Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

સુરતના નવાબે કઈ રીતે અંગ્રેજોનું પાણી ઊતાર્યું? ભાગ-૧

ચારસો વર્ષ પહેલાં સુરતમાં સ્થપાયેલી અંગ્રેજોની ફેક્ટરી (દેશી ભાષા પ્રમાણે કોઠી), જે સમય જતાં સત્તાનું કેન્દ્ર બની હતી.

૧૮૩૦ના અરસામાં સુરત બંદર કેવું ખૂબસૂરત હતું, એ આ ચિત્રમાં દેખાય છે.

અઢળક સત્તા ધરાવતી 'ઈસ્ટ ઈન્ડિયા કંપની' સામે પડવાની હિંમત સુરતના નવાબે કરી હતી, એટલું જ નહીં બ્રિટિશ સંસદ સુધી જઈને કંપની સામે લડત આપી હતી. સુરતના ઈતિહાસની એ અજાણી કથા..

ભારતમાં બ્રિટિશ શાસનના બે ભાગ

ભારતમાં અંગ્રજોએ ૧૭૫૭થી ૧૯૪૭ સુધીમા ૧૯૦ વર્ષ રાજ કર્યું. આ રાજ અંગ્રેજ શાસન તરીકે ઓળખાતું હોવા છતાં તેના બે ભાગ પાડે છે. એક ભાગ ૧૭૫૭થી ૧૮૫૭ સુધીનો, જ્યારે ભારત પર બ્રિટિશ સરકાર નહીં, બ્રિટનની કંપની ઈસ્ટ ઈન્ડિયા રાજ કરતી હતી. ૧૮૫૭માં વિપ્લવ થયો અને કંપની વિરૃદ્ધ ઘણી ગરબડની ફરિયાદો પણ મળી એટલે બ્રિટિશ રાણીએ કંપની પાસેથી વહીવટ પોતાના હાથમાં લઈ લીધો. એ વહીવટ ૧૮૫૭થી ૧૯૪૭ સુધી ૯૦ વર્ષ ચાલ્યો.

૩ ઑક્ટોબર, ૧૮૪૪

બ્રિટનના જગવિખ્યાત સાઉથમ્પટન બંદરેથી જહાજ ભારત તરફ આવવા રવાના થયું. સુરતના નવાબ મીર જાફર અને તેમના બે સહાયક લુત્ફુલ્લાહ તથા બદરુદ્દીનના ચહેરા પર નિરાશા હતી. બ્રિટનના ઠંડા વાતાવરણ વચ્ચે પણ તેમના મનમાં ઉકળાટ ચાલતો હતો. એ સ્થિતિમાં જ જહાજે ઈંગ્લેન્ડનો કાંઠો છોડી દીધો. મીર જાફરની ઉંમર ત્યારે હજુ તો ૨૭ વર્ષની હતી, પરંતુ નિરાશાને કારણે અચાનક બુઢાપો આવી ગયો હોય એવો એ લાગતો હતો. માર્ચ ૧૮૪૪માં સુરતથી ઈંગ્લેન્ડ જવા જાફર અને તેના સાથીદારો રવાના થયા ત્યારે તેમની આંખોમાં એક સપનું અંજાયેલું હતું.

એ સપનાના જોરે જ સાત સમંદર પાર કરીને અગાઉ કોઈ હિન્દુસ્તાની રાજાએ ન કર્યું હોય એવુ સાહસ કરવા મીર જાફર નીકળી પડયો હતો. ઈંગ્લેન્ડમાં સાત મહિનાના રોકાણ દરમિયાન હવે એ સપનું ભાંગી રહ્યું હતું. જોકે જહાજના તૂતક પર ઊભા રહીને ઈંગ્લિશ ચેનલના પાણી સામે મીટ માંડી રહેલા મીરે તૂટી રહેલા સપનાને ફરીથી બેઠું કરવાનો મક્કમ નિર્ધાર લઈ લીધો હતો.

સપ્ટેમ્બર, ૧૮૫૭

૧૩ વર્ષ પછી સમય બદલાયો હતો. ફરીથી એ જ સાઉથમ્પ્ટન બંદર, એ જ નવાબ મીર, એ જ જાહજ અને એ જ ઈંગ્લિશ ચેનલનો દરિયો. પરંતુ હવે ઈંગ્લિશ ચેનલના પાણીમાં ઊછળતાં મોજાં કરતાં વધુ ઉત્સાહ નવાબના ચહેરા પર હતો. ઉંમર ૪૦ વર્ષે પહોંચી તો પણ આજે એ નવલોહિયો જુવાન દેખાતો હતો. ભારત પર એકાદ સદીથી રાજ કરતી 'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની' સામે દોઢ દાયકા સુધી લડત આપ્યા પછી આખરે મીર જાફરનો વિજય થયો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતુ, જ્યારે ભારતથી એક નાનકડા રજવાડાનો નબાવ ઈંગ્લેન્ડમાં જઈને કંપની સામે લડયો હતો અને કંપનીનું પાણી પણ ઉતારી દીધું હતું.

સુરતના નવાબી ઈતિહાસની આ ઓછી જાણીતી પરાક્રમકથા મોઈન મીરે તાજેતરમાં પોતાના પુસ્તક 'સુરત : ફોલ ઓફ ધ પોર્ટ, રાઈઝ ઓફ ધ પ્રિન્સ'માં વિગતવાર વર્ણવી છે. એ વખતે ભારતની જનસંખ્યા ૨૦ કરોડ હતી, અનેક નાનાં-મોટાં રાજા-રજવાડા-નવાબ-શહેનશાહ રાજ કરતાં હતા.

૧૭૫૭માં પ્લાસી જીતી લીધા પછી ભાગ્યે જ કોઈ રાજા ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પડવાની હિંમત કરતો હતો. એટલે કંપની ભારતમાં પોતાની લૂંટ વિસ્તાર્યે જતી હતી. તેને બ્રેક મારવાનું મહત્ત્વપૂર્ણ કામ સુરતપતિ મીર જાફરે કર્યું હતું. એ સમજવા સવા બસ્સો વર્ષ પહેલાંના ઈતિહાસમાં પહોંચવુ પડશે...

૧૭૯૦માં નવાબ હાફિઝુદ્દીનના મોત પછી તેનો પુત્ર નિઝામુદ્દીન સુરતની ગાદી પર આવ્યો. પથારીમાં જ રહીને નવાબી કરવી પડે એવા બીમાર નિઝામુદ્દીન દાયકા પછી ૧૭૯૯માં મૃત્યુ પામ્યા. સુરતનો વહીવટ ત્યારે નબળો પડી ચૂક્યો હતો.

તકનો લાભ લઈ અંગ્રેજોએ નિઝામુદ્દીનના ભાઈ નસીરુદ્દીનને ગાદીએ બેસાડયો. સાથે સાથે એવો કરાર પણ કરી લીધો કે સુરત શહેરનાં તમામ થાણાં-મથક પર હકૂમત અંગ્રેજોની રહેશે. નવાબને ગાદીએ બેસવાનું, રાજ કરવાનું, મોજ-મજા કરવાની, વહીવટમાં ખાસ દખલ નહીં કરવાની. બદલામાં અંગ્રેજો નવાબને વર્ષે ૧૫,૦૦૦ પાઉન્ડ એટલે કે એ વખતની ગણતરી પ્રમાણે ૧,૫૦,૦૦૦ રૃપિયા સાલિયાણું આપવાનું. વધુમાં નવાબના બધી સંપત્તિ, મહેલ-બાગ-બગીચા-બાંધકામ નવાબ પાસે જ રહે.

નવાબની તિજોરી ખાલી હતી, શાસન કરવાની બીજી કોઈ ત્રેવડ હતી નહીં માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની શરતો અપનાવ્યા સિવાય છૂટકો ન હતો. નસીરુદ્દીન જો આ કરાર માન્ય ન રાખે તો ટૂંક સમયમાં નવાબી પણ જાય, સુરત અંગ્રેજોના હાથમાં આવી પડે. માટે કરાર પર તેમણે શાહી મહોર મારી દીધી, બીજા છેડે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સિક્કો લાગી ગયો. એ કરાક થયાનું વર્ષ ૧૮૦૦નું હતું.

નસીરુદ્દીનના મોત પછી તેમનો શાહજાદો અફઝલુદ્દીન સત્તા પર આવ્યો અને ૧૮૪૨ સુધી તેનું શાસન રહ્યું. ૧૮૪૨માં હિઝ એક્સિલન્સી અફઝલુદ્દીન ખાન કામરૃદ દુલાહ હુશ્હમત જંગ બહાદુર નવાબ ઓફ સુરત (નવાબનું આખુ નામ છે) જન્નતશીન થયા. એ પછી કોણ ગાદીએ આવે એ સવાલ થઈ પડયો. અફઝલને કોઈ દીકરો ન હતો, જે સિંહાસન સંભાળી શકે. તેમને દીકરી હતી બખ્તિયાર-ઉન--નિસ્સા. બખ્તિયારને સોરઠમાં ગોંડલ પાસે આવેલા કમઢિયાના દરબાર સૈયદ મીર સરફરાઝ અલી ખાનના પુત્ર જાફર સાથે પરણાવાઈ હતી. કમઢિયા અને સુરત વચ્ચે પેઢીઓથી મિત્રતા હતી.

૧૮૧૭માં જન્મેલા જાફરને રાજ-કાજમાં ખાસ રસ ન હતો. જાફરનો ઘણો-ખરો સમય કમઢિયામાં સુફી સંત હસન શાહના સંગાથમાં પસાર થયો હતો. જાફર પોતે સુફી સંપ્રદાયના પાયાના પથ્થર ગણાતા મૌદૂદ ચિશ્તીના વંશજ હતા. જાફરને મન એટલે સુફી જિંદગી જ સુખી જિંદગી હતી. પણ એ સરફરાઝના એકમાત્ર પુત્ર હોવાથી તેમને જ આગળ જતાં રાજ સંભાળવાનું હતુ. ૧૮૪૨માં તેમના સસરા અફઝલુદ્દીનના મોત પછી તેમને સુરતની જવાબદારી સોંપવામાં આવી.

એ વખતે સુરત મુંબઈ ઈલાકા હેઠળ આવતુ હતુ. મુંબઈના ગવર્નર જોન માલ્કમે અફઝલુદ્દીન જીવતા હતા ત્યારે જ તેમને એવી ખાતરી આપી હતી કે તમારી દીકરી બખ્તિયાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પણ દીકરી જેવી જ છે. એટલે તમે નહીં હો ત્યારે પણ અમે તેનો ખ્યાલ રાખીશું.

૧૮૨૯માં સુરતના ભર્યા દરબારમાં જ માલ્કમે નાનકડી બખ્તિયારને ખોળામાં બેસાડીને એમ પણ કહ્યું હતુ કે કંપની આ દીકરીને દત્તક લેશે. દીકરીના બાપ તરીકે અફઝલુદ્દીનને ચિંતા હોય એ સ્વાભાવિક હતું, પરંતુ હવે તેમને ધરપત થઈ હતી. વધુમાં જમાઈ જાફરને કંપનીએ નવાબના દત્તક દીકરા તરીકે માન્યતા આપી હતી. એટલે કે વહેલા-મોડી સુરતની ગાદી જાફરને સંભાળવાની હતી.

જાફરનું સુરતમાં આગમન થયુું ત્યારે અફઝલુદ્દીનની અંતિમવિધિનો ખર્ચ થાય એટલા પણ પૈસા ન હતા. જાફરે એ ખર્ચ ભોગવ્યો અને અંધાધૂંધી ફેલાય એ પહેલાં જ સુરતની કમાન હાથમાં લીધી. બીજી તરફ થોડો સમય પસાર થવા દીધા પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આદત મુજબ જ રંગ બદલાની શરૃઆત કરી.
મુંબઈના નવા આવેલા ગવર્નર જ્યોર્જ આર્થરે મીર જાફરને પત્ર લખ્યો : 'નવાબ અફઝલ વારસદાર વગર મૃત્યુ પામ્યા છે.

માટે તેમની બધી સંપત્તિ (ચાર મહેલ, બાગ-બગીચા અને કોઈ ગુપ્ત ધન છુપાયેલું હોય તો એ) અમે કબજે લેવા જઈ રહ્યા છીએ. નવાબના પરિવારને જે ૧૫૦૦૦ પાઉન્ડનું વાર્ષિક પેન્શન મળવાનું હતું એ પણ બંધ થશે.' ઈસ્ટ ઈન્ડિયા કંપની સુરતની સત્તા કબજે લેવા માંગતી હતી અને તેનો યોગ્ય સમય આવી પહોંચ્યો હતો.

૧૬૦૯માં સુરત પાસેના સુંવાળી બંદરે બ્રિટિશ કંપનીના જહાજે લંગર નાખ્યું, તેમાંથી ફિરંગી ઊતરી પડયા ત્યારે તેમનો ઈરાદો માત્ર વેપાર કરવાનો હતો. પાછળથી એ ઈરાદો ફરી ગયો અને સોનાની ચીડિયા ગણાતા ભારતની પણ પથારી ફેરવી એ ઈતિહાસ અજાણ્યો નથી. પરંતુ એ ઈતિહાસ સર્જવામાં કોઈ સ્થળ મહત્ત્વનું રહ્યું હોય તો એ સુરત હતું. કેમ કે કંપનીને પરવાનગી મળી ત્યારે વેપારની શરૃઆત સુરતથી થઈ હતી.

વેપારમાં કંપની અને સુરતના વેપારી ઉપરાંત એક થર્ડ પાર્ટી હતી, જેનું નામ પોર્ટુગિઝ. બ્રિટિશરો પહેલાં પોર્ટુગિઝોનો પશ્ચિમ ભારતના કાંઠા પર કબજો હતો. કેમ કે રસ્તો શોધવાનું કામ જે વાસ્કો-દ-ગામાએ કર્યું હતું એ પોર્ટુગલથી આવ્યો હતો. બ્રિટિશરો પહેલાં ભારત પહોંચીને મરી-મસાલાના વેપારમાં પગદંડો જમાવી ચૂકેલા પોર્ટુગિઝો કરતાં આગળ નીકળી જવું એ પણ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ઈરાદો હતો.

બ્રિટનમાં કાપડની મિલો ધમધમતી રહે એટલા માટે સુરતમાં સ્થપાયેલી કંપનીની ફેક્ટરીમાં રાત-દિવસ કપાસનું શુધ્ધિકરણ થવા લાગ્યું. વેપારમાં તેજી આવી અને થોડા સમય પછી તો હરીફ પોર્ટુગિઝોથી પણ અંગ્રેજો આગળ નીકળી ગયા. સુરતમાં તેમનું વર્ચસ્વ વધ્યું. સુરત કંપની માટે એટલું બધું મહત્ત્વનું બન્યું કે થોમસ રોએ શહેરને 'ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જીવાદોરી' ગણાવ્યું હતું. એ વખતે સુરત ભારતના દરિયાઈ વેપારનું સૌથી મોટું મથક પણ બની ચૂક્યું હતું.

વેપાર કરવાની આંગળી આપી તેના બદલે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સત્તાનો પોંચો પકડવાની શરૃઆત કરી. સુરત ત્યારે દિલ્હીના કબજામાં હતું અને શહેનશાહ વતી સૂબો સુરતની રખવાળી કરતો હતો. શહેનશાહ દૂર હોવાથી કંપનીને પોત પ્રકાશવાનું મન થયું. ૧૬૮૦ના વખતમાં કંપનીનાં જહાજોએ દિલ્હી શહેનશાહના નૌકા કાફલા સાથે પણ સંઘર્ષ કર્યો.

દિલ્હી સલ્તનતનું ફરમાન આવ્યુ કે કંપની તમામ ફેક્ટરી બંધ કરીને બ્રિટનભેગી થઈ જાય. વેપારના પરવાના પણ રદ થયા. બ્રિટનથી ઈમ્પિરિયલ કોર્ટે આજીજી કરી ત્યારે અકબર બાદશાહે ફરી કડક શરતોને આધીન વેપારનો પરવાનો આપ્યો. પરંતુ કંપની અધિકારી એટલુ સમજી ચૂક્યા હતા કે સુરતનો કોઈક વિકલ્પ ઊભો કરવો પડશે. સદ્ભાગ્યે તેમને વિકલ્પ મળી ગયો હતો.

સુરતથી ૩૦૦ કિલોમીટર દક્ષિણે આવેલો એક ટાપુ વિસ્તાર અંગ્રેજોના હાથમાં આવ્યો હતો. ૧૬૬૮માં બ્રિટિશ કુંવર ચાર્લ્સ દ્વિતીયના લગ્ન વખતે પોર્ટુગલ તરફથી દહેજ તરીકે ટાપુ અંગ્રેજોને મળ્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાની બીજી શાખા ત્યાં ખોલવાનું નક્કી કર્યું અને તેનો વિકાસ આદરી દીધો. વધુમાં એ બંદરને વધુ મહત્ત્વ મળે એટલે સુરતની લીટી ટૂંકી કરવાની પણ શરૃઆત કરી. એ બંદર આજે મહાબંદર બની ચૂક્યું છે અને તેનું નામ મુંબઈ છે!

સમય પસાર થયો એમ ભારતના ઘણા ભાગોમાં અંગ્રેજો બળુકા બન્યા. સ્થાનિક રજવાડાં સાથે અંગ્રેજોએ સંધિ કરી, જેમણે સંધિ ન કરી તેમને હરાવી દીધા. એ રીતે ૧૮૦૦ની સાલમાં ફરીથી સુરત અંગ્રેજોના તાબામાં આવ્યુ. સંધિ થઈ હોવાથી નવાબનું શાસન ચાલુ રહેવા દેવાયુ હતું. પરંતુ ૧૮૪૨માં એ સંધિનો ભંગ કરી કંપનીએ સુરત ખાલસા કરવાની તૈયારી કરી, ત્યારે મોગલ સત્તા નબળી પડવા લાગી હતી.

જાફર-સરફરાઝ બન્ને બાપ-દીકરો મૂંઝાયા. કંપનીના અન્યાય સામે કોઈ અવાજ ઉઠાવવાની હિંમત કરતું ન હતું. પોતે પણ જો અવાજ ન ઉઠાવે તો જાફર પછી તેમની બે દીકરી લાડલી અને રહીમુનાનું શું થાય? બીજી તરફ કંપની સામે લશ્કરી લડાઈ કરી શકાય એટલી ક્ષમતા નવાબની ન હતી. માટે મુંબઈ-સ્થિત ગવર્નરને વારંવાર પત્ર લખીને જાફરે યાદ અપાવ્યું કે તમે સુરત પર કબજો લઈ શકશો નહીં, બખ્તિયારના ખાવિંદ તરીકે હું તેનો નવાબ છું. પરંતુ કંપનીએ એ કોઈ વાત ધ્યાને ન ધરી.

નવાબ અફઝલના મોતના ચાર મહિના પછી ડિસેમ્બર ૧૮૪૨માં બધી સંપત્તિ-મહેલ-જર-ઝવેરાત જપ્તીનો ઓર્ડર થયો. ટૂંક સમયમાં સુરતના નવાબની હતી એ બધી મિલકત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું સીલ લાગી ગયું. જાફરને રહેવા માટે માત્ર હુશ્મત મહેલમાં એક ક્વાર્ટર મળ્યું, જેનાથી વધુ જગ્યામાં થોડા સમય પહેલાં સુધી નવાબના નોકર રહેતા હતા. હવે જો જાફરે નવાબી ટકાવી રાખવી હોય તો કંઈક કરવું જ પડે.

કમઢિયાથી સરફરાઝ ખાન સુરતની સ્થિતિ જોવા આવ્યા. તેમની વૃદ્ધ કાયામાં પણ હવે જોમ ઘટતું જતું હતુ. એ સમયે વધુ એક ડર એ પેઠો કે જો જાફરને દીકરો નહીં થાય તો સુરત તો ઠીક કાલ સવારે કમઢિયા પણ ખાલસા કરવાનું થશે. એ સમયે જાફરની ફૂલ જેવી દીકરીઓનું શું થશે?

એક સમયે ગાદી પર બેસવામાં જ રસ ન ધરાવતા નવાબ જાફર અલીએ હવે અંગ્રેજો સામે અનોખી લડત કરવાનું મન બનાવી લીધું હતું.

(...એ વાત આવતા અઠવાડિયે)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments