Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

આપત્તિના ગગનચુંબી પહાડ સામે ઊભો આઠ વર્ષનો બાળક !

આફતો ગમે તેટલી આવે, પીડા અને વેદના ગમે તેટલી સહન કરવી પડે પરંતુ મારું કામ હું મારી જાતે જ કરતાં શીખીશ અને આમિરના અંધકારભર્યા જીવનમાં એક નવી રોશનીનો ઉજાશ પથરાવા લાગ્યો

મક્કમ ઇરાદો ધરાવનાર માનવી મુસીબતોની વણજારને પણ મહાત કરી શકે છે. બાકી તમે ક્યારેય હાથ વગર ક્રિકેટ રમતા અને તેય સિકસર પર સિકસર લગાવતા ખેલાડીને જોયો છે ખરો ? વળી આ એવા ખેલાડીની વાત છે જે જમ્મુ-કાશ્મીરના દિવ્યાંગ ખેલાડીઓની ક્રિકેટ ટીમનો કામયાબ સુકાની છે. એ પગથી ફિલ્ડિંગ કરે છે. પગથી બોલિંગ કરે છે અને પગથી બેટિંગ કરે છે, અને તેમ છતાં એના બુલંદ હોંસલાને કોઈ રોકી શક્યું નથી.

દક્ષિણ કાશ્મીરના જેલમ નદીના કિનારે, શ્રીનગરથી ૪૫ કિ.મી.ના અંતરે આવેલા વૈગમ નામના ગામડાના છવીસ વર્ષની ઉંમરના રહેવાસી એવા આમિર હુસૈન પર નાની વયે આભ તૂટી પડયું. માત્ર આઠ વર્ષની ઉંમરે એણે પોતાના બંને હાથ ગુમાવી દીધા. વૈગઝમ ગામ આમ તો કાશ્મીરમાં બૅટ બનાવવા માટે વિખ્યાત છે. આ ગામના કિશોરો અને યુવાનો થોડો સમય મળે કે સહેજ તક મળેએટલે બૅટ-બોલ લઇને ક્રિકેટ ખેલવા નીકળી પડે !

૧૯૯૭માં તેના પિતાની બૅટ મેન્યુફેકટરિંગ સો મિલમાં આમિરનો કન્વેયર બેલ્ટ (મશીનો પટ્ટો)માં હાથ આવી જવાથી બંનેહાથ ઑપરેશન કરીને તાત્કાલિક કાપી નાખવા પડયા. આ દુર્ઘટના બની એ સમયે આમિર હુસૈનનો ભાઈ અને બીજા કારીગરો પોતાનું ભોજન લઇ રહ્યા હતા. આમિર કેટલાંક બાળકો સાથે કરવતી પાસે ખેલતો હતો. અચાનક એ તીવ્ર વેગે ઘૂમતા ધારદાર ચક્રમાં એનું જેકેટ ભરાઈ ગયું.

ક્ષણનો આ ખેલ હતો. શું બન્યું એ કોઈ સમજે, તે પહેલાં તો એ જોશથી કરવતી ભણી ખેંચાયો. કોઈ ધારદાર ચપ્પાથી કાકડી કાપતું હોય, તે રીતે એનો એક હાથકપાયો અને ત્યાં જ બીજો હાથ પણ કપાઈને ઊડયો. ચોતરફ લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં. એકાએક દોડધામ મચી ગઈ. એને નજીક આવેલા મકાનમાં લઇ જવાયો, તો મકાન માલિકે ઉદ્ધતાઈભર્યું વર્તન દાખવ્યું. આમિરની દશા જોઇને એમણે કહ્યું કે આ તો બિચારો મરી ગયો છે.

એને અહીંથી લઇ જાઓ. છેવટે એક વૃદ્ધ માજી એને માટે તૂટેલા પ્યાલામાં પાણી ભરી લાવ્યાં. હવે હૉસ્પિટલમાં તાત્કાલિક પહોંચવું કઇ રીતે ? ઘરમાં તો કોઈ સગવડ નહોતી. નજીકના પરિચિતો પાસે કોઈ વાહન નહોતું. ગામમાં થોડી વ્યક્તિઓ પાસે મોટર હતી, પણ એમણે આવી પરિસ્થિતિમાં મોં મચકોડી લેવાનું મુનાસિબ માન્યું.

આમિરના પડોશમાં રહેતી એક યુવતીએ આ દ્રશ્ય જોયું. લાચાર અને હતાશ થઇને દયામણા ચહેરે ઊભા રહેવાને બદલે એ કોઈ ઉપાય વિચારવા લાગી. એણે જોયું તો ગામની નજીકમાં આર્મીનો કૅમ્પ હતો. એ તત્કાળ એમની મદદ માગવા દોડી ગઈ અને આર્મીના કૅમ્પમાંથી કેટલાક સૈનિકો આવ્યા. આમિરને છાવણીમાં લઇ ગયા અને પ્રાથમિક સારવાર આપી.

બની શકે એટલી પાટાપિંડી કરી. આ સમયે કાશ્મીરમાં ભારે તંગદિલી પ્રવર્તતી હતી, આમ છતાં ભારતીય લશ્કરના સૈનિકો માનવતા દાખવીને એને શ્રીનગરની હૉસ્પિટલ જવાના અર્ધા રસ્તા સુધી લઇ ગયા. એ પછી એક ખાનગી મોટરને રોકીને તેને આમિરને હૉસ્પિટલમાં લઇ જવાનું કહ્યું. આમિરની સાથે એના કાકી અને માસી હતાં.

લશ્કરી જવાનોના કડપને કારણે એ થોડેક સુધી તો ઇજાગ્રસ્ત આમીરને લઇ ગયા, પણ પછી અધવચ્ચે મોટર રોકીને એમને ઊતરી જવાનું કહ્યું. વેદના ક્યાં એકલી આવતી હોય છે ! એનો તો પહાડ રચાતો હોય છે ! હવે આ અધવચ્ચેથી જવું ક્યાં ? આમિરની કાકીએ કરગરીને મોટર ચલાવનારને કહ્યું, પરંતુ એ એટલું જ કહેતા હતા, 'આ છોકરો તો મરી ગયો છે. એને શા માટે હોસ્પિટલમાં લઇ જવાની માથાકૂટ કરો છો ?'

પણ બન્યું એવું કે લશ્કરની કાર આ સમયે બરાબર એમની પાછળ જ આવતી હતી અને એમને ડ્રાઈવરના ઇરાદાની ખબર પડી એટલે એના પર ખૂબ ગુસ્સે થયા અને આમિરને શ્રીનગરની 'બોન એન્ડ જોઇન્ટ' હૉસ્પિટલમાં લઇ ગયા. બંને હાથ કપાઈ ગયેલો અશક્ત આમિર હૉસ્પિટલના બિછાને સૂતો હતો. પરિચિતો પણ એને ઓળખી શકે નહીં એવી એની દશા હતી.કેટલાક તો એના પિતાને સુફિયાણી સલાહ આપતા કે આ આઠ વર્ષના છોકરાનું હવે આયુષ્ય રહ્યું નથી. એ બિચારો જીવતો મરેલા જેવો છે. એને બદલે બહેતર છે કે ઝેર આપીને એને ચેનની નિંદથી સુવાડો.

ચોતરફ નિરાશા હતી. શરૃઆતમાં તો આમિર કોઇને ઓળખી શક્તો નહીં. આવે સમયે એનાં દાદીમા ફાઝી દીકરાની ઓથ બની રહ્યાં. એમણે હિંમતભેર કહ્યું, 'કોણે કહ્યું એનો દીકરો મરેલા જેવો છે. એ તો જીવતો છે અને હજી લાંબું જીવશે. એની એવી સેવાસંભાળ લઇશ કે ન પૂછો વાત.' અને દાદીના શબ્દોથી આમિરના અંતરમાં જીવવા માટેનું એક આશાકિરણ જન્મ્યું.

આમિરને ઘેર લઇ જવાયો અને એ ઘરમાં દાખલ થયો ત્યારે દાદા પોતાના પૌત્રને જોઇને એકાએક બોલી ઊઠયા, 'અરે આ શું ? આમિરના બે હાથ ક્યાં ગયા ?' આ સમયે આમિરને ખબર પડી કે કરવતીના ઝટકાથી એના બે હાથ કપાઈ ગયા છે અને હવે બે હાથ વગરની જિંદગી જીવવાનો સમય આવ્યો છે. હૉસ્પિટલમાં સારવાર લેવા માટે આમિરને ત્રણ વર્ષ રહેવું પડયું. આ સારવારના પૈસા ક્યાંથી આવે ? લોકોએ એને કહ્યું કે એના પિતાએ એની સારવાર માટે પૈસા મેળવવા માટે કુટુંબની જમીન વેચી દીધી હતી અને એમની સૉ મીલ (લાકડાં કાપવાનું કારખાનું) પણ આમિરના પિતા બશીરે એની સારવારને માટે વેચી દીધી. આમિરને જ્યારે ખબર પડી, ત્યારે એણે ખુદાનો આભાર માન્યો. ખેર !

કોઈ બીજા પાસેથી મદદ લઇને એની સારવાર કરાવવી પડી નથી ને ! હૉસ્પિટલમાં હતો ત્યારે કોઈ અંધારા ઓરડામાં કેદ હોય એવો એને સતત અહેસાસ થતો હતો. એને બહારની દુનિયામાં કશો રસ રહ્યો નહોતો. અરે ! પોતાની બાજુના પલંગમાં રહેલા દર્દી તરફ નજર પણ નાખતો નહોતો. પરંતુ હૉસ્પિટલની બહાર નીકળ્યો ત્યારે જાણે કાશ્મીરના કડકડતી ઠંડીવાળા લાંબા શિયાળા પછી કોઈ વસંત આવી ન હોય !

આમિર હૉસ્પિટલમાંથી ઘેર આવ્યો,પણ સાથે એની દુનિયા બદલાઈ ગઇ હતી. એના જીવન સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા હતા. જો જીવવું હોય તો એ પ્રશ્નાર્થો કે પડકારોને ઓળંગવા પડે. એણે પહેલો વિચાર નિશાળે જવાનો કર્યો ! ત્યારે એની માતાએ આંખમાં આંસુની સાથે એને અટકાવતાં એમ કહ્યું 'જરા વિચાર તો કર, સ્કૂલે જઇશ કઇ રીતે અને જઇશ તો કરીશ શું ?'

આપત્તિના ગગનચુંબી પહાડની સામે આમિર ખડો હતો. હવે એને ઓળંગવો કઇ રીતે ? એક એક ડગલે અને એક એક પગલે મુશ્કેલી સામે આવીને ઊભી રહેતી હતી. નિરાશા એની ચોપાસ ફેરફૂદરડી ફરતી હતી. પણ એ સમયે એનાં દાદીમા ફાઝીએ કહ્યું કે, 'એ નિશાળે જશે તો દુનિયા સાથે એનો નાતો જોડાશે. આગળ વધશે અને ભણીને ઓશિયાળી જિંદગી જીવવાનો વારો નહીં આવે.

' આમિર સ્કૂલે તો ગયો, પરંતુ આખી સ્કૂલમાં એ એક જ દિવ્યાંગ હતો. બીજા બધા નિશાળિયા સાથે એને સ્પર્ધા કરવાની હતી. આમિર મહેનત કરતો અને દાદીમા એને હિંમત આપતી, 'બસ, તું નિશાળમાં તારા વર્ગમાં જઇને બેસ એટલે પૂરતું છે.'

એ ઘેર આવ્યો ત્યારે કોઇએ કહ્યું કે એને કૂતરાને ખાવાનું આપતા હોઈએ તેમ ટેબલ પર ખાવાનું આપી દો. એ ટેબલ પરના ભોજનને કૂતરાની જેમ પોતાના મોઢા વડે ખાઈ લેશે. દાદીમાએ આ વાતનો અસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે આવી લાચારી શા માટે ?

આમીરનાં માતાપિતા રોજીરોટી રળવા માટે બીજે ગામ વસતાં હતાં ત્યારે એનાં દાદીમા માત્ર એક જ પ્રાર્થના કરતાં કે, 'અલ્લાહ, મારા દીકરાને બીજા કોઈ પર આધારિત રહેવા દેતો નહીં.' આથી જ કૂતરાની જેમ મોઢેથી ખાઈ લે તે દાદીમાને મંજૂર નહોતું. એમણે આમિરને પગથી ચમચી પકડતા શીખવી અને આમિર ચમચીથી ખાવા લાગ્યો.

ધીરે ધીરે એ મુખની મદદથી પાણીની ડોલ ઉપાડવા લાગ્યો. પગની મદદથી સ્નાન કરવા લાગ્યો. એના બે પગ એ પગ ઉપરાંત હાથ પણ બની ગયા. એનાથી એ વાળ ઓળે, કપડાં પહેરે, શેવિંગ કરે અને લખવા-વાંચવાનું શરૃ કર્યું. પોતાની જાતને સ્વાવલંબી બનાવવામાં બે વર્ષ ગયાં. પણ આમીર સહેજે પાછો પડયો નહીં.

આ સ્વાવલંબનના ઇરાદાની પાછળ એક વેદનાભરી કહાની છુપાયેલી છે. એક દિવસ સ્કૂલે જતી વખતે એના પેન્ટના ટાંકા અચાનક ખૂલી ગયા. કરવું શું ? ખૂબ ક્ષોભ અનુભવવા લાગ્યો. વિચાર કર્યો કે આવી બાબતમાં કોઇની મદદ માગવી કઇ રીતે ? આખરે હિંમત એકઠી કરીને રાહદારીઓને મદદ માટે વિનંતી કરી, પણ કોઇ એની મદદે આવ્યું નથી. સવારના દસ વાગ્યાથી અંધારું થાય ત્યાં સુધી એ ત્યાં ઊભો રહ્યો. એણે માન્યું કે અંધકાર મારી શરમની ઢાલ બની જશે અને તેથી અંધારા સમયે એણે બીજા રસ્તે ઘેર જવાનું નક્કી કર્યું.

ઘરના લોકોએ આવા કસમયે આવવા માટે ખુલાસો માગ્યો ત્યારે એણે કુટુંબ આગળ એની વીતકકથા કહી. આ સમયે બધા ભાંગી પડયા. એ દિવસે આમિરે નક્કી કર્યું કે ઓશિયાળી જિંદગી જીવવી નથી. આફતો ગમે તેટલી આવે, પીડા અને વેદના ગમે તેટલી સહન કરવી પડે પરંતુ મારું કામ હું મારી જાતે જ કરતાં શીખીશ અને આમિરના અંધકારભર્યા જીવનમાં એક નવી રોશનીનો ઉજાશ પથરાવા લાગ્યો.

(ક્રમશ:)

ક્ષણનો સાક્ષાત્કાર

ભક્તિ એટલે જીવનનો અવિરત આનંદોત્સવ. માનવહૃદયમાં ભક્તિની ભાવના જાગે ત્યારે પરમાત્મા પ્રત્યે અગાધ આદર અને અહોભાવ પ્રગટે છે. ભક્તિના ઉદય સાથે પરમ તૃપ્તિનો જન્મ થાય છે. ભક્ત-હૃદયમાં જીવનની કોઈ, કશી અતૃપ્તિ રહેતી નથી, બલ્કે સ્વજીવન પ્રત્યે પૂર્ણ સંતુષ્ટ હોય છે. ભક્ત પોતાના સર્વસ્વને પ્રભુ સમર્પિત કરે છે. આ સમર્પણભાવને કારણે જ એના હૃદયમાં અપ્રાપ્તિનો વિષાદ નથી, અતૃપ્તનો અજંપો નથી અને વૃત્તિઓએ જન્માવેલી કોઈ વ્યથા નથી.

ભક્તિતરબોળ હૃદય તો ઊંડા આનંદભાવમાં નિમગ્ન હોય છે. એને મન વર્તમાનની ક્ષણ એ સૌથી વિશિષ્ટ અને ચરમ-પરમ ધન્યતાની ક્ષણ છે. પરમાત્મા સાથે અનુસંધાન સાધીને ભક્ત વર્તમાનમાં જીવતો હોય છે. એને શિરે ભૂતકાળની નિરાશાજનક ઘટનાઓનો કોઈ બોજ હોતો નથી અથવા તો ભવિષ્યની કોઈ ફિકર કે ભીતિ હોતી નથી. આવો ભક્ત કોઈ નદી કે તળાવમાં નહીં, બલ્કે આનંદસાગરમાં ઊછળતો હોય છે.

એમાં પરમાત્માના મિલનની ભરતી આવે અને એના વિરહની ઓટ પણ આવે, છતાં એનો ભક્તિસાગર તો સદા ઘૂઘવતો રહે છે. એના પેટાળમાં પ્રાપ્તિનો પારાવાર આનંદ છલકાતો હોય છે. પરમાત્મભક્તિને માટે સઘળું છોડયું, પણ એ ત્યાગમાંથી પણ સર્વસ્વ-પ્રાપ્તિ થઇ. આ સર્વસ્વની પ્રાપ્તિનું વાણીથી વર્ણન થઇ શકે નહીં.

ભક્તિમગ્ન માનવી એના જીવનની સઘળી વેદનાઓને એમાં ડુબાડી દેતો હોય છે અને માત્ર ભક્તિની આનંદછોળ અનુભવતો હોય છે. એ ભક્તિ એને એક એવી અવર્ણનીય સૃષ્ટિમાં લઇ જાય છે કે જ્યાં ભગવાન સાથે તાદાત્મ્ય સાધીને મસ્તી અને ખુમારીથી પોતાનું જીવન માત્ર ગાળતો જ નથી, પણ ભરપૂર માણતો હોય છે. એક એવી અનુભવલાલીનો અનુભવ કરતો હોય છે કે જેના ગુલાલનો રંગ માત્ર ધૂળેટીએ જ નહીં, પણ જીવનની પ્રતિક્ષણ માણતો હોય છે.

મનઝરૃખો....

યુગસર્જક ચિત્રકાર પાબ્લો પિકાસોને અમેરિકાના કરોડપતિએ પોતાનું પોટ્રેટ બનાવવા માટે વિનંતી કરી. પાબ્લો પિકાસોએ પોટ્રેટ બનાવવાનો પ્રારંભ કર્યો અને એ બનાવતાં બે વર્ષ વીતી ગયાં. પોતાનું પોટ્રેટ જોવા આતુર કરોડપતિ વારંવાર પિકાસો પાસે માણસ મોકલીને તપાસ કરાવતો કે પોટ્રેટ તૈયાર થયું છે કે નહીં ? હવે એ ક્યારે તૈયાર થશે ? ત્યારે પિકાસો ઉત્તર આપતો, 'ભાઈ, થોડી ધીરજ રાખો. ભગવાને તમને બનાવવા માટે નવ મહિના લીધા, જ્યારે હું તો એક સામાન્ય માનવી છું એટલે તમને કહું છું કે ઓછામાં ઓછા બે ત્રણ વર્ષ થઇ જશે. પણ પોટ્રેટ તૈયાર થયે તમને તરત જાણ કરી દઈશ.'

બે વર્ષ બાદ પોટ્રેટ તૈયાર થતાં પિકાસોએ કરોડપતિને એની જાણ કરી. કરોડપતિને પોતાનું પોટ્રેટ ખૂબ ગમ્યું અને એણે એની કિંમત પૂછી. પિકાસોએ કહ્યું, 'પાંચ હજાર ડોલર'. આ સાંભળતાં જ અમેરિકન ધનપતિ ચોંકી ઊઠયો અને બોલી ઊઠયો, 'આ નાનકડો કેનવાસ અને આ થોડાં રંગો, એની કિંમત પાંચ હજાર ડોલર ? શું મજાક કરો છો તમે તો ? આ કૅનવાસ અને રંગોની કિંમત કેટલી થાય ? એ તો બજારમાં દસેક ડોલરમાં મળી જાય.'

પિકાસોએ પોતાના સહયોગીને સંકેત કર્યો કે આનાથી વધુ મોટો કેનવાસ અને આમાં વાપર્યા હોય તેટલાં રંગો લઇ આવ. સહયોગી એ લઇ આવ્યો એટલે પિકાસોએ પેલા ધનપતિને આપતાં કહ્યું, 'લો આ તમારો પોટ્રેટ અને તમારી મરજી થાય એટલી પાંચ-દસ ડોલરની કિંમત આપજો.'

કરોડપતિએ કહ્યું, 'આ કૅનવાસ અને રંગો લઇને હું શું કરું ?'

ત્યારે પિકાસો બોલ્યો, 'યાદ રાખો, કૅનવાસ પર રંગો કરવાથી તસવીર બનતી નથી. એનાથી એમાં ઘણી બીજી બાબતો હોય છે. એ પોટ્રેટમાં અમે જે પ્રગટ કરીએ છીએ, તે કૅન્વાસ કે રંગમાં હોતું નથી અને તેથી અમે એની કિંમત માગીએ છીએ.'

'ખેર ! હવે પાંચ હજારમાં પણ આ પોટ્રેટ હું તમને આપી શકીશ નહીં. પચાસ હજાર આપવા હોય તો ઠીક છે, નહીંતર આ પોટ્રેટ ભલે પડયું.'

અને એ પોટ્રેટ આખરે પચાસ હજાર ડોલરમાં વેચાયું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments