Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા

જેક્લિન ઓરિયલ : ધ ક્વિન ઓફ સ્પીડ!

મહિલા પાયલટ જેક્લિન ઓરિયલનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. ઝડપી ઉડ્ડયનનાં કેટલાય રેકોર્ડ્સ કાયમ કરનારા જેક્લિનને 'ધ ક્વિન ઓફ સ્પીડ' કહીને નવાજાય છે

અવાજની ઝડપને ભેદીને વિમાન ઉડાવનારી પ્રથમ મહિલા પાયલટ તરીકે જેક્લિન કોચરનનું નામ એવિએશન ઈતિહાસમાં અમર છે. અમેરિકન મહિલા પાયલટ જેક્લિન કોચરનના નામે હજુ ય એવિએશનમાં કેટલાંય વિક્રમો બોલે છે. અમેરિકામાં ૧૯૫૦ના દશકામાં ટેસ્ટિંગ પાયલટ તરીકે તેમની વિશ્વસનીયતા અજોડ હતી.

જેક્લિન કોચરનના જ સમયગાળામાં બીજી એક મહિલા પાયલટ જેક્લિને એક પછી એક વિક્રમો નોંધાવીને નામના મેળવી હતી. જેક્લિન કોચરનની નામેરી એ પાયલટ એટલે 'ધ ક્વિન ઓફ સ્પીડ' તરીકે જાણીતી થયેલી જેક્લિન ઓરિયલ. ફ્રાન્સની આ મહિલા પાયલટે ઉડ્ડયનમાં નવો ચીલો પાડયો હતો.

ફ્રાન્સમાં જ્યારે કોઈ સ્ત્રી પાયલટ બનવાનું ભાગ્યે જ વિચારતી એ સમયે જેક્લિને પાયલટ બનીને નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો. પ્રથમ વખત અવાજની ઝડપને ભેદીને વિમાન ઉડાવવાના કારણે જેક્લિન કોચરનને વિશ્વભરમાં વધુ પ્રસિદ્ધિ મળી હતી, પણ ફ્રાન્સમાં એ જ સ્થાન લગભગ એ જ સમયગાળામાં જેક્લિન ઓરિયલે મેળવ્યું હતું. જેક્લિન કોચરનનાં કેટલાંય વિક્રમો તોડીને જેક્લિન ઓરિયલે પોતાના નામે કર્યાં હતાં.

એવાં આ મહિલા પાયલટ 'ધ ક્વિન ઓફ સ્પીડ'નું જન્મ શતાબ્દી વર્ષ ઉજવવાની તૈયારી ફ્રાન્સમાં શરૃ થઈ છે. આજથી બરાબર ૧૦૦ વર્ષે પહેલાં ૫મી નવેમ્બર, ૧૯૧૭ના દિવસે જન્મેલાં જેક્લિન ઓરિયલની અનેક ચડાવ-ઉતારોથી ભરેલી કારકિર્દી ઉપર એક નજર...

ફ્રાન્સના એક ધનવાન શિપબિલ્ડરના ઘરે જેક્લિનનો જન્મ થયો હતો. ધનવાન પિતાએ પુત્રીના અભ્યાસમાં અને શોખમાં કોઈ જ કસર છોડી ન હતી. ગ્રેજ્યુએટ થયા પછી તેમને આર્ટ અને હિસ્ટ્રીમાં રસ પડયો હતો એટલે પેરિસમાં આગળનો અભ્યાસ કર્યો.

રાજકારણી અને પછી ૧૯૪૭થી ૧૯૫૪ સુધી ફ્રાન્સના પ્રમુખ રહેલા વિન્સેન્ટ ઓરિયલના પુત્ર પૌલ સાથે ૧૯૩૮માં ૨૧ વર્ષની વયે તેમણે લગ્ન કર્યાં.
અહીં સુધી જેક્લિનની જિંદગી સમૃદ્ધ છતાં સપાટ હતી. ગમતો અભ્યાસ કર્યો હતો, શોખ પૂરા કર્યાં હતાં, જેટલી સમૃદ્ધિમાં ઉછેર થયો હતો એનાથી બમણી સમૃદ્ધિ લગ્ન પછી પણ મળી હતી.

સુખ-સુવિધા અને નોકર-ચાકરથી ઘેરાયેલા જીવનમાં બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન પરિવર્તન આવ્યું. જેક્લિનનાં સાસરિયાને ફ્રાન્સના રાજકારણ સાથે સંબંધ હતો એટલે વિશ્વયુદ્ધમાં આખો ય પરિવાર દેશહિતમાં શક્ય એટલી સક્રિયતા બતાવતો હતો. એવી જ સક્રિયતાના ભાગરૃપે જેક્લિને જર્મની વિરૃદ્ધ લડતા ફ્રાન્સના લડવૈયાઓને થાય એટલી મદદ કરવાનું કામ ઉપાડયું.

એ યુદ્ધ વખતે જ જેક્લિનને અચાનક પાયલટ બનવાનો વિચાર ઝબકી ગયો. ૧૯૪૬માં ૨૯ વર્ષની વયે તેમણે પાયલટ બનવા માટે ટ્રેનિંગ શરૃ કરી. એ જ વર્ષે લાઈસન્સ પણ મળી ગયું. એકાદ વર્ષમાં તેમને ટેસ્ટિંગ પાયલટ તરીકે તક મળી.

પાયલટ તરીકે તેમણે કેટલીય ઉડાન પણ ભરી. દરમિયાન એક પાંચ પેસેન્જર્સના નાનકડા વિમાનને ૧૯૪૯માં ગંભીર અકસ્માત નડયો. અકસ્માતમાં પાયલટ સહિતના પાંચેય પેસેન્જર્સને ગંભીર ઈજા થઈ. એ પાંચમાંના એક પેસેન્જરનું નામ હતું - જેક્લિન ઓરિયલ.

એ અકસ્માત જેક્લિન માટે એટલો ખતરનાક હતો કે તેમના આખાય ચહેરા ઉપર ઠેર-ઠેર જખમ થયાં હતાં. કેટલાંય હાડકા તૂટી ગયા હતા. જેક્લિનની પાયલટ તરીકે કારકિર્દી હજુ શરૃ જ થઈ છે એ વાત જાણ્યા પછી ડોક્ટરોએ સાફ શબ્દોમાં કહી દીધું હતું કે હવે એ ક્યારેય પાયલટ બનવા માટે ફિટ નહીં થાય. ડોક્ટરોના નિદાન પછી તેની પાયલટ તરીકેની કારકિર્દી લગભગ પૂરી થઈ ચૂકી હતી.

ડોક્ટરો, પરિવારજનો સહિત બધાએ માની લીધું હતું કે હવે જેક્લિન ક્યારેય વિમાન ઉડાવી શકશે નહીં, પણ જેક્લિનની આંખોએ વિમાન ઉડાવવાના સપના જોવાનું બંધ કર્યું ન હતું.

૧૯૪૯ની એ ગંભીર ઈજા પછી જેક્લિને લગભગ ૩ વર્ષ હોસ્પિટલના બિછાને રહેવું પડયું. ત્રણ વર્ષના ગાળામાં તેના ઉપર ૩૩ સર્જરી કરવામાં આવી. આટલા લાંબા સમયગાળા દરમિયાન તેણે ગતિવિજ્ઞાાન, ઉડ્ડયન, બીજગણિત સહિતના વિષયોનો ઊંડો અભ્યાસ કર્યો. પાયલટ તરીકેની કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે એવું ડોક્ટરોએ જાહેર કર્યું પછી ય આ ત્રણ વર્ષ દરમિયાન જેક્લિને એડવાન્સ પાયલટનું લાઈસન્સ મેળવવા માટે જે વિષયો પાસ કરવા જરૃરી હોય છે બધાં જ વિષયો પાસ કરી લીધાં.

સર્જરી પછી મક્કમ મનોબળ બતાવીને જેક્લિને શરીરને કષ્ટ આપ્યું. પીડા સહન કરીને ય આકરી કસરતોથી શરીરને ફરી ફિટ બનાવ્યું. સર્જરીમાંથી પૂરી રીતે ઉભર્યા પછી નવેસરથી શરૃઆત કરી અને મિલિટરી પાયલટ લાઈસન્સ મેળવ્યું. એકાદ વર્ષમાં ફ્રાન્સનાં પહેલા મહિલા ટેસ્ટ પાયલટ તરીકે જ ક્વોલિફાઈડ થયાં.

૧૯૫૩ પછી તેમણે એક પછી એક વિક્રમો નોંધાવ્યાં. ૧,૦૪૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વિમાન ઉડાવવાનો રેકોર્ડ જેક્લિન કોચરને ૧૯૫૩માં સેટ કર્યો હતો. ૩૧ મે, ૧૯૫૫ના રોજ જેક્લિન ઓરિયલે ૧,૧૫૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વિમાન ઉડાવીને એ રેકોર્ડ ધ્વસ્ત કર્યો.

એ પછી ઝડપી વિમાન ઉડાવવાનો રેકોર્ડ દર્જ કરવા માટે જાણે જેક્લિન વિરૃદ્ધ જેેક્લિનનો જંગ ખેલાયો. જેક્લિન કોચરને ફરીથી ૧૯૬૨માં ઝડપનો નવો વિક્રમ સર્જ્યો. જેક્લિન ઓરિયલે ૧૯૬૨માં જ ૧૮૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉડાન ભરીને એ રેકોર્ડ તોડી પાડયો. ૧૯૬૩ના મે માસમાં જેક્લિન કોચરને ૧૯૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપનો નવો વિક્રમ બનાવ્યો. ૧૪મી જૂન, ૧૯૬૩ના દિવસે જેક્લિન ઓરિયલે હાઈએસ્ટ સ્પીડે વિમાન ઉડાવીને ૨૦૩૮ કિલોમીટર પ્રતિકલાકની ઝડપનો નવો વિક્રમ પોતાના નામે કર્યો.

કોચરને પછીથી ૨૦૯૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વિમાન ઉડાવીને રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો. બે મહિલા પાયલટ વચ્ચે ઝડપી ઉડ્ડયનનો આ ઐતિહાસિક જંગ કદાચ વધુ એક-બે વર્ષ ચાલત, પરંતુ જેક્લિન ઓરિયલના અંગત જીવનમાં ચડાવ-ઉતાર શરૃ થયાં હતાં. ૧૯૬૭માં જેક્લિન અને પૌલે ડિવોર્સ કર્યા. એ પછી તેમણે રેસિંગ પાયલટ તરીકેની કારકિર્દી આટોપી લીધી.

ફ્રાન્સમાં નવા તેજસ્વી પાયલટ તૈયાર કરવા માટે સરકારે એકેડમી શરૃ કરી. સ્થાપક સભ્ય તરીકે જેક્લિન એમાં જોડાયાં અને પછી વર્ષો સુધી એક્ટિવ રહ્યાં. જગતભરના અઢળક સન્માનો મેળવનારાં જેક્લિન ૭૦-૮૦નાં દશકામાં ફ્રાન્સમાં સ્ત્રી સશક્તિકરણનું પ્રતીક બની ગયાં હતાં. ૨૦૦૦માં પેરિસમાં ૮૩ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

ફ્રાન્સ ઉપરાંત અમેરિકન પ્રમુખના હાથે સન્માન મેળવી ચૂકેલાં આ 'ધ ક્વિન ઓફ સ્પીડ' પોતાના ઉડ્ડયન પ્રેમ વિશે કહેતાં : 'જ્યારે હું ઉડાન ભરું છું ત્યારે સૌથી વધુ હેપી હોઉં છું. ઉડાનની એ ફીલિંગમાં મને પાવરનો અનુભવ થાય છે.

ઘોડા જેવાં તાલીમ પામેલાં પ્રાણીઓ ઉપર અંકુશ મેળવવા કરતા અનિશ્વિતતાઓથી ભરપૂર એવાં મશીન ઉપર અંકુશ મેળવવાનું કામ વધુ એક્સાઈટિંગ છે. જેટલી વખત હું પાયલટની સીટ ઉપર બેસું છું એટલી વખત મને આ ઉત્તેજના અનુભવાય છે. હું ઉડાન ભરું છું ત્યારે હું જીવંત હોઉં છું'.

અવાજની ઝડપને ભેદીને ઉડાન ભરનારી પ્રથમ મહિલા પાયલટ

જેક્લિન કોચરન વિશ્વની પહેલી એવી મહિલા પાયલટ છે, જેમણે સાઉન્ડ બેરિઅરનો પહેલો વહેલો વિક્રમ તોડયો હતો. અવાજની ગતિને ભેદીને વિમાન ઉડાવનારી જગતની પ્રથમ મહિલા પાયલટ તરીકેનું સન્માન મેળવનારી જેક્લિન કોચરનનો જન્મ ૧૯૦૬માં અમેરિકાના ફ્લોરિડામાં થયો હતો. ૧૯૫૦ના અરસામાં અમેરિકાના પ્રોમિનેન્ટ રેસિંગ પાયલટ્સમાં તેમની ગણતરી થતી હતી.

અમેરિકામાં મહિલા એરફોર્સ સર્વિસનો પાયો નાખનારા નામોમાં જેક્લિનનો સમાવેશ થાય છે. જેક્લિને હેરડ્રેસર તરીકે કારકિર્દીની શરૃઆત કરી હતી. કોસ્મેટિક્સના બિઝનેસમાં પણ પછી તો જેક્લિને નામ-દામ મેળવ્યાં હતાં. એ વખતે ઉડ્ડયનમાં કરિઅર બનશે એવી તો દૂર સુધી કોઈ શક્યતા નહોતી, પણ એક બિઝનેસ ફ્રેન્ડે એરક્રાફ્ટમાં ઉડાન ભરવાની ઓફર કરી એ પછી જેક્લિનની આંખમાં આકાશી ઉડાન ભરવાનું સપનું અંજાયું હતું.

૩૧-૩૨ વર્ષની વયે જેક્લિન કોચરને ખાનગી પાયલટ બનવા ટ્રેનિંગ શરૃ કરી હતી. જેક્કીના હુલામણા નામે ઓળખાતી આ મહિલા પાયલટે પછી તો એવિએશનના કેટલાય વિક્રમો પોતાના નામે કર્યાં હતાં. જેક્લિનને સૌથી વધુ પ્રસિદ્ધિ અવાજની ઝડપને ભેદીને વિમાન ઉડાવ્યા પછી મળી.

એ પાછળ જેક્લિનની ચૂક યીગર સાથેની મિત્રતા પણ કેટલાક અંશે કારણભૂત હતી. ચૂકે અવાજની ઝડપને ભેદી ઉડાન ભરવામાં ૧૯૪૭માં સફળતા મેળવી હતી. એ સાથે જ અવાજની ઝડપને ભેદીને વિમાન ઉડાવનારો ચૂક વિશ્વનો પ્રથમ પાયલટ બન્યો હતો. પછીથી જેક્લિનના મિત્ર બનેલા ચૂકે સાઉન્ડ બેરિઅર ઉડાનની ટેકનિક જેક્કીે શીખવી હતી.

૧૯૫૩ની ૧૮મી મેએ જેક્લિને જે ઉડાન ભરી તે વિક્રમ સર્જક હતી. વિશ્વભરના અઢળક સન્માનો મેળવનારી આ મહિલા પાયલટે ૧૯૬૭ સુધીની સક્રિય કારકિર્દી દરમિયાન ઝડપ અને ઊંચાઈના આઠ-આઠ વિક્રમો પોતાના નામે દર્જ કરાવ્યાં હતાં.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments