Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની-મુખનાં શત્રુ : 'તલ' અને 'મસા'

આકર્ષક વ્યક્તિત્વ માટે સુંદર ચહેરો ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ જ્યારે ચાંદ જેવા આ સુંદર ચહેરા પર મસા અને તલ નીકળી આવે ત્યારે સુંદરતામાં તે અભિશાપરૃપ બની જાય છે. તો શું આવા મસા કે તલ માટે આયુર્વેદમાં કોઈ ઉપચાર છે ? હા, આયુર્વેદનાં પ્રાચીનઋષિઓએ આના માટેનાં કારણો અને ઉપાયોનું સવિસ્તર વર્ણન આયુર્વેદમાં કરેલું છે.

આયુર્વેદમાં આ 'મસા' અને 'તલ'નું વર્ણન ક્ષુદ્રરોગોની અંતર્ગત કરવામાં આવેલું છે. એટલે કે ક્ષુદ્રરોગો એટલે એવા રોગો કે જે રોગોની ઉત્પત્તિ, કારણો, લક્ષણો અને સારવારનું વર્ણન સંહિતાઓમાં વિસ્તૃતરૃપથી કરવાનાં બદલે સંક્ષિપ્તમાં કરેલું છે. આયુર્વેદમાં આવા મસાને 'મષક' કહેવામાં આવે છે. આ મસા દુ:ખાવા રહિત, અડદ જેવા કાળારંગનાં તથા ઉભારયુક્ત હોય છે.

આયુર્વેદ મુજબ વાયુથી પ્રેરિત થઇ દોષો કફ અને મોમાં આશ્રિત થઇ આ મસાને ઉત્પન્ન કરે છે. આથી વાત, કફ અને મેદવૃધ્ધિનાશક ઉપાયોથી આ મસાને વધતા અટકાવી શકાય છે. આજ રીતે 'તલ' પણ કાળા રંગનાં તલ જેવા અને વેદનારહિત તેમજ ચામડીમાં સ્થિત હોય છે. જે પિત્ત અને રક્તનાં દૂષિત થવાથી ઉત્પન્ન થાય છે. જેથી પિત્તનાશક અને રક્તશુધ્ધિકર ઉપાયો દ્વારા 'તલ'ની ઉત્પત્તિમાં નિયંત્રણ લાવી શકાય છે.

આપણાં શરીરમાં જ્યારે કોઈપણ કારણોસર શરીરની કોશિકાઓ એક સ્થાન પર જમા થઇ વધવા લાગે છે, તો ત્યારે તે જગ્યા પર કઠિન માંસની આકૃતિ જેવું દેકાઈ પડે છે. જેને સામાન્યભાષામાં આપણે 'મસા' તરીકે ઓળખીએ છીએ. અને આ જ રીતે શરીર પર જ્યારે કાળા તલ જેવું બિંદુ દેખાઈ દે તો તેને 'તલ' તરીકે ઓળખવામાં આવે છે.

ચહેરા પર જો એકાદ તલ હોય તો તેને તો સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે, પણ આ જ તલ જ્યારે ચહેરા પર અત્યધિક પ્રમાણમાં વધવા લાગે ત્યારે બદસુરતીનું કારણ પણ બની જાય છે. ઘણીવાર 'મસા' કે 'તલ' જન્મજાત પણ હોય છે. જેે બિનહાનિકારક છે. પરંતુ કેટલીક વિશિષ્ટ જગ્યા પર હોવાથી તથા સુંદરતામાં બાધકરૃપ હોવાથી તેની સારવાર ઇચ્છનીય છે.

ઘણીવાર મસા કાળારંગના હોય છે તો કેટલીકવાર તે ભૂખરા રંગના પણ જોવા મળે છે. મોર્ડન સાયન્સ મુજબ આ મસાને જો ફોડવા કે કાપવામાં આવે તો તે મસાનાં વાયરસ શરીરનાં અન્ય ભાગોમાં ફેલાઈ જઈ શરીરનાં અન્ય સ્થાનો પર પણ મસા ઉત્પન્ન કરે છે.

આધુનિક વિજ્ઞાાન મુજબ આ વાયરસને 'પપિતોનાં વાયરસ' કહેવામાં આવે છે. મસાની આ ગ્રંથિ નોન-કેન્સર ગ્રંથિ હોય છે, એનો મોટા ભાગે સર્જરી દ્વારા તેને કાઢી નાખવામાં આવે છે.પરંતુ મોટાભાગની સર્જરી બાદ આ મસા ફરી ફરીને થવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે.

આજે મસા અને તલ માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો સૂચવું છું જે વાંચકમિત્રોને ઘણાં ઉપયોગી સિધ્ધ થશે તેવી આશા છે.

(૧) બટાકાની છાલને ઉતારી વચ્ચેથી કાપી લેવું અને આ કપાયેલાં ભાગને દિવસમાં ૩ વાર મસા ઉપર ઘસવું જેથી ૧ મહિનામાં ફાયદો જણાશે.

(૨) મધ્યમકદનાં મસા હોય તો ફ્લાવરનો રસ કાઢી મસા પર ૧૦થી ૧૫ મિનિટ સુધી ઘસવો. આ પ્રયોગથી પણ મસામાં ખૂબ જ ફાયદો થશે.

(૩) મસા આકારમાં મધ્યમથી થોડા વધારે હોય તો ૧ નંગ ડુંગળીનો રસ દિવસમાં એકવાર નિયમિતરૃપથી મસા ઉપર લગાવવો. આ પ્રયોગથી થોડા જ દિવસોમાં આ રોગમાં ખૂબ જ ફાયદો જણાશે.

આવા ઘરગથ્થુ ઉપચારો કરવા છતાં જો ફાયદો ન જણાય તો નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

આયુર્વેદમાં આવા મસા માટે 'દગ્ધક્ષાર' અથવા 'અગ્નિકર્મ' બતાવેલું છે. સૂર્યકાન્તમણિ દ્વારા આવા મસાને બાળવામાં આવે તો તે નષ્ટ તો થાય જ છે. સાથે સાથે ફરી થવાની શક્યતા રહેતી નથી. આ ઉપરાંત આયુર્વેદમાં આવા મસા અને તલ માટે 'કંકુમાદિ તેલ'નું નસ્ય લેવાનું પણ વિધાન છે.

પરંતુ આ બધી સારવાર નિષ્ણાંતની સલાહ અને દેખરેખમાં જ કરવી જોઇએ. આ જ રીતે 'તલ'નાં નિશાન પણ ઘણાં લોકોને હોય છે. જે ઘણીવાર ચહેરાની સુંદરતામાં વધારો પણ કરે છે.

તો ઘણીવાર ચહેરાની સુંદરતામાં અવરોધક પણ બનતા હોય છે. આ તલ શરીરમાં 'મેલેનિન'નાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થવાથી થતાં હોય છે. આજે 'તલ' માટે પણ કેટલાક ઘરગથ્થુ ઉપાયો સૂચવું છું, જેમાં;

(૧) લસણની એક મોટી કળી લઇ ફોલી લેવી તેને વચ્ચેથી કાપીને તલવાળા ભાગ પર લગાવી દેવી. અને તે જ સ્થિતિમાં આખી રાત બાંધી રાખવી. આ પ્રયોગ ૨૫ દિવસ સુધી કરવાથી આ રોગમાં ખૂબ ફાયદો જણાશે.

(૨) એક ચપટી બેકીંગ સોડા લો. તેમાં ૩થી ૪ ટીપાં એરંડીનું તેલ મિક્સ કરો. અને આ પેસ્ટને તલ પર લગાવી પૂરી રાત રહેવા દો. આ પ્રયોગ ૧૦થી ૧૫ દિવસ કરવો. ધીરે ધીરે તલ ઝાંખા થઇ જશે.
આયુર્વેદનાં નિયમો મુજબની જીવનશૈલી, પૂરતી ઉંઘ, પથ્યકર ભોજન અને આચાર રસાયનનાં નિયમોનું પાલન પણ આ રોગના નિયંત્રણમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

- જ્હાનવીબેન ભટ્ટ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments