Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

ભોજન : પંગત વિ. બૂફે

૨ જાન્યુઆરી : બૂફે ડે

પૌત્ર : દાદા...આ જુઓ મમ્મીએ ઘરની સફાઇ કાઢી ત્યારે મને શું મળી આવ્યું?

દાદા : અરે વાહ, મારો દિકો ભલે ૮ વર્ષનો હોય પણ તે નંબર-૧ જાસૂસ છે. બતાવ બેટા, તને શું મળી આવ્યું?

પૌત્ર : આ તમારા અને દાદીના મેરેજનું આલ્બમ છે. દાદા, આ આલ્બમમાં બાકી બધું તો અત્યારના લગ્ન જેવું જ છે. પરંતુ એકવાત સમજમાં નથી આવતી કે લગ્નમાં આવેલા મહેમાનો શા માટે જમીન પર બેસીને અને એ પણ ડિશને સ્થાને પાંદડા પર ભોજન લઇ રહ્યા છે?

દાદા : (ખડખડાટ હાસ્ય સાથે) અરે મીઠડા...આ પાંદડા નહીં પતરાળા કહેવાય. રહી વાત નીચે બેસીને જમવાની તો વર્ષો અગાઉ કોઇ પણ પ્રસંગમાં આ જ રીતે પંગત પાડીને ભોજન થતું. આપણે ત્યાં આવેલા મહેમાનને આદરપૂર્વક ભોજન પીરસવા માટેની આ જ શ્રેષ્ઠ પદ્ધતિ હતી. ખેર...એ જમાનો તો હવે આ બ્લેક એન્ડ વ્હાઇટ આલ્બમ પૂરતો જ સિમિત રહી ગયો છે.

પૌત્ર : પંગત??!!...વોટ્સ ધેટ...દાદા... તેના વિશે વધારે કંઇ કહોને... મને જાણવામાં રસ પડયો છે.

દાદા : આજથી વર્ષો અગાઉ જન્મ, લગ્ન જેવો કંઇ પણ પ્રસંગ હોય તેના માટે પંગત પાડીને જ ભોજન થતું હતું. જેમાં કન્યાપક્ષ તરફથી લગ્નનો પ્રસંગ હોય તો સૌપ્રથમ બ્રાહ્મણ અને વરપક્ષ તરફથી આવેલા અતિથિઓને સૌપ્રથમ ભોજન પીરસવામાં આવે. જેમાં કન્યા પક્ષના વડીલ દ્વારા જ મિષ્ઠાન પીરસવામાં આવે. આ પછી આગ્રહપૂર્વક જમણવાર શરૃ થાય.

પૌત્ર : આ પંગતની શૈલી વિશે હજુ વધારે વાત કરો ને?

દાદા : સૌપ્રથમ તો લાંબી લાંબી શેતરંજી પથરાય. આ પછી પંગતમાં કોણ કઇ વાનગી પીરસશે તેની ડયુટી લેવા માટે રીતસરની પડાપડી થાય. ભોજનમાં બેઠેલી દરેક વ્યક્તિની આગળ પાટલો ગોઠવાય અને તેની પર પતરાળા-પડીયા મૂકવામાં આવે. કોઇ યુવક કે યુવતી પરણવાલાયક હોય તો તેને મીઠાઇ સાથે પીરસવામાં આગળ કરવામાં આવે. જેથી તેને જોઇને વડીલો કાનમાંને કાનમાં ભાવિ સંબંધોનું પાયો નાખવાનું શરૃ કરી નાખે. પંગતમાં દરેકની થાળીમાં ભોજન પીરસાઇ જાય પછી 'ઓમ્ નમ: પાર્વતે પતયૈ હર હર મહાદેવ...'ના ગગનભેદી નાથ ઇશ્વરને સૌપ્રથમ યાદ કરવામાં આવે. ભોજન સાથે વાતોનો દોર થતો.

'અરે વડીલ...પ્રસંગનો ભાર ઉતરી ગયો હવે તો એક લાડુ લેવો જ પડશે...' એમ કહીને પ્રેમપૂર્વક આગ્રહ કરવામાં આવતો. બુંદી...બુંદી...દાળ...દાળ... શાક....શાક... કહીને ત્રાંસ...કમંડળ સાથે પીરસનારાઓની ફોજ ઉતરતી.   ભોજન બાદ લોકો એક પ્રકારની તૃપ્તિના ઓડકાર સાથે ઉભા થતા હતા.
પૌત્ર : પંગતમાં ભોજન શૈલી ખૂબ જ રસપ્રદ લાગે છે.

દાદા : અત્યારના સમયે થતાં બૂફે ભોજનમાં વાનગીઓ વધુ હોય છે, પરંતુ આવો આગ્રહ જોવા મળતો નથી. બૂફે માટે સૌપ્રથમ તો થાળી અને ત્યારબાદ એકપછી એક વાનગી માટે લાઇનમાં ઊભા રહો. તમે જમ્યા કે નહીં? શું ભાવ્યું? જેવું પૂછવાનું દરકાર સુદ્ધા યજમાન દ્વારા કરવામાં આવતી નથી. ઘણા લોકો તો બૂફેની વાનગીઓ જોઇને ચાંલ્લો કેટલો કરવો તે નક્કી કરતા હોય છે. બેટા...તારા સ્માર્ટ ફોનથી જોઇને કહેને કે આ બૂફે શૈલીની શરૃઆત થઇ કેવી રીતે?

પૌત્ર : દાદા...ગૂગલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે બૂફે ભોજન લેવાની સૌપ્રથમ શરૃઆત ૧૬મી સદીમાં થયેલી અને તેનું શ્રેય સ્વિડનને જાય છે. કોઇ પણ પ્રસંગ કે મિજબાની હોય ત્યારે સાઇડબોર્ડમાં પ્રી ડિનર ડ્રિન્ક, સ્નેક્સ પીરસવામાં આવતા. આ ડ્રિન્ક્સ, સ્નેક્સ લઇને પુરુષો એક રૃમમાં જ્યારે તમામ મહિલાઓ બીજા રૃમમાં જતા. જ્યાં તેઓ પોતપોતાની રીતે ગોષ્ઠિ કરતા. 

૧૯૩૯માં ન્યૂયોર્ક ખાતે યોજાયેલા વર્લ્ડ ફેર એક્ઝિબિશનમાં વિશ્વને પોતાની સંસ્કૃતિ દર્શાવવાના ભાગરૃપે આ સાઇડબોર્ડ પર ભોજન લેવાની શૈલી દર્શાવવાનું સ્વિડને  નક્કી કર્યું. વાતો કરતાં કરતાં ભોજન લેવાની આ શૈલી ત્યાં ઉપસ્થિત લોકોને ખૂબ જ પસંદ આવી. ફ્રાન્સમાં સાઇડબોર્ડને બૂફે કહેવામાં આવે છે અને આ નામ જ વિશ્વમાં લોકપ્રિય થઇ ગયું. ભારતમાં ૧૯૯૦ના દાયકા બાદ બુફેની શૈલી વધવા લાગી છે એમ પણ ગૂગલ કહે છે.

દાદા : હા બેટા..સમય પ્રમાણે બદલાવ પણ જરૃરી છે. અત્યારે પ્રત્યેક ક્ષણે દોડતી રહેતી વ્યક્તિ માટે બૂફે જ શ્રેષ્ઠ છે, તેની પાસે પંગતમાં બેસીને ભોજન લેવાનો સમય પણ હોતો નથી. બૂફેનો મુખ્ય ફાયદો એ કે તે ભોજન સમયે અલગ-અલગ વ્યક્તિઓ સાથે મળીને વાત કરી શકે છે.  બેટા...આ વાતો સાંભળીને મારા પેટમાં ઉંદર દોડવા લાગ્યા છે...આપણે તો ડાઇનિંગ ટેબલ પર પંગત પાડીને જમી લઇએ...
 

Post Comments