Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર- લલિત ખંભાયતા

Internet of Things : ઓનલાઈન કલ્ચરની આવતીકાલ

ચારે તરફ ઈન્ટરનેટની જ બોલબાલા હોય, મોબાઈલનો ડેટા વપરાશ સતત વધતો જતો હોય તો પછી હવે ઈન્ટરનેટનું ભવિષ્ય કેવું હશે? તેનો જવાબ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ..

ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી જોડાયેલા ડિવાઈસની સંખ્યા સતત વધી રહી છે. ટેકનોલોજી રિસર્ચ કંપની ગાર્ટનરના આંકડા પ્રમાણે ૧૯૯૦માં આખા જગતમાં માત્ર ૩ લાખ ડિવાઈસ જ ઈન્ટરનેટથી જોડાયેલા હતા. એ વધીને ૨૦૧૩માં ૯ અબજ થયા અને ૨૦૨૦માં ૫૦ અબજ જેટલા થશે. ભારતમાં જ વિવિધ રાજ્યોના ઈલેક્ટ્રિક સપ્લાયને સીધોદોર કરવા માટે પાવર ગ્રીડ પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે. જેમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.

ટેકનોલોજી સાથે સંકળાયેલી દુનિયાની અનેક મોટી કંપનીઓ અત્યારથી જ ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં રોકાણ કરવા લાગી છે. એટલે એવો અંદાજ સામે આવ્યો છે કે ૨૦ વર્ષમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જગતના જીડીપીમાં ૧૫,૦૦૦ અબજ ડોલર જેટલો વધારો કરશે.

પહેરી શકાય એવા ઈન્ટરનેટ કનેક્ટ સાધનો (વેઅરએબલ ડિવાઈસ, જેમ કે સ્માર્ટવૉચ)નો વપરાશ અને ડિમાન્ડ બન્ને વધશે. ૨૦૧૬માં આખા જગતમાં આવા ૨૭.૫ કરોડ વેઅરએબલ ડિવાઈસ વેચાયા હતા.

દરેક વ્યક્તિ સરેરાશ ૨૬ ચીજોથી ઘેરાયેલો હોય છે. એટલે કે એ તમામ ચીજો ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો ભાગ બની શકે. જેમ કે કાર, ચાવી, કપડાં, સાઈકલ, કેમેરા, શોપિંગ, વિવિધ બિલ ચૂકવણી, ટીવી, કમ્પ્યુટર, નોકરી-ઉત્પાદન સ્થળ.. વગેરે.

હવે એવા સ્માર્ટ ફોન આવતા થયા છે, જેમાં રિમોટ કન્ટ્રોલની એપ પહેલેથી ફીટ થયેલી હોય, અથવા ડાઉનલોડ થઈ શકે. પછી એ એપનો ઉપયોગ શું? ઘરમાં રિમોટથી ચાલતી જે સાધનો હોય એ સાધન મોબાઈલમાં ગોઠવાયેલા રિમોટ વડે પણ ચાલુ-બંધ થઈ શકે. ઘણા જુવાનિયા આવી એપ્સનો ઉપયોગ પણ કરતાં જ હશે.

ગાડી ડ્રાઈવ કરતી વખતે ફોન ઉપાડવો ન જોઈએ... પણ કેટલાકનું તો કામ જ એવુ હોય કે સતત ફોન પર ચોંટયા રહેવુ પડે! તો શું કરવું? આધુનિક કારમાં મોબાઈલ ફોન કાને લગાડયા વગર જ ફોન ઉપાડવાની, વાત કરવાની સુવિધા આવવા લાગી છે. બ્લૂટૂથ વડે મોબાઈલ ફોન જ કાર સાથે કનેક્ટ થયેલો રહે, ફોન આવે ત્યારે ગાડીમાં અપાયેલી નાનકડી સ્ક્રીન પર ઈનકમિંગ કોલની વિગત દેખાય અને એ ફોન ઉપાડો એટલે ડ્રાઈવરના માથા પર રહેલા સ્પીકર વડે વાત થઈ શકે.

ડૉક્ટરની સૂચના છે, રોજની આટલી કેલેરી તો બળવી જ જોઈએ.. અમુક સ્ટેપ તો ચાલવુ જ પડશે. પણ કેલેરી અને સ્ટેપની ગણતરી કરવી કઈ રીતે ભલા માણસ? તેનો જવાબ છે, એપ દ્વારા. મોબાઈલમાં હવે તો એવી એપ્સનો પાર નથી, જે કેટલી કેલેરી બળી, કેટલાં ડગલા ચાલ્યા.. વગેરેની ગણતરી કરી આપે. આરોગ્ય સુધારણાની ચાવી મોબાઈલના સ્ક્રીનમાં જ સમાઈ રહે છે.

આ ત્રણેય પ્રકારની સુવિધા ભલે બધા લોકો નથી વાપરતા, તો પણ ઘણા લોકો વાપરે છે. આ અને આવી અનેક સુવિધાઓને કહેવામાં આવે છે, 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' કહેવામાં આવે છે. આગામી યુગ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો છે, ઈન ફેક્ટ આરંભાઈ ચૂક્યો છે.

થિંગ્સ એટલે બધી જ વસ્તુઓ. બધી જ વસ્તુઓને ઈન્ટરનેટ સાથે જોડી દેવાની પ્રક્રિયા, સુવિધા, વિચાર એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. જેમ કે ઉપરના ૩ ઉદાહરણમાં ટીવી, કાર, આરોગ્યનું કનેક્શન જાણે-અજાણે ઈન્ટરનેટ સાથે થઈ ગયું છે. એટલે કે વિવિધ થિંગ્સ (ચીજ-વસ્તુ-સેવા-સુવિધા) સાથે ઈન્ટરનેટનું જોડાણ રોજ રોજ વધી રહ્યું છે.

સ્માર્ટફોનનો શું ઉપયોગ કરીશું?

દરેક વ્યક્તિ પાસે સરેરાશ એકાદ સ્માર્ટફોન છે. બીજી તરફ કંપનીઓએ મોબાઈલ ઈન્ટરનેટ (ડેટા) વધારે સુલભ બનાવી દીધો છે. ભારતમાં 'ફોર્થ જનરેશન (ફોર-જી)' નેટવર્ક ઝડપભેર આગળ વધી રહ્યું છે. યુવાનોને તો ફોર-જી વગર ચાલતુ નથી. પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ આગામી સમયમાં કેવી રીતે કરવો?

ટેકનોલોજીના નિષ્ણાતો સમક્ષ આ પ્રશ્ન આવ્યો, ત્યારે તેમણે જવાબ શોધી કાઢ્યો. એ જવાબ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એટલે કે શક્ય એટલી બધી જ ચીજોને ઈન્ટરનેટ સાથે જોડી દો. મોબાઈલનો ઉપયોગ ફોન કરવા ઉપરાંત કઈ કઈ ચીજ માટે કરવો? કેમ કે ફોન કરવાની, મેસેજ કરવાની, વીડિયો કોલ કરવાની, લાઈવ લોકેશન શેર કરવાની.. વગેરે સુવિધા તો આવી ગઈ? તો હવે સ્માર્ટફોન અને ઈન્ટરનેટમાં આગળ શું આવી શકે? એ સાથે જ જન્મ થયો ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો.

નેધલેન્ડ, ઈન્ટરનેટ આધારીત પહેલો દેશ

એક સમયે ક્રાંતિ આવતા વર્ષો વીતી જતાં હતા. હવે એવુ રહ્યું નથી. વર્ષો સુધી શું કલાકો સુધી ય રાહ જોવાની લોકોની તૈયારી નથી. એટલે આપણે ભારતમાં હજુ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે અને કેમ કામ કરશે.. તેની ચર્ચા-વિચારણા-સમજણ ચાલી રહી છે, ત્યાં કેટલાક દેશોમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સની ગાદી પર સ્થાપના કરી દેવામાં આવી છે.

યુરોપના દેશ નેધરલેન્ડે જુલાઈ ૨૦૧૬માં જ આખો દેશ ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી જોડાયેલો હોવાની જાહેરાત કરી. એટલે કે આજની તારીખે દુનિયામાં એક એવો દેશ પણ છે, જે ઈન્ટરનેટ ઓફ થિંગ્સને પૂર્ણપણે અપનાવી ચૂક્યા હોય. ૨૦૧૬માં જ નેધરલેન્ડની ટેલિકમ્યુનિકેશન કંપની 'કેપીએન'એ આખા દેશમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે નેટવર્ક શરૃ શરૃ કરી દીધુ હતુ. હવે તેની ધમધમાટી ચાલુ છે.

એ દેશની પ્રજા હવે ઈચ્છે ત્યારે મોબાઈલ, લેપટોપ, ટીવી, કાર, બાઈક, રસોડાના ઉપકરણો, લાઈટો.. વગેરે અનેક ચીજોને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી વાપરે છે. દર ૧૦૦ વ્યક્તિદીઠ સૌથી વધુ બ્રોડબેન્ડ કનેક્શન ધરાવતા દેશોમાં નેધરલેન્ડ બહુ આગળ છે. માટે ત્યાં ઘરમાં ઈન્ટરનેટનો ધમ-ધોકાર ઉપયોગ થઈ શકે છે. નેધરલેન્ડ સરકારે શરૃઆત કરી ત્યારે જ એ દેશમાં ૧૫ લાખથી વધુ ડિવાઈસ-ઉપકરણ ઈન્ટરનેટ સાથે જોડાયેલા હતા.

હવે તો ત્યાં રસ્તા પરના સાઈન બોર્ડ, પારવ ગ્રીડ, એરપોર્ટ પર બેગેજ હેન્ડલિંગ વગેરે સુવિધા નેટ સાથે કનેક્ટ છે. યુરોપના ઘણા દેશો આ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. સ્પેનિશ શહેર બાર્સેલોના જાહેર પાર્કિંગ સહિતની સૂચના ઈન્ટરનેટ દ્વારા જ પ્રસારિત કરે છે, કેમ કે એ બહુ પહેલેથી સ્માર્ટશહેર બની ગયું છે.

ઈન્ટરનેટ ઓફ થિંગ્સની શરૃઆત ક્યારથી?

૧૯૭૪માં એટીએમ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થવાના શરૃ થયા એ ઈન્ટરનેટ ઓફ થિંગ્સની શરૃઆત હતી. પરંતુ એ શરૃઆત મર્યાદિત હતી, કેમ કે એટીએમ સાથે બેન્ક જ જોડાઈ શકે, લોકો પોતાનું ઈન્ટરનેટ ન જોડી શકે. બેન્કિંગ સેવાની તેનાથી સરળતા શરૃ થઈ હતી.

૧૯૮૨માં 'કાર્નેગી મેલોન યુનિવર્સિટી'માં ઈન્ટરનેટ સાથે જોડાયેલું કોકા-કોલાનું મશીન ફીટ થયું હતું. પરંતુ જગતમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું મહત્ત્વ ક્યારે વધે? જ્યારે એક તરફ ઘરે-ઘરમાં ઈન્ટરનેટ પહોંચે અને બીજી તરફ તેની સાથે કામ આપી શકે એવા ઉપકરણો પહોંચે. હવે એ યુગ શરૃ થઈ ચૂક્યો છે અને ૨૦૨૦ સુધીમાં તો દુનિયાને બરાબર ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો પરિચય થઈ જશે.

વાયરલેસ વર્લ્ડના તારનું જોડાણ

ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો વ્યાપ વધે એટલે વધુ સ્પીડવાળા અને એક જ સમયે એક સાથે એકથી વધુ ડિવાઈસ સાથે નેટ-કનેક્ટ કરી કામ આપી શકે એવા મોબાઈલ ફોનની જરૃર પડવાની છે. સક્ષમ ફોન જોઈએ એટલે કે તેની ચીપ (જે કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનના સંચાલનમાં મહત્ત્વનો રોલ ભજવે છે) પાવરફૂલ હોવી જોઈએ. ઑક્ટોબરમાં જ ચીપ ઉત્પાદક અમેરિકન કંપની 'ક્વાલકોમે' ફાઈવ-જી સ્પીડ સાથે કામ આપી શકે અને 'મિલિમિટર વેવ્સ' કહેવાતા તરંગોથી સંદેશા-વ્યવહાર કરી શકે એટલા માટે 'એક્સ-૫૦' કહેવાતી ચીપ તૈયાર કરી છે.

આ ચીપનું કામ ફાઈવ-જી સ્પીડમાં નેટ પુરું પાડવા ઉપરાંત એક જ સમયે વિવિધ ઉપકરણો સાથે કમ્યુનિકેટ કરવાનું પણ રહેશે. લોકો વધુ ડેટા વાપરે અને વધુ ડિવાઈસ સાથે ઈન્ટરનેટ કનેક્ટ કરી ડેટા વાપરે એ માટેના તરંગો મિલિમિટર વેવ્સ કહેવાય છે. આ ટેકનોલોજી વાયરલેસ છે.

આમેય ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે વાયરલેસ પદ્ધતિ જ જોઈએ. બાકી તો ઘરમાં જેટલા સાધનો ઈન્ટરનેટથી જોડાતા જાય એટલા વાયરના ગૂંચડા વધતા જાય. પરંતુ સદ્ભાગ્યે વાયરલેસ ટેકનોલોજી આપણે બહુ પહેલાથી વાપરતા થઈ ગયા છીએ.

વપરાશ વધશે, જોખમ પણ વધશે!

ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો વધતો વપરાશ જોઈને 'ગૂ્રપ સ્પેશિયલ મોબાઈલ એસોસિએશન (જીએસએમએ)' દ્વારા ગયા વર્ષે જ પ્રથમ વખત ઈન્ટરનેટ ઓફ થિંગ્સની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી.

કેમ કે ઈન્ટરનેટનો વપરાશ વધે એ સાથે જોખમો પણ વધવાના. અલબત્ત, ગમે તેવી ગાઈડલાઈન છતાં પણ પ્રાઈવસીનો ભંગ થવા સહિતના અનેક જોખમો તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સના રસ્તામાં આડા ઉભા જ છે. પણ પછી તો લોકોએ પોતાએ નક્કી કરવાનું હોય, ઈન્ટરનેટને જીવનમાં કેટલું અપનાવવું?

અમેરિકા-યુરોપના સમૃદ્ધ દેશોમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો સૌથી વધુ ઉપયોગ ઘરને 'સ્માર્ટ હોમ' બનાવવા માટે થઈ રહ્યો છે. ઘરના ફળિયામાં રહેલો ફૂવારો કેટલા વાગે શરૃ થશે, ફ્રીજના તાપમાનમાં કેટલા વાગે ફેરફાર કરવો, સાંજ પડયે આવતા મોડું થાય તો મોટી લાઈટને બદલે નાનો બલ્બ ક્યારે શરૃ કરવો.. વગેરે ગોઠવણી આપોઆપ થઈ જાય.

કેમ કે આ બધી ચીજો ઈન્ટરનેટથી જોડાયેલી હોય છે. આવા ઘર વધી રહ્યાં છે એટલે હવે અમેરિકાને ચિંતા પેઠી છે. શેની ચિંતા? જેમ વધુ ઉપકરણો ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય તેમ જાસૂસી કરવી સરળ થઈ પડે, તેની ચિંતા.

અત્યારે આમેય ગૂગલ અને ફેસબૂક જેવી ઈન્ટરનેટ જાયન્ટ કંપની તો સતત આપણી જાસૂસી કરે જ છે. મોબાઈલ નંબર દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયો હોય, એક વખત અમદાવાદ-ગોવા ફ્લાઈટ સર્ચ કરો તો ગોવામાં ક્યાં રહેવુ તેના ઓપ્શન સતત સ્ક્રીન પર બતાવ્યા કરે, કોઈ નવી રેસ્ટોરાંમાં નાસ્તો-પાણી કર્યું હોય તો ગૂગલ તુરંત પૂછશે કે તમારે આનો રિવ્યુ લખવો છે? ફૂડ કેવું છે? કેટલા સ્ટાર આપશો? ફોટો અપલોડ કરશો?

આ બધુ એક પ્રકારની જાસૂસી છે, પરંતુ જ્યાં સુધીએ આપણને નડતી નથી, ત્યાં સુધી આપણને એવુ લાગે છે કે ગૂગલ તો માહિતી એકઠી કરી રહ્યું છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે આ જોખમો વધવાના જ. માટે હવે તેનો ઉપયોગ કેમ કરવો તેના ધારા-ધોરણો પણ નક્કી થવા લાગ્યા છે.

જેમ કે યુરોપિયન સંઘની ઈન્ટરનેટ સુરક્ષા સંસ્થાએ એક નિયમ એવો બન્યો છે કે ઈન્ટરનેટ સાથે જોડાયેલી ચીજો પર અલગ પ્રકારના લેબલ લગાડવા (જેમ કે આપણે ત્યાં વેજ-નોન વેજ માટે રાતું અને લીલું ટપકું કરવામાં આવે છે). એટલે દૂરથી જ આ પ્રોડક્ટ ઓનલાઈન છે કે ઓફલાઈન એ જાણી શકાય.

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કે એવરિથિંગ?

રસ્તા પર ફરતી બે (કે જેટલી હોય એટલી) કારમાં જીપીએસ હશે, ઈન્ટરનેટ ચાલુ હશે, તો પછી કદાચ અથડામણ પણ ટાળી શકાશે. કેમ કે ઈન્ટરનેટ જ ડ્રાઈવરને એલર્ટ કરશે કે બ્રેક મારો.. આગલી ગાડી સાથે અથડામણ થશે.. એવી સૂચના મળે એ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ હશે.

બારીમાંથી સૂર્ય-પ્રકાશ આવવાની શરૃઆત થશે એટલે નાઈટ-લેમ્પ આપોઆપ બંધ થઈ જશે એ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ હશે.

ગૃહિણીઓ એમ કહેતી હોય કે છોકરાં ઉછેરવા, સવારનો નાસ્તો તૈયાર કરવો, ઘરકામ પતાવવું.. કેટલા કામ અમારે એક સાથે કરવા.. એને બદલે એમ કહી શકશે કે ઉગમણી દિવાલ, બાલ્કનીમાં ઉગાડેલા ફૂલ-છોડ, રૃમનું તાપમાન.. એમ એક સાથે કેટલા બધા ડિવાઈસનું મારે ધ્યાન રાખવું! એ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ હશે.

અને એ રીતે સર્વત્ર ઈન્ટરનેટનો વપરાશ થવા માંડશે એટલે પછી ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું નામ બદલીને કરવું પડશે 'ઈન્ટરનેટ ઓફ એવરિથિંગ.'


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments