Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાર્તા : પ્રેમની પરખ

ત્રણે જણાં નદીને કિનારે પહોંચ્યા. રસ્તામાં ત્રણેએ એકબીજા સાથે કંઇ વાત ન કરી. ફક્ત ત્રણે જણા રાણી સાથે સ્વપના જોતા હતા. છેવટે નદી કિનારેથી થોડી દૂર આવેલી સૂમસામ જગ્યામાં પહોંચ્યા એટલે દેવાંગે, ''જય ભોલેનાથ'' કહીને અડ્ડો જમાવ્યો.

દેવાંગ, નયન અને કુંજન ત્રણે ખાસ મિત્રો હતા. એક દિવસ રાણીને લીધે તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા.
હજી મોડી રાત્રે થઇ નહોતી એટલે રાણીનો બુઢ્ઢો બાપ તેને શોધવા નીકળે તેની શક્યતા ઓછી હતી. પણ રાણીની હાલત જોઇને એમ લાગતું હતું કે તે રાતભર આમ જ પડી રહેશે અને તેથી જ ત્રણેની હાલત કફોડી થઇ ગઇ હતી.

રાણી કરસન વાણિયાની દીકરી હતી. હજી એક વર્ષ પહેલા તો શેરીમાં છોકરાઓ સાથે ગિલ્લીદંડો અને પકડદાવ રમતી હતી. અરે, ઝાડ ઉપર ચડીને કાગડાના માળામાંથી તેના ઇંડા પણ લઇ આવતી. આ રાણી અચાનક થોડા દિવસથી શાંત થઇ ગઇ છે. તેનો પહેરવેશ પણ બદલાઇ ગયો છે અને હંમેશા બધા સાથે લડતી- ઝગડતી રાણી હવે સહુ સાથે નીચી નજર કરીને વાત કરે છે.

તેના આવા બદલાયેલા રૃપને લીધે તે ખૂબ સુંદર અને ગર્વિષ્ઠ લાગતી હતી. અને તેથી જ આ ત્રણે મિત્રો મનમાંને મનમાં તેા સ્વપના જોતા હતા. અને આ ત્રણે જાણતા હતા કે ટુંક સમયમાં જ તેના પિતા તેના વિવાહ નક્કી કરી નાંખશે.

તે દિવસે કુંજને આ પ્રસ્તાવ મૂક્યો, ''આજે આપણે થોડી મજા કરીએ. ચલો પૈસા કાઢો બધા. આપણી વચ્ચે એક બાટલી થઇ રહેશે.''

નયને કહ્યું, ''આઇડીયા સારો છે, ચલો.''

દેવાંગે પણ ઊભા થઇને ખિસ્સામાં હાથ નાખ્યો. પછી ત્રણેએ ભાગે પડતા પૈસા કાઢીને એક દારૃની બાટલી ખરીદી.

ત્યાં વળી કુંજને યાદ કરાવ્યું કે આની સાથે કંઇ ખાવાનું તો લેવું પડશે. સેવ-ગાંઠિયા કે પછી શીંગદાણા કંઇ પણ ચાલશે.

''તીખી સેવ હશે તો મજા આવશે.'' દેવાંગના મોઢામાં બોલતા- બોલતા પાણી આવી ગયું.

કરસન વાણિયાની દુકાન નજીક જ હતી. એટલે ત્રણેએ ત્યાં જવાનું નક્કી કર્યું.

''હવે તો રાણી મોટી થઇ ગઇ છે એટલે આપણને ઓળખશે પણ નહિ.''

''તો એમાં તું રડે છે શું કામ.'' નયન હસતા હસતા બોલ્યો.

આ પ્રમાણે વાત કરતા તેઓ રાણીની દુકાને પહોંચ્યા. દુકાનમાં નજર કરતા જ બધા સ્થિર થઇ ગયા.

દુકાનમાં રાણી એકલી જ બેઠી હતી. તેના પિતા ક્યાંય દેખાતા નહોતા.

''કેમ રાણી આજકાલ ઘરની બહાર પણ નીકળતી નથી. એકદમ ઘરકૂકડી બની ગઇ છે કે શું?''

રાણીના માંસલ ચહેરા ઉપર નીકળેલા ખીલ તેની સુંદરતા વધારતા હતા. આ મિત્રોની સામે જોઇને તે હસતા બોલી, ''શું જોઇએ છે? તીખી સેવ?''

''તને કેવી રીતે ખબર પડી ગઇ?''

''સાંજના સમયે દુકાને આવો તો કોઇને પણ ખબર પડે કેટલી જોઇએ?''

રાણીએ આમ કહી બાટલી તરફ પણ આડકતરો ઇશારો કરી દીધો. તેને ખબર હતી દેવાંગને બધા ક્યારેય છાંટોપાણી કરી લેતા હતા.

દેવાંગે કહ્યું, ''અમે કાંઇ દારૃડિયા નથી. આ તો ક્યારેક મજા કરવા થોડુ પીએ છીએ.''

''હવે સારું અને ખરાબ તો તમને જ ખબર પડે. હું શું જાણું?'' અને પછી હસતા હસતા બોલી, ''શું ફરક પડે છે મને? કેટલી સેવ આપું?''

નયને કહ્યું, ''દે તને જેટલી ઇચ્છા હોય તેટલી તારા પિતા ક્યાંય દેખાતા નથી.''

''પિતાજી પૈસાની વસૂલી કરવા ગયા છે. હમણા આવતા જ હશે.''

''તારા માટે વર ગોતવા તો નથી ગયા ને?'' કુંજને હસતા-હસતા પૂછ્યું.

''મારો વર હું પોતે જ ગોતી લઇશ. એ માટે પિતાજીને તકલીફ નહિ આપું.'' રાણીએ મક્કમતાથી જવાબ આપ્યો.

''કેવો વર? મૂછવાળો, માથે પાઘડી પહેરતો હોય તેવો?'' કુંજને ફરી મજાક કરી.

''બની શકે એવો જ હોય.'' એમ કહેતા રાણીએ તીખી સેવનું એક પડીકું પકડાવતા કહ્યું, ''આ લો.''

''તને ખરાબ નથી લાગ્યું?'' દેવાંગે પૂછ્યું.

''શેનું ખરાબ?''

''અમે તારી મજાક કરીએ છીએ?''

''તમે તો મારી ચિંતા કરો છો એટલે આમ કહો છો.'' રાણીએ જવાબ આપ્યો.
તેની આ વાતથી ત્રણે દંગ થઇ ગયા.

ત્યાં તો રાણી ફરી બોલી, ''હવે જાવ. પિતાજીના આવવાનો સમય થઇ ગયો છે.''

ત્રણે જણાં નદીને કિનારે પહોંચ્યા. રસ્તામાં ત્રણેએ એકબીજા સાથે કંઇ વાત ન કરી. ફક્ત ત્રણે જણા રાણી સાથે સ્વપના જોતા હતા. છેવટે નદી કિનારેથી થોડી દૂર આવેલી સૂમસામ જગ્યામાં પહોંચ્યા એટલે

દેવાંગે, ''જય ભોલેનાથ'' કહીને અડ્ડો જમાવ્યો.

''કેટલી કાળી છે ને રાણી?'' કુંજને કહ્યું.

''અરે કાળી હોય તો શું થયું? જોયું નહિ કેવી વાતો કરતી હતી અને વારંવાર તને જ ભાવ આપતી હતી.'' દેવાંગે કહ્યું.

''તને કેવી રીતે ખબર પડી?'' કુંજને પૂછ્યું.

''તારી બધી વાતોનો જવાબ કેવો પટાપટ આપતી હતી?''

ત્યાં તો કુંજને ત્રણ ગ્લાસ સામે મૂક્યા અને બાટલી ખોલી તેમાં દારૃ રેડયો. દેવાંગે તીખી સેવનું પડીકું ખોલ્યું.

ત્યાંથી થોડે દૂર થોડા વૃક્ષો હતા અને તેની આડશેથી થોડા તારા જોતા હતા. ટમટમ થતા તારા જોવાની પણ એક મજા હતી.

થોડી સેવ મોઢામાં મૂકતા નયને કહ્યું, ''એક દિવસ રાણીને પણ પીવરાવીએ તો મજા આવશે.''

''શું આ? તેને મૂર્ખ સમજો છો?''

''કેમ? તે નહિ પીવે?''

''આપણે પીએ છીએ એટલે શું બધા પીવે?'' અને વળી તેની વાતથી ખબર નહોતી પડતી કે તેને આ પીવું નથી ગમતું.''

''તેણે એવું ક્યારે કીધું?''

નયને સિગરેટ કાઢી અને બોલ્યો, ''રાણી માટે આટલી વાત સારી નથી લાગતી. શું વારંવાર એનું જ રટણ કરવું?''

થોડીવાર શાંતિ થઇ ગઇ ત્યાં કુંજને કહ્યું, ''તું સાચુ કહે છે, વારંવાર રાણીની વાતો કરવી સારી નથી લાગતી.''

''તો બસ, હવે કોઇ તેનું નામ નહિ લે.'' દેવાંગે ગ્લાસ ઉપાડીને કહ્યું.

''બરોબર છે.'' અન્ય બંનેએ પણ તેના ગ્લાસ સાથે ગ્લાસ ટકરાવીને તેને ટેકો આપ્યો. તથા ગ્લાસ મોઢે માંડયો. ત્યારબાદ તેઓ આમતેમ જોવા લાગ્યા.

અચાનક પાંચ મિનિટ પછી તેઓ ચોંકી ગયા. કોઇને વિશ્વાસ નહોતો આવતો કે આવા અંધારામાં નદીને કિનારે રાણી આવીને ઊભી હતી.

કુંજનના ગ્લાસમાંથી દારૃ નીચે ઢોળાયો અને દેવાંગની જીભ 'તું' કહેતા લથડી ગઇ.

''આવી ગઇ. તમે શું કરો છો તે જોવા આવી.'' એટલું કહેતા તે આગળ આવી અને તેમની બાજુમાં ઘાસ ઉપર બેસી ગઇ.

''કમાલ છે તારી! તને ડર ન લાગ્યો?''

''શેનો ડર?''

''તારા ઘરનાઓને ખબર છે?''

''ના, હું તો ખોટું બોલીને આવી છું.''

કુંજને વાતને વાળતાં કહ્યું, ''હવે આવી જ છે તો લે તીખી સેવ ખા.''

દેવાંગે કહ્યું, ''ફક્ત સેવ?'' કુંજને તેને કટાક્ષપૂર્ણ રીતે જોયો.

રાણી હસતા બોલી, ''તમે જ ખાવ અને પીવો. હું જોઇશ કોને નશો ચઢે છે.''

''ધત્, આટલાથી કંઇ નશો ન ચઢે? અને અમે કંઇ નશો કરવા પીતા નથી.''

''તો પછી શું કામ પીવો છો?''

''મજા કરવા.''

''મજા? કેવી મજા?''

દેવાંગ હસ્યો, ''તને નહિ ખબર પડે જે પીવે તે જ જાણે. મજા ન આવે તો કોઇ પીવે શું કામ?''

રાણી પણ હસી, ''પહેલા મજા પછી નશો? તમે તો મજા કરવા જ આવ્યા છો?''

ત્રણે સ્તબ્ધ થઇ ગયા. કુંજને કહ્યું, ''નશામાં ચૂર કોઇને જોવાની તને મજા આવે છે?

''ફક્ત જોવાનું જ નહિ, મદહોશ બનવાનું પણ મને ગમે છે.'' કહેતા રાણીએ કુંજનનો ગ્લાસ લીધો. ફટાકથી બધો દારૃ પી ગઇ.

રાણીના આ વર્તનથી તો ત્રણેનું લોહી થીજી ગયું. બેવકૂફોની જેમ તેઓ તેને જોઇ રહ્યા. ત્યાં તો દેવાંગ બોલ્યો, ''શાબાશ! લે થોડી વધારે લે.''

''છી! કેટલો ગંદો સ્વાદ છે. કેવી રીતે પીવો છો તમે?''

''લે થોડી સેવ ખા. મોઢાનો સ્વાદ સારો થશે.'' દેવાંગે સેવ આપતા કહ્યું.
હવે રાણી ઘાસ પર પગ પહોળા કરીને બેઠી, ''આવું પીવાથી શું મજા આવે?''

''થોડી વધુ પી લે એટલે તને ખબર પડશે.'' દેવાંગે પોતાનો ગ્લાસ લંબાવતા કહ્યું.

''ના, ના હવે નહિ?''

''આમ ન ચાલે કુંજનના ગ્લાસમાંથી પીધુ અને મારા નહિ?'' રાણીની આંખો થોડી બળતી હતી. થોડા કૌશલ્યથી તેણે પોતાનો છેડો છાતી ઉપર ટકાવી રાખ્યો હતો.

રાણી બોલી, ''ઠીક છે પણ આ છેલ્લીવાર. હવે વધારે નહિ.''

દેવાંગના હાથમાંથી ગ્લાસ લેતા તે બોલી અને ઝડપથી તે ગટગટાવી ગઇ.

''તો પછી મારામાંથી કેમ નહિ?'' નયને પોતાનો ગ્લાસ આપ્યો.

''અરે હું તો મજાક કરતી હતી. હું મજા કરવાને બદલે નશામાં ડુબી જઇશ.''

''ડરવાની જરૃર નથી. અમે તો છીએ. થોડી લઇ લે પછી નહિ કહીએ.''

રાણીએ હાથ લંબાવતા કહ્યું, ''લાવ.'' અને એક શ્વાસે નયનનો ગ્લાસ પણ ખાલી કર્યો.

રાણી આમ ત્રણ ગ્લાસમાંથી પીશે તેની કોઇને કલ્પના પણ નહોતી.

''કેવું લાગે છે.'' દેવાંગે પૂછ્યું.

રાણી હસી. તેની આંખો વિષધર સાપની જેમ હસતી હતી.

કુંજને પૂછ્યું, ''કંઇ થતું નથી ને? જો માથું ફરતું હશે તો હમણા થોડીવારમાં સારુ થઇ જશે.''

રાણીની છાતી ઉપરથી છેડો સરકી ગયો.

''શું થાય છે? કેમ કંઇ બોલતી નથી.''

રાણીએ કહ્યું, ''મને સુવું છે.''

''અહીં? ચક્કર આવે છે? બોલને શું લાગે છે?'' અને રાણી ઘાસ ઉપર લાંબી થઇને સુઇ ગઇ.

''મરી ગયા? હવે શું કરશું?'' ત્રણે એકબીજા સામે જોઇને બોલ્યા.

''હવે શું થશે એટલે આપણે થોડી એને બોલાવીને દારૃ પીવાનું કહ્યું હતું. તેણે પોતે જ ગ્લાસ ખેંચ્યો હતો.''
કુંજને વાંકા વળીને તેના મોઢા સામે જોયું.'' તેનું મોઢું ખુલ્લુ છે અને આંખો બંધ છે તેને ખૂબ તકલીફ થતી હશે.'' એમ કહીને તેણે તેના ગ્લાસ થપથપાવતા કહ્યું, ''રાણી, એ... રાણી.''

રાણી ચૂપ હતી.

''શું થયું? આ બેહોશ થઇ ગઇ છે?''

દેવાંગ અને નયન પણ વાંકા વળ્યા તેના માથે હાથ ફેરવ્યો એટલે દેવાંગ બોલ્યો, ''તેને પરસેવો થાય છે.''

''જોવા દે...'' એમ કહી નયને પણ તેના માથા તથા ગાલ ઉપર હાથ ફેરવ્યો. ''રાણી બોલ તો ખરી કેવું લાગે છે?''

રાણીનું માથુ એક બાજુ નમેલું હતું. તેને સીધુ કરતા કુંજન બોલ્યો.'' માથા ઉપર પાણી નાંખવું છે?''

''હા, નાંખીએ, ગાલ અને ગળા ઉપર પણ પાણી નાખીશું તો સારુ રહેશે.''

નદી સામે હતી. કુંજને કહ્યું, ''રૃમાલ ભીનો કરીને લાવીએ અને ગ્લાસમાં પણ થોડું પાણી લાવીએ.''

''તું તો હુકમ દેવા લાગ્યો. તું જ જા.'' નયને કહ્યું.

''મારી પાસે રૃમાલ નથી. હોત તો હું જ જાત.''

ત્યાં સુધીમાં દેવાંગ તો નદી કિનારે પહોંચી ગયો હતો.

''ઠીક છે તારો રૃમાલ દે હું જ જાવ છું.'' કુંજને કહ્યું.

''રહેવા દે હું જાવ છું.'' કહેતો નયન ઊભો થયો.

''તેને મૂર્છા તો નહિ આવી હોય?''

''તેણે પોતે જ પીધી હતી.''

''મને તો એમ થાય છે કે તે હવે આંખ નહિ ખોલે તો...''

''ધત્ હવે! આટલું પીવાથી કોઇ મરે નહિ? અને આ કંઇ ઝેર થોડી હતું. ઝેર હોત તો આપણે પહેલા મરી જાત.''

''આપણી વાત અલગ છે.'' એમ વાત કરતા બંને રૃમાલ ભીનો કરીને તથા પાણીનો ગ્લાસ લઇને આવ્યા.
દેવાંગ વાંકો વળીને તેના માથા પાસે બેઠો. ભીનો રૃમાલ રાણીના માથે, ગાલે તથા ગળે ફેરવ્યો.

કુંજને તેને હલાવતા કહ્યું, ''રાણી, એ રાણી? તને કોણે અહીંયા આવવાનું કહ્યું હતું?''

દેવાંગે તેનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો. નયન બોલ્યો, ''મોઢામાં પાણી રેડું?''

''રેડને?'' કુંજને તેનું માથું હાથેથી ઉપાડીને ઊંચું કર્યું. નયને તેના હોઠ ઉપર ધીરે ધીરે પાણી રેડયું. પાણી પડતા જ રાણીે પડકુ ફેરવ્યું અને તેના મોઢામાંથી ''આહ!'' શબ્દ નીકળ્યો.

ત્રણેએ ફરી એકબીજા સામે જોયું. પાણી રેડવાથી તેનું બ્લાઉઝ ભીનું થયું હતું તથા તેનો છેડો ઘાસ ઉપર પથરાઇ ગયો હતો. તેના બંને હાથ પણ વિચિત્ર રીતે ઘાસ ઉપર પડયા હતા.

કુંજન ઊભો થયો. ''કેટલા વાગ્યા હશે?'' અત્યાર સુધીમાં તો મહોલ્લામાં ખબર પડી ગઇ હશે. આપણા નસીબ જ ખરાબ છે.''

કોઇની પાસે ગડિયાળ નહોતી. તથા જગ્યા પણ એટલી બધી સૂમસામ હતી કે સમયનો અંદાજ બાંધી શકાતો નહોતો.

દેવાંગે કહ્યું, ''ચલો આપણે ભાગી જઇએ.''

''ભાગી જવું સારુ કહેવાય?'' નયને ડરના માર્યા પૂછ્યું.

''રાણીને શોધવા કોઇ તો આવશે જ. એટલે આપણે ભાગવું જ હિતાવહ રહેશે.''

ત્રણેએ ફરી એકબીજા સામે જોયું ત્યારબાદ આજુબાજુ જોયું. તે વિસ્તાર નિર્જન વગડો એકદમ ભયાવહ દેખાતો હતો.

''ચલો જતા રહીએ. ગ્લાસ અને બોટલ નદીમાં ફેંકી દઇશું.'' એમ કહેતા કુંજને બોટલ લીધી. નયને ગ્લાસ લીધા. દેવાંગે ફરીવાર વાંકા વળીને રાણી તરફ જોયું.

અને ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. રાણી એક ઝાટકે ઊભીથઇ અને છેડો સરખો કરતા બોલી, ''શું હું અહીં એકલી રહીશ? હું પણ તમારી સાથે આવીશ.''

ત્રણેને એમ થયું કે રાણીનું ભૂત હતું કે શું? કુંજને માંડમાંડ કહ્યું, ''એટલે કે...''

''અરે મારે પણ ઘરે તો જવાનું હોયને...''

''તો આટલીવાર સુધી તું આમ ચૂપચાપ પડી હતી.''

રાણી હસી, ''તું જોતી હતી, તમને બધાને.''

''શું જોતી હતી?''

''જોતી હતી કે તમારામાંથી કોણ મને સૌથી વધુ પ્રેમ કરે છે.''

''એટલે?''

રાણી હવે ખડખડાટ હસી, ''હું તમને પારખતી હતી. પણ તમે કોઇ મને પ્રેમ કરતા નથી.'' એટલું કહી સાડીનો છેડો હવામાં લહેરાવતી તે દોડી ગઇ અને ત્રણે દિગ્મૂઢ બનીને જોતા રહ્યા.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments