Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

'સંકરાત'નું સાયન્સ પંચાંગ, પતંગ, કેલેન્ડર, કાઈટ્સ....

આજે પતંગથી સેટેલાઈટ સુધી માણસે જે ગગનવિહાર કર્યો છે, એની પાછળ મૂળ તો એની આકાશદર્શન કરતા કાળ ગણવાની ખોજ છે!

મકરસંક્રાંતિમાંથી 'સંકરાત' અને ઉત્તરાયણમાંથી 'ઉતરાણ' થયેલો તહેવાર ટેકનિકલી એક જ દિવસે હવે આવતો નથી. કોઈ કાળે બંને એક જ હશે, આજે રહ્યા નથી!

હજુ થોડા દિવસો પહેલાં જ અંગ્રેજી ખ્રિસ્તી કેલેન્ડર સામે બખાળા કાઢનારા કોઈ જેમ પોષ વદ ચૌદસ લખેલો ચેક સ્વીકારવાના  નથી, એમ જ એમને કૂતુહલ થવાનું નથી કે ભારતીય પર્વની તારીખ વળી અંગ્રેજી કેલેન્ડર મુજબ ૧૪ જાન્યુઆરી કઈ રીતે હોય? જ્યોતિષ અને મહાભારતમાં ભીષ્મના ઈચ્છામૃત્યુમાં ય ઉલ્લેખાયેલા 'ઉત્તરાયણ' ઉર્ફે મકરસંક્રાંતિનો તહેવાર એ પછી બનેલા ગ્રેગેરીયન કેલેન્ડર મુજબ કઈ રીતે આવે?

પણ સવાલો પૂછવાને આપણે જ્યારથી સંસ્કૃતિનો હિસ્સો ન માનવાનું શરુ કર્યું, ત્યારથી જ જ્ઞાાનવારસો પરદેશી બનતો જાય છે! ઇન ફેક્ટ,કેટલા લોકોને એ ખબર હશે કે અપભ્રંશ થઇ મકરસંક્રાંતિમાંથી 'સંકરાત' અને ઉત્તરાયણમાંથી 'ઉતરાણ' થયેલો તહેવાર ટેકનિકલી એક જ દિવસે હવે આવતો નથી. કોઈ કાળે બંને એક જ હશે, આજે રહ્યા નથી! મકરસંક્રાંતિની તારીખ ૧૪ જાન્યુઆરીને ઉત્તરાણ ઉર્ફે  'ઉત્તરાયણ' કહેવાનું હવે પથ્થર પે લકીર જેવું થઇ ગયું છે. પણ હકીકત એ છે કે ૧૪ જાન્યુઆરીએ 'ઉત્તરાયણ' થતું નથી... અને 'મકરસંક્રાંતિ'ની તારીખ હવે ૧૪ જાન્યુઆરી રહેવાની નથી!

આ રહસ્યને વિગતે સમજવા પંચાંગના ખગોળવિજ્ઞાાનમાં ખાંખાંખોળાં કરવા પડે. દુર્ભાગ્યે ખગોળશા (સ્પેસ સાયન્સ)ની શરૃઆત ભારતમાં થઇ હોવા છતાં એ આજે ભારતમાં સહુથી વધુ ઉપેક્ષિત છે. અને એમાં બાઘા ભારતીયોને ગમે તે ધર્મગુરૃ કે સ્ટંગબાજ વિજ્ઞાાનીઓ કે બુદ્ધુ પત્રકારો, સત્યને તોડીમરોડી 'પૃથ્વી ગોળ જ નથી'... 'માણસ ચંદ્ર પર ગયો જ નથી'... 'પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી જ નથી'... જેવી ટાઢા પહોરની ધાપબાજી હાંકીને ઉલ્લુ બનાવી જાય છે! કાં પછી હનુમાન ચાલીસામાં પૃથ્વીને સૂર્યનું અંતર દેખાડાયું છે, એવા ટાઢા પહોરના ગપગોળા નાસાના નામે અમેરિકન વોટ્સએપ પર ઉડાડે છે. અને ફાંકાફોજદારીની ફૂદીઓ ચગાવી પેચ લડાવે છે.

તો ભારતીય ષિઓથી અમેરિકાની 'નાસા' સુધી સિદ્ધ થયેલું સત્ય એ છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોઇ રાત-દિનનો એક આખો 'દિવસ' થાય છે અને પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા લેતી હોઇ, ચોક્કસ દિવસોનું એક 'વર્ષ' થાય છે. વર્ષાતુથી વર્ષાતુ સુધીનું ચક્ર એટલે વર્ષ!

પૃથ્વીનો સૂર્ય ફરતેનો પ્રદક્ષિણાપથ ગોળ વર્તુળને બદલે લંબગોળ વર્તુળ બનાવે છે. એટલે આપણા માટે માત્ર બે જ દિવસોએ સૂર્ય બરાબર પૂર્વમાંથી 'ઊગે' છે. ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બર. આમાં ૨૩ સપ્ટેમ્બર પછી સૂર્ય બરાબર પૂર્વને બદલે સહેજ સહેજ દક્ષિણ તરફ ઝુકાવ લઇને ઊગતો જાય છે.

આવા ત્રણ મહિના દક્ષિણ તરફ ખસ્યા પછી સૂર્ય ફરીથી ઉત્તર દિશા તરફ ખસતો દેખાય છે. આ સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ એ 'ઉત્તરાયણ'. એનો ખરો પ્રારંભ ૧૪ જાન્યુઆરીએ નહીં, પણ ૨૧ અથવા ૨૨ ડિસેમ્બરે થાય છે! યાને મહાભારતના ભીષ્મ પિતામહે ઇચ્છેલું સૂર્યના ઉત્તરાયણ પછીનું પવિત્ર મૃત્યુ સંકરાતના તહેવાર પછી નહોતું!ભગવદ્ ગીતામાં વર્ણવાયેલા ઉત્તરાયણમાં દેહત્યાગનો મહિમા પણ ૨૧ ડિસેમ્બરથી જ શરૃ થયો ગણાય!

ઉત્તરાયણના છ માસ દરમ્યાન શિશિર, હેમંત અને ગ્રીષ્મ તુઓ આવે છે. ઉત્તરાયણમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી એ સાચું, પણ ઉત્તરાયણના દિન તથા રાત બંનેના કુલ ગાળાને આખો 'દહાડો' ગણો-તો એની સરેરાશ વર્ષના અન્ય દિવસો કરતાં અડધી મિનિટ લાંબી થાય છે!

આવું જ બીજું લોકપ્રિય ન થયેલું તથ્ય એ કે 'મકરસંક્રાંતિ'ની ૧૪ જાન્યુઆરીની તારીખ લોકો માને છે તેવી અવિચળ નથી... પણ 'ઉત્તરાયણ'નીડિસેમ્બરની અંતભાગની તારીખ ધુ્રવતારા જેવી અડગ છે! જો સરકારી રજા પતંગને નહીં, પણ પંચાંગને ધ્યાનમાં લઇ જાહેર થાય તો ૨૧ ડિસેમ્બરે હોવી જોઇએ!

આ ૨૨ ડિસેમ્બરે વળી 'મકરસંક્રાંતિ' થતી નથી. એનો અંદાજિત સમય ૧૪ જાન્યુઆરી છે અને એ પણ હવે લગભગ ૧૫ જાન્યુઆરી થઇ ગયો છે! મકરસંક્રાંતિનો દિવસ દર ૭૨ વર્ષે ૧ દિવસ આગળ ખસતો રહે છે. અગાઉ એ ૧૩ જાન્યુઆરીએ થતી હતી. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ૧૨ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ હતી.

જે ખસીને ૧૪ આવી. દાયકાઓ પછી એ ૧૫ પણ નહીં, ૧૬ જાન્યુઆરીએ થશે! વાસ્તવમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે થતાં હોય એવી ઘટનાને તો ૧૫૦૦ ઉપર વર્ષો વીતી ગયા છે! પરંતુ આપણે જેમ વાસી સંસ્કૃતિનું પૂંછડું પકડી રાખીએ છીએ, તમે અહીં પણ સ્વાભાવિક વૈજ્ઞાાનિક બદલાવને ગણકાર્યો નથી!

પૌરાણિક ભારતીય પંડિતો તુઆધારિત પંચાંગ અને નક્ષત્રઆધારિત પંચાંગનો ભેદ સમજી શક્યા નહોતા. શરૃઆતમાં તો તુચક્ર અને નક્ષત્રચક્ર સાથે ચાલ્યું પણ પછી તફાવત સ્પષ્ટ દેખાવા લાગ્યો છે. માટે જ હવે ભારતીય પંચાંગમાં કારતક માસ આવે એટલે ઠંડી શરૃ નથી થતી!

ભારતીય પંચાંગમાં ચંદ્રમાસ ધ્યાનમાં લેવાય છે. આપણા તહેવારો તિથિઆધારિત હોઇને એ ચંદ્રની સ્થિતિ મુજબ આવે છે. માત્ર મકરસંક્રાંતિ સૂર્યની સ્થિતિ ઉપર આધાર રાખતો ભારતીય તહેવાર છે! ચંદ્રમાસ અને સૂર્યમાસ વચ્ચેના તફાવતને પછી તિથિઓના ક્ષય કે ધોકા કે અધિક માસથી 'એડ્જેસ્ટ' કરવો પડે છે.

મામલો ગરબડ અહીંથી લાગે છે. ભારતીય પંચાંગ ચંદ્રની ગતિં પર આધારિત છે. આપણા તહેવારો ચંદ્રમાસ મુજબ આવે છે. એટલે પૂનમ ને અમાસનું મોટું મહત્વ છે ભારતીય પર્વોમાં. એટલે તહેવારો પુરતી આપણે વ્યવહારમાં બિલકુલ યાદ ન રાખેલી તિથિ જોવી પડે છે. ચંદ્રમાસ પૂનમથી અમાસનો ગણાય ને એકયુરેટ ગણો તો ૨૯.૫ દિવસનો થાય. મતલબ આખું કારતકથી આસોનું આપણું સ્વદેશી વર્ષ ૩૫૪ દિવસનું થાય.

પણ વર્ષ, માસ, દિવસ, કલાક એ બધા આકાશ દર્શન કરતા કરતા માણસે શોધી કાઢેલા કાળગણનાના એકમ છે. હવે સૂર્ય જે જગ્યાએ હોય ત્યાં જ એકઝેટ પાછો આવે એ ઘટના ૩૬૫.૨૫ દિવસે ફરી બને છે. હવે અહીં એન્ટ્રી થાય છે સોલાર કેલેન્ડરની. આજે આપણે અપનાવી લીધેલું વેસ્ટર્ન ગણાતું કેલેન્ડર સૂર્ય મુજબનું સોલાર કેલેન્ડર છે. એક ચંદ્રનો પથ જુએ છે. બીજું સૂર્યનો. અને બેઉ વચ્ચેનો દેખીતો તફાવત એક વરસ ગણવામાં ૧૧.૨૫ દિવસનો છે. એટલે અઢી વર્ષે આપણે એનું એડજસ્ટમેન્ટ કરવા અધિક માસ ઉમેરવો પડે છે!

પરફેક્ટ તો સોલાર કેલેન્ડર પણ નથી. એનું વર્ષ પણ ચોકસાઈથી ગણો તો ૩૬૫.૨૫૬૩૬૩૦૦૪ દિવસનું છે. આ ઉપરના અપૂર્ણાંક આંકડાની અસર વધતી ટાળવા જ એમાં ચાર વર્ષે લીપ ઈયર છે, જેથી ફેબુ્રઆરીનો એક્સ્ટ્રા દિવસ ૨૯ ફેબુ્રઆરી ઉમેરાય છે અને આમ નોર્મલી એ મહીનો ૨૮ દિવસનો જ રહે છે.

વળી સૂર્યનો ધરતી પરથી આપણે જે કાલ્પનિક પથ નિહાળીએ છીએ, એને સમજવા માટે આપણે આકાશને ૧૨ રાશિમાં વહેંચી દીધું છે. આ આંકડો ને કોન્સેપ્ટ પ્રાચીન મિસર યાને ઈજીપ્તનો છે એવું મનાય છે, જેમાં સૂર્યપૂજાની પરંપરા હતી. ત્યાંથી બેબીલોન, મેસોપોટેમિયા, ગ્રીસ , ભારત વગેરેમાં આવ્યો હશે એવું સંશોધકો માને છે. એટલે અંગ્રેજી ઝોડિયાક ને ભારતીય રાશિના નામોમાં ઘણું સામ્ય છે. સપ્તાહના વારની જેમ જ. લિયો હોય એ સિંહ હોય અને સ્કોપયો એટલે જ વૃશ્ચિક એટલે વીંછી!

પૃથ્વી સૂર્ય ફરતે એકસરખી ગતિ કે કક્ષામાં પરિભ્રમણ કરતી નથી. માટે સૂર્યનું પૃથ્વી પરથી દેખાતું કાલ્પનિક ભ્રમણ પણ એકસમાન નથી. સૂર્યના એક અવકાશી ચક્રને એક સૌરવર્ષ કહેવાય છે. આ ચક્રને ૧૨ સરખા ભાગમાં વહેંચાયું છે. ૩૦ અંશની ડિગ્રીઓથી કુલ ૩૬૦ અંશ ડિગ્રીના વર્તુળમાં ૧૨ હિસ્સા થયા છે. સૂર્ય એક 'રાશિ'માં જાય એટલે એક સૌરમાસ પૂરો થાય. પણ સૂર્યની ગતિ એકસમાન ન હોઇને સૌરમાસ ૨૯ દિવસ, ૧૦ કલાક, ૩૮.૬ મિનિટથી લઇને ૩૧ દિવસ, ૧૦ કલાક, ૫૪.૬ મિનિટ જેટલા હોઇ શકે છે.

હવે મકરસંક્રાંતિ એટલે એના નામ મુજબ સૂર્યનો આકાશદર્શન કરતા હો તો મકર રાશિમાં પ્રવેશ. સંક્રાંતિ એટલે છેદનબિંદુ. મતલબ બે રાશિનું એકબીજાના અંત અને આરંભના છેડે મળવું. યાને સૂર્યનું કાલ્પનિક આકાશી પથનું આગળ ખસવું. આપણે અપનાવેલું પશ્ચિમી ગણાતું કેલેન્ડર ૧૨ સૂર્યમાસ ગણે છે. એ મુજબ ડિસેમ્બરની મધ્યમાં ધનુસંક્રાંતિ અને જાન્યુઆરીની મધ્યમાં મકરસક્રાંતિ આવે. પણ ઉત્તરાયણ એ જુદી માયા છે.

આવી જ રીતે આપણે ચંદ્રના કાલ્પનિક પથના આકાશને કુલ ૨૭ ભાગમાં વહેંચ્યું છે, જેને આપણે નક્ષત્ર કહીએ છીએ. હવે વર્ષ ગણવાની એક બીજી ગણતરી રાશિને બદલે નક્ષત્ર આધારિત છે. 'નક્ષત્ર' એટલે તારાઓનો સમૂહ. સૂર્યના ભ્રમણપથ નજીક રહેલા કુલ ૨૭ તારાગુચ્છના આધારે આ ભાગ પડયા છે. એ ૨૭ નક્ષત્રોમાં થતી સૂર્યની એક સફરને 'નક્ષત્રવર્ષ' કહેવાય છે, જે રાશિવર્ષ કરતા જુદું પડે છે. આપણું ભારતીય કેલેન્ડર નક્ષત્રવર્ષ મુજબ ચાલે છે... અને 'મકરસંક્રાંતિ'નો તહેવાર 'રાશિવર્ષ' મુજબ આવે છે!

સમજાયું ને ગરબડ ક્યાં છે? મુદ્દાની વાત એ કે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય એને 'સંક્રાંતિ' કહેવાય. મહા મહિનામાં કુભક્રાંતિ, ફાગણમાં મીનસંક્રાંતિ, ચૈત્રમાં મેષસંક્રાંતિ, જેઠમાં મિથુનસંક્રાંતિ, અષાઢમાં કર્કસંક્રાંતિ, શ્રાવણમાં સિંહસંક્રાંતિ, ભાદરવામાં કન્યાસંક્રાંતિ, આસોમાં તુલાસંક્રાંતિ, કારતકમાં વૃકિસંક્રાંતિ, માગશરમાં ધનસંક્રાંતિ અને પોષમાં મકરસંક્રાંતિ આવે છે!

પણ સૂર્યની ગતિ અસમાન હોઇ આ સંક્રાંતિના દિવસો દરેક માસમાં અલગ અલગ હોય છે. પરિણામે અંગ્રેજી કેલેન્ડર અને આપણી તિથિ જેમ એકસરખા નથી ચાલતા તેમ ૧૪ જાન્યુઆરીની તારીખ તથા મકરસંક્રાંતિની ભારતીય તિથિ પણ કાયમ માટે એકસમાન રહી શકે નહીં! આજે ખોટા દિવસે મકરસંક્રાંતિ ઊજવાય તેમાં વાંક સૂર્યનો નહીં, પણ વિવિધ કેલેન્ડર અને પંચાગપદ્ધતિના આંતરિક ગૂંચવાડા અને ટકરાવનો છે!

અહીં મામલો કોમ્પ્લીકેટેડ એટલે થાય છે કે, પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે, એ ઉત્તરથી દક્ષિણ ફરે છે. એટલે જ ઉત્તર ને દક્ષિણ ધ્રુવ એના બે બિંદુઓ છે. એટલે જ ઉત્તર ને દક્ષિણ એમ બે ગોળાર્ધ ઉર્ફે હેમીસ્ફીઅર ગણાય છે. હવે આપણે કહેવા ખાતર કહીએ કે, સૂર્ય રોજ પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં આથમે છે. પણ ધ્યાનથી રોજ જોઇશે તો પૂર્વમાં ઉગવાનું અને પશ્ચિમમાં આથમવાનું એનું સ્થાન એક જ નિશ્ચિત નથી. ખસતું જાય છે. કારણ કે બધા એકબીજા સાથે અલગ અલગ ચક્રાકાર ગતિઓ ધરાવે છે.

હવે સૂર્ય આથમે ત્યારે દક્ષિણ તરફ વધુ ખસે એ વખતે દિવસો થોડા ઠંડા વધુ થાય. ને ઊગવામાં ઉત્તર બાજુ વધુ થાય ત્યારે હૂંફાળા દિવસો વધે. માત્ર ખેતી પર જીવન ચલાવતા અને વીજળીની શોધ વિનાના સમયમાં માણસો માટે આ ગતિઓનું મહત્વ હતું. બધા જ તહેવારો તુચક્ર કે ખેતીની મોસમ સાથે એટલે જ સંકળાયેલા છે.

દેવદેવીઓ અને ધામક વિધિ તો પછી આવે. મેષ અને તુલાની સંક્રાંતિએ રાત-દિવસ સરખા હોય. જુન ૨૧ના કર્કસંક્રાંતિના દિવસે દક્ષિણાયન શરુ થાય અને ડિસેમ્બર ૨૧ પછી ઉત્તરાયણ. ઉતરાયણ એટલે વધુ સનલાઈટ. લાંબા દિવસો અને રંગબેરંગી વસંત. ( એટલે રંગોત્સવ ધૂળેટી એમાં ઉજવાય).

માટે મોસમની રીતે એ જરા ફીલગુડ. વરસાદ ને કીચડની અચોક્કસતા નહી. સતત ખેતી માટેની મહેનત નહી. રિલેક્સસેશન. માટે ઉત્તરાયણ ઉજવવા માટે ડિસેમ્બરના ત્રીજા-ચોથા સપ્તાહમાં જવાનું. એટલે જ કદાચ ઇસુ ખ્રિસ્તનો ઘણા વિદ્વાનોની દૃષ્ટિએ કાલ્પનિક જન્મદિન ૨૫ ડિસેમ્બરે ઉજવવાનું શરુ થયું. ઘણી સંસ્કૃતિમાં નવું વર્ષ ત્યાં મનાવાયું.

હવે ફરતા ફરતા પૃથ્વીની ધરી પ્રત્યેનો ઝુકાવ ને પથનું સ્થાન પણ નિરંતર ગતિને લીધે સહેજ ફરે છે. એ સમજવું વિઝયુઅલી સહેલું છે, પણ શબ્દોમાં થોડું અટપટું છે. ભમરડો ધરી પર ફરતો ફરતો જરા ધુ્રજે અને પૃથ્વી તો એવા બ્રહ્માંડનો હિસ્સો છે જે સ્વયં ફરે છે.

આ બેસીને તમે વાંચતા હો ત્યારે ય બધું ફરી જ રહ્યું છે. એમાં વળી ગુરુત્વાકર્ષણનો સામસામે ખેલ શરુ થાય. અનુમાન મુજબ દર ૨૫,૭૭૦ વર્ષે પૃથ્વી આ ધુ્રજારીમાથી જરા સ્થિર થઇ ફરી ધુ્રજવાનું શરુ કરે. ( આ અઘરા સાયન્સનું સમજવા પુરતું સરળીકરણ છે.) એ વાત જવા દો. પણ આવા કારણોસર પૃથ્વી, સૂર્ય અને ચંદ્રનો સંબંધ જરાતરા બદલાતો રહે છે. માટે લાંબા ગાળે ઉતરાયણ અને મકરસંક્રાંતિને છેટું પડી જાય છે!

હજુ તો આમાં આપણા પંચાંગના જ્યોતિષના તત્વો છે. પુરાણો મુજબ એક વાર પાંપણ ઝપકાવો એ સમયનો ત્રીસમો ભાગ 'તત્પર' ગણાય. અને એનો સોમો ભાગ 'ત્રુટિ'.  ત્રુટિનો સોમો ભાગ હોય એટલામાં સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે. આમાં વળી ઘટિકા ને પુણ્યકાળ આવે. અને ખીચડા કે ગાયને એક દિવસ પૂરતા ઘાસના પુણ્ય કરતા મોટો સવાલ તો એ ય થવો જોઈએ કે ચીનની શોધ એવા પતંગો અને ફટાકડાઓ આપણી સંક્રાંતિનો હિસ્સો ક્યારે ને કેવી રીતે બની ગયા?

માનવજાતિના ઇતિહાસમાં કોઈ બાબતે ચુસ્ત સ્વદેશી સરહદો રહી નથી. એને જ સંસ્કૃતિની વહેતી નદી કહેવાય છે. આમ તો, આ સમય જ 'સંક્રાંતિકાળ' છે. 'સંક્રાંતિ' એટલે એક સ્થિતિમાંથી બદલાઇને બીજી સ્થિતિમાં જવું. અત્યારે ભારતીય સંસ્કૃતિ જરીપુરાણી બાબતોની કાંચળી ખંખેરી નવી ચમકદાર ચામડી ધારણ કરી રહી છે.

આ સહજ પ્રક્રિયા ઘણા જડસુ જગતકાજીઓને સમજાતી નથી. એટલે તેઓ કપડાંથી સૌંદર્યસ્પર્ધા સુધીની દરેક  નવી પરિસ્થિતિને પશ્વિમી અનુકરણ કહી આડા હાથ દેવાનાં હવાતિયાં મારે છે. સંક્રાંતિસાગરના ઘોડાપૂરમાં આખરે તેઓ ખુદ તણાઇ જવાના છે. અત્યારે જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા ઉત્સવો સંક્રાંતિકાળમાંથી પસાર થઇને આવકાર્ય એવું અલ્ટ્રામોડર્ન નવનિર્માણ પામી રાહ્યા છે.

આપણા તુકાલીન પર્વોના ભવ્ય વૈવિધ્ય છતાં એમાં પાયાનો પ્રોબ્લેમ એ છે કે, દરેકમાં ધામક માહાત્મ્ય અને વિધિ-કર્મકાંડોની બેડીઓ જડબેસલાક હોય છે. માત્ર બે જ તહેવારો ધર્મબંધનને બદલે શુદ્ધ મનોરંજનને કેન્દ્રમાં રાખી, પૂજાપાઠને હાંસિયામાં ધકેલી દે છે. એક તો રંગ અને સંગનો ઉત્સવ 'ધૂળેટી' અને બીજો રંગ અને પતંગનો ઉત્સવ 'ઉત્તરાયણ'! બાકી નવરાત્રિ થોડે અંશે શક્તિપૂજનથી બહાર નૃત્યોત્સવ બની એ ય ખરું.

પણ માત્ર મકરસંક્રાંતિ જ શા માટે ઊજવાય છે?

કારણ કે, વિજ્ઞાાન મૂકીને વિચારની દૃષ્ટિએ જોઇએ તો મકરસંક્રાંતિ એ રાત ઉપર દિવસની વધતી જીત છે. શિયાળાની ટાઢ ઉપર તડકાની હૂંફનો ઉષ્માપૂર્ણ વિજય છે. એમાં નિદ્રાના સમય (રાત) કરતાં જાગૃતિનો સમય (દિન) વિસ્તરે છે. અર્થાત્ એ નિષ્ક્રિયતા ઉપર સક્રિયતા અને નિવૃત્તિ ઉપર પ્રવૃત્તિનો વિજય છે! સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ જાય એ જ અંધકારનો ક્ષય અને પ્રકાશનો જય બતાવે છે!

મકરસંક્રાંતિ કે ઉત્તરાયણનું પર્વ ખરા અર્થમાં પ્રાકૃતિક છે. સૂર્યને સજીવ સૃષ્ટિ સાથે સીધો સંબંધ છે. વેદકાળમાં એટલે જ નામરૃપવાળા ભગવાનોને બદલે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી આદિ પદાર્થોમાં ચેતનતત્ત્વરૃપ ઇશ્વરની આરાધના થતી. સૂર્ય છે તો પૃથ્વી પર જીવન છે. સામાન્ય રીતે કોઇપણ માણસ રોજિંદી ક્રિયાઓથી કંટાળી જાય પણ સૂર્યોદય લાખો વર્ષોથી રોજેરોજ થાય છે તોય નવો જ લાગે છે. કારણ કે પ્રત્યેક સૂર્યોદય માણસમાં નવી તાજગીનો અહેસાસ આપતો રહે છે!

અને આ તાજગીની ઊર્જાને ગગનચુંબી ઉડાન આપવા માટે દેહ અને દિમાગને સ્ફૂતમાં રાખતી રમત એટલે... પતંગ! હેપી કાઈટ ફ્લાઈંગ. પણ પક્ષીઓનું ધ્યાન રાખીને હોં!

ફાસ્ટ ફોરવર્ડ

'આ પતંગ, આ પવન, એ જ શીખવે...
એકબીજાને અનુકૂળ હો તો
આખું આકાશ હાથમાં આવે!'
 

Post Comments