Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

ચાલો લીગ લીગ રમીએ

ભારતનું એક વર્ષનું રમતગમતનું બજેટ રૃા. ૧૯૪૩ કરોડ અને IPL ના એક વર્ષના ટીવી પ્રસારણ હક્કોમાંથી જ BCCI ની કમાણી રૃા. ૩૩૦૦ કરોડ !

અમેરિકામાં ઓલિમ્પિકના આશાસ્પદોને તૈયાર કરવા માટે સરકાર એકપણ પાઇ નથી આપતી. તમામ ફંડિંગ કોર્પોરેટ જગત તેમના માથે લઇ લે છે

જુદી જુદી રમતોની લીગમાં અબજો રૃપિયા ફેંકતા કોર્પોરેટ જૂથો ભારતમાં રમતના વિકાસનો ડોળ કરીને ધંધો અને બ્રાન્ડિંગ જ કરે છે. કોઇ આશાસ્પદ ખેલાડી ટુર્નામેન્ટ રમવા એરટિકિટ માંગે તો ?

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં રમગગમત માટે રૃા. ૧૯૪૩ કરોડની ફાળવણી કરી છે જેની સામે આઈપીએલની એક વર્ષની સીઝનના.. સોરી, માત્ર સાત અઠવાડિયાની ૬૦ મેચોના પ્રસારણ હક્કો મેળવવા માટે એક સ્પોર્ટસ ચેનલ રૃા. ૩૩૦૦ કરોડ આપવા માટેનો કરાર ભારતીય ક્રિકેટ બોર્ડ જોડે કરી ચૂકી છે. આઈપીએલની પાંચ સીઝન માટે રૃા. ૧૬,૪૦૦ કરોડથી વધુ રકમ તાસકમાં મૂકાઇ છે.

કહોને કે આઈપીએલમાં એક બોલના ટીવી પ્રસારણના હક્ક માટે રૃા. દોઢ કરોડ ચૂકવાશે. હવાલા પાડવા માટેની પેટા કંપનીની કમાણી મુખ્ય પિતૃક કંપની કરતા ધનિક બની જાય તેવી સ્થિતિ ભારતીય ક્રિકેટમાં સર્જાઇ છે કેમ કે ક્રિકેટ બોર્ડ તરફથી ઉતરતી ભારતની ટીમની આંતરરાષ્ટ્રીય મેચના પ્રસારણ હક્ક મેચ દીઠ સરેરાશ રૃા. ૪૩ કરોડમાં  વેચાયા હતા.

ટ્વિટર પર ભેજાબાજ ચાહકોએ તો બોલીવુડની ખાન ત્રિપુટી અને રિતિક રોશન જેવાને પણ ઝંખવાણા પાડતા કહી દીધું કે વર્ષ દરમ્યાન માંડ ચારેક ફિલ્મો રૃા. ૧૦૦ કરોડના કલેકશનના આંકને વટાવતી હોય છે. આ ૧૦૦ કરોડ રૃપિયાના મેજિક આંકને પહોંચતા ફિલ્મને સાત-આઠ દિવસ દેશના ત્રણેક હજાર સ્ક્રીન પર સવારના ૮થી રાત્રિના ૧૦.૩૦ સુધીના અવિરત શો થકી હાંફી જવું પડે છે.

તેની સામે આઈપીએલની બે મેચ રમાતા સાત કલાક થાય. આટલી અવધિમાં ભારતીય ક્રિકેટ બોર્ડની તિજોરીમાં રૃા. ૧૧૦ કરોડ માત્ર પ્રસારણ હક્ક પેટે જમા થઇ ગયા હશે. અન્ય આવક જુદી. જે સ્પોર્ટસ ચેનલે આ રકમ ધંધાની હોડમાં મૂકવાની તૈયારી બતાવી છે તેણે ''નહી નફો નહીં નુકસાન'' પર પહોંચવા જ બે ઓવર વચ્ચે કમ સે કમ રૃા. દોઢ કરોડની ટીવી જાહેરાત મેળવવી પડશે... ગેમ ઈઝ ઓન...

કોર્પોરેટ જગત આઠ ફ્રેન્ચાઇઝીઓના હક્ક મેળવવા દસ વર્ષ પહેલા રૃા. ૫૦૦ કરોડ સરેરાશ આપી ચૂક્યું છે. ખેલાડીઓને અપાતી રકમ અને આઈપીએલ રમવાની રનિંગ કોસ્ટ પણ એક સિઝનમાં ફ્રેન્ચાઇઝી દીઠ રૃા. ૫૦૦ કરોડ થઇ જતી હોય છે.

આઈપીએલનું જન્કેટ રૃા. ૫૦,૦૦૦ કરોડની વર્થ ધરાવે છે. આની સામે ભારતનું રમતજગતનું બજેટ વર્ષના રૃા. ૧૯૦૦ કરોડ.. ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિક રમાનાર છે તેની તૈયારી કરતા ભારતીય ખેલાડીઓ આઈપીએલની ગ્રાન્ડ મસ્તીને જોઇને ઈથોપિયાના ભૂખમરાથી રીબાતા બાળકો જેવી દયનીય મુદ્રા જ ધારણ કરતા હશે ને.

કેન્દ્ર સરકારના સમગ્ર દેશના સ્પોર્ટસ માળખા, સ્ટેડિયમો, કોચિંગ, જુદી જુદી રમતોની નેશનલ એકડમી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરો માટે રૃા. ૨૦૦૦ કરોડ જેટલી રકમ ફાળવાય તેમાં પણ ભ્રષ્ટાચાર એ હદે કે મેડલ જીતવાના શમણા જોતા ખેલાડીઓ સુધી લીંબુપાણી અને પ્રતિબંધિત ડ્રગની ટીકડીઓ માંડ પહોંચશે.

ભારતની કોર્પોરેટ કંપનીઓ સમાજને ઋણ ચૂકવવાના નામે ધંધો જ કરી લેતી હોય છે. ક્રિકેટ, કબડ્ડી, હોકી, બેડમિંટન, ફૂટબોલ, હોકી કે અન્ય લીગમાં કોર્પોરેટ જુથો તેમની ટીમ એટલા માટે જ ઉતારે છે કે તેમાં તેમનું પોતાનું બ્રાન્ડિંગ થાય છે.

આઈપીએલનું મોડેલ અન્ય રમતના ખાઉગલી જેવા એસોસિએશનો અને હોદ્દેદારોને રેડીમેડ રોડમેપ જેવું મળી ગયું. આ કંપનીઓને ભારતમાં ઓવરઓલ સ્પોર્ટસનું કલ્ચર થાય તેમાં રસ જ નથી હોતો. પોતાની લીટી મોટી કરવી છે. તેઓ જે પણ કોચિંગ કે એકડમી સ્થાપે છે તે પણ મેટ્રો શહેરોના એવા સંતાનો માટે છે કે જેઓ એનર્જી ડ્રીંક, પ્રોટીનના ડબ્બા અને મોંઘી કીટ સાથે કપડા પર પરફ્યુમ છાંટીને મેદાનમાં ઉતરે છે.

દેખાડા પૂરતા અમૂક ગરીબ બાળકોને ફી વગર કોર્પોરેટ સ્પોર્ટસ પ્રોગ્રામમાં દાખલ કરાય છે પણ કોર્પોરેટ જગતની મૂળ દાનત ભારતમાં ઓલિમ્પિયનો પેદા થાય તે માટેનું વાતાવરણ ઊભું કરવાનું છે જ નહીં. જે સ્પોર્ટસ ચેનલોએ આઈપીએલના પ્રસારણ હક્ક મેળવવા રૃા. ૧૦૦૦૦ કરોડથી રૃા. ૧૬૦૦૦ કરોડ દાવ પર લગાવ્યા છે તે ચેનલો કોઇ આશાસ્પદ ખેલાડી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની એર ટિકિટનો ખર્ચ માંગશે તો પણ તેને ઠેંગો બતાવાશે.

આવું જ વર્તન ફ્રેન્ચાઇઝીઓના માલિકોનું હોવાનું. આપણે એવા કોઇ ભ્રમમાં રહેવાની જરૃર નથી કે કોર્પોરેટ જુથો રમતના  વિકાસ માત્રના ઈરાદાથી  આવા 'લીગ લીગ' રમવાના ખેલ કરતા હોય.

ભારતમાં આઈપીએલ કે અન્ય રમતોની લીગનું કલ્ચર જામે તે આવકાર્ય છે પણ તે સાથે આ કંપનીઓ અને શ્રીમંતોને ભારતના એથ્લેટિક્સ, શુટિંગ, સ્વિમિંગ, જીમ્નાસ્ટિક્સ,  હોકી, કુસ્તી, વેઇટલિફ્ટિંગ, બેડમિંટન, તીરંદાજી, ભારતના અંતરિયાળમાં રહેતા કિશોરોની પ્રતિભા પારખીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોંચ કરવાની દાનત ખરી ? કોર્પોરેટ ક્ષેત્ર હિસાબ આપી શકે કે ઓલિમ્પિક હવે અઢી વર્ષ જ છેટે છે ત્યારે તેઓએ કેટલું ફંડ ખેલાડી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ખેલાડી વિદેશનું કોચિંગ અને ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તે માટે ફાળવ્યું છે ?

કોર્પોરેટ જૂથ અને સ્પોર્ટસ ચેનલો આઇપીએલ કે ભારતીય ક્રિકેટ માટે અબજો રૃપિયા ફાળવે તેની સામે વાંધો નથી એમ તો ઇંગ્લિશ પ્રિમિયમ લીગ, અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ, નેશનલ બાસ્કેટબોલ લીગ કે બોક્સિંગ, ફોર્મ્યુલા કાર રેસિંગ માટે પણ વિદેશમા એ હદે રકમ કોર્પોરેટ જૂથ ફાળવે છે કે આઇપીએલ તેના દસમા ભાગની પણ ન કહેવાય. પણ આ જ કંપનીઓ તેમના દેશના ઓલિમ્પિક મેડલ્સ માટે વધુ ચિંતિત હોય છે. કોર્પોરેટ રિસ્પોન્સિબલીટીના ભાગરૃપે પબ્લિસિટીની જરા પણ અપેક્ષા વગર તેઓ જંગી ફંડ આપતા હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવામાં મોખરે રહેતા અમેરિકાના ઓલિમ્પિક ખેલાડીઓની પ્રતિભા શોધથી માંડી તેઓને મેડલ જીતવાના પોડિયમ સુધી પહોંચાડવામાં અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટ એક ફૂટી પાઇ પણ નથી આપતી.

અમેરિકાના કોલોરાડોમાં હેડક્વાર્ટર ધરાવતું 'ટીમ યુએસએ' નામનું ફાઉન્ડેશન યુનાઇટેડ સ્ટેટસ ઓલિમ્પિક કમિટી અન્વયે છેક ૧૯૨૧થી કાર્યરત છે. સમર ઓલિમ્પિકસ, વિન્ટર ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિકના જે પણ મેડલ વિનર્સ છેલ્લા ૧૦૦ વર્ષોમાં અમેરિકાએ આપ્યા છે  તેઓની શોધ, જતન અને તાલીમ કોર્પોરટ ફંડિંગ કે શ્રીમંતોના વ્યક્તિગત ફંડિંગથી થતું રહ્યું છે.

કોર્પોરેટ જગત ટીમ યુએસએને ફંડ આપે છે અને તેઓ તેનો કોઇપણ જાતની કોર્પોરેટ દખલગીરી વગર વહીવટ કરે છે. આપણે ત્યાં કોઈને અભ્યાસ માટે રૃપિયા હજુ પણ મળી જાય પણ એવું માનસ કેળવવાની જરૃર છે કે કોઈ જરૃરિયાતમંદ સ્પોર્ટસ કે અન્ય સર્જનાત્મક પ્રતિભાવાનને કોચિંગ કે સાધનો માટે આપણે દાન આપીએ.

અમેરિકા, બ્રિટન અને ચીનના સ્પોર્ટ્સ કે ઓલિમ્પિક મેડલનો અભ્યાસ કરીને પણ આપણા કોર્પોરેટ કે પોલીસી મેકરોને તેને અનુસરવાનું ભાન નહી થતું હોય ? ભૂતપૂર્વ વર્લ્ડ બિલિયર્ડ અને સ્નૂકર ચેમ્પિયન ગીત સેઠી તેમજ કેટલાક ખેલાડીઓએ મળીને 'ઓલિમ્પિક ક્વેસ્ટ' નામની કંપની સ્થાપી છે જેઓ ભારતના આવા ખેલાડીઓને પારખીને તેઓ માટે કોર્પોરેટ કે અન્ય ક્ષેત્રનું ફન્ડિંગ મેળવી આપે છે. વિશ્વસ્તરીય કોચ, ટ્રેનિંગ અને  ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર્સ જોડે સેતુરૃપ ભૂમિકા ભજવી આપે છે.

રમતગમતના એક ખાતા સાથે કેન્દ્ર સરકાર ભલે ખેલાડીઓ જોડે ખો ખો રમે પણ ભારત સરકારે ઓલિમ્પિકમાં મેડલનું તમામ મિશન કોર્પોરેટ ફન્ડિંગ બોડી બનાવીને તેને હસ્તક  સોંપી દેવું જોઈએ. હવે મોડું પણ સમજાય છે કે ક્રિકેટ કેન્દ્ર સરકારને હસ્તક નથી એટલે જ આ હદે દેશમાં લોકપ્રિય બન્યું છે. તેના ગ્રાઉન્ડ્સ, તેની જાહેરાતની આવક, ખેલાડીઓની વધતી જતી વર્થ અને ઓવરઓલ પ્રતિભાવાન યુવાન ખેલાડીઓ આપણને મળતા જ જાય છે.

જો ક્રિકેટ પણ સરકાર હસ્તકના ફેડરેશન કે એસોસીએશન હેઠળ હોત તો તેના હાલ પણ હોકી, કુસ્તી, સ્વિમિંગ, એથ્લેટિક્સ જેવા હોત. અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ, સ્પેન, બ્રિટન, ચીન, રશિયા, જેવા દેશોમાં ઓલિમ્પિક જ નહી તેમના ટેનિસ, કાર રેસિંગ, ફૂટબોલ તમામ રમતના ખેલાડીઓને કોર્પોરેટ કે ક્રાઉડ ફંડિંગ થકી જ રકમ મળે છે.

અમેરિકામાં જુદી જુદી રમતોની ફ્રેન્ચાઇઝીના માલિકોના તેમની પોતાની માલિકીના સ્ટેડિયમો અને ટ્રેનિંગ સેન્ટરો છે, આપણે ત્યાં ક્રિકેટમાં આવું  થતું જવાનું. અમેરિકા, યુરોપની જેમ ભારતના કોર્પોરેટ જૂથ ઓલિમ્પિકના મેડલ મિશન માટે ફંડિંગ આપે કે કેમ તે કોયડો છે કેમ કે તેમાં પબ્લિસિટી, બ્રાન્ડિંગ નથી થતું.

હા, આ જ કંપનીઓ ભારતનો કોઈ ખેલાડી મેડલ જીતે તે સાથે જ રોકડ કે કાર, જવેલરી અને જમીન ભેટમાં આપવાની જાહેરાત કરીને ફોટો પડાવી લેશે. ખેલાડીને મોંઘી કાર નહીં પણ ટ્રેનિંગ માટે વિદેશી સેન્ટરો જોડે ટાય અપ કરાવીને તેની ફી ભરી દેવાનું ઇનામ અને બીજી કોઇ કંપનીએ તેનું વર્ષ દરમ્યાનનું વિદેશી રોકાણ સ્પોન્સર કરવાનું હોય. મેડલ ધ્યેય મહત્ત્વનો નથી પણ જેઓ મેડલમાં મોખરે રહે છે તે દેશ સુપર પાવર તો આપોઆપ બની જતો હોય છે.
 

Post Comments