Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર - લલિત ખંભાયતા

ડાર્વિન, ગીરના સિંહ અને ઘૂડખર વચ્ચેની સંબંધકથા

ડાર્વિનની થિયરી ખોટી છે, એવું કહીને લોકપ્રિયતા હાંસલ કરી શકાય પરંતુ થિયરી ખોટી સાબિત નથી થતી. ડાર્વિન ભારત ક્યારેય આવ્યા ન હતાં, પણ તેમને ભારતના વન્ય-જીવમાં રસ જરૃર પડયો હતો..

ધરતી અંગે સમજણ આપતો ડાર્વિનનો ધરતીની પ્રદક્ષિણા જેવો પ્રવાસ

બિગલ પર સવારી કરી ત્યારે ડાર્વિન બહુધા કામ-ધંધા વગરના આંટા-ફેરા કરતા યુવાન હતા. માટે કોઈએ કહ્યું એટલે જહાજમાં ચડી ગયા. અજાણતાં શરૃ થયેલી એ ઐતિહાસિક યાત્રા હતી. સપ્ટેમ્બર ૧૮૩૧થી શરૃ કરીને ઓક્ટોબર ૧૮૩૬ સુધીના લગભગ ૫૫ મહિના સુધી પ્રવાસ ચાલ્યો હતો. એ દરમિયાન ૧૮ મહિના દરિયા પર, ૩૯ મહિના જહાજ જ્યાં ઊભું રહે એ જમીન પર પસાર થયા હતા.

લાંબો પ્રવાસ ડાર્વિને માત્ર ૯૦ ફીટ લંબાઈ અને ૨૪ ફીટ પહોળાઈ ધરાવતા જહાજમાં કર્યો હતો. ડાર્વિન સિવાય જહાજ પર બીજા ૭૩ પ્રવાસી હતા. એ મૂળ તો નૌકાદળ માટે સર્વે કરનારું જહાજ હતું. પરંતુ ડાર્વિનના પ્રવાસ પછી જહાજને પણ વિખ્યાતિ મળી. ઈતિહાસના સૌથી પ્રખ્યાત જહાજમાં આજે બિગલની ગણતરી કરવામાં આવે છે.

એ જહાજની અનેક રેપ્લિકા એટલે કે પ્રતિકૃત્તિ તો હવે માર્કેટમાં રમકડાં તરીકે મળે છે. પરંતુ ૨૦૧૧માં ચીલીમાં બિગલની અસલ કદ જેવડી જ પ્રતિકૃત્તિ બનાવાની શરૃઆત થઈ છે. હજુ સુધી એ જહાજ જોકે બન્યું નથી.

બિગલને પ્રસિદ્ધિ મળી પરંતુ તેના આત્માને શાંતિ નથી મળી. કેમ કે ડાર્વિને પ્રવાસ કર્યા પછી બિગલ કેટલાક વર્ષ સુધી કાર્યરત રહ્યું. પરંતું અંતે તેનું શું થયું તેના પાક્કા પૂરાવા મળતા નથી. જહાજ ક્યાંય તોડી પડાયું હતું કે ડૂબી ગયું હતુ એ અંગે મતમતાંતરો ચાલતા હતા. જોકે છેલ્લી માહિતી પ્રમાણે બ્રિટનની જ એક રોંચ નામક નદીમાંથી તેના અવશેષો મળ્યાં હતા. માટે હાલ તેને બિગલનું અંતિમ સ્થાન માની લેવાયું છે.

૮ ડિસેમ્બર, ૧૮૫૫

કલકત્તાથી એડવર્ડ બ્લિથે લંડનમાં ચાર્લ્સ ડાર્વિનને પત્ર લખ્યો. એડવર્ડ મૂળ તો બ્રિટિશર હતા, પણ તેમની નોકરી ભારતમાં હતી. કલકતાની 'એશિયાટિક સોસાયટી'માં તેઓ ઝૂઓલોજિસ્ટ એટલે કે પ્રાણીશાસ્ત્રી હતા. ભારતનાં પ્રાણીઓ વિશેનું તેમનું જ્ઞાાન ઘણું સારું હતું. માટે લંડનમાં બેઠા બેઠા કોઈને ભારતના  વન્યજીવન વિશે માહિતી જોઈતી હોય તો એડવર્ડને પૂછવું પડતું હતું.

આઠમી ડિસેમ્બરે એડવર્ડે સવા હજાર કરતાં વધુ શબ્દોનો લાંબો પત્ર સર ચાર્લ્સ ડાર્વિનને લખ્યો હતો અને એમાં ભારતનાં વિવિધ પ્રાણીઓ વિશે માહિતી લખી મોકલી હતી. આખો પત્ર ભારતના વિવિધ પ્રાંતનાં વિવિધ પ્રાણી વિશેનો જ હતો. પણ એક-બે લાઈન આપણને ગુજરાતી તરીકે રસ પડે એવી છે.

એડવર્ડે લખ્યું છે : 'તમારા આગ્રહ પછી મેં હમણાં જ એશિયાઈ સિંહો વિશે લાંબો લેખ લખ્યો છે અને એ હવે પ્રિન્ટમાં પણ જતો રહ્યો છે. વધુમાં મેં જંગલી ગધેડા (વાઈલ્ડ એસ) પર પણ લખ્યું છે. આ પ્રાણી માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, તેવી મારી ધારણા છે. તેને અડધો ઘોડો પણ કહી શકાય. તિબેટમાં જોવા મળતાં ક્યાંગ જેવાં દેખાતાં આ પ્રાણી રાજપુતાના, કચ્છ અને ગુજરાત (પત્રમાં વપરાયેલા સ્પેલિંગ આવા છે - Guzerat,Rajputana Cutch) વચ્ચેના સુક્કા પ્રદેશનાં રહેવાસી છે.'

એડવર્ડે પછી તો પત્રમાં આગળ-પાછળ બીજી ઘણી વાતો લખી છે. પરંતુ આ થોડાં વાક્યો પરથી એ સાબિત થાય છે કે ભારત ક્યારેય ન આવનારા ચાર્લ્સ ડાર્વિનને દોઢસો-પોણા બસ્સો વર્ષ પહેલાનાં યુગમાં ય ભારતનાં પ્રાણી-પક્ષી વિશે જાણવામાં રસ હતો. કેમ કે પત્રમાં લખ્યું છે એ પ્રમાણે ડાર્વિને જ એડવર્ડને આગ્રહ કર્યો હતો કે તમે 'ડોમેસ્ટિક કેટ (બિલાડકુળના વાઘ-સિંહ જેવાં પ્રાણી)' વિશે લખો. એ પછી એડવર્ડે લખ્યું કે સિંહ વિશે તો હું હમણાં જ લખી ચૂક્યો છું.

જાન્યુઆરી મહિનામાં કેન્દ્રના જુનિયર મંત્રી સત્યપાલ સિંહે એવું નિવેદન આપ્યું કે ડાર્વિનની થિયરી સાચી માનવાની જરૃર નથી. કેમ કે કોઈએ વાનરમાંથી માનવનું સર્જન થતા જોયું નથી. એ પછી સત્યપાલ સિંહના નિવેદનનો દેશ-પરદેશના વિજ્ઞાાનીઓએ વિરોધ કર્યો. સત્યપાલને થોડી પબ્લિસિટી મળી ગઈ, ભારતની બદનામી થઈ અને વાત પૂરી થઈ ગઈ.

ડાર્વિનની થિયરી ખોટી છે, એમ કહીને લાઈમલાઈટમાં આવવાનો ટ્રેન્ડ જૂનો છે. પશ્ચિમના દેશોમાં પણ ઘણા લોકોને કમત સૂઝે ત્યારે ડાર્વિન ખોટા હતા એવુ કહી દે.. પરંતુ એમ કહેવાથી ડાર્વિન કે તેની થિયરી ખોટી સાબિત થતી નથી, ક્યારેય થઈ શકશે નહીં.

પૃથ્વી પર લાખો પ્રકારના સજીવ રહે છે. એ બધા સજીવ પહેલી વાર ક્યાંથી-કઈ રીતે આવ્યા હશે? આખું યુરોપ અંધકારયુગમાં ડૂબેલું હતું ત્યારે એમ મનાતું હતું કે બધા સજીવો અચાનક જ પૃથ્વી પર પ્રગટ થયા. કેમ કે બાઈબલમાં એવું લખ્યું હતું. એ વાત ખોટી હોવાનું ઘણા વિદ્વાનો જાણતા હતા, પરંતુ તેમની પાસે પુરાવા ન હતા.

પુરાવા આપવાનું કામ પહેલી વખત ચાર્લ્સ ડાર્વિને ૧૮૫૯માં પોતાના પુસ્તક 'ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસિસ' દ્વારા કર્યું. આ પુસ્તકમાં ડાર્વિને વર્ણવ્યું કે કોઈ સજીવ રાતોરાત પ્રગટે એવું બિલકુલ શક્ય નથી. પહેલાં એકકોષી જીવ પ્રગટયાં, પછી તેમાંથી દ્વિકોષી જીવ થયા.. દરિયાના પાણીમાં સજીવ પ્રગટયા અને પછી પૃથ્વી પર આવ્યા.. એ ક્રિયા કરોડો વર્ષ સુધી ચાલી અને છેવટે આજના જેવી જીવસૃષ્ટિ રચાઈ.

ડાર્વિનની થિયરીનો મહત્ત્વનો ભાગ પર્યાવરણ સાથે સુમેળ સાધવા અંગેનો હતો. એટલે કે સજીવ જ્યાં જન્મે ત્યાં જેવું વાતાવરણ હોય એવા થઈને રહેવું પડે.. બાકી લાઈફલાઈન ટૂંકી થઈ જાય. એ માટે ડાર્વિને પોતાના પુસ્તકમાં ગાલાપાગોસ ટાપુના ચકલી જેવા ફિન્ચ નામના પક્ષીનું બહુ જાણીતું ઉદાહરણ નોંધ્યું હતું.

ગાલાપાગોસના વિવિધ ટાપુઓ પર રહેતા એક જ પ્રજાતિના પક્ષીની ચાંચ અલગ અલગ હતી. કેમ? કે દરેક ટાપુનું વાતાવરણ-પર્યાવરણ અલગ અલગ હતું. કોઈક ચકલીને લાકડું તોડીને ઉધઈ કાઢવી પડતી હતી માટે મજબૂત ચાંચ હતી, કોઈ પક્ષીને દરમાં ચાંચ ખોસવી પડતી હતી માટે એ ચાંચ ઝીણી હતી, કોઈની ચાંચ ક્રેન જેવી વળાંકદાર હતી, કેમ કે તેણે ખોરાક ઉઠાવવો પડતો હતો. ટૂંકમાં એ જ પ્રજાતિના અને એક જ ટાપુ સમૂહના અલગ અલગ ટાપુ પર રહેતાં હોવા છતાં ફિન્ચ પક્ષીની શરીર-રચના પ્રમાણે દરેક ટાપુની જરૃરિયાત પ્રમાણે નાનો-મોટો ફેરફાર હતો.

પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની એટલે કે જેવા સાથે તેવાં થઈને રહેવાની વાત ડાર્વિને વિસ્તારપૂર્વક વર્ણવી સમજાવ્યું કે જ્યાં જેવું વાતાવરણ હોય ત્યાં એવા સજીવો પેદા થાય. અને પેદા થયેલા સજીવોએ વાતાવરણ પ્રમાણે પોતાના શરીરને ઘડવું પડે. જેમ કે મનુષ્યને હવે પૂંછડાની જરૃર નથી, માટે શરીરમાંથી એ અંગ નાશ પામ્યું છે પણ ક્યારે એપેન્ડિક્સ તરીકે ઊગી નીકળે છે. એવાં પરિવર્તનો ન થાય તો જે-તે પ્રજાતિના પેઢીનામાનો અંત આવતાં વાર ન લાગે.

એ થિયરી આજે આખી દુનિયામાં સ્વીકારાયેલી છે અને ઉપરકોટના કિલ્લા જેવી મજબૂત રીતે ઊભી છે, જેની કાંકરી પણ કોઈ ખેરવી શકતું નથી.

ડાર્વિને થિયરી રજૂ કરી એ પહેલાં બહુ જાણીતો વિશ્વપ્રવાસ કર્યો હતો. બ્રિટનના પ્લેમાઉથ બંદરેથી ૧૮૩૧ની ૨૭મી ડિસેમ્બરે 'એચએમએસ બિગલ' નામના જહાજમાં બેસીને ડાર્વિન સહિતનો કાફલો ઊપડયો હતો. ઓસ્ટ્રેલિયાથી હિન્દ મહાસાગરમાં પ્રવેશ્યા પછી જહાજે ઓસ્ટ્રેલિયાના તાબાના પરંતુ ઈન્ડોનેશિયાની વધુ નજીક એવા કોકો આઈલેન્ડની મુલાકાત લીધી હતી.

ત્યાંથી જહાજે ઉત્તર તરફ સફર કરી હોત તો તેમને ભારતના કાંઠે ક્યાંક ભારતીય પ્રજાની મહેમાનગતિ માણવાનો મોકો મળ્યો હોત. પરંતુ જહાજ સીધું મોરેશિયસ તરફ આગળ વધ્યું.

૧૮૩૬ની ૩૦મી એપ્રિલે બિગલ જહાજ મોરેશિયસના કાંઠે લંગાર્યું. ડાર્વિન સહિતના જહાજી લાંબી દરિયાઈ સફર પછી જમીન પર ઊતર્યાં. આ ટાપુ હિન્દ મહાસાગર મધ્યે આવેલો હોવાથી ડાર્વિને એવું માની લીધું કે અહીંની પ્રજા પણ ભારતીય છે.

માટે ડાર્વિને એ પછી પોતાનાં સંસ્મરણોમાં લખ્યું : 'આ લોકોને મળ્યા પહેલા મને અંદાજ જ ન હતો કે ભારતના લોકો આટલા બધા પ્રેમાળ હશે.' જોકે ભારતીય માની લેવાનું એક કારણ ચામડીનો અશ્વેત કલર હતો. કેમ કે બ્રિટનમાં ઊછરેલા ડાર્વિને આવા કલરના લોકો ક્યારેય જોયા ન હતા. એટલે ઘઉંવર્ણા ચહેરા પર સફેદ મૂછ જોઈને પણ ડાર્વિનનેે ભારે રમૂજ થઈ હતી.

ડાર્વિનને ભારત આવવાની ઈચ્છા થઈ ન હતી કે જરૃર પણ પડી ન હતી. ઉત્ક્રાંતિવાદ જેવો મહત્ત્વનો અને પ્રકૃતિનું મહાભારત રજૂ કરતો સિદ્ધાંત આપવાનો હોય ત્યારે ભારત જેવા પ્રાકૃતિક વૈવિધ્ય ધરાવતા દેશનો અનુભવ લેવાનું ડાર્વિને કેમ બાકાત રાખ્યું હશે એવો સવાલ પણ થાય. તેનો જવાબ બ્રિટિશ સત્તાની પહોંચમાં રહેલો છે. ભારત પર બ્રિટનનું શાસન હતું અને અનેક બ્રિટિશ અધિકારી હિન્દની ભૂમિ પર હતા. માટે બ્રિટનમાં બેઠેલા કોઈ ડાર્વિન જેવા વિદ્વાનને ભારતની માહિતી જોઈતી હોય તો ધક્કો ખાવાને બદલે સરળતાથી મંગાવી શકે એમ  હતા.

ડાર્વિને પણ એમ જ કર્યું હતું. એડવર્ડ બ્લિથ જેવા વિદ્વાનો સાથે એટલે જ તેમનો નિયમિત પત્રવ્યવહાર ચાલતો હતો. માત્ર માહિતી નહીં, પશુ-પક્ષીના અભ્યાસ માટે તેનું હાડપિંજર કે મૃતદેહ પણ બ્રિટન મોકલવામાં આવતા હતા. માટે ડાર્વિન ભારત ધક્કો ખાય કે ન ખાય તેમની ભારત અંગેની જાણકારી પાક્કી હતી.

એડવર્ડ બ્લિથે લખેલા બીજા પત્રોમાં પણ ભારતની ઘણી વન્ય સૃષ્ટિ વિશે જાણકારી ડાર્વિન સુધી પહોંચાડી હોવાના ઉલ્લેખ છે. જેમ કે ઘૂડખર વિશે પાછળથી બ્લિથને વધુ માહિતી મળી તો એ બીજા પત્રોમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. જંગલી ગદર્ભની માફક ભારતનું પશુધન કેવું છે, તેની જાણકારી ડાર્વિન સુધી એડવર્ડે પહોંચતી કરી હતી. બાકી તો ભારતમાં જોવા મળતાં કાગડા, વાનર, હંસ, ભારતનાં કબૂતર..વગેરેની માહિતી વિવિધ પત્રોમાં લખી મોકલી હતી.

૧૮૫૫માં ડાર્વિન અને એડવર્ડ વચ્ચે પત્રવ્યવહાર ચાલુ થયો હતો અને પછી તો એ વરસો-વરસ ચાલ્યા કર્યો. જોકે એડવર્ડ ભારતમાં હતા, ડાર્વિન દસેક હજાર કિલોમીટર દૂર બ્રિટનમાં એટલે બન્ને વચ્ચે ક્યારેય મુલાકાત થઈ ન હતી. આજીવન તેમણે એકબીજાનું મોઢું જોયું જ ન હતું!

ડાર્વિન અને એડવર્ડ વચ્ચે કાગળ-પત્ર શરૃ થયા ત્યારે ડાર્વિનની ખાસ ઉત્કંઠા ભારતના વૈવિધ્યપૂર્ણ પશુધન અંગે જાણકારી મેળવવાની હતી. પછી તો જરૃર પડી એ પ્રમાણે એડવર્ડે ડાર્વિનને મોટી સંખ્યામાં ભારતીય પક્ષીઓના અવશેષો, મસાલો ભરેલા મૃત શરીર મોકલ્યાં હતાં. એ બધાં શરીર હવે લંડનના 'મ્યૂઝિયમ ઓફ બર્ડ'માં સચવાયેલાં છે.

ડાર્વિને પણ એડવર્ડના ઋણનો સ્વીકાર કર્યો છે. 'ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસિસ' અને 'ધ ડિસેન્ટ્સ ઓફ મેન' બન્ને પુસ્તકોના સંદર્ભમાં ડાર્વિને બ્લિથ અને તેણે મોકલાવેલી ભારતની માહિતી ટાંકી છે. ડાર્વિને એમ પણ લખ્યું છે, 'એડવર્ડનના જ્ઞાાનના ખજાનાનો મને ખૂબ લાભ મળ્યો છે. માટે મારા મનમાં તેમના માટે ઊંચું માન છે.'

બ્લિથ જેવા જ બીજા ઈન્ફોર્મર ડાર્વિન માટે જોસેફ હૂકર હતા. વનસ્પતિશાસ્ત્રી અને ધરતી ખૂંદનારા બ્રિટિશ હૂકર ૧૮૪૭થી ૧૮૫૧ સુધી ભારતમાં આવ્યા હતા અને હિમાલય પગતળે કર્યો હતો. હિમાલયના છોડ-વેલા અંગેનો તેમણે અભ્યાસ રજૂ કર્યો હતો. ત્રીજા ઈન્ફોર્મર હતા જોન માલ્કમ ગ્રાન્ટ નામના તબીબ અને જિઓલોજિસ્ટ. એમણે ડાર્વિનને કેરળના કાંઠે થતા શંખ-છીપલાના નમૂના મોકલ્યા હતા.     

ચોથા ઈન્ફોર્મર જનરલ વિલિયમ કલાન હતા. કેરળમાં નિયુક્ત થયેલા કલાનને પુરાતત્ત્વમાં વધારે રસ હતો. દરિયાઈ શંખ-છીપલાની જાણકારી માટે ખુદ ડાર્વિને જ જનરલ કલાનનો સામેથી સંપર્ક કર્યો હતો.

ડાર્વિનકાળમાં ભારતમાં ઘણા લોકો એવા હતા, જેમને ઉત્ક્રાંતિની એ કથામાં રસ પડતો હતો. એક વખત તો ભારતના એ જમાનાના બહુ જાણીતા સન્યાસી કલકતા ઝૂની મુલાકાતે ગયા હતા. ઝૂમાં અજગરને જોયા પછી સન્યાસીએ પોતાના શિષ્યોને કહ્યું પણ ખરા કે આ કાચબા છે એ કદાચ અજગરમાંથી ઊતરી આવ્યા હશે.

કેમ કે બન્નેની ચામડીમાં ઘણું સામ્ય છે. સંન્યાસીને ડાર્વિનની થિયરીની થોડી-ઘણી જાણકારી હતી, માટે તેમને કાચબા અને અજગર વચ્ચે વૈજ્ઞાાનિક સંબંધ સ્થાપિત કરવાનો વિચાર આવ્યો, પછી ભલે એ વિચાર સાચો હોય કે ખોટો.. પણ એ સંન્યાસી આજે બહુ જાણીતા છે, કેમ કે તેમનું નામ સ્વામી વિવેકાનંદ હતું!

વિશ્વના ઘણા ધર્મગ્રંથોમાં જીવનની ઉત્ત્પતિ વિશે ચમત્કારિક કથા રજૂ કરવામાં આવી છે. પરંતુ ધર્મગ્રંથ અને વિજ્ઞાાનની ભેળસેળ કરવાની ન હોય. દોઢસો વર્ષ પહેલાંના એ યુગમાં જ્યારે ચો-તરફ અંધશ્રદ્ધાની બોલબાલા હતી, ત્યારે ડાર્વિને બ્લિથ, આલ્ફ્રેડ વાલેસ જેવા અનેક મિત્રોની મદદથી 'થિયરી ઓફ ઈવોલ્યુશન (ઉત્ક્રાંતિનો સિદ્ધાંત)' રજૂ કર્યો. આજે એ સિદ્ધાંતની ગણતરી પૃથ્વી પરના અત્યંત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોમાં થાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments