરફ આગળ વધે છે અને  હિમાલયના અનેક દુર્લભ વિસ્તારોને ભેદીને સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે.

ત્યાં સાંગપોને નવું નામ મળે છે, સિઆંગ. સિઆંગ આસામ ખીણ તરફ વહીને દિહાંગ અને લોહતી નદીને મળે છે. એ પછી સિઆંગને પણ નવી સંસ્કૃતિ પ્રમાણે નવું નામ મળે છે, બ્રહ્મપુત્ર. આ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી છે અને એટલે જ તેનું વહેણ કાળું પડી જતા ભારત સરકાર હરકતમાં આવી ગઈ હતી.

દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી

બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મનો પુત્ર. બ્રહ્મપુત્ર દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી છે. હિંદુ શાસ્ત્રોમાં બ્રહ્મપુત્ર નદી સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ છે. બ્રહ્મપુત્ર નદીના જન્મની એક રસપ્રદ પૌરાણિક વાર્તામાં કહેવાયું છે કે, પ્રાચીન સમયમાં શાંતનુ નામના એક ઋષિ થઈ ગયા. શાંતનુ હિમાલયમાં આવેલા બ્રહ્મકુંડ નામના સરોવર નજીક આશ્રમ બાંધીને રહેતા હતા. શાંતનુ પરીણિત હતા અને તેમની પત્ની અમોઘા અત્યંત સૌંદર્યવાન સ્ત્રી હતી. એકવાર શાંતનુના તપથી ખુશ થઈને ખુદ બ્રહ્મા તેમના આશ્રમે આવે છે. અમોઘા બ્રહ્માની આગતાસ્વાગતા કરે છે અને તેમની સંપૂર્ણ કાળજી લે છે.

આ દરમિયાન બ્રહ્મા અમોઘા પર મોહી પડે છે અને તેઓ કામુક થતાં સ્ખલિત થઈ જાય છે. શાંતનુ જમીન પર વીર્ય જુએ છે અને આખી વાત સમજી જાય છે. જોકે, તેઓ ગુસ્સે થવાના બદલે બ્રહ્માના વીર્યનું અમોઘાના ગર્ભમાં આરોપણ કરે છે. એ પછી અમોઘાની કુખે જે પુત્ર જન્મે છે, એ બ્રહ્મપુત્ર કહેવાય છે.

સદીઓ પહેલાં લખાયેલા પૌરાણિક સાહિત્યમાં અનેક વિરોધાભાસ ઉલ્લેખો મળે છે, પરંતુ બ્રહ્મપુત્રના જન્મની આ સૌથી પ્રચલિત વાર્તા છે. એવું પણ કહેવાય છે કે, ભારતીય ઉપખંડની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર છે અને એટલે તેને પુરુષ નામ અપાયું છે. આ નદી પણ ગંગા જેટલી જ પવિત્ર મનાય છે અને એટલે જ તેમાં સ્નાન કરવાથી મોટામાં મોટું પાપ ધોવાઈ જાય છે. પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને જ માતાની હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

બ્રહ્મપુત્રમાં સ્નાન કરી પરશુરામનું પ્રાયશ્ચિત

ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ એકવાર હવનનું આયોજન કર્યું હતું. આ હવન માટે પવિત્ર જળ લેવા જમદગ્નિએ પત્ની રેણુકાને ગંગા કિનારે મોકલ્યા. જોકે, ગંગામાં અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરી રહેલા ગંધર્વરાજ ચિત્રરથને જોઈને રેણુકા પણ આસક્ત થઈ ગયા અને થોડી વાર ત્યાં જ રોકાઈ ગયા. આ બાજુ જમદગ્નિનો હવન કાળ વીતી ગયો અને તેઓ ખૂબ જ ગુસ્સે થયા.

જમદગ્નિએ આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના આરોપસર રેણુકાને સજા કરવાનું નક્કી કર્યું. જમદગ્નિના પાંચ પુત્ર હતા. તેમણે આ પાંચેય પુત્રને માતાનો વધ કરવાનો હુકમ કર્યો, પરંતુ પરશુરામ સિવાય એકેય પુત્ર આ મહાપાપ કરવા તૈયાર ના થયો.

પરશુરામે પિતાની આજ્ઞાાને પગલે માતાનો શિરચ્છેદ કરી દીધો અને માતાને બચાવવા વચ્ચે પડેલા ચાર ભાઈની પણ હત્યા કરી. આ આજ્ઞાાપાલનથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. પરશુરામે પિતા જમદગ્નિ પાસે બધાને જીવતા કરી દેવાનું અને પોતાના દ્વારા કરાયેલી હત્યાની સ્મૃતિ પણ ભૂંસાઈ જાય એવું વરદાન માંગ્યું.

જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ. જોકે, એ પછી પરશુરામ ઘરેથી નીકળી ગયા અને માતાની હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કર્યું. બ્રહ્મપુત્ર એ બ્રહ્માનો પુત્ર છે અને એટલે તેમાં સ્નાન કરવાથી ઘોર પાપ પણ ધોવાઈ જાય છે.

આ તો પુરાણોની વાત થઈ, હવે વાત કરીએ એ સાહસિકોની જે પગપાળા અને ઘોડા પર બેસીને બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હતા.

અજાણતા જ પહોંચી ગયા બ્રહ્મપુત્રના મૂળ નજીક

વાત છે, ૧૬મી સદીમાં થઈ ગયેલા ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરી તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા સપ્ટેમ્બર, ૧૭૧૩માં જળમાર્ગે ગોવા આવ્યા હતા. ગોવામાં થોડો સમય રોકાઈને દેસીદેરી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, લદાખ થઈને તિબેટ જવા નીકળ્યા. આ પ્રવાસમાં દેસીદેરીએ અનેક સ્થળે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપ્યો, પરંતુ ઉંમર અને વાતાવરણના કારણે આંતરડાના રોગોનો ભોગ બન્યા.

આ કારણસર દેસીદેરી છ મહિના મોડા કાશ્મીર પહોંચ્યા, પરંતુ ત્યાંના ખુશનુમા વાતાવરણમાં થોડા દિવસ આરામ કરી દેસીદેરી ફરી એકવાર બિસ્ત્રોપોટલા લઈને લેહ જવા નીકળ્યા. દેસીદેરીનો નાનકડો કાફલો ૨૫મી જૂન, ૧૭૧૫ના રોજ લેહ પહોંચ્યો હોવાની ઐતિહાસિક સાબિતીઓ છે. 
યુરોપથી આવેલા ખ્રિસ્તી ધર્મગુરુનું લદાખના રાજાએ સ્વાગત કર્યું, પરંતુ તેમણે દેસીદેરીના ઉપરી તરીકે પોર્ટુગીઝ પાદરી મેન્યુઅલ ફ્રેયરેની નિમણૂક કરી. દેસીદેરીએ ફ્રેયરેની આજ્ઞાાનું પાલન કરવું ફરજિયાત હતું.

લેહમાં સંપૂર્ણ તૈયારી સાથે ઇપોલિતો દેસીદેરી અને મેન્યુઅલ ફ્રેયરેએ હિમાલયની હાડ ઓગાળી દેતી ઠંડીમાં એક નાનકડા કાફલા સાથે તિબેટ પ્રવાસ શરૃ કર્યો. આ બંને પાદરીઓ સાત મહિનાના અતિ જોખમી પ્રવાસ પછી તિબેટ પહોંચ્યા. આ દરમિયાન તેઓ માન સરોવરની દક્ષિણ પૂર્વે આવેલા માયૂમ લા નામના માઉન્ટેઇન પાસ નજીક પણ રોકાયા હતા.

માયૂમ લા પાસના કારણે જ આંગસી ગ્લેશિયરમાંથી નીકળતું વહેણ બે જુદી જુદી દિશામાં ફંટાય છે, જે આગળ જઈને બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી બે મહાકાય નદીનું સર્જન કરે છે. જોકે, દેસીદેરી કે ફ્રેયરે જાણતા ન હતા કે, તેઓ સાંગપો કે બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા છે.

દેસીદેરીએ 'એન એકાઉન્ટ ઓફ તિબેટ', 'એ મિશનરી ઈન તિબેટ' અને 'મિશન ટુ ધ તિબેટ: ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એઈટીન્થ સેન્ચુરી એકાઉન્ટ' જેવા અનેક પુસ્તકોમાં કરેલી નોંધોની ખરાઈ પછી સાબિત થઈ ગયું છે કે, દેસીદેરીએ જુદી જુદી દિશાઓમાંથી વહેતી નદીઓ અને સરોવરોનું વર્ણન કર્યું છે તે  સાંગપો જ હતી.
   
દેસીદેરી પહેલાં કોઈ યુરોપિયન તિબેટમાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ન હતો. દેસીદેરી બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા જરૃર પણ તેમનો હેતુ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવાનો નહીં. આ ઘટનાની દોઢ સદી પછી કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રના મૂળ શોધવા તેના કિનારે કિનારે જવાની પગપાળા પ્રવાસ શરૃ કર્યો. પછી શું થયું?
એ રસપ્રદ સાહસકથા વાંચો આવતા અંકે.
 

Post Comments