Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

જૈન સાહિત્યમાં હનુમાન

જૈન રામાયણમાં હનુમાનના છ પૂર્વભવોની ઘટનાનો ઉલ્લેખ મળે છે. એમના આ છ પૂર્વભવોમાં ત્રણ સ્વર્ગ લોકમાં થયેલા ભવો છે, અને ત્રણ મનુષ્ય લોકના ભવ છે

જે જે દેશમાં ભારતવાસી ગયા, એ દેશમાં એમની સાથે રામચરિત લઈ ગયા છે. જ્યાં જ્યાં રામકથા પહોંચી, ત્યાં ત્યાં અંજનીના મહાન પુત્ર હનુમાનની કથા પહોંચી છે. હનુમાનનું શૌર્ય અને પરાક્રમ, દૂરદર્શી બુદ્ધિમત્તા, પાંડિત્ય અને સમર્પણશીલ રામભક્ત તરીકેનું આદર્શ ચરિત્ર સહુને વિદિત છે.

હનુમાન એ સંગીતશાસ્ત્રના પ્રધાન પ્રવર્તક ગણાય છે અને સંત રામદાસે તો હનુમાનને 'સંગીતજ્ઞાાનમહંત' કહ્યા છે, જ્યારે એ જ રીતે હનુમાને સાક્ષાત્ સૂર્યનારાયણ પાસેથી શાસ્ત્રજ્ઞાાન મેળવેલું હતું અને એ જાણવું રસપ્રદ બનશે કે સંસ્કૃત સાહિત્યનું સૌથી મોટું નાટક 'હનુમન્નાટક'ની રચના હનુમાને કરી હતી.

ચૌદ અંકમાં રામના જન્મથી શરૃ કરીને રામના રાજ્યાભિષેક અને સીતાત્યાગ સુધીની કથા આ વિશાળકાય નાટયરચનામાં ગૂંથવામાં આવી છે અને એના મૂળ રચયિતા તરીકે હનુમાનનું નામ મળે છે, ઉદ્ધારમાં રાજા ભોજનું નામ અને સંદર્ભ- સંયોજકમાં દામોદર મિશ્રનું નામ છે. ગોસ્વામી તુલસીદાસે પણ 'રામચરિત માનસ'માં હનુમન્નાટકની કેટલીક સુંદર ઉક્તિઓ લીધી છે. જો કે કેટલાકના મતે ગુજરાતમાં કે ગુજરાતની નજીકના પ્રદેશમાં તેરમી સદીમાં રચાયેલું છે.

પણ નમ્રતા, નિરભિમાનતા અને દીનતાના ગુણો ધરાવતા શ્રી રામના આદર્શ સેવકનું ચરિત્ર પ્રાકૃત ભાષામાં લખાયેલા જૈન સાહિત્યમાં પણ મળે છે અને તે પણ કોઈ માત્ર એક કૃતિમાં નહીં, બલ્કે 'પઉમચરિય', 'પદ્મપુરાણ', 'ઉત્તર પુરાણ' અને 'ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત' જેવા ગ્રંથોમાં મળે છે. આચાર્ય રવિષેણ, વિમલસૂરી, સ્વયંભૂ અને કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય જેવા સર્જકોની કૃતિઓમાં હનુમાનનું ચરિત્ર જોવા મળે છે.

જેમ હિંદુ સાહિત્યમાં 'મહાભારત' અને 'રામાયણ' છે, એ રીતે જૈન સાહિત્યમાં પણ 'જૈન મહાભારત' અને 'જૈન રામાયણ' મળે છે. પ્રાકૃત સાહિત્યના જુદા જુદા જૈનાચાર્યોએ પ્રાકૃત ભાષા અને જૈન કાવ્ય પરંપરામાં રામકથાનું ઉત્કૃષ્ટ આલેખન કર્યું છે. એમાં પણ 'પઉમચરિય' એક એવી જૈન કૃતિ છે કે જેમાં વિમલસૂરિએ અતાર્કિક બાબતોને અળગી રાખીને ઉદાત્ત ભૂમિકા પર રામચરિત પ્રસ્તુત કર્યું છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે વાલ્મીકિ રામાયણના કથાવસ્તુનું વિશેષ સંશોધન કરીને વાસ્તવિક ભૂમિકા પર એને યથાર્થ રીતે આલેખ્યું છે.

જૈન ધર્મમાં પ્રત્યેક તીર્થંકરના સમયમાં એક કામદેવ હોય છે, જે પોતાના રૃપ, બળ, વિદ્યા આદિથી લોકપ્રિય બને છે. જૈન ધર્મના વીસમા તીર્થંકર સુવ્રતનાથસ્વામીના સમયમાં હનુમાનને કામદેવરૃપે બતાવવામાં આવ્યા છે. અહીં એમને વાનરવંશના બતાવવામાં આવ્યા નથી, પરંતુ એમના વંશના રાજ્યધ્વજમાં વાનરનું ચિહ્ન હોવાથી તેમનું કુળ વાનરવંશના નામે વિખ્યાત બન્યું હતું એમ કહેવાયું છે.

જૈન રામાયણમાં હનુમાનના છ પૂર્વભવોની ઘટનાનો ઉલ્લેખ મળે છે. એમના આ છ પૂર્વભવોમાં ત્રણ સ્વર્ગ લોકમાં થયેલા ભવો છે, અને ત્રણ મનુષ્ય લોકના ભવ છે. આમાં મળતા છ પૂર્વ ભવો આ પ્રમાણે છે. સિંહવાહન રાજપુત્રનો ભવ, સ્વર્ગના દેવોનો ભવ, દમયંત રાજપુત્રનો ભવ અને એમનો હનુમાન પૂર્વે છેલ્લો છઠ્ઠો ભવ તે લાન્તવ સ્વર્ગના દેવનો ભવ છે.

'પઉમચરિય' અને 'પદ્મપુરાણ'માં આલેખાયેલી હનુમાનની કથાઓમાં થોડી ભિન્નતા છે, પરંતુ મૂળરૃપે તો કથા એક સમાન છે. આ કથા કહે છે કે, અંજનાની કૂખે હનુમાનનો જન્મ થયો ત્યારે આખી ગુફા સોનેરી પ્રકાશથી પ્રકાશિત થઈ ગઈ હતી અને હનુમાનના પિતા તરીકે આદિત્યપુરના રાજકુમાર પવનંજય અને મહેન્દ્રપુરની રાજકુમારી અંજનાસુંદરીને બતાવવામાં આવ્યા છે.

'પઉમચરિય' અનુસાર હનુમાનનો જન્મ રવિવારના દિવસે ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીએ થયો હતો અને નવજાત શિશુના હાથ-પગમાં હળ, કમળ, વજ્ર, માછલી જેવા શુભચિહ્નો અંકિત હતાં. જ્યોતિષ અનુસાર કુંડળી સર્વપ્રકારે શુભ હતી અને એની કુંડળીમાં 'બ્રહ્મયોગ' હતો. 'પઉમચરિય' નોંધે છે કે હનુમાનના જન્મ પૂર્વે એક સાધુએ અંજનાસુંદરીને કહ્યું હતું કે, 'તમારો પુત્ર જગતમાં અત્યંત પ્રસિદ્ધ થશે. વિદ્યાધરોની રિદ્ધિ અને સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરશે.'

હનુમાનનાં વિવિધ નામો જૈન ગ્રંથોમાં મળે છે. એમના જન્મ પછી એમની માતા એમને લઈને હનુપૂર આવ્યા, ત્યારે અંજનાસુંદરીના મામા પ્રતિસૂર્યકે એમનું નામ 'હનુમાન' રાખ્યું. વિમાનમાંથી પડવા છતાં એમના શરીરના આઘાતથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા, તેથી એમનું બીજું નામ 'શ્રી શૈલ' રાખ્યું હતું. પવનસૂત અને અંજનાનો પુત્ર હોવાથી એમનું નામ 'આંજનેય' રાખવામાં આવ્યું અને 'પઉમચરિય'માં સ્વયંભૂ કહે છે તેમ શ્રીશૈલ ઉપરાંત 'હનુવંત' અને 'સુંદર' એવું પણ એમનું નામ મળે છે. અને નોંધે છે કે તેઓ અત્યંત સુંદર અને રૃપવાન હોવાથી દુનિયા એમને સુંદર કહેતી હતી.

આચાર્ય ગુણભદ્રના 'ઉત્તરપુરાણ'ના અડસઠમા પર્વમાં મળતી રામકથામાં હનુમાનનું ચરિત્ર મળે છે. જ્યારે 'વાલ્મિકી રામાયણ' અને ગોસ્વામી તુલસીદાસના 'રામચરિત માનસ' એ બંને ગ્રંથોમાં સુન્દરકાંડ મળે છે, જેમાં વિશેષે હનુમાનજીના પરાક્રમોનું આલેખન છે. એમાં પણ તેમનું 'સુન્દર' એવું નામ મળે છે.

જૈન રામાયણ આલેખે છે કે, રામ સીતાના હરણથી શોકાતુર થઈ ગયા છે ત્યારે દ્વારપાળ સૂચના આપે છે કે, બે વિદ્યાધર આપને મળવા આવ્યા છે. રામ એમને પોતાની પાસે બોલાવે છે અને પરિચય પૂછે છે, ત્યારે સુગ્રીવ પોતાનો પરિચય આપ્યા બાદ પોતાના સાથી હનુમાનનો પરિચય આપતા કહે છે, 'આ પણ દક્ષિણક્ષેણીના વિદ્યુતકાન્ત નગરના સ્વામી પ્રભંજન વિદ્યાધરના અમિતતેજ નામના પુત્ર છે. એ ત્રણેય પ્રકારની વિદ્યાઓના જ્ઞાાતા છે. અંજના દેવી એમના માતા છે અને અખંડ પરાક્રમના ધારક છે.'

જૈન ગ્રંથ 'ઉત્તરપુરાણ'માં ગુણભદ્ર હનુમાનના પિતાનું નામ પ્રભંજન અને માતાનું નામ અંજના આપે છે અને એમનું નામ અમિતતેજ આપે છે જે વિદ્યુતકાન્તા નગરના વિદ્યાધર છે. અહીં એમણે હનુમાનનું બીજું નામ 'અણમાન' પણ કહ્યું છે અને એની પાછળની કથા એવી છે કે, એક સમયે વિદ્યાધરો કુમારોના સમૂહમાં પોતપોતાની વિદ્યાઓની પરીક્ષા યોજવામાં આવી,

ત્યારે હનુમાને 'વિજયાર્દ્ધ પર્વતના શિખર પર જમણો પગ રાખીને ડાબા પગથી સૂર્યના વિમાનને ઠોકર મારી હતી અને પછી એ જ ક્ષણે ત્રસરેણુના પ્રભાવથી શરીર અત્યંત નાનું કરી દીધું હતું. આ જોઈ બધા વિદ્યાધરો આશ્ચર્ય પામ્યા અને એમણે આનંદિત થઈ એમનું નામ 'અણુમાન' રાખ્યું.'

આમ, પ્રાકૃત સાહિત્યમાં લખાયેલા રામચરિત હનુમાનના નામના વિષયમાં અનેક કથાઓ અને તર્ક મળે છે અને એ જ પરાક્રમી અને રૃપવાન એવા હનુમાનની સાથોસાથ રામકથા સાંપડે છે.

ક્ષણનો સાક્ષાત્કાર

આકાશમાં જામેલા કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત પ્રત્યે તીવ્ર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારેય બહાર નીકળી નહિ શકું. એના કરતાં આવા દુ:ખદ આયુષ્યનો અંત આણવો વધુ સુખદ છે.

એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક કે બીજા સમયે એને ચોતરફથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતો હોય છે. અને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે, કોરી ખાતી હોય છે.

આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૃરિયાતમંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા માટે ઉમંગભેર દોડી જાવ એટલે તમે તમારી જાતમાંથી, માત્ર પોતાના વિચારોમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા. પણ હવે અન્યને મદદરૃપ થવાના વિચારથી તમારા જાતના કેન્દ્રમાંથી બહાર નીકળશો અને મદદરૃપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો.

સમય જતાં એવો અહેસાસ પણ થશે કે તમારી દુ:ખી પરિસ્થિતિ કરતા વધારે દુ:ખી એવી ઘણી વ્યક્તિઓ આ જગતમાં છે. તમને એમ લાગશે કે તમે તો માત્ર મુશ્કેલીઓના સાગરના કિનારે ઊભા છો, ત્યારે કટલીય વ્યક્તિઓ મુશ્કેલીઓના મઝધારમાં ડૂબી જવાની શક્યતા હોવા છતાં એમાંથી બહાર નીકળીને તરવાની કોશિશ કરતી હોય છે.

તમારા સ્વ-લક્ષી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર જતા રહેશે અને તમારા મનમાં જાગેલો આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી નાખશે !

મનઝરૃખો....

સામાન્ય ગરીબ ઘર પાસેથી પસાર થતા સંગીતકારને એણે રચેલી ધૂન સંભળાઈ. એને ખ્યાલ આવ્યો કે એક છોકરી આ ધૂન વગાડવા કોશિશ કરી રહી છે. આ માટે ઘણી મહેનત કર્યા બાદ છોકરીએ એના પિતાને કહ્યું, 'પિતાજી, કોઈ સંગીતકાર પાસે આ ધૂન શીખવા મળે તે કેવું સારું ?'

'બેટા, આપણા જેવા ગરીબને શીખવવા માટે તો કોણ સંગીતકાર આવે ? આપણે તો જાતે જ મહેનત કરીને શીખવાનું હોય !'

છોકરીએ કહ્યું, 'સાવ સાચી વાત છે. પિતાજી તમારી, હું તમને વચન આપું છું કે, ગમે તે થશે, તો પણ હું આ ધૂન જાતે શીખ્યા વગર રહીશ નહીં.'

પિતા- પુત્રીનો સંવાદ સાંભળીને સંગીતકારે ઘરમાં પ્રવેશ કર્યો, તો ખ્યાલ આવ્યો કે એક દ્રષ્ટિહીન છોકરી આ ધૂન વગાડવા પ્રયત્ન કરતી હતી. સંગીતકારે કહ્યું, 'મને ધૂન વગાડવાની તક આપો. હું તમારી દીકરીને આ ધૂન શીખવી દઈશ.' અને પછી ખુરશી ખેંચીને પિયાનો પાસે જઈને આ સંગીતકાર એકાદ કલાક સુધી આ ધૂન વગાડતો રહ્યો.

ધૂન સાંભળતાં જ છોકરી આનંદથી ઊછળી ઊઠી ને બોલી, 'તમે તો ખરેખર આબાદ રીતે આ ધૂન વગાડતા શીખવી દીધી. કદાચ આટલી સારી રીતે તો સંગીતકારે પણ આ ધૂન નહી વગાડી હોય !'

છોકરીની વાત સાંભળીને સંગીતકારે કહ્યું, 'બેટા, હું જ એ ધૂનનો રચયિતા બીથોવન છું અને તું મારી જ ધૂન વગાડી રહી હતી.' ૧૯મી સદીના મહાન સંગીતકાર બીથોવનના શબ્દો સાંભળીને પિતા અને પુત્રી બંને સ્તબ્ધ બની ગયા.

એ સમયે સાંજ પડી ચૂકી હતી. ઘરમાં અંધારું છવાયેલું હતું, પરંતુ ચાંદનીનો પ્રકાશ એમાં પથરાતો હતો.

મંત્રમુગ્ધ બનેલી યુવતી અને શીતળ ચાંદનીથી પ્રેરિત થઈને બીથોવને 'મૂનલાઇટ સોનાટા' નામની એક રચના કરી, જે એની વિશ્વપ્રસિદ્ધ રચના બની.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments