Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

ર્સ્ટાટઅપ્સના સપનાનો 'ધ એન્ડ' : મંદી કે મૂર્ખાઈ ?

લોકો સફળતા માટે સપના જોવામાં જેટલો સમય આપે છે, એથી દસમા ભાગનો સમય પણ ક્ષમતા ચકાસવામાં આપતા નથી. ટ્રેડમિલ ઉપર હજાર કિલોમીટર ચાલી નાખો, તો ય ક્યાંય પહોંચી ન શકે. એમ જ ખોટી લાઈન પકડીને જીદ કરી બેઠા હો, તો ગમે તેટલું હાર્ડ વર્ક કરો, સકસેસ જ ન મળે

નરેન્દ્ર મોદી સામેનો મુખ્ય પડકાર શું છે?

ના, ગુજરાત ઇલેકશન નહિ. માનો કે, પ્રબળ સંભાવનાથી વિરૃધ્ધ જો ભાજપ હારે તો ય કેન્દ્રમાં સરકાર મજબૂત છે, બહુ ફરક ના પડે. હા, ટીકાટિપ્પણો ને ચર્ચાઓ બેશક થાય. પણ બીજા ય ઘણા રાજ્યો છે, જ્યાં વિપક્ષ નબળો જ છે. એટલે ભૂલાઈ જાય. એટલે સવાલ જરા રિફ્રેઝ કરીએ. ગુજરાતમાં એવું શું બન્યું કે ઇઝી ગણાતા ઇલેકશનમાં મોદીએ ફ્રન્ટ પર મોરચો સંભાળવો પડયો ને વેરવિખેર સુસ્ત વિપક્ષ છતાં સત્તાપક્ષે એલર્ટ થઇ તમામ પ્રકારની તાકાતો કામે લગાડવી પડી ?

વિકાસ ગાંડોનું સ્વયંભૂ વોટ્સઅપ કેમ્પેઇન તો બહાર દેખાતા અકળામણના ચિહ્નો હતા. અંદરખાને જે કચવાટ છે એ વહીવટી તો ખરો (પણ ખાડા-ઢોરકૂતરા-મંથર ગતિએ ચાલતા બાંધકામો - પાણી વીજળી - કાયદો વ્યવસ્થા શિક્ષણ વગેરે તો વર્ષોથી સમસ્યારૃપ છે. આજકાલના નથી. હા, ભવિષ્યમાં આમ સહનશક્તિની લિમિટ ન આવે એમ સરકારોએ ઝડપી, કડક, નિષ્પક્ષ પગલા લેવા જ જોઇએ) પણ એમાં 'બ્રેકિંગ પોઇન્ટ' જે આવ્યો એ આર્થિક છે.

નોટબંધીના સુધારા એન્ટીબાયોટિક કોર્ષની જેમ અધૂરા રહ્યા, ને સરવાળે માંદગી શરીરમાં છાને ખૂણે એમ જ રહી ને સાઇડ ઇફેક્ટ આવી. એથી વધુ જીએસટીનું પગલું જરૃરી હતું, પડકારરૃપ હતું. તે પોલિટિક્લ બેલેન્સ (રાજ્યોની આવક-અહમ) જાળવવામાં બ્યુરોક્રેટિક ડ્રાફ્ટ બન્યો જેને સરકાર પણ સતત સુધારી રહી છે.

ગૌરક્ષા, તાજમહાલ, લવ જેહાદ, ઘરવાપસી, ટીપુ સુલતાન, વંદેમાતરમ્ અકબર આ બધા તો ઓનલાઈન-ઓફલાઈન હિન્દુત્વને નામે લોકોને ઝૂમતા રાખવાના ડ્રિવિયલ પોઇન્ટસ છે. રિયલમાં તો દરેક સરકારો માટે માથાના દુ:ખાવા કાશ્મીર સિવાય ભારતમાં એક પણ મોટી ત્રાસવાદી ઘટના છેલ્લા વર્ષોમાં બની નથી.

એકદમ લાર્જ સ્કેલનું કરપ્શન સ્કેન્ડલ બહાર આવ્યું નથી. ભાજપના આગેવાનો ય મોદી પાસેથી શીખી રહ્યા છે કે ગ્લોબલ વિઝન રાખવું હોય તો ધાર્મિક સંકુચિતતાની બયાનબાજી છોડવી પડશે.

પણ તટસ્થ આંતરરાષ્ટ્રીય સમીક્ષકોના મતે મોદી સરકાર સામેનો ખરો પડકાર રાજકીય નહિ, આર્થિક છે. ના, પેટ્રોલ-ડિઝલના ભાવ વધુ છે એ તો ઠીક સરકારી ચોપડે થોડી સરપ્લસ થાય છે. પેટ કાપીને ય ભવિષ્યમાટે બચત કરવા જેવું. (ધ્યાન એ રાખવાનુંકે એવી રીતે કરેલી બચત થોડાક પાવરફુલ નેતા-અધિકારી-ઉદ્યોગપતિનો પર્સનલ કોળિયો ન થઇ જાય). પણ અનામત જેવા ઇસ્યૂ પણ સતત સળગતા રહે છે, એ પાછળનું કારણ આર્થિક છે.

લોકો ટેક્સ ભરવાથી કતરાય છે, કારણ કે રોજીંદા જીવનમાં વ્યાપેલ અશિસ્ત ને ભ્રષ્ટાચારથી એને ભરોસો નથી પડતો. એટલે જ આઝાદીના ૭૦ વર્ષે ગાંધીજીના સ્વચ્છતા, ગ્રામનિર્માણ, સમરસતા, સ્વાવલંબન, નીતિમત્તા, કરકસર જેવા એજેન્ડા રિલેવન્ટ છે. ભારતની ગરીબીનો સીધો સંબંધ વસતિવધારા છે. ભીડ, શિક્ષણથી ગંદકી સુધી બધે એનું મેનેજમેન્ટ ડિફિકલ્ટ છે. ટ્રાફિકથી ટેરરિઝમ સુધી એની અસરો દેખાય છે.

જડમૂળથી સત્તા સાથે વ્યવસ્થા ન બદલાય તો 'ક્રોની કેપિટલિઝમ' કે જેમાં કારવાળો બીએમડબલ્યુ સુધી પહોંચે ત્યારે ફટીચર સાયકલવાળો સાયકલ પર જ રહે એે ગેપ વધતો જશે. મતદાતાનો એક મોટો ભાગ મોલ, મલ્ટીપ્લેક્સ, એલઇડી, એસીની સુવિધાઓથી દૂર છે. એને તેજી સ્પર્શતી નથી. બજારમાં ખરીદીમાં એની સામેલગીરી નથી. એનું સસ્તુ મનોરંજન મોબાઈલ ફોન છે.

પણ શાણા (દેઢ શાણા નહિ) વાચકોને એવો સવાલ થવો જોઇએ કે બધે મોંઘવારી છે, તોશેરબજાર કેમ તેજીમાં છે ? સિમ્પલ. બધે મોંઘવારી એ આર્થિક રીતે બજારની પ્રગતિ પણ દર્શાવે. સોંઘવારીમાં માર્કેટ ભફ્ફ થઇ જાય ! અને દુનિયાભરમાં તેજી છે.

બહારનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યા કરે છે. પણ એને લીધે શેરબજારમાં સટ્ટો કરનારાની તબિયત ગુલાબી ગુલાબી રહે ને સામાન્ય માણસ એમાં બેને બદલે બાવીસ પાંદડે થાય, તો ય રિયલ પ્રોડક્ટિવિટી (જીડીપી)માં એ ઉત્પાદન ટ્રાન્સફર થતું નથી. આ બિટકોઇનની જેમ રિયલ નથી. વર્ચ્યુલ મની છે. કાગળ પર કમાવાનું કાગળ પર ગુમાવવાનું.

માટે નરેન્દ્ર મોદી સામેની અસલી ચેલેન્જ બેકારી છે. બીજા શબ્દોમાં જોબ ક્રિએશન. ટેલેન્ટેડ યૂથની પ્રતિવર્ષ ફોજ ઠલવાતી રહે છે. પણ કોમ્પિટિશનમાં સક્સેસ અપાવેએવું રણમેદાન બધાને મળતું નથી. દેશનો નકશો નથી વિકસ્યો, પણ વસતિ વિકસી છે.

અનામતની હૈયાવરાળ કે એ નથી એમને મેળવવાની ભૂખ ને મળી છે  એમની બચાવી લેવાની ભાવના પણ આ ફ્રસ્ટ્રેશન કે ફીઅરમાંથી આવે છે. મોટિવેશનલ લેકચર્સ જ બધાને સાંભળવાને છે, એમાં ય આ સફળતાની અછતનો માહોલ મુખ્ય છે. નવી વિપુલ રોજગારી કેમ ભારત જેવા કોમ્પ્લીકેટેડ સીસ્ટમમાં કોઈ જાદૂઈ ચમત્કાર વિના સર્જવી એ સાચો યક્ષ પ્રશ્ન છે.

ટેલેન્ટેડ માણસોને ય અત્યારે ડિઝર્વિંગ પોઝિશન મળતી નથી, અને નવા ટેલન્ટ આવી જાય છે. કલ્ચરલ આઈડેન્ટીટી ને સોશ્યલ સર્વિસ બધું સાઇડ પર રહી જાય જો ઇકોનોમિક્સ ઠીક ન બેસે તો. પહેલા પેટની ભૂખ. ભોજન પછી ભજન થાય. સ્કિલ ઇન્ડિયા એ માટે અનિવાર્ય છે. મેઇક ઇન ઇન્ડિયા એ માટેનું સપનું છે. એ સાકાર નહિ થાય ત્યાં સુધી ગ્રાસરૃટ સોલ્યુશન્સ આવવાના નથી. એટલે રોગ હટાવ્યા વિના પેઇનકિલર્સ કે મૂડ એલીવેટર્સ દવાઓથી ચલાવ્યા કરવાનું છે.

આપણે યોજનાઓ તો નવી નવી શરૃ કરીએ છીએ પણ પ્રેક્ટિકલ એ પૂરી કેમ થશે એનો રોડમેપ બનાવતા નથી. રોજેરોજ પરીક્ષાનું ન વાંચે એણે છેલ્લી રાતો ઉજાગરા કરવા પડે, એવો ઘાટ તંત્રનો પછી રગડ ધગડ થાગડ થીગડ બધું પૂરું કરવામાં થાય છે. ફોટા પડી જાય કે વળી પારો નીચે ઉતરે ને બધું જેમનું તેમ. એમાં પબ્લિક પણ ટેવાઇ ગઇ હોય.

તો આટલી લાંબી, પણ જરૃરી પ્રસ્તાવના પછી મૂળ ટાઇટલ પર આવીએ : સ્ટાર્ટ અપ. બેકારી નિવારવાનું બેકફાયર થયેલું બાણ.
    
સ્ટાર્ટ અપ એટલે કોઈ યુનિક, બેજોડ કે પછી ઉપયોગી આઇડિયાના જોરે ઓછા મૂડી રોકાણે, ઓછા લોકોથી શરૃ કરેલો બિઝનેસ. મોટે ભાગે એ આજકાલ ઇન્ટરનેટ પર વેબસાઇટ કે વિશેષનો સ્માર્ટ ફોનના એપથી વધુ ઓળખાય છે. બિકોઝ ઇટ્સ ઇઝી. લક બાય ચાન્સ એવું ય થાય કેક્લિક થઇ જાય તો નાની ઉંમરે મોટો ખજાનો મળી જાય.

જેમકે, ઉબેર. એક પણ પોતાની માલિકીની કાર કે ડ્રાઈવર વિના ટેક્સીની એ કંપની આજે દુનિયાભરમાં માત્ર એપના જોરે કનેક્ટિવિટી આપીને અને રેગ્યુલેશન કરીને છવાઈ ગઈ છે ! નેચરલી, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વીટર વગેરે આજે જાયન્ટ બનેલ કંપની યંગ આંતરપ્રાન્યોર્સનું સ્ટાર્ટ અપ જ હતી.

એરબીએડિબીની અસર ટ્રેડિશનલ હોટલ ઇન્ડસ્ટ્રી પર આપી ને એ ય એપ જ હતી જેમાં પ્રવાસીઓ આવતા હોય એવા સ્થળે પોતાના ઘરનો થોડો ભાગ એમને નાસ્તા સહિત કામચલાઉ રહેવા આપીને સાઇડ ઇન્કમ ઉભી કરવામાં આવે. સુપરસકસેસફુલ.

વિધાઉટ બિગ ઇન્વેસ્ટમેન્ટ ઓર સ્ટાફ. બેઝિકલી ઇટ્સ ઓલ એબાઉટ આઇડિયા એન્ડ ક્વિક ડિજિટલ સોલ્યુશન ફોર ઇટ. જરૃરી નથી કે સાવ નવો જ આઇડિયા હોય. રીડર બિરાદર શાહીદ કાદરીના શબ્દોમાં 'ચાલુ ધંધામાં ત્રુટિ-ખામી શોધીને એનો ઉકેલ હાથવગો આપનારનું સ્ટાર્ટ અપ પણ તાબડતોબ છવાઈ જાય !'

પૈસાની વાત આવે તો આપણા મોંમાં પાણી આવવું સ્વાભાવિક છે ૨૦૧૫માં શરૃ થયેલા ૨૦૦થી વધુ સ્ટાર્ટ એપ્સનું ૨૦૧૬માં ભારતમાં ધબાય નમ: થઈ ગયું. જેમાં પીપરટેપ જેવી ઘેર ગ્રોસરી પહોંચાડવાની મોટા ઉપાડે શરૃ થયેલી  એ ય આવી ગઈ. લોકોએ અનાજ જાતે જ લેવાનું પસંદ કર્યું. આમ પણ હરીફાઈ વધુ છે. ફિલપકાર્ટ કે સ્નેપડીલ પણ હાંફી જાય છે, મલ્ટીનેશનલ સામે અડધો અડધ ભાંગીને ભૂક્કો થઈ જાય છે.

વેન્ચર કેપિટલ યાને નવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરનારને ફંડ આપનારા પૈસા તો હોંશે હોંશે આપે છે. પણ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવું છે. વર્ષે ૧૫૦ ફિલ્મો બને એમાંથી માંડ ૧૫ જ હિટ થાય. પણ એ આપણે જ હશે એની માની આકડે મધ રાખીને બાકીના ય સપનાના સોદા કર્યા કરે છે !

૪૦% સ્ટાર્ટ અપ તો આયુષ્યની ત્રીસીમાં રહેલા યુવક-યુવતીઓ કરે છે. વેરી ગુડ. સતત નોકરી ને અનામતની ભૂખને બદલે મિત્રો સાથે મળીને ખુદને ચકાસી સાબિત કરવા પડકાર ઝીલે, એ તો ભારતનું સોનેરી ભવિષ્ય ઘડે.

પણ સુપરપાવર અમેરિકામાં ય ૯૦% સ્ટાર્ટઅપના પાટિયાં પડી જાય છે. બેકારી નિવારણનો કોઈ રાજસૂય યજ્ઞા મોદીસાહેબ એકલે હાથે કરી ન શકે. પણ બિઝનેસ કરવો એમ ખાવાના ખેલ નથી. દુનિયામાં સૌથી અઘરી વાત ધર્મ કે ઓખાણના સહારા વિના લોકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવા એ છે, ૨૫% સ્ટાર્ટ અપ્સ પહેલા જ વર્ષમાં કેમ ઠપ્પ થઈ જાય છે, એનું કારણ આ છે. ઇટ્સ નોટ ઈઝી.

લોકો સફળતા માટે સપના જોવામાં જેટલો સમય આપે છે, એથી દસમા ભાગનો સમય પણ ક્ષમતા ચકાસવામાં આપતા નથી. ટ્રેડમિલ ઉપર હજાર કિલોમીટર ચાલી નાખો, તો ય ક્યાંય પહોંચી ન શકે. એમ જ ખોટી લાઈન પકડીને જીદ કરી બેઠા હો, તો ગમે તેટલું હાર્ડ વર્ક કરો, સકસેસ જ ન મળે.

પ્રોબ્લેમ એ છે કે યંગ આંતરપ્રાન્યોર્સ ઉર્ફે યુવા ઉદ્યોગસાહસિકોને હાર્ડ વર્ક કરતા વધુ રસ ઇન્સ્ટન્ટ ઇન્કમ એન્ડ સ્ટેટસ સિમ્બોલમાં છે. મોટા ભાગે સરખી ઉંમરના દોસ્તો સાથે મળીને નાના પાયે નવું ધંધાકીય સાહસ શરૃ કરે છે.

પણ જૂના ધંધાર્થીઓને પોતાની શાખ જમાવવામાં રસ પડતો. નવી પેઢીના ઉદ્યોગકારો એટલે ઉદ્યમ કરે છે કે પોપ્યુલર થાવ, પછી ધીમે ધીમે એના જોરે શેરબજાર કે ક્રાઉડ ફન્ડિંગ કે બેન્ક લોનના પૈસા મેળવો. કે પછી એ જ ફિલ્ડની કોઈ જાયન્ટ કંપનીની ઓફર સ્વીકારીને પોતાની કંપની એને વેંચી નાખો !

યસ, ધેટસ ધ કી પોઇન્ટ. યંગ, કરિઅર ઓરિએન્ટડે, એમ્બિશ્યસ, ઇનોવેટિવ, મોટિવેટેડ જેવા લબલ્સથી ઓળખાતા યૂથનો પ્રોબ્લેમ એ છે કે એમની મહત્ત્વાકાંક્ષા કંપની કે ધંધો કે બ્રાન્ડ નેમ જમાવવા કરતા પૈસા કમાવાની વધુ હોય છે.

એ વેચીને રોકડી કરી નાખવાની. પછી ઐશ કરવાનો. કે ભેજું હોય તો બીજું કશુંક સર્જીને વેચી નાખવાનું. સરોગેટ મધર જેવું કે નર્સરી પ્લાન્ટ જેવું. રોપા રાખવાના, થોડાક ઉછેરવાના પણ પછી કોઈકના બગીચા શણગારવા માટે વેંચી નાખવાના ! બધાને મૂળ તો ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઈએ છે. ફલેક્સીબલ, કહો કે જ્યાં બેઠા હો ત્યાંથી કોમ્પ્યુટર પર કામ થાય, એવા વર્ક શેડયુલ્સ જોઈએ છે.

છાપામાં ફોટા આવે નેે નવરા બેઠાં સોશ્યલ નેટવર્ક પર વાહવાહી થાય એવું ટેમ્પરરી સેલિબ્રિટી સ્ટેટસ જોઈએ છે. વેન્ચર કેપિટલ ફર્મ્સ કે બેન્ક્સ પણ આવા તામઝામથી આકર્ષાઈ જાય છે. અપડચપડ અંગ્રેજી બોલતા ને બ્રાન્ડેડ ડિઝાઇનર કપડાં પહેરી લેપટોપ લઈ એસી ઓફિસમાં લહેર કરતા યંગસ્ટર્સથી અંજાઈને એમને સ્માર્ટ પોટેન્શયલવાળા ગણી લે છે !

એકચ્યુઅલ રિયાલિટી ઇઝ ડિફરન્ટ. ધંધાકીય કોઠાસૂઝ હોવી જોઈએ, માણસની નાડ પારખવાની સૂઝ સમજ અને ત્વરિત નિર્ણયશક્તિ હોવી જોઈએ. રાજકારણને ધંધા બે યમાં સોફિસ્ટિકેશન કરતા જીતવાની આવડત વધુ ચાલે છે. સ્ટાર્ટઅપમાં એવું માની લેવામાં આવે છે કે દરેક ડાયનેમિક યુવક-યુવતી પાસે કોઈક મહાન આઇડિયા છે.

જેનાથી કૃષ્ણની મુરલી સાંભળીને ડોલી ઉઠતી ગોપીઓની જેમ દોડતા ગ્રાહકો આવશે. આ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી કે તમામ ભણેલા યંગસ્ટર પાસે આવો સ્યોરશોટ આઇડિયા હોય. આ તો ટાઇપ કરતા આવડે, એ દરેકને લેખક થવાના સોણલાં સતાવે એવી ઘનચક્કર વાત થઈ. વાસ્તવમાં ગ્રાહકોની માંગ મુજબ પ્રોડક્ટ આપવાથી કંપની નફો કરે, માલિકોની માંગ મુજબ ગ્રાહકો વસ્તુઓ ખરીદવા ન આવે !

વર્ક ડિસિપ્લિન સાથે બિઝનેસ સકસેસ ધીરજ પણ માંગી લે છે. ઉતાવળે બાવળિયા પાકે, આંબા નહિ. ફેઈલ થયા પછી બધા એવું જ વિચારતા હોય છે કે માર્કેટિંગના અભાવે નિષ્ફળ ગયા. વાસ્તવમાં માર્કેટના અભાવે નિષ્ફળતા મળતી હોય છે. નાની મઢીમાં ઝાઝા બાવાની જેમ રોજ નવી નવી કંપનીઓ તે એમ ઉભરાય છે. બધાંને તો કેવી રીતે સફળતા મળે ? ત્યાં જ ભાગ્ય કિસ્મત, ઉપરવાળાની કૃપા વગેરે એક્સ ફેક્ટરનું સસ્પેન્સ ચિરંજીવ છે.

બ્રિટનમાં યંગ આંત્રપ્રાન્યોર્સ ફેઈલ જવાનું કારણ એ હોય છે, કે નવા ઈનોવેશનને સ્ટેપ બાય સ્ટેપ પ્લાનથી ધંધાકીય સાહસમાં ફેરવવાને બદલે બધા મોટા કોર્પોરેશનને વેચી વિવિધ પ્રોજેક્ટના વી.પી. (વાઈસ પ્રેસિડેન્ટ) જેવા વિઝિટિંગ કાર્ડના છોગા લગાડી ફરતા હોય છે.

હવે કંપનીનું બ્રાન્ડનેમ બનાવનાર સફળ નથી ગણાતા, પણ એને તગડા ભાવે તોતિંગ કંપનીને વેંચી નાખનારા સુપરસક્સેસફુલ ગણાય છે. 'ગેટ રિચ બાય સેલિંગ.' એવો મોર્ડન મંત્ર છે. ખરેખર ધંધો પોતાના બાળકની જેમ વર્ષો સુધી ઉછેરીને, નર્ચર કરીને જમાવો ત્યારે જ વિકસે.

જેમકે, જર્મન કે જાપાનીઝ બ્રાન્ડસ. પછી મૂળિયા એમા ઉંડા એટલા ઉતર્યા હોય કે થડીયાં મજબૂત જ રહે. પણ ફેન્સી લેબલ્સને ઇન્ડિપેન્ડન્ટ ડ્રીમ એમજી લેતા ઘણા જુવાનિયાઓ એમાં ગોથાં ખાય છે. નક્કર આવક ધરાવતી પેઢી છોડી 'એપ એપ' રમવા જઈને હફાહળ કરતા 'એપ' (બંદર) બને છે !

એવું નથી કે બધા સ્ટાર્ટ અપ ફેઈલ જ જાય. પણ આ કીડો જ્યાંથી શરૃ થયો એ અમેરિકામાં ય ત્રણ ચતુર્થાંશથી વધારે સ્ટાર્ટ અપનો વીંટો વળી જાય છે. કારણ એટલું જ છેકે લક્ષ્ય ઉદ્યોગના ઉદ્યમ કરતા ઝટ નામદામ (કામ કર્યા વિના) કમાઈ લેવાનું છે. ઘણા તો ટાઈમપાસ કરવા કે લાઈફનો ફેક (બનાવટી) પર્પઝ ઉભું કરવા આવા સાહસ કરે છે. બાકી, સાચે જ બિઝનેસ સેન્સ હોય, એકદમ ફ્રેશ સ્માર્ટ આઇડિયા હોય. ઓછા રોકાણે ઝાઝો વેપાર કરવાની આવડત હોય,

માર્કેટમાં ચાલે એવી ઉપયોગી અને કિંમતમાં પરવડે એવી એફોર્ડબલ પ્રોડક્ટ બ્યુટીફુલ મોડર્ન પેકેજમાં હોય તો સકસેસ મળે જ. અમેરિકામાં 'શાર્કટેન્ક' નામનો રિયાલિટી શો ચાલે છે. જેમાં પૈસાદાર ઇન્વેસ્ટર્સ સામે યંગસ્ટર્સ આઇડિયા રજુ કરે પ્રોજેક્ટનો ને જીતી જાય રાઉન્ડસમાં તો તત્કાળ ડ્રો મળે અને એમાં અમુક સફળ અબજોપતિ પણ થયા છે !

સવાલ એ છે કે ભારતનો વિકાસ એકલા નરેન્દ્ર મોદીથી નહિ થાય. પણ વેપાર ઉદ્યોગના આર્થિક વિકાસથી થશે. એ માટે ચિક્કાર ઇન્વેસ્ટમેન્ટ જોઈશે. સતત જૂનવાણી કે જ્ઞાાતિવાદી કે ધાર્મિક સંકુચિત વાતો કરવાથી આ બિઝનેસ ફંડ મળે નહિ. એટલે જ મોદીનું કોન્સ્ટ્રેશન ઉગ્ર હિન્દુત્ત્વ કરતાં મોડરેટ મોડર્નિટી તરફ છે. પણ શેરબજારની મિલકત એ જમીન કે ખેતી જેવી અસલી મિલકત નથી,

એમ વેપારી માત્ર ચોર હશે એવી નફરતભરી સામ્યવાદી માનસિકતા છોડીને નવા ધંધા રોજગારનું સર્જન વિચારવું પડશે. એ ય જોવું પડશે કે આભાસી વર્ચ્યુઅલ મની કે બ્રાન્ડ ઇમેજને બદલે નક્કર ઉત્પાદન કરતા ધંધા વધે. તો જ નવી વિપુલ રોજગારીનું સર્જન થશે. તો વિકાસનું ગીઅર ચેન્જ થશે. એ માટે સીસ્ટમ ચેન્જ કરી, એને પ્રોત્સાહક ને પારદર્શક બનાવી નવી ટેલન્ટસને પોંખવી પડશે. ગુજરાતીના લોહીમાં જ વિકાસ છે.

પણ કોણ જાણે કેમ, ઓનલાઈન ઇલેકશન પોલિટિક્સના મેસેજીમાં જેટલી ક્રિએટીવિટી બતાવે છે, એટલી નવા સ્ટાર્ટઅપ બનાવી એને લાંબા ગાળા માટે ઘડવામાં બતાવતા નથી ! આપણે માર્ક ઝુકરબર્ગ ને સ્ટીવ જોબ્સની પ્રોડક્ટસ વાપરીએ છીએ. પણ એ આપણે ત્યાં પેદા કરી શકીએ તો યુવા ભારત પાસે કલ હમારા હૈ !

ઝિંગ થિંગ

''સફળતા એવા માણસોને મળે છે, જે એટલા કામમાં મશગૂલ હોય છે કે સફળતા શોધવા નથી જતાં.''
(હેનરી ડેવિર થોરો)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

  

Post Comments