Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

સેલીબ્રિટીના બચાવમાં હાજીર... ચાહકો

ચાહકોનું આક્રમણ : શ્રીદેવીનું કોસ્મેટિક સર્જરીને કારણે નિધન થયું તેમ કહી જ કેમ શકો ?

''મૃતદેહની ઝડપથી સોંપણી કરો.. મૃત્યુના કારણોમાં ના ઉતરો''

મીડિયા પર આરોપ... ''મૃત્યુને 'મિસ્ટ્રી' કેમ ગણાવો છો ?''

શ્રીદેવીનું કાર્ડિઆક એરેસ્ટના લીધે દુબઈમાં અવસાન થયું તે સમાચાર રવિવારને પરોઢે જેમણે સોશિયલ મિડિયા પર જોયા તેઓએ ખરેખર બે વખત આંખો ચોળીને ખાતરી કરવી પડી હતી કે તેઓ કોઈ દુ:સ્વપ્ન કે ખોટી અફવા (હોક્સ) તો નથી વાંચી રહ્યા ને.. રવિવારે દિવસ દરમ્યાન તો શ્રીદેવીનું હૃદય રોગના હુમલા કે પછી કાર્ડિઆક એરેસ્ટથી નિધન થયું છે તે જ કારણ વહેતું થયું હોઈ તેની ૫૫ વર્ષની વય જોતા તેમજ હજુ ત્રણ દિવસ પહેલાં તેની પાર્ટીની ગ્લેમરસ તસ્વીરો તાજી જ તરવરી રહી હોઈ ચાહકો અને બોલીવુડ સદમો અનુભવતું હતું.

રવિવારે દિવસભર ન્યુઝ ચેનલોએ ચાંદની, બીજલી, રૃપ કી રાની , એક્ટર કમ મોમ, ચાહકોને છેતરીને વિદાય લેનાર 'ચાલબાજ' જેવા ફિલ્મી વિશેષણો સાથે શ્રીદેવીને એ હદે પોંખી કે વહીદા રહેમાન, રેખા, માધુરી દિક્ષિત, હેમા માલિની એક્ટીંગની પ્રતિભાની રીતે જોઈએ તો શબાના આઝમી, શર્મિલા ટાગોર જેવી સિનિયર અભિનેત્રીઓને શ્રીદેવીને મળેલ વન એન્ડ ઓન્લી લેડી સુપરસ્ટારના બિરૃદથી તેમનું કદ અને પ્રદાન ઝાંખપથી મુલવાઈ રહ્યું હોય તેવું મનોમન લાગ્યું હોઈ શકે.

સદમા, લમ્હે, ચાંદની અને મિસ્ટર ઇન્ડિયા આ ચાર ફિલ્મો શ્રીદેવીની એવી કહી શકાય કે જેમાં તમે શ્રીદેવી સિવાય બીજી કોઈ અભિનેત્રીને કલ્પી ના શકો. બાકીની ફિલ્મો તેની અદાકારી કરતા ગીતોએ મચાવેલી ધૂમને લીધે યાદ કરાઈ હતી. આઇસ્ક્રીમ ખાઓગી મમ મિયા, પ્યાર કી ગાડી તેજ ચલાઓ... જેવા ગીતો. સ્વર્ગસ્થ કલાકારોને ટી.વી. ન્યુઝ ચેનલો તેના ગીતોની ઝલક બતાવીને અંજલિ આપે છે કે તેની અદાકારીની રેન્જનો અંદાજ આપતા યાદગાર દ્રશ્યો અને સંવાદોની ક્લિપિંગ બતાવીને તેના પરથી કલાકારન લેવલની માપણી થઈ શકે.

માધુરી દીક્ષિતના એક ચાહકે કહ્યું કે, શ્રીદેવીની સ્ક્રીન પ્રેઝન્સ કે ચુલબુલી ઇમેજ સાથેના તરવરાટનો તે પણ આશિક જ રહ્ય છે પણ એમ તો માધુરી દીક્ષિતની દયાવાન, તેજાબ, રામલખન, ત્રિદેવ, પરિંદા, મૃત્યુદંડ, દિલ, ૧૦૦ ડેઝ, સાજન, બેટા, ખલનાયક, સૈલાબ, રાજા, હમ આપ કે હૈ કોન, મૃત્યુદંડ, દેવદાસ, ગજગામીની, પુકાર અને દિલ તો પાગલ હૈ ની યાદી પર નજર નાખશો અને તેના પરના ફિલ્માંકન પામેલા ગીતોની ધૂમ પણ યાદ કરો. બોલીવૂડ, મિડિયા અને વિવેચકો શ્રીદેવીના અકાળ મૃત્યુની લાગણીમાં અન્ય ટોચની અભિનેત્રીઓને ભવિષ્યમાં શ્રીદેવી પછીના જ ક્રમની ગણવી પડે તેવી લાગણીઓના પ્રવાહમાં તો નથી ખેંચાઈ ગયા ને ?

માધુરી અને રેખાના આવા ચાહકોને એ રીતે આશ્વાસન આપ્યું કે જેણે આઘાતજનક અને અકાળ વિદાય લીધી હોય છે તેઓને વિષેશ લાગણી મળે એ સ્વભાવિક છે. આમ પણ મૃત્યુના અરસામાં સમકાલિનો વચ્ચે તુલના યોગ્ય નથી તે આપણા સંસ્કાર, સભ્યતા અને પરંપરા છે.જે આવકાર્ય પ્રણાલિ પણ કહી શકાય. શ્રીદેવી નિ:શંકપણે તેની પ્રતિભા, પ્રદાન અને ચાહના પ્રમાણે બેસુમાર માન મેળવવાને લાયક તો હતી જ.

હિન્દી ફિલ્મ ઉદ્યોગની હીરો કે હીરોઇનમાં આ હદે પ્રોફાઇલ ધરાવનારાઓમાં કદાચ સૌ પ્રથમ એવી હશે કે ૫૫ વર્ષે ગ્લેમરની દુનિયામાં હજુ પણ સાંપ્રત અને તેવી જ બ્યુટી હોવા છતાં અકાળ મૃત્યુ પામી હોય, આપણને એવો વિચાર પણ આવે કે ગુરૃદત્ત, મધુબાલા, મીનાકુમારી, કિશોરકુમાર, સંજીવકુમારના અરસામાં જ ટી.વી. અને સોશ્યિલ મિડિયા હોત તો દેશભરના ચાહકોનો આઘાત કઈ હદે ઝીલાયો હોત.

ફરી શ્રીદેવી પર આવી તો બીજે દિવસે ગત સોમવારે શ્રીદેવીનું મૃત્યુ હૃદયરોગના હુમલાને લીધે નહિ પણ હોટેલના બાથટબમાં ડૂબી જવાથી થયું છે અને તેના બ્લડ રીપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ પણ મળી આવ્યું છે તે રીપોર્ટ વહેતા થયા તેના પગલે ચાહકો અને મિડિયાએ હંમેશા બને છે તેમ શ્રીદેવીના મૃત્યુમાં પણ ષડયંત્રની શંકા જોઈ. ચાંદની, બીજલી હવે મીસ્ટ્રી, સસ્પેન્સ થ્રીલર બની. દુબઈના સત્તાવાળાઓએ સોમવારે સસ્પેન્સને વધુ ઘટ્ટ બનાવ્યો. મંગળવારે કાંઈ જ નવાજુની બહાર આવશે તેમ બધાનું ફોક્સ શિફ્ટ થઈ ગયેલું.

પણ શ્રીદેવીના મૃત્યુ અંગે જે પ્રશ્નો ખડા થયાહતા તેના પર કોઈ પણ પ્રકાશ ફેંક્યા વગર મંગળવારે શ્રીદેવીના મૃત્યુ અંગેની ફાઇલ જ બંધ કરીને મોડી રાત્રે તેનો મૃતદેહ ભારત લાવવા શ્રીદેવીના કુટુંબીજનોને સોંપવામાં આવ્યો. શ્રીદેવીનું મૃત્યુ આલ્કોહોલના પ્રભાવ હેઠળ ડૂબી જવાથી થતા તે સંસ્કારી કે ગરીમા બક્ષતું તો ના જ રહ્યું. દક્ષિણની ઘણી અભિનેત્રીઓ 'પહેલી' બનીને દુનિયા છોડે છે તેવું જ.

દુબઈની ફોરેન્સિક પોલીસ અને ઓટોપ્સી એજન્સીએ જે પ્રશ્નોને જન્મ આપ્યો હતો તેના ઉત્તરો પણ નથી જ અપાયા અને મિડિયા પણ કાર્તિ ચિદમ્બરમની ધરપકડના સમાચારમાં ડાઇવર્ટ થઈ ગયું. નિરવ મોદીને ફરી વાર 'એક્સ્ટેન્શન' મળ્યું.

હિરોઇનો મદ્યપાન, ડ્રગ, કોસ્મેટિક સર્જરી, ડિપ્રેશન, ઘરેલુ કંકાસ અને સંપત્તિની વહેંચણીના કેસમાં બરબાદ થાય તેવી મહત્તમ ઇમેજને શ્રીદેવીના મૃત્યુએ બળ આપ્યું.

દુબઈના સત્તાવાળાઓએ આટલા મોટા ગજાની સેલિબ્રિટી અને સમગ્ર બોલિવુડ, દુબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ માથે ઉભું રહીને મૃતદેહની સોંપણી માટે દબાણ કરતું હતું તેમ છતાં ત્રણ દિવસ મચક નહોતી આપી. જે પ્રક્રિયા કરવી પડે તે કરવી જ પડે તેમ સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો.

દુબઈની સરકાર અને એજન્સીઓની આવી પારદર્શકતાને જ્યારે અમુક નાગરિકો અને મિડિયા બિરદાવતા હતા ત્યારે ફિલ્મ ઉદ્યોગના સમર્થકો પણ હતા કે જેઓએ પુરાવા વગરની બુલંદ પ્રતિક્રિયા વહેતી કરી કે દુબઈમાં તો આવું જ થતું હોય છે. આવા કિસ્સામાં તો કરોડોની હેરાફેરી થાય પછી જ કામ પતે.

ભારતના સંદર્ભમાં તો નાગરિકોની એવી પ્રતિક્રિયા પણ સાંપડી કે, ભારતમાં તો કોઈ વિદેશી સેલિબ્રિટી આ રીતે મૃત્યુ પામે તો આપણી સરકારના કોઈ પ્રધાન કે કોર્પોરેટ હસ્તી પણ એજન્સીઝને ફોન કરે તો વિધિ ગણતરીના કલાકોમાં પતાવી આપણે જાણે તે દેશની મિત્રતા ભાવે સેવા પૂરી પાડતા હોઈએ તેમ ગૌરવ લઈએ.

જ્યારે દુબઇ પોલીસ, પ્રોસીક્યુટર રીપોર્ટમાં મૃત્યુના કારણની રીતે જ નાટકીય વળાંક આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક પ્રશ્નો પણ પૂર્ણવિરામ ઝંખતા હોય. ખરેખર તો તપાસમાં સહકાર આપવાની જગાએ દુબઇ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે એવી હૈયાધારણ આપે કે જેમ બને તેમ ઝડપથી કાર્યવાહી નીપટાવવાના અમારા પ્રયત્નો છે તે અજુગતું લાગે.

અમર સિંઘ જેવા નેતા એવી ટ્વિટ કરે કે મેં દુબઇના શેખને જેમ બને તેમ ઝડપથી મૃતદેહની સોંપણી કરી દો તેમ વિનંતી કરી છે તે શરમજનક કહેવાય. બાકી આ જ અમર સિંઘ જાણે શ્રીદેવી જોડે જ ફરતા હોય તેમ કોમેન્ટ કરે કે ''શ્રીદેવી મારી જેમ વાઇન પીતી હતી પણ શરાબનું સેવન ન હતી કરતી.'' બોની કપુર સિવાય આવો દાવો કોઇ ના કરી શકે.

શ્રીદેવીનું મૃત્યુ અકસ્માતે જ થયું છે તેમ પુરવાર કરવાની લાગણી સૌને હોઇ શકે પણ આવો ફાયદો કોમનમેનને નથી મળતો.

શ્રીદેવીના મૃત્યની 'મિસ્ટ્રી' સ્ટોરી બનવાની તૈયારીમાં જ હતી ત્યાં બાથટબમાં પ્રિયા રાજવંશથી માંડી બોલીવુડની અને પોપ જગતની હસ્તીઓનું ભૂતકાળમાં મદ્યપાન કે ડ્રગના સેવનના પ્રભાવ હેઠળ મૃત્યુ થયા જ છે તેની યાદી સાથે અંગ્રેજી મીડિયામાં સ્ટોરી વહેતી થઇ અને આવા મૃતકોમાં શ્રીદેવીના ઉમેરા સાથે શંકા પર પડદો પડી ગયો.

ફિલ્મ ઉદ્યોગના અને શ્રીદેવીના એવા ચાહકો પણ જોવા મળ્યા કે મીડિયાનો એક વર્ગ રવિવારે શ્રીદેવીના હૃદયના રોગના હૂમલાનું એક સંભવીત કારણ કોસ્મેટિક સર્જરીની હારમાળ, તે માટેની ડ્રગ્સ, સ્ટ્રેસ ફ્રી કે એસ્કેટેસી ડ્રગ્સના સેવનને માનતી હતી તેનાંથી જાણે શ્રીદેવીના મોતનો મલાજો ના પળાતો હોય તેમ તેઓની લાગણી ઘવાતી હતી.

શ્રીદેવી મદ્યપાનના પ્રભાવ હેઠળ બાથ ટબમાં ડુબીને મૃત્યુ પામી તેવું કારણ આવ્યું તે પણ શોભનીય તો ના જ કહેવાય છતાં આ ચાહકો શોરબકોર કરવા માંડયા કે હવે કોસ્મેટિક સર્જરીને લીધે તેનું મૃત્યુ થયું છે તે અનુમાન મીડિયા પાછું ખેંચશે ? તેને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો જ ન હતો...!

લો... પેલા ભાઇનું મૃત્યુ સિગારેટના અતિરેકથી થયેલા કેન્સરથી નહીં પણ મદ્યપાનના પ્રભાવમાં કાર જોડે અથડાઇને થયું હતું તેમ કોઇ ગેલમાં આવી જઇને મૃતક માટે કહે તો કેવું લાગે ? આ જ ચાહકો ગામમાં કોઇ ૫૦ વર્ષની મધ્યમ વ્યક્તિનું વારસાગત કારણસર હૃદય રોગથી અકાળ નિધન થાય તો તેણે સટ્ટામાં લાખો ગુમાવ્યા હશે, પત્ની જોડેના ઝઘડાએ તેને તનાવગ્રસ્ત બનાવી દીધો હતો, રોજ રાત્રે ચાર પેગની આદત હતી, સંતાનોથી હારી ગયો હતો, બોસથી કંટાળી ગયેલો તેવા કારણો સાથે પંચાત કરતા હોય છે.

તેઓ આ પંચાતમાં માની લો કે સામેલ નથી થતા તો પણ જેઓ આમ કરે છે તેને ત્યાંને ત્યાં વખોડી નથી નાંખતા પણ બોલીવુડની કે તેમની માનીતી વ્યક્તિ માટે આવી શંકા કરો તો પણ તમારા પર ત્રાટકી પડે. અરે યાર... સમાજ છે એન્જેલિના જોલીથી માંડી શ્રીદેવી અને ગામના શકરીબેન માટે તેમની પ્રકૃતિ પ્રમાણે બોલે.

અને... મીડિયા કર્મીની પણ એ ફરજ છે કે જે તે ક્ષેત્રની વ્યક્તિના સંદર્ભમાં છાનબીન કરે, પ્રશ્નો ખડા કરે. શંકાની ભૂમિકા રચાય તો શંકા કરે.  શેરબજારમાં રોકાણ કરનારનું અકાળ મૃત્યુ થાય અને તે શતપ્રતિશત કુદરતી જ હોય તો પણ એવો પ્રશ્ન ખડો થાય જ  કે શું તે દેવામાં ડૂબી ગયો હતો ? ખેડૂતના મૃત્યુ માટે આપણે તે આત્મહત્યા તો ન હતી ને તેમ પ્રશ્નના ઉત્તરની તલાશ ના કરીએ ? કોઇ લેખકનું અકાળ અવસાન  ડીપ્રેશન કે કાર્યબોજ, મહત્વકાંક્ષા હોઇ જ શકે.

ભારતના જ નહીં આંતરરાષ્ટ્રીય રીપોર્ટ પ્રમાણે કોસ્મેટિકસ સર્જરીનો અતિરેક, મુડ સ્વિંગથી માંડી હોર્મોન્સ પર અસર પાડી દે તેવી દવા, કોસ્મેેટિક્સનો અતિરેક, ડીપ્રેશનની ડ્રગ્સ કિડનીથી માંડી હૃદય રોગના હૂમલાને નિમંત્રી શકે છે.

(બધાને નહીં) શ્રીદેવી કોસ્મેટિક સર્જરીઓ, તે પછીની ડ્રગ્સ અને ગ્લેમર દુનિયાની હોઇ અકાળ અવસાન થાય તો એક આ શક્યતા પર ચર્ચા શા માટે ના થાય ? કોસ્મેટિક સર્જરીનો બચાવ કરવાની અને શ્રીદેવીનું નિધન તેના તેના કારણે જ નથી થયું તેમ પૂરવાર કરવાની ઉતાવળ ચાહકોને શા માટે ? કેન્સરના કે એચઆઇવીના નિદાન અગાઉ ડોકટર દર્દીને શું પૂછે ? સંભાવનાઓનો છેદ ઉડે પછી ડૉક્ટર તેની સારવારમાં આગળ ધપતો હોય છે.

આ જમાનામાં કોઇ કોસ્મેટિક સર્જરી કરાવે તે કંઇ નિંદનીય તો છે જ નહીં.. રૃટિન છે.

ફિલ્મ, ફેશન, સ્પોર્ટસ કે આધ્યાત્મમાં તટસ્થ દ્રષ્ટિ રાખવાની નાગરિકો, વિચારકો અને મીડિયાની જવાબદારી છે.

* શ્રીદેવીના મૃત્યુ પછી વિશેષ કરીને સોમવારે પોલીસ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટના પગલે જે સંભાવનાઓ ખડી થઇ તેનું રીપોર્ટિંગ, ટીવી કવરેજ મીડિયાએ કર્યું તેનાંથી બોલીવુડ નારાજ થયું. તેઓએ આ કવરેજને 'ગોસિપ' કેટગરીનું અને બેજવાબદાર ખપાવ્યું... આ જ બોલીવુડ સતત અવનવા 'ગોસિપ' સર્જીને મીડિયાની જોડે પી આર વર્ક કરતું રહેતું હોય છે. મીડિયાએ તો  દુબઇના રિપોર્ટના આધારે પ્રશ્નો ખડા કર્યા હતા.

* સેલિબ્રીટીનું મૃત્યુ થાય એટલે તેના અંગત જીવનની સાચી-ખોટી વાતો બોલીવુડમાં થતી જ હોય છે. રામ ગોપાલ વર્માએ જાહેર કરેલા બીજા પત્રમાં શ્રીદેવીની માનસિક અશાંતિ અંગે વિસ્તૃત અંદરની વાત લખી છે. સેલિબ્રીટી ભારત જેવા દેશમાં રોલ મોડેલ બની જતી હોય છે તેના અંતરંગ જીવન પરથી બધા બોધપાઠ પણ લઇ જ શકે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments