Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

મમ્મીની મીઠાશ ને મોજની મોકળાશ : પંછી બનું, ઉડતી ફિરું મસ્ત ગગન મેં... આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં!

પુરુષ જેટલી આસાનીથી સ્ત્રી આપણા સમાજમાં બહાર નીકળી શકતી નથી. બીજા જ એના વતી નિર્ણયો લે, ને એ નિર્ણયો લે ત્યારે બીજાને જ ધ્યાનમાં રાખવાના હોય એવી આદત એને પડી જતી હોય છે

આજ મારી તીર્થયાત્રા અને આ જ મારી હજ.

ફેસબુક પર એક ગુજરાતી યુવાનની પોસ્ટમાં આવું વાંચીને નજર ચોંટી જાય છે. ના ના, ઈલેક્શનમાં કેમ્પેઈન કરવાની કોઈ નવી ઓનલાઈન ટ્રિક નથી. સંવેદનાનો સચ્ચાઈથી છલોછલ દસ્તાવેજ છે. અપૂર્વ ચૌધરી નામનો આ કટારનો એક રીડરબિરાદર હૈયું નીચોવીને લખે છે. પંછી ઉડ ચલા. ઉંહૂં, દીકરીને સવારે વળાવવાની આ યુવાનની ઉંમર નથી. અને બહેન પિયર છોડીને સાસરે કે ભણવા જતી હોય એવો મુદ્દો નથી. ના તો પ્રાણપંખેરું ઉડી જાય એવી કોઈ વાત છે.

અપૂર્વના જ શબ્દોમાં આ વાત તો મા, મમ્મી, મધર, અમ્મી... શબ્દ અનેક અહેસાસ એક યાને એની માતાની છે. મુદ્દો શું છે? એની મમ્મી જાય છે જીવનના પહેલા એવા ભારત દેશના ૨૫ દિવસના પ્રવાસે! અને એકશ્વાસે વંચાય જાય એવો આ પત્ર મૂળ તો દીકરાએ મમ્મીને જતી વેળાએ લખીને આપ્યો છે.

રીડિંગનો ફાયદો એ કે શબ્દો ને લાગણીઓની સમજણ વધે ને એ ડિપોઝીટ પડી હોય તો ક્યારેક કામ આવે ઋણનું આમ કશુંક બોલી-લખીને ચૂકવણું કરવામાં! જરાક આપણા જાતભાતના કાલ્પનિક ભયોને મર્યાદાનું નામ આપી ટાઢ વિના ટૂંટિયું વાળી સૂતેલા સમાજને જગાડે એવી વાત છે. માટે પહેલા તો વાંચી લઈએ આ રિયલ લેટર ફ્રોમ સન ટુ એ મધર. લો વાંચો :

''૩૨ વર્ષ પહેલાં તું આ ઘરમાં આવી હતી. એક ૨૦ વર્ષની છોકરી નવી જિંદગી શરૃ કરવા. આંખોમાં વિસ્મય અને મનમાં ઘણા અરમાનો લઈને. દુનિયાદારી અને સામાજિક હકીકતોથી અજાણ હતી તું. અને ત્યારથી એ ૨૦ વર્ષની છોકરીનું અડધું જીવન સામાજિક અને આર્થિક જવાબદારીઓમાં જ ખર્ચાઈ ગયું. જવાબદારીઓ અને અપેક્ષાએ છોકરીને સીધી જ સ્ત્રી બનાવી દીધી. એક ખાસ ઉમ્મરની મસ્તી, બેફિકરાઈ કે અલ્લડતા શું છે એ સમજવાનો એને મોકો જ ના મળ્યો.

પછી તેં સારી રીતે, જાત મહેનત કરીને સહારાથી પોતાનો એક નાનો માળો બનાવ્યો. ૩૦ વર્ષ પહેલાં, ને એમાં મને જન્મ આપ્યો. એક એવું ઋણ જે હું ક્યારેય ચૂકવી શકવાનો નથી. પછી તેં એ માળાને તારી રીતે સાચવ્યો અને સજાવ્યો.

લડીને, તૂટીને, સહન કરીને, પોતાની ઈચ્છાઓનો ભોગ આપીને પણ એને એકજુટ રાખ્યો. સમય પસાર થતો ગયો ને તારા બચ્ચાઓ મોટા થતા ગયા. બીજા ૨૦ વર્ષ પસાર થઈ ગયા અને દરમિયાન તું એ માળાને વધુ સારામાં સારી રીતે ગુંથવામાં પરોવાયેલી રહી. અને એક દિવસ અમે સૌ ઊડી ગયાં. અમારી મનગમતી દિશામાં. એ જ પાંખોને સહારે જેમાં પ્રેમ, લાગણી, હૂંફ, હિમ્મત અને સ્વમાનની તાકાત તેં ભરી આપી હતી.

સમયાંતરે સૌ નીકળી ગયાં. ભણવા માટે, કમાવવા માટે, નવા અનુભવ માટે. પપ્પા એક અજાણ્યા રસ્તા પર હંમેશ માટે ચાલી નીકળ્યા ત્યારે તારી બંગડીઓનો તૂટવાનો સંભળાયેલો અવાજ આજે પણ મને હચમચાવી જાય છે.

તારી એકલતાની અભિવ્યક્તિ તેં ક્યારેય નથી કરી, પણ એની અનુભૂતિ મને હંમેશા થઈ છે. તારા ચાર જણના માળામાં તું ખુદ જ એક દિવસ એકલી થઈ ગઈ. પણ આજે ફરીથી આપણે સાથી છીએ. તારી જ આંગળીઓએ ગૂંથેલા તારા ઘરમાં. અને આજે ઉડવાનો વારો અને સમય તારો છે.
પાંખો ફેલાવીને તારે ઉડવાનું છે, અને તું ઉડીશ. તને મનગમતી દિશામાં, ખુલ્લા આકાશમાં, તારી પાંખોમાં છે એટલી તાકાત ભરીને. મુક્ત મને, બેરોકટોક. આગળ શું મળશે અને પાછળ શું છૂટશે એની પરવાહ કર્યા વગર.

સંબંધોનાં સરવાળા-બાદબાકી અને પૈસાઓને ગુણાકાર-ભાગાકાર બાજુ પર મૂકીને. તું ઉડજે, તારી જાત સાથે. તું ઉડજે તને મળવા માટે. તું વાત કરજે, તારી સાથે. કોઈ મળે ને હસી જવાય કે કોઈ યાદ આવે ને રડી જવાય, તો બંને દિલ નીચોવીને કરજે. કંઈ પણ કરીશ એ ફક્ત તારું હશે. અખિલ બ્રહ્માંડમાં બસ એક તું જ છે એ રીતે ફરજે.

સાડીનો કલર કે માથા પરની બિંદી, હાથમાં કંગન કે પગમાં મોજડી, જે ગમે એ પહેરજે. કોઈ શું કહેશે, શું થશે કે શું લાગશે જેવી ચિંતાઓને બાળીને એની રાખ હંમેશ માટે કોઈ ઘાટ કે નદીમાં પધરાવી દેજે. સુંદર પહેરીશ, સુંદર ફરીશ, સુંદર ખાઈશ, હસીશ તો પપ્પા પણ તને જોઈને મલકાશે અને ક્ષિતિજની પેલે પારથી ફરી તારા પ્રેમમાં પડશે એની મને ખાતરી છે. ૫૦ વર્ષમાં આવો સમય તને ક્યારેય મળ્યો નથી. આ દિવસો હવે તારા છે, ફક્ત તારા.

ફરી લે, ઉડી લે, જોઈ લે... આંખોની કીકી સ્થિર થઈ જાય એ પહેલા, કાન ને રામ-નામનાં ભણકારા સંભળાય એ પહેલા, પગ ચાલવાની ના પાડે એ પહેલા, જીવનની ઢળતી સાંજ આવી જાય એ પહેલા, ડાબા પગનાં અંગૂઠા પર દાહ અપાય એ પહેલા, શ્વાસ-ઉચ્છ્વાસની લય તૂટે એ પહેલાં, અસ્થિ રાખ બનીને ગંગાનાં પાણીમાં વિલિન થઈ જાય એ પહેલા... અંતિમ બિંદુ આવે એ પહેલાં.... જીવી લે... વિસર્જન થાય એ પહેલા પોતાનું સર્જન કરી લે.

ક્ષણભંગુરતા જ જીવન છે. મૃત્યુની સાચી સમજ જ જીવન જીવતા શીખવાડે છે. પાણીનો સાત રંગનો પરપોટો છે આ જીવન. એક નિયતિ, એક ચોક્કસ ક્ષણ અને એ ફૂટી જશે. બસ એ ફૂટી જાય એ પહેલા હવામાં એને જરા નાચી લેવા દેજે. જમણા હાથમાં પર્સ, ડાબા હાથમાં બેગ, આંખોમાં નવી દુનિયા જોવાના અરમાનો અને થોડા ડર સાથે વર્ષો પહેલા આજ રીતે તું આ ઘરમાં આવી હતી અને એ જ રીતે આજે તું બહાર નીકળી રહી છે. શું બદલાયું મા? બસ વચ્ચેથી ૩૫ વર્ષ પસાર થઈ ગયા!

હવે તારી પાંખો બનવાનો વારો મારો અને ઉડવાનો વારો તારો છે. બસ તારી આંખો નવી દુનિયા જોવે, તારા ફેફસાં નવી હવા ભરે અને તારી રુહને તાજગીની એક નવી લહેરખી મળે.

તારા માળાનું તારું બચ્ચું - અપ્પુ.
    
સરસ કવિતા જેવા શબ્દોમાં ગૂંથાઈને આ પત્ર લખાયો છે. પણ આમ એ નરી વાસ્તવિકતા છે. પેલી કંગનાની સંકળાયેલા તમામ માટે લાઈફટાઈમ બેસ્ટ ગણાયેલી ફિલ્મ ક્વીન આવેલી એ યાદ છે? એમાં સતત દબાયેલી રહેતી એક ભારતીય યુવતી કેવી રીતે દુનિયા ફરતા ફરતા પોતાનો આત્મવિશ્વાસ અનુભવમાંથી કેળવે છે અને જાતે પડકારોનો એકલો સામનો કરતી ખુદની જિંદગીની રાણી બને છે એની વાત હતી. અહીં વાત જરા જુદી છે.

આપણા પરિવારમાં માતાનું અદકેરું સ્થાન હોય છે. બા બા કહેતા પ્રૌઢ વયના પાંચમાં પુછાતા મહાજન જેવા સંતાનોના ય ગળા ને આંખો ભીના થઈ જાય છે. પણ આજના ટીનએજર્સ કે યંગસ્ટર્સની મોટા ભાગની મમ્મીઓ જ્યારે '૭૦, '૮૦ કે '૯૦ના દાયકામાં મમ્મી બની ત્યારે આજની ટેકનોલોજીની સુપરસ્પીડ દુનિયા નહોતી.

આજે જે પરિવારોમાં થોડીક મોકળાશ આવી છે, એ પણ ત્યારે દુર્લભ હતી. મોબાઈલ ને ઈન્ટરનેટ સ્વપ્નવત હતા. ભીતર ગમે એટલી ટેલન્ટ હોય કે અવનવા અરમાનો હોય, બધું ઢબૂરીને મોટા ભાગની મહિલાઓ બસ બાળકો ઉછેરવામાં કે ઘરના વડીલોની સેવા કરવામાં કે પતિને સંઘર્ષના દિવસોમાં સાથ આપવામાં ગૂંથાયેલી રહી અને એમાં જ એમની પર્સનલ લાઈફ વીંખાયેલી રહી.

મમ્મીઝ એટલે થોડી વધુ સ્યુગરી સ્વીટ આપણે ત્યાં બધાને લાગે છે. કારણ કે, એમણે ભારતીય પરિવાર વ્યવસ્થામાં ગૃહિણી બન્યા પછી ભણેલી કરિઅર વુમન હોય તો ય થોડોક એક્સ્ટ્રા ભોગ આપવો પડે છે. અને જો સુખીસંપન્ન ને સાચા અર્થમાં શિક્ષિત પરિવાર ના હોય તો મા બની ગયેલી ત્યારની યુવતીના યૌવનની સાથે જ એનું પોતાનું વેકેશન પણ ખોવાઈ ગયેલું જ હોય છે! અને મેનોપોઝ પછી ઘણી વાર અનકહી બેચેની પણ ઘેરી વળે છે, ઉદાસી સાથે.

એ સ્થિતિમાં એને થાક લેવાનો, કોઈના માટે જીવ્યા સિવાય પોતાની રીતે મજાઓ કરવાનો, ખુદને માટે ખર્ચ કરવાનો મોકો ય નથી મળતો ને મધરહૂડને લીધે મરજી પણ નથી હોતી. અને આજની લાઈફમાં ઉછરેલા કિડ્સ તો ઝપાટાબંધ મોટા થતા જાય છે. હાઈટેક ગેજેટ્સ ને કૂલ સ્કુલ્સને લીધે જેટસ્પીડમાં લાઈફના એક્સ્પીરીયન્સીઝ લેતા જાય છે. એમાં મમ્મી ભીડમાં આંગળી છૂટી જાય ને ધક્કામુક્કીમાં પાછળ રહી જાય એમ જરા બેકફૂટ પર આવતી જાય છે.

પુરુષ જેટલી આસાનીથી એ આપણા સમાજમાં બહાર નીકળી શકતી નથી. બીજા જ એના વતી નિર્ણયો લે, ને એ નિર્ણયો લે ત્યારે બીજાને જ ધ્યાનમાં રાખવાના હોય એવી આદત એને પડી જતી હોય છે. એમાં એ બહાર નીકળીને કોઈ પણ પ્રકારની નોકરી કે કામ કરતી હોય તો જરાક સ્વતંત્ર ગણાય.

પણ ઉલટું એમાં તો વધુ લોકો પાસે ટાઈમ અને ચોઈસનું રિમોટ કંટ્રોલ આવી જાય છે. સહકર્મચારીઓથી જે તે સુપરવાઇઝર કે બોસીઝ સુધી. 'મિશન મમ્મી' કે 'બેસ્ટ ઓફ લક લાલુ' જેવી ફિલ્મનું પાત્ર જ બનીને પડદા પર રહી જાય મમ્મીઓ?

તો પછી મમ્મીએ માત્ર આદર ને આભારના અજવાળે કોઈ અંધારી ફોટોફ્રેમમાં કેદ થઈને જ હાસ્ય કરવાનું? એને જીવવા ન મળે? એને જગત જોવા ને જાણવા પર મનાઇ? એ છાપું વાંચે તો ય અધૂરું મુકવું પડે ગેસ પર ઉકળતી દાળ જોવા માટે, એમ એના સપના માતા બન્યા પછી અધૂરાં જ રહી જાય? એને એની સાવ ઢળતી અશક્ત અવસ્થા પસાર કરવા માટે રંગબેરંગી યાદો બનાવવાનો હક જ નહિ સાવ?

ઘરના જ મોટા કરેલા સંતાનોને શાક લેવા જવા કે ડ્રેસ લેવા જવા ય મૂકી તેડી જવાની રિકવેસ્ટસ કર્યા કરવાની? ને જુવાન સંતાનોના ઉતાવળા નકારને હકારાત્મક સ્મિત સાથે ગળે ઉતારતો જવાનો? જુવાની તો સતત ને સખત સમર્પણમાં વિતાવી પણ હવે થોડોક પો'રો ખાવાનો વખત મળ્યો એટલે બસ એ ટીવી પરની લાંબી લપસીંદર મેલોડ્રામેટિક સિરિયલ્સ ને ફેક રિયાલીટી શો જોવામાં ઘરની દીવાલોમાં જ વીતાવી દેવાનો?

સંસારની જવાબદારીમાં આવું બધું તો કદાચ એને વિચારવાનો ય સમય નહી મળતો હોય. આવું કશુંક કોઈક કહે તો શું કરવું ને જવાબમાં શું કહેવું એ ય એને પૂરું સમજાતું નહિ હોય. કારણ કે, આ ફિક્સ પ્રોગ્રામની બહારની વાત છે.

પણ ખરેખર તો ભીતરના શણગારની વાત છે. ડૉ. નિમિત્ત ઓઝાએ એકવાર લખેલું જ કે, મમ્મીઓ એપ્રિલ ફૂલ બનાવતી હોય છે : કેસરોલમાં રહેલી છેલ્લી રોટલી આપણને આપીને, 'મને તો જરાય ભૂખ જ નથી' એવું જ્યારે કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. રોજ સવારે મંદિરમાં પ્રાર્થના કરતી વખતે, 'મારે કશું જ જોઈતું નથી' એવું જ્યારે ઈશ્વરને કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.

પોતાની આંખોમાં ડાયપર સંતાડી, મમ્મી જ્યારે કોરું કટ્ટ રડતી હોય છે ત્યારે ચહેરા ઉપર 'મેડ ઇન ચાઇના'વાળું સ્માઇલ લગાડીને મમ્મી આપણી આંખોને એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. દરેક વખતે પૂછાયેલા 'કેમ છો?'ના જવાબમાં એકપણ સેકન્ડનો 'પોઝ' આપ્યા વગર 'મજામાં છું' કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.

છાતીમાં દુ:ખતું હોય કે ઘૂંટણનો દુ:ખાવો હોય, માથું દુખે કે તાવ આવતો હોય, મમ્મી વાત વાતમાં એપ્રિલ ફૂલ બનાવે. બીમારીએ પોતાના શરીરમાં નિમંત્રણ કાર્ડ છપાવીને ઉદ્ધાટન કરેલું હોય તેમ છતાં મમ્મીને તો એ વાતની જાણ ક્યારેય હોતી જ નથી.

તો આપણે મમ્મીને સાંતાક્લોઝ બનીને ફૂલ બનાવીએ ગિફ્ટ આપવા માટે એ કેમ રહે? સરપ્રાઇઝ હંમેશા પોતાના તરફથી મળે એ પ્રાઇઝલેસ હોય છે. આપણા માટે પોતાની ડેસ્ટીની ને ડેસ્ટીનેશન બદલાવી નાખતી મોમને મધર્સ ડે એ કાર્ડ કે બર્થ ડે એ ચોકલેટ આપીએ એમ નહિ, પણ એને મરજી મુજબની થોડીક મજાઓ આપીએ.

એને એની પરી તરીકે ખરી ગયેલી પાંખો આપી નવી ઉડાન આપીએ. એના વ્હાલણા વાઇરસમાં ડિલીટ થઈ ગયેલા સેલ્ફના ફોલ્ડર ને ક્યારેક રિસ્ટોર કરીએ. એને માતૃશક્તિના વજનદાર ભારમાંથી મુક્ત કરીને થોડીક નાની નાની ભૂલો એકલા એકલા કરીને ખુદ પર ખડખડાટ હસવાનું એકાંત આપીએ.

અને એમાં આ લેખનું જે બીજ બન્યો એવી ઘટના મુજબ જો જાતે કંપની ના આપીએ તો એને વરસમાં એક મહીનો તો વગર પગાર ને વગર રાજાની ફુલટાઇમ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે એવો પ્રવાસ આપીએ! ભલે ગુજરાતનો, ભારતનો કે પરદેશનો.

જેવી જેની ત્રેવડ. મહત્વ આમાં સ્થળનું નથી, સ્વનું છે. આમ પણ ફરી લેવું તો જાત ચાલતી હોય ત્યારે, ડાયાબિટીસ કે સંધિવા ઘેરી વળે ને જાત ચાલતી બંધ થઈ જાય કે ખાતા ઉઠતાં દવાઓ ને પરેજીની સૂચનાઓ યાદ કરવી પડે, ચશ્માં ને ચોકઠાં ક્યાં મુક્યા છે એ રોજ ભૂલાઇ જાય એ ઉંમર છે ઘરમાં આરામ કરવાની.

એ પહેલા તો બચ્ચાંઓએ બચત કરીને ય મમ્મીને ખાસ આ ગિફટ આપવી. પપ્પા એમાં જોડાય તો સોને પે સુહાગા. પણ આપણી લાઈફસ્ટાઇલ મુજબ પપ્પાએ તો થોડું ખેડાણ વધુ કર્યું હશે બહારની દુનિયાનું ને મમ્મીને એમાં લાડથી 'તને ખબર ન પડે' એમ ચીડવી ય હશે.

તો ક્યારેક જેમાં ખબર ન પડે, એવું કશુંક કરવામાં રોમાંચ થતો હોય છે. સાહસની થ્રિલ આવતી હોય છે. મમ્મીઓ કંઈ ન્યુઝ ચેનલમાં જઈ ડિબેટ નથી કરવાની ઇકોનોમિક્સ ને પોલિટિક્સ વિશે. એ પાર્ટીઓમાં જઇને પોઝ નથી આપવાની ગ્લેમર સાઇટ્સ પર શેર થાય એવા. એ નથી કરવાની કોઇ રાણી પદ્માવતી જેવું યુદ્ધના પડકાર ઝીલતું ગૌરવશાળી પરાક્રમ.

એ નથી ફટકારવાની સેન્ચુરી. એને નથી મળવાનો કોઈ સાહિત્યનો શાલમાં વીંટેલો એવોર્ડ. એને તો આવડે ચીઝસ્ટફડ પિત્ઝા ઘેર બનાવતા તો ય સેન્સ ઓફ એચિવમેન્ટ મળે ને જાતે મોબાઇલમાં સોંગ સિલેક્ટ કરી સાંભળતા આવડે તો સેન્સ ઓફ પર્પઝ મળે!

સો ડીઅર રીડર બિરાદર, કહેવા જેવું તો અપૂર્વ ચૌધરીનો પત્ર કહી જ જાય છે. મમ્મી હો તો બસ નિર્ણય લો આમ નીકળી પડવાનો કોઈ વાર ખુદની ખોજમાં, તૃપ્તિની તલાશમાં. કેળવો ને મેળવો પોતાની ઓળખ. મહીનો નહિ તો સપ્તાહ, સપ્તાહ નહિ તો એકાદ દિવસ એટલીસ્ટ.

નેહલ ગઢવીના શબ્દોમાં પક્ષીઓ જ માળામાથી ઉડી ગયા હો તો જરા પાંખો ફફડાવો એમાં ખોટું શું છે?' ને એમના જ શબ્દોમાં દીકરા-દીકરી-પતિ-પિતા-ભાઈ માટે કે 'આકાશ નહીં, પણ પોતીકી મોકળાશ સ્ત્રી ઉંમરના આવા એક વળાંકે માંગે જ્યારે એની આસપાસ બધા વ્યસ્ત થઇ ગયા હોય તો એમાં ય ખોટું શું છે? જે પુષ્પ ખીલે એની જ સુવાસ મહોરે.

ગિવ હેપિનેસ એ ચાન્સ. મમ્મીઓને ય (ને ઇન ધેટ કેસ એવી રીતે જીવતા પપ્પાઓને ય) ધક્કો મારી જીદ કરીને એક્લા ક્યારેક હરવાફરવા મોકલો ને કહો.... જા સિમરન, જી લે અપની જિંદગી!

ફાસ્ટ ફોરવર્ડ
 

એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન!
મેં પણ એનું માથું ધોયું, પકડીને બે કાન!
તૈયાર કરી, માથે એને લઈ દીધી'તી ચોટી,
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું!
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું!
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી,
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી.
દોડા-દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું!
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી,
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી.
(ડૉ. આઈ. કે. વીજળીવાળા)

 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments