Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

'સેક્સ ચેન્જ' ઓપરેશન : વધી રહેલાં કિસ્સા દર્શાવે છે કે સમાજ બદલ રહા હૈ...
 

પુરુષને પૂર્ણ સ્ત્રી બનાવતા અને સ્ત્રીને સંપૂર્ણ પુરુષ બનાવતાં સેક્સ ચેન્જ ઓપરેશનની આંટીઘૂંટી

કોઈ ફુલફટાકડી કન્યા પહેરે તેવા ચમકદમક વાળા વસ્ત્રો, જાતજાતના આભૂષણો, આકર્ષક મેકઅપ, લાલચટક લિપસ્ટિક, પર્મ કરેલા ખભા સુધી લહેરાતા વાંકડિયા  ઝુલ્ફા... કોઈ વ્યક્તિનું આવું વર્ણન  સાંભળતા જ આંખ  સામે લટકા ચટકા કરેલી રૃપયૌવનાની છબી તરવરે... પરંતુ કોઈ તમને એમ કહે કે આ વર્ણન  તો એક પુરુષનું છે તો તમને નવાઈ લાગે કે નહીં? બિધાન બરૃઆ છોકરીનાં કપડાં પહેરે તો બિલકુલ આવો જ રૃપાળો દેખાય.

કેરળમાં  જન્મેલા બિંદુનો કેસ આવો જ છે ૧૩ વર્ષનો  હતો ત્યારે તેણે  પહેલીવાર અનુભવ્યું કે તેના સ્ત્રી  શરીરમાં  પુરુષનો જીવ અટવાયેલો છે. તે પુરુષ જેવા કપડાં પહેરતી. પુરુષના જેવા વાળ કપાવતી. આખરે તેણે સેક્સચેન્જ ઓપરેશન કરાવી  તેના નારી દેહનું  પુરુષ દેહમાં રૃપાંતર કરાવવાનો  નિર્ણય લીધો.  બીજી તરફ  કેરળમાં જન્મેલા ચંદુ નામના યુવકને પોતે નર જાતિનો હોવા છતાં  નારી હોવાની  ભાવના ઉત્કટ બનતી લાગતી હતી.

એટલે ચંદુએ પણ સેક્સચેન્જ  ઓપરેશન કરાવવાનું  નક્કી કર્યું. ત્રણ વર્ષ પૂર્વે બિંદુ અને ચંદુ બંને યોગાનુયોગ જાતિય પરિવર્તનની શસ્ત્રક્રિયા માટે મુંબઈની એક હોસ્પિટલમાં એકમેકને મળ્યા. બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા. લિંગ પરિવર્તન  કરાવીને  બેઉએ પરણવાનો  નિર્ણય લીધો. આજે આ ૪૬ વર્ષનો આરવ (બિંદુ) અને  ૨૨ વર્ષની  સુકન્યા (ચંદુ) પતિ-પત્ની  તરીકે જીવન ગાળી રહ્યા છે.

આ જાણીને કેવું આશ્ચર્ય થાય છે, ખરું ને! એક બાજુ  સગર્ભા સ્ત્રીઓ પુત્રીને બદલે પુત્ર સંતાન ઝંખતી હોય છે ત્યારે બીજી બાજુ પુરુષ તરીકે ઉછરેલી કેટલીક વ્યક્તિઓ સેક્સ ચેન્જના ઓપરેશનનું  રૃપાંતર પામવા  માટે જાતીય  પરિવર્તનમાં સાહસ ખેડે છે.જો કે આ  કઈ એકલદોકલ કિસ્સો નથી   આવો   જ   એક   રસપ્રદ  કિસ્સો  જાણવા જેવો છે. 

  એ  યુવાનનું નામ છે બિધાન બરૃઆ. ૨૧ વર્ષના આ યુવકને પુરુષ તરીકે નહીં, સ્ત્રી તરીકે જીવન જીવવું છે. તે એવું માને છે કે એના પુરુષ દેહમાં ૨૧ વરસથી એક સ્ત્રી કેદ છે અને સર્જરી દ્વારા એ સ્ત્રીને મુક્તિ મળશે. બિધાનને નવું જીવન પ્રાપ્ત થશે. જો કે બિધાનની આ ખ્વાહિશ એટલી આસાનીથી પૂરી થાય તેમ નથી તેણે  સેક્સ ચેન્જ ઓપરેશન કરવાની તૈયારી કરી પરંતુ માતા-પિતાના વિરોધને કારણે મામલો કોર્ટમાં ગયો. બિચારો બિધાન...!

બરૃઆને નાની ઉંમરમાં જ એવો અહેસાસ થઈ ગયો હતો કે તે છોકરાના રૃપમાં છોકરી જ છે. એટલે છોકરીના જ કપડાં પહેરતો. આથી તેના મા-બાપ ગુસ્સે થઈને મારપીટ કરતા. બરૃઆએ આ માહિતી આપતા કહ્યું હતું કે સાતમા ધોરણમાં હતો ત્યારે ઈન્ટરનેટ મારફત જાણકારી મળી હતી કે ઓપરેશન દ્વારા જાતીય પરિવર્તન શક્ય છે. આથી ઓપરેશન માટે દોઢ લાખથી ત્રણ લાખની રકમ જમા કરવા માટે સ્કૂલમાં ભણવાની સાથે છૂટક કામો કરી કમાવા માંડયો હતો.

ત્યારબાદ બિધાન બરૃઆએ સાઈકિયાટ્રીસ્ટ ટેસ્ટ કરાવી હતી. પુરુષમાંથી સ્ત્રી બની શકે છે એવો નિષ્કર્ષ નીકળતા  ગુવાહાટીથી ભાગીને  તે   મુંબઈ આવી પિતરાઈની સાથે રહ્યો હતો. પરંતુ તેના પિતા સિપ્તિ રંજન બરૃઆએ તેને શોધી કાઢ્યો હતો.

બરૃઆનો બોયફ્રેન્ડ એરફોર્સમાં ઓફિસર છે. બરૃઆએ એવો આક્ષેપ કર્યો હતો કે મારા પિતાએ મને અને મારા બોયફ્રેન્ડને મારી નાખવાની ધમકી આપી હતી. ડોક્ટરોને પણ ધમકી આપી હતી.

૨૧ વર્ષનો બિધાન બરૃઆ પોતાને સ્વાતિ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે ૧૭મી એપ્રિલે સૈફી હોસ્પિટલમાં તેનું સેક્સ-ચેન્જ ઓપરેશન થવાનું હતું. પણ તેનાં મા-બાપે ઓપરેશન થતું અટકાવ્યું હતું અને હોસ્પિટલના ડૉકટરને પણ ધમકી આપી હતી.

બિધાન બરૃઆએ તેની અરજીમાં જણાવ્યું હતું કે બિધાનમાંથી સ્વાતિ બન્યા પછી તે પોતાના મનના માણિગર એરફોર્સ ઓફિસર ફલાઇટ લેફટેનન્ટને પરણવા માગે છે. તેણે કહ્યું હતું કે પહેલેથી જ મને એવી અનુભૂતિ થતી હતી કે તે પુરૃષના પાંજરામાં જકડાયેલો સ્ત્રીનો જીવ છે. સેક્સ ચેન્જ ઓપરેશન માટે દોઢથી ત્રણ લાખનો ખર્ચ આવે છે. એ જાણીને એટલા પૈસા ભેગા કરવા માટે તે તનતોડ પ્રયાસ કરતો હતો. અત્યારે તે  કોલાબાની હોટેલમાં રહે છે.

જો કે ગયા અઠવાડિયે બોમ્બે હાઇકોર્ટે બિધાન બરૃઆને સેક્સ ચેન્જ ઓપરેશન માટેની મંજૂરી આપી છે. પુખ્ત વયની કોઇ પણ વ્યક્તિને તેનાં અંગત જીવન વિશે નિર્ણય લેવાનો પૂરેપૂરો અધિકાર છે. આ રીતનો નિર્ણય લેવા સામે પ્રતિબંધ મૂકતો કોઇ કાનૂન દેશમાં અમલમાં નથી એવું મંતવ્ય અદાલતે આપ્યું હતું.

આપણા દેશમાં લિંગ-જાતિ  પરિવર્તન વિશે જેટલી  ચર્ચા થાય છે એટલા ઓપરેશન વાસ્તવમાં થતા નથી. આમ છતાં હવે લિંગ પરિવર્તનના  ઓપરેશન માટે મુંબઈનું નામ જાણીતું બની રહ્યું છે. આ પ્રકારની  સર્જરીમાં દેશભરમાં મુંબઈ અગ્રેસર છે.

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત સાયન હોસ્પિટલમાં લિંગ પરિવર્તનના સૌથી વધુ ઓપરેશન હાથ ધરાયાં છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આવું એક ઓપરેશન કરવામાં આવ્યું છે. જ્યારે રાજધાનીની જાણીતી 'એઈમ્સ'  હોસ્પિટલ કે ચંદીગઢની 'પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન'માં આવી એકેય શસ્ત્રક્રિયા હાથ નથી ધરાઈ.

એક આર.ટી.આઈ એક્ટિવિસ્ટે મેળવેલી માહિતી મુજબ સ્ત્રીમાંથી પુરુષ, પુરુષમાંથી સ્ત્રી અને નપુંસકમાંથી સ્ત્રી અથવા પુરુષ બનવાની આ શસ્ત્રક્રિયા મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત સાયન  હોસ્પિટલમાં માત્ર બે થી ચાર હજાર રૃપિયા જેટલી મામુલી  રકમમાં કરવામાં આવતી હોવાથી આ મહાનગર લિંગ-પરિવર્તનના ઓપરેશનની 'રાજધાની'  બની રહ્યું છે.

જો કે વાસ્તવિકતા એ છે કે  અહીં  અત્યાર સુધી કરવામાં  આવેલા આ પ્રકારના  છ ઓપરેશનમાંથી માત્ર ત્રણ સર્જરી જ સંપૂર્ણ સફળ  રહી છે. એક શસ્ત્રક્રિયા સાવ જ નિષ્ફળ રહી હતી. જ્યારે બેમાં આંશિક સફળતા મળી હતી. 

આ પ્રકારના ઓપરેશનમાં જો પુરુષ લિંગ પરિવર્તન કરીને સ્ત્રી બની જાય તોય તે માતૃત્વ પ્રાપ્ત કરી શકતો નથી. નિષ્ણાત તબીબો   કહે છે કે આ ઓપરેશન પછી જે પરિવર્તન આવે છે તે માત્ર બાહ્ય હોય છે. આનું કારણ  એ છે કે સર્જરી બાદ પણ  જે તે વ્યક્તિના 'જનીન' તો  અગાઉના જ રહે છે. ફરક માત્ર એટલો કે મનચાહી લિંગ મેળવીને  સેક્સનો આનંદ માણી શકે છે.  

ટ્રાન્સ  સેક્સ્યુઅલની સૃષ્ટિ નિરાળી છે.  ભારતમાં આ પ્રકારનો સેક્સ ચેન્જ ઓપરેશન થકી  ઘણી વ્યક્તિએ પોતાનું  જાતીય પરિવર્તન કરાવ્યું છે.  

થોડાં વરસ પૂર્વેની વાત છે મુંબઈમાં સાયન ખાતે પોતાનું ખાનગી ક્લિનીક ધરાવતા ડોક્ટર અનંત શાનબાગ તેમની કેબીનમાં એક સ્ત્રી પેશન્ટને તપાસતા હતા. ગાયનેકોલોજીસ્ટ હોવાને નાતે તેમના ક્લિનિકમાં સ્ત્રી પેશન્ટોેની સંખ્યા વધારે હોેય એ સ્વાભાવિક છે. તેમાંય મોટાભાગના લગ્ન થયાને વર્ષો વીતી ગયા છતાં સંતાન થયું ન હોય એવી ફરિયાદ સ્ત્રી દર્દી વધારે રહેતી.

એક સાંજે તેમની રિસેપ્શનીસ્ટે ડોક્ટરની કેબીનના બારણે ટકોરા મારી અંદર આવવાની રજા લઈને ડોક્ટરને ખબર આપ્યા કે બહાર કોઈ વિદેશી સ્ત્રી આવી છે અને તમને જલ્દી મળવા માગે છે. પેશન્ટને બેસાડવાની સૂચના આપી ડોક્ટર ફરી પેશન્ટને તપાસવામાં લાગી ગયા.

આ પેશન્ટને પતાવી ડોેક્ટરે બેલ મારી એટલે  રિસેપ્શનીસ્ટે પેલી વિદેશી સ્ત્રીને અંદર જવા ઈશારો કર્યો. બારણું હડસેલી પેલી સ્ત્રી જેવી અંદર પ્રવેશી કે તરત જ ડોેક્ટરે ઊભા થઈને હાથ લંબાવતા કહ્યું : 'હલ્લો, મિસ્ટર બાર્નેટ...' પેલી રિસેપ્શનીસ્ટ તો 'મિસ્ટર' શબ્દ સાંભળીને  ચોંકી  ગઈ.

બે મિનિટ વિચારવા લાગી કે ડોક્ટરે કંઈ બાફ્યું તો નથી ને, કારણ કે પેલી વ્યક્તિ ગોરો વાન  અને તંદુરસ્ત છતાં કમનીય કાયા ધરાવતી વિદેશી  સ્ત્રી જ દેખાતી હતી. હા, જીન્સ પર શર્ટ પહેર્યું હતું. ખભા સુધી ઝૂલતા વાળ હતા અને હોઠ પર લાલ ચટક લિપસ્ટિક લગાવીને ઓછો મેકઅપ પણ કર્યો હતો. તેના ખૂલતા શર્ટ નીચેથી સ્તનનો ઊભાર સુદ્ધાં પારખી શકાતો હતો. છતાં પણ ડોક્ટરે તેને 'મિસ્ટર' કરીને કેમ સંબોધી?

રિસેપ્શનીસ્ટની આ શંકાનું સમાધાન પેલી  લેડી પેશન્ટ ગયા પછી કરતાં ડોક્ટરે કહ્યું કે હમણાં મળવા આવનાર વ્યક્તિ સ્ત્રી વેશમાં આવેલો ગોવાનો એક પુરુષ હતો અને તેનું નામ છે. ગ્લેન બાર્નેટ અને તે પુરુષમાંથી સ્ત્રી બનવા માગે છે!

ત્યાર પછીના સાતમા મહિને એ વિદેશી સ્ત્રી જેવો દેખાતો ગ્લેન બાર્નેટ નામનો પુરુષ હવે સંપૂર્ણ સ્ત્રી બની ચૂક્યો છે. સાયન હોસ્પિટલના જનરલ વોર્ડમાં ડોક્ટર શાનબાગે  અઢી કલાકનું ઓપરેશન કરીને તેને પુરુષમાંથી સ્ત્રી બનાવીને સર્જનહારની ભૂલ સુધારી લીધી હતી.

'સેક્સ ચેન્જ' અથવા જાતીય પરિવર્તન તરીકે ઓળખાતી  ઓપરેશન પધ્ધતિ કંઈ હવે નવી નથી રહી.  ભારતમાં આવા વીસેક કિસ્સા નોંધાઈ ચૂક્યા છે.' કેટલીક વ્યક્તિએ સેક્સ ચેન્જનું ઓપેરશન વિદેશમાં જઈને કરાવ્યું હોય અને વાત ગુપ્ત રાખી હોય એવું પણ બની શકે.

આપણા સમાજમાં આપણી વચ્ચે  રહેતી કેટલીક એવી વ્યક્તિ હોય છે જે દ્વિજાતીય ગુણો ધરાવતી હોય એટલે કે તે પુરુષ  હોય પણ  સ્ત્રી જેવું વર્તન કરે અથવા છોકરી હોય પણ છોકરાની જેમ વર્તે!  કોઈ છોકરીનો ચહેરો છોકરા જેવો હોય અને તેનો અવાજ પણ ઘોઘરો હોય તો ઘણા આવી છોકરીને ભાયડા છાપ કે પુરુષ છાપ કહે છે.

વાસ્તવમાં આવા કિસ્સામાંથી જ ટ્રાન્સસેક્સ્યુઅલના નમૂના મળી આવે છે. કોઈ  પુરુષ સ્ત્રી જેવા લક્ષણ ધરાવતો હોય કે  વાત વાતમાં શરમાઈ જઈને સ્ત્રી જેવા ચેનચાળા કરે ત્યારે તેને આપણે સાવ નમાલો કહીને ઉતારી પાડીએ છીએ. પરંતુ તેની એ ચેષ્ટા માટે કુદરતની ગફલત જવાબદાર હોય છે.

તબીબો કહે છે કે ભગવાન પણ ક્યારેક માનવીની જિંદગી સાથે ચેડાં કરે છે... ટ્રાન્સ સેક્સ્યુઅલ  લોકો આ વાત નમૂના છે.... 'અમારી પાસે  કિસ્સા પણ આવે છે જેમાં વ્યક્તિનાં બાહ્યાંગ એક પુરુષ જેવાં હોય તે બિલકુલ નોર્મલ દેખાય... તેને લિંગ અને વૃષણ પણ હોય તેમ છતાં તે સ્ત્રીના  ગુણો ધરાવતો હોય. એટલું જ નહીં, તેના શરીરમાં ગર્ભાશય, અંડાશય અને છૂપો યોનિ માર્ગ પણ હોય છે! 

બીજી તરફ આવી સ્ત્રી જોવા મળે જેનો સ્તનપ્રદેશ બિલકુલ સપાટ હોય, યોનિમાર્ગ ધરાવતી હોય પણ શરીરની અંદર ગર્ભાશય કે અંડાશય કશું જ ન હોય.... ઘણીવાર સંતાન  થતું ન હોવાની ફરિયાદ લઈને અમારી પાસે આવતાં દંપતીને અમે તપાસીએ ત્યારે ખબર પડે છે કે પત્નીના શરીરમાં  યોનિમાર્ગ સંપૂર્ણ વિકસ્યો  હોતો નથી અથવા ગર્ભાશયની ઊણપ વર્તાય છે.... આવી સ્ત્રીને સાચા અર્થમાં સંપૂર્ણ સ્ત્રી કહી ન શકાય.

સામાન્ય રીતે ગર્ભ ત્રણ  મહિનાનો હોય તે જ વખતે  જન્મનાર બાળકની જાત નક્કી થઈ જાય છે. પરંતુ કેટલીક વ્યક્તિની સાથે કુદરત એવી શરારત કરી જાય છે કે યુવાનીના ઊંબરે પહોંચી ગયેલા છોેકરાને મોડે મોડે છોકરી બનાવવાની અદમ્ય ઝંખના થઈ આવે છે. કેટલીક વાર બાળક ધીરે ધીરે  મોટું થાય એટલે તેના શરીરમાંની આ વિસંગત રચના એક યા બીજી રીતે છતી થવા માંડે છે.

ઓરિસ્સાના બહેરામપુરમાં તો ટ્રાન્સસેક્સ્યુઅલનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. બે બહેનપણીઓમાંથી એકે ૨૧ વર્ષની વયે જાતિય  પરિવર્તન કરાવ્યું અને તેની ૧૬ વર્ષની સખી સાથે જ લગ્ન કરી લીધાં!  જ્યારે કર્ણાટકના બંગારપેટ શહેરનોે લક્ષ્મણ નામનો યુવક ૨૨ વર્ષે 'ગર્ભવતો' બન્યો. એ પણ ટ્રાન્સસેક્સ્યુઅલનો  જ કિસ્સો હતો. જો કે આવા કિસ્સાને ડોક્ટરો ટ્રાન્સસેક્સ્યુઅલ કરતાં હર્મોફ્રોડાઈટ તરીકે વધુ ઓળખે છે. જેની  છણાવટ  આપણે પછી કરીશું.

લક્ષ્મણને સામાન્ય પુરુષ જેવી એક જનેન્દ્રિય હતી. પરંતુ સાથે સાથે સ્ત્રીઓને હોય છે એવો યોનિમાર્ગ પણ હતો! લક્ષ્મણના શરીરમાં કુદરતે આ વિચિત્ર ગોઠવણ કરી છે તેની તેના માતા-પિતા સિવાય કોઈને ય ખબર નહોતી. લક્ષ્મણ પોતે જાતીય જીવન વિશે અને પુરુષ કે  સ્ત્રીની જનનેન્દ્રિય વિશે ઝાઝુ જાણતો ન હોવાથી તેણે પોતાના શરીરમાં રહેલી આ વિચિત્રતાને ક્યારેય પીછાણી  ન હતી.

પાંચમાં ધોરણમાં આવ્યો ત્યારથી બીજી છોકરીઓની માફક લક્ષ્મણને પણ માસિક સ્ત્રાવ થવા લાગ્યો. ઘણા વડીલો તેમના સંતાનને કોઈ શારીરિક ખોડ હોય તો સમયસર ઈલાજ કરાવતા નથી. પુત્ર મોટો થતાં તેની હાલત કેવી થશે એનો ક્યારે પણ લક્ષ્મણના માતા-પિતાએ ગંભીરતાથી વિચાર જ કર્યો  નહોતો.

સાતમા ધોરણ પછી ભણવાનું છોડીને તે એક હોટેલમાં નોકરી કરવા માંડયો. ચાર-પાંચ વર્ષ એકની એક હોટેલમાં નોકરી કરતાં રહીને તેણે માલિકનો વિશ્વાસ સંપાદન કરી લીધો. કેટલીક વાર મોડી રાત સુધી તે હોટેલમાં જ રહેતો અને માલિકની સાથે જ સૂઈ જતો.

લક્ષ્મણ બાવીસ વર્ષનો થયો ત્યારે એક દિવસ  પેટમાં સખત દુખાવો  ઉપડવાની ફરિયાદ કરી. હોટેલમાંથી થોેડા દિવસ રજા લઈને આરામ કરવા તે ઘેર રહ્યો, પુત્રના, હાવભાવ જોઈને લક્ષ્મણની માતા શંકા સેવવા લાગી કે  રખેને તેનોે દીકરો ગર્ભવતી બન્યો હોત તો? તેણે તો રીતસરની  ગર્ભપાત કરાવવા માટે વપરાતી દેશી દવાઓ લક્ષ્મણને  ફરજિયાત ખવડાવવા માંડી. દિવસો વીતતા ગયા.  

એક દિવસ લક્ષ્મણની તબિયત અચાનક બગડી જતાં તેને કોેલાર  ગવર્નમેન્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. લક્ષ્મણને તપાસી લીધા પછી ડોક્ટરોએ બધાના આશ્ચર્ય વચ્ચે નિદાન કર્યું કે આ યુવકને ગર્ભ  રહ્યો  હતો અને અમુક દવાના કારણે ગર્ભ સુકાઈ ગયો. તેમણે લક્ષ્મણના માતા-પિતાને એવી સલાહ પણ આપી કે લક્ષ્મણનું ઓપરેશન  કરાવી તેને 'લક્ષ્મી' બનાવી દો!

એક ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું તેમ કુદરતે કરેલી માનવ રચનામાં મુખ્યત્વે ચાર વિસંગતી જોવા મળે છે. જેમાં સજાતીય સંબંધો બાંધનારા હોમોસેક્સ્યુઅલ અને લેસ્બિયન મહિલાઓ વિશે તો આપણે જાણીએ છીએ. પરંતુ બીજા ત્રણ વર્ગીકરણમાં હર્માફ્રાડાઈટ, ટ્રાન્સ વેસ્ટાઈટ અને ટ્રાન્સસેક્સ્યુઅલના પ્રકાર આવે છે.

હર્મો ફોડાઈટ એટલે એવા પ્રકારનો કિસ્સો જેમાં એક જ વ્યક્તિ પુરુષ અને સ્ત્રી તરીકેના ગુણો તેમજ અવયવો બંને ધરાવતી હોય છે. આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે.  કેટલીક વ્યક્તિને પુરુષ જેવા વૃષણ પણ હોય છે. અને સ્ત્રી જેવું અંડાશય પણ હોય છે.  તો કેટલાક પુરુષ પૂરેપૂરા મર્દ હોવા છતાં તેને સ્ત્રીના જેવો નાજુક, ભરાવદાર સ્તનપ્રદેશ હોય છે.

ટ્રાન્સવેસ્ટાઈટના  કેસમાં વ્યક્તિ જે જાતિની હોય તેની વિરુધ્ધ જાતિના કપડાં પહેરવા વધુ પસંદ કરે છે. આવા ટ્રાન્સવેસ્ટાઈટ પુરુષ સ્ત્રીનાં કપડાં પહેરવાં, છોકરી જેવા ચેનચાળા  કરવા અને યુવતીઓની વચ્ચે હરતા-ફરતા રહેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ પોતાનું જાતીય  પરિવર્તન કરવાની કોઈ ઈચ્છા તેમને હોતી નથી. લંડન, પેરિસ, ન્યુયોર્ક અને સીડની જેવા શહેરોમાં તો ટ્રાન્સવેસ્ટાઈટ લોકોની  ક્લબો પણ છે.

માત્ર ટ્રાન્સસેક્સ્યુઅલ તરીકે ઓળખાતા પ્રકારની વ્યક્તિ પોતાને કુદરતે આપેલી જાતિ ત્યજીને વિરુધ્ધ જાતિના સભ્ય બનવાનું   પસંદ કરે છે. કોઈપણ સાધારણ  પુરુષ પોતાને કુદરતે આપેલા શરીરમાં વાઢકાપ કરીને   સ્ત્રી બનવાનું કે કોઈ સ્ત્રી આ રીતે પુરુષ બનવાનું  પસંદ ન કરે તો પછી ટ્રાન્સસેક્સ્યુઅલ કેસોમાં જ આવું કેમ બને છે?

માના ઉદરમાં રહેલા ગર્ભનો જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે ક્રોમોસોમ (રંગ  સૂત્રો)ના આધારે કુદરતી પ્રક્રિયાથી જ તેની જાતિ પણ નક્કી થતી જાય છે. સામાન્ય રીતે એકવાર  જાતિ નક્કી થઈ ગયા પછી જાતિના અવયવો વિકસતા નથી.

૧૯૦૧ની સાલમાં મેકલિંગ નામના તબીબી વિજ્ઞાનીએ પહેલીવાર  જાહેર કર્યું કે દરેક વ્યક્તિ અમુક ચોક્કસ પ્રકારના ગુણો ધરાવે છે. તેને માટે શરીરના રંગસૂત્રો જવાબદાર છે. 'સેક્સ ક્રોમોસોમ'  તરીકે પણ ઓળખાય છે.  દરેક વ્યક્તિ જન્મ સમયે તેની માતા પાસેથી ૨૩  રંગસૂત્રો અને પિતા પાસેથી ૨૩ રંગસૂત્રો લઈને જન્મે છે. આ રંગસૂત્રોના જોડકામાં માતા તરફથી  ટ  પ્રકારનાં રંગસૂત્રો જ મળે છે.

જ્યારે પિતા તરફથી મળતા રંગસૂત્રો  ટ અથવા રૃ  પ્રકારના હોય છે. બીજ ફલિત થાય ત્યારે માતાના  ટ  રંગસૂત્ર સાથે પિતાના પણ ટ  રંગસૂત્ર નું જ મિલન થાય તો પુત્રી જન્મે છે. અને માતાના  ટ  રંગસૂત્ર   સાથે પિતાના   રૃ રંગસૂત્ર મળે તો પુત્ર જન્મે છે.

અપવાદરૃપ કિસ્સામાં (દર એક લાખે એકાદ કિસ્સામાં) જન્મનાર બાળક   'ટઅ'  રંગૂસત્રોના મેળાપને બદલે  ટટઅ  જોડકાનાં રંગસૂત્રો લઈને જન્મે છે. આવું બને ત્યારે જે રંગસૂત્રોના પ્રભાવ વધારે હોય તે જાતિ બાળકને મળે છે.  ટટઅના  જોડકાને લીધે બાળક પુત્ર કે પુત્રી તરીકે જન્મે પછી રંગસૂત્રનો પ્રભાવ ઘટવા માંડતા તેના શરીરમાં ફેરફાર થાય છે તે જન્મ્યો હોય તે જાતિ કરતાં તે બીજી જાતિ (છોકરો હોય તો છોકરી અથવા છોકરી હોય તો છોકરા) માં પોતાનું પરિવર્તન થાય તેવી ઈચ્છા રાખે છે. તેનો વહેવાર પણ બીજી જાતિ જેવો હોય છે.

આ  ટ્રાન્સેક્સ્યુઅલ વ્યક્તિઓને એકવાર જાતીય  પરિવર્તન કરાવવાની ઈચ્છા જાગે પછી એ ઈચ્છા  દિવસે દિવસે પ્રબળ બનતી જાય છે. અને કોઈપણ પ્રકારે કુદરતે આપેલા શરીરમાંથી છટકીને વિરુધ્ધ જાતિનું શરીર અપનાવા મથે છે. ક્યારેક તો બેબાકળા બની જઈને જાતે જ એ ફારફાર કરવામાં આત્મહત્યા  સુધીની હદે પહોંચી જાય છે...

સેક્સ ચેન્જ કરાવવાની ઈચ્છા ઘણીવાર આખા કૂટુંબને પાયમાલ કરે છે. પરણેલો પુરુષ કે સ્ત્રી જાતીય પરિવર્તન કરાવે ત્યારે બાકીના  કુટુંબીઓની શી હાલત થતી હશે? ભાઈ કે બહેન  કે દીકરો કે દીકરી તરીકેના સંબંધ ઊલટતપાસ થઈ  જાય છે!

ભારતમાં ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યક્તિઓની  સમસ્યાઓ હજુ એટલું ગંભીર સ્વરૃપ ધારણ કર્યું નથી. પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં આ સમસ્યા ઘણી વ્યાપક બની ચૂકી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૪૦૦૦ થી વધુ લોકો જાતીય પરિવર્તન માટેનું ઓપરેશન કરાવી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના ઓપરેશન કરનારની સંખ્યા સેંકડોની છે. જો કે  સેક્સ ચેન્જના ઓપરેશન કરવા માટેના વિશ્વના  શ્રેષ્ઠ ડોક્ટરો  સર્જનોનો લાભ ઓસ્ટ્રેલિયામાં મળતો હોવાનું મનાય છે.

મોટાભાગના ટ્રાન્સસેક્સ્યુઅલ કેસમાં  પુરુષમાંથી સ્ત્રી બનવાના ઓપરેશન જ વધુ થાય છે.  એક જાણીતા સર્જન કહે છે : 'એક પુરુષને સ્ત્રી બનાવવી હોય તો ચારથી પાંચ ઓપરેશન બસ થઈ પડે છે. પરંતુ એક સ્ત્રીને પુરુષ બનાવતા સાત-આઠ ઓપરેશન કરવા પડે.

તેમાંય મૂળ સ્ત્રી શરીર પરના સ્તનનો ભાગ કાઢી નાખી નીચે લીંગ બેસાડવું તે ખાસ ચીવટ માગી લેતું  કામ છે....' પૂરતી ચીવટ લીધા પછી પણ એક  સ્ત્રી પુરુષ બની જાય તો પણ  દરિયા કિનારે શર્ટ કાઢીને છૂટથી ફરી શકતો નથી. છાતી પરની કાપકૂપની નિશાનીઓ ઓપરેશનની વાત ઉઘાડી પાડી દે છે.'

અમેરિકામાં ટ્રિનિડાડ ખાતે  પ્રેક્ટિસ કરતાં ડોક્ટર સ્ટેનલી બાઈબર પણ શાન રત્નમની માફક દાવો કરે છે કે તે દર વર્ષે ૧૦૦થી વધુ સેક્સ-ચેન્જ ઓપરેશન કરે છે. 'મારા ક્લિનીકમાં સવારે નવ વાગ્યે આવનોરો  પુરુષ બપોરે ૧૨ વાગ્યે સ્ત્રી બનીને બહાર નીકળે છે અથવા સ્ત્રી સત્વરે પુરુષ બનીને બહાર આવે છે.

આને કહેવાય

અજબ ગજબની દુનિયા!!
 

Post Comments