Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

ફેનેટિક ફેમિનિઝમનું ચાંપલુ ચોખલિયું ટેરરિઝમ!

નારીવાદને નામે ન્યાયને બદલે દુનિયાભરમાં પુરૃષો સામે ઓવરરિએક્શનનો અન્યાય થઈ રહ્યો છે?

ખુદની મરજીથી કોઈ સુંદરી પોતે જ ઓફિશ્યલી ફોટો પડાવી હસીખુશી શેર કરે એમાં 'સેલિબ્રેશન ઓફ હર ફિગર'નો અધિકાર છે જ

૨૦૧૧ના આરંભે અમેરિકામાં એક કેસે ચકચાર જગાડી. અમેરિકામાં ફેમસ કોમેડિયન છે. અઝીજ અન્સારી. મૂળ તામિલનાડુના પરિવારનો અઝીઝ જન્મ્યો છે કેલિફોર્નિયામાં જ. બોર્ન અમેરિકન સિટિઝન છે.

બ્રાઉન સ્કિન્ડ મુસ્લીમ તરીકે એકદમ આધુનિક રમૂજી વિચારો ધરાવવા બદલ ખાસ્સો લોકપ્રિય બન્યો છે. ચેતન ભગત સ્ટાઈલના થોટ્સ છે. હળવાફુલ છતાં પ્રોગ્રેસીવ. મોડર્ન રોમાન્સ પર બૂક પણ લખી છે. નેટફ્લિક્સ પર સીરિઝ પ્રોડયુસ કરી છે. સ્ત્રી-પુરૃષને સમાન હક્ક હોવા જોઈએ એવું ઘણી વાર કહી ચૂક્યો છે. પાંત્રીસ વરસનો હસમુખો અલ્ટ્રામોડર્ન યુવાન છે.

પણ એક અમેરિકન સાઈટે હમણાં અઝીઝ અન્સારી સાથે 'રાત ગાળી આવેલી' એક સ્ત્રી ફેનની સ્ટોરી મૂકી. નામ બદલાવીને છોકરીનું ગ્રેસ કર્યું. છોકરી ને વેબસાઈટનો ઈરાદો શું છે, એ તો ૩૦૦૦ શબ્દોના લેખમાં છોકરીએ જ રતિક્રીડાનું જે ગ્રાફિક ડિટેઈલ્સ સાથે લાળટપકાઉ વર્ણન કર્યું એમાં જ ક્લીઅર થઈ જાય છે. છતાં ય એનો ફિલ્ટર્ડ ટૂંકસાર વાંચો :

બન્યું એવું કે એ મહિલા નામે ગ્રેસ (ઓરિજીનલ નામ લખાયું નથી) અઝીઝ અન્સારીને લોસ એન્જલ્સ ખાતે એક પાર્ટીમાં મળેલી. એ તો અન્સારીને જોઈને ભારે એક્સાઈટેડ થઈ ગઈ. પણ અન્સારીએ એને બહુ ભાવ ન આપ્યો. પણ જ્યારે એક યુવતીએ ધ્યાન ખેંચ્યું કે બેઉ પાસે સરખા કેમેરા છે, ત્યારે એને વાત કરવામાં રસ પડયો (પોઈન્ટ ટુ બી નોટેડ : એને જોઈને અન્સારી એની પાછળ નહોતો પડી ગયો. વાતચીત તો જુદા કારણે શરૃ થઈ) બેઉએ વાતો કરતા કરતા એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા. બે ય ત્યાંથી ન્યૂયોર્ક જવાના હતા.

ન્યૂયોર્ક પહોંચી અન્સારીએ એને બહાર જમવા જવા માટે મેસેજ કર્યો. એમાં તો ગ્રેસ આનંદના ગલોટિયાં ખાવા લાગે. વાઉ વાઉની ચિલ્લાહટ પછી કેટલીય વાર તો કયો ડ્રેસ પહેરવો એમાં લગાડી. ફ્રેન્ડસને અલગ અલગ આઉટફિટ્સના ફોટા શેર કર્યા. અંતે અન્સારીના એપાર્ટમેન્ટમાં બેઉ મળ્યા. વાઈન જોડે પીધો. પછી અન્સારી એને એક મોંઘાદાટ રેસ્ટોરાંમાં લઈ ગયો. જમીને ફરી અન્સારીના ઘેર બેઉ આવ્યા.
પછી એ બેઠી હતી ત્યાં એની ચેષ્ટાઓને આમંત્રણ સમજી અન્સારીએ એનું મુખમૈથુન કર્યું.

(ભડકી ન જતા, છોકરીએ તો ખુદ વધુ વર્ણન કર્યું છે.) અને પછી 'સન્માનીય' ન કહેવાય એવા તરીકાઓથી સેક્સ એક્ટ થઈ. કોઈ વાયોલન્ટ પ્રતિકાર કે ચીસાચીસને બદલે બેઉ એમાં એન્ગેજ્ડ થયા. પણ બધું પુરું થયા પછી અચાનક સ્ત્રીમાં ઈમોશનલ સ્વિંગ આવ્યો! એ હીબકાં ભરી રડવા લાગી અને 'તમે બધા પુરૃષો સાવ એકસરખા જ છો!' એવું કહી ટેક્સી બોલાવી પગ પછાડતી જતી રહી!

અગેઈન પોઈન્ટ ટુ બી નોટેડ વિથ રેડ અન્ડરલાઈન. 'ઓલ મેન આર સેમ' મતલબ એ સ્ત્રીને અગાઉ પણ પુરૃષો સાથે આવા જ અનુભવો થયા હતા. અને અહીં વાત છેડતીની નથી. કોડયુઅલ સેક્સની, સાથે સૂઈ જવાની છે. 'પિન્ક' ફિલ્મવાળા પેલા 'પાવર ઓફ નો'નું તો આપણે સમર્થન કરીએ જ છીએ.

પણ આમાં તો એણે ના પણ નથી પાડી. સામે ચાલીને પહેલા એવોઈડ કરનાર સેલિબ્રિટીનો સંપર્ક કર્યો. ઉત્તેજનાથી ઉછળીને મળવા ગઈ. એ ય એની ઘેર એકાંતમાં. જમવા ગઈ. દારૃ પીધો. ફરી ઘેર આવી. શરૃઆતમાં દેહસંબંધનું આમંત્રણ આપી એન્જોય કર્યું. ને પછી એને આ બધું બરાબર ન લાગતાં પહેલા પર્સનલી ને પછી પબ્લિકલી કકળાટ કર્યો!

અઝીઝ અન્સારી તો સિંગલ છે. એટલે ટાઈગર વૂડ્સની જેમ લગ્નજીવનમાં દગો કર્યો એવું ય નથી. ઈનફેક્ટ, આ મામલો ન્યુઝમાં આવ્યા પછી એણે સ્ટેટમેન્ટમાં એવું લખી માફી ય માંગી કે 'હા, ઘટનાનો ઈન્કાર નથી. પણ હું માનતો હતો કે આમાં બેઉ પક્ષની સહમતિ છે ને વાત આગળ વધે છે.

' કદાચ સ્ત્રીનું મન વાંચવામાં એણે થાપ ખાધી એવું કહી મીડિયામાં એનો બચાવ પણ થયો. અને પેલી 'રૃપ કી રાની, ચોરોં કા રાજા'માં ગોપી દેસાઈ એનજીઓની ધોળી સાડીવાળી બોરિંગ બહેનજી જેવું પાત્ર ધરાવતી હતી, એમ 'મર્દ કહીં કે' એમ કહીને એને 'પુરૃષવાદી ડુક્કર' કહીને કોઈ ખલનાયક ચીતરી આકરી ટીકા ય થઈ.

આપણે ત્યાં હવે હાઈકોર્ટથી પણ 'છેતરી ભોળવી ફોસલાવી, લગ્નનું વચન આપી, અલગ અલગ જગ્યાએ બોલાવીને વારંવાર વર્ષો સુધી બળાત્કાર કર્યો' એવા હાસ્યાસ્પદ આક્ષેપોના કેસમાં યોગ્ય રીતે જ સ્ત્રીવિરોધી ચૂકાદા આપતી થઈ ગઈ છે. બે વરસની બેબલીને ય ખબર પડે છે કે કોણ અજાણ્યું તેડે તો ભેંકડો તણાય. ને બાવીસ વર્ષની સ્ત્રી એમ જ ભોળવાઈ જાય?

એકચ્યુઅલી આ 'બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ' જેવું હોય છે. અગાઉની અપેક્ષાઓ પૂરી ન થઈ હોય કે કશો વિખવાદ/દલીલ/અહમનો ટકરાવ થયો હોય કે આવેગનો ઉભરો ઓસરી ગયો હોય એટલે ત્રિયાચરિત્રથી પુરૃષને ફસાવી દેવાનો. જોડે જ રહેતા ફરતા આદિત્ય-કંગનામાં તો મારઝૂડને લીધે પુરૃષ ગુનેગાર ગણી જ લો, પણ ૬૬ વર્ષની ઝિન્નત અમાન એના પરીચિત બિઝનેસમેન ફ્રેન્ડ સામે 'પીછો કરી છેડતી'ની ફરિયાદ નોંધાવે, ત્યારે ન છાપી શકાતું બધું જ સમજદાર રીડરબિરાદરો વાંચી લેતા હોય છે!

વેલ, આ ક્લાસિક ડિબેટ અનંતકાલીન છે. રેપ અને રસિકતા વચ્ચેનો પાતળો નહિ, પણ કુંભલગઢ ફોર્ટની દીવાલ જેવો જાડોભમ ફરક મંદમતિઓને દેખાતો નથી. અદાલતમાન્ય પુરાતન ભગવદ્ગોમંડલમાં ફટાકડી શબ્દ સુંદર સ્ત્રી માટે પ્રયોજાયેલો હોય, તો ય પટાખા કે રોકેટ લખ્યું એવું કહી સોશ્યલ નેટવર્ક પર ઉધામા કરનાર ફાલતુ ઝંડાધારીઓ હોય છે.

પણ સામે ખુદને લહેરથી પટાખા કહેતી વધુ પોપ્યુલર અને સુંદર ગુલ પનાગો, તબ્બૂઓ, નીતૂ ચંદ્રાઓનો ઢગલો હોય છે, અને હિન્દી ફિલ્મગીતોના પંજાબી એક્સપ્રેશન હોય છે. એટલે પેલો વાયડો વિરોધ કવિન્યાયે નગારખાનામાં તતૂડી જેવો થઈ જાય છે. આપણે ત્યાં તો એવા લંગૂરલલ્લુઓ છે, જે મોહમ્મદ કૈફ કે મોહમ્મદ શામીની પત્નીના સ્લીવલેસ જેવા ડ્રેસ જોઈને એ લોકોએ કેવા ફોટા શેર કરવા એના કાજી થવા પહોંચી જતા હોય!

ફેમિનિઝમના ઓઠાં તળે ફેનેટિઝમનો ફાસીવાદ ફેલાવવાની વૃત્તિ એક જમાનામાં ચિબાવલા-ચોખલિયા ગાંધીવાદ (જેમાં ખજૂરાહોના મંદિરને ખાદીથી ઢાંકી દેવાની વકીલાતો થતી!)ની કે પ્યુરિટન વિક્ટોરિયન કલ્ચરની-જેમાં ટેબલના ઉઘાડા પાયાને પણ કપડાં પહેરાવી 'મર્યાદા'માં રખાવતા એની યાદ અપાવે છે. દીપિકા 'માય બોડી, માય ચોઈસ'નો વિડિયો મુકે એનું સ્વાગત છે. પણ કોઈ સલમાન શર્ટ ઉતારે તો એમાં 'હિઝ બોડી, હિઝ ચોઈસ' કેમ નથી કહેવાતું?

પુરૃષો માટે સાંઢ કે સ્ટડ જેવા શબ્દપ્રયોગો ય ડિરોગેટરી નથી? બેશક, વકીલાત સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીસમાનતાની જ હોય. નિ:વસ્ત્ર ફરવાનો પુરૃષ સાધુને પરવાનો હોય તો ઈશા ગુપ્તા કે ઉર્વશી રોતૈલાના ક્લીવેજ બાબતે કોઈને ફરિયાદ કરવાનો કે વાંધો ઉઠાવવાનો હક જ નથી. પણ ખુદની મરજીથી કોઈ સુંદરી પોતે જ ઓફિશ્યલી ફોટો પડાવી હસીખુશી શેર કરે એમાં 'સેલિબ્રેશન ઓફ હર ફિગર'નો અધિકાર છે જ.

નારીવાદના નડતર હેઠળ એને બોડી શેમિંગ હાય હાય કહીને છીનવી ન જ શકાય. રૃપકડી રમણીઓનો ય હક છે : માય ફિગર, માય ચોઈસ. ઈશ્વરે આપેલી બુદ્ધિ કે પ્રતિભા દુનિયા સમક્ષ બિન્દાસ મૂકી શકાય તો ઈશ્વરે આપેલું સૌંદર્ય અને શરીર કેમ નહિ? પણ ઘણીવાર પુરૃષો તો મોહિનીસ્વરૃપ જોઈને આનંદથી ભૂલી જતા હોય છે, પણ નવરાધૂપ નારીવાદીઓના મગજમાંથી ઈર્ષા જતી નથી. રિયલ ક્રાઈમ અગેઈન્સ્ટ ધ વિમેન, બળાત્કાર, સામાજીક કુરૃઢિ, ઘરમાં જ પળાતી ગુલામી,

પરાણે ગોઠવાતા લગ્ન, ગળાટૂંપો અપાઈ જતી ભણતર-કારકિર્દીની ઈચ્છા, કુપોષણથી થતાં રોગો ને બાળમરણ, સમાજ ને વડીલોના રિમોટ કંટ્રોલની ઠોકશાહી, ધર્મસત્તા દ્વારા થતા સ્ત્રીઓના છૂપાં અપમાનો, બુરખા-લાજ, ખાપ પંચાયતો ને તાલિબાનોનો જંગલી અભિગમ વગેરે વગેરે તમામ મુદ્દા પર ઝીણો ગણગણાટ કરતા કે સાવ મૌન રહેતા નવરા નારીવાદીઓ અચાનક કોઈ શૃંગાર રસની વાત આવે ત્યાં હલ્લાબોલ કરવા પહોંચે છે!

આવા ફાલતુ ફેમિનિઝમ સામે વાજબી રીતે જ પાર્ટીપ્રેમી 'પ્લેબોય' હ્યુ હેફનરે તો રીતસર 'સમાજની સુખાનુભૂતિના શત્રુઓ' અને 'એન્ટી-બ્યુટી બ્રિગેડ' કહી એમને 'એક્સપોઝ' કરેલા. પણ યુરોપની સરખામણીએ ઈમિગ્રન્ટ્સના શંભુમેળા જેવું અમેરિકા આજે ય થોડુંક ચાંપલું છે. લાસ્ટ પ્રેસિડેન્ટ ઈલેક્શન વખતે રંગીલા ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો સાથે સેક્સી સ્ત્રીઓ બાબતે કેવા રિમાર્કસ કર્યા હતા, એની બહુ મોટી બબાલ મચાવી હતી. મિડિયા ફેવરિટ હિલેરી સામે હોઇ બધાને હતું ટ્રમ્પ ઘૂંટણીયે પડી જશે.

પણ ભારાડી ટ્રમ્પે 'એ તો ભૂતકાળની વાત હતી. હા કહેલું, એ તો પુરૃષ દોસ્તારોમાં સ્ત્રીને લગતી આવી કોમેન્ટ્સ થતી હોય છે' કહી ને ફોજદાર ફેમિનિસ્ટો પર આઇસ કોલ્ડ વૉટર રેડી દીધું. એમને જરાય મહત્વ આપ્યું જ નહિ. ઉલટું એમની આ નિખાલસતા પર નોર્મલ નારીઓ ય ઓવારી ગઇ. મીડિયાના હોહાગોઠીરા છતાં એને મહત્વ ન દેનાર ઠાકરેબ્રાન્ડ 'આલ્ફામેલ' ટ્રમ્પ ચૂંટાઇ ગયા.

પણ ટ્રમ્પના અમુક વલણ માટે યોગ્ય રીતે એની સામે પડેલ હોલીવૂડમાં એનાથી ઉલટુ ચક્કર ચાલુ થયું. મામલો બહાર આવ્યો અમેરિકામાં મૂવી પ્રોડયુસર્સમાં ધુરંધર ગણાતા હાર્વે વેઇસ્ન્ટેઇન સામે સેક્સ્યુઅલ એસોલ્ટ ને કાસ્ટિંગ કાઉચના આરોપ સાથે બે અભિનેત્રીઓએ (કંગનાની જેમ) ખુલીને મીડિયા સામે બોલવાની હિંમત કરી કે આજે બૂઢા થયેલા હાર્વેએ કેવી રીતે એના હમબિસ્તર ન થાવ તો કરિઅર ખતમ કરી નાખવાની ધમકી આપેલી, અને બ્લેકલિસ્ટેડ કરી પણ નાખેલી. હાર્વેના પૈસે ગણી બ્લોકબસ્ટર ફિલ્મ્સ બનેલી છે. એટલે એના કાયમી શોષણ સામે કોઇ અવાજ ઊઠાવતું નહોતું. પણ એકવાર ખુલીને બે સ્ત્રીઓ બહાર આવી પછી તો જાણે 'પેન્ડોરોઝ બોક્સ' ખુલી ગયું.

ઢગલાબંધ જાણીતી પ્રતિષ્ઠિત ફિલ્મી હીરોઇનોએ હાર્વે પર આરોપો મૂક્યા, પોતાની સાથેની ગંદી હરકતોના બયાનો મૂક્યા. ૧૯૮૦ને એ અગાઉના કિસ્સાઓ ય ઠેરઠેરથી સોશ્યલ નેટવર્ક પર ગાજ્યા. હાર્વેએ કંપની છોડી દેવી પડી. પત્ની એને છોડી ગઇ. અને અમુક કિસ્સા તો રીતસર ધાકધમકી, બળજબરી અને બંધબારણે બળાત્કારના જ હતા. એટલે હાર્વેએ કરેલા કરમના બદલા ભોગવવા જ પડે એ યોગ્ય થયું.

એમાં જ 'મીટૂ' હેશટેગવાળી મૂવમેન્ટ ટ્વીટર ને અન્ય સોશ્યલ નેટવર્ક પર ગ્લોબ બની. કેટલીય સ્ત્રીઓએ પોતપોતાના આવા હોરીબલ અનુભવો શેર કર્યા. ખાસ કરીને ચાઈલ્ડએબ્યુઝ બાબતે આ જાગૃતિ આવી એ ય સારું થયું. બસ, ટ્રેનની ભીડમાં ય લાગ જોઇને રીતસરની શારીરિક છેડછાડ કે હલકી કોમેન્ટ્સ કરનારા વિકૃતો સામે પડકાર ફેંકવાનો 'હૌસલો બુલંદ' થયો. વેલ ડન. આમાં ડિબેટદલીલ હોય જ નહિ.

ઈનફેક્ટ, આવી હરકતો કરનારાને ત્યારે જ સરાજાહેર રોકડું પરખાવી દેવાય. કંગના પછી જેની ઉંમર જ વધતી નથી એવી એવરગ્રીન શૅરનાઝ ટ્રેઝુરીવાલાએ બોલીવૂડના બિગ શૉટ્સ પર નિશાન તાક્યું. આ ખુશમિજાજ પારસણ કંઇ વળી મર્યાદાની છડીદાર કોઇ રૃઢિચુસ્ત એકેડેમિશ્યન નથી. એના ખુદના સોશ્યલ નેટવર્ક પર એકદમ બોલ્ડ તસવીરો મૂકે છે. પણ ઑબ્જેક્ટીફિકેશન ઓફ વિમેનની મેલ શૉવેનિસ્ટ આર્ગ્યુમેન્ટ સામે સેલિબ્રેશન ઓફ બ્યુટીફુલ બોડીની વાત છે જ.

એની વૅ, પુરૃષો સોદાબાજીના ભાગરૃપે ઈશારા કરે કે જરાક એડવાન્સ છૂટછાટો લઇ આગળ વધે, એની અને એમની નજરની ખબર કોઇપણ એવરેજ સ્ત્રીને તરત જ પડી જાય, એ એમનો નેચરલ ઈન બિલ્ટ સોફટવેર છે. આવા સમયે મક્કમતાથી રીજેક્શન મોટી બબાલ કર્યા વિના જ કહી દો, તો મામલો આગળ વધતો જ નથી હોતો. પણ ખુદ જ અમુક ચોક્કસ પ્રકારના મેસેજીઝ કે નોનવર્બલ સંકેતો આપી નજીક સરક્યા કરો, તો એનિમલ ઈન્ટિંક્ટને જગાડવાનું જોખમ ખરું જ. ફનનો દેખાવ કરી 'સમ-ભોગ'ને બ્લેકમેઇલિંગ કે પ્રેશરનું હથિયાર બનાવવાવાળા વિષમભોગીઓ ય હોય છે. હની ટ્રેપ યુ નો!

પણ મીટૂ મૂવમેન્ટના અમૃતમંથન પછી ધીરેધીરે એનું વિષ પણ શરૃ થયું. કોઇક સની લિયોનીના શો પાછળ પડી ગયા તો કોઇ 'ગોડ, સેક્સ, ટ્રુથ' જેવી રામગોપાલ વર્માની વૅબ ફિલ્મ માટે એના પર જ માછલા ધોવા મંડી પડયા. અમેરિકામાં તો ન્યુયોર્કના નંબર વન મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસમાં રહેલા ૧૯૩૮ના બાલ્થુસના પેઇન્ટિંગ સામે સહીઝુંબેશ થઇ. કારણ કે, એમાં ટીનએજ કન્યાને ઈરોટિક ડ્રીમમાં ખોવાયેલી બતાવેલી (જેને નારીવાદીઓએ પીડોફાઇલ ગણાવ્યું).

આવી જ ભંકસ વાત એક શુદ્ધાત્માએ રાજ કપૂરે ૧૮ વર્ષથી ઓછી મંદાકીનીને લઇ 'રામ તેરી ગંગા મૈલી' બનાવી એમાં ચાઇલ્ડ એબ્યુઝ કરેલો એવું કહેલું! આ બધા એ ભૂલી ગયા કે એક સદી પહેલા તો ભારત સહિત ઘણા કલ્ચરમાં લગ્નની ઉંમર જ ૧૮થી નીચેની હતી!

મ્યુઝિયમે તો પેઇન્ટિંગ હટાવવાની ઘસીને ના પાડી. પણ મહાન ચિત્રકારોએ ''કેમ સ્ત્રીના જ શરીરનું ઑબ્જેકક્ટિફિકેશન કરીને બળાત્કાર ઉકસાવે છે'' ત્યાં સુધીની ચર્ચા સ્યુડોલિબરલ્સ કરવા લાગ્યા! સારું થયું ને કાલિદાસના કુમારસંભવ કે શંકરાચાર્યની સૌંદર્યલહરી વખતે કે ગ્રીક રોમન શિલ્પો વખતે આ તર્કના તરંગી તુક્કાબાજો નહોતા! નહિ તો ફેમિનિસ્ટસ અને મૂર્તિભંજ ઈસ્લામિક સ્ટેટના ટેરરિસ્ટસ વચ્ચે શું ફરક રહે!

ફેમિનિઝમના નામે ચાલતું આ ટેરરિઝમ પણ મુક્ત અભિવ્યક્તિ જ નહિ, વ્યક્તિ સુધી પહોંચ્યું. વિનોદ દુઆની સ્ટેન્ડ અપ કોમેડિયન દીકરી જે ખુદ બીજાની મજાક ઊડાડે છે, એણે અક્ષય કુમારની લાઇટ ટોનમાં કહેવાયેલી કોમેન્ટ્સને લઇ એવો સિરિયસ ઈસ્યૂ ઊભો કર્યો કે પ્રોગ્રેસિવ થિંકર સાથે મોડર્ન હ્યુમરનું કોમ્બિનેશન ધરાવતી બૉલ્ડ એન્ડ બ્યુટીફુલ ટ્વિન્કલ ખન્નાએ (જેની પેડમેન આવી રહી છે) પતિનો બચાવ કરવો પડયો. કોઇકે જૂની ફિલ્મોના અમુક દ્રશ્યો ને સંવાદો સામે વાંધો ઊઠાવ્યો. સ્વરા ભાસ્કરે વજાઇના વજાઇના કરીને ભણસાલીએ પદ્માવતમાં જૌહર બતાવ્યું જ કેમ એનો કકળાટ કર્યો. ઘણા લોકો જૂના સાહિત્યમાંથી ય અમુક વર્ણનો કે શબ્દો કાઢી નાખવાના મતના છે જ.

સ્વરાએ હિંમતપૂર્વક જૂનવાણી કુરિવાજો પર અવાજ ઊઠાવ્યો હોત તો બરાબર હોત. જે સારી રીતે મૃણાલ પાંડેએ કર્યું. પણ સ્વરાએ તો ૧૩મી સદીની વાર્તા કેમ આમ બતાવી કહીને સ્ત્રીને બળાત્કારી ધરાર પ્રેમી જેવા સિતમગરથી જાત છોડાવવાનો હક  જ જાણે છીનવી લીધો!

ઈટ્સ ટુ મચ. વિદ્યા બાલન જેવા કર્વી અને તંદુરસ્ત શરીરની વકીલાત બિનઆરોગ્યપ્રદ અને સ્પેન-ફ્રાન્સ જેવા મુક્ત ઉદાર દેશોમાં ય મોડેલિંગમાં પ્રતિબંધિત ઝીરો ફિગરની ઠેકડી ઊડાડી કરો તો ફેમિનિસ્ટ્સને વાંકુ પડે છે. સેક્સી ફ્લર્ટિંગ જોક સામે એમને વાંધો હોય છે. બ્યુટીફકોન્ટેસ્ટ્સને શૃંગારશણગાર ને લિપસ્ટિક-આઇબ્રો કોસ્મેટિક્સને ય નારીને ગુલામડી શોષિત જ બતાવવાનું કાવત્રું એ લોકો માને છે. કોઇના અંગત સંબંધના ખટરાગને બળાત્કારનું સ્વરૃપ આપી દે છે. પ્રાચીન વારસાની કળાત્મક રસિકતાને સેન્સરશિપ નીચે મૂકવા દોટ મૂકે છે.

રિયલ ક્રાઇમને બદલે આવા ઈમેજીનરી ઈસ્યૂઝ પર 'કાબરારોળ' મચાવીને પુરૃષની સહજ પ્રાકૃતિક અભિવ્યક્તિની પાછળ આમ પડી જાવ, તો જગતમાં ગે ને લેસ્બિયન જ બચે. પછી સ્ત્રી કે પુરૃષ પેદા ય નહિ થાય! આકર્ષણના આનંદને જ કાઢી નાખો તો સાધુસાધ્વી જેવી જીંદગી થઇ જાય. આજે અમેરિકામાં પાંચ વર્ષના બાળકને કિસ કરવા બદલ સ્કૂલમાંથી કાઢવાના કિસ્સા બનવા લાગ્યા. અમુક સીધા પુરૃષો હગ કરવા બીવા લાગ્યા!

સ્ટેન્લી કુબ્રિકે ક્લોકવર્ક ઓરેન્જ ફિલ્મમાં વર્ષો પહેલા જંગલી ફ્રી વિલની ખસી કરી નાખતા સમાજના પાગલપનની વાત ઉઠાવેલી. સમાજમાં રોમેન્ટીસિઝમ જેવું તત્વ જ પછી બચે નહિ. અને ધર્મ કે સંસ્કૃતિના નામે બધાને મર્યાદાના બંધનની બેડીમાં નાખવા માંગતા દકિયાનૂસીઓને ફાવતું જડી જાય! પુરૃષને નારીનું રૃપ ગમે ને વખાણે એ પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક સત્ય છે. ગાડી કે મોબાઇલની ડિઝાઇન ગમે એ તો એના સર્જકનેય ગમે. પણ એટલે ગાડીની ચાવી ઝૂંટવી એને નુકસાન પહોંચાડવાનું એના સર્જકને ન ગમે. આટલો સિમ્પલ ફરક આકર્ષણ અને આક્રમણ, પ્રકૃતિ ને વિકૃતિ વચ્ચેનો છે!

ઉપર ઉપરથી આધુનિક થયેલા જડસુઓ તો રાજકપૂર કે રવિ વર્માને આર્ટિસ્ટને બદલે રેપિસ્ટ ગણી લે! શૃંગારનો આકરો વિરોધ કરો તો કળાની પ્રેરણા જ સમાપ્ત થઇ જાય. અનેક સ્ત્રીઓનું જેન્યુઇન પ્રોફેશન ને કમાણીનો હક છીનવાઇ જાય!

એટલે આ ચર્ચા આગળ વધારવી પડશે. કારણ કે, સદ્નસીબે લિબર્ટીના રેનેસાંના નાદને આગળ કરનાર ફ્રાન્સમાંથી એક ખરા અર્થમાં ખુલ્લો પત્ર આવ્યો છે. સ્ત્રીઓએ જ સ્ત્રીઓના આવા સાવ આત્યંતિક આતંકવાદ જેવા અભિગમનો વિરોધ શરૃ કર્યો છે.

સાચા લિબરેશનનો અર્થ પોતાની ભાન ભૂલીને 'ઓવર-એન્થુ' થઇ ગયેલી ગ્લોબલ સખીઓને સમજાવ્યો છે. કોઇ રંગરસિયા પુરૃષો આવું કહે છે ત્યારે સામંતશાહી પુરૃષસત્તાકના સ્ટિકર ચોંટાડવા માટે એક દોઢડાહી પોંગા પંડિત ગુલાબીગેંગ રેડી હોય છે. ત્યારે આ નર માટે ઊઠેલા નારીના અવાજની કિંમત છે. જાઇએગા નહિ, આગે પઢિયેગા. ઑવર ટુ  નેક્સ્ટ અનાવૃત (બુધ/ગુરૃની શતદલ પૂર્તિ)

ફાસ્ટ ફૉરવર્ડ

'પ્રાંગ્મામેતિ મતાગતાગતરસં જાતાભિલાષં તત:
સવ્રીડં તદનુ શ્લથોદ્યમમથ પ્રધ્વસ્તેધૈર્ય પુન:
પ્રેર્માદ્ર સ્પૃકમીયનિર્ભરરહ ક્રિડાપ્રગલ્લભં તતો
નિ:સંગા અંગવિકર્ષણાધિકસુખં રમ્યં કુલસ્ત્રીમ્'

ભાવાર્થ : પહેલા તો 'ના, નહિ નહિ' કહીને રસ દેખાડતી નથી. પછી અભિલાષા જાગે છે. તો ય લજ્જાશીલ બને છે. પછી તો ધીરજ છોડી એકાંતમાં મનલુભાવન પ્રેમક્રીડામાં તલ્લીન થઇ અંતે અંગોના આલિંગન-મર્દનથી અદકેરો આનંદ આપે છે. કુલીન સ્ત્રીઓનો રતિરસ આવો રમણીય હોય છે. (ભતૃહરિ, શૃંગારશતક)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments