Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

#Metoo...જાતીય શોષણ સામે મહિલાઓનો મોરચો

''The Silence Breakers'' : હમ પાંચનો પંચ

'ટાઈમ'ના મતે ૨૦૧૭નું વર્ષ કોઈ વૈશ્વિક નેતા કે હસ્તીને નહીં પણ નિડર મહિલાઓને પોખવા માટેનું જ હોઈ શકે

૧૯૨૭થી શરુ થયેલ 'ટાઈમ' મેગેઝિનના 'પર્સન ઓફ ધ યર'ની વાત

અમેરિકાના જગવિખ્યાત સામયિક 'ટાઈમ' દ્વારા 'સાયલન્સ બ્રેકર્સ'ને વર્ષ ૨૦૧૭ના 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાતા વિશ્વના નાગરિકોએ 'ટાઈમ'ના તંત્રી મંડળના આ નિર્ણયને આવકાર્યો છે. 'ટાઈમ'ના 'પર્સન ઓફ ધ યર'માં નોમિનેટ થવાનું પણ ગૌરવ મનાતું હોય છે. આ વખતે કોઈ એક વિશ્વપ્રભાવી વ્યક્તિને નહીં પણ એક ઝૂંબેશ અને તેમાં સામેલ થનાર સૌને 'પર્સન ઓફ ધ યર'નાં સન્માન હેઠળ સલામ કરવામાં આવી છે.

સામયિકના મુખપૃષ્ઠ પર ઇસાબેલ પાસ્કલ, અડમા લ્વુ, એશ્લી જડ, સુસાન ફાઉલર અને ટેલર સ્વિફ્ટ જેવી પાંચ મહિલાઓની તસવીર મુકાઈ છે જેઓ તેમના કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારી કે બોસ દ્વારા જાતિય શોષણનો ભોગ બની હતી તેટલું જાહેરમાં કે મીડિયા સમક્ષ જણાવીને અટકી જ નહોતી ગઈ પણ આવુ કૃત્ય આચરનાર વગદાર વ્યક્તિનું નામ સુધ્ધા તેઓએ જણાવ્યું. વર્ષ દરમ્યાન આ મહિલાઓની સ્ટોરીથી પ્રેરાઈને જ અન્ય મહિલાઓમાં તેમની પર પણ આવું જાતિય શોષણ થયું હતું તેમ કહેવાની વિશ્વભરમાં હિંમત જોવા મળી છે.

કંપનીઓના સીઈઓ, હોલીવુડના મુઘલ મનાતા હાર્વે વેઇનસ્ટેન, 'હાઉસ  ઑફ કાર્ડસ' ફેઇમ અભિનેતા કેવિન સ્પાસે, ઉબરના બોસથી માંડી કર્મચારીઓ પણ મહિલા સ્ટાફની આવી ફરિયાદ પૂરવાર થતા પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. રેડિયો જોકી, નિર્માતા નિર્દેશકો, સાહિત્યકારો, અધ્યાપકો, શિક્ષકો, કલા-સર્જનની હસ્તીઓ, સેલિબ્રીટી એજન્ટથી માંડી મહિલાઓના બોસના નામ ઉછળ્યા. મહિલાઓ કાનુની જંગ માટે પણ તૈયાર થઇ છે અને જાણે એક ક્રાંતિનું વાતવરણ સર્જાયું છે.

જો કે આની સામે જુદા જુદા ક્ષેત્રોમાં પુરુષ સમાજના અગ્રણીઓએ પણ બચાવમાં બ્લોક, તંત્રીને પત્ર કે પેનલ ચર્ચામાં તેનો બળાપો કાઢ્યો છે કે ઘણી મહિલાઓ પણ સામે ચાલીને નોકરી ધંધામાં બઢતી મેળવવા તેમનું ધાર્યું કામ કે મહત્ત્વાકાંક્ષા પાર પાડવા ગ્લેમરની દુનિયામાં છવાઈ જવા કે 'હની ટ્રેપ' બનવા તૈયાર થઇને તેના રૃપ અને અંગોનો સીફતતાથી ઉપયોગ કરતી હોય છે. આ જ મહિલાઓ ઝુંબેશની નદીમાં ડૂબકી મારી તેના પાપ ધોઈ નાંખતી હોય છે.

જો કે આવા જૂજ અપવાદની મહિલાઓને બાદ કરતા વિશ્વમાં મહિલાઓનું શોષણ વ્યાપક પ્રમાણમાં થાય જ છે તેમ 'ટાઈમ'નું વિશ્લેષણ નિકળે છે.

મહિલાઓનું જાતિય શોષણ તો સદીઓથી થતું જ આવ્યું છે પણ વર્ષ ૨૦૧૭ દરમ્યાન જે હદે મહિલાઓ નિડરતાથી શોષણખોરોની શેહથી ગભરાયા વિના નામ આપવા  સાથે બહાર આવી તેવું અગાઉ ક્યારેય જોવા નથી મળ્યું.

આમ તો મહિલા એક્ટિવિસ્ટ તરાના બુર્કે #MeToo  હેશટેગમાં તેનું જાતિય શોષણ થયું છે તેમ પાંચેક વર્ષ પહેલા જાહેરાત કરી હતી અને જેઓની જોની સાથે તેના જેવું વીત્યુ હોય તેમને જોડાઈ જવાનું તેમાં આહ્વાન અપાયું હતું પણ તે વખતે ખાસ પ્રતિસાદ નહતો સાંપડયો.

આ વર્ષે અભિનેત્રી અલિસા મિલાનોએ ફરી આ જ હેશટેગ સાથે ટ્વિટ પોસ્ટ કરી અને બીજા દિવસે તે સવારે ઉઠી ત્યારે ૩૦૦૦૦ જેટલી મહિલાઓએ Metoo પર તેઓ પણ ભોગ બન્યા છે તેની મહોર લગાવી, 'ધ ન્યુયોર્ક ટાઈમ્સ' અને 'ધ ન્યુયોર્ક'માં વેઇન્સ્ટેઇન પરની સ્ટોરીએ અભિનેત્રીઓની નિડરતાને લીધે સનસનાટી મચાવી તેના બીજા જ દિવસથી હોલીવુડ, અમેરિકન ટીવી અને રેડિયો જગતના મોટામાથાઓ એંકરો, જોકી, નિર્માતા, નિર્દેશકો અને એજન્ટોની આબરૃ નારિયેળની જેમ વધેરાઈ ગઈ.

તેના પર જાતિય શોષણ થયું હતું તેમ કબૂલાત કરતી મહિલાને શરૃની સહાનુભૂતિ બાદ પછીથી સમાજ જુદી રીતે જોતી હોય છે ત્યારે શોષણખોર અને ઉંચી પહોંચ ધરાવનાર હસ્તીનું નામપણ વટ કે સાથ જાહેર કરવું તે નાનીસૂની વાત નથી. કેવિન સ્પાસે ઉપરાંત કોમેડિયન લુઇસ કે એમબીસીડાયરેક્ટર મેટ્ટ લોટને પણ મહિલાઓએ બેનકાબ કર્યા.

આવી ઝુંબેશમાં કોઈ પુરૃષનું નામ વિવાદમાં ઢસડીને ઝૂંબેશમાં નથી જોડાઈ જવાતું પણ પુરૃષ તે કબુલવા મજબુર બને તે રીતે પુરાવા સાથે કે પછી પુરૃષ કોર્ટમાં બદનામીનાદાવા સાથે ઢસડે તો લડી લેવાની હિંમતની જરૃર પડતી હોય છે. આ ઝુંબેશની મૂળ યોજના એવી છે કે એક મહિલા હિંમત કરે તો બીજી મહિલાઓ પણ તે હવસખોર વ્યક્તિએ તેની જોડે પણ આવું જ વર્તન કર્યું હતું તેમ જણાવી તેમાં જોડાવા તૈયાર થઈ.

આવા પુરૃષ પર સાર્વત્રિક હુમલો થાય અને  તે માફી માંગવા મજબૂર જ બને. ચોંકાવનારી વાત એ પણ બની કે વેઇન્સ્ટેઇનના પર્દાફાશ પછી મહિલાઓ જ નહીં એવા પુરૃષો પણ બહાર આવ્યાં કે તેમનું પણ ગે પુરૃષ માલિકોએ, નિર્માતા- નિર્દેશકો, સાથી કર્મચારીઓ, સર્જકોએ શોષણ કર્યું છે.

સુસાન ફાઉલર નામની મહિલા એન્જીનિયરે તે જ્યાં જોબ કરે છે તે ઉબરના ટોપ બોસ સામે સોશ્યિલ મીડિયામાં આરોપ મૂક્યો અને તે પછી તો કંપનીની અન્ય મહિલાઓએ પણ પોતપોતાના બોસ સામે ફરિયાદ કરી. ઉબરમાં સેક્સ શોષણનું કલ્ચર છે તે બાહર આવતા તેના સીઈઓ અને ૩૦ ઉચ્ચ અધિકારીઓ બરતરફ કરવામાં આવ્યા હતા.

પોપ સુપરસ્ટાર ટેલર સ્વિફ્ટ તો તેના રેડિયો હોસ્ટને કોર્ટમાં ઢસડી ગઇ અને તેણે કેસ પણ જીત્યો. કેલિફોર્નિયાની કોર્પોરેટ લોબિઇસ્ટ અડામા લુ એ પણ આવા શોષણ બાદ ઝૂંબેશનો પ્રચાર કર્યો છે.

અન્ય એક મહિલા ઇસાબેલ પાસ્કલ ફળફૂલની નર્સરીમાંથી સ્ટ્રોબેરીને ચૂંટવાનું કામ કરતી હતી તેનો કોન્ટ્રાક્ટર તેને સેક્સ માટે મજબુર કરતો હતો.

તેની નિડરતા પછી વિશ્વની હજારો ગરીબ મહિલાઓ કે જેઓ કોન્ટ્રાકટર હેઠળ કામ કરતી હોય છે તેઓ પરની સેક્સ્યુઅલ જોહૂકમી બહાર આવી

વર્ષ ૨૦૧૭ના 'ટાઇમ' પર્સન ઓફ ધ યર' માટે આખરી જે ૧૦ નામો શોર્ટલિસ્ટ થયા હતા તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ ક્ષી જીનપિંગ, સાઉદી અરેબિયાના આધુનિક દ્રષ્ટા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, મીટુ મુવમેન્ટ (ધ સાયલન્સ બ્રેકર) નિર્દેશિકા પેટ્ટી જેન્કિન્સ કે જેની 'વન્ડર વુમન' ફિલ્મ એક જ અઠવાડિયામાં રૃ. ૬૫૦ કરોડનો બિઝનેસ કર્યો.

'એમેઝોન'ના સીઇઓ બેઝોસ, અમેરિકામાં બાળપણથી આવેલા પણ કાયદેસર નાગરિક બનવાની  ઇંતેજારી કરી રહેલા 'ડ્રીમસ, નેશનલ ફૂટબોલ લીગ વખતે રજૂ થતા રાષ્ટ્ર ગીત દરમ્યાન આદરપૂર્વક ઉભા રહેવાની જગાએ ઘૂંટણીએ બેસી રહેવા બદલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટીકાનો ભોગ બનનાર ખેલાડી કાએપેર્મિક, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન, એફબીઆઈના ડાયરેકટર જેમ્સ કોમેની ટ્રમ્પે હકાલપટ્ટી કરી તે પછી સ્પેશ્યલ કોન્સેલ તરીકે નિમણુક પામનાર રોબર્ટ મુલરનો સમાવેશ થતો હતો.

આમ તો વિશ્વના ઘણા પ્રકાશનો તેમની રીતે વર્ષના અંતે 'પર્સન ઓફ ધ યર' જાહેર કરતા હોય છે પણ ૧૯૨૭ થી આ પ્રથા શરૃ કરનાર પ્રણેતા 'ટાઇમ' મેગેઝિન કહી શકાય. તેઓની તટસ્થ દ્રષ્ટિ અને સાતત્યભરી ઇમેજને લીધે આજે પણ 'ટાઇમ'ના 'પર્સન ઓફ ધ યર' અને તે માટેનું કારણ માનવ જગતના ઇતિહાસનું એક પ્રકરણ બને છે.

વિશ્વના વિવેચકો અને દ્રષ્ટાઓને ઘણી વખત તેમાં અમેરિકન કેન્દ્રીત પસંદગી લાગતી હોય તો પણ મોટાભાગનાને તે સ્વીકાર્ય છે કેમ કે અમેરિકાના નેતાઓ, ટેકનોક્રેટ, કોર્પોરેટ હસ્તી કે મુવમેન્ટ જ વિશ્વની દિશા નક્કી કરતા હોય છે. આ જ કારણે અમેરિકાના તમામ પ્રમુખ તેમના ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન એક વખત તો 'પર્સન ઓફ ધ યર' બને જ છે.

૧૯૪૪માં ડવાઇટ આઇઝનહોવર બીજા વિશ્વ યુદ્ધમાં સુપ્રીમ કમાન્ડર હતા ત્યારે અને તે પછી ૧૯૫૯માં અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે એમ બે વખત 'પર્સન ઓફ ધ યર' જાહેર થયા હતા.

મહિલાઓ 'પર્સન ઓફ ધ યર' બને તો પણ ૧૯૯૯ સુધી 'મેન ઓફ ધ યર' જેવા જ શબ્દનું પ્રયોજન થતું. ૧૯૯૯ થી અત્યાર સુધી 'ધ વ્હીસલબ્લોઅર્સ' (ત્રણ મહિલાઓને) ૨૦૦૨માં મેલિન્ડા ગેટસ, ૨૦૦૫માં જર્મની નેતા મર્કેલ (૨૦૧૫) અને આ વખતે 'સાયલન્સ બ્રેકર્સ' (પાંચ મહિલા) મહિલા સિધ્ધીને 'પર્સન ઓફ ધ યર' તરીકે બિરદાવાઇ છે.

૧૯૨૭ થી ૧૯૯૯ દરમ્યાન વાલિસ સિમ્પસન (૧૯૩૬), ક્વીન એલિઝાબેથ (૧૯૫૨), ઓરાઝોન એકવીનો (૧૯૮૬) સુંગ મેલ (૧૯૩૭), અમેરિકા વિમેન ગુ્રપ (૧૯૭૬), હંગેરિયન ફ્રીડમ ફાઇટર્સ (૧૯૫૬) યુ. એસ. સાયન્ટિસ્ટ (૧૯૬૦), ધ ઇન્હેરિટર્સ (૧૯૬૬), 'ધ મિડલ અમેરિકન્સ (૧૯૬૯), ધ અમેરિકન સોલ્જર્સ (૨૦૦૩), યુ (૨૦૦૬), ધ પ્રોટેસ્ટર (૨૦૧૪) ને 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાતા તેમાં પુરૃષો અને મહિલાઓ પણ હતી. આ એવા 'પર્સન ઓફ ધ યર' પણ કહી શકાય કે જે કોઇ ચળવળ, ગુ્રપ કે વિચારધારા, વિશ્વના ટ્રેન્ડને સમર્પિત છે.

એમ તો ટાઇમ મેગેઝિને ૧૯૮૩માં ધ કમ્પ્યુટર (મશીન ઓફ ધ યર) અને 'ઇન્ડેજર્ડ અર્થ' (પ્લેનેટ ઓફ ધ યર ૧૯૮૮) ને 'પર્સન ઓફ યર' જે તે વર્ષે રદ કરીને જાહેર કર્યા હતા.

૧૯૭૯ સુધી ટાઇમ વિવાદાસ્પદ છતાં વિશ્વ પ્રભાવક વ્યક્તિને પણ પર્સન ઓફ ધ યર જાહેર કરતું હતું. આ જ કારણે હિટલર (૧૯૩૮), સ્ટાલિન (૧૯૩૯ અને ફરી ૧૯૪૨), ખુ્રશ્ચેવ (૧૯૫૭) અને આયાતોલ્લાહ ખોમેની (૧૯૭૯) ને પર્સન ઓફ ધ યર જાહેર કરાયા ત્યારે અમેરિકા સહિત વિશ્વમાં હોબાળો મચ્યો હતો. ૧૯૭૯ પછી નકારાત્મક હીરોને આવું બિરૃદ આપવાનું બંધ કરાયું. આથી જ ૨૦૦૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી બિન લાદેન જે વૈશ્વિક પ્રભાવ હતો છતાં ન્યુયોર્કમાં પુન: સ્થાપનનું અસાધારણ કામ પાર પાડનાર મયેર રૃડોલ્ફ જયુલિયાનીને પર્સન ઓફ ધ યર જાહેર કરાયા હતા.

૨૦૦૪માં જ્યોર્જ બુશ જુનિયરની ઠેકડી ઉડાવતી દસ્તાવેજી 'ફેરહનહીટ ૯/૧૧' ના ફિલ્મ મેકર માઇકલ મૂર અને 'ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ'ના હિરો મેલ ગિબ્સન બંનેને સંયુક્તપણે 'પર્સન ઓફ ધ યર' જાહેર કરવાનું નક્કી થઇ ચૂકયું હતું. પણ શરત મુજબ બંનેએ તે એક માટે સંયુક્ત ઇન્ટરવ્યુ આપવાનો હતો તેમાં ભાગ લેવાની મેલ ગિબ્સને છેલ્લી ઘડીએ ના પાડતા ટાઇમના તંત્રી મંડળે બંનેને પડતા મુકીને જ્યોર્જ બુશને જ 'પર્સન ઓફ ધ યર' જાહેર કરી દીધા હતા.

બાય ધ વે.. ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીને 'ટાઇમ'ના 'પર્સન ઓફ ધ યર' જાહેર કરાયા હતા. જાન્યુઆરી ૨૭, ૧૯૪૭ના ટાઇમનાં અંકના ટાઇટલ પર સરદાર પટેલ ચમક્યા હતા. આ અંક હાલ સ્વામીનારાયણ મણીનગર ગાદી સંસ્થાન પાસે સચવાયેલ છે.

૧૯૬૮માં અપોલોના અવકાશયાત્રી, ૧૯૯૩માં ધ પીસ મેકર્સ (અરાફત, કલર્કે, મંડેલા, રેબીન), ઇબોલા ફાઇટર્સ (૨૦૧૪) પણ ઉલ્લેખનીય 'પર્સન ઓફ ધ યર' બની ચૂક્યા છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments