Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Rise & Rise યોગીનો સિક્કો

યોગી આદિત્યનાથને ભાવિ વડાપ્રધાન તરીકે જોવામાં આવે છે

યોગી પર સંઘનો સિક્કો છે : પોતે 'હિન્દુ' છે એમ બિન્દાસ્ત કહેતો પહેલો મુખ્યપ્રધાન : ભગવારંગે સચિવાલયને રંગી નાખ્યું

યોગી આદિત્યનાથનો વહિવટ દેશનું ધ્યાન ખેંચી રહ્યો છે. એક ભગવાધારી દેશના સૌથી મોટા રાજ્યનો મુખ્ય પ્રધાન બને અને અન્ય રાજકારણીઓને ઈર્ષા આવે એવા નિર્ણયો લે ત્યારે ચોમેરથી 'બ્રેવો - યોગી - બ્રેવો'ની વાતો સાંભળવા મળે છે.

એક માણસ કેવા બદલાવ લાવી શકે છે તે માટે યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપી શકાય. તાજેતરમાં તેમણે ઉત્તર પ્રદેશના સચિવાલયને ભગવા રંગે રંગી નાખ્યું છે અને મદ્રેસા જેવી સંવેદનશીલ સંસ્થાઓમાં સિલેબસ બદલવાની વાત કરી છે.

પોતાની સરકાર પાસે બહુમતી હોય તો શું થઇ શકે તે બહુમતી ધરાવતા લોકોને યોગી આદિત્યનાથે શીખવ્યું છે. યોગી સત્તા પર આવતાં જ ઉત્તર પ્રદેશના નામીચા ગુંડાઓ ભાગી ગયા હતા.

ભાઇ હમસે બડા 'ગુંડા' કૌન હો સકતા હૈ જેવી શૈલીમાં વાત કરતા યોગીએ ઉત્તર પ્રદેશમાં સૌના દિલ જીતી લીધા હતા. મદ્રેસાઓની દાદાગીરી, તેમના દ્વારા બતાવાતી બોગસ સંખ્યા વગેરે યોગીએ શાસન સંભાળતા જ અદ્રશ્ય થઇ ગયા હતા.

કહે છે કે લોઢું - લોઢાને મારે એ નીતિ ભાજપે યોગી આદિત્યનાથની પસંદગી માટે વાપરી હતી. ઉત્તર પ્રદેશના ગુંડાઓને પહોંચી વળે એવી ટીમની ભાજપને જરૃર હતી. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ઘણાં ગુંડાઓને ઉછેર્યા હતા. ઉત્તર પ્રદેશ એક તબક્કે ગુંડારાજ બની ગયું હતું. યોગીએ મોટા પાયે સાફસૂફી કરી હતી. તેમણે આપેલું અલ્ટીમેટમ કામ કરી ગયું હતું.

ઉત્તર પ્રદેશ વિધાનસભા યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ નહોતી લડાઇ; ચૂંટણી પરિણામોમાં ભાજપને જોરદાર બહુમતી મળ્યા બાદ ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાનપદ કોને મળશે તે અંગે વિવિધ અટકળો ચાલતી હતી. ટીવી માધ્યમોએ તો વિવિધ પ્રશ્નોથી ગુંચવાડા ઊભા કર્યા હતા. દરેક ઉમેદવાર પોતાનું લોબીંગ કરતા હતા.

એક સર્વેમાં યોગીનું નામ ત્રીજા ક્રમે હતું. જોકે બહુ ઓછા જાણે છે કે યોગીની બેસવાની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સિક્કો મારેલો છે. યોગીનું નામ નક્કી હતું. જ્યારે આ નામ જાહેર કરાયું ત્યારે બધા એક જ સ્ટ્રોકમાં સમજી ગયા હતા કે હવે બહુ વિવાદાસ્પદ રામ મંદિરનો મુદ્દો નિવારાઇ જશે તે તો ઠીક પણ રામમંદિર પણ ઊભું થઇ જશે !!

ભગવા પહેરવેશ વાળો આ મુખ્ય પ્રધાન બાવો પણ નથી કે સ્વામી પણ નથી. તે પોતાની જાતને હિન્દુ રક્ષક ગણાવે છે.

દેશમાં બે મુખ્ય પ્રધાનો 'બૉલ્ડ' છે. એક છે યોગી આદિત્યનાથ અને બીજા છે મમતા બેનરજી. આ બંને સામે પ્રવાહે ચાલનારા છે. લોકો શું કહેશે તેની ચિંતા તેમને ક્યારેય સતાવતી નથી. આ બંને શું બોલશે અને હવે પછીના તેમના પગલાં કેવા હશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

ભાજપ પાસે ઘણા ભગવાધારીઓ છે. તે પૈકી એક ઉમા ભારતી અને બીજા યોગી આદિત્યનાથ !! ઉમા ભારતી ઉશ્કેરાટમાં તડ-ફડ કરતા હતા જ્યારે યોગી ઉશ્કેરાટ વખતે નિર્ણયોના બદલે રામ-રામ બોલ્યા કરે છે !!

ભાજપમાં મોદી પછી કોણ એ જવાબ યોગી આદિત્યનાથ રૃપે મળી ગયો છે.

કેટલીક બાબતોમાં યોગી બહુ સ્પષ્ટ છે. તે માને છે કે બહુમતી કમાય અને તેમની પાસેથી ટેક્ષ લઇને તે લઘુમતીને આપે એ કેવું ? દરેકે ટેક્ષ ભરવો પડે અને જો બહુમતી-લઘુમતી જેવા ભાગલા પાડવા હોય તો લઘુમતી જેટલો ટેક્ષ ભરે એટલી જ રાહત તેમની મદ્રેસાઓને મળે !!

કોમનમેન 'યોગી'ને દાદો માણસ કહે છે. કોંગ્રેસ પાસે આવો કોઇ યોગી નથી. તેની પાસે એક સમયે ચંદ્રાસ્વામી જેવાઓ હતા પરંતુ તે રાજકારણમાં નહોતા, તેમનો પ્રભાવ રાજકારણીઓ પર હતો.

એક કડવી વાત લોકોએ ગળે ઉતારવી પડશે કે યોગી જે રીતે ઉત્તર પ્રદેશની મદ્રેસાઓની કાનપટ્ટી પકડી શકવામાં સફળ થયા છે એ રીત તો ભાજપ શાસિત રાજ્યના કોઇ મુખ્ય પ્રધાન બતાવી શક્યા નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તે કડક બનવાના બદલે ઉદારમતવાદી બની ગયા હતા. યોગીએ મદ્રેસાઓની કાનપટ્ટી નથી પકડી પણ કાન આમળ્યો છે. બોગસ હાજરી બતાવીને માથાદીઠ સબસીડી લેનાર મદ્રેસાઓ સામે તેમણે પગલાં લીધા હતા.

કોંગ્રેસ પાસે નેતાઓનો અભાવ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી ગાડી આગળ વધતી નથી. પરિવારવાદમાં ડૂબેલો આ પક્ષ ૨૦૧૪ની હાર પછી હજુ ટેક-ઑફ કરી શક્યો નથી. ગુજરાત વિધાનસભાના જંગને તેમણે ટેક-ઑફ માટે પસંદ કર્યો છે, પણ ગુજરાતના રન-વે પર ઘણાં બમ્પ છે અને કોંગ્રેસના વિમાનના વ્હીલમાં હવા ઓછી છે.

ભાજપ પાસે ચૂંટણી પ્રચાર કરનારાની ફોજ છે જેમાં યોગી આદિત્યનાથ મોખરે છે.

યોગી આદિત્યનાથ બૉટમમાંથી ટૉપ પર આવ્યા છે. સંપૂર્ણ હિન્દુ ટચવાળો આ એક માત્ર રાજકારણી એવો છે કે જે હિંમતથી કહે છે કે તે રામમંદિર બનાવશે જેમાં મુસ્લિમો પણ ટેકો આપશે.

યોગી બધી રીતે બાહોશ છે પણ તેમને તેમના જેવી એગ્રેસીવ ટીમ નથી મળી. તેમ છતાં આ માણસ મોદી જેવો જ એકલ શૂરો છે. ભારતના રાજકારણમાં આવા એકલ શૂરા ટૉપના નેતાઓમાં મોખરે ઈન્દિરા ગાંધી આવે છે. ઝડપી નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની અનોખી ક્ષમતા તે ધરાવતા હતા.

કહે છે કે યોગી આદિત્યનાથને સંઘવાળા વડાપ્રધાન પદના ઉમેદવાર સમજે છે, જેમ નરેન્દ્ર મોદીમાં અટલ બિહારી વાજપેઈનો ઉદારમતવાદ ઘણીવાર પ્રવેશી જાય છે એમ યોગી આદિત્યનાથમાં નહીં થાય એમ પણ સંઘ માને છે.

યોગી આદિત્યનાથમાં ઘણી વિશેષતાઓ છે. ભાજપે તેમના રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનોને તેમની પાસે શીખવા મોકલવાની જરૃર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ્યારે એક જ દિવસમાં ૧૯ નવજાત શિશુઓના મૃત્યુ થયા ત્યારનો હોબાળો શાંત પાડવા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે કયા સ્ટેટમેન્ટ આપ્યા હતા તે ફંફોળાયા હતા.

નહીં કોઈ મેચીંગ; નહીં કોઇ ટાપ-ટીપ અને નહીં કોઇનો ડર એ યોગીની ઓળખ છે. કેટલાક યોગીને સ્વામી વિવેકાનંદ જેવા કહે છે. યોગીની લાઇફ સ્ટાઇલ કોમનમેન જેવી છે. તેમના આચાર-વિચાર એક સમાન છે માટે તે આવકાર્ય બન્યા છે.

લોકોના પ્રશ્નો સાંભળવા તે આતુર બને છે. ગેરકાયદે માંસની દુકાનો પર તેમણે દંડો ઉગામ્યો ત્યારે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. માંસની દુકાન ખોલો પણ લાયસન્સ લઇને ખોલો. જોકે બીજી તરફ તેમણે લાયસન્સ આપવાની પ્રથા એવી અટપટી બનાવી કે ૮૦ ટકા દુકાનોને લાયસન્સ ના મળ્યા.

જ્યારે તાજમહેલ અંગે વિવાદ ઊભો થયો ત્યારે તેમણે જાતે જઇને તાજમહેલના  કમ્પાઉન્ડમાં કચરો વાળીને વિરોધીઓના દિલ જીતી લીધા હતા.

ટૂંકમાં યોગી નામનો સૂરજ ઊગી ચૂક્યો છે. ભાજપ માટે એક નવા ચહેરાનો પણ ઉદય થયો છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments