Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

પતંગોત્સવ : આપણો મેનેજમેન્ટ અને ફિલસૂફ ગુરુ

ભલે અંતરીક્ષની ઊંચાઇ આંબો પણ છેલ્લે તો ધરતીભેગા જ થવાનું છે

આકાશમાં જેમ વધારે પતંગો ઊડતી હોય તેમ પેચનો તેમજ કપાવવાનો પડકાર વધુ

પવન મંદ હોય ત્યારે જ ખરી કસોટી થાય છે

આજે ઉત્તરાયણનું પર્વ દેશભરમાં ઊજવાશે. પતંગ ચગાવવાની અને તેના કરતાં પણ, બીજાની પતંગ જોડે પેચ લગાવી કાપવાની મઝા માણવાનો આ તહેવાર વિશેષ કરીને ગુજરાતીઓનો મનગમતો છે. વાત વાતમાં સ્ટડી કેસ અને પોઝિટિવ લાઇફ અંગેનાં પુસ્તકો લખવા માટે પંકાયેલા મેનેજમેન્ટ ગુરુઓની નજરમાં હજુ આ પતંગનો દાવપેચ નજરે નથી ચઢતો.

બાકી ઝીલગર, વેઅન ડાયર, જોહન્સન જેવા લેખકો તો ઉંદર-બિલાડી જેવી વાર્તામાંથી પણ ઉંદર-બિલાડીને પણ ખબર ના હોય તેમ તેનો માનસ મર્મ કાઢીને બેસ્ટ સેલરોની યાદીમાં સ્થાન મેળવી લેતા હોય છે. તેમનાં આવા લેકચર્સ મેનેજમેન્ટ સ્કૂલોમાં ગોઠવાતાં હોય છે. આપણા ફિલસૂફો, સંતો, લેખકો, આધ્યાત્મિક ગ્રંથો આના કરતા તો ક્યાંય તલસ્પર્શી છણાવટ સાથેનો અને પોઝિટિવ લાઇફ અંગેનો રસથાળ ધરાવે છે.

પતંગનો તહેવાર ગજબની જીવન-ફિલસૂફી પૂરી પાડે છે. પશ્ચિમના દેશોના તહેવારો કે ઉજવણી પાછળ માત્ર ઇંદ્રિય ઉત્તેજન સુખનો જ મહિમા છે. મહદ્ અંશે તે ડિનર, ડાન્સ, ડ્રેસિંગ, મ્યુઝિક કે સેક્સના રૃપે હોય છે, જ્યારે ભારતના પ્રત્યેક તહેવારની પાછળ કોઇ ને કોઇ હૃદયિક અને આત્મીય જીવનબોધ સાથે ઉમળકો છુપાયેલો હોય છે.

પતંગનો તહેવાર પણ મોટો જીવનબોધ આપી જાય છે. આ રહ્યા કેટલાક તત્વજ્ઞાાની મુદ્દાઓ.

(૧) પતંગ હવામાં બરાબર ચગી, આસમાનની ઊંચાઇએ સ્થિર થઇ જાય એટલે તેને ઉડાવનાર નિશ્ચિંત થઇને બેસી નથી જતો. બીજા કેટલાયે પતંગો તેની સાથે પેચ લઇને તેને કાપવા માટે તત્પર હોય છે. હવામાં જામી ગયેલ અને આકાશમાં ઊંચે, સ્થિર થયેલ પતંગને પણ સતત સતર્ક રહેવું પડે છે. આપણી ગમે તેવી સિદ્ધિ અને સંગીનતા હોય પણ સતર્કતા વગર આત્મવિશ્વાસ કે ઘમંડમાં ગળાડૂબ રહીશું તો પટકાઇને નીચે પડવાનું નક્કી છે.

(૨) આકાશમાં જેમ વધારે પતંગો ઊડતી હોય તેમ પેચનો તેમજ કાપવાનો પડકાર વધુ રહે છે. ધંધામાં કે બીજા કોઇ પણ ક્ષેત્રે જેમ વધુ હરીફાઇ તેમ બજારમાં ટકવા માટે વધુ મજબૂતાઇ, કુનેહ અને ઝીંક ઝીલવાનો કસબ શીખવો પડે છે.

(૩) આકાશમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન હજારો પતંગ ઊડે છે, છતાં જેમની પાસે વર્ષ દરમ્યાન આકાશનો ઇજારો હોય છે તેઓ અચાનક તેમના એરિયામાં આ પરદેશી મહેમાનો (પતંગો) જોઇને જરા પણ કાગારોળ નથી મચાવી દેતા. તેઓ કોઇ પતંગને કે તેની દોરીને કાપતા નથી. પતંગને કાપે છે તો બીજી કોઇ તેના જાતભાઇ જેવી પતંગ.

એનો અર્થ એમ કે આપણને આપણા જ કાપતા હોય છે. માણસ જ બીજા માણસની પ્રગતિ, ઉડાણને કાપવાની પ્રકૃતિ ધરાવે છે. સિંહ કે વાઘ તો શું એક કબૂતર પણ તેના જાતભાઇનો શિકાર નથી કરતા. પતંગ આપણને સામાજિક પ્રાણી એવા માનવીની લાક્ષણિકતાથી પરિચિત કરે છે.

(૪) પતંગ ચગાવવા માટે નહીં પણ, બીજાનો કાપવા માટે ઉડાવાય છે. બીજાનો પતંગ કાપી, હરીફાઇમાં આગળ નીકળતાં આપણે 'એ... કાઇપો છે...' કરીને બૂમ પાડી ઉજવણી કરીએ છીએ ત્યારે આપણને જેનો પતંગ કપાયો છે તેની પ્રત્યે ભલે સહાનુભૂતિ ના હોય પણ રોષ, દ્વેષ, ખુન્નસ કે ઈર્ષા નથી હોતી. આપણે ખેલદિલી બતાવી માત્ર રમતની રીતે જ તેને લઇએ છીએ.

આપણે જીવનમાં પણ કોઇ હરીફાઇમાં ભલે બીજા કરતાં આગળ નીકળીએ પણ જેના કરતા આગળ નીકળ્યા છીએ તેની તરફ ભારોભાર ઈર્ષા અને પાડી નાંખ્યાનો વિકૃત આનંદ ના લેવો જોઇએ. પતંગની જેમ જીતની નિર્દોષ, બીજા પ્રત્યે અભાવ કર્યા વગરની ખુશી મનાવવી જોઇએ.

(૫) કેટલાક પતંગબાજો દોરીને ઢીલ આપીને તો કેટલાક દોરીને ખૂબ જ આક્રમકતાભરી ઝડપથી ખેંચીને બીજાનો પતંગ કાપે છે. આપણા જીવનમાં પણ કેટલાક લોકો પહેલેથી તમને છેતરવાના કે દગો દેવાના ઇરાદાથી જ આવ્યા હોય છે. આમાંના ઘણા ઢીલથી એટલે કે તમે જાતે જ તે ગાળિયામાં ફસાઇ જાય તે રીતે વર્તન કરે છે, તે કેટલાક લોકો આવા વ્યૂહની ધીરજમાં નથી માનતા. તેઓ તરત જ તેમનું પોત પ્રકાશી તમને પરાસ્ત કરતો ફટકો પહોંચાડે છે. જો તમે મજબૂત હશો તો આ ઢીલ કે ખેંચવાળા તમારું ખાસ બગાડી નહીં શકે.

(૬) આકાશમાં ભરપૂર પવન હોય ત્યારે નવા નિશાળિયાનો પતંગ પણ ચઢી જાય છે, પણ પવન મંદ હોય ત્યારે પતંગ ચગાવવા ખભા ખેંચાઇ જાય તે હદે મહેનત કરવી પડે છે. અનુકૂળ સંજોગોમાં બધા જ ઉજવણીમાં ઊમટી પડે છે, જ્યારે પ્રતિકૂળ સંજોગો વખતે અસાધારણ અને સામે પ્રવાહે તરવા જેવો પડકાર સફળતા માટે ઝીલવો પડે છે. પ્રતિકૂળ સંજોગો વખતે આકાશમાં પતંગો પણ જૂજ હોય છે, કેમ કે બધા માથે હાથ દઇને બેઠા હોય છે. ટફ સંજોગોમાં ટફ લોકો જ ટકી શકે છે. આવા લોકો માટે મેદાન મોકળું હોય છે.

(૭) જો સૂતર જેવી કાચી દોરી અને કાણાં પડી ગયેલ યોગ્ય કીન્યા બાંધ્યા વગરના પતંગ લઇને નીકળીએ તો તરત જ પછડાટ ખાવાનો વારો આવે છે. શક્ય એટલી સારી પતંગો, ધારદાર માંજો પામેલ દોરી અને અન્ય સજ્જતા અનિવાર્ય છે. તેમ જીવન કે ધંધામાં સફળતા મેળવવા પણ આપણે સજાગ અને સજ્જ થઇને ઝુકાવવું પડે છે. યોગ્ય સજ્જતા વગર સફળતા મળતી નથી.

(૮) એક તરફ જેમની પાસે રૃપિયાની રેલમછેલ છે તેઓ ભરપૂર ઉજવણી કરે છે. જાણે અગાસી પર દુકાન ખોલી હોય એ હદે પતંગો લઇને તેઓ ચઢે છે, તો બીજી તરફ રસ્તા પર રખડતા ગરીબો પાસે પતંગ માટે રૃપિયા નથી. તેઓ કાંટાળી લાકડીના ઝંડા બનાવી કપાયેલા પતંગો લૂંટે છે. સમાજમાં પણ એવું જ છે. એક વર્ગ પાસે ઉજવણી માટેની સગવડો છે, પણ એક વર્ગ તેનાંથી વંચિત છે. તેઓને વધેલું, ઘટેલું, એઠું અને તે પણ લૂંટીને ખાવું પડે છે. આપણે આવા ગરીબોને દાન કરવું જોઇએ જેથી તેમની લૂંટારું પ્રકૃતિનું શમન થાય.

(૯) કેટલાક લોકો એવા પણ છે જેઓ પતંગ ઉડાવતા નથી. તેને તેનો શોખ નથી. પણ માનસ એવું વિકૃત છે કે બીજાની દોરી તેમની નજીકથી પસાર થતી હોય તો સ્વભાવગત તેને લૂંટી લે છે. વચ્ચે લંગસીયું નાંખી વિઘ્ન સંતોષી તેઓ પરપીડન જેવો આનંદ અનુભવે છે. પતંગ ઉડાવનાર વિચારે છે કે મેં આનું શું બગાડયું છે. તે હરીફાઇમાં પણ નથી. આપણા સમાજમાં પણ આવી વ્યક્તિઓ હોય જ છે ને !

(૧૦) ગમે તેઓ કુનેહ ધરાવતો પતંગબાજ હોય તેની દોરી પણ ધારદાર બ્લેડ જેવી હોય,પણ જો તેમાં ગૂંચ પડી જાય તો જીતેલી બાજી હારવાળી થઇ જાય છે. કાં તો આ ગૂંચ ઉકેલતાં શીખવી પડે છે અથવા તો ગૂંચનો ભાગ તોડી દોરીના બે છેડાને ગાંઠ મારી કામ ચલાવવું પડે છે. પણ આ તમામ સંજોગોમાં પતંગ કપાવાની શક્યતા વધતી જાય છે. સંબંધો અને જીવન ઓછી ગૂંચ, તિરાડ સાંધતું હોય તેટલું વધુ સારું તેમ આના પરથી ધડો લઇ શકાય.

(૧૧) સૌથી મહત્ત્વનો બોધ તો એ છે કે પતંગ ગમે તેટલો અંતરીક્ષને આંબવા સંગીનતાથી ઊડતો કે કોઇ તેને કાપી નાંખે. છેલ્લે તો તેને વિજય, પરાજય, સંજોગોના અવનવા અનુભવોને લઇને જમીન ભેગું જ થવાનું છે. આપણે ચાંદ-સિતારાનું સ્થાન લઇ શકવાના જ નથી.

(૧૨) આપણી તાકાત, સજ્જતા ગમે તેવી બુલંદ હોય પણ, કુદરતના નિયમને આધીન થઇને જ રહેવું પડે છે. પતંગ અને દોરી તેમજ તેને ઉડાવનાર ભલે બાહોશ હોય, પણ પવન જે દિશામાં હશે તે દિશામાં જ તેને પતંગ ઉડાવવી પડશે.

ભારતના પ્રત્યેક તહેવારો, વિધિ, એટલું જ નહીં જે તે ઋતુમાં લેવાતા ખાદ્ય પદાર્થ પાછળ વિજ્ઞાાન અને તત્ત્વજ્ઞાાન છુપાયેલું છે.
 

Post Comments