Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

બસ આજ કી રાત હૈ જિંદગી... કલ હમ કહાં, તુમ કહાં?

શરાબ અને શબાબ એટલે જ પાર્ટીનો રૃઆબ! થર્ટીફર્સ્ટની ઉજવણી એટલે મિત્રો, મસ્તી, મિજબાની અને મોજ!

મૂળ વાત ડ્રિન્ક કે સેક્સ નથી. ઇવન પાર્ટી ય નથી. મૂળ વાત છે કેવળ આત્માના જ ચક્કરમાંથી બહાર આવી ધરતી પર છીએ ત્યારે શરીરને પણ આનંદના અનુભવ કરાવવાની

ઢગલો થઇને જીન્સ પડયા છે.
પડખે ઊંધાચત્તા ઊંધા,
સ્નીકર્સ પણ બે પેર
હવા પડી છે એમ
અચાનક ઠેસ વાગતાં નમી પડી હો
ઑબ્સેશનની બૉટલ જેમ
અંધારૃ પણ
શર્ટ ને સ્વેટરની સાથે
કંઇ ક્યારનું અસ્તવ્યસ્ત
ને એમનું એમ.
બૅલ્ટ પડયા છે, બક્કલ પણ છે,
એક પેર એરિંગ, અને સનગ્લાસીસ.
ઢગલો થઇને બધું પડયું છે.
શબ્દો પણ છે, ત્યાં જ પડેલા
અંડરગારમેન્ટ જેવા, બહુ પહેરાયેલા
ને સહેજ કધોણા શાંત
લેધરની એક પર્સ પડી છે આડી
ઊભું ચોકલેટના રેપર માફક,
ચારે બાજું પડી રહ્યું છે
નિર્વસ્ત્ર એકાંત
જાઝ ક્લબની એક પેર
ટિકિટ પડી છે ફાટેલી,
છે રેસ્ટોરાંનું ચૂકવાયેલું બિલ
ઢગલો થઇને ક્ષણો પડી છે.
સમય પડયો છે
જાણીતા બે હાથોમાં વીંટળાયેલો
સાવ અધીરો, કામાતુર.
ઢગલો થઇને જીન્સ પડયા છે,
બોડીમાં કંઇ ઢગલે ઢગલા
ઝણકારા ઉપડયા છે.
ઢગલો થઇને પણે પડયા છે
હું અને તું!
(ચંદ્ર શાહ)


The boys and girls
are one tonight
they unbutton blouse,
they unzip flies,
they take off shoes,
they turn off light,
the glimmering creatures
are full of lies,
they are eating each other,
they are over fed.
Tonight, alone,
I marry the bed
(Anne Sexton)

ડૉકટરની ચેમ્બરમાં એક સંતપુરૃષ જેવા સજ્જન આવ્યા. ફરિયાદ કરી કે માથામાં સણકા આવે એવો દુ:ખાવો થાય છે. ડૉકટરે કહ્યું 'ક્યારેય દારૃ પીવો છો?'

'હોય કંઇ? દારૃ પીનારાઓને તો હું ધિક્કારું છું. હું તો ઠંડા પીણા પીનારાઓને ય પાપી સમજું છું. માત્ર નાળિયેરપાણી.' સજ્જને જવાબ આપ્યો.

'સ્મૉકિંગ? ઍગ્સ?' ડૉકટરે પૂછ્યું. સજ્જન તાડૂક્યા 'તમાકુ તો શું સાદી સોપારી સામું ય જોતો નથી. આવો અભક્ષ ખોરાક ખાનારા તો રાક્ષસો હોય. વ્યસનીઓના નામમાત્રથી મને નફરત છે!'

'ઓહ, આમ તો પૂછાય નહિ પણ નાઇટલાઇફમાં કોઇ રસ ખરો? કોઇ સ્ત્રીમિત્ર સાથે સંબંધો...'

'હાય હાય ડૉકટર. હું તો લગ્ન પછી પણ પત્નીને બહેન માનું એવો બ્રહ્મચારી છું. સુંવાળી સોબત તો શું, ફિલ્મી નટીઓના પોસ્ટર પણ જોતો નથી. રાત્રે વહેલો સૂઇ જાઉં છું. બહાર કદી જતો કે ખાતો ય નથી, ને સેક્સના તો વિચારો ય ગંદી વિકૃતિ ગણું છું. સંપૂર્ણ સાત્વિક આહારવિહારવિચાર છે મારા.'

ડૉકટર હસ્યા. 'વડીલ, માથામાં જે દુખાવો થાય છે એનું કારણ એ છે કે ભેજું ખાલી છે. અને એમાં વળી અહંકાર અને બીજાના આનંદનો તિરસ્કાર ભરપૂર ભરાઇ ગયો છે. એટલે તમારા આવા ટાઇટ બંધ દિમાગને લીધે સબાકા આવે છે. થોડા હળવા થાવ, ને જલસા કરતા શીખો!'

વેલ, વેલ. યુ નો? આ જોક મૂળ અંગ્રેજીનું મેડિફિકેશન છે. જે વળી ધર્મચુસ્ત ખ્રિસ્તી પાદરી ઉપર બનાવાયો છે! જી હા, સામાન્ય જ્ઞાાનનો અસામાન્ય અભાવ ધરાવતા આપણા - ઘણા સંસ્કૃતિ પૂજકોને એ ય ખબર નથી કે થર્ટીફર્સ્ટની મ્યુઝિકલ ધમાલ ભલે ગ્લોબલ હોય પણ એ ક્રિશ્ચિયન કલ્ચર નથી. ઉલટું ખ્રિસ્તી ધર્મમાં જેને 'સીન' / પાપ કહેવાય એવી વ્યાખ્યામાં એ આવે છે : લસ્ટ થી ગ્રીડ સુધીના એલીમેન્ટ્સને લીધે!

પણ એ વેસ્ટર્ન કલ્ચર છે. વેસ્ટર્ન હોય એ બધું આપોઆપ ક્રિશ્ચીયન નથી થઇ જતું! પણ ભારતીય પંચાંગની તિથિ મુજબ દેવઉઠી અગિયારસથી પૂનમના તુલસીપૂજનને યાદ ન રાખીને, પોપ ગ્રેગરીના પશ્ચિમી તારીખ મુજબના કેલેન્ડરના દિવસને તુલસી પૂજનનો ઠસાવવાની હાસ્યાસ્પદ ચેષ્ટા કરનારાઓને  આટલી ય ખબર હોતી નથી.

ઈન ફેક્ટ, ચુસ્ત ક્રિશ્ચિયનને ય ખૂંચે એવું જે થર્ટીફર્સ્ટ પાર્ટીકલ્ચર વિશ્વવ્યાપી બન્યું છે એમાં બેશક માર્કેટિંગ તો છે જ. અને એ હોય એમાં ખોટું ય શું છે? બિઝનેસ જ સીધી રીતે વધે નહિ, તો માર્કેટમાં મંદી આવે. કેટલાય આ બધી ઝાકઝમાળમાંથી રોટલા મેળવતા હોટલના વેઇટરોથી લઇ રોશનીની સીરિઝ વેચવાવાળાઓ, કેકથી લઇ શાન્તાની ટોપી બનાવવાવાળાઓ જેવા અનેક શ્રમજીવીઓના રોટલા કપાઇ જાય!

પણ બીજું કારણ જીવનને ક્ષણભંગૂર માની મજાઓને ભરપૂર માણી લેવાનું છે. વર્ષના છેલ્લા દિવસની ફેસ્ટિવિટીઝ આદિકાળથી ચાલી આવે છે. એમાં કલ્ચરલ એકસ્ચેન્જ થયા કરે છે. વર્ષના છેલ્લા પાંચ દિવસનું પર્વ દિવાળી આપણી જેમ મિસર ને સુમેરની પ્રાચીન સંસ્કૃતિમાં ય હતું.

આપણી દિવાળીના અભિન્ન અંગ તરીકે ચીનમાં શોધાયેલા ફટાકડા અને યુરોપમાં શોધાયેલ મીણ - રંગોની કેમિકલ ડાઈ આજે ભળી નથી ગયા? ઈનફેક્ટ સિંગાપોરથી સિડની ને લંડનથી ન્યૂયોર્ક સુધી સ્થાનિક લોકો દિવાળીના ભવ્ય ડેકોરેશન પણ કરે છે. ખ્રિસ્તી ધર્માંતરણના વિરોધનું ઠીકરું ક્રિસ્મસ-થર્ટીફર્સ્ટ પર વગર વાંકે ફોડનારાઓએ યાદ રાખવું જોઇએ કે કરોડો ભારતીયો વિધર્મી દેશોમાં રહે છે, ને મંદિર સહિતની એમની ઓળખ ધરાર જાળવીને રહે છે.

અને આવા અંધેર નગરીના ન્યાય તોળવા હોય તો પરદેશી શોધ મોબાઇલ, ઓટોમોબાઇલ, ટીવી, ઈન્ટરનેટ, બ્રશ, બ્રા, ઈલેકટ્રિસિટી, પ્રિન્ટિંગ, સીલાઇ મશીન, પેન્ટ, કાતર, ટમેટા, બટેટા, ક્રિકેટ, સિનેમા, શૂઝ, બોલપેન, ચશ્મા, ગેસ, વૉટ્સએપ, ફેસબૂક બધું છોડી દેવું પડે, જે પોસાય એમ નથી! પ્રેક્ટિકલી શક્ય જ નથી. કેલેન્ડરની તારીખ વિના તિથિ મુજબ જ કોઇ જીવતું નથી, ત્યાં જે કેલેન્ડરથી વ્યવહાર ચલાવો એના નવા વર્ષની વિશ કરવામાં કે પાર્ટી કરવામાં શું અકળાવું! અત્યારનું ક્રિસ્મસ કલ્ચર પણ ચર્ચવાળું ચુસ્ત નથી. જીંગલ બેલ સોંગ પણ મૂળે ડ્રિન્કિંગ પાર્ટી સોંગ હતું!

તે વાત એ છે કે, મૂળ ભારતની સર્વસમાવેશક ઉત્સવપ્રિય પ્રાચીન સંસ્કૃતિમાં જે વિચાર હતો - ગયેલાના શૉક કે ભવિષ્યની ચિંતા વિના વર્તમાનની ક્ષણમાં જ જીવી લેવાનો, એ આપણે ભૂલી ગયા. પણ પાર્ટીપ્રેમી હોઇને ભોગવાદી પશ્ચિમ એને જીવી જાણે છે!

અને આપણે પરદેશી વિકટોરિયનયુગ ને વહાબીયુગની વાનરનકલમાં દોષો અપનાવતા દ્વેષીલા થતા જઇએ છીએ! જે ક્ષણ પસાર થઇ ગઇ  છે, એ ફરી આવવાની નથી. લાખ ચાહો તો ય જીવી શકાવાની નથી. જે આવવાની બાકી છે, એ આવતીકાલ અચોક્કસ છે. કોઇ છાતી ઠોકીને એની ખાતરી આપી શકતું નથી. કાળ ભાવિમાં કેન્સર, અકસ્માત, એટેક, સ્ટ્રોક શું ખાનાખરાબીને સંતાડી બેઠો છે!

અને બીજું કશું નહિ તો એ હકીકત છે કે પ્રત્યેક હેપી બર્થડેની કેક ખાતી વખતે આપણે વૃદ્ધ થતા જઇએ છીએ. કેલેન્ડરમાં ફેડ આઉટ થતી દરેક સાલ સાથે આપણે ખામોશીથી મોત તરફ સરકીએ છીએ. જે કંઇ હાથમાં છે, એ કેવળ વર્તમાનની પળો છે. તંદુરસ્ત હો, સાધનસંપન્ન હો તો એ માણી લેવી એ જ ડહાપણનું કામ છે. કોને ખબર ૨૦૧૮માં કિમ જોંગ, બગદાદી, ટ્રમ્પ જેવા સનકીઓ પૃથ્વીની જ તબાહી કરે તો જાનૂ સાથે જામ ટકરાવવાના હંમેશ માટે બાકી રહી જાય! સો, ઇસ પલ મેં જીના યાર સીખ લે... આજ કી રાત હોના હૈ જો, હો જાને દો!

સો ફન. જલસાપાર્ટી. એના જ દ્રશ્યો વર્ણવતી બે અલગ અલગ ભાષાની કવિતાઓ લેખના આરંભે એટલે છે. ચંદ્ર શાહની કવિતા જાણે થર્ટીફર્સ્ટ નાઇટમાં ઝૂમેલા લવર્સની પહેલી જાન્યુઆરીથી સવાર છે. બખૂબી કવિએ કહ્યા વિના જ કાળજાને કેમેરા બનાવી ઘણું ઝીલી લીધું છે.

એરિંગની જોડી ને ગોગલ્સ, યાને કપલ જોડે સૂતું છે. સ્ત્રી અને પુરૃષ. બંને યુવા છે. ભીતર રક્તના ફુવારા હણહણે છે. વસ્ત્રો જેમતેમ વીખરાયેલા છે. મતલબ બેઉ એકમેકની ત્વચામાં ભળ્યા ને ઓગળ્યા છે. આગલી રાતની મ્યુઝિક કલબ ને ખાણીપીણીની સાબિતીઓ અને માદક એવી ખાલી બૉટલો એમના સેલિબ્રેશનની ગવાહી પૂરે છે.

અને જોડે છે નાનકડી અંગ્રેજી કવિતા. એમાં ય એજ દ્રશ્યો છે. સર્જક (સ્ત્રી કે પુરૃષ વૉટએવર) એ ઉન્માદમાં કાયા પરથી ઓસરતા વસ્ત્રો અને થિરકતા બદનો બહારના રોશની મઢ્યા ઝગમગાટમાં જુએ છે.

એકબીજાના દેહનો ભોગ ધરાવતા યુવા પતંગિયાઓ જોઇને એનાં એ સર્જક નર કે નારી પોતે એકલા હોવાના નિ:સાસા નાખીને પથારીમાં આળોટે છે, એકાંત અંધારે! પણ ખરેખર ભણેલા અને ગણેલા હો તો બીજાના આનંદ જોઇને આંખમાં ઝેર ન આવવું જોઇએ. ઉલટું આપણા હૈયે ટાઢક જોઇએ! આફટરઓલ, જે રંગમાં ભંગ પાડીને પાર્ટીને ખેદાનમેદાન કરે એ ત્રાસવાદી છે. આપણે એમની માનસિકતા સ્વીકારવી છે? કે પછી ઉલ્લાસવાદી બનવું છે? કૃષ્ણની મોરપીંછ રંગી રાસલીલાના વાસંતી ટહૂકા સાંભળવા છે?
    
જૉય. આનંદ. તૈતરીય ઉપનિષદમાં કહેવાયું છે કે 'જો આ જગતમાં આનંદ ન હોત તો એક શ્વાસ છોડયા પછી બીજો શ્વાસ પણ કોણ લેત?' વેલ સેઇડ. બધા પોતપોતાના આનંદને તલસે છે, એટલે તો જીવે છે. મૃત્યુ-ઘડપણ પાછું ઠેલવાની કોશિશ કરે છે! હા, દરેકની આનંદ પાછળની દોટ અલગ રહેવાની. કોઇને મેડિટેશનમાં આનંદ મળે ને કોઇને સેલિબ્રેશનમાં. પણ સમાગમના આનંદવાળા સમાધિના આનંદવાળાને નડવા નથી જતા, તો પછી ધાર્મિકોએ પાર્ટીપ્રેમીઓની પંચાત કરી એમને કનડવાના ન હોય. લિવ એન્ડ લેટ લિવ.

માણસ ખાલી ગાંધીવાદી કે શ્રમણવાદી સાદાઈથી જ જીવે તો જીવતર બેસ્વાદ, બેઢંગ થઈ જાય. સંસાર કોઇ મઠ નથી મોક્ષમાર્ગીઓનો. તૃષ્ણાથી તૃપ્તિની ગેઇમ છે, એટલે તો લાઇફ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. બધા સંયમી સાધુજન થઈ જશે તો પૃથ્વી પર એક સદીમાં માનવજાત જ નહિ રહે. સેક્સને જ અશ્લીલ માની ઢાંકી દેવાશે તો નવી પેઢી શું હાથલા થોર પર ઉગશે?

ફિલસૂફ કિર્કેગાર્ડે ઉપનિષદનું વાક્ય હોય એવું ક્વૉટ આપેલું. 'જોય ઈઝ પ્રેઝન્ટ ટેન્સ: સુખ એ શાશ્વત ચાલુ વર્તમાનકાળ છે. હાથમાં એ સાથમાં સમજી માણી લેવાનું. ધ્યાન એટલું જ રાખવાનું કે એ કોઇના દુ:ખનું કારણ ન બને. થર્ટીફર્સ્ટે સની લિયોનીને પરફોર્મ કરતા કરતા બ્લ્યુ લેબલનો પેગ ઠઠાડવો હોય તો તમારા પૈસા, તમારી મરજી.

પણ પછી એના કેફમાં ગાડી ભટકાડી કોઇને કચડી નહિ નાખવાના. રહેણાંક વિસ્તારોમાં મધરાતે ઘોંઘાટ નહિ કરવાનો. પણ ગણેશોત્સવથી સંક્રાંતિ સુધી આપણને બીજાને આપણો જલસો તીવ્ર ઘોંઘાટના દેકારાથી બતાવવાની મજા આવે છે. આ સેડીઝમ છે. પરપીડનની વિકૃત્તિ. આમ મોહના ત્યાગની વાત કરવી ને આવા ધરાર પ્રદર્શનની લાલસાને વળગી રહેવું! આને કહેવાય ભોળપણનો ઓવરડોઝ.'

કમનસીબે આપણામાંના ઘણા રીતસર સાઇક્રિક હોય એમ મજામાત્રથી અદ્રશ્ય ગિલ્ટ અનુભવે છે. નરકમાં તેલના તાવડા છે કે નહિ, ને જન્નતમાં દૂર છે કે નહિ એની કોઇ ગેરેન્ટી નથી. લોહીનો રંગ બધાનો લાલ છે, પણ મૃત્યુ પછી ધર્મમાત્રે એટલી બધી કથાઓ રચી છે કે - ઉપર આસમાન જો નીચે પાતાળમાં બધા ભગવાનોની એસ્ટેટ એકબીજા પર પેશકદમી કરતી હશે, એવો વિચાર આવે! કોઈ બીમારી કે અકસ્માતમાંથી આપણે બચીએ તો ઇશ્વરકૃપા પણ બીજા ટપકી જાય તો ધાર્યું ધણીનું થાય! આ બધા તર્ક-વિતર્ક કોમ્પલિકેટેડ છે. એ ભેજાંનું દહીં વલોવીને થાકો તો રિલેક્સેશન જોઈએ, ડિસ્કશન નહિ.

ધેટ્સ વ્હાય એન્જોય ધ પાર્ટી. ખોટા અપરાધભાવમાંથી મુક્ત થઈ જાવ. કોઇને છેતરતા કે પરેશાન નથી કરતા, કોઈનો શોષણ કરી ભોગ નથી લેતા તો પછી ભોગવિલાસ કે અય્યાશી જે કહો તે એ કરવામાં ગુનો નથી. ગુનો જ ન હોય તો ગિલ્ટ કેવો? લગ્ન કરીને એક પાર્ટનર સાથે અનેક રાત્રિ શયન કરો, કે એ વિના અનેક પાર્ટનર સાથે એક-એક રાત!

ઘટના ફિઝીકલી નથી બદલાવાની...પણ ઇમોશનલી ગિલ્ટનો ગિરનાર ચણાઈ જાય! એમાં ય આપણે ત્યાં તો એરેન્જડ મેરેજના ચોકઠાં ગોઠવવાના નામે અજાણ્યા સાથે સૂઈ જવાની સામાજીક માન્યતા, પણ કોઇ સ્ટ્રેન્જર સાથે હરોફરો કે ડાન્સ કરો તો સમાજને ખુલાસા દેતા ફરવા પડે! જેટલા આવા બાહ્ય દબાણ વધુ, એટલી ભીતરની વરાળ પ્રચંડ!

જો એજ્યુકેટેડ, યંગ, એડલ્ટ હો તો સીરીઝ જીતી ચૂકેલા છો. હવે થોડી મરજી મુજબની મજાઓની ફટકાબાજી ભાર વિના કરવી જોઇએ. ફન માણસો નહિ, તો સમય રોકાશે નહિ. એની જ સાક્ષી કેલેન્ડરમાં બદલાતી તારીખો પૂરે છે. બે ય ઘૂંટણમાં સંધિવા હશે ને આંખે ઝામર હશે ત્યારે નાચી તો શું, નાચતા જોઈ પણ નહિ શકાય કોઇને!

એક આદિમ, પ્રિમિટિવ, સનાતન લિજ્જત હોય છે 'હાઈ' ફીલ કરવાની. જ્યાં બધું ખરી પડે અને રહે કેવળ રોમાંચ, સુખાનુભૂતિ. આસમાનમાં હળવા થઈને પાંખો ફફડાવી ઉડવા જેવો આ અનુભવ છે. જાણે અંદર ઘૂઘવતા સમંદરોની છાલક લાગે! ગુજરાતમાં દારૃબંધી છે. એટલે ઘણાના નાકના ટીચકાં ચડે, પણ શરાબ તો ભારતમાં ય પીવો-વેંચવો ગુનો નથી. ક્યારેક એ પીને મજા માણી લો તો શિંગડા પૂંછડાવાળા રાક્ષરો પેટાળમાંથી આવીને હથોડા નહિ મારે.

હા, છાકટા થઈને ઢીંચવો એ વ્યક્તિગત નબળાઈ છે. એમાં કોઈ મજા નથી. ઉલટું કોઇકની પાર્ટી બગડે. તમને જે મજા યાદ જ ન રહે, ને શરીર માટે સજા થઈ જાય તો એમાં હેપિનેસનો મતલબ શું? આ તો જાપાનમાં મહેલ ચણવા જેવું થયું. મદિરા કિક લાગે એમ પીવો તો જલસો છે, કિક મારવાનું સાનભાન ન રહે એમ ગટગટાવો તો કોલસો છે.

સાંતાકલોસના ટેડીબીઅર હોય તો એના ય ઉદ્ભવ પહેલાની બીઅર છે, એ ભૂલવું ન જોઇએ. કમ સે કમ, ૧૦૦૦૦ વર્ષ પહેલાં અકસ્માતે બીઅરની જાણકારી ઇજીપ્ત-ઇરાન-ઇરાકના પ્રદેશમાં થયેલી. માણસ ખોરાક વગર જીવી શકે, પણ તરસ તો એને મારી જ નાખે. નદી કાંઠે જીવન વીતાવતા માણસને ખેતી આવડી પછી અનાજનો સંગ્રહ થયો.

એ વખતે અનાજના એક્સચેન્જ થતાં. સર્વાઇવલ મિકેનિઝમમાં જગતભરમાં સૌથી હોંશિયાર મનુષ્યે અનાજના કોઠારો ભરવા શરૃ કર્યા. એનાં પાણીમાં થોડા કોહવાયેલા ને ફણગેલા અનાજના ભેગ થકી બીઅરનો પૂર્વજ બન્યો. જવમાં એ પ્રોસેસની તીવ્રતા સૌથી વધુ એટલે ધીરે ધીરે જવના બીઅર બનતા થયા. બીઅરથી સામી વ્યક્તિને ટોસ્ટ રેઇઝ કરી વિશ કરવાની પ્રથા પડી.

એ જ રીતે ફળો, ખાસ તો દ્રાક્ષના ફરમેન્ટેશનથી વાઈન પણ એ જ લોકેશન તુર્કી-ઈરાન નજીક શોધાયો. ઇ.સ. પૂર્વે અસીરિયાના સમ્રાટ અદુરનાસિરપાલ બીજાએ દસ દિવસનો ભવ્ય જલસો રાખ્યો એમાં વાઈન પીરસવામાં આવ્યો. માટે પાર્ટી અને વાઈનનો નાતો તો જીસસના જન્મ પહેલાનો છે.

પણ જીસસે ગેલીલીમાં વોટરને વાઇનમાં ફેરવવાનો 'ચમત્કાર' કર્યો, ને 'લાસ્ટ અપર'માં વાઈન જીસસનું છેલ્લું પીણું હોઈને બ્રેડ એન્ડ વાઈન તો પવિત્ર રક્ત સાથે જોડાઈ ગયા, ધાર્મિક વિધિઓમાં આવી ગયા! પણ એકચ્યુઅલી વાઈન પરંપરા સમૃદ્ધ થઈ ગ્રીસમાં. યુરોપિયન કલ્ચરનું, લોકશાહીનું, ગણિત-વિજ્ઞાાન-રમતગમત- કળા- ફિલોસોફી, નૃત્યનું પારણું જ્યાં બંધાયું, અને આધુનિક પશ્ચિમી સંસ્કૃતિના મૂળિયાં જ્યાં રોપાયા એ ગ્રીસમાં 'સિમ્પોઝિયા' થતા, જે આપણી કોલેજોમાં આજે થાય છે.

એ રાજકીય, બૌદ્ધિક કે કલાત્મક મેળાવડામાં ખાણી સાથે 'પીણી' વાઈન રહેતો. વચ્ચે એના હોજ ભરી રખાતા ને બધા સામૂહિકપણે પીને એકતા પ્રદર્શિત કરતા! વ્હીસ્કી, રમ, જેવા હાર્ડ ડ્રિન્ક્સ પેરેબલ શરૃ થયા પણ એની ખોજ કરી દસમી સદીમાં આરબોએ! સૂફી મિજાજના આરબોએ ડિસ્ટિલેશનની બેહતર તરકીબ શોધી અને મૂળ શુદ્ધ ભૂકા માટે વપરાતા શબ્દ 'અલ કુહળ'થી આલ્કોહોલ શબ્દ આવ્યો!

આસવ ને સોમરસ (એ વનસ્પતિનો પણ માદક રસ હતો.) આપણે ત્યાં પણ હતા. ઘડાઓ અને મધના ઉલ્લેખો સંસ્કૃત સાહિત્યના ઉદ્યાનમાં ઉત્સવના વર્ણનોમાં ય છે, અને મહાકાવ્યોમાં પણ! સંસ્કૃતિ જો જડસુ અને સંકુચિત થાય તો કેવું પરિણામ આવે એ નજર સામે જોવું હોય તો ઇસ્લામિક દેશો તરફ નજર નાખવી. આજે લિબરલ રિફોર્ન્સ થોડામાં થાય છે, પણ બીઅર, વાઈન, લિક્યોર ત્રણે જે ભૂમિ પર શોધાયા એ અરેબિક ઇરાન-ઇરાકમાં જ વિકસેલા-ઇસ્લામે શરાબને હરામ કરી દીધો! (આપણી દારૃ પ્રત્યેની સૂગ પણ અમુક અંશે ઇસ્લામની નકલ ખરી!)

અલબત્ત, આવી પિંજણ કરનારા પાર્ટી ન કરી શકે. પાર્ટી એટલે ડ્રિન્ક એન્ડ ડાન્સ, મ્યુઝિક એન્ડ મેટિંગ! આ ચાર પાયા વિના પાર્ટીનો જલસો જામે જ નહિ! જગતમાં જેની પાર્ટી એક બ્રાન્ડ બની ગયેલી એવા હ્યુ હેફનરને યાદ કરો. આ વર્ષે જ ભરપૂર સ્વર્ગ પૃથ્વી પર માણીને આ વિલાસ પુરૃષે વિદાય લીધી. પણ 'પ્લૅબોય' પાર્ટીઝના આ રંગીન શોખીન માણસે સકસેસફૂલ પાર્ટીની વ્યાખ્યા આપેલી.

ઓવરપૉપ્યુલેશન ઓફ ફિમેલ્સ! જી હા, હફેનર જેવો અનુભવી કહેતો એક પુરૃષ દીઠ બે સ્ત્રી હોય તો પાર્ટીની મજા છે. મતલબ, બે એસ્કોર્ટ હોય એમ નહિ. મતલબ છે : ક્રાઉડ! પાર્ટીની ધમાલ માટે ભીડ જોઈએ! ઉન્માદ ને ચિચિયારીઓ, આલિંગનો અને ચુંબનો! ડેફનર તો હસીને કહેતો કે સારો પાર્ટીનો યજમાન એ કે મહેમાનો માટે વ્યવસ્થિત ટોયલેટ ફેસિલીટી રાખે!

વેલ, હુસ્ન સાથે આવી પાર્ટી માણી હોય, કે એ બાહોંમાં હોય એને જ અલ્ટીમેટ પાર્ટી ગણી લીધી હોય તો વાઇલ્ડ લવમેકિંગનો એનિમલ એટ્રેક્શનની ફીલ આવે! કનૈયાલાલ મુનશીએ એવી 'ઉજાણી' પુરી થયા પછીની ક્ષણોનું વર્ણન 'ગુજરાતના નાથ'માં કર્યું છે. રસિક નર ને નારી ધસમસતા આવેગોનું મિલનનૃત્ય કરીને સૂતા છે એકબીજાના પડખામાં ને સવારની ઉષા એ જોઈને ચમકે છે.

પુરૃષ કાક ચત્તોપાટ સૂતો છે, છાતી પર માથું ઢાળીને સ્ત્રી મંજરી. પુરૃષનો હાથ સ્ત્રીની કેડ ફરતે, સ્ત્રીનો પુરૃષના ગળે ફરતે વીંટાવાના ઇન્તેઝારમાં! ગાલ પર ગાલ મિલાવી સૂતેલી આ જોડી જોઈને સૂર્યનારાયણ પોતાના કાર્યક્રમને દોષ દે છે કે, મન થાય છે કે અહીં જ થંભી જઉં, પણ યાત્રા ચાલુ રાખવી પડશે!

જેબ્બાત. મૂળ વાત ડ્રિન્ક કે સેક્સ નથી. ઇવન પાર્ટી ય નથી. મૂળ વાત છે કેવળ આત્માના જ ચક્કરમાંથી બહાર આવી ધરતી પર છીએ ત્યારે શરીરને પણ આનંદના અનુભવ કરાવવાની. વેસ્ટર્ન કેલેન્ડર સાથે આ એટીટયુડ આપણે શીખીશું તો ઘણા છુપાયેલા ફ્રસ્ટ્રેશન દૂર થશે. બળતણના સાંઠીકડા નવપલ્લવિત થશે. રોજ થર્ટીફર્સ્ટ હોય તો થ્રિલ ન રહે માટે વરસે એક નાઈટ આવે તો ચાર્મ રહે. બાકી તો આપણે ઈક રાત કે મહેમાં સબ યહાં....ફિર તુમ કહાં, હમ કહાં! હેપી ન્યુ ઈયર.

ફાસ્ટ ફોરવર્ડ

''માટીનો દેહ માટીમાં ભળે એ પહેલા પળને માણી લો. નહીં તો એવી અંતહીન અવસ્થા થશે જ્યાં ગીત નર્તકી, પીણું કશું નહિ હોય! આવતીકાલની તૈયારીમાં આજ ખોઈ ન નાખો. ગેબી ચૂકાદો છે કે આવું કરનાર મૂરખા ન લોક, ન પરલોક ક્યાંય સુખી નહિ હોય!''

(ઉમર ખય્યામ)
 

Post Comments