Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

રોમેન્ટિક ને રેપિસ્ટ, શૃંગારિક અને શેતાની વચ્ચેનો ફરક નવા નારીવાદે સમજવાની જરૃર છે !

ના પાડીને સેક્સ્યુઅલ ઓફર કે ફેવર રિજેક્ટ કરવી એ સ્ત્રીનો મજબૂત ને મૂળભૂત અધિકાર છે. પુરુષે પણ એ મક્કમ રિસ્પોન્સને ઈગો ઇસ્યુ બનાવવાને બદલે રિસ્પેક્ટ આપીને સોરી ફીલ કરતા ચાલતી જ પકડવી જ જોઇએ

ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ રિમેઈનિંગ જેન્ટલમેન

આવું સમ્બોધન તાજેતરના ૭૫મા ગોલ્ડગ્લોબ એવોર્ડસના હોસ્ટે કટાક્ષમાં કરેલું ! કેમ ? એનો જવાબ ગયા રવિવારે પૂર્તિમાં સ્પેક્ટ્રોમીટર કટારમાં છેડેલી ફેનેટિક ફિમિનિઝમના ચોખલિયાવેડાની ચર્ચામાં અપાઈ ગયો. (એમાં અઝીઝ અન્સારીના કેસમાં છપાયેલી સાલ પ્રિન્ટ મિસ્ટેક હતી.

એ મામલો પણ તાજો જ છે) હાર્વે વેઇન્સ્ટાઇન અને મીટૂ હેશટેગથી અચાનક મીડિયામાં એવું રીડિયારમણ ચાલુ થયું કે જાણે શો બિઝનેસમાં સેક્સ્યુઅલ ફેવર કે કાસ્ટિંગ કાઉચની વાત સાવ પહેલી જ વાર લોકોએ સાંભળી હોય ! જાણે અચાનક મેનહટનમાં સોળ પગવાળું ડાયનાસોર ચડી આવ્યું હોય કે હિમાલયનો હિમમાનવ યેતી સપરિવાર ઉડતો ઉડતો નીકળ્યો હોય !

સેક્સ્યુઅલ ફેવરના સિગ્નલ્સ કે સોદા ગ્લેમર વર્લ્ડમાં નવી નવાઈની વાત નથી. ઠાવકી વાતો કરનારા એટલા બધા ઠાવકા હોય તો એમનાથી ત્યાં રહેવાય જ નહિ. અને એ તો કેવું કે વર્ષો પછી અચાનક કોઈકનો અપરાધ યાદ આવે ? હાઈકોર્ટમાં દસ વર્ષ પછી પેન્શન માંગવા જાવ તો ય કોર્ટ અરજદારની અરજી મોડા પડયા કહીને કાઢી નાખે એવા દાખલા છે.

આવા સિલેક્ટીવ મેમરી ગેઇનમાં મોટું કારણ લાગ અને માહોલ જોઈ મોટી સેલિબ્રિટી સામે દાવ લેવાની તકનો મહિલા અધિકારના હક કરતા વધુ હોય છે. બેશક, એનો અર્થ એવો નથી કે કોઈ પાવરફુલ હસ્તીએ કરેલા શોષણ સામે અવાજ નહિ ઊઠાવવાનો.

ઘણી વાર નૈતિક હિંમત એકઠી થતા વાર લાગે. ક્યારેક ભોગ બનેલ વ્યક્તિ એવી સ્થિતિમાં ન હોય કે એનો અવાજ સંભળાય કે ઉંમરની મેચ્યોરિટી કે અન્યાયની સમજણ પાછળથી આવે. કોઇનો અચાનક સપોર્ટ મળે પછી બોલવાનું મન થાય. પણ આમાં અભિષેકની પત્ની હોવાનો દાવો કરતી છોકરી કે ઐશ્વર્યા પોતાની મા હોવાનો દાવો કરતા છોકરા જેવા પબ્લિસિટી સીકર્સ પણ ઘુસી જતા હોય છે.

પરવીન બાબીના પાછલી અવસ્થામાં થયેલા આરોપો જાહેર જોક બનેલા એમ મેન્ટલ લોકો પણ હોય છે. અને એવા લુચ્ચાઓ પણ હોય છે, જે ભૂતકાળમાં પોતાના જ ફાયદા માટે અફેર કે સેક્સમાં આગળ વધી ગયા હોય છે, અને પછી પ્રવાહ પલટાય ત્યારે એમાંથી પણ ફાયદા માટે આરોપ મૂકીને બેવડું માઈલેજ મેળવી લેતા હોય છે.

હમણાં જ રહોડ્સ સ્કોલર ને ઓક્સફર્ડ સ્ટુડન્ટ એવા ભારતીય ફિલ્મમેકર અને લિબરલ સર્કલમાં મોહમ્મદ ફારુકીના કેસમાં અદાલતે એને રેપના આરોપમાંથી મુક્તિ અપાવી. કેસ દેખીતી રીતે જ ફિલ્મી બળાત્કારના સીન કરતા કન્સેન્ટ ગોન રોંગનો વધુ હતો. જેમાં આગળ પરસ્પરની સહમતીથી જ જસ્ટ ફોર ફન વધ્યા હો, અને તન શાંત થયા પછી પાછળથી મન ચકરાવે ચડે અને શરીરસંબંધને બળાત્કાર ગણી લેવાય. જેમ મોટી ગાડી સાથે બાઈક ભટકાય તો બાય ડિફોલ્ટ બાઈક રોંગ સાઈડથી આવતું હોવા છતાં ગાડીવાળો જ પબ્લિક ગુનેગાર ગણી લે, એમ જ આવા મામલે તરત આરોપનામું પુરુષ સામે જ રચાઈ જાય એવા કાયદાઓ ય છે.

છતાં ય મોહમ્મદના કેસમાં એને નિર્દોષ છોડતી વખતે કોર્ટ જજમેટ ક્લીઅરલી એવું કહે છે કે ''ઇન એક્ટ ઓફ પેશન બાય લીબીડો (એટલે રતિક્રીડા) સંજોગો એવા ય હોય છે કે જે સાંયોગિક આધાર (સામાં પાત્રની) સહમતી ગણી લેવા માટે પૂરતા છે. અને ત્યારે કાયમ યસ એટલે યસ ને નો એટલે નો આવું ચુસ્ત અર્થઘટન થઇ શકતું નથી. (ટૂંકમાં મન:સ્થિતિ શબ્દોમાં વ્યક્ત  બરાબર જ થતી હોય એવું જરૃરી નથી !)''

ટૂંકમાં, ના પાડીને સેક્સ્યુઅલ ઓફર કે ફેવર રિજેક્ટ કરવી એ સ્ત્રીનો મજબૂત ને મૂળભૂત અધિકાર છે. પુરુષે પણ એ મક્કમ રિસ્પોન્સને ઈગો ઇસ્યુ બનાવવાને બદલે રિસ્પેક્ટ આપીને સોરી ફીલ કરતા ચાલતી જ પકડવી જ જોઇએ. પણ મધરાતે સામે ચાલીને હોટલ રૃમમાં આવી કપડા કાઢી, ચુંબન કરી, પછી કોઈ નારી કહે કે દુષ્ટ પાપી ગુસ્તાખ બેશર્મ પુરુષ વાસનાનો કીડો છે,

બાકી હું તો એ પછી આ કાયાની માયા નિરર્થક છે, એનું ભજન સંભળાવી રાખડી બાંધવાની હતી... તો એમાં પુરુષનો વાંક શું ? ગુનો શું ? એ જ કે કુદરતે એને નોર્મલ ઉત્તેજનાની સંવેદનાઓ આપી છે. એ સ્ત્રીની જેમ હજાર મૂડસમાં કન્ફ્યુઝડ થઇને જીવી નથી શકતો, એટલે કોના લલાટ પર આમંત્રણ છે, ને કોના પર ક્યાં અટકવાની લાલબત્તી છે, એ પારખવાની કોઈ રુલ બુક એની પાસે નથી.

અને એ સ્ટુપિડ છે કે ખુદ લપસીને કોઈ કામિનીને એના માથે પગ મૂકીને ઉપર ચડવાનો મોકો આપી દે છે. સ્ત્રીનું ફીલિંગ ડ્રીવન રોલરકોસ્ટર માઈન્ડ કદાચ એ સમજી નથી શકતું કે સેક્સની બાબતમાં પુરુષચિત્તમાં સ્ટ્રેઈટ લાઈન જ હોય છે, વિથ નો યુ ટર્ન ! આ નેરચલ સાયન્ટીફિક ડિફરન્સ છે, જે ખુદને આધુનિક ગણતા અમુક કથિત નારીવાદીઓને ય ઘણી વાર સમજાતો નથી.

તો હાર્વે વેઇનસ્ટેઇનના કેસમાં આવી બાબતે આપણાથી ય વધુ પડતા ચોખલિયા (ક્લીન્ટન-મોનિકા કે ટાઈગર, આર્નોલ્ડ, ગિબ્સન યાદ છે ને !) ઓવર રિએકશન આવ્યું. મીટૂ મૂવમેન્ટને રિઝલ્ટ સ્વરૃપે રિડલી સ્કોટ જેવા ડાયરેક્ટરે રિલીઝ માટે જેની પબ્લિસિટી ય શરુ થયેલી એવી આખી ફિલ્મ 'ઓલ ધ મની ઇન ધ વર્લ્ડ' રિશૂટ કરી !

કારણ કે એમાં ધનાઢ્ય ગટ્ટીનું મુખ્ય પાત્ર ભજવતા કેવી સ્પેસી સામે ય સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશનના આક્ષેપો થયેલા ! રાતોરાત એ રોલ ક્રિસ્ટોફર પ્લમરને લઇને ફિલ્મ ફરી શૂટ કરવામાં આવી ! એક નવા પ્રકારની આ આભડછેટની હડફેટે ૮૨ વર્ષના જીનિયસ ગણાતા ફિલ્મમેકર વૂડી એલન પણ આવી ગયા. એમની એમેઝોને તૈયાર કરાવેલી રેડી ફિલ્મ 'બુલેટ્સ ઓવર બ્રોડવે' રજૂ કરવામાં નિર્માતાઓ ખચકાય છે.

એક્ચ્યુઅલી ૧૯૯૨માં વૂડી સામે એની તત્કાલીન પત્ની મિયા ફેરોએ પોતાની આગલા ઘરની (એટલે વૂડીની સ્ટેપડોટર) ત્યારે ટીનએજર દીકરી ડાયલન સાથે છેડછાડના આરોપ લગાવી ડિવોર્સ (અને ભરણપોષણ સેટલમેન્ટના અઢળક પૈસા) માંગી લીધા.

પોલીસ તપાસમાં વૂડી બાઈજ્જત બરી થઇ ગયા. પણ હવે કબાટમાંના હાડપિંજર ધુણવા લાગ્યા. ડાયલને મોરચો ખોલ્યો. બીજા ય એમાં જોડાયા. જેમ કે, મીરા સોર્વિનો નામની અભિનેત્રી જેણે વૂડીની જ ફિલ્મ 'માઈટી એફ્રોડાઈટ' માટે ઓસ્કાર જીતેલો. એણે વૂડી સામે કેમ્પેઈનમાં ભાગ લીધો. અલી, સોરી ભલી બાઈ, એની ફિલ્મ સાઈન કરીને એવોર્ડ લઇ લીધો ત્યાં સુધી શું તને આ ભૂતકાળની ખબર નહોતી ?

પણ અત્યારે તો મીટૂમાં દેખાડાની પવિત્રતા સાબિત કરવાની એવી હોડ છે કે કેટ વિન્સ્લેટની 'વન્ડર વ્હીલ' ફિલ્મ આ વખતે ઓસ્કારમાં વૂડીની હોવાને લીધે જ ઇગ્નોર થઇ. ઘણી વાર કોઈ આરોપીને પથરા મારવામાં રીઢા ગુનેગારો ય એટલે જોડાઈ જતા હોય છે, કે કોઇ એમના ગિરેબાનમાં ઝાંકે નહિ ! વયોવૃધ્ધ વૂડી તો સેક્સ્યુઆલિટી અને વિમેન એમ્પાવરમેન્ટ પર જ અદ્ભુત ફિલ્મો બનાવી ચુક્યા છે.

પણ હવે કદાચ એમણે ય રોમન પોલાન્સ્કીની જેમ પેરિસની વાટ પકડવી પડે, કાયમ માટે એવું લાગે છે.  કેથોલિક બેકગ્રાઉન્ડ ધરાવતી કેટલીક અમેરિકન સ્કુલોએ તો નાના ભૂલકાઓને ય કિસની મનાઈ ફરમાવી હોય એવા સમાચાર આવે છે.

હગ કે ગ્રીટિંગ પુરતી ગાલ પર કિસ કરવી કે નહિ એમાં ય કેટલાક પુરુષો કન્ફ્યુઝ થઇ જાય છે. ક્યાંક કોઈક હેરેસમેન્ટનો દાવો કે મીડિયા ટ્રાયલ ઠોકી દે તો ! પણ વેસ્ટ એટલે આપણને ભલે અમેરિકા લાગે. વેસ્ટમાં યુરોપ પણ છે. અને ક્લાસિકલી આપણા એનઆરઆઈઓના ફેવરિટ બ્રિટન અમેરિકા કેનેડા કરતા યુરોપ ખાસ્સું ઉદાર છે.

* * *

જર્મની, નેધરલેન્ડ્સ, સ્વીત્ઝર્લેન્ડ, ગ્રીસ વગેરેમાં તો ચોવીસ કલાક ટીવી પર અગડમબગડમ બતાવતી ચેનલો બેરોકટોક ચાલે છે. ટીંટો બ્રાસ જેવી ફિલ્મો ઈટાલીમાં બનાવતો એની કલ્પના ય હોલીવૂડના પીજી ૧૩ મેઈનસ્ટ્રીમમાં શક્ય નથી.

ઈટાલીએ તો બર્લુસ્કોની જેવા છેલછોગાળાને દેશ ચલાવવા આપેલો. ફ્રાન્સે સારકોઝીને આપેલો એમ ! નેધરલેન્ડ્સમાં તો ડ્રગ ને રેડ લાઈટ એરિયા બે ય કાનૂની છે, છતાં એ પીસફુલ છે, આર્ટ હબ છે. સ્ત્રીઓ માટે સુરક્ષિત ગણાય છે અને ડચ સ્ત્રીઓ તો ઉલટી વધુ કરાફાત ને ભારાડી ગણાય છે ! ફ્રાન્સમાં તો ન્યૂડ શો પ્રીમીયમ માન મેળવતું રૃટિન છે.

અને એ જ ફ્રાન્સમાંથી બાપડા બિચારા આ કોલાહલમાં સૂકાં ભેગા લીલાના ન્યાયે શોષણખોર વિકૃતોની રેપીસ્ટ હરકતોના વાંકે સાઈડલાઈન થઈ હાંસિયામાં ધકેલાઇ ગયેલા રોમેન્ટિક ઈરોટિક મર્દોના બચાવમાં આસમાનમાંથી આવતી પાંખાળી પરીઓ જેવી દેવીઓ આવી છે.

જે વાત આ લેખકડા જેવા વર્ષોથી લખે છે પણ પુરુષ હોવાને લીધે અમુક માનુનીઓ અને એમના સો કોલ્ડ સોફીસ્ટીકેટેડ બંધુગણોને ગળે નથી ઉતરતી અને એ ભેદી અંગ્રેજી શબ્દોથી પુરુષની સામંતશાહી સાબિત કરવાના ઉધામા કરે છે, એ સાચી વાત સેલિબ્રિટી ફ્રેન્ચ સ્ત્રીઓએ કરી છે. આગેવાની લીધી છે આજે ૭૪ વર્ષની ઓસ્કાર નોમિનેટેડ અભિનેત્રી કેથેરીન દેનેવુ.

જેની બોર થયેલી હાઉસવાઇફ લાઈફમાં સ્પાઈસ ઉમેરવા સેક્સ્યુઅલ સાહસો કરે છે એ 'બેલ દ જૂર' ફિલ્મ બોલ્ડનેસને લીધે જગમશહૂર થયેલી. એની સાથે બીજી બે કેથરીન અને સારાહ અને પેગી અને અબ્નૂઝી જેવી અન્ય પાંચ મહિલાઓએ એક ઓપન લેટર ડ્રાફ્ટ કર્યો જેમાં પત્રકારથી કલાકાર સુધીની જાણીતી ૧૦૦ ફ્રેન્ચ સ્ત્રીઓએ સહી કરી. કે ફ્રેન્ચ અખબાર 'ધ મોન્દ'માં છપાયો અને આખી દુનિયાના મિડીયાએ  એની નોંધ લેવી પડી.

શું છે આ પત્રમાં ? મીટૂ જેવી મૂવમેન્ટસ જૂના જમાનાના 'વિચહન્ટ'માં ન ફેરવાઈ જાય જ્યાં દરેક પ્રકારની સ્ત્રીની મોકળાશને ડાકણ ઠેરવી બાળી નાખવામાં આવતી, એની ચેતવણી છે. લો વાંચો  એનો  અનુવાદિત સાર :

''આજકાલ પુરુષોની માથે ઘાત ચાલે છે. એમને જનરલાઈઝ કરી સજા ફરમાવવામાં આવી રહી છે. કામથી દૂર કરી બદનામ કરવામાં આવે છે. બધાને એક લાકડીએ હાંકવામાં આવે છે. કોઈક હળવો મીઠડો સ્પર્શ કરે કે એકાદ ચોરેલા ચુંબનની  મનોકામના રાખે એને  ય ગુનેગાર ગણી લેવામાં આવે છે.

બળાત્કાર બેશક એક જઘન્ય અપરાધ છે. પણ કોઈને સિડયુસ કરવા, મોહિત કરવા કે આકર્ષણના ચાર્મમાં લપેટવાની કોશિશ કરવી. એ અંગે થોડાક એકધારા પ્રયાસો કરવા એ માટે જરાક ઘેલાદીવાના થયા હોય એવું વર્તન કરવું (અને મિલન આલિંગનની અપેક્ષા રાખવી) એ કોઈ અપરાધ નથી. (એ તો જન્મસિધ્ધ અધિકાર છે.

મેટિંગ સાયન્સનું નેચરલ વાયરિંગ છે. જે વર્બલ કે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં પ્રગટ થતું રહે છે. કારણ કે કુદરતે પ્રજોત્પતિ ને પ્લેઝર બેય ઇન બિલ્ટ મૂક્યા છે. માણસે સમાજ રચનાના નિયમો બનાવ્યા કે સાધના શોધી જેણે પ્રકૃતિ ગાંઠતી નથી) કોઇ પુરુષ સભ્યતાથી કોઈ સ્ત્રીમાં રસ લે કે નખરાળીભમરાળી વાતો રમૂજમાં કરે, તો એ કોઈ આક્રમક બની  એટેક કરે છે, એમ માની બધાને એક ત્રાજવે  ન તોળો.

સમય જાણે એવો આવ્યો છે કે નારીમુક્તિ અને એના અવાજના વાવાઝોડામાં કોઈ એ ફિક્સ ફોર્મેટની બહાર જરાક જુદી અને સાચી વાત કરે, એને ચૂપ કરી દેવામાં પરાક્રમ સમજવામાં આવે છે. જે સ્ત્રીઓ આ કહેવાતા આંદોલનના નવા દૌરમાં ભળતી નથી, એને જાણે પાપી કે દગાબાજ કે ડફોળ ગણવામાં આવે છે.

ફ્લર્ટિંગ યાને નર નારી વચ્ચે ઇન્ટીમેટ લવ કે લસ્ટના રિલેશન બને એ પહેલાનો કે કાયમની દોસ્તીમાં હળવી સેક્સી મજાકો અને ઈશારાબાજીની મસ્તી પણ લિબર્ટીનો આત્મા છે. આવા મોહક મેજીકના સ્પેલ નાખવાની સ્વાધીનતા તો બેહદ જરૃરી છે, જીવનરસ માટે.

ખરેખર આવા આત્યંતિક નારીવાદને લીધે સાચા ફેમિનીઝમને નુકસાન જઈ રહ્યું છે. દરેક રસિકને કે સેક્સની ઉન્માદક આઝાદીમાં માનનાર 'પિગ' ઠેરવી દેવાની ઉતાવળમાં તો તમામ ધર્મના રૃઢીચુસ્ત જડસુ-ઠેકેદારો અંદરખાનેથી ગેલમાં આવી રહ્યા છે.

એમને તો ફાવતું જડશે. નૂતનની આડમાં પુરાતન વિક્ટોરીયન મરજાદી ચોખલિયાપણાના એમ્બેસેડર્સ આવા ફેનેટિક ફેમિનીસ્ટસ બની રહ્યા છે. એ જુનવાણીઓને પહેલેથી જ વાઈલ્ડ સેક્સ્યુઅલ તૃષ્ણા સામે અણગમો છે. આમ નોર્મલ સેક્સ કે પુરુષ માટે નફરત પેદા કરવાની દિશામાં આપણે જઈશું અને જાતીયતા તો થોડી તોફાની ધસમસતી વેગીલી જ હોવાની.

પણ એના દરેક આનંદ આપતા પ્રદર્શનને સ્ત્રીવિરોધી હુમલો ગણી ધિક્કારવાની ઉતાવળ કરવાને બદલે જરા સંતુલિત આંખે જગત જોવાની જરૃર છે. આપણે સોશ્યલ નેટવર્ક કે મીડિયામાં એવો હલ્લાબોલ કરીએ છીએ કે સામી વ્યક્તિને એના બચાવમાં ય કશું કહેવાની તક આપતા નથી. એ કહે એ સાંભળતા જ નથી ને સીધા ચુકાદા જ આપીએ છીએ.

બધાને કોઈ અમસ્તા મેસેજ કે હળવી મસ્તી માટે ય સેક્સ ઓફેન્ડર કે સ્ત્રીવિરોધી કેટેગરીમાં મૂકી દઈએ છીએ. આમાં અમુક ખરેખરા સારા પુરુષોને અન્યાય થાય છે. એ કોઈ સ્ત્રી માટે આકર્ષણ અનુભવી કશીક પહેલ કરે એમાં તો એને સ્ત્રીના દુશ્મન કે પશુ ચીતરી દેવાય છે. આમ તો સ્ત્રીને પુખ્ત ચહેરો ધરાવતા નાના બાળક જેવી ગણીને એના ધરાર સંરક્ષણની ધાર્મિક આજ્ઞાાઓના ઉગ્રવાદીઓને ઉત્તેજન મળશે.

પુરુષ માનો કે વર્ષો અગાઉ એનાથી કોઈ અણછાજતી હરકત થઈ ગઈ હોય (એટલે ક્રાઈમના ડિફેન્સની વાત નથી) એની કબૂલાત કરી માફી માંગે પછી ય જાણે એના પર ખટલો માંડયો હોય એમ પાછળ પડીને એને પરેશાન કરવાની આ માનસિકતા ફાસીવાદી સમાજને ઉત્તેજન આપશે જે ખરેખર નારીમુક્તિની વિરૃધ્ધની  દિશા છે.

આમ તો કોઈ પોસ્ટર, ચિત્ર, ગીત, સિનેમા કલાની મુક્ત અભિવ્યક્તિ જ નહિ રહે નારીવાદના નામે. અને આર્ટીસ્ટ સૌથી વધારે પીડાશે. આવું ચાલ્યું તો સેક્સ પર પુરુષો ખુલીને વાત કરતા ય અચકાશે ને વધુ દબાયેલો સમાજ પેદા થશે. એડિટરો લેખકની વાત પર તરાપ મારશે. સ્વીડનમાં એવો કાયદો આવ્યો છે કે સેક્સ કરતા પહેલા સ્પષ્ટ લેખિત સંમતીનો કરાર કરવો.

હવે શું સેક્સ પહેલા એની પોઝિશન, ચુંબન, કેવા કેટલા સ્પર્શ કરવા કેટલી મિનીટ ક્યાં અડવું એ બધું અગાઉથી નક્કી કરતી સ્માર્ટફોન એપ આવશે ?

ફિલસૂફ રુવેન ઓજીને કહ્યું છે કે ફ્રીડમ ટુ ઓફેન્ડ એ કળાની સર્જકતા માટે અનિવાર્ય છે. બધા જ ચિંતાતુરો ખાતર એ છીનવી ન લેવાય. આમ પણ, બધા લોકો એકસમાન હોતા નથી. સ્ત્રી પણ પુરુષ માટે હોશોહવાસમાં સેક્સ ઓબ્જેક્ટ બની શકે.

એ એની ચોઈસ પણ છે. એમાં દખલ કરવી એ પિતૃસત્તાક માનસિકતાનું જ નવું સ્વરૃપ છે. એ પણ પોતાની જાતને અને શરીરને મરજી મુજબ એક્સપ્રેસ કરી શકે. પુરુષને લલચાવીને આનંદિત થઇ શકે. કોઈક પુરુષનો ઓચિંતો સ્પર્શ થઇ જાય તો એમાં પાપ સમજી છળી મરવા જેવો માહોલ બનાવવાની જરૃર નથી. પ્રેમના પ્રયાસ અને બળજબરીની ભેદરેખા સમજવી જરૃરી છે.

અમે સ્ત્રી તરીકે પુરુષ માટેની એકધારી નફરત કે સેક્સ બાબતે આવા મર્યાદામય અભિગમનું સમર્થન કરતા નથી. અમે માનીએ છીએ કે ના પાડવાની આઝાદી જરૃરી છે. પણ પછી કાયમ આપણી જાતને કોઈનો શિકાર ગણીને ફિકર કર્યા કરવાની જરૃર નથી. જેમને બાળકો છે, એ એમની દીકરીઓને એવી રીતે ઉછેરે કે એની પાસે સાચી માહિતી હોય. જે કોઈ શરમ કે સંકોચ વિના પોતાની જિંદગી બિન્દાસ જીવે. દુર્ઘટનાઓ બને જ છે. પણ સ્ત્રી માત્ર દેહ નથી.

એનું આંતરિક વ્યક્તિત્વ પણ હોય. અને એ ગરિમા, એ ઓળખ અમે એની આઝાદી સાથે સંકળાયેલા જોખમો અને જવાબદારી વિના જાળવી ન શકીએ. એ માટે સતત બ્લેમ ગેમ રમવાની કે ખુદને શોષિત ને પુરુષને શોષક માનવાના ખાનાઓ પાડવાની જરૃર નથી.''
સેલ્યુટ માદામોઝેલો, એક સ્વતંત્ર અને નારીને સન્માન આપતો અને એના સ્ત્રીત્વને ચાહતો ગુજરાતી પુરુષ આપને આ માટે ફ્લાઈંગ કિસ આપે છે.

ટ્વીટરની હેશટેગને લીધે આઠ મહીનાની બાળકી પરના રેપ ઘટતા નથી. એટલે એવા એવા જંગલી પિશાચો સામે લડતા લડતા યાદ રાખવાનું છે કે જેમ બુધ્ધિ ગોડ ગિફ્ટ છે, ને રજુ કરી તાળીઓ લઇ શકાય, કમાઈ શકાય કે ભણીને ખીલવી શકાય તો બોડી પણ ગોડ ગિફ્ટ છે. એ ય પ્રસ્તુત કરી શકાય. શણગારી શકાય ને એનો આનંદ લઈ શકાય.  વિરોધ ફેમીનીઝમનો નહિ એના ફેનેટીઝમનો  છે.

ઝિંગ થિંગ

'સ્વભાવેશ્ચેવ નારીનાં નારાણામિહ દૂષણમ' ભાવાર્થ : પુરુષને કલંકિત કરવા એ સ્ત્રીનું સ્વાભાવિક દૂષણ છે. (મહાભારત ૬:૪૭:૩૮)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments