Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચુડેલ - વિનોદિની નીલકંઠ

મેમુના ઘરડી થઈ ગઈ હતી. એકલી પડી ગઈ હતી. તેવામાં તેને તાવ આવ્યો. માથું ફાટી જાય, પથારીમાંથી ઊભી થવા જાય તો આખી ધરતી ચક્કર ચક્કર ફરતી માલૂમ પડે !

પારસમણીની વસ્તી માંડ પાંચસો ઘરની હશે એટલે સૌ એક-બીજાને ઓળખે. એકબીજાની સાત પેઢી સુધીની તમામ હકીકતની રજેરજ બાતમી પણ દરેક જણને હોય.

હલીમાને દફનાવવા અને અંતિમ ક્રિયા કરવા પડોશના ગામમાંથી ચાર મુસલમાનો આવ્યા હતા. પણ આંસુભીની આંખે આખું ગામ તેને છેવટની વિદાય આપવા કબ્રસ્તાને ગયું હતું.

નાનું સરખું ગામડું. તેનું નામ પારસમણી. એક દિવસ ત્યાંથી પસાર થતા વટેમાર્ગુને ભારે અચરજ થયું. ગામને એક છેડે કબ્રસ્તાન હતું. માત્ર બે પાંચ કબરો ત્યાં જણાતી હતી. ને કબ્રસ્તાન આગળ ખૂબ જ ભીડ હતી. આખું ગામ ડાઘુ વેશે ત્યાં આમલીના ઝાડ હેઠળ જમા થયેલું હતું.

પણ ડાઘુઓ બધા હિન્દુ હતા ! માત્ર ખોદાતી કબરની પાસે ચાર મુસલમાન ઊભા હતા. જ્યારે બન્ને કોમો વચ્ચે વેરભાવ વધતાં જતાં કોમી વિખવાદ વધુ કાતિલ બનતો જતો હતો ત્યારે એવો કેવો મુસલમાન મરી ગયો હશે કે ગામની ચારે વર્ણ એને છેલ્લી વિદાય દેવા આવી હતી ?

પારસમણીની વસ્તી માંડ પાંચસો ઘરની હશે એટલે સૌ એક-બીજાને ઓળખે. ઓળખે એટલું જ નહિ પણ એકબીજાની સાત પેઢી સુધીની તમામ હકીકતની રજેરજ બાતમી પણ દરેક જણને હોય. એવા ગામમાં હલીમાનો જન્મ થયો હતો.

તે રંગે શ્યામ અને રૃપમાં કુરૃપ જન્મી તે જ માત્ર એના ગેરલાભમાં ન હતું. પણ મોટી વાત તો એ હતી કે તેની મા નાનીબુની અવિવાહિત દશામાં હલીમાનો જન્મ થયો હતો. તે પછી વરસે દહાડે નાનીબુને તો છેક દક્ષિણ હૈદ્રાબાદ લઇ જઇ ઢગલો રૃપિયા ખરચી તેના પિતા નબીબક્ષે પરણાવી દીધી. નાનીબુને તો સુખચેનમાં રહેવાનું મળી ગયું પણ તેના કલંકનો ભાર બિચારી હલીમાને એકલીને વહેવાનો આવ્યો હતો.

હલીમા નાનપણથી શરમાળ, થોડાબોલી ને અતડી હતી. વળી પાંચેક વર્ષની હતી ત્યારે એકવાર કાતરિયામાંથી ઘાસના પૂળા ઉતારતાં પડી ગઇ હતી. ત્યારથી તેના વાંસામાં ખૂંધ નીકળવા માંડી હતી. તેના નાના નબીબક્ષ જીવ્યા ત્યાં સુધી તો 'બેટા હલીમા' કહી તેને માથે હાથ ફેરવતા પણ હલીમાને કમનસીબે તે ઝાઝું ન જીવ્યા.

મરતી વખતે તેમની સારી એવી દોલત, જમીન વગેરેમાંથી તેમણે હલીમા માટે ઠીક પ્રમાણમાં હિસ્સો આપ્યો હતો. પણ બાળક હલીમાને તે વાતની કંઇ ગમ નહિ અને નાનાના મૃત્યુ પછી તે મામા-મામીને માથે પડયા જેવી થઇ. મામી મેમુનાને તો તે દીઠી ન ગમે અને મામા ગનીભાઇ પણ ખુલ્લી રીતે કહે કે, 'સવારે ઊઠીને ભૂલેચૂકે હલીમાનું કાળુંમેશ મોઢું જોવાઇ જાય છે તો મારો દહાડો બગડી જાય છે.

' આવા વર્તાવને લીધે હલીમા વધારે એકલ સૂરી બનવા લાગી. મેમુનાને દર સવા વર્ષે ગર્ભ રહે પણ ટકે જ નહિ. ગામના વૈદરાજ ગોપાળશંકરે તો કહ્યું કે 'બાઈને કોઠે રતવા છે !'' પણ જોષી પીતાંબર કહે 'કોઇની મેલી નજર પડે છે.' બસ મેમુનાએ તો તે જ પકડી લીધું અને કહેવા લાગી, 'આ અમારા રૃપાળાં ભાણીબાનાં જ એ કારસ્તાન છે. જુઓને કેવી ચુડેલ જેવી દેખાય છે !

અંધારામાં મળી હોય તો છળી જવાય.' પછી તે ગની ઉસ્માનને કહેતી, 'સસરાજીએ તમારી બેનને જેમ હૈદ્રાબાદમાં ગોઠવી તેમ કોઇ દૂર દેશાવરના દોજખાબાદમાં આ લપને ગોઠવી દોને !' પણ ગનીભાઇ કહે : 'નાનીબુ ગમે તેમ તો પણ રંગે રૃપે ઠીક હતી. સિક્કો પણ ઘાટદાર હતો. આ બિચારી તો ગામનાં છોકરાં કહે છે તેમ 'કાળો પાપડ' છે. મેનુના કહે, 'પેલો પંડયાનો જમનો તે આને હબસણ કહીને બોલાવે છે.'

અધૂરામાં પૂરું ગામમાં બળિયાના વાવડ ચાલ્યા. કેટકેટલાં છોકરાં સપડાઇ ગયાં ! હલીમાને પણ મોટા મોટા અર્ધા રૃપિયા સિક્કા જેવડા દાણા નીકળ્યા. મામી તો પાસે પણ ન ઊભી રહે. મામા દૂરથી-અદ્ધરથી પાણી આપે, દૂધ-ચા પણ એમ રજ રેડે. ચાકરી કરવાની તો વાત જ કેવી ?

છતાં છોકરીની આવરદા હશે, તો એક જ આંખ ગુમાવીને, શીળીનાં મોટાં ચાઠાં તથા ગોબાયેલા ચહેરા સાથે તે પથારી પંખેરી ઊભી થઇ ગઇ. હવે મેમુનાબુ ઓઢણીનો છેડે મોઢા આડો રાખી હસતા હસતાં પડોશણ બહેનપણી નરબદાને હલીમાના સાંભળતાં જ કહેવા લાગી : 'અરે, નબુબેન, આ અમારી હલીમા તો ખોટો રૃપિયો છે. એટલે ખોવાવાની બીક જ નથી લાગતી. ત્યારે નરબદા ટાપસી પૂરતી, 'હા જુઓને, બિચારી રંગા ગોરાણીનો એકનો એક સાત ખોટનો જીવણ ઝડપાઇ ગયો.

'' સામે વળી મેમુના બોલી, 'અને શકરા પટેલની માનબાઇ ઊપડી ગઇ, જગા રાતનો છોકરો પોપટ તો ખરેખર પોપટ જ હતો, તે પણ ચાલ્યો ગયો.' ત્યારે વળી નરબદાએ યાદીમાં ઉમેરો કરતાં કહ્યું, 'અરે ખુદ ગોપાળ શંકર વૈદ્યની દીકરી અંબાની ભાણી પણ ન બચી.' મેમુના વળી બોલી, 'ઘણી ખમ્મા અમારાં મોંઘાં ભાણીબાને ! હલીમાબુ તો બળિયાથી પણ બળિયણ નીકળ્યાં.' આ વાર્તાલાપ સાંભળતાં હલીમાને પણ પોતાના નકામાપણાની વધારે ખાત્રી થઇ- અને તે લોકોથી વધારેને વધારે દૂર ભાગવા મથતી રહી.

પછી બળિયાનો રોગચાળો ઢોરમાં ફેલાયો. ગનીબાઇની ગાય 'અલ્લારખ્ખી'થી જ શરૃઆત થઇ અને પછી પારસમણીમાં અનેક ગાય-ભેંસ મરવા લાગ્યાં.

ખુદ મેમુનાએ જ વાત વહેતી મૂકી : આ હલીમા ચુડેલ છે. એ જ કાંઇ કાંઇ ટુચકા કરે છે. તે જ મહિનામાં મેમુના બીબીનો આઠમી વારનો ગર્ભ ચોથે મહિને પડી ગયો. મેમુનાએ પુષ્કળ કલ્પાન્ત કરી મૂક્યું. છાતીમાથાં ફૂટી નાખ્યાં. તેણે પતિ આગળ એક જ જક લીધી. તમારી કાળમુખી ભાણેજને ઘરમાંથી કાઢો. ગનીએ પત્નીને ઘણું આશ્વાસન આપ્યું પણ સાથે સાથે સમજાવ્યું કે, 'બાબા સોંપી ગયા છે.

મરતી વખતે હલીમાનો હાથ મારા હાથમાં મૂકતા ગયા છે, તે હવે મારાથી કેમ છોડી દેવાય ?' સામી દલીલમાં મેમુના કહે, 'પણ એનું મોઢું તો જુઓ ? મૂળ બદશીકલ હતી. ખૂંધી હતી. તેમાં વળી હવે કાણીને ગોબાઘંટાવાળી બની છે !' પછી કડવું ઝેર જેવું હસતાં તે બોલી, 'દૂધમાં સાકર ભળી, સોનામાં સુગંધ આવી. વાહ ! હવે શું બાકી રહ્યું ?' પત્નીના રોજના ટિટિયારાથી ગનીભાઇ કંટાળ્યા. તેમણે તોડ કાઢવા પ્રયત્ન કર્યો. અલ્લામિયાની મહેરબાનીથી તેમની પાસે જર જમીન પુષ્કળ હતાં.

ગામને ઉગમણે ખૂણે એક ટેકરી હતી. તેની ઉપર તેમના શોખીન પિતા નબીબક્ષે પોતાની જુવાનીના કાળમાં એક 'બંગલો' બંધાવેલો. ત્યાં થોડા મહિના રહેલા પણ ખરાઘોડા માટે તબેલો પણ રાખેલો-ત્યાં કૂવો ખોદાવેલો પણ પાણી બહુ ઊંડું રહેતું, તેથી ખેંચતાં ખેંચતાં નોકર પણ કંટાળી જતો.

તેથી નબીબક્ષે ત્યાં રહેવાનું છોડી દીધેલું, પણ કવચિત્ સહેલગાહે થોડા કલાક કુટુંમ્બ સહિત જઇ આવતા. ગનીભાઇને કાંઇ એવા શોખ નહોતા, અને મેમુના તો સાવ સાવ મૂજી ને આળસુ હતી તેથી નબી ડોસાના મૃત્યુ પછી 'બંગલો' બંધ રહેતો. ગનીભાઇ હલીમાને ત્યાં લઇ ગયા. તેમણે કહ્યું : 'જો હલીમા, તારે તારી મામી સાથે રાગ નથી આવતો ખરી વાત ને ?'

હલીમા નવાઇ પામીને બોલી ઊઠી, 'એમને મારી સાથે રાગ નથી આવતો એમ કહો, મામા ! હું તો એમનો પડતો બોલ ઉઠાવી લઉં છું.'

'એમ તો એમ.' મામા બોલ્યા : 'તો તું આ બંગલામાં રહે તો કેવું ?'

હલીમા ઘડીકવાર તો આ સૂચનાથી ડઘાઇ જ ગઇ ! પછી તેણે પૂછ્યું, 'એકલી ?' ત્યારે ગનીમામાનું અંતર ખટક્યું જ પણ બહારથી સ્વસ્થ દેખાવ કરીને તે બોલ્યા, 'આજે તું ઘરમાં બધાંથી દૂર દૂર ભાગે છે-કોઇ સાથે વાતચીત પણ કરતી નથી.

મામી તો કહે છે કે 'હલીમાનું મોઢું પણ ખોલ્યા વગરનું રહે છે તે ગંધાઇ જતું હશે.' પછી તે ખૂબ ગંભીર થઇ હલીમાને ખભે હાથ મૂકીને બોલ્યા, 'ખરેખર તો દુનિયામાં સૌ કોઇ એકલું જ છે ને ? તું બરાબર વિચાર કર તો સમજાશે કે કોઇ કોઇનું નથી. દરેક જણ એકલું જ છે.' આ સનાતન સત્ય હલીમાને નાના નબીબક્ષના મૃત્યુ પછી છેક બચપણમાં જ સમજાઇ ગએલું હતું.

પણ આવડા મોટા બંગલામાં, ઓતાડી જગામાં, એકલું રહેવાનું, તે વાતથી હલીમાના દિલમાં ભયની કંપારી ફરી વળી. એનો વિકૃત ચહેરો વધુ કદરૃપો બની રહ્યો, પણ ગનીભાઇએ તે જોયું ન જોયું કરીને કહ્યું, 'બાબાએ વાસણ, ગાદલાં, ગોદડાં બધું વસાવી રાખેલું છે. હું હાટડીવાળા હરગોવનને કહું છું તે તને સીધું સામાન પહોંચાડશે. જે જોઇએ તે એની દુકાનેથી લેવું. ખરચનો વિચાર કરવાની જરૃર નથી.

કોઇ વાતે દુ:ખી ન થઇશ. હલીમાએ હિમ્મત એકઠી કરીને કહ્યું, 'અહીં સાવ એકલાં રહેતાં બહુ ડર લાગશે, મામા ! ગનીએ તે જ દલીલ મેમુના સમક્ષ કરેલી ત્યારે મેમુનાએ હસી પડીને કહેલું કે, 'અરે, એ ચુડેલથી તો ચોર, ડાકુ, ખૂની બધા જ ડરીને ભાગશે- એને વળી કોની બીક લાગવાની છે ?' પણ આ દલીલ તેણે હલીમા આગળ ન કરી. તેણે કહ્યું, 'અહીં આપણો જાફરો કૂતરો રહે છે ને ? તે તારી ચોકી કરશે. હું તને આપણી 'નૂરી' પણ આપીશ. પંદરેક દહાડામાં તે વિયાશે તારે દૂધ-દહીંની પણ સગવડ થશે અને જાનવરની વસ્તી પણ ખરી.'

'નૂરી' બકરીનું નામ હતું. હલીમા જગતનાં દુ:ખ ખમીને રીઢી થઇ ગઇ હતી. તેથી ઝટઝટ બીજી સ્ત્રીઓ માફક તે રડતી નહિ, પણ તે દિવસે મામાના ગયા પછી તે ખૂબ રડી. 'મારું કોઇ નથી' એમ કહીને ડૂસકાં ખાતી ખાતી ઘણીવાર સુધી રડી. એનાં આંસુ લૂછનાર, છાની રાખનાર કોઇ નહોતું, તે એ સમજતી હતી. એણે કૂવામાંથી પાણી ખેંચ્યું. તે જ પાણીથી હાથમોઢું ધોઇ લીધાં, અને એ રીતે હલીમા બંગલામાં રહેવા લાગી.

પહેલાં તો તેને ખૂબ ઓછું આવેલું પણ પછીથી તેને તે એકાન્ત સ્થળે ગમી ગયું. બકરી વિયાઈ; તેનાં બે બચ્ચાં થયાં. હલીમાએ તેનાં હોંસથી નામ પાડયાં : અલેફ અને બે. હલીમા પોતાના નાના નબીબક્ષની ઘણી ચોપડીઓ લાવી હતી.

તેણે વાંચવા માંડયું તે ગુજરાતી વાંચતી અને કુરાને શરીફ અરબ્બીમાં પણ વાંચી શકતી. જાફર કૂતરો તો હતો જ અને તેણે એક લાલ કૂતરી સાથે ઘર માંડયું હતું. કૂતરીનું નામ હલીમાએ ચાવળી પાડયું હતું. વળી દૂધ- ઘીથી લલચાઇ એક સફેદ બિલાડીએ પણ હલીમાને ઘેર ધામા નાખ્યાં. હલીમાએ એનું નામ શોધી કાઢ્યું. તે બહુ લટકાળી હતી. તેથી હલીમા તેને 'લલિતા' કહેતી. આ રીતે હલીમાનો સંસાર તો ભરચક બની ગયો.

જેના ઉપર કદી કોઇએ વહાલ ન વરસાવેલું, એવી હલીમાનું હૈયું પ્રેમથી ભરપૂર બની ગયું અને આ મૂગાં પ્રાણીઓ ઉપર તે વરસવા લાગ્યું. અહીં હલીમાની  મશ્કરી કરનાર, મહેણાં મારનાર કોઈ નહોતું. બકરી, કૂતરાં કે બિલાડીને મન હલીમા બહુ જ અદ્ભુત વ્યક્તિ હતી. તેની શારીરિક કુરૃપતા તરફ આ જાનવરો સાવ બેપરવા હતાં. હલીમાને જોતાં જ તેઓ આનંદમાં આવી જતાં. આવી માયા મમતા મેળવી હલીમા તો 'હાશ' કરીને રહેવા લાગી.

હલીમાના ગયા પછી મેમુનાએ પણ હા...શ કરી એવડો મોટો છુટકારાનો દમ ખેંચ્યો કે ગનીભાઈની છાતી ઉપરથી પણ જાણે મોટો ભાર ને 'હાશકાર' સાથે ઊપડી ગયો. અને છતાં તેની છાતી ઉપર બીજો કોઈ અદીઠ ભાર સવાર કરીને ચઢી બેઠો.

'ગની આ ઠીક ન કર્યું !' અને વારંવાર તેને કોઈ જાણે કહ્યા કરતું. મેમુનાએ હલીમાના બંગલાનું નામ પાડયું, 'ચુડેલનો ટિંબો' ગામડાનાં બૈરાં પણ એ જ નામ વાપરવા લાગ્યાં, પણ હલીમાને તેની પરવા ન હતી. વાણિયા હરગોવનની હાટડીએથી તે ખરીદી કરતી અને વાણિયો તો સ્થિતપ્રજ્ઞાની માફક સર્વની સાથે એકસરખા જ ભાવે વર્તતો.

પછી તો વર્ષો વહી ગયાં. અળખામણી ભાણેજને દૂર કર્યા છતાં મેમુનાને સંતતિ થઈ નહિ ત્યારે તે પોતાના પિયરથી એક દસેક વર્ષના ભત્રીજાને લઈ આવીને તેને પોતાની પાસે રાખ્યો. એક રાત્રે એકદમ તે છોકરાને ઊલટી થઈ ગઈ. અને પેટમાં જોરથી આંકડી આવી. વૈદે શેક કરાવ્યો, દવા આપી, જુલાબ આપ્યો પણ છોકરો તો પથારીમાં તરફડ તરફડ કરે.

પાંજરામાં પુરાયેલો તેનો જીવ જાણે ઊડું ઊડું કરી રહ્યો હતો. કોઈ કહે ગોળો ચઢ્યો હશે ને બીજા કહે અંબોઈ ખસી ગઈ હશે. પેટ ચોળાવ્યું ત્યાં તો દરદ સહસ્ત્રગણું વધી ગયું. દરદની ચીસો નાખતો નાખતો છોકરો ખલાસ થઈ ગયો. મેમુના જેટલી દુ:ખી થઈ, તેટલી જ ભોંઠી પણ પડી ગઈ. 'ભાઈને શું મોઢું દેખાડીશું ?' એ એને મન મોટામાં મોટી મૂંઝવણ થઈ પડી.

અકળાઈને રોતાં રોતાં તેણે ગનીને કહ્યું, આ બધાં કારસ્તાન પેલી ટિંબાવાળી ચુડેલનાં જ છે. આ સાંભળી ગનીભાઈનો પિત્તો ઊછળી ગયો. તેણે કહ્યું, 'હવે હલીમાનો કેડો છોડ. બિચારીને ઘરમાંથી કાઢી છે. બાબાને જમણે હાથે આપેલું મારું વચન તેં તોડાવ્યું છે. તારો ભત્રીજો અહીં રહેવા આવ્યો તેની તો એને ખબરે નથી. ખબરદાર ! જો હવેથી તે છોકરીનું નામ દીધું છે તો.'

તે પછી મેમુનાએ એક ડાઘિયો કૂતરો પાળ્યો. છ મહિના પછી તેને હડકવા લાગ્યો અને ગામના લોકોએ તેને ડંડા મારીને મારી નાંખ્યો. તે પછી બારે મહિને મેમુનાએ એક પોપટ પાળ્યો. પોપટને ખવડાવવા તેણે મરચીનાં બી વાવ્યાં, ધરુ કર્યું, મઝાના છોડ ઊગ્યા અને ઉપર રૃપાળાં મરચાં લટકી રહ્યાં. મેમુના તો એ પોપટને ખૂબ લાડ કરે. મજાનું પિત્તળનું પાંજરું આણ્યું હતું. બાર મહિના પછી તે પોપટ ખૂબ જાડો થવા લાગ્યો અને પછી તેણે ખોરાક છોડી દીધો.

મેમુના ઘણો કલાવે, પટાવે પણ તે ચાંચ જ પહોળી ન કરે. પડોશણ નરબદા કહે, 'મેમુનાબુ, એનો કાંઠલો ફૂટતો હશે.' પણ એક સવારે મેમુનાએ જોયું તો પોપટે ડોકી નાંખી દીધી હતી. તેનો દેહ પાંજરામાં હતો, પણ જીવને કોણ બાંધી કે પૂરી શકે ? તે દિવસે મેમુનાએ કપાળ કૂટી નાખ્યું. તે મનમાં તો સમજી કે મારા નસીબમાં કોઈને લાડ કરવાનું સુખ લખાયલું નથી.

ધીમા એકધારાં બીજાં પંદર વર્ષ વીતી ગયાં. હલીમાના વાળ પણ સફેદ થવા લાગ્યા હતા. એક દિવસ તે હાટડીવાળા હરગોવનની દુકાને લસણ લેવા ગઈ. ત્યાં તે વાણિયો કહે, 'અલી હલીમા, તારો મામો ગનીભાઈ માંદો છે.' ચિંતા બતાવી હલીમાએ પૂછ્યું, 'શું થયું છે ?' ત્યારે હરગોવન કહે, 'શું થાય ? સૌને પોતાના ખરાખોટાનો હિસાબ દેવા છેવટ માલિક પાસે તો જવું જ પડે છે ને ? જેના પર ચિઠ્ઠી આવે તેને ગયા વગર ચાલે જ નહિ.

પણ તું ભલી હોય તો એ તરફ ફરકતી જ નહિ-અરે હું તો કહું છું કે એ ઘર તરફ તું નજર સુદ્ધાં ન કરતી, નહીં તો મામો મરશે તો તારી મામી કહેશે...' હરગોવનનું અર્ધું વાક્ય હલીમાએ પૂરું કર્યું - 'પેલી ટિંબાવાળી ચુડેલે છેવટે મામાનો જીવ લીધો ત્યારે જંપી.' હરગોવન હસી પડયો. ને પછી પૂછવા લાગ્યો, 'વારુ હલીમા તું આખો દિવસ શું કરે છે ? એકલાં એકલાં જીવ ગભરાતો નથી ?

હલીમા બોલી, 'હું ક્યાં એકલી છું ? મારી નૂરી તો મરી ગઈ. તેનાં બે બચ્ચાં અલેફ અને બે અને તેમનો વળી વસ્તાર છે, જાફરનો વારસ પીરુ નામે કૂતરો છે, લાલી કૂતરી છે, બિલાડી છે - વળી હું તો શાકભાજી વાવું છું. તેને પાણી પાઉં, સૂડા, ચકલાં ઉરાડું, વાંદરાને હાંકું-આખો દહાડો કામ કરું છું, પણ કામનો તાગ આવતો નથી.'' 'ઠીક ભાઈ ઠીક ! સંતોષી તે સદા સુખી ! હરગોવને કહેવત ઉચ્ચારી.

થોડા દિવસ પછી હલીમાના ગનીમામાને ખુદાના ઘરનું તેડું આવ્યું - મરતી વખતે હલીમાને મળી તેની માફી માગવા તેનું દિલ ઝંખતું હતું, પણ તે સમજતો હતો કે જો હલીમા આવશે તો મામાના મોતનું કારણ તેને ઠરાવ્યા વગર મેમુના રહેશે નહિ. તેથી તેણે મનમાં ને મનમાં હલીમાને દુવા દીધી, તેની ઘણી માફી માંગી અને પછી તે આ ફાની દુનિયા છોડીને ચાલતો થયો.

મેમુના ઘરડી થઈ ગઈ હતી. એકલી પડી ગઈ હતી. ખૂબ દુ:ખી થતી હતી. તેવામાં તેને તાવ આવ્યો. માથું ફાટી જાય, પથારીમાંથી ઊભી થવા જાય તો આખી ધરતી ચક્કર ચક્કર ફરતી માલૂમ પડે ! તે જમાનો હતો હિંદુ-મુસલમાનનાં હુલ્લડોનો. શહેરમાં ખૂનામરકી ચાલતી, તે લોહીના છાંટા ગામડાંઓમાં પણ કવચિત્ ઊડતા-અને નહિ તો પણ કોમી ભેદભાવરૃપી ઝેરી વાયરો તો ગામડાંઓ ઉપર પણ વાતો થઈ જ ગયો હતો. પારસમણી ગામમાં માત્ર એક નબીબક્ષનું જ ઘર મુસલમાનનું હતું.

એ લોકો જુદાં છે માટે ખરાબ છે, એવું આજ લગી ન સમજનારા લોકો હવે મેમુના તરફ તિરસ્કાર બતાવવા લાગ્યા. માંદી પડેલી મેમુનાને પાણી પાનાર પણ કોઈ ન મળે. આ વાત હાટડીવાળા હરગોવન પાસેથી હલીમાએ જાણી લીધી. એક દિવસ તો તેને સમજણ ન પડી કે મામી પાસે જવું કે નહિ.

તેથી તેણે હરગોવનને કામ સોંપ્યું કે, મામીને પૂછી જોજો કે 'કામ હોય તો આવું.' આ સંદેશો મોકલ્યા પછી હલીમાને આખી રાત નીંદર ન આવી. કોઈ બોલાવે નહિ, માંદેસાજે કોઈ પાણીનું પવાલું પણ ન આપે, સૌનો સદા તિરસ્કાર ખમવો પડે, કાયમ અપમાનિત રહેવું પડે, એ કેવું ભયંકર છે તે હલીમા ન સમજે તો બીજું કોણ સમજવાનું હતું ? બીમારીના બિછાનામાં ઘરડી મામી આળોટતી હશે, પાણી વગર ટળવળતી હશે, એવા વિચારોએ તેના મનને આવરી લીધું હતું.

બીજે દિવસે વહેલી, વહાણામાં તે હાટડી ઉપર દોડી. હરગોવન કહે, 'હું સમીસાંજ પછી, દીવામાં બત્તી પડયા પછી, તારા મામાને ઘેર ગયો. હલીમા ! ગામના લોક જાણે તો મને તો ફોલી ખાય. કહેશે કે એ રહી મુસલમાન, આપણે બધા હિન્દુ છીએ, તારે એને ઘેર જવાની જરૃર શી ? એટલે હું તો છાનોમાનો, લપાતોછુપાતો ચોર માફક તારી મામી પાસે ગયો.' કહી તે જરા શ્વાસ લેવા થંભ્યો.

'પછી... પછી ?' અધીરાઈથી હલીમાનો કૂરૃપ ચહેરો તરડાઈ જતો હતો.

'તારી મામી તો ગંધાતી પથારીમાં પડેલી. ઝાડોપેશાબ પણ પથારીમાં થઈ જતો લાગે છે. એવી તો બદબો આવતી હતી !' કહી હરગોવન 'થૂ' 'થૂ' કરતો હાટડીના પગથિયા ઉપર થૂંક્યો. ઓઢણીના છેડાથી હલીમાએ આંસુ લૂછી નાખ્યાં - તે પૂછવા ગઈ 'પછી ?' પણ તેનાં આંસુએ તેનો કંઠ રૃંધી નાખ્યો હતો તેથી તે કશું ન બોલી શકી.

'તારી મામી પહેલાં તો મને દેખીને છળી ગઈ. કહે 'મને ન મારશો - હું આમે હવે થોડા દહાડાની મહેમાન છું. મેં તમારા લોકોનું શું બગાડયું છે ?' પછી મેં તો કહ્યું, 'મેમુનાબુ,' એ તો હું હરગોવન હાટડીવાળો, નાકે ડૂચો મારીને ઊભો છું. તમારી ખબર લેવા આવ્યો છું.

' એટલું સાંભળી એ તો રોઈ પડી. કહેવા લાગી, 'હરગોવનભાઈ, મારાં કર્યા કરમનો બદલો મને ખુદા આપી રહ્યાં છે. હલીમાને માથે વિતાવવામાં મેં શું બાકી રાખ્યું હતું? તો અત્યારે આવા જીવલેણ મંદવાડ વખતે કોઈ પાણી પાનાર પણ નથી. આ વિચારો રાતદિવસ મને સતાવે છે. મારા હૈયામાં તેનાથી વીંછીના ડંખ જેવી વેદના થાય છે.' આ સાંભળી હલીમા હવે છૂટે મોઢે રોવા લાગી.

પછી તો મેં તારી મામીને કહ્યું, 'તો હલીમાને બોલાવી લાવું-મેમુનાબુ? આ ગંદા ગાભામાંથી તો જમનો દૂત પણ તમને કેમ કરીને લઈ જશે?' ત્યારે મામી કહે, 'હવે કયે મોઢે એને તેડાવું?' મેં કહ્યું, 'એણે પુછાવ્યું છે. એ તો આવવા ખુશી છે.' પછી તો એણે ભીંત તરફ મોઢું ફેરવી દીધું ને ખૂબ રોવા લાગી. હું ફરી કાળાચોર જેવો એ ગંધાતા ઘરમાંથી બહાર સરકી આવ્યો.'

હલીમા તો તરત જ સીધી મામીના ઘર તરફ દોડી. દુર્ગન્ધ મારતા ખંડમાં જઈ તેણે કશું પણ બોલ્યા વગર સૌથી પહેલાં તો મામીને પાણી પાયું. પછી રસોડામાં જઈ ચૂલો સળગાવી મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું. પછી બાજુના ખંડમાં ગનીભાઈના ખાટલામાં નરમ ગાદલું પાથર્યું.

ચોખ્ખી ચાદર પાથરી નરમ સુંવાળાં ઓશીકાં મૂક્યાં. પાણી ગરમ થતાં તેણે મામીને ચોકડીમાં બેસાડી ગરમાગરમ સ્નાન કરાવ્યું અને ચોખ્ખાં કપડાં પહેરાવી નવા બિછાનામાં સુવાડી પેલાં ખરડાયેલાં કપડાં, ગંધાતું ગાદલું, ગંદુ ગોદડું, બધું તેણે પાછલા વાડાને છેડે ફેંકી ઉપર સૂકું ઘાસ મૂકી સળગાવી મૂક્યું.

પછી તે મામી પાસે ગઈ. જોયું તો મેમુના ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. તેથી હલીમા ઘરમાં ફરવા નીકળી. બાળપણના પરિચિત ખંડોમાં તે કેટલે વર્ષે આજે ફરીથી હસતી હતી. નાના નબીબક્ષનું સ્મૃતિચિત્ર તેના માનસપટ ઉપર હવે બહુ ઝાંખું, છતાં અંકિત હતું.

મામીના કોઠારમાં દોડાદોડ કરી રહેલા ઉંદરોએ તેના વિચારપ્રવાહને રોક્યો. જે દાણા સડી રહ્યા હતા, તે તેણે તડકે મૂક્યા. જ્યાં ઉધાઈ, જાળાં, બાઉઆં હતાં તે કાઢી નાખ્યાં. પછી બધું ઘર વાળીઝાડીને સ્વચ્છ કર્યા પછી ઘડે ઘડે પાણીથી પથ્થરની ભોંયવાળા ત્રણ ખંડ ધોઈ નાખ્યા. અને ધૂપદાનમાં લોબાન મૂકી તે આખા ઘરમાં ફરતી ફરતી મેમુનાના ખંડમાં આવી.

લોબાન લઈને ફરતી, હલીમા આજે મેમુનાને બહેસ્તના એક ફિરસ્તા જેવી ભાસી. ધૂપદાની એક ખૂણામાં મૂકી હલીમા મામી પાસે આવી ને બોલી, 'પગ દુખે છે? દાબુ?' મેમુનાએ આંસુ લૂંછી નાંખતાં જવાબ દીધો, 'મને તો બહુ દિવસથી મલીદો ખાવાનું મન થયું છે.

એક ચમચા જેટલો મલીદો ન બનાવે બેટા, હલીમા?'
હલીમાની સારવારથી મેમુના જરા સાજી થઈ. કાળી, કદરૃપી, કાણી અને ખૂંધી હલીમા વગર હવે તેને મુદ્દલ ચાલતું નહોતું. તેના તરફ પ્રેમ વરસાવી તે જાણે ભૂતકાળમાં આ બેડોલ સીકલની પણ સુંદર હૃદયવાળી ભાણેજને બદલો વાળી આપવા માંગતી હતી! એ રીતે મામી-ભાણેજ સુખમાં રહેતાં હતાં. એમ કરતાં ચોમાસાના દિવસ આવ્યા.

એક દિવસ આથમણી દિશામાંથી પવન ફૂંકાયો. ઘડીકવારમાં તો આકાશનું છત્તર કાળાં વાદળાંના પડદાથી ઢંકાઈગયું. અને પછી તો કડાકા ને ધડાકા ને ગડગડાટ તથા વીજળીના દર ક્ષણે થતા ઝબૂકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડયો. પડયો તે બસ કાંઈ પડયો! રાત ને દિવસ જાણે આંખો મીંચીને પડયે જ ગયો!

મંદવાડમાંથી તરતની ઊઠેલી મેમુનાને પાંસળીમાં શરદી લાગી ગઈ. હલીમા શેક કર્યા કરતી. પાંચ દિવસ અને પાંચ રાત આ હેલી ચાલી. હલીમા ત્રીજે દિવસે મામીને કહેવા મંડી, 'હરગોવિંદ હાટડીવાળાનું મકાન બહુ કાકાપુરી જેવું છે. અને ત્રિભોવન મેરઈનું પણ ડગુમગુ જેવું જ હતું. પહોર જ ટેકા મૂકી ચોમાસું ખેંચ્યું હતું.

મામી, હું કોથળો ઓઢીને જરા ખબર લઈ આવું? હાટવાળો તો આપણી સાથે સારું રાખે છે-જો એ હા પાડે તો ટિંબાવાળો બંગલો થોડા દિવસ...' હલીમાની વાત મામીને ન રુચી. તેથી તે બોલી, 'હાલીમા, તું એક વખત ખબર કાઢી આવ. પછી બીજી વાત.' બે કલાકે હલીમા પાછી ફરી. માથાથી તે પગ સુધી તરબોળ પલળી ગયેલી.

કપડાં બદલી તે મામીને કહેવા લાગી, 'હરગોવનના ઘરનો કરો તૂટી પડયો છે. ત્રિભુવન મેરાઈનું ઘર તો છેક જ જમીનદોસ્ત થઈ ગયું છે - તે પડોશીને ઘેર જઈને પહેર્યે લૂગડે બેઠો છે. જમના પંડયાનું પણ ઘર તૂટી પડયું. અને પેલી દયાકોરની તો પછીત તૂટી પડી તેમાં તે દબાઈ ગયેલી પાડોશીઓએ ખેંચી કાઢી, ત્યારે તે તદ્દન બેભાન હતી. એ બધાંના હાલ જોઈને મામી, મારું દિલ રડી ઊઠયું.

મેમુના ઉશ્કેરાઈને બોલી, 'એ દયાકોરનો ધણી મરી ગયો, ત્યારે કફનના તો પૈસા મારી પાસેથી લઈ ગઈ હતી, અને હવે? મેમુના મુસલમાની છે કહી મારા ઓટલા ઉપર એક દિવસ થૂંકી હતી. ને જમનો પંડયો મારા હાથના રોટલા તો નાનપણમાં કેટલીયેવાર ખાઈ ગયો છે : 'કાકી' વગર તો મને બોલાવે નહિ, તે જ જમનો પંડયો હાટડીવાળા હરગોવનને કહેવા ગયેલો કે મેમુનાબુ તો મસુલમાન છે, માટે એને અનાજ-કઠોળ કે તેલ-મસાલો કે ચા, ખાંડ ને ગોળ કશું જ ન વેચશો-એને કહીએ ને કે લે લેતો જા!

કરણી તેવી ભરણી-' તેને શાન્ત પાડતાં હલીમા બોલી, 'કોઈનો ન્યાય-અન્યાય કરનારાં આપણે કોણ માત્ર? જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સૌનું ભલું કરીને છૂટીએ એમ હું તો સમજું છું.' હલીમાના શબ્દો સાવ સાદા હતા પણ મેમુનાને તેની ચોટ લાગી ગઈ. તેણે બે ગાલ ઉપર તમાચા મારી 'તોબા' કરતાં મનમાં જ કહ્યું : 'ખરેખર હલીમા, તું મારો ન્યાય કરે તો મારું શું થાય?'

તેણે હલીમાને છૂટ આપી કે તને ફાવે તેમ કર. હલીમા તરત જ બધાં ઘર વગરનાંને ચુડેલને ટિંબે લઈ ગઈ.

હેલી પછી છઠ્ઠે દિવસે બપોરે બાર વાગે વરસાદ થંભ્યો. બપોરે બે વાગે શરમાતા, માફી માગતા ઓશિયાળા સૂર્યે વાદળના સરકી જતા ડુંગરા પાછળથી જરાક મોઢું દેખાડયું અને લોકોમાં જીવ આવ્યો. મેમુનાને ત્યારથી ઝીણો તાવ શરૃ થયો, પછી ખાંસી શરૃ થઈ. ક્ષયરોગ વર્તાયો. વૈદે બહુ ઉપચાર કર્યા પણ રોગ વધતો ચાલ્યો. અને તે પણ ચાલતી થઈ.

તે પછી હલીમા ઘણાં વર્ષ જીવી. મરતી વખતે મેમુનાએ ગનીભાઈની તમામ મિલકત તેને સોંપી હતી, તેમાંથી તેણે પારસમણીમાં નાના નબીબક્ષના નામની એક નાની ઈસ્પિતાલ બંધાવી, મામા ગનીભાઈના નામની નિશાળ કઢાવી અને મામી મેમુનાની યાદગીરીમાં એક પુસ્તકાલય કરાવ્યું. આખું ગામ તેની સલાહ લેવા જતું.

છેવટે જ્યારે તે મૃત્યુ પામી ત્યારે પાછળ મધુરો પમરાટ મૂકતી ગઈ. એ જ હલીમાને દફનાવવા અને અંતિમ ક્રિયા કરવા પડોશના ગામમાંથી ચાર મુસલમાનો આવ્યા હતા. પણ આંસુભીની આંખે આખું ગામ તેને છેવટની વિદાય આપવા કબ્રસ્તાને ગયું હતું.

સર્જકનો પરિચય

વિનોદિની નીલકંઠ

જન્મ - ૦૯ ફેબુ્રઆરી, ૧૯૦૭ (અમદાવાદ)

મૃત્યુ - ૨૯ સપ્ટેમ્બર, ૧૯૮૭ (અમદાવાદ)

નિબંધકાર, નવલિકાકાર, નવલકથાકાર અને બાળસાહિત્યકાર વિનોદિની નીલકંઠને સાહિત્યનો વારસો સમર્થ સાહિત્યકાર અને સાક્ષર પિતા રમણલાલ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી નીલકંઠ પાસેથી મળ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૯૩૦માં અમેરિકામાં જઈને તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. અમેરિકા જઈને એમ.એ. થનારાં તેઓ પ્રથમ ગુજરાતી યુવતી હતાં.

'ગુજરાત સમાચાર'માં વિનોદિની નીલકંઠની 'ઘરઘરની જ્યોત' કોલમ ખૂબ લોકપ્રિય થઈ હતી. 'કાર્પાસી અને બીજી વાર્તાઓ', 'દિલ દરિયાવનાં મોતી' અને 'અંગુલિનો સ્પર્શ' જેવાં તેમના વાર્તાસંગ્રહો ૧૯૫૧થી ૧૯૬૫ દરમિયાન પ્રસિદ્ધ થયા હતા અને વાંચકોનો આદર પામ્યાં હતાં.

'રસદ્વાર' 'ઘરઘરની જ્યોત', 'નિજાનંદ' અને 'કદલીવન' સહિતનાં તેમનાં સાહિત્યસર્જનો ગુજરાતી ભાષામાં નોંધપાત્ર ગણાય છે. 'શિશુરંજના', 'મેેંદીની મંજરી', 'બાળકોની દુનિયામાં ડોકિયું', 'સફરચંદ' સર્જનોથી તેમણે ગુજરાતના બાળસાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments