Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજકાલ - પ્રીતિ શાહ

મારી આઝાદીનું મૂલ્ય

ન્યૂ જર્સીના મેપલવૂડમાં એવા ઘણા પરિવારો વસે છે જેના પૂર્વજો આફ્રિકા છોડીને અમેરિકા આવ્યા હોય. આવા એક પરિવારમાં ઇબ્તિહાજનો જન્મ થયો. એના પિતા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા અને માતા સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી.

પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરીને વધુ અભ્યાસ કરવા માટે ઇબ્તિહાજ અન્ય સ્કૂલમાં ગઈ, ત્યારે એ અમેરિકી બાળકો અને આફ્રિકી બાળકો વચ્ચેનું અંતર સમજવા લાગી. માતા એમના સમાજનો પોશાક પહેરતી. માતા આખી બાંયના કપડાં પહેરતી અને માથે હંમેશા હિજાબ પહેરીને જ ઘરની બહાર નીકળતી. હવે ઇબ્તિહાજ પણ હિજાબ પહેરીને સ્કૂલે જવા લાગી. સ્કૂલમાં તો કોઈએ એને કશું કહ્યું નહીં, પરંતુ બહાર રેસ્ટોરન્ટમાં કે બગીચામાં ફરતી વખતે લોકો એની સામે તાકી- તાકીને જોયા કરતા.

કોલંબિયા હાઇસ્કૂલમાં ભણતી ઇબ્તિહાજને સ્પોર્ટ્સમાં વધુ રસ પડવા લાગ્યો. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે બેડમિંગ્ટન અને ટેનિસ રમતી હતી. ઇબ્તિહાજ પણ રમવા ઇચ્છતી હતી. એ ઘરે પ્રેક્ટિસ કરતી અને થતું કે જો કોઈ એને તાલીમ આપે, તો તે સારી ખેલાડી બની શકે તેમ છે, પરંતુ આ રમત તો છોકરીઓ સ્કર્ટ પહેરીને રમતી હતી.

એ પોતાના પરંપરાગત પોશાકમાં આ રમત ખેલી શકે તેમ ન હતી. એને પહેલીવાર એવી પ્રતીતિ થઈ કે તે બધા કરતા અલગ છે. રમતનો અત્યંત શોખ હોવાને કારણે એણે તલવારબાજી પર પસંદગી ઉતારી, કારણ કે એમાં આખી બાંયનાં કપડાં પહેરી શકાય અને સુરક્ષાને કારણે માથે હેલ્મેટ પહેરવામાં આવતી હતી, તેથી હિજાબ પહેરવામાં પણ કોઈ વાંધો આવે તેમ નહોતો.

તેર વર્ષની ઉંમરે એ તલવારબાજી શીખવા લાગી અને પ્રથમ વર્ષે જ એણે જુનિયર ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એના પ્રથમ કોચ ફ્રેંક મુસ્ટિલી હતા. ત્યારબાદ ૨૦૦૨માં એણે પીટર વેસ્ટબૂ્રૂક ફાઉન્ડેશનમાં એડવાન્સ તાલીમ લીધી. અહીં એને સિડનીના પ્રખ્યાત તલવારબાજ અકી સ્પેન્સર ઇલના નેતૃત્વમાં તાલીમ મળી. ૨૦૦૩માં ડયુક યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરીને ૨૦૧૦માં અમેરિકાની નેશનલ તલવારબાજી ટીમમાં સામેલ થઈ.

૨૦૧૬માં રિયો ઑલિમ્પિક માટે તેની પસંદગી થઈ, પરંતુ તેનો પહેરવેશ ચર્ચાનો મુદ્દો બની રહ્યો. ઘણાંએ તેની આલોચના કરી. આ પહેલા કોઈ મહિલાએ હિજાબ પહેરીને તલવારબાજી કરી નહોતી, પરંતુ ઇબ્તિહાજ મક્કમ હતી કે તેના પહેરવેશમાં કોઈ પરિવર્તન નહીં કરે.

રિયો ઑલિમ્પિકમાં તે હિજાબ પહેરીને મેદાનમાં ઊતરી. ઇબ્તિહાજે કહ્યું, 'હું માત્ર આ સ્પર્ધામાં ભાગ લેવા નથી આવી, પરંતુ મારી ઇચ્છા હિજાબ પહેરનાર મહિલાઓ પ્રત્યે જે લોકો સારો વ્યવહાર નથી કરતા. તેની સામે અવાજ ઉઠાવવાની છે. તમે મારી તલવારબાજી જુઓ, પહેરવેશ નહીં' અને તલવારબાજીમાં કાંસ્યચંદ્રક મેળવનારી તે પ્રથમ મુસ્લિમ આફ્રિકી- અમેરિકન મહિલા બની.

આ સમગ્ર ઘટનાથી પ્રેરાઈને બાર્બીડોલ બનાવનાર કંપનીએ હિજાબ પહેરેલી બાર્બી ડોલ બજારમાં મૂકી છે. આ બાર્બી ડોલના હાથમાં તલવાર પણ છે. અમેરિકાની સરકારે એની ખેલ સદ્ભાવના દૂત તરીકે નિયુક્તિ કરી. ઇબ્તિહાજ કહે છે, 'હવે બધા મારા દ્રષ્ટિકોણને સમજે છે. દરેક વ્યક્તિ અને સમુદાયને પોતાની મરજી પ્રમાણે જીવવાની આઝાદી છે. એ આઝાદીનું સન્માન કરવું જોઈએ.' ઇબ્તિહાજ ઇચ્છે છે કે, બધા દેશોમાં મહિલાઓને રમવાની અને ભણવાની આઝાદી મળે અને એની પ્રગતિમાં કોઈ રુકાવટ ન આવે. આ ધ્યેયને લક્ષમાં લઈને તે સમગ્ર વિશ્વની મહિલાઓ માટે અભિયાન ચલાવી રહી છે.

સૌર ઊર્જાનું શિક્ષણ

બેંગાલુરુના દિનેશ પગારિયાને વિચાર આવ્યો કે દરેક વખતે વારંવાર વીજળી વિભાગ પાસેથી વીજળી લેવાની જરૃર કેમ પડે છે ? આપણે આપણા માટે વીજળીનું ઉત્પાદન કરીએ તો કેવું ?

બેંગાલુરુમાં રહેતા દિનેશ પગારિયાને કોઈ પણ બાબતમાં પહેલો વિચાર પર્યાવરણ કેમ જળવાય તેનો આવે છે. તે પછી વીજળી વગર ચાલતી ઓફિસ અથવા ઘર હોય કે પછી પેટ્રોલ વગર ચાલતી કાર હોય! તેઓ પોતાના દરેક કામને પુન:પ્રાપ્ય ઊર્જાના માપદંડથી તોલે છે. સૌર ઊર્જામાં એમને ખૂબ રસ પડતો અને તેથી બે વર્ષ પહેલાં એમના ભાઈનું નવું ઘર બનતું હતું.

તેમાં એમને સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની તક મળી. આજે ઘણી જગ્યાએ સૌર ઊર્જાનો ઉપયોગ જોવા મળે છે, પરંતુ દિનેશ પગારિયાએ તો જ્યારે ઘર બનતું હતું, ત્યારે થોડા સમય માટે બેસ્કોમ પાસેથી વીજળીનું જોડાણ લેવું પડે તે પણ લીધું નહોતું. પોતાના ભાઈના મકાનમાં કોઈ ત્રૂટિ રહી નહોતી. તેની સફળતાથી પ્રેરાઈને દિનેશ પગારિયાએ બેંગાલુરુમાં જયનગર વિસ્તારમાં જ આ સિદ્ધાંત પર પોતાનું ઘર બનાવવાનું શરૃ કર્યું.

જેમ જેમ બિલ્ડીંગ બનવા લાગ્યુ તેમ તેમ જુદી જુદી જગ્યાએ તે પ્લાન્ટ લગાવ્યો અને છેલ્લે ઘરની ઉપર સૉલર પેનલો લગાવી દીધી. દિનેશ પગારિયાને એના આ કામમાં સ્ટુડિયો- ૬૯ના ગણેશકુમારનો ઘણો સહકાર મળ્યો. એણે આ પ્રૉજેક્ટમાં આવનારી મુશ્કેલીઓને ગણકાર્યા વિના તેમાં આગળ વધવા માટે દિનેશ પગારિયાને પ્રોત્સાહન આપ્યું.

સ્ટુડિયો- ૬૯ના ગણેશકુમાર જે કોઈ મકાન બાંધતા તેમાં તેઓ પ્રકૃતિને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. દિનેશ પગારિયા પાસે જે જમીન હતી તેના પર માત્ર એક વર્ષમાં પર્યાવરણને ખ્યાલમાં રાખીને સૌર ઊર્જાથી સુંદર મકાન બનાવ્યું.

એ પછી દિનેશને એ ચિંતા હતી કે વરસાદી કે વાદળિયા વાતાવરણમાં સોલર પ્લાન્ટ નિષ્ફળ જાય, તો શું થાય ? આ સમસ્યાનો ઉકેલ મળ્યો જાપાનમાં સીઆઇએસ સેલથી બનેલી પાતળી સોલર પેનલથી ! આ પાતળી સોલર પેનલ પૂરતો સૂર્યપ્રકાશ ન હોય તો પણ ચાલે છે અને આ પેનલ પર ચાલી પણ શકાય છે. આ પેનલ વ્યાવસાયિક જગ્યાએ બહુ વપરાય છે, પરંતુ ઘર માટે એનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો. પરંપરાગત રીતે મળતી સોલર પેનલ કરતાં આ સોલર પેનલ મોંઘી છે.

પોતાના ઘર પર ૧૩૩ પેનલ લગાવી છે, તેમાંથી ૨૦ કિલોવોટ વીજળી મળે છે. તેમાં દિનેશ પગારિયાએ ત્રણ ઇન્વર્ટર લગાવ્યા છે. બે આઠ કિલોવોટના અને એક ચાર કિલોવોટનું છે. આ ઇન્વર્ટરનું બે બેટરી સાથે જોડાણ કર્યું છે. આખી સિસ્ટમ વાયરલેસ ટેકનોલોજીથી સજ્જ છે અને તેની સાથે વાઇ-ફાઇ મોડમ પણ જોડાયેલું છે.

વીજળીના વપરાશને તમે ગમે ત્યાં બેઠા હો ત્યાંથી વધારી કે ઘટાડી શકો છો. દિનેશ પગારિયાના મતે આવું કામ કરવામાં સૌથી મોટો પડકાર તેનો વિચાર અને તેને અમલમાં મૂકવાનો હિચકિચાટ હતો, પરંતુ જે વાત અત્યંત મુશ્કેલ અને પડકારજનક લાગતી હતી, તે આર્કિટેક્ટ અને સહુના સહકારથી આસાન બની ગઈ. આજે બેંગાલુરુનું જે જે ગુ્રપ પુન:પ્રાપ્ય ઊર્જા માટે કામ કરે છે. વીજળી માટે એક પૈસો પણ ન ખર્ચતા દિનેશ પગારિયા પોતાના એરકન્ડીશન્ડ ઘરમાં આરામથી રહે છે. તેઓ વધુ ને વધુ લોકોને સૌર ઊર્જા અંગે શિક્ષિત કરવા માગે છે અને શક્ય હોય તેટલાં મકાનો સૌર ઊર્જાથી સંચાલિત થાય તેવી ઇચ્છા રાખે છે.
 

Post Comments