Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અલ્પવિરામ

અબજોપતિ ઉચ્ચાધિકારીઓ-કરોડોપતિ કારકુનો

ભાજપની એ મર્યાદા છે કે બાબુઓ તેને બહુ સિફ્તથી બેવકૂફ બનાવી શકે છે. ચાર નિવૃત્ત બાબુઓ તો કેન્દ્રીય પ્રધાનમંડળની નવરચના વખતે પણ પોતાની કીમિયાગીરીમાં સફળ નીવડયા છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખુદ અનેક ઉચ્ચાધિકારીઓ સાથે મળીને કૌભાંડ આચરતા હોય એવું ચિત્ર પાટનગર નવી દિલ્હીમાં રજૂ થયું છે. એમની નર્મદા પરિક્રમા પર નર્મદાનું જ પાણી ફરી વળે એવા આ સંજોગો છે. મધ્યપ્રદેશની રાજગાદી સદાય ભ્રષ્ટાચાર તરફ ઝૂકેલી રહી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ નર્મદાની કરોડોની પાઈપલાઈનનો કોન્ટ્રાક્ટ આપવામાં તત્કાલીન 'મધ્ય' નેતાઓની સલાહ લેતા હતા, એ નેતાઓ કોન્ટ્રાક્ટર અને ગુજરાત સરકાર વચ્ચેના વચેટિયા હતા.

ચીમનલાલનો આશય નર્મદાના ગુજરાતી હવનમાં મધ્યપ્રદેશ સરકાર એડવાન્સમાં અસ્થિ ન પધરાવે તે હતો, નર્મદાના પોતાના સપનાને સાકાર કરવા માટે ચીમનભાઈ પટેલે એક નંબર અને બે નંબર એટલે કે ઈશાવાસ્યોપનિષદ પ્રમાણે વિદ્યા અને અવિદ્યા બન્નેનો ઉપયોગ કરીને વતન રાજ્યમાં અમૃતધારા વહેતી કરેલી છે. ચીમનભાઈની આ કૂટનીતિને કારણે મધ્યપ્રદેશનો નર્મદા યોજના પરત્વેનો સમગ્ર અભિગમ રાતોરાત બદલાઈ ગયો હતો. નહિતર મધ્યપ્રદેશ સરકારે સુકન્યા યોજના અંતર્ગત મેધા પાટકરને દત્તક લીધા હોત.

છતાં મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીને તો સદાય એમ જ લાગે છે કે નર્મદા જ્યાંથી આવે છે તે અમરકંટક સરોવરમાંથી અમરત્વ ગુજરાતને ભાગે અને કંટક તેમના પોતાના રાજ્યને ભાગે આવ્યા છે.

એ તો સ્વાભાવિક જ છે કે ગુજરાત, દેશના અનેક રાજ્યો માટે એક ઈર્ષ્યાપાત્ર રાજ્ય છે. ગુજરાત મોડેલની તથાકથિત ઘોર નિષ્ફળતા પછી પણ જે ઈમેજ ટકી રહી છે તે ગુજરાતી પ્રજાને કારણે છે, ચપટીક નેતાઓને કારણે નહિ!

મધ્યપ્રદેશમાં લગભગ તમામ સરકારી દફતરો હવે સમાચારોની ખાણ બની ગયાં છે. ભાજપની એ મર્યાદા છે કે બાબુઓ તેને બહુ સિફ્તથી બેવકૂફ બનાવી શકે છે. ચાર નિવૃત બાબુઓ તો પ્રધાનમંડળની નવરચના વખતે પાટનગર નવી દિલ્હીમાં પણ પોતાની કીમિયાગીરીમાં સફળ નીવડયા છે.

છેલ્લા એક દાયકાથી મધ્યપ્રદેશમાં ઉચ્ચાધિકારીઓ ચંબલની ખીણના ડાકૂઓની જેમ વહીવટી રીતે બેનંબરનો 'વહીવટ' કરીને સરેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. અહીં અબજોપતિ ઉચ્ચાધિકારીઓ છે અને કરોડપતિ કારકુનો છે. કરન્સી નોટના બિસ્તર પર સહશયન કરનારા આઈએએસ દંપતીથી લઈને આભૂષણોના ખજાના ધરાવતા અધિકારીઓ છે.

એ બધા જ એક પછી એક જેલના સળિયા પાછળ ધકેલાયા છતાં ભ્રષ્ટાચારી અધિકારી- કર્મચારીઓનો વંશવેલો સમગ્ર રાજ્યમાં ફૂલ્યોફાલ્યો છે. મધ્યપ્રદેશમાં આઈ.એ.એસ.ના ૪૧૭ અને આઈ.પી.એસ.ના ૩૦૫ની કેડર છે, જેમાં અત્યારે થોડાક ઓછા છે. આ નોકરશાહી માળખામાં દર ત્રીજો અધિકારી ભ્રષ્ટ છે.

મધ્યપ્રદેશમાં જે વિસ્તારમાં તમે પ્રવાસે જાઓ ત્યાં કોઈને પણ પૂછો તો એ પરિક્ષેત્રના ભ્રષ્ટ અધિકારીઓની યાદી મુખપાઠથી રજૂ કરશે. એક મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્ર કુમારનો તો ચારેબાજુ ડંકો વાગતો હતો, મુખ્યમંત્રી દરેક મિટિંગમાં એમની નિષ્ઠા અને જવાબદારી અદા કરવાની શૈલીની વાહવાહી કરતા હતા.

તેઓ જ્યારે એક છટકામાં રંગે હાથ પકડાયા ત્યારે તેમના એક હાથમાં બાર લાખ રૃપિયા રોકડા અને બીજા હાથમાં એટલા જ મૂલ્યની સુવર્ણ ઝવેરાત લાંચ રૃપે હતી. પોતે મહા અહંકારી. ઝડપાયા એના આઘાતમાં તુરત બેહોશ થઈ ગયા. એમને ઘસડીને લઈ જવા પડયા. સરકારે એમને આપેલા તમામ સન્માન અને ચંદ્રક પાછા લઈ લીધા. મધ્યપ્રદેશમાં લોકાયુક્ત છે અને કામ પણ કરે છે. એની ધીમી ગતિનો સંખ્યાબંધ બરતરફ અધિકારીઓ લાભ લઈ રહ્યા છે.

સીબીઆઈ આજકાલ જેનો બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે તે અપ્રમાણસર સંપત્તિના કાયદાના ઘેરાવામાં દેશના લાખો અધિકારીઓ ઊભા છે. તેમને ખબર નથી કે તેઓ જે બેનંબરી આવકના ઝાડનો શીતળ છાંયો માણી રહ્યા છે તે ઝાડ એમના આખા પરિવાર માથે પડવાનું છે.

આઈ.એ.એસ. અધિકારી જે.એન. માલપાની (નામમાં જ કમાલ છે!) બેધડક લાંચની ભિક્ષા માંગતા હતા. તેઓ એક ભિક્ષુકની હદને પણ ઓળંગી ગયા હતા. સરકારી યોજનાના લાભાર્થીઓ તેમનાથી તંગ આવી ગયા હતા. નફ્ફટ રીતે ભિક્ષાવૃત્તિ કરવાની પ્રવૃત્તિને ભારતમાં લાંચ કહેવામાં આવે છે.

એમને નિવૃત્ત થવાને જરાક જ વાર હતી ત્યારે એક 'કલાકારે' એમનો ક્રૂર અવાજ રેકોર્ડ કરી લીધો અને સોશ્યલ મીડિયામાં લાંબી નોંધ સાથે ફરતો કરી દીધો. તેઓ પણ ઘડિયાળ વિનાની દિવાલ સામે તાકી-તાકીને સમય પસાર કરતા થઈ ગયા.

મધ્યપ્રદેશ પાસે સરકારી અધિકારીઓની ઓડિયો ટેપ લાયબ્રેરી ઊભી થઈ ગઈ છે જેમાં ૯૭ અધિકારીઓ વિવિધ અધમ રીતે લાંચની 'આક્રમક યાચના' કરી રહ્યા છે! બીજા આટલા જ રેકોર્ડિંગ ઉપલબ્ધ છે જેના અવાજના પરીક્ષણની પ્રક્રિયા ચાલુ છે. મધ્યપ્રદેશે છેલ્લું એક વરસ એવું પસાર કર્યું છે કે ઓડઈવન પદ્ધતિથી સતત એક-એક અધિકારીઓ ઝડપાતા રહ્યા છે.

ભોપાલની કલેકટર ઓફિસના એક અધિકારીને લાંચ લેતા ઝડપીને લઈ જવાયા ત્યારે તે અધિકારીથી ત્રાસી ગયેલા લોકોએ પોલીસવાન અટકાવીને પ્રથમ બેન્ડવાજાવાળાને બોલાવી ડીજે સાથે વાજતે ગાજતે મૂકવા ગયા.

જંગલખાતાના અધિકારી અજીતકુમાર શ્રીવાસ્તવ રૃા. ૫૫ લાખની લાંચ લેતા ઝડપાયા. તેમના અવાજની ઓડિયો ક્લીપ પણ ફરે છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં જ ભ્રષ્ટાચાર પાગલ થયો છે. અહીંની સરકારી ઓફિસોમાં રિસેસમાં ટિફિન ખોલતી વખતે બધા એકબીજાને પૂછે છે- માર્કેટ મેં ક્યા નયા હૈ? એટલે કે હવે લાંચ લેતા કોણ ઝડપાયું? પ્રજા પણ મનોરંજક અદાથી આવી ઓડિયો અને વીડિયો ક્લીપ સતત પ્રસારિત કરતી રહે છે.

કેટલાક અધિકારીઓ તો મળીને પોતાનો એક સંયુક્ત પગારદાર ખાનગી એજન્ટ રાખે છે. બધો વહીવટ એ જ કરે! કારકુનો જ્યારે પણ ઝડપાય છે ત્યારે ઉપરી અધિકારીનું નામ આપી જ દે છે- 'ઉપરવાલે કે લિયે'! થોડા સમયમાં મધ્યપ્રદેશની જેલમાં એક સ્વતંત્ર સચિવાલય ચલાવી શકાય એવા તમામ કક્ષાના અધિકારી- કર્મચારીનું કોરમ પૂરું થઈ જશે એમ લાગે છે. ક્લાસ વન અધિકારી અમૃતાસિંહ તોમરે તો રાજ્યના મુખ્યમંત્રીની વિરુદ્ધમાં જ સીધી વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે.

મધ્યપ્રદેશ આખા દેશમાં એક એન્ટીમોડેલ રાજ્ય બનવા તરફ અધોગતિ કરી રહ્યું છે. જેને ભ્રષ્ટાચારનું આગવું વ્યવસ્થાતંત્ર કહેવાય તે અહીં ઉપલબ્ધ છે. મોટા ભાગના અધિકારીઓ પાસે પાંચ-સાત સિમકાર્ડ હોય છે. તેઓ બહુ જ સાવધાની રાખે છે, પરંતુ આગળ જતા એક એવી ઊંચાઈ આવે છે જ્યાંથી સીધા તેઓ ખીણમાં પડે છે. પછી એમના ઉદ્ધારક કોઈ નથી થતા.

લોકાયુક્ત પાસે રાજ્યમાં સાત-આઠ શાખાઓ છે. ત્યાં પણ ફરિયાદોના ઢગલા થયેલા છે. લોકાયુક્ત કાર્યક્ષમ છે પરંતુ ફરિયાદોના જે ગંજ ખડકાયેલા છે તેનો જલદીથી ઉકેલ લાવવો શક્ય નથી. જેમની સામેની ફરિયાદ હોય તેમને માટે છટકું ગોઠવવું હોય તો લાંબી અને ગોપનીય વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, કારણ કે લાંચરુશ્વત વિરોધી બ્યુરો અને લોકાયુક્તની પ્રણાલિકા સાવ ભિન્ન હોય છે.

રાજ્ય સરકાર પાસે આડે પાટે ચડી ગયેલી બાબુ શાહીને સીધી કરવાનો હાલતુરત તો કોઈ ઉપાય નથી. ઈ.સ. ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણીઓ જીતવાના આત્મવિશ્વાસ સાથે શિવરાજસિંહ કામ કરી રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેઓ ભાજપને બહુધા વિજય અપાવી શક્યા છે. પરંતુ અત્યારે જે રીતે ભ્રષ્ટાચારનો સોશ્યલ મીડિયામાં પ્રસાર શરૃ થયો છે તે શિવરાજસિંહને  જંપવા દે તેમ નથી.
 

Post Comments