Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

સૂર્યોદય - સૂર્યાસ્ત

૨૦૧૮ની શરૃઆતમાં રાજકીય ક્ષેત્રે લાલુ પ્રસાદનો સૂર્યાસ્ત; રજનીકાંતનો સૂર્યોદય

દક્ષિણના કલાકારો અનેકવાર તમિળનાડુના રાજકારણની સપાટી પર આવ્યા છે : રજનીકાંતનો વેવ છે; વેવ પર બેસીને તે જંગ જીતી શકે !!

માત્ર કરિશ્માના જોરે આગળ આવતો નેતા ફસકી પડે છે; પ્રજાને સમજવી મુશ્કેલ છે : રજનીકાંતે બે દાયકા વિચાર્યા પછી જમ્પ માર્યો છે..

૨૦૧૮ના પ્રારંભે બનેલી મુખ્ય રાજકીય ઘટનાઓમાં એકનો અસ્ત બીજાનાં ઉદયનો સમાવેશ થાય છે. અસ્ત એટલે લાલુ પ્રસાદ યાદવ અને ઉદય એટલે સ્ટાર રજનીકાંત !! સતત બે દાયકાથી લાલુ પ્રસાદની રાજકીય કબર ખોદાતી હતી તો રજનીકાંતના રાજકીય સૂર્યોદયની પણ છેલ્લા બે દાયકાથી રાહ જોવાતી હતી.

તમિળનાડુના રાજકારણમાં પ્રવેશવાની દક્ષિણના તમામ અભિનેતાઓ - અભિનેત્રીઓની ઈચ્છા હોય છે પરંતુ જે રાજકીય કૌશલ્ય જયલલિથા કે એમજીઆર પાસે હતું તે રજનીકાંત બતાવી શકશે કે કેમ તે માટે સમયની રાહ જોવી પડે.

દક્ષિણના ફિલ્મ ઉદ્યોગે રાજકારણને ઘણાં સફળ ચહેરા આપ્યા છે. જેમ કે એન ટી આર, એમ જી આર, કરૃણાનીધી, જયલલિથા વગેરે.. દક્ષિણ ભારતનું સૌથી મોટું રાજ્ય તમિળનાડુ છે. ભારતના રાજકારણમાં તમિળનાડુનું મહત્વ છે. દર વખતે કેન્દ્ર સરકાર સાથે ડીએમકે અને અન્ના ડીએમકે જોડાયેલા હોય છે.

છેલ્લે જ્યારે ડીએમકેના સુપ્રીમોની પુત્રી કનીમોઝી અને એ. રાજાને ભ્રષ્ટાચારના કેસમાંથી મુક્તિ મળી ત્યારે ડીએમકેની ઈમેજમાં વધારો થયો હતો.

અન્ય રાજકારણીઓ જેમ કહેતા આવ્યા છે એમ રજનીકાંતે પણ કહ્યું કે હું અહીં સત્તા માટે નથી આવ્યો પણ સ્વચ્છ સરકાર માટે આવ્યો છું. રજનીકાંતે રાજકારણમાં જોડાવવાનું જાહેર કરતાં જ Yes Thalaiva (યસ-બોસ)ના સૂત્રોચ્ચાર શરૃ થયા હતા. આ જાહેરાત સાથે જ રજનીમેનડ્રેમ નામની વેબસાઇટ શરૃ કરાઇ હતી જેના પર વૉટર-આઇડી કાર્ડના નંબર સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. માત્ર ત્રણ કલાકમાં ત્રણ લાખ લોકોએ વેબસાઇટ પર નામ રજીસ્ટર્ડ કરાવ્યું હતું. રજનીકાંતની ફેન ક્લબમાં ૫૦,૦૦૦ લોકો છે.

રજનીકાંતના સમર્થકો તેને ‘Thalaiva’ કહીને પોંખે છે. રજનીકાંતે ભાજપ સાથે જોડાવાની કોઇ સત્તાવાર જાહેરાત નથી કરી પણ ભાજપના રાજ્ય પ્રમુખ થમલીસાઈ સુંદરરાજને એવો દાવો કર્યો છે કે ૨૦૧૯ના લોકસભાના જંગમાં રજનીકાંતનો પક્ષ અમારી સાથે રહેશે.

રજનીકાંતે એવી વાત કરી છે કે તે 'સ્પીરીચ્યુઅલ પોલીટીક્સ' રમશે, જોકે બધા જાણે છે કે સત્તા માટે લડાતા જંગમાં ક્યાંય સ્પીરીચ્યુઆલીટી નથી આવતી. રજનીકાંત રાજકારણમાં પ્રવેશે તે અંગે કોંગ્રેસે કોઇ ખાસ પ્રતિભાવ નથી આપ્યા પણ તમિળનાડુનું સોશ્યલ નેટવર્ક ભાજપને 'ખલનાયક' તરીકે ચીતરે છે.

અહીં મહત્વનું એ છે કે દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી દક્ષિણમાં ખાસ કરીને તમિળનાડુમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. ભાજપે કર્ણાટક જીત્યું હતું પરંતુ મુખ્ય પ્રધાન યેદુઆરપ્પાના કારણે બદનામી મળી હતી.

વર્ષો પહેલાં એટલે કે ૧૯૧૬માં અર્થાત્ એક સદી પહેલા તમિળનાડુના નોન-બ્રામીન નેતાઓએ સાઉથ ઈન્ડીયન લીબરલ ફેડરેશન ઊભું કર્યું હતું. ેતેનું નામ જસ્ટીસ પાર્ટી રાખ્યું હતું. આ પાર્ટીએ બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બાંયો ચઢાવી હતી. ત્યારબાદ દક્ષિણમાં સામાજીક પરિવર્તન લાવનાર ઈ.વી. રામસ્વામીએ પણ તેને સાથ આપ્યો હતો. જોકે તેમાંથી બે પક્ષનો જન્મ થયો હતો. એક ડીએમકે અને બીજો અન્નાડીએમકે !!

રજનીકાંતે રાજકારણમાં એન્ટ્રી મારી છે એટલે કમલ હસન પણ પોતાનો પક્ષ રચશે. સાઉથના કલાકારો તેમના સમર્થકોની ચીચીયારી સાંભળીને વધુ તાનમાં આવી જાય છે. રજનીકાંત ગમે તેવું આયોજન કે મહેનત કરે પણ તે એમજીઆરનો (એમ જી રામચંદ્રન) યુગ પાછો લાવી શકે એમ નથી. તમિળ લોકો તેમની પાછળ દોડવાનો વિચિત્ર ક્રેઝ ધરાવે છે.

રજનીકાંત ફિલ્મ દર્શકોમાં છવાયેલું પાત્ર છે. તેની એકટીંગ કોઇ જાદુગર જેવી હોય છે. રજનીકાંતનો ભૂતકાળ સંઘર્ષથી ભરેલો છે. તે જ્યારે બસ કંડકટર હતો ત્યારે એક પત્રકારે કહ્યું હતું કે જો તમે બસ કંડકટર ના હોત તો શું બનત ? તરત જ રજનીકાંતે જવાબ આપ્યો હતો કે ક્યાં તો હું સ્મગલર બનત કે બુટલેગર બનત !!

રજનીકાંતનો કરિશ્મા દક્ષિણમાં ખુબ પ્રભાવી છે પણ કરિશ્માથી ચૂંટણી જીતાતી નથી. રજનીકાંત બોલીવુડમાં પણ પ્રિય છે. અમિતાભ બચ્ચન સાથે તેના ઘર જેવા સંબંધો છે. જોકે ચૂંટણી સંહિતામાં આવા સંબંધો કે કરિશ્મા કામ નથી આવતો.

રજનીકાંત હવેના દિવસોમાં તમિળનાડુમાં ફરશે અને પોતાનો પાયો મજબૂત કરશે. જયલલિથાના નિધન પછી કરૃણાનીધીના ડીએમકેને સત્તા મેળવવાનો ચાન્સ દેખાતો હતો. જો કે રજનીકાંતની એન્ટ્રીની જાહેરાતે તેમના ચાન્સમાં પંચર પાડયું છે.

કરૃણાનીધીના કુટુંબમાં ચાલતા ડખા અને અન્ના ડીએમકેમાં જયલલીથાના સમર્થકો વચ્ચેના ઝઘડાનો લાભ રજનીકાંત લઇ શકે છે. દક્ષિણના કલાકારો લોકજુવાળ ઊભો કરવામાં ઉસ્તાદ હોય છે. જો તેમને ચૂંટણી જંગ જીતાડનાર કોઇ સારો ગાઇડ મળી જાય તો તે તમિળનાડુ પર રાજ કરી શકે છે.

સાઉથના અભિનેતાઓ રાજકારણમાં સફળ થયાના અનેક ઉદાહરણો છે પણ બોલીવુડના અભિનેતાઓ રાજકારણમાં પ્રવેશતા નથી. બોલીવુડવાળાને રાજ્યસભામાં આસાનીથી ચાન્સ મળી જાય છે. જોકે અભિનેત્રી રેખાને છેલ્લે ચાન્સ મળ્યો હતો. તે રાજ્યસભામાં બોલે તેની રાહ જોઇને સાંસદો બેઠા છે.

સેલિબ્રીટીઓથી રાજ્યસભા આકર્ષક ભલે લાગે પણ તેને કોઇ વૈચારિક બ્રેન નથી મળતું. ભારતને જરૃર છે વૈશ્વિક પરિવર્તન સાથે ચાલે એવા નેતાની, નહીં કે કરિશ્માના ઉપયોગથી જીત મેળવનારાઓની !!

ડીએમકેના સુપ્રીમો કરૃણાનીધી ૯૩ વર્ષના છે અને અન્ના ડીએમકેના વડા જયલલિથાનું નિધન થયું હોઇ આપણા માટે પ્રસરવાની પુરતી તક છે એમ માનીને રજનીકાંતે ઝુકાવ્યું છે. જોકે રજનીકાંત હોય કે કમલ હસન હોય પણ તે એમ.જી. રામચંદ્રન (એમજીઆર)ની  જેમ છવાઇ શકવાના નથી.

તમિળનાડુમાં દ્રવીડ શાસનના ૫૦ વર્ષ પૂરા થયા છે. તમિળનાડુના નેતાઓને સમજવા અઘરા છે. યાદ છે ને, કે જ્યારે જયલલિથાના એક વૉટને કારણે વાજપેયીની સરકાર ભોંયભેગી થઇ ગઇ હતી. જોકે જયલલિથાની વિદાય બાદ ભાજપે ફરી તમિળનાડુમાં પગપેસારો કરવાનું શરૃ કર્યું છે.

રજનીકાંતે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં પ્રવેશની અફવાને જોર આપ્યું હતું. તેમણે રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી છે પણ પક્ષનું નામ હજુ આપ્યું નથી. રજનીકાંતે તો એમ કહ્યું છે કે તે તમિળનાડુની તમામ ૨૩૪ બેઠકો પર લડશે. તમિળનાડુના રજનીકાંતના સમર્થકો કહે છે કે ભાઇ તમિળનાડુના શુષ્ક પોલીટીક્સમાં નવું પરિવર્તન લાવશે. જોકે કેટલાક રજનીકાંતને આરંભે શૂરા કહીને એમ જણાવે છે કે ફિલ્મી દુનિયા અને રાજકારણ બંને વચ્ચે આસમાન - જમીનનો ફર્ક છે.

રાજકારણમાં પ્રવેશની જાહેરાત બાદ રજનીકાંત ડીએમકેના બિમાર સુપ્રીમો કરૃણાનીધીને મળવા ગયા હતા. ત્યારે ત્યાં કરૃણાનીધીનો પુત્ર સ્ટાલીન પણ હતો. રજનીકાંત બહાર આવ્યા ત્યારે તેમના હજારો સમર્થકો તેમને ઘેરી વળ્યા હતા. રજનીકાંતે જ્યારે એમ કહ્યું કે હું સ્પીરીચ્યુઅલ પોલીટીક્સમાં માનું છું ત્યારે લોકો માનવા લાગ્યા હતા કે સ્પીરીચ્યુઅલ એટલે ધાર્મિક અને ધાર્મિક એટલે ભાજપ !! લોકો એવું સમજ્યાં હતાં કે રજનીકાંત ભાજપ તરફી છે.

રજનીકાંતની બે નવી ફિલ્મ આવી રહી છે. એક છે કાલ્લાડૂ અને બીજી છે ઍથીરીયન ૨.૦ !!

આ રાજકીય સૂર્યોદય અને સૂર્યાસ્તથી ભારત દેશને શું લાભ ? ભારતનું રાજકારણ દેશની સંસ્કૃતિને બચાવી શક્યું નથી. કોઇ સીનિયર રાજકારણી જેલમાં જાય કે કોઇ નવો રાજકારણમાં આવે પણ રાજકીય સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી. લોકોમાં વ્યાપેલી નિરાશા અને આર્થિક સમૃધ્ધિ તરફની નાના-મોટા સૌની દોડ વિવાદો સર્જે છે. જેના કારણે ભારત એ વિવાદોનું નામ બની ગયું છે.

આપણે સૂર્યોદય એટલે રજનીકાંતની વાત કરી. હવે થોડું સૂર્યાસ્ત માટે, ઊગતા સૂર્યને પૂજે જનો સૌ જેવું રજનીકાંતના કેસમાં છે જ્યારે સૂર્યાસ્ત જોઇ પંખીડા તેમના માળામાં ભરાઇ જાય છે; આ સૂર્ય તપતો ત્યારનું તેજ-ગરમી લોકો ભૂલી જાય છે. લાલુ પ્રસાદ યાદવનો સૂર્યાસ્ત એ તેમની રાજકીય કારકિર્દીના ટેમ્પરરી અંત કહી શકાય. જ્યારે રજનીકાંતના  ઉદયના કિરણો અનેક નવોદીતોને પ્રેરણા આપશે.
 

Post Comments