Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

વિશ્વયુદ્ધમાં ભંગાયેલા જાપાને કઈ રીતે બુલેટ ટ્રેન દ્વારા વિશ્વ સર કર્યું?

જાપાનની ઓળખ બુલેટ ટ્રેનના દેશ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે. પણ બુલેટ ટ્રેનની શરૃઆત કરી ત્યારે એ દેશની હાલત દયનીય હતી. પરમાણુ હુમલા સહન કરી ચૂકેલા જાપાને ત્યાર પછી બેઠા થઈને બુલેટ ટ્રેનની ઝડપે દોડવાની શરૃઆત કરી. ગુજરાત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, ત્યારે જાપાનની બુલેટ ક્રાંતિ અને તેના સર્જકોની વાત..

જ્વાળામુખી પર્વત માઉન્ટ ફૂજિયામાની આગળથી પસાર થતી આ ટ્રેનની આ તસવીર જાપાની બુલેટ સફરની ઓળખ બની ચૂકી છે.

ટોકિયોનું ટ્રેન સ્ટેશન, જાપાનનુ સક્ષમ શિન્કાન્સેન નેટવર્ક અને ટ્રેનની આંતરીક બેઠક વ્યવસ્થા

૧૮૫૩માં અમેરિકાના કોમોડોર મેથ્યુ પેરી જાપાનની મુલાકાતે પહોંચ્યા. જાપાન અને અમેરિકા વચ્ચે વેપાર વધે, જાપાન પોતાના બે બંદર અમેરિકા માટે ખુલ્લાં કરી આપે એ તેમના પ્રવાસનો મૂળ ઉદ્દેશ હતો. પ્રવાસ સફળ રહ્યો, ૧૮૫૪માં જાપાન-અમેરિકા વચ્ચે વેપાર કરાર થયા. મૈત્રીની મજબૂતી માટે કોમોડોર પેરીએ અમેરિકા તરફથી જાપાનને ભેટ પણ આપી.

ભેટમાં એક રેલવે એન્જીન, એક કોચ અને સો-બસ્સો મિટર સુધી લંબાઈ શકે એટલા પાટાનો સમાવેશ થતો હતો. બાળકોને રમકડાંની ટ્રેન આપી હોય એવી એ ગિફ્ટ જાપાને સ્વીકારી લીધી. પરંતુ સાથે જાપાની સમુરાઈ પ્રજાને એ વિચાર પણ આવ્યો કે આપણે પોતાની જ ટ્રેન દોડાવીએ તો શું ખોટું..  અમેરિકાની ભેટ મળી એના બે દાયકા થવામાં હજુ વાર હતી ત્યાં જ જાપાને ૧૮૭૩માં પોતાનું રેલવે નેટવર્ક શરૃ કરી દીધું હતું.

હવે ૨૦૧૭ની વાત કરીએ. અમેરિકાના ટેક્સાસમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્ક સ્થપાઈ રહ્યું છે. ડલાસ અને હ્યુસ્ટન વચ્ચેનું પોણા ચારસો કિલોમીટરનું અંતર કાપવા માટે ત્યાં વહેલા-મોડી બુલેટ ટ્રેન દોડાવવાનું અમેરિકી સરકારનું આયોજન છે. વિકસિત હોવા છતાં હજુ સુધી અમેરિકાએ બુલેટ રેલ નેટવર્ક અપનાવ્યું નથી. પણ હવે તેની જરૃર છે. હાઈ-સ્પીડ ટ્રેન ટેકનોલોજી માટે અમેરિકાને બીજો એક દેશ મદદ કરી રહ્યો છે. એ મદદ કરનાર દેશનું નામ જાપાન!

દોઢ સદી પહેલા અમેરિકાએ જાપાનને રેલગાડી કેવી હોય એ દેખાડી હતી. આજે જાપાન અમેરિકાને દેખાડે છે, હાઈ-સ્પીડ રેલગાડી કેવી હોય!

જાપાન : હાઈ-સ્પીડ રેલવેનું વૈશ્વિક એન્જિન

હાઈસ્પીડ એટલે કે ઓછામાં ઓછી કલાકની ૨૦૦ કિલોમીટરની ઝડપે દોડતી હોય એવી ટ્રેન હવે તો ઘણા દેશોમાં છે, પણ એ ટેકનોલોજી પેદા કરવાનું કામ જાપાને કર્યું છે. માટે જાપાન એ રેલવેનું એન્જિન છે એમ કહી શકાય. હવે ભારત કરતાં બે દાયકા મોડી જ્યાં ટ્રેન સેવા શરૃ થઈ હતી એ જાપાનની મદદથી જ ભારતની પ્રથમ હાઈ-સ્પીડ ટ્રેન દોડતી થશે. પરંતુ જાપાને પોતે કઈ રીતે બુલેટ ટ્રેનમાં મહારત હાંસલ કરી?

૧૮૮૭માં બુલેટ ટ્રેન?

નાનાકડાં દેશ જાપાનમાં પરિવહન માટે ટ્રેનથી ઉત્તમ કોઈ વિકલ્પ નથી. માટે જાપાની સત્તાધિશોએ ૧૯મી સદીના મધ્ય ભાગમાં જ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી. એ પ્રમાણે ૧૮૮૭ સુધીમાં એટલે સવાસો વર્ષ પહેલાં જ ઝડપી ટ્રેન દોડાવવાનું આયોજન હતું. યોજના કાગળ પર હતી, તેનો અમલ થાય એ પહેલા એક પછી એક મુશ્કેલીઓ જાપાન પર આવતી રહી. જંકશન પર ખૂણામા પડેલા એન્જિનની માફક દાયકાઓ સુધી પ્રોજેક્ટ ખૂણામાં પડી રહ્યો.

પણ પછી એક સમય એવો આવ્યો જ્યારે જાપાનને આખા દેશનું નવસર્જન કરવાનું થયું. બીજા વિશ્વયુદ્ધ વખતે છેવટ સુધી અડગ રહેલા જાપાનને શરણે લાવવા માટે અમેરિકાએ ઑગસ્ટ ૧૯૪૫માં જાપાન પર એક પછી એક બે પરમાણુ પ્રહારો કરી દીધા (પરમાણુ શસ્ત્રોના દાયકા જૂના ઈતિહાસમાં અણુ હુમલો થયો હોય એવો એકમાત્ર દેશ જાપાન છે).

બુલેટયુગમાં પ્રવેશ

યુદ્ધમાં હાર થયા પછી બેસી રહેવું, બીજા યુદ્ધની તૈયારી કરવી, માયુસીમાં સરી પડવું.. એ બધી જફા કરતાં જાપાનીઓએ દેશનું નવેસરથી ઘડતર કરવાનું નક્કી કર્યું. નાના-મોટા ઘણા જંગ લડી ચૂકેલા જાપાનીઓ સમજી ચૂક્યા હતા કે વારંવાર યુદ્ધ કરવાનો કોઈ ફાયદો નથી. જગતને સર કરવું હોય તો હવે દેશે પ્રગતિશિલ બનવું રહ્યું. મહસત્તા થવાનો એકમાત્ર રસ્તો એ જ છે. વિવિધ ક્ષેત્રે જાપાનનો વિકાસ ત્યારે જ થાય જ્યારે પરિવહન સેવા અપ-ટુ-ડેટ હોય. માટે જાપાની એન્જિનિયરોએ રેલવે નેટવર્ક સક્ષમ બનાવવાની શરૃઆત કરી.

૧૯૬૪માં ટોકિયોને ઑલિમ્પિકની યજમાની મળી હતી. એ પહેલા જ પાટનગર ટોકિયો અને સાડા પાંચસો કિલોમીટર દૂર આવેલાં અગ્રણી શહેર ઓસાકા વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવાનો નિર્ણય જાપાને લઈ લીધો હતો. એ ટ્રેનને જાપાને 'શિન્કાન્સેન(નવી અને ઝડપી રેલવે લાઈન)' નામ આપ્યું હતું. એ ટ્રેનનો આકાર બંદુકની બુલેટ જેવો હોવાથી એ બુલેટ ટ્રેન તરીકે આખા જગતમાં વધારે પ્રચલિત થઈ છે.

ટોકિયો-ઓસાકા લાઈનનું કામ તો ચાલુ કરી દીધું પણ ત્યારે જાપાન માથે દુઃખના ડુંગર ખડકાયેલા હતા. દેશ વિશ્વયુદ્ધમાં ભંગાઈ ચૂક્યો હતો. બીજી તરફ પ્રજા નવી રેલવેનો વિરોધ કરી રહી હતી. ત્રીજી તરફ જાપાન પાસે એટલા પૈસા ન હતા અને 'વિશ્વબેન્ક' જેવી (અમેરિકાના ઈશારે કામ કરતી) આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શરૃઆતમાં તો ભંડોળ આપવા પણ તૈયાર ન હતી. મક્કમ મનોબળના જાપાની સત્તાધિશોને એવા કંઈ વાંધા-વચકા નડયા નહીં. પરિણામ એ  આવ્યું કે ૧૯૬૪ની ૧લી ઓક્ટોબરે જાપાને આ બન્ને શહેરો વચ્ચે હાઈ-સ્પીડ રેલવે દોડતી કરી દીધી. એ સાથે જગતભરના ટ્રેન ટ્રાન્સપોર્ટેશનમાં પરિવર્તનો પવન ફૂંકાયો.  

સપાટો બોલવાતી શિન્કાન્સેન

ટોકિયો-ઓસાકા વચ્ચે સામાન્ય રેલ ગાડી સાડા છ કલાકનો સમય લેતી હતી (એટલે ત્યારે પણ જાપાનની સામાન્ય ટ્રેનની ઝડપ ૯૦ કિલોમીટરથી તો વધુ હતી જ). બુલેટે એ સમય ઘટાડીને ૩ કલાક ૧૦ મિનિટ કરી દીધો. હવે તો જોકે અઢી કલાક જ થાય છે. એ રૃટ હવે જગતનો સૌથી વ્યસ્ત રેલ-રૃટ પણ છે.

ટોકિયો, યોકોહામા, નાગોયા અને ઓકાસા એમ જાપાનના ચાર મહત્ત્વના શહેરો આવરી લેતી એ ટ્રેનને એટલી બધી સફળતા મળી કે એક વર્ષની અંદર જ મુસાફરોની સંખ્યા ૧૦ કરોડને પાર કરી ગઈ. જાપાની સરકારે પણ પ્રોજેક્ટ પાર પાડવામાં હાઈ-સ્પીડ દાખવીને આખા દેશમાં રેલવે નેટવર્ક વિસ્તારવાની શરૃઆત કરી દીધી.

જાપાનના દરેક મોટા શહેરને શિન્કાન્સેનના નકશામાં સ્થાન મળી ગયું છે. જ્યાં નેટવર્ક નથી એવા એકાદ-બે ખૂણામાં ૨૦૩૦ સુધીમાં પહોંચી જશે. અત્યારે જાપાન પાસે ૨૦ હજારથી વધારે કિલોમીટરનું હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક છે. રોજની ૮૦૦થી વધુ સ્પીડ ટ્રેન લાખો મુસાફરોની હેરફેર કરે છે. જાપાની પ્રજા ઉપરાંત પરદેશથી આવતા પ્રવાસીઓ પણ કુતૂહલ ખાતર આ ટ્રેનમાં સફર કરવાનું પસંદ કરે છે.

૧૦ અબજ મુસાફરો, એક પણ મોત નહીં!

શિન્કાન્સેન ઝડપ ઉપરાંત સલામતી માટે જગવિખ્યાત થઈ છે. સલામતીનો રેકોર્ડ તપાસીએ તો એ વાતનો અહેસાસ થાય કે જાપાને ખરેખર કમાલ કરી છે. સવા પાંચ દાયકામાં જાપાની બુલેટ ટ્રેન દ્વારા ૧૦ અબજથી વધુ મુસાફરોની હેરાફેરી થઈ છે. નાના-મોટા અકસ્માતો પણ થયા છે.

પણ એ અકસ્માતમાં અત્યાર સુધીમાં કેટલા મોત થયા છે? એક પણ નહીં! સલામતીના રેકોર્ડમાં જાપાનને કોઈ પહોંચે એમ નથી. દરેક ટ્રેન રવાના થતાં પહેલા સલામતીની ચાર તપાસમાંથી પસાર થાય છે. એક પણ બોલ્ટ ઢીલો હોય કે કોઈ સ્ક્રૂ સરકવાની તૈયારીમાં હોય તો પણ એ ટ્રેન ચલવાતી નથી. કોચના દરવજામાં જ કુલ મળીને ૨૭ પોઈન્ટ એવા છે, જેનું ચેકિંગ થાય છે! તો આખા ડબ્બામાં કેટલી તપાસ થતી હશે? એ પછી આખી ટ્રેન સુરક્ષિત રહે એમાં શાની નવાઈ?

વાર્ષિક ૪.૮ અબજ ડોલરનો ફાયદો

બુલેટ ટ્રેનથી જાપાનને વર્ષે સરેરાશ ૪.૮ અબજ ડોલરનો લાભ થાય છે. રસ્તા પર ગાડીઓની ભીડ જામતી નથી, પ્રદૂષણ સાવ ઓછું થાય છે, કોઈ કામ પર મોડુ પહોંચતુ નથી. એ બધાનો સરવાળે લાભ અર્થતંત્રને થાય છે. જાપાન ટાપુ દેશ છે, ઉબડ-ખાબડ પણ છે. દેશની કુલ જમીન પૈકી ૨૦ ટકા જમીન જ એવી છે, જ્યાં લોકો રહે છે. ટોકિયો કે ઓસાકા જેવા શહેરોમાં રહેવાનું સૌ કોઈને પોસાય નહીં. પરંતુ ટ્રેન હોવાને કારણે સાંજે કામ પતાવીને લોકો ઘરે પરત ફરી શકે છે.

આવા ઘણા લાભને કારણે જાપાની હાઈ-સ્પીડ ટ્રેન માત્ર ઝડપ નહીં, અર્થતંત્રના ઝડપી વિકાસ માટે પણ નિમિત્ત બની છે. આજે જાપાન (અમેરિકા-ચીન પછી) જગતનું ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર છે, તેમાં કેટલોક ફાળો શિન્કાન્સન નેટવર્કનો પણ છે. બીજી તરફ બુલેટ ટ્રેન પર્યાવરણ ફ્રેન્ડલી પણ છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે કાર લઈને સફર કરવામાં આવે તેના કરતા ૧૬ ટકા જેટલો ઓછો કાર્બન ડાયોક્સાઈડ બુલેટ દ્વારા હવામાં ભળશે.

જાપાન ચિંધ્યા માર્ગે પ્રવાસ

જાપાનની શિન્કાન્સેન લાઈન જાપાન અને આખા જગત માટે એ ખરેખર નવી જ લાઈન સાબિત થઈ. માત્ર લાઈન શા માટે જાપાન-ચિંધ્યો નવતર માર્ગ હતો, જેના પર પછી તો યુરોપના ઘણા દેશો ચાલ્યા અને હવે ભારત ચાલવા જઈ રહ્યો છે. ટ્રેનની ડિઝાઈન પણ અત્યંત આકર્ષક બનાવાઈ છે. હવાનો ઓછામાં ઓછો અવરોધ નડે એ રીતે ડિઝાઈન થયેલી જાપાની ટ્રેનો દેખાવમાં જ ભવ્ય લાગે છે.

બુલેટ પણ મોડી પડે છે, કેટલી સેકન્ડ?

ટ્રેન હોય એ મોડી ન પડે એવુ કેમ બની શકે? જાપાની બુલેટ ટ્રેન પણ મોડી પડે છે. અડધા દાયકામાં જાપાની ટ્રેન સરેરાશ ૧ મિનિટથી વધુ મોડી પડી નથી. ૨૦૧૪માં મોડી પડવાની એવરેજ ૫૪ સેકન્ડ નોંધાઈ હતી! જાપાન ભૂકંપનો દેશ છે. એટલે એ આફત વખતે પાટા પર ગોઠવાયેલા સેન્સરને કારણે ટ્રેન આપોઆપ ધીમી પડી જાય છે. પણ ક્યારેક ભારે વરસાદ પડે, દરિયાઈ વાવાઝોડું ત્રાટકે કે પછી અન્ય કુદરતી આફત સર્જાય ત્યારે ટ્રેન થોડી મોડી પડે છે. થોડી મોડી એટલે એક મિનિટ કરતાં તો વધુ નહીં જ.
બુલેટ સાથે જાપાનમાં પરંપરાગત રેલવે પણ ચાલે છે.

જાપાનમાં રેલવે તંત્ર ખાનગી કંપનીઓ ચલાવે છે. ૧૦૦થી વધુ કંપનીઓ નાની-મોટી રેલગાડી લઈને જાપાનની ધરતી પર આમથી તેમ દોટ મુકતી રહે છે. રેલ કંપનીઓ ગાડી મોડી ન પડે એટલા માટે કટિબદ્ધ છે. ટ્રેન મોડી પડે તો જે-તે કંપનીની છાપ ખરાબ થાય અને તેનો કોન્ટ્રાક્ટ પણ જાય. ટ્રેનનું છેલ્લું સ્ટેશન હોય ત્યાં તેની સફાઈ થાય, પરંતુ આખી ટ્રેન સાફ થતાં ૭ મિનિટથી વધુ સમય લાગતો નથી.

સલામતી અને ઝડપના વિક્રમો જોતા જાપાની ટેકનોલોજી ભારતને ઘણી મદદરૃપ થશે, સિવાય કે ભારતનું સરકારી તંત્ર સમયસર કામ ન થવા દે, જેના માટે ભારત આખા જગતમાં કુખ્યાત છે.  
બીજો સવાલ એ પણ થાય કે ભંગાઈ ગયેલો દેશ જાપાન કઈ રીતે આ પરિવહન ક્રાંતિ કરી શક્યો?
એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો કહી શકાય: દાનત!

BULLET FACTS

કલાકના ૬૦૦ કિલોમીટરની ઝડપ

શિન્કાન્સેનમાં સરેરાશ ઝડપ સવા ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની જાળવવામાં આવે છે. એટલે કે અમદાવાદથી રાજકોટ એક કલાકમાં પહોંચી શકાય. વખતોવખત જોકે જાપાને રેકોર્ડ માટે ટ્રેનને મહત્તમ ઝડપે દોડાવી દેખાડી છે. જેમ કે એપ્રિલ ૨૦૧૫માં જાપાને 'મેગ્નેટિક લેવિટેશન (મેગલેવ)' ટેકનોલોજીથી ચાલતી ટ્રેનને ૬૦૩ કિલોમીટરની અકલ્પનિય ઝડપે દોડાવી દેખાડી હતી.

મેગલેવ એ અલગ પ્રકારની ટેકનોલોજી છે, પરંતુ તેનો સમાવેશ ઝડપી ટ્રેનમાં જ થાય છે. ૬૦૦ કિલોમીટરની ઝડપ માત્ર ટેસ્ટિંગ માટે હતી, હાલ જાપાન એટલી ઝડપે ટ્રેન દોડાવવા નથી ઈચ્છતું. બીજી તરફ ભારતમાં ૫૫ કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેન 'સુપર ફાસ્ટ'નો દરજ્જો મેળવે છે!

દુનિયામાં સૌથી ઝડપી ટ્રેન ક્યાં દોડે છે?

આમ તો ઝડપનો રેકોર્ડ જાપાનના નામે છે. પરંતુ રેકોર્ડ માટેેની ઝડપ અને નિયમિત ઝડપ બન્ને અલગ છે. નિયમિત રીતે તેજ ગતીએ ચાલી શકતી અથવા ચાલતી જગતની ટોપ-૧૦ ટ્રેન આ પ્રમાણે છે.


અહીં ઝડપ કલાક દીઠ કિલોમીટરના હિસાબે આપી છે. આ લિસ્ટ વર્ષ ૨૦૧૬નું છે અને વળી જગવિખ્યાત ટ્રાવેલ મેગેઝિન કોન્ડે નાસ્ટ દ્વારા તૈયાર થયેલું છે. ઝડપનું લિસ્ટ જોકે લાંબો સમય સ્થિર રહેતું નથી. અહીં આપી એટલી ઝડપે રોજેરોજ ટ્રેનો ચાલતી હોય એવુ પણ જરૃરી નથી. પરંતુ જરૃર પડે ત્યારે ઝડપનો આ આંક હાંસલ કરવામાં એ ટ્રેનોને વાર લાગતી નથી.

 

Post Comments