Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ

ડાયેટ પ્લાનનું કમઠાણ

રોટલી, ભાખરી કે બ્રેડ પાસ્તા છોડો. ભાતભાતનાં ભાત ત્યજો. ફળ નહીં. દૂધ નહીં. હવે તમે આ નહીં ખાઓ તો શરીર ચાલે શી રીતે?

આપણા ડાયેટ પ્લાન પણ પતંગ જેવાં છે. નવા વર્ષે નક્કી કરીએ કે તેલવાળું તળેલું કે ગળ્યું ખાશું નહીં. ત્યાં તો ઉતરાણ આવે અને ઊંધિયું ને જલેબી તો ખાવાં જ પડે. ડાયેટ પ્લાનનો પતંગ માંડ માંડ ઠુમકા મારી મારીને ચગાવ્યો હોય તે ભરદોરીએ કપાઈ જાય. ડાયેટિંગ કરીએ તો કરીએ શી રીતે? એમાં ય ફાસ્ટ ફૂડનાં આઉટલેટ્સ પછી દશા બગડી છે. પિત્ઝા, બર્ગર અને ફ્રાઈડ ચીકન આવી ગયા. ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ તાતાથૈય્યા કરે છે.

આવું ખાવું આજકાલ ફેશન ગણાય છે. આપણું પેટ ખરેખર તો કન્ફ્યુઝ થઈ ગયું છે. એ બિચારું ખીચડીની રાહ જોઈને બેઠું હોય અને આપણે ડબલ ચીઝ માર્ઘરિતા પિત્ઝા ઓહિયાં કરીએ તો પેટ બિચારું શું કરે? આપણે કહીએ કે પાપી પેટ માટે કરવું પડે... અરે ભાઈ, પેટ પાપી નથી, આપણે પાપી છીએ. અને એ ય પછી તો... ચરબી વધે, બ્લડપ્રેશર વધે, ડાયાબીટીસ પગપેસારો કરે. શરીર હોરિઝોન્ટલ વધે. ફાંદ ફંદો કસે. થોડું ચાલીએ તો શ્વાસ ચઢે. દાદર ચઢીએ તો થાકી જવાય.

પતંગ ચગાવતાં પેચ લાગે ત્યારે ઢીલ જ મૂકવી પડે કારણ કે દોરી ખેંચવા જઈએ તો હાંફી જવાય. પછી જીવતરનો પતંગ ઢઢ્ઢેથી ફાટવા માંડે. પછી તો સ્ટેન્ટનાં સ્ટંટ થાય. એન્જીયોપ્લાસ્ટીનાં આંધણ મેલાય, બાયપાસ કરીએ ત્યારે માંડ પાસ થવાય. ખાવામાં કાળજી તો લેવી પડે. સાહેબ... ગાંઠ પડેલા માંજાથી કેટલું ઉડાય?

ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ, યુએસ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલાં વિવિધ ડાયેટ પ્લાનનાં રેન્કિંગ અનુસાર મેડેટેરેયિન ડાયેટ અને ડેશ ડાયેટને ડાયેટ-પ્લાન-ઓફ-૨૦૧૮નાં સહિયારા વિનર જાહેર કરાયાં છે જ્યારે લોકપ્રિય કીટો ડાયેટ આખરી ક્રમે પછડાયો છે. ઈન્સ્ટાગ્રામ પર જેના સાડા દસ કરોડથી પણ વધારે અનુયાયીઓ (ફોલોઅર્સ) છે એવી અભિનેત્રી કિમ કર્દેશિયને ડીલીવરી બાદ વજન ઘટાડવા જે કિટો ડાયેટ અજમાવ્યો એ હવે ડાયેટ અજમાવવા જેવો નથી, એવું આ સમાચાર કહે છે.

મતલબ કે કિમને ફોલો કરો પણ એનાં ડાયેટ પ્લાનને ફોલો કરશો નહીં. શું છે આ કિટો પ્લાન? કિટો ડાયેટ કાર્બોહાઈડ્રેટને કટ કરવાનું કહે છે. રોટલી, ભાખરી કે બ્રેડ પાસ્તા છોડો. ભાતભાતનાં ભાત ત્યજો. ફળ નહીં. દૂધ નહીં. હવે તમે આ નહીં ખાઓ તો શરીર ચાલે શી રીતે? ચિંતા નથી.

કારણ કે પછી શરીરમાં જમા થયેલી ચરબી તૂટે, એમાંથી ફેટી એસિડ બને અને લીવર એને કિટોન્સમાં કન્વર્ટ કરે, જે શરીરને શક્તિ આપે. અહીં તેલ, ઘી, બટર, ચીઝ, લીલાં શાકભાજી અને બદામ પિસ્તા આરોગી શકાય. પાણી ખૂબ પીવું પડે. તાજા સમાચાર અનુસાર કિટો ડાયેટ એટલે યોગ્ય નથી કે એ લાંબો સમય ચાલુ રાખવો કઠિન છે. અનાજ વિના તો કેમ ચાલે? એનાથી કોઈ હેલ્ધી ફૂટ હેબિટ બનતી નથી. ક્વિક-ફિક્સ તરીકે કિટો ડાયેટ ઠીક છે પણ કિટો ડાયેટ ટકાઉ નથી.

એની સરખામણીમાં ડેશ ડાયેટ (ડાયેટરી એપ્રોચ ટૂ સ્ટોપ હાઈપરટેન્સન)માં ફેટ ક્લોરેસ્ટ્રોલ સાવ ઓછું અને ફળ, શાકભાજી અને અનાજ થોડા પ્રમાણમાં પણ દિવસમાં ઘણી વાર ખાવાની જોગવાઈ છે. ગળ્યું સઘળું બળ્યું જાણવું. એના જેવો જ મેડેટેરિયન ડાયેટ પણ ભરપૂર ફળ શાકભાજીની તરફેણ કરે છે. બંને ડાયેટ કામચલાઉ નહીં પણ એને કાયમી લાઈફસ્ટાઈલ કરવાનું સૂચવે છે.

કહે છે કે 'તમે ખાનગીમાં શું ખાઓ છો?' એનો અનુવાદ 'તમે જાહેરમાં શું પહેરો છો?' -માં થાય છે. ખાયે જાવ, ખાયે જાવ તો શરીર તો વધ્યે જાય, વધ્યે જાય. સ્લિમ ફિટ વસ્ત્રો પછી કામવાળાને દઈ દેવાં પડે. ગંજી જાંગિયા ય એક્સએક્સએલ સાઈઝનાં ખરીદવા પડે. સાલી, જિંદગી છે? પણ એનો ય ઈલાજ છે. અમેરિકાનાં સઘળાં ડાયેટ પ્લાન ભૂલી જાવ.

મારો ડાયેટ પ્લાન ઈં ૧ છે. અને સાવ સરળ છે. ઘેર જ ખાવું. શું ખાવું? દેશી ખાણું ખાવું. લીલું શાક, લીલો મસાલો અને જાડું ધાન. સ્થાનિક ફળ તો ખરાં જ. થોડું થોડું લાવવું. તાજેતાજું સુધારવું. જરીક તેલ, નમક નહિંવત્, ખાંડ જરાય નહીં. ધીમે પકાવવું. જાતે રાંધવું. અને... હા, ઓછું ખાવું.
 

Post Comments