Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

... અને આત્મચરિત્રમાં ખરેખર પોત પ્રકાશ્યું

વિવાદાસ્પદ પુસ્તક પાછું ખેંચાયું પણ બદનામીના પ્રકરણો તો જગજાહેર થઈ ગયા તેનું શું ?

'જા શિકાયત કે કાબિલ હોકર આ અભી તો મેરી હર શિકાયત સે તેરા કદ બહોત છોટા હૈ'

મેં તને તારી ગરીબીને લીધે નહીં ગરીબ સોચને લીધે છોડયો હતો

નવાઝુદ્દીન સિદ્દીકી... યાર વ્યક્તિ તરીકે તે અમને હતાશ કર્યા

એ કટિંગમાં બેમિસાલ પૂરવાર થયેલો નવાઝુદ્દિન સિદિક્કીનો વ્યક્તિ તરીકેનો છીછરો ચહેરો બહાર આવતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. નવાઝુદ્દિને હજુ તો માંડ પાંચ-સાત વર્ષથી તેની ઓળખ ઊભી કરી છે ત્યાં તો જાણે નસિરૃદ્દીન શાહ કે અમિતાભ બચ્ચન જેવો પીઢ અને લેજન્ડ બની ગયો હોય તેમ ''એન ઓર્ડિનરી લાઇફ : અ મેમોઇર્સ'' ટાઇટલ ધરાવતું બાયોગ્રાફી પ્રકારનું પુસ્તક લોન્ચ કર્યું હતું.

ભારે વિવાદ બાદ પ્રકાશકે બજારમાંથી આ પુસ્તક પરત ખેચી લીધુ છે પણ નવાઝુદિનની બે સ્ત્રી મિત્રોની બદનામી જગજાહેર થઇ ચૂકી છે તેનું શું?

પુસ્તકનું વેચાણ હોટ કેકની જેમ થાય કે તેના નામે મિડીયામાં પબ્લિસિટીની પસ્તાળ પડે તે માટે જુદા જુદા ક્ષેત્રોની સેલિબ્રિટીઓ અગાઉ ક્યારેય મિડીયામાં ના ચમકેલા અંગત ચોંકાવનારા પ્રસંગો તેમનાં પ્રકરણોમાં સમાવિષ્ટ કરતા હોય છે. મોટેભાગે આવા આત્મ ચરિત્ર લખવાનું કાર્ય રોચક લેખન કરનાર વાર્તાકારને સોંપાતું હોય છે.

આ જ કારણે દેશનાં જે કરોડો નાગરિકો રોજિંદો સહજ સંઘર્ષ, ''સગા સૌ સ્વાર્થના'' પ્રકારની દુનિયા અને અંગત જીવનના ઉતાર ચઢાવમાંથી પસાર થાય છે તેને સેલિબ્રીટીના આત્મ ચરિત્રના લેખક શબ્દોની મોહજાળ અને નવલકથા શૈલીનો સ્પર્શ આપીને વાચકને હલબલાવી મુકતી રજુઆત કરે છે.

જેમ ફિલ્મ નિર્મતા તેના નિર્દેશકને કરોડો રૃપિયા રોક્યા હોઇ તેની સર્જનાત્મક સૂઝ (!)  બતાવતા એમ સૂચના આપતો હોય છે કે તે 'ફિલ્મમાં તમને જે લાગે તે સેક્સી બોંબને રજૂ કરી આઇટમ સોંગ મૂકો, ચૂંબન અને બેડરૃમ સીન પણ ઉમેરો. ભલે સેન્સર બોર્ડ તેના પર કાતર ફેરવે પણ તેની મિડીયામાં ચર્ચા થશે તો પણ ફાયદો ફાયદો જ છે.' બસ તે જ ધોરણે ખેલાડીઓ અને સેલિબ્રીટીઓનાં આત્મ ચરિત્રો લખાતા હશે. પણ નવાઝુદ્દિને ભૂતકાળમાં કોઇએ ના કર્યું હોય તે હદે હીન સ્તરે જઇને સમગ્ર મહિલા જગતનો રોષ વહોરી લીધો છે.

નવાઝુદ્દિન ફિલ્મ લાઇનના પ્રવેશ વખતનો સંઘર્ષ, ગરીબી તેમજ વોચમેન તરીકે નોકરી કરતો હતો તેવી બધી વાતો જણાવી તેની કારકિર્દીની શરૃઆતની ફિલ્મોનાં નિર્માણ દરમ્યાનના પ્રસંગો યાદ કર્યા છે. ''મિસ લવલી'' નામની તેની ફિલ્મની હિરોઇન નિહારિકા સિંઘ હતી. પોેતે કેવો લેડી કિલર હતો તેની ડંફાસ મારતા નવાઝુદ્દિને ભરડયું છે ''નિહારિકાએ મને તેને ઘેર આવવા આમંત્રણ આપ્યું હતું.

નિહારિકાએ બારણું ખોલતા જ હું તેના ઘરમાં પ્રવેશ્યો. હજુ તો એક ડગલું માડું ત્યાં જ નિહારિકાએ હું અવાક્ થઇ જઉં તે હદે ઘરને રોમેંટિક - સેક્સનો મેસેજ આપતીહોય તેમ સેંકડો મીણબત્તીઓ, રંગીન તેમજ મોહક-માદકતાના આંદોલનો સર્જતું વાતાવરણ ખડુ કર્યું હતું.

હું ગામડાથી આવેલો લઠ્ઠ મિજાજી યુવાન હતો. 'તેજીને ટકોરો' તે ધોરણે હું તેને ઉઠાવીને સીધી જ બેડરૃમમાં લઇ ગયો. અમે ભારે આક્રમક પ્રેમ કર્યો. અચાનક અમારા આ રીતે સંબંધો બંધાયા જે દોઢ વર્ષ સુધી ચાલ્યા હતા.''

નિહારિકા સિંઘ કે જેને પોતાનું કુટુંબ છે અને સુખેથી તે જીવન વ્યતીત કરે છે તેણે કેવો ધરતીકંપ અનુભવ્યો હશે. બીજી કોઇ યુવતી હોય તો તેના છૂટાછેડા થઇ જાય. સમાજ તેને કલંકિત કરી ચારિત્ર્યહીન યુવતી તરીકે જુએ.

નવાઝુદ્દિનને નિહારિકાના પતિ-સંતાનોનો તો વિચાર કરવો જોઇતો હતો. વિકૃત પુરૃષો જે છોકરીનું બ્લેક મેઇલ કરી શકે તે હદની વાત નવાઝુદ્દિને કાયમી દસ્તાવેજીમાં સ્થાન પામશે તેવી તેના આત્મ ચરિત્ર પુસ્તકમાં લખી કાઢી છે.

નિહારિકા બોલ્ડ છે. તેને સમાજની પાકટતા પર શ્રધ્ધા છે. કાચી પોચી હોય તો  આત્મઘાતી વિચારો  પણ આવવા માંડે છે.

નિહારિકા સિંઘ કે જે ફિલ્મના પડદે બોલ્ડ દ્રશ્યો આપવામાં ખચકાય છે તેણે વાસ્તવિક જીવનમાં બોલ્ડનેસ બતાવીને નવાઝુદ્દિનને જુઠ્ઠો અને વિકૃત પૂરવાર કરતા વળતો ઉત્તર આપ્યો છે કે ''નવાઝુદ્દિન જૂઠ્ઠો અને દંભી છે. અમારા વચ્ચે તે કહે છે તેમ દોઢ વર્ષ નહીં પણ કેટલાક મહિના માંડ મિત્રતા હતા. તેમાં પણ તેણે જે મીણબત્તી સુશોભન - સેક્સની વાત લખી છે તે તો હળાહળ ઠગારી છે.

ખરેખર નવાઝુદ્દિન જોડે મારી મિત્રતા અલ્પજીવી રહી તેનું એક કારણ એ જ હતું કે તે તેના મિત્ર અને ફિલ્મ વર્તુળમાં આવી જ જુઠ્ઠી બડાશ હાંકી રહ્યો હતો કે કઇ રીતે નિહારિકા મારી સેક્સ દિવાની છે. ફરી ફરીને મારી પાસે તે વાતો આવતી જેમાં ખયાલી પુલાવ જેમ તેના પુરૃષાતનની તે બડાશ મારતો. જે પુરૃષને તેના મિત્ર જોડેના સંબંધનું ગૌરવ, ગરિમા અને સન્માન ના હોય તેમાંનો તે હતો. તેણે જે પણ પુસ્તકમાં અમારા વિશે લખ્યું છે તેમાં તેના એકલા સીવાય કોઇની સંમતી ના હોઇ શકે.''

નિહારિકા સિંઘ ઉપરાંત નવાઝુદ્દિનને સુનિતા રાજવર નામની યુવતી જોડે પણ જે સમય વીતાવ્યો તેની તેણે મનઘડત વાતો ઘટિયા સ્તરે જઇને લખી છે.

સુનિતાએ તો નિહારિકા સિંઘ કરતા પણ નવાઝુદ્દિનની આબરૃના લીરા ઊડાડયા છે.

સુનિતા રાજવરે તેની આ અંગેની ફેસબુક પોસ્ટનું શિર્ષક જ ‘‘An ordinary Life of Extraordinary Lies’’  રાખ્યું. (એક અસાધારણ જુઠ્ઠાઓ જીવનાર સાધારણ વ્યક્તિનું જીવન). સુનિતાની ફેસબુક પોસ્ટ પર નજર ફેરવો ''કહેવાય છે કે વ્યક્તિનું નસીબ બદલી શકાય છે તેનું ચરિત્ર નહીં. નવાઝનું પુસ્તક વાંચીને એવી જ અનુભૂતિ થઇ અને એકાએક 'મેલારામ વફા'નો એક શેર યાદ આવી ગયો.

''એક બાર ઉસને મુઝકો દેખા થા મુસ્કુરાકર, ઈતની સી હકીકત હૈ બાકી કહાનિયાઁ હૈ.'' આ પુસ્તકમાં મહ્દ અંશે છપાઇ હૈ, સચ્ચાઇ નહીં. 'ઘણી વાતો નવાઝે મનઘડત અને તેની વિકૃતી સંતોષવા જ લખી છે. કહોને કે ''સોગઠા પણ મારા અને ધાર્યા આંક પણ મારા.'' તેણે ખૂબસૂરત અંદાજમાં પોતાની પુરાઇના ઠીકરા તેના સંપર્કમાં આવેલી છોકરીઓના માથા પર ફોડયા છે.

નવાઝે મારા અંગે જે પણ લખ્યું છે તેની શરૃઆત જ જુઠ્ઠી કરી છે. તે લખે છે કે તેની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મારી સાથે ક્યારેય મુલાકાત નથી થઇ. ખરેખર તો તે મારા કરતા એક વર્ષ સિનિયર હતો અને અમે એકબીજાને મળતા હતા પણ તેનાથી આગળ સંબંધ ન હતા. પણ નવાઝના કહેવા પ્રમાણે એનએસડીમાં ઓળખતા જ ન હતા તે જાણી અજીબ લાગ્યું.

તે પછી નવાઝે લખ્યું છે કે હું તેના ઘરમાં આર્ટ વર્ક કરવા જતી જે દરમિયાન ઘણું થઇ જતું હતું. જાણે તેને મળવા નહીં આર્ટસ એન્ડ ક્રાફ્ટ્સનો તેનો વર્ગ લેવા જતી હઉં.

હદ તો ત્યારે થઇ કે તેણે બોલીવુડ સ્ટાઇલથી એવું લખ્યું છે કે મારી સાથેના બ્રેક અપ બાદ તેણે એ હદે આઘાત અનુભવ્યો કે તેને ઘેર કરેલા મારા આર્ટ વર્ક પર તેણે બાલ્દી ભરીને સફેદ રંગ લઇ કૂચડો ફેરવી દીધો. મને આ રીતે તેણે હૃદય-દિલમાંથી મીટાવી દીધી. હવે સવાલ એ થાય છે કે મેં તેના ઘરમાં જ્યારે કોઇ વખત આર્ટ વર્ક કર્યું જ નથી તો તે આર્ટ વર્કને ધોળી નાંખવાની વાત જ ક્યાંથી આવી. નવાઝે લખ્યું છે કે તે ગરીબ અને સંઘર્ષના તબક્કામાંથી પસાર થઇ રહ્યો હોઇ તેણે મને છોડી દીધી.

હકીકતમાં તે મારા જેટલો ગરીબ હતો જ નહીં પણ તે તેની ગરીબી, ઉછેર, સંઘર્ષ બધાને જણાવીને ભોળવતો, સહાનુભૂતિ મેળવતો રહેતો. ખરેખર અમારો સંબંધ નાટકના એક શોથી શરૃ થયો અને ત્રીજા શો સુધીમાં તો તેનો અંત આવી ગયો હતો અને તેમાં પણ તે કહે છે તેવું કંઇ બન્યું જ ન હતું.

હવે એ  સાંભળી લે કે મેં તેને એટલે છોડી દીધેલો કે તું આપણા સંબંધોની મિત્રો સમક્ષ બડાશ મારી મને બેઆબરૃ કરતો હતો. તે પછી મેં તારા ફોન લેવાના જ છોડી દીધા હતા. તારા માટે પ્રેમ અને સ્ત્રી શું છે તે હું જાણી ગઇ હતી. નવાઝે બીજું જુઠ પુસ્તકમાં તે ચલાવ્યું છે કે તું સફળ થયો તે પછી મેં ફિલ્મ અને નાટય જગતમાં બધને એવું કહેવા માંડેલું કે આની જોડે તો મારે ગાઢ સંબંધ હતા.

તું એક વ્યક્તિનું નામ તો પુસ્તકમાં લખી બતાવ કે મેં કોઇને પણ આવું કહ્યું હોય. નવાઝ આ હદે આટલું જુઠ્ઠાણું કેમ ? તું મને તારો પહેલો પ્રેમ ગણાવે છે પણ ભગવાન કોઇને આવો પ્રેમી ના આપે. આજે તારૃ નામ છે. સારૃ કામ કરી રહ્યો છે. હું એટલું જ કહીશ કે તારી કારકિર્દીમાં ધ્યાન આપ. મેં તને તારી ગરીબીને લીધે નહીં તારી ગરીબ સોચને લીધે છોડયો હતો. તારી બાયોગ્રાફી વાંચીને એવું લાગે છે કે જે નવાઝને હું જાણતી હતી તે હતો તેના કરતા પણ ગરીબ થઇ ગયો છે.

તું ત્યારે કે અત્યારે મહિલાની ઈજ્જત કરતા શીખ્યો જ નહીં. તારા હાલાત પર બસ એટલું જ કહીશ કે ''જા તું શિકાયત કે કાબીલ હોકર આ, અભી તો મેરી હર શિકાયત સે તેરા કદ બહોત છોટા હૈ..'' અને હા હું પહાડી પ્રદેશની યુવતી જ નથી પણ સાક્ષાત પહાડ છું.

નિહારિકા અને સુનિતા જોડે માની લઇએ કે નવાઝુદ્દિન દાવો કરે છે તેવા સંબંધો હોય તો પણ નવાઝુદ્દિન તેના આત્મચરિત્ર પુસ્તકમાં કોઇ યુવતીને આ રીતે ખુલ્લી પાડે તે હીન કૃત્ય કહેવાય. ફિલ્મના અશ્લીલ દ્રશ્યોને રીલીઝ થતા પૂર્વે સેન્સર બોર્ડ કટ કરી દેતું હોય છે જ્યારે નવાઝુદ્દિનની આવી મનોવિકૃતિ બેરોકટોક વેચાણ વધારવા માટેનો નૂસખા તરીકે સામેલ કરાય તે કેવું ?

કંગના રનૌતના વિવાદોમાં મિડીયા અને ફિલ્મ જગતે ઝૂકાવીને કમ સે કમ એક વિચાર આંદોલનને તો જન્મ આપ્યો છે પણ અહીં તો નિહારિકા, સુનિતા પરત્વેની સહાનુભૂતિ માટે કોઇ હરફ સુધ્ધા નથી ઉચ્ચારતું કેમ કે નવાઝુદ્દિન સફળ ફિલ્મી હસ્તી છે.

બરાબર આ જ સમયે દિલ્હીના એડવોકેટ ગૌતમ ગુલાટીએ નવાઝુદ્દિન સામે નેશનલ વિમેન કમિશન સામે મહિલા ગૌરવનો ભંગ, મહિલાનું લગ્નજીવન ભંગાણ પામી શકે, નવાઝની પત્ની જોડેની છેતરપીંડી તેમજ આત્મ હત્યા તરફ પ્રેરે તેવી બેજવાબદારી બદલ કેસ કર્યો છે.

પુરૃષો અને મહિલા જગતે એ સંસ્કાર કેળવવા રહ્યા કે ભૂતકાળમાં પ્રેમથી, આવેશથી, નાદાનિયતથી, મોહ હેઠળ કે એમ જ કોઇ સંબંધ હોય તો તેને કાળસંદૂકમાં ધરબી દેવો તે જ પાકટતા છે. બડાશ મારવા કે બીજાનું જીવન બગાડવાના વિકૃત ઈરાદા સાથે તેને મિત્ર વર્તુળમાં વહેતા ના કરવા. નવાઝુદ્દિન જેવું ભૂતકાળમાં કોઇ આત્મ ચરિત્રમાં આ હદે બેદરકારીથી  નથી લખાયું. જો હિરોઇનો લખવા માંડશે ને તો....
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments