Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

રોહિત શર્મા : હાર્ડ હિટર્સની દુનિયામાં ભારતનો નવો સુપરહિરો

એક દાયકાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૦ વર્ષના મરાઠા રોહિત શર્માએ ભારતીય ક્રિકેટને વધુ સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવ્યું છે

સફળતાની સવારના અજવાળાની પાછળ એક અનિશ્ચિતતા અને સંઘર્ષની અંધકારમય રાત્રિ છુપાયેલી હોય છે. જ્યાં સુધી રાતના ઘનઘોર અંધારાનો પ્રવાસ પુરો ન થાય ત્યાં સુધી સવારનો સોનેરી અજવાસ જિંદગીના આકાશને અજવાળતો નથી.

સફળતાની એક પળની પાછળ કલાકોની મહેનતની સાથે સાથે અનેકાનેક નાના-મોટા બલિદાનોની વણઝાર હોય છે, જેની કલ્પના પણ અન્યોને હોતી નથી. દુનિયા એક અલગ ઉંચાઈથી જોવાનો વૈભવ એવા લોકોને જ મળે થાય છે કે, જેઓ આસપાસની તમામ મુશ્કેલીઓ - પડકારોનો સામનો કરીને તેને પોતાના સંઘર્ષના સીમાચિહ્નમાં ફેરવી દે છે, જે દુનિયા માટે એક માઈલસ્ટોન બની જાય છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અસાધારણ અને અનપેક્ષિત સીમાચિહ્નોેના ભારતીય સુપરમેન તરીકે ઉભરી આવેલા રોહિત ગુરુનાથ શર્માની સફળતા દુનિયા માટે ભારે આશ્ચર્યની બાબત બની રહી છે. ટ્વેન્ટી-૨૦ ક્રિકેટના આગમન બાદ હાર્ડ હિટર્સ એટલે બોલને જબરજસ્ત પાવર સાથે મેદાનની બહાર મોકલી આપનારા બેટ્સમેનોની બોલબાલા વધી છે.

ક્રિસ ગેલ, બ્રેન્ડન મેક્કુલમ, ડી વિલિયર્સ તેમજ વિરાટ કોહલી જેવા બેટ્સમેનોનો ફાયર પાવર તો દુનિયા સારી રીતે જાણે છે અને છેલ્લા કેટલાક સમયથી આ યાદીમાં રોહિત શર્માનો પણ સમાવેશ કરવો પડે તેવું પર્ફોમન્સ તેણે આપ્યું છે. ૩૦ વર્ષના સોફ્ટ સ્પોકન પર્સનાલીટી ધરાવતા રોહિતના બેટમાં અને તેના જીગરમાં આટલો બધો પાવર છે તેની કલ્પના ભાગ્યે જ કોઈને હશે.

મશીનગનમાંથી ગોળીઓ છૂટે તેવી રીતે રોહિત શર્માના બેટ સાથે ટકરાતા જ બોલ સ્ટેડિયમ છોડી દેવા માટે સુપર ફાસ્ટ ગતિએ આગળ વધવા માંડે અને આ સમયે બોલરો-ફિલ્ડરોને માત્ર પ્રેક્ષક બનીને જોઈ રહેવાનું જ બાકી રહે. વન ડે અને ટી-૨૦ના ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના એન્ટટેઈનર તેમજ જેને જોવા માટે પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી જવા બેતાબ બને તેવા ક્રાઉડપુલર (પ્રેક્ષકો માટે લોહચુંબક સમાન) બેટ્સમેન તરીકેનું ગૌરવ રોહિતને મળી ચૂક્યું છે.

વન ડે ક્રિકેટમાં એક સદી ફટકારવા માટે ભલભલા બેટ્સમેનો તરસી જતાં હોય છે, ત્યારે રોહિત શર્માના નામે ત્રણ બેવડી સદી નોંધાઈ ચૂકી છે, જે એક જ કીતમાન રોહિતને એલિટ બેટ્સમેનોની હરોળમાં અગ્રતાક્રમ આપવા માટે પુરતો છે. આટલું નહિ, તેણે ટ્વેન્ટી-૨૦માં માત્ર ૩૫ બોલમાં જ સદી ફટકારતાં ફાસ્ટેસ્ટ ટી-૨૦ સેન્ચ્યુરીના વિશ્વ વિક્રમની બરોબરી કરી લીધી છે. રોહિતની આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વની છે કારણ કે ચાલુ વર્ષના પ્રારંભે રોહિત ઈજાના કારણે સાઈડ લાઈન થઈ ગયો હતો.

તેમાં જ સર્જરી બાદ તે માર્ચ-એપ્રિલમાં પાછો ફર્યો ત્યારે ડોમેસ્ટીક ક્રિકેટમાં તેને ભારે સંઘર્ષનો સામનો કરવો પડયોે. તે સમયે કોઈએ વિચાર્યું પણ નહતું કે, આ જ રોહિત શર્મા વર્ષના અંત સુધીમાં તો સુપરહિરો બનીને ઉભરી આવશે.

જોકે, રોહિતે ધીરજ ગુમાવ્યા વિના પ્રયાસ જારી રાખ્યા અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈના કેપ્ટન તરીકે વિજયી દેખાવ કરતાં ટીમને ચેમ્પિયન બનાવી. મુંબઈ ઈન્ડિયન્સની સફળતાએ રોહિત શર્માની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવી શરૃઆતની પ્રેરણા આપી અને તેનો જ પ્રભાવ તેની રમતમાં દેખાયો અને તેણે વિશ્વ ક્રિકેટમાં તોફાની બેટીંગ કરતાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. ભારતીય ક્રિકેટના આ સુપરસ્ટારની સફળતાના પાયામાં સૌથી મહત્વની બાબત એ છે કે, તે પોતાની મર્યાદાને જાણે છે અને આ જ કારણે તે સફળતાને પ્રાપ્ત કરી રહ્યો છે.

આ જ કારણે વન ડે ક્રિકેટમાં સીમાચિહ્નરૃપ સફળતા મેળવ્યા બાદ તેણે નિખાલસ કબૂલાત કરી કે, મારામાં ગેલ જેવો પાવર નથી તે હું સારી રીતે જાણું છું અને આ જ કારણે મારું ધ્યાન બોલને યોગ્ય સમયે ફટકારવા તરફ હોય છે. મારી સફળતાનું રહસ્ય પાવર નહિ પણ ટાઈમિંગ છે.

હાર્ડ હિટર્સની દુનિયાની ભારતના નવા સુપર હિરો તરીકે ઉભરી આવેલા રોહિત શર્માની પાસે આજે નામ અને દામ બંને છે. આઇપીએલ જ નહિ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાતત્યભર્યા દેખાવ સાથેની સિદ્ધિઓએ રોહિતને સુપર સેલિબ્રિટી બનાવી દીધો છે અને માર્કેટિંગની દુનિયામાં બ્રાન્ડ રોહિતનું એક આગવું સ્થાન પણ છે. સેલ્ફ મેઈડ ક્રિકેટરની સાથે સાથે રોહિત શર્મા સેલ્ફ મેઈડ મિલિયોનર છે, તે બાબતથી ઘણા ઓછા લોકો માહિતગાર હશે.

રોહિતે તેના ક્રિકેટર બનવાના ઝનૂન અને વિકટ પરિસ્થિતિમાં પણ હાર ન માનવાના મક્કમ ઈરાદાઓને સહારે તેણે ક્રિકેટ જગતમાં નામ કાઢયું છે. મહારાષ્ટ્રના નાગપુર જીલ્લાના વતની એવા રોહિત શર્માનું બાળપણ અભાવો અને સંઘર્ષોમાં વિત્યું. રોહિતના પિતા ગુરુનાથ શર્મા એક ટ્રાન્સપોર્ટ ફર્મના સ્ટોરહાઉસ કિપર હતા, જેના કારણે તેમની આવક ખુબ જ મર્યાદિત હતી. જ્યારે તેની માતા પૂણમા વિશાખાપટ્ટનમના હતા. ગુરુનાથ અને પૂણમા ડોમ્બીવલીમાં એક ઓરડાંવાળા ઘરમાં રહેતા. રોહિતને એક મોટો ભાઈ પણ હતો, જેનું નામ વિશાલ હતુ.

રોહિત ધીરે ધીરે મોટો થવા માંડયો અને ગુરુનાથ-પૂણમાની મુશ્કેલી વધવા માંડી. આખરે રોહિતને બોરીવલીમાં રહેતાં તેના દાદા-દાદીની પાસે મોકલવામાં આવ્યો. જ્યાં રહીને તેણે અભ્યાસ શરૃ કર્યો. આ દરમિયાન જ તે ક્રિકેટ તરફ આકર્ષાયો અને ક્રિકેટ કોચિંગ કેમ્પમાં જોડાયો.

ઈન્ટર સ્કૂલ ક્રિકેટમાં ઓફ સ્પિનર તરીકે રમતાં રોહિતે એક વખત સળંગ ત્રણ સદી ફટકારી. આ સમયે તેના પર સ્થાનિક કોચ દિનેશ લાડની નજર પડી. તેમણે રોહિત શર્માને બોરીવલી નજીક આવેલી સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જોડાવા માટેની ઓફર મૂકી. જોકે પરિવારની આથક પરિસ્થિતિથી વાકેફ રોહિતે સ્કૂલ બદલવાનો ઈનકાર કરી દીધો.

આખરે કોચ દિનેશ લાડે સ્કૂલના ડાયરેક્ટર યોગેશ પટેલને વાત કરી. તેમણે રોહિતને ફી માફી આપી. સ્કૂલ તરફથી મળેલા સપોર્ટ બાદ રોહિતની જિંદગી ક્રિકેટના મેદાન પર સ્થિર થઈ ગઈ. કારકિર્દીની શરૃઆતમાં ઓફ સ્પિનર બનવા માટે મહેનત કરી રહેલા રોહિતને ઓપનર તરીકેની ભૂમિકામાં સૌપ્રથમ વખત દિનેશ લાડે જ મૂક્યો. પહેલાં તો તે થોડો ખચકાયો પણ એક સદી ફટકાર્યા બાદ તો તેણે ક્યારેય પાછુ ફરીને જોયુ જ નહી.

મુંબઈના સ્કૂલ લેવલના ક્રિકેટમાં નોંધપાત્ર દેખાવ કરનારા રોહિતને મુંબઈની રણજી ટીમમાં સ્થાન મળી ગયું. આમ છતાં આથક સ્તરે તેનો સંઘર્ષ જારી હતો. બેંગ્લોરમાં એક ટુર્નામેન્ટ દરમિયાન જુનિયર ટીમના સિલેક્ટર પ્રવિણ આમ્રેની નજર રોહિત પર પડી અને તેણે રોહિતને ભારતની અંડર-૧૭ ટીમમાં પ્રવેશ અપાવ્યો.

નાની ઉંમરે દેશના ટોચના બોલરો સામે મક્કમતાથી બેટીંગ કરનારા આ યુવા બેટ્સમેને ક્રિકેટ વિવેચકો અને પસંદગીકારોને પ્રભાવિત કર્યા. આખરે માત્ર ૧૯ વર્ષની વયે તેને ૨૦૦૭માં આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતીય વન ડે ટીમમાં સ્થાન મળ્યું. રોહિતની પ્રતિભાનો પહેલો ચમકારો ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોવા મળ્યો.

તેણે સેમિ ફાઈનલ જેવી મેજર મેચમાં સાઉથ આફ્રિકા સામે માત્ર ૪૦ બોલમાં અણનમ ૫૦ રન ફટકારતાં ભારતની જીત સુનિશ્ચિત કરી. આ ઈનિંગે રોહિતની કારકિર્દીને એક નવી ઉંચાઈએ લાવી મૂકી. તેના પરિવારની તમામ સમસ્યાઓ જાણે દૂર થઈ ગઈ. તેમાં જ ભારતીય ક્રિકેટમાં શરૃ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગથી અન્ય ખેલાડીઓની સાથે સાથે રોહિત શર્માને પણ આથક રીતે ફાયદો થયો, તેની સાથે તેણે એક નવું જ પ્લેટ ફોર્મ મળ્યું.

ટીમ ઈન્ડિયામાં ધુરંધરોની હાજરી છતાં રોહિત શર્માએ તેની આગવી કુશળતા અને સંઘર્ષને સહારે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ટકાવી રાખતાં નવી ઉંચાઈઓ સર કરી. ક્રિકેટના ભગવાન તરીકેની ઓળખ ધરાવતા સચિન તેંડુલકરે વિદાયની તૈયારી કરી ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે, મારા રેકોર્ડ તોડવાની ક્ષમતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં છે અને આજે વર્ષો બાદ તેંડુલકરના એ શબ્દો સાચા પડી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય વન ડે અને ટી-૨૦ ક્રિકેટમાં તોફાન જગાવનારા રોહિતને હજુ ટેસ્ટ ટીમમાં સ્થાન નિશ્ચિત કરવાનું બાકી છે, પણ છેલ્લા એક દાયકામાં તેણે નવા વિક્રમો નોંધાવ્યા છે, તેની સાથે સાથે તે વધુ પરિપક્વ પણ બન્યો છે.

ભારતીય ક્રિકેટને સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવવામાં પણ આ ૩૦ વર્ષના મરાઠા ક્રિકેટરનો ફાળો ઘણો મોટો રહ્યો છે. વર્ષ ૨૦૧૭ની જબરજસ્ત સફળતા બાદ રોહિત હવે ૨૦૧૮માં વિદેશની ભૂમિ પર પણ ઝંઝાવાત જગાવવામાં સફળ થશે જ તેમ ક્રિકેટ ચાહકો ઈચ્છી રહ્યા છે.
 

Post Comments