Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

ટીપુ સુલતાન: ઝનૂની, ધર્માંધ કે બાહોશ રાજવી

વાદવિવાદ ચાલુ છે

ટીપુ સુલ્તાન વિરૃધ્ધ કથિત અપમાનજનક ટીપ્પણી  કરનાર કેન્દ્રના પ્રધાન અનંત હેગડે વિરધ્ધ ટીપુ સુલ્તાનના વારસદારો કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે.

છેલ્લાં  બે  સપ્તાહથી દેશમાં   ટીપુ સુલ્તાનને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ ટીપુ સુલ્તાનને ક્રુર અને બળાત્કારી ચીતરી  રહ્યા છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટીપુ સુલ્તાનનાં વખાણ કર્યા છે. જેને પગલે ભાજપે ભોઠા પડવા જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.

અગાઉ મોદી સરકારમાં મંત્રી અનંતકુમાર હેગડેએ જણાવ્યું હતું કે કર્ણાટક સરકાર જો ટીપુ સુલ્તાનની જયંતી નિમિત્તે કોઇ કાર્યક્રમનું આયોજન કરી રહી હોય તો મને ન બોલાવે, કેમ કે ટીપુ સુલતાન હિંદુ વિરોધી હતો, તેણે અનેક હિંદુઓની હત્યા કરી હતી અને મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા.

બીજી  તરફ કર્ણાટકમાં ટીપુ સુલતાનની જન્મજયંતીની રાજ્ય સરકાર દ્વારા  થયેલી  ઉજવણીની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર 'પાંચજન્ય'માં સખત ટીકા કરવામાં આવી છે અને ટીપુને દક્ષિણનો ઔરંગઝેબ ગણાવાયો છે.

'પાંચજન્ય'ના એક લેખમાં જણાવાયું હતું કે ટીપુએ લાખો હિન્દુઓનું બળજબરીપૂર્વક ધર્માંતર કરાવી તેમને મુસ્લિમ બનાવ્યા હતા. ટીપુની જન્મજયંતી ઉજવવા પાછળનો રાજ્ય સરકારનો એકમાત્ર ઉદ્દેશ લઘુમતીઓના તુષ્ટિકરણનો હતો.

ઉડુપીના પેજાવર મઠના સ્વામી વિશ્વેશ્વર તીર્થજીની સલાહ ટાંકીને 'ઓર્ગેનાઇઝર'ના લેખમાં ઉમેર્યું હતું કે કર્ણાટક સરકારે ટીપુની જન્મજયંતીની ઉજવણી કરવાના બદલે મૌલાના અબુલ કલામ આઝાદની કે મૈસુર, જયપુર અને હૈદરાબાદના દીવાન રહેલા સર મિર્ઝા ઇસ્માઇલની જન્મજયંતી ઉજવવી જોઇએ.

ખેર,  ટીપુ સુલ્તાન વિરૃધ્ધ કથિત અપમાનજનક ટીપ્પણી  કરનાર કેન્દ્રના પ્રધાન અનંત હેગડે વિરધ્ધ ટીપુ સુલ્તાનના વારસદારો કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે. ટીપુ સુલ્તાનના પુત્રો પૈકીના એક પ્રિન્સ મુનીરૃદ્દીનની છઠ્ઠી પેઢીના બખ્તીયાર અલીએ કહ્યું હતું કે મંત્રીની ટીપ્પણી પાયા વિહોણી અને શરમજનક હતી.

'આવા અપમાનજનક ઉચ્ચારણો અસ્વીકાર્ય અને વખોડવા લાયક છે. પોતાના રાજકીય લાભ માટે જ હેગડે આવી અભદ્ર ટીપ્પણીઓ કરે છે. અમે વકીલોનો સંપર્ક કર્યો છે અને તેની સામે કાનુની કાર્યવાહી કરવા વિચારી રહ્યા છીએ. અમે તેની સામે બદનક્ષીનો   કેસ પણ કરીશું'એમ અલીએ કહ્યું હતું.

કેટલાંક રાજકીય નિરિક્ષકોએ એવી ટકોર  કરી  છે કે કર્ણાટક રાજ્ય વિધાનસભાની  ચૂંટણી નજીક આવે  ત્યારે ટીપુ સુલતાન અંગેનો વિવાદ અચૂક  ચગાવવામાં આવે છે. કોણ હતો ટીપુ અને  ઈતિહાસમાં  તેનું સ્થાન ક્યાં હોવું  જોઈએ એ વિશે ખૂબ મતમતાંતર પ્રવર્તે છે.

૧૭૫૦ ની ૨૦મી નવેમ્બરના રોજ જન્મ લેનારા અને ૪ થી મે ૧૭૯૯ના રોજ જીંદગીને અલવિદા કરી દેનારા ટીપુ સુલતાન અંગે હાલમાં જ  અકારણ વિવાદ છેડાઈ ગયો. ભૂતકાળમાં અભિનેતા ગિરીશ કર્નાડને આ બાબતે મોતની ધમકી મળી અને એની સામે દેખાવો થયા. બાદમાં ગિરીશ કર્નાડને પોતાનું નિવેદન પાછું ખેંચી લેવાની એક રીતે ફરજ પડી હતી.

જોકે આવું પહેલી વખત નથી થયું કે ટીપુ સુલતાનનું નામ અને એના વારસદારો વિવાદના વમળમાં ફસાયા છે.

જ્યારે જ્યારે કોઈ શાસક, કોઈ વ્યક્તિ કે પછી જૂથે   મૈસૂરના આ રાજવીને માન-સન્માન આપવાનો પ્રયત્ન માત્ર કર્યો છે ત્યારે ત્યારે દેશભરમાં એનો વિરોધ થયો છે અને એના ઉગ્ર પડઘાં શેરીઓથી માંડીને સત્તાની પરસાળોમાં પડયા છે.

મલબાર અને  કૂર્ગ  વિસ્તારમાં મુસલમાન ધર્મ ન પાળતા નાગરિકોની કતલેઆમ આચરનાર મૈસુરના આ રાજવીને ટીવી પર જુદા અને સન્માનીય સ્વરૃપે ચીતરવા બદલ લોકપ્રિય ટીવી સિરીયલ 'ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન'ના નિર્માતાઓને અદાલતમાં ધસડી જવામાં આવ્યા હતા.

ત્રણ વર્ષ પૂર્વે યોજાયેલી પ્રજાસત્તાક દિનની પરેડમાં કર્ણાટકની રાજ્ય સરકારે ટીપુ સુલતાનની પ્રતિકૃતિ પાઠવવા બદલ પણ વિરોધનો વંટોળી ઉઠયો હતો અને સરકારને પોતાના પગલાંનો બચાવ કરવો પડયો હતો.

એક લશ્કરી ઈતિહાસકાર વિવિધ અભ્યાસો પછી એવા તારણ પર આવ્યા હતા કે ટીપુ સુલતાનના વ્યક્તિત્વના એક માત્ર પાસા અથવા એમના શાસનના સમયગાળાના એક કાળખંડ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશ એક એવી વ્યક્તિને અન્યાય કરી રહ્યો છે જે એ સમયખંડના વિવિધ, મુશ્કેલ  અને પ્રતિકૂળ સંજોગોમાં જીવ્યો હતો. ભારતના ઈતિહાસના એ સમયગાળા દરમિયાન ત્રણ શાસકો હતા જેની આણ, વર્ચસ્વ અથવા પ્રભાવ હતો.

મરાઠા, નિઝામ અને બ્રિટીશરો. આ ત્રણેય જૂથો એક ચોક્કસ સમયે ટીપુ સુલતાનની વિરુદ્ધ હતા અને એની સામે સહિયારો મોરચો માંડયો હતો. ઈતિહાસના જાણકારોના કહેવા મુજબ એ સમયખંડના પરિપ્રેક્ષ્યને આજના યુગની લોકશાહીના ચશ્માથી ન જોઈ શકાય. ટિપુ સુલતાન એના સમય કરતા ઘણુ આગળનું વિચારી શકતો હતો અને ધર્માંધ મુસ્લિમ રાજા માત્ર ન હતો.

અઢારમી સદીના ઉત્તર ભાગમાં મહિસુરમાં હૈદર અલીનું અને એ પછી તેના પુત્ર ટીપુ સુલતાનનું રાજ હતું. બ્રિટિશ લોકોએ ભારત ઉપર કબજો જમાવવા માંડયો ત્યારે તેમની નજર મહિસુરના સમૃદ્ધ રાજ્ય ઉપર પડી હતી. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં પાવરધા હતા. તેમણે હૈદરાબાદના નિઝામની અને મરાઠાઓની મદદ લઈને ટીપુને ૧૮મી સદીના છેલ્લા દશક દરમિયાન ખતમ કર્યો. ટીપુ સુલતાન છેલ્લે સુધી પોતાની હીરાજડિત તલવારથી લડયો હતો.

જખમી થયેલા ટીપુની તલવારની મોંઘીદાટ હીરાજડિત મૂઠ તેના દેહમાંથી ખેંચી લેવાનો બે અંગ્રેજ   સૈનિકોએ પ્રયાસ કર્યો ત્યારે ટીપુના શરીરમાંથી ચિક્કાર ખૂન વહી જતું હોવા છતાં ટીપુએ પોતાની તલવાર વડે બે અંગ્રેજ સૈનિકોને ઘાયલ કર્યા.

છેવટે એ જમાનાના યુદ્ધના નિયમોનો ભંગ કરીને અંગ્રેજ સેનાપતિએ ટીપુને ઠાર કર્યો હતો. આ પહેલાં ટીપુએ શ્રીરંગપટ્ટનમની સંધિ પ્રમાણે પોતાનું અડધું રાજ મરાઠાઓને અને નિઝામને આપી દેવું પડયું હતું. ટીપુએ અંગ્રેજોને ૩૦ લાખ પાઉન્ડ (એ જમાનામાં) ચૂકવવા પડયા હતા અને તેના બે પુત્રોને લોર્ડ કૉર્નવાલિસ બાન  તરીકે લઈ ગયો હતો. ટીપુ સુલતાન, સમજી ગયો હતો કે તમામ દેશી રાજ્યોએ એક થવું જોઈએ.

ટીપુએ જોઈ લીધું હતું કે હિંદનો ખરો શત્રુ અંગ્રેજ છે. ટીપુએ ફ્રાન્સ, તુર્કી અને અફઘાનિસ્તાન ખાતે પોતાના દૂતોને મોકલીને અંગ્રેજોને લડત આપવાની તૈયારી કરી હતી. વાઈસરૉય લૉર્ડ કૉર્નવાલિસના અનુગામી લૉર્ડ વેલેસલીને ટીપુના ઈરાદાઓની ખબર પડી ગઈ હતી. વેલેસલીએ તરત જ યુદ્ધ કર્યું અને ટીપુને ખતમ કર્યો.

અંગ્રેજ ઈતિહાસકારોએ ટીપુ સુલતાનને હિંદુઓને વટલાવનાર ધર્માંધ મુસલમાન તરીકે ચીતર્યો છે.  અમુક હિંદુ ઈતિહાસકારોએ ઔરંગઝેબ, તૈમૂર લંગ, મહમ્મદ ગિઝની, મહમદ ઘોરી તથા બાબરને અમુક જ દષ્ટિથી નીરખ્યા છે. એક ઈતિહાસકારે લખ્યું છે કે ટીપુનું એક પ્રચંડ વ્યક્તિત્વ હતું. તેને ખુદામાં  અદ્ભુત શ્રદ્ધા હતી. એ જમાનામાં શરાબ તથા સુંદરીનાં વ્યસનોથી ટીપુ મુક્ત હતો.  ટીપુની નૈતિકતા પ્રશંસનીય હતી.

એક ઈતિહાસકારકે કહ્યું છે કે ટીપુ ધાર્મિક બાબતોમાં અસહિષ્ણુ ન હતો. બીજાએ કહ્યું છે કે ટીપુએ ધર્મપરિવર્તનો કરાવ્યાં હતાં પણ એ વટાળપ્રવૃત્તિ બહુ મર્યાદિત હતી, સામૂહિક કે સાગમટે ધોરણે ન હતી. એક ઈતિહાસકારે લખ્યું છે કે જુલમી ટીપુ  હિન્દુઓને ખૂબ સતાવતો હતો. ટીપુએ હિન્દુ મંદિરોનો નાશ કર્યો હતો અને તેણે પોતાના જનાનાખાનાને છલકાવી દેવા માટે સુંદર યુવાન હિંદુ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં.

જો કે તમામ ઈતિહાસ લેખકો  ટીપુ સુલતાનને  એક જ રંગે રંગતા નથી. કેટલાકે આ સુલતાનની  ભારોભાર  પ્રશંસા કરી  છે.

ટીપુએ  તેના સમયમાં  વિકસાવેલી જમીન મહેસૂલ  પધ્ધતિને પણ ઈતિહાસકારોએ વખાણી  છે તેના શાસનકાળમાં જ મૈસૂરમાં  ચંદનનો વેપાર વિકસ્યો  રેશમ (સિલ્ક)  અને મસાલના વેપારને  પણ ખૂબ પ્રોત્સાહન  મળ્યું.  વેપાર-વાણિજ્ય વિકસાવવા અને રાજ્યની પેદાશની  દરિયાપાર  નિકાસ વધારવા તેણે સુગઠિત નૌકાદળની રચના કરી.

જો કે આજ ટીપુએ તેનું સામ્રાજ્ય વધારવા કોડાગુ, મેંગ્લારુ અને મલબાર પર વારંવાર  હુમલા કર્યાં, ત્યાં વસતિ હિન્દુ પ્રજાની  કત્લેઆમ   કરી , અનેક  નગરો- ખેતરોને બાળી નાખ્યા તેમ જ અનેક મંદિરો અને ચર્ચો  ધરાશયી કર્યા તેથી આ વિસ્તારોમાં  આજેય પ્રજા તેને નફરતની  નિગાહે  જુએ છે.

ટિપુ સુલતાન અત્યંત વિચારશીલ અને આધુનિક વિચારસરણી ધરાવતો રાજવી હતો. એણે અને એના પિતા હૈદરઅલીએ મળીને વિશ્વને રોકેટનો ઉપયોગ યુદ્ધમાં થઈ શકે એ શીખવ્યું હતું. હકીકતમાં ટીપુ સુલતાને ફતહુલ મુજાહિદ્દીનનું શિર્ષક ધરાવતું એક પુસ્તક લખ્યું હતું જેમા એણે ભયંકર શસ્ત્રોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકાય એ વિશે માહિતી આપી હતી.

હકીકતમાં ટીપુ સુલતાનના શસ્ત્રો વિશેના આ જ્ઞાાનના વ્યવહારુ   ઉપયોગને કારણે જ ૧૭૮૦માં પોલીલુરના યુધ્ધમાં બ્રિટીશરોને હારનો સામનો કરવો પડયો હતો.

૧૭૯૯ ના વર્ષમાં ટીપુ સુલતાનના શાસનની પડતી પછી બ્રિટીશરો ટીપુ સુલતાને વિકસાવેલા રોકેટને બ્રિટન લઈ ગયા હતા અને એમાં  સુધારાવધારા કરીને મોટી સંખ્યામાં આ પ્રકારના રોકેટોનું નિર્માણ કરીને પોતાના શસ્ત્રોના ભાથામાં ઉમેર્યા હતા. ટીપુ સુલતાનના વફાદાર અને કુશળ કારીગરોએ એના પાયદળ માટે એ સમયની શ્રેષ્ઠ બંદૂક, પિસ્તોલ, કેનન, ઘોડેસવારી દરમિયાન ખાસ ઉપયોગમાં લેવામાં આવતી તલવારો સહિત યુદ્ધમાં વપરાતા અનેક શસ્ત્રો બનાવ્યા હતા.

બ્રિટનને આનો સીધો ફાયદો ૧૮૧૨માં એના અમેરિકા સાથેના યુદ્ધમાં અને ૧૮૧૫માં નેપોલિયન સાથેના વોટરલૂના યુદ્ધમાં મળ્યો હતો. ટીપુ સુલતાનના લશ્કર માટે વિકસાવવામાં આવેલી એક ખાસ કોતરણીકામ ધરાવતી તલવારનો ઉપયોગ બ્રિટીશ યોદ્ધાએ   નેપોલિયન સાથેના યુધ્ધમાં સફળતાપૂર્વક કર્યો હતો.

ડયુક ઓફ વેલિંગ્ટને ટીપુ સુલતાન અને નોપોલિયન એમ બન્નેને યુદ્ધ મોરચે હાર આપી હતી. ટીપુ સુલતાનની શસ્ત્રોની સૂઝબૂઝ અંગે ભારે આદર અને સન્માનની લાગણી ધરાવતા હતા. ટીપુ સુલતાનના પાયદળ અને અશ્વદળ બાદમાં મૈસૂરના ઘોડાદળની પલટણની એક કાયમી પરંપરા બની ગયા અને પહેલા વિશ્વયુદ્ધના આ સિપાઈઓ હીરો સાબિત થયા હતા.

ઈતિહાસના એ સમયખંડમાં દીર્ઘદ્રષ્ટા ટીપુ સુલતાને ઈમારતો, માર્ગો અને પુલોના બાંધકામ કરવા ઉપરાંત કાવેરી પર   પર  બાંધવાનો પાયો નાખ્યો હતો એમ કહી શકાય. આજે ક્રિશ્ના સાગર ડેમ તરીકે ઓળખાતી આ યોજનાનું અંતિમ ચરણ ઠેઠ વીસમી સદીમાં સંપન્ન થયું હતું.

કર્ણાટકમાં આજે જે 'સેરીકાચર ઈન્ડસ્ટ્રી' ધમધમે છે. એની પાછળ ટીપુ સુલતાનની દીર્ઘ દ્રષ્ટિ છે. ટીપુ સુલતાનના નિધન પછી કોઈ સબળ હરીફને અભાવે બ્રિટીશરોએ મૈસૂરનો પ્રદેશ અંકે તો કરી લીધો. પરંતુ એમને આશ્ચર્ય થયું કે મૈસુરના સરેરાશ ખેડૂતો અને ગ્રામ્યવાસીઓ કંપનીના સીધા શાસન હેઠળ આવતા મદ્રાસના દૈહાતી કરતા વધુ સંપન્ન અને સુખી હતા.

ટીપુના ઈજનેરોએ એ યુગમાં એક સ્વંયસંચાલિત રમકડું બનાવ્યું હતું જેમાં વાઘ બ્રિટીશ સોલ્જરને ફાડી ખાય છે એવી રચના હતી. બ્રિટીશરો આ રમકડાંથી ગુસ્સે થયા કે નહીં એની તો જાણ નથી પરંતુ ચોક્કસ મોઢામાં આંગળા નાખી ગયા હતા. એમને સમજાઈ ગયું હતું   કે ટીપુને બ્રિટીશરો પ્રત્યે કેટલો ધિક્કાર હતો. જોકે એક વાતનો એમણે પણ સ્વીકાર કર્યો હતો કે એ સમયે આ રમકડું કોઈ ટેક્નોલોજીકલ આવિશ્કારથી કમ ન હતું.

ટીપુ સુલતાન સામ્રાજ્યવાદી મનોવૃત્તિ ધરાવતો  હતો  અને કોઈ અગમ્યકારણોસર એણે ફ્રાંસમાં થયેલી ક્રાંતિનું પૂરેપૂરુ સમર્થન કર્યું હતું. ટીપુએ ફ્રાંસની ક્રાંતિને આપેલા સમર્થનને નવાજવા ફ્રાંસે એને જેકોબીન ક્લબનો સભ્ય બનાવ્યો હતો. ટીપુએ પોતાની રાજધાનીમાં ફ્રાંસની ક્રાંતિના પ્રતીકરૃપે 'ટ્રી ઓફ લિબર્ટી'ની પણ રોપણી કરી હતી. ટીપુના આ પગલાને કારણે ફ્રાન્સ એને 'સિટીઝન ઓફ ટીપુ' તરીકે ઓળખાતુ થયું હતું.

વિશ્વવિખ્યાત યોધ્ધા નેપોલિયન બોનાપાર્ટે જ્યારે ટીપુ સુલતાન સાથે સંવાદનો સેતુ સ્થાપ્યો ત્યારે એણે ટીપુ સુલતાનને બ્રિટીશરોની ગુલામીમાંથી મુક્ત થવા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું. જોકે નાઈલ નદીના યુદ્ધમાં નેપોલિયનની કારમી હાર થવાને કારણે નેપોલિયનનું વચન અને ટીપુ સુલતાની મહેચ્છા ક્યારેય પૂરી ન થઈ એ જુદી વાત છે. જોકે આ બન્નેના અંગ્રેજો સામેના જોડાણને કારણે અંગ્રેજોે એટલા ગિન્નાયા હતા કે એમણે ટીપુ સુલતાનનો કાંટો કાઢવાનો નિર્ણય લઈ લીધો.

એક ઈતિહાસવિદ્દના કહેવા પ્રમાણે સ્થાનિક સમીકરણોને બાજુએ મૂકીએ તો ટીપુ સુલતાન એક માત્ર યોધ્ધો હતો જેણે બ્રિટીશરોને સતત હંફાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને અમુક અંશે એ સફળ પણ થયો હતો. નિઝામ અને મરાઠાઓએ કોઈને કોઈ તબક્કે અંગ્રેજોનો સાથ  આપ્યો હતો. ભલે એ સમયની એ માગ હોય  અને નિઝામ અને મરાઠાઓનો એ ઘડીનો નિર્ણય કદાચ સાચો પણ હોય. પરંતુ ટીપુએ હંમેશા અંગ્રેજોને પોતાના દુશ્મન માન્યા હતા.

લગભગ ટીપુ સુલતાનના જ સમયમાં કર્ણાટકથી સેંકડો કિલોમીટર દૂર પઝહાશી રાજા નામનો બહાદુર યોધ્ધો થઈ ગયો. અંગ્રેજો   સામે લડતા લડતા ૧૮૦૫ના વર્ષમાં તે વીરગતીને પ્રાપ્ત થયો હતો.  પઝાહાશી જે દિવસે શહીદ થયો એ ૩૦મી નવેમ્બરના દિવસને 'લાયન ઓફ કેરળ'ના નિર્વાણ દિવસ તરીકે ઉજવે છે.

૧૮૦૫ની ૩૦મી નવેમ્બરના દિવસે પઝાશાહી રાજા વીરગતીને પ્રાપ્ત થયો એ પહેલા એણે બ્રિટીશરો સામે કરેલા બળવાને ઈતિહાસકારો સુદ્ધા સ્વંયભૂ બળવો અથવા સમૂહ બળવા તરીકે ઓળખે છે. બ્રિટીશરો સામે છેડેલા યુધ્ધમાં એણે પોતાની સાથે કુરુચીયાના આદિવાસી નેતા, સ્થાનિક નાયર યોધ્ધાઓ તથા મુસલમાન પ્રજાને પણ સાથે રાખી હતી. અલબત્ત,  પઝાશાહીને પણ આ દ્રષ્ટિએ બિનસંપ્રાદાયિક નેતા કહી શકાય. એણે બ્રિટીશરો સામે ઉપરોક્ત તમામને પોતાના નેજા હેઠળ એકઠાં કર્યાં હતા.

દેશભક્તો અને દેશદ્રોહીઓ, સાંપ્રદાયિક અને બિનસાંપ્રદાયિકની સામાન્ય પરિભાષામાં પઝાશાહીને ક્યાં મૂકવો એ પણ કોયડો બની રહે કારણ કે   તે   એક તબક્કે એ ટીપુ સુલતાન સામે પણ જંગે ચડયો હતો. જે પણ કોઈ કારણ હોય પરંતુ એ હકીકત છે કે પઝાશાહી અને બીજા સ્થાનિક નેતાઓએ પોતાની તલવારની ધાર બ્રિટીશરો સામે ઉગામી એ અગાઉ એમણે બ્રિટીશરોની મદદ કરી હતી અને ટીપુ સુલતાન સામેના યુધ્ધમાં બ્રિટીશરો સાથે   ખભેખભા   મિલાવ્યા  હતાં.

જોકે ઈતિહાસમાં દ્રષ્ટિપાત કરતા એ વસ્તુ જણાઈ આવશે  કે   એ સમયે જે પણ કોઈ વ્યક્તિ કે યોદ્ધો જુદી ભાષા બોલે, સ્થાનિક લોકોથી જુદા તરી આવતા પોશાક પહેરે કે પછી કોઈ નોખા ધર્મ પ્રત્યે આસ્થા પ્રગટ કરે, આ તમામને વિદેશી તરીકે ખપાવી નાખવામાં આવતા હતા. સંભવિત એ કાળખંડની આ અનિવાર્યતા હતી.

યઝાશાહ અને ટીપુ સુલતાનને કોરાણે મૂકીને મધ્યકાલીન કેરળના એ કાળખંડમાં દ્રષ્ટિપાત કરીએ  તો ખબર પડે છે કે કેરળના ઈતિહાસમાં એવા રાજવી પરિવારોની અછત કોઈ દિવસ વર્તાઈ નથી જેમણે વિદેશીઓનો ઠીક પરંતુ પોતાનો ધર્મ પાળતા,

સ્થાનિક ભાષા બોલતા અને કવચિત પોતાના સંબંધીઓ હોય એવા પોતાના નાગરિકોને નેસ્તોનાબૂદ કરવા પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ અને બ્રિટીશરોનો સાથ લીધો હતો અથવા આપ્યો હતો. અને  આ તમામમાંથી કોઈ પણ નેતા બ્રિટીશરો સામે જંગે ચડવાથી ન હીરો બન્યો હતો કે ઈતિહાસે એને વિલન ચીતર્યો હતો.

ઈતિહાસકારો અને સંશોધકોના મનમાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે એ સમયના ભારતના લોકપ્રિય હોય કે પછી આપખુદ અને જુલમી હોય,  એવા રાજા-મહારાજાનો  ભૂતકાળ ઊખેળવાનો કોઈ  ફાયદો ખરો ?   

સદીઓ પહેલા ઈતિહાસના પાનામાં પોઢી ગયેલા આ વ્યક્તિત્વોને આધુનિક સંદર્ભના 'ફ્રીડમ ફાઈટર', સાંપ્રદાયિક, પ્રગતિશીલ જેવા થીંગડાં મારવાથી શો અર્થ સરશે. હકીકતમાં આને કારણે ઈતિહાસ વિકૃત અને કોમવાદી થાય છે. ઐતિહાસિક ઘટનાઓનું મૂલ્યાંકન છીછરી અને બેવડા દ્રષ્ટિકોણ  થવાની સંભાવના વધે છે. આટલું ઓછું ન હોય એમ આ બધા વિવાદોથી આજનું  રાજકારણ પણ ડહોળાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments