Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

વિદ્યા વિનયથી શોભે તો વિનય કોનાથી શોભે

-એની વાઇફથી.
(ધવલ જે. સોની, ગોધરા)

'કૉંગ્રેસ આવે છે', એ સૂત્રનું શું થયું ?

-કોઇ પણ કામ કર્યા કે બતાવ્યા વિના ભાજપ સામે માત્ર આક્ષેપો કરવા છતાં કૉંગ્રેસને આટલી બધી સીટો મળી, એમાં સરીયામ નિષ્ફળતા ભાજપની છે. કૉંગ્રેસને તો વકરો એટલો નફો !
(પાર્થ જે. પટેલ, વિસનગર)

દૂધમાં અને દહીં-બન્નેમાં પગ રાખવાનો ફાયદો કે નુકસાન ?

-છીઇઇઇ... એવા દૂધ-દહીંને અડાય પણ નહિ !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

વહાણ ડૂબે એ પહેલા ઉંદરો વહેલા ભાગી જતા હોય છે. શું એ બચી શકતા હશે ખરા?

-હા. થોડા ઘણા કૉૅંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા ખરા ! ક્યાંયના ન રહ્યા!!
(પી.એમ. જોશી, ઈડર)

તમારા ઉપર ગુજરાતી બાયો-પિક બને ?

-હા, પણ એમાં હીરોઇનો કેટલી બધી લાવવી પડે !
(લખમણ નંદાણીયા, કોઠા વિસ્તોરી-જામખંભાળીયા)

ફરી નાટકનો યુગ આવશે, એવું લાગે છે ?

-હવે ઈ.સ. ૨૦૧૯માં.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

મંદિરોમાં ભીડ ને પુસ્તકાલયો ખાલી કેમ ?

-શું ફેર પડે છે ? ઈશ્વર તો બન્નેમાં વસે છે.
(મહેશ જાંબુકીયા, બરવાળા)

ભોળાને ભોટ ને ચાલાકને હોશિયાર કેમ સમજવામાં આવે છે ?

-એવું સમજનાર ભોળા હોય છે.
(અફરોઝ મીરાણી, મહુવા)

થીયેટરોમાં રાષ્ટ્રગીત ફિલ્મ પહેલા વગાડવામાં આવે છે, એવું લોકસભા-વિધાનસભાઓમાં ન થાય ?

-એ બધાને ખબર તો હોવી જોઇએ ને કે ક્યા રાષ્ટ્રનું ગીત ગાવાનું છે !
(આકાશ શાહ, સુરત)

બધા પતિઓ પત્નીની ચિઠ્ઠીના ચાકર હોય તો જમાઇને દસમો ગ્રહ કેમ કહે છે ?

-એ તો એવા જમાઇઓ બહાર એવી છાપ પાડે.. બાકી કાંઇ નહિ ! આ અમને જુઓ ને !
(સુધીર ઝવેરી, મુંબઈ)

ગૉળના ગાંગડા ગમે તે આકારમાં હોય, છતાં એ ગોળ જ કેમ કહેવાય ?

-બન્ને 'ગૉ'ના માત્રાના ઉચ્ચારમાં ફેર છે. વાઇફને કહી જોજો, ''તારી આંખો ગૉળ છે.'''
(આદિલ શકીલ એહમદ અજમેરી, આણંદ)

ગુજરાતના ધાનેરામાં રાહુલ ગાંધીની કાર ઉપર પથરાં પડયા. ધાનેરાની પ્રજા માટે એ ૫-૧૦ હજાર કરોડ રૃપિયાના અનાજપાણી લઇ ગયા હોત તો આવું થાત ?

-હા. પ્રજાએ પહેલા અનાજપાણી લઇ લીધા હોત ને પથરાં પછી માર્યા હોત ! બીજી વાર કોણ આવવાનું છે !
(હરૃભાઇ કારીઆ, મુંબઈ)

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય પ્રાણી (વાઘ) એક સાથે આવે તો શું કરવું ? ઊભા રહેવું...?

-એ પ્રાણી પણ આપણા રાષ્ટ્રનું છે. રાષ્ટ્રગીત વાગતું હોય તો એ ય ઊભો રહી જાય!
(અનશ પટેલ, ઈખર-ભરૃચ)

સ્ટેજ કાર્યક્રમોમાં વાતવાતમાં ઑડિયન્સ પાસે તાળીઓ પડાવતા કૉમ્પીયરોને સુધારવાનો કોઇ ઉપાય ?

-એમને ખબર હોય છે કે, ઑડિયન્સ સ્ટુપિડ હોય છે. ક્યાં તાળીઓ પાડવી, એને સમજ હોતી નથી. બોલતા બોલતા કાંઇ ભૂલાઇ જાય, એટલે ગૅપ પૂરવા, ...એક બાર ઓર તાલીયાં હો જાઆઆય...?''
(પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

કથાકિર્તનમાં રાષ્ટ્રગીત ગવડાવવા અંગે તમે આપેલ જવાબથી હિંદુઓ અને જૈનોની લાગણી દુભાઇ છે....

-હું નથી માનતો રાષ્ટ્રગીત ગાવામાં એકે ય હિંદુ કે જૈનની લાગણી દુભાતી હોય!
(પ્રફૂલ્લ એ. મહેતા, રાજકોટ)

રસ્તો પાર કરાવવાનો તમને શોખ ખરો ?

-જેને વારંવાર રસ્તો પાર કરાવવો ગમે, 'એવીઓને' દુનિયા સિવાય બધું પાર કરાવી આપું !
(ધર્મેશ મકવાણા, સુરત)

જે રીતે મોદી કામ કરી રહ્યા છે, એ જોયા પછી નથી લાગતું કે, એ સરમુખ્ત્યાર બનવા જઇ રહ્યા છે ?

-હવે એવી બીક રાખવા જેવી નથી.... ગુજરાતના પરિણામો જોયા પછી !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

નાહી લીધા પછી જ ટુવાલનો ઉપયોગ થાય છે, તો પછી ટુવાલને ધોવો કેમ પડે છે?

-અમારામાં એવું ન હોય.... કાં તો નહાઇએ નહિ...ને કાં તો ટુવાલ ધોઇએ નહિ!
(પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)

શિવરાત્રીમાં શિવજીને પ્રસન્ન કરવા શું પીઓ છો ?

-'પીવો' છે, પણ મળતો નથી... ગુજરાતમાં !
(નૂતનકુમાર મા. ભટ્ટ, સુરત)

ભારત કોંગ્રેસમુક્ત થઇ રહ્યું છે કે, ભાજપ કૉંગ્રેસયુક્ત થઇ રહ્યું છે ?

-સાચું કહું તો બેમાંથી એકે ય પાર્ટીમાં કોઇ વેતા રહ્યા નથી. ગુજરાતમાં પૂરા પાંચ વર્ષ કૉંગ્રેસે નામનું ય કોઇ કામ કર્યું નથી, છતાં આટલી બધી સીટ મળી, એ પ્રજાનો ભાજપ સામે આક્રોશ હતો... હજી ય છે.
(કોમલ ભટ્ટ, ગાંધીનગર)

 

Post Comments