Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

જિસસ વિશેના કેટલાય રહસ્યો ૨૦૦૦ વર્ષ પછીય અકબંધ રહ્યા છે!

ઈશુખ્રિસ્ત ખરેખર કોણ હતા? તેઓ ક્યારે જન્મ્યા અને કયા સંજોગોમાં મૃત્યુ પામ્યા? તે અંગેની ભેદભરમવાળી વાતોનો વિવાદ ૨૦૦૦ વર્ષ પછી પણ શમ્યો નથી

માનવ ઈતિહાસને આકાર આપવામાં ઈશુ ખ્રિસ્તે ભજવેલી ભૂમિકા સમજવા માટે તમે શ્રદ્ધાળુ કે ખ્રિસ્તી હો એ જરૃરી નથી. કરોડો આસ્થાળુ ખ્રિસ્તીઓના આ આરાધ્યદેવ વિશે જાણવા બિનખ્રિસ્તીઓ પણ એટલા જ ઉત્સુક હોય છે જેટલા કે ધર્મિષ્ઠ  ખ્રિસ્તીઓ. 

વીસ વીસ સદી વીત્યા પછી હજારો સુધરેલા ખ્રિસ્તીઓ પણ હવે નવેસરથી એ જાણવા મથી રહ્યા છે કે તેમના ભગવાન કહેવાતા  જિસસ ક્રાઈસ્ટ ખરેખર કોણ હતા? શું તેઓ ઈશ્વરનો અવતાર હતા કે માત્ર એક ધર્મ પ્રવર્તક? તેમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તેમને ઈશ્વર જ્ઞાાન ક્યારે લાધ્યું? શું તેમને સાચે જ વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા હતા? મૃત્યુ પછી તેઓ ફરી સદેહે ઊભા થયા હતા?

આવા અનેક સવાલોનો જવાબ શોધવા છેલ્લાં બે સૈકાઓની ગહન સંશોધન ચાલે છે. કેમ્પસ ક્રુઝેડ ફોર ક્રાઈસ્ટ નામની અમેરિકન સંસ્થા લોકોમાં ભગવાન ઈશુ પ્રત્યે શ્રદ્ધા જગાવવા ઐતિહાસિક પુરાવા એકઠા કરી રહી છે. તો બીજી તરફ અનેક ધર્મનિરિક્ષકો, ઈતિહાસકારો, પુરાતત્ત્વવિદ્દો બેથલહેમમાં પ્રગટેલા ઈશુનું સાચું જીવનચરિત્ર તૈયાર કરવા મથી રહ્યાં છે.

જો કે અત્યાર સુધી મળેલા પુરાવા, સમર્થનો એકબીજાથી એટલા બધા વિરોધાભાસી છે કે ઘણીવાર પ્રશ્ન થાય કે શું ઈશું જેવી કોઈ વ્યક્તિ ક્યારેય ધરતી પર હયાત હતી ખરી? આપણે જેને ભગવાન માનતા હોઈએ તેના વિશે સમાજમાં જાત જાતના તર્કવિતર્ક થતા રહે એ પણ કેટલું વિચિત્ર કહેવાય! સ્વાભાવિક રીતે જ ઈશુ ખ્રિસ્તના જીવન વિશે જે ટીકા-ટિપ્પણી થઈ રહી છે તેનાથી ખ્રિસ્તી  અનુયાયીઓના મન દુભાય છે.

પરંતુ દેવતા સમાન આ મહાપુરૃષની આસપાસ ગૂંથાયેલા રહસ્યના જાળાને ઉકેલવાના પ્રયાસ થતા હોય તો એમાં ખોટું પણ શું છે? આખરે ઈશુ ખ્રિસ્તે પોતે પણ સમસ્ત જીવન પરમસત્યની શોધમાં જ સમપર્ણ કર્યું હતું ને!

અઢારમી સદીના અંતભાગમાં કેટલાક ફ્રેંચ વિદ્વાનો તથા ધર્મપંડિતોએ બીજા ધર્મ સાથે ખ્રિસ્તી ધર્મની તુલના કરવા તેના ઈતિહાસનો અભ્યાસ હાથ ધર્યો. ઈતિહાસકારક વીલ ડુરાન્ટે તો બહુ ઝડપથી કહી દીધું કે જિસસ ક્રાઈસ્ટ ક્યારેય હયાત હતા જ નહીં.

૧૮૦૩ માં નેપોલિયને જર્મન વિદ્યાવાનોને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો,  'ડીડ જિસસ રિયલ્લી એક્ઝિસ્ટ?' ઓગણીસમી સદીના પૂર્વાધમાં તો બુ્રનો,  બોઅર, વિલ્હેમ બોસેટ, કેલ્થોફ જેવા કેટલાય ઈતિહાસકારો,  વિદ્વાનોએ સંશોધન, સમર્થન અને જૂનાં ધર્મ-પુસ્તકોમાંથી મેળવેલા તારણોને આધારે શંકા વ્યક્ત કરવા માંડી કે શું ઈશું સાચે જ ઈશ્વરનો અવતાર હતા?

ઈશુના જીવનવૃત્તાંત સાથે તેમણે આપેલા ઉપદેશો જેમાં વણી લેવાયા છે તે 'ગોસ્પેલ' અને 'ન્યુ ટેસ્ટામેન્ટ' તેમના વિશે સૌથી વધુ માહિતી પૂરી પાડે છે. પરંતુ એની હકીકતો પણ અર્ધદગ્ધ, પરસ્પર વિરોધાભાસી અને અધૂરી છે. ચાર ગોસ્પેલ લખનારા શિષ્યોનાં નામ મેથ્યુ, માર્ક, લ્યુક અને જોન હતાં. બધાએ તેમના ગેસ્પેલ (ધર્મનો ઉપદેશ) એક સાથે નહીં પણ વચમાં ઘણો મોટો સમયગાળો રાખીને ઈસવીસન ૪૦ થી ૧૦૦ ની વચ્ચે લખ્યા છે.

ઈશુના કાળમાં અસ્તિત્વ ધરાવતા રોમન સામ્રાજ્યના મળી આવેલા ઐતિહાસિક ખંડરો તથા અવશેષોમાં ક્યાંય જિસસ ક્રાઈસ્ટ અથવા યેશુ મસીહાનો ઉલ્લેખ નથી. ઈશુના સમકાલીન ગણાતા યહૂદી લેખક અને ઈતિહાસકાર ફિલોએ પણ તેના લખેલાં પુસ્તકોમાં ક્યાંય જિસસનો ઉલ્લેખ કર્યો નથી.

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ પરિચય પુસ્તિકાની શ્રેણીમાં (અંક ૫૯૩) 'જગતના ધર્મો' પર વિસ્તૃત લેખ લખ્યો છે. તેમણે ય ઈશુને ખ્રિસ્તી ધર્મના સ્થાપક તરીકે જ આલેખ્યા છે: 'ધર્મમાં કેટલીક બાબતો રૃઢ બની જાય, જડતા આવે ત્યારે એ દૂર કરવાની જરૃર ઊભી થાય છે.

અને તે સમયે કોઈ એવો સંત પુરૃષ આવી જાય છે જે ધર્મમાં ભળી ગયેલી અશુધ્ધિઓને દૂર કરી તેને નવું જીવન, નવું ચેતન બક્ષે છે. યહૂદી ધર્મમાં ઘૂસી ગયેલી અનેક ખોટી માન્યતાએ એનાં સ્વરૃપને વિકૃત કરી નાંખ્યું ત્યારે જિસસ ક્રાઈસ્ટ આવ્યા.' મોરારજીભાઈએ આ લેખમાં ઈશુને સંતપુરૃષ કહ્યા છે, સમાજ સુધારક ગણ્યા છે, કરુણામૂર્તિ તરીકે નવાજ્યા છે.

પરંતુ ક્યાંય ઈશુનો ઉલ્લેખ ઈશ્વર તરીકે નથી કર્યો. ન્યુ ટેસ્ટામેન્ટમાં ઈશુના જીવનકાર્યનું વર્ણન છે. તે બતાવે છે કે તેમની પાસે જગત માટે કોઈ નવો ઉપદેશ હતો. ઈશુએ જે કહ્યું તે અગાઉ કોઈએ કહ્યું ન હતું. ઉદાહરણ તરીકે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ધર્મગુરુઓએ વેરની ભાવનાવાળા ઈશ્વરની વાત કરી હતી જ્યારે ન્યુ ટેસ્ટામેન્ટમાં પ્રેમાળ ઈશ્વરની વાત છે, જે સૌથી નીચ, પાપીને પણ માફ કરી દેવા તૈયાર છે.

ઈશુના રહસ્યમય જન્મસંજોગો પર એક દ્રષ્ટિપાત કરવા જેવો છે. તેમની માતા મેરી (મરિયમ)ને ખ્રિસ્તીઓ દેવીની જેમ પૂજે છે. મધર મેરીને (વર્જિન) કુમારી તરીકે  ઓળખવામાં આવે છે. કર્ણને જન્મ આપ્યો ત્યારે કુંતી કુંવારાં હતાં એવી જ રીતે ઈશુની માતા મેરી કુંવારાં હતાં તેથી જ ઈશુને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે અને દુનિયાનો ઉદ્ધાર કરવા તેમને ઈશ્વરે જન્મ આપ્યો હોવાનું કહેવાય છે.

અપરિણીત માતાની શરમમાંથી બચવા  મેરીએ જોસેફ સાથે લગ્ન કર્યાં. જોસેફને એક સ્વપ્નમાં કહેવામાં આવ્યું કે  મેરીની પરિસ્થિતિ માટે તેનો કોઈ દોષ નહોતો. દરિયાદિલ અને માયાળુ જોસેફ થોડો મૂંઝાયો પણ તેની પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેણે પરિસ્થિતિ સ્વીકારી લીધી.

મેરીની કુખે અવતરેલું પહેલું બાળક જોસેફનું નહોતું. પણ પછી તેમને બીજા બાળકો થયાં હતાં. જોકે ઈશુને તેમનો રાજવી વંશ જોસેફ પાસેથી જ મળ્યો હતો. આ વંશ હતો કિંગ ડેવિડનો, જે તેમની સારંગી અને સંગીત માટે જાણીતા હતા. ગાયો ચરાવનારા  નાના છોકરા તરીકે ડેવિડે મહાકાય, દ્રુષ્ટ ગોલિયાથને પછડાટ આપી હતી.

ન્યુ ટેસ્ટામેન્ટમાં જણાવ્યા પ્રમાણે ઈશુ એક ધર્મશાળાના તબેલામાં ઘાસની પૂળીઓમાં જન્મ્યા હતાં. ધર્મશાળામાં બીજી કોઈ જગ્યા ન હતી અને ઈશુના જન્મના  સાક્ષી બનવાનું સૌભાગ્ય તેમનાં માતાપિતા સિવાય માત્ર પાળેલાં જાનવરોને જ પ્રાપ્ત થયું હતું.

આપણાં પુરાણોમાં જે રીતે કૃષ્ણજન્મનું રસિક વર્ણન થયું છે તેવી જ રીતે ગોસ્પેલ લખનારા ઈશુના ચાર શિષ્યોએ પણ તેમના જન્મસમયની ઘટનાઓ વર્ણવી છે. દાખલા તરીકે કોઈ ફરિશ્તો મેરીને કહી ગયો કે તને ઈશ્વરના પુત્ર (સન  ઓફ ગોડ) સમો બાળક અવતરશે.

ગોસ્પેલમાં વર્ણન છે એ મુજબ એક કથા એવી છે કે મેરી અને જોસેફ રાજા  અગસ્તસના દરબારમાં કરવેરો ભરવા બેથલેહેમ જઈ રહ્યાં હતાં ત્યારે એકાંત ગુફામાં ઈશુ અવતર્યા હતા. એક એવી લોકકથા પણ છે કે રાજાની શોધમાં નીકળેલા ત્રણ ડાહ્યા લોકોને માર્ગમાં સ્થાનિક રાજા હેરોડની મુલાકાત થઈ. નવા રાજાની ભાળ મળે કે તરત તમારે  એની ખબર મને આપવી એવો  આદેશ હેરોડે  પેલા ત્રણ શાણા માણસોને આપ્યો.

આ સાથે જ રાજા હેરોડે એવો હુકમ બહાર પાડયો કે બે વર્ષથી નીચેનાં તમામ બાળકોની હત્યા કરી નાખવી. ડાહ્યા  માણસોમાંથી પહેલાએ ઈશુને સોનું, બીજાએ અગરબત્તી અને ત્રીજાએ હીરાબોળની ભેટ આપી.  અને આ ત્રણ જણે ઈશુનાં માતાપિતાને હેરોડના ઈરાદાથી ચેતવી દીધા. તે ઉપરાંત જોસેફ અને મેરીને દૈવી સંદેશો પણ મળ્યો કે તેમણે બાળકને લઈને ઈજિપ્ત ચાલ્યાં જવું.

ઈશુનો જન્મ આમ  વિવિધ  પ્રસંગોથી ભરપૂર હતો. તેમના દરેક પગલે મોત તોળાતું હતું. જન્મના દેશમાંથી તેમણે નાસી જવું પડયું હતું. આ એજ સમય હતો જ્યારે રોમમાં સીઝર ઓગસ્ટસનું રાજ સીઝર ટાઈબેરિયસના રાજ સાથે ભળી રહ્યું હતું. રોમના દસ્તાવેજોમાં ઈશુના જન્મની નોંધણી કદાચ થઈ હોય પણ આવા કોઈ દસ્તાવેજ હજુ સુધી સાંપડયા નથી. પ્રાચીન રોમમાં પણ વસતિ ગણતરીની પધ્ધતિ અમલમાં હતી.

પેલા ત્રણ શાણા માણસોએ ઈશુને જે ભેટ આપી હતી તે પણ અર્થસભર હતી. સોનું તેમને રાજા તરીકે વધાવવા માટે હતું. અગરબત્તીનો અર્થ હતો કે ઈશુ ધાર્મિક મનોવૃત્તિના અને ઈશ્વર સાથે સાક્ષાત્કાર ધરાવતા હતા. હીરાબોળ તેમના મૃત્યુ પછી તેમના શબ પર  ચોપડવા માટે હતું. આ ડાહ્યા માણસો આ ચમત્કારિક બાળક ઈશુ ભવિષ્ય જાણી ગયા હતા.

ઈશુ ખ્રિસ્તીના પૃથ્વી પરના જીવનની કથા તાજુબીભરી અને સાથે જ કરુણ પણ છે. ઈશુના  પિતાએ તેને સુથાર બનવાની તાલીમ  આપી હતી. તે સમયનાં  યહૂદી કુટુંબોમાં સૌથી મોટો પુત્ર પિતાનો ધંધો અપનાવે એવી પરંપરા હતી. ઈશુ સુંદર સુથારકામ કરી જાણતા હતા પણ પૃથ્વી પરના ટૂંકા ગાળામાં તેમણે અલગ ભૂમિકા અદા કરવાની હતી.

તેઓ બાર વર્ષના હતા ત્યારે અન્ય હિબુ્ર બાળકોની જેમ તેમને પણ જેરુસલેમમાં મંદિરમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓ વિખુટા પડી ગયા હતા. વ્યગ્ર માતાપિતાને તેમની ભાળ મળી ત્યારે ઈશુ ઈઝરાયલના સૌથી અગ્રણી પંડિતો સાથે ધર્મની ચર્ચા કરવામાં મશગૂલ હતા.

સંશોધનકારોમાંથી કેટલાક એ વાત સાથે સહમત થયા છે કે ઈશુનું નામ ઈશુ પણ નહોતું. અને જિસસ પણ ન હતું. ઈશુ યહૂદી હતા અને યહૂદીની પ્રાચીન હિબુ્ર ભાષામાં ઈશુનું નામ જોસુઆ હતું. ગ્રીક ભાષામાં તેઓ જિસસ તરીકે ઓળખાયા. પેલેસ્ટાઈનની આરામેઈક અને હિબુ્ર ભાષામાં 'મેશાઈઆ' એટલે રાજા તરીકે આવી રહેલા મુક્તિદાતા એવો અર્થ થાય છે. આ કારણે જ ભારતીય ખ્રિસ્તીઓ તેમને ઈશુ મસીહા કહે છે. ગ્રીક ભાષામાં ક્રિસ્તોસ એટલે પયગંબર પરથી તેઓ ઈશુ ખ્રિસ્ત અથવા જિસસ ક્રાઈસ્ટ કહેવાયા.

ઈશુનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હોવાનું ખ્રિસ્તીઓ માને છે. વાસ્તવમાં એવા કોઈ પુરાવા આજ સુધી ઉપલબ્ધ થયા નથી જેના પરથી ચોક્કસપણે ઈશુની જન્મતારીખ નક્કી કરી શકાય. ઈતિહાસકાર જે.એમ.રોબર્ટસન કહે છે કે ઈજિપ્ત, પર્શિયા, ગ્રીસ જેવા અડધો ડઝન દેશોના લોકો ૨૫ ડિસેમ્બરને સૂર્યદેવતાનો જન્મદિવસ ગણે છે.

ઈશુના અવતારને લગતી જાતજાતની દંતકથાઓમાં માનનારા ૨૫ ડિસેમ્બરના દિવસને શુભ ગણીને એ દિવસને ઈશુનો જન્મ દિન ગણે છે. આવી જ રીતે તેમના જન્મ પહેલાં ૯ માસ ગણીને  માર્ચની ૨૫મી તારીખે ફિરસ્તો મધર મેરી પાસે આવ્યો હતો એ દિવસે ખ્રિસ્તીઓ ઉત્સવ મનાવે છે. અંગ્રેજીમાં તેને 'ડે ઓફ એનન્સીએશન' કહે છે.

ઈશુના જન્મ સમય વિશેનો વિવાદ હજુ ચાલુ જ છે. બ્રિટાનિકા એનસાઈક્લોપીડિયામાં પણ એ વર્ષ ઈસવીસન પૂર્વે બેથી આઠ વર્ષ વચ્ચે હોવાનું જણાવ્યું છે. કેટલાંક ઈતિહાસકારો માને છે કે ઈશુના વખતમાં જ ક્રાઈસ્ટ નામના કોઈ પ્રખર વિદ્વાન યહૂદીની કિર્તી ચારે તરફ ફેલાઈ હતી. અને જેરૃસલેમમાં તેની યાદમાં દેવળ બંધાયું હતું. આ દેવળમાં મૂકેલી મૂર્તિ 'ક્રાઈસ્ટ'ની છે તેમ કહેવાતું હતું!

એ સમયે પેલેસ્ટાઈન પર રોમન સામ્રાજ્ય હતુ અને યહૂદી પ્રજા સ્વતંત્ર થવા અજંપો સેવતી હતી. ઈશુ બોધ  આપતા સમાજ સુધારક તરીકે લોકોમાં ફરવા લાગ્યા. તેમની આસપાસ તેમના થોડાં  અનુયાયીઓ રહેતાં. તેમાં ૧૨ પરમ ભક્ત જેવા અનુયાયીઓ 'એપોસલ' કહેવાયા.

તેઓ  ગામેગામ ઉપદેશ આપતા  ઈશુ તેમના  અનુયાયીઓ સાથે  ભ્રમણ કરતા  અને લોકો જે ભિક્ષા આપે તેનાથી ચલાવી લેતા. આજે પણ દાન આપવું (ચેરિટી) એ ખ્રિસ્તી ધર્મનું મુખ્ય લક્ષણ છે અને તે ઈસ્લામ ધર્મમાં (ખૈરાત) પણ ઊતરી આવ્યું છે. હિંદુ ધર્મનાં તો મૂળમાં જ દાનનો મહિમા રહેલો છે.

ઈશુ ખૂબ પ્રભાવશાળી વક્તા હતા. દાખલા, દલીલો આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા. સમાજમાં તરછોડાયેલા અને નબળા વર્ગના લોકોને વહારે ધાતા હોવાથી ગરીબોમાં લોકપ્રિય બન્યા. કોઈએ એમ પણ માન્યું કે ભવિષ્યમાં ઈશુ રાજા થશે. શ્રધ્ધાળુઓ તેમને પયગંબર માનતા હતા.

સમાજ સુધારક તરીકે ઈશુ જેરૃસલેમમાં ફરતા હતાં. અહીં દેવળોમાં ગરીબોનું શોષણ કરનારાઓ સામે ઈશુએ જેહાદ જગાવી. એ શોષણખોર લોકો સામે સીધા સંઘર્ષમાં ઊતરી ઈશુએ તેમનો ખોફ વહોરી લીધો. સત્તાધીશ રોમનો અને વગદાર યહૂદીઓએ ઈશુના બાર શિષ્યો પૈકી જુડાસને ફોડીને ઈશુની ધરપકડ કરાવડાવી. તેમજ તેમને ધર્મગુરુઓની અદાલતમાં ખડા કરવામાં આવ્યા. તેમના પર આરોપ  મૂકવામાં આવ્યો કે તે પોતાને પયગંબર અને  ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવીને ઈશ્વરની નાલેશી કરે છે.

આ ગુનો યહૂદી કાયદામાં મૃત્યુની સજાને પાત્ર હતો. સૈકાઓ પહેલાં રોમ તથા ગ્રીસમાં ગુનેગારને તેના અપરાધ પ્રમાણે ક્રોસ પર લટકાવી, બધાં વસ્ત્રો કાઢીને કોરડા ફટકારવાની સજા થતી. અસંખ્ય ગુલામોને, વ્યભિચારી સ્ત્રીઓ, ધર્મગુરુઓનું અપમાન કરનારાઓને વધ સ્તંભ પર લટકાવી કોરડા વીંઝીને  મોતની સજા ભૂતકાળમાં પણ અનેકવાર થઈ હતી.

પોતે જે પાપ કર્યું નહોતું એની સજા ઈશુએ ભોગવવી પડી. હસતા મોઢે તેઓ વધ સ્તંભ પર ચઢી ગયા. અને મોટા અવાજે  ભગવાનને સંબોંધીને કહ્યું 'કે હે પિતા, તું આ લોકોને માફ કરી દેજે. કારણકે તેઓ શું કરી રહ્યાં છે એની તેમને ખબર નથી.' ઈસવીસન ૨૯માં એટલે કે આશરે ૩૩ વર્ષની વયે તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવેલાં.

તેના બીજે દિવસે કેટલીક સ્ત્રીઓ ઈશુની કબરના દર્શને ગઈ ત્યારે કબર ખુલ્લી હતી અને તેમાં કોઈ શબ નહોતું. લ્યુકે પોતાના ગોસ્પેલમાં લખ્યું છે કે ઈશુને દફનાવી દેવાયા પછી ચાલીસમાં દિવસે કબરમાંથી સદેહે ઊઠીને તેમને સ્વર્ગમાં જતા અનેક લોકોએ જોયા. બાઈબલમાં પણ એ વર્ણન આવે છે.

જર્મન સ્કૉલર એન્ડ્રીસ ફેબર કૈઝરના પુસ્તકમાં ઈશુને વધ સ્તંભે ચઢાવાયા પછીની ઘટનાનું વર્ણન આ રીતે છે:   વધ સ્તંભની સજાના અમલ પછી ઈશુના ઘા રૃઝાવા લાગ્યા. તેમને મુક્ત કરાયા એટલે તેમની માતા મેરી તથા પટ શિષ્ય થોમસ સાથે  તેઓ  જેરુસલેમની પૂર્વે પ્રયાણ કરી ગયા. બાઈબલમાં ઈશુખ્રિસ્તના જીવનનાં ૧૨ થી ૨૯ વર્ષ સુધીના જીવનનો ઉલ્લેખ નથી. વિદ્વાનોનું માનવું છે કે આ વરસો દરમિયાન ઈશુ ભારતમાં  આવીને વસ્યા હતા.

કાશ્મીરમાં સ્થાયી થયા અને  આમરણ ત્યાં જ વસવાટ કર્યો હતો. આજેય શ્રીનગરમાં રૌઝાબેલ નામે ઓળખાતી તેમની કબર ખાન્યાર વિસ્તારમાં છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ન્યાયાધીશ સર મોહમંદ જફરુલ્લાહ ખાને પણ ૧૯૬૭ માં નિવેદન કરેલું કે  જિસસે  તેમની  અંતિમ પળો કાશ્મીરમાં જ વિતાવી હતી અને રૌઝાબેલની કબરમાં જ તેમની દફનવિધિ થઈ હતી.

જર્મન લેખક કૈઝરે લખેલાં પુસ્તક 'જિસસ ડાઈડ ઈન કાશ્મીર' (ઈશુ કાશ્મીરમાં અવસાન પામ્યાં)માં એવું પણ લખ્યું છે કે જેરૃસલેમની પૂર્વે પ્રયાણ કરી ગયેલાં ઈશુ, તેમની માતા અને થોમસ રણ વિસ્તાર અને ખડકાળ પ્રદેશની કઠણાઈ ભરેલી યાત્રા કરતાં હતા ત્યારે માર્ગમાં જ હાડમારીથી લોથપોથ થઈ ગયેલાં મધર મેરી રાવલપિંડીથી શ્રીનગર જવાનાં માર્ગમાં  મૃત્યુ પામ્યા.

આજેય આ સ્થળ 'મરી'ના નામે ઓળખાય છે. ગઈ સદીમાં અંત સુધી તો તેનો ઉચ્ચાર પણ 'મેરી' જ થતો હતો. પટશિષ્ય થોમસે દક્ષિણ ભારતમાં ઈશુના ઉપદેશનો પ્રચાર કરવામાં જીવન સમર્પણ કરી દીધું. પરંતુ  જિસસ તો કાશ્મીરમાં જ સ્થાયી થયા હતા.

આશરે ૧૧૫ ની સાલમાં સર્જન થયું એવા 'ભવિષ્ય પુરાણ'માં પણ ઈસા મસીહાનો ઉલ્લેખ છે. તેમ પંડિત જવાહરલાલ નહેરુ એ  પણ તેમના પુસ્તક 'ગ્લિમસીસ ઓફ વર્લ્ડ હિસ્ટરી'માં ઈશુ એક સમયે કાશ્મીર, લડાખ, તિબેટ વગેરે પ્રદેશમાં ફર્યાં હોવાની વાતને સમર્થન  આપ્યું  છે.

આમ બાઈબલની વાતો, ઐતિહાસિક પુરાવા, ન્યુ ટેસ્ટામેન્ટ કે એવા આધાર ઈશુના અસ્તિત્વ, તેમના જીવન, તેમનાં કાર્યો વિશે સ્પષ્ટ હકીકતો રજુ કરી શકતાં નથી. ઊલ્ટાનું અનેક વાતો વિરોધાભાસી લાગે છે. છતાં એક વાત સ્પષ્ટ ઊભરી આવે છે કે ઈશુ મહાન સમાજ સુધારક હતા. તેમણે ધર્મને અંધશ્રધ્ધા, વહેમ,  અસહિષ્ણુતા, અનાચારના વળગણોમાંથી મુક્ત કર્યો અને જગતને નવી રાહ દેખાડી એટલે  શ્રધ્ધાળુ ખ્રિસ્તીઓ  તેમને 'ભગવાન' માને તો તમાં  કંઈ  ખોટું નથી.
 

Post Comments