Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

યોગસાધનામાં પ્રકટ થતી મંત્રોની અમોઘ શક્તિ

'મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર' જે વિચારોથી આપણા કાર્યો સિદ્ધ થાય તે 'મંત્ર' છે. મનથી વર્ણોચ્ચારોનું ઘર્ષણ થવાથી એક દિવ્ય જ્યોતિ પ્રકટ થાય છે

માનવ જીવનની સર્વોત્તમ સિધ્ધિ 'આત્મ-સાક્ષાત્કાર' કે 'ભગવત્પ્રાપ્તિ' છે. આત્મ-સાક્ષાત્કાર કરવા સાધના કરવી અને ભગવત્પ્રાપ્તિ માટે ઉપાસના કરવી જરૃરી છે. સાધના પ્રથમ ચરણ છે અને ઉપાસના અંતિમ ચરણ છે. ઉપાસના શબ્દ 'ઉપ', 'આસ્' અને 'અન' પરથી બન્યો છે. શાસ્ત્રવિધિ અનુસાર ઉપાસ્ય દેવ પ્રત્યે તેલની ધારાની જેમ અખંડ, અસ્ખલિત અને દીર્ઘકાળપર્યંત ચિત્તની એકાત્મતાને 'ઉપાસના' કહેવાય.

મનુસ્મૃતિ કહે છે - 'ધ્યાનયોગેન સંપશ્યેદ્ ગતિમસ્યાન્તરાત્મન: । સમ્યગ્દર્શનસંપન્ન: कमॅभिनॅ નિબધ્યતે ।।... ધ્યાનયોગેન બ્રહ્માભ્યેતિ સનાતનમ્ ।। (અધ્યાય-૬, શ્લોક-૭૩, ૭૪, ૭૯) ધ્યાનયોગથી અંતરાત્માની અનુભૂતિ થાય છે, પરમાત્મ દર્શન થાય છે અને ઉપાસક કોઈપણ કર્મથી બંધાતો નથી. ધ્યાનયોગથી સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.'

સાધના અને ઉપાસનામાં 'મંત્ર'નો વિશેષ ઉપયોગ કરાય છે. પહેલાં તો મંત્ર એટલે શું એ સમજીએ. મંત્ર શબ્દનો અર્થ મહર્ષિઓ કહે છે - 'મનનાત્ ત્રાયતે યસ્માત્ તસ્માત્ મન્ત્ર: પ્રકીર્તિત: । મંત્ર શબ્દમાં આવતો 'મ' મનન અને 'ત્ર' રક્ષણનો અર્થ સૂચવે છે. 'મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર' જે વિચારોથી આપણા કાર્યો સિદ્ધ થાય તે 'મંત્ર' છે. મનથી વર્ણોચ્ચારોનું ઘર્ષણ થવાથી એક દિવ્ય જ્યોતિ પ્રકટ થાય છે. એ વર્ણોના સમૂહનું નામ મંત્ર છે.

આ વિષયનો જ્ઞાાતા અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે. એટલે શાસ્ત્રકારોએ મંત્ર શબ્દનો અર્થ 'વિચાર' એવો કર્યો છે. રાજનીતિ શાસ્ત્રમાં એટલે જ લખવામાં આવ્યું છે કે જે વિચારોને ગુપ્ત રાખીને 'રાજતંત્ર' ચલાવવામાં આવે છે તે મંત્ર છે. એટલે જ રાજ્યતંત્રના સંચાલકને 'મંત્રી' અને મુખ્ય સંચાલકને 'મહામંત્રી' કહેવામાં આવે છે.'

મંત્રશાસ્ત્ર એ યોગનો ઉચ્ચ કોટિનો વિષય છે. મંત્ર સાથે યંત્ર અને તંત્ર જોડાયેલા છે. મંત્રનું કામ કરવા માટે જે સાધન વપરાય એને યંત્ર કહેવાય. એના થકી ક્રિયાનું વહન થાય એટલે એને વાહન કહેવાય. વાહનને આપણે યંત્ર કહીએ છીએ. આને લગતી જરૃરી યોગ્ય વ્યવસ્થા ગોઠવાય એને તંત્ર કહેવાય. કોઈ જગ્યાએ કામકાજની વ્યવસ્થા કે ગોઠવણ બરાબર ના હોય તો આપણે કહીએ જ છીએ - 'આનું 'તંત્ર' બરાબર ચાલતું નથી.'

મંત્રશાસ્ત્રનું કેન્દ્ર 'વિચાર' છે. વિચારની ઉત્પત્તિ મનથી થાય છે. એટલે મંત્રમાં મનની એકાગ્રતા મહત્વની છે. સાધના અને ઉપાસનામાં પણ મનની ભૂમિકા મુખ્ય છે. અધ્યાત્મ ગ્રંથોમાં કહેવાયું છે - 'મન એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયો: । બંધાય વિષયાસંગી । મોક્ષે નિર્વિષયં સ્મૃતમ્ ।। મનુષ્યોના બંધન-મુક્તિ વગેરેનું કારણ એમનું મન જ છે. જો એ વિષયોના સંગમાં રહે તો બંધનકારી બને છે અને નિર્વિષય રહે તો મુક્તિ આપનારું બને છે.'

સાધના અને ઉપાસના એક મનોવૈજ્ઞાાનિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સાધક કે ઉપાસક એની ચિત્તવૃત્તિને અંતરાભિમુખ કહીને ઉપાસ્યનો એકાગ્રતાપૂર્વક સતત વિચાર (ધ્યાન) કરે છે. એની સાથે એ વિચાર કે કલ્પનાથી તાદાત્મીકરણ કરે છે. આંતરિકીકરણ કે આત્મીકરણની પ્રક્રિયામાં ધ્યાતા અને ધ્યેય, ઉપાસક અને ઉપાસ્ય વચ્ચે એકીકરણ સધાય છે.

બન્ને એકરૃપ થઈ જવાથી આત્મ-અનાત્મ, ઈશ્વર-જીવ વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે. આ સ્થિતિમાં અનેક ચમત્કારો પણ ઘટિત થાય છે. રામકૃષ્ણ પરમહંસ ભાવાવેશની સ્થિતિમાં આવી એકાત્મતા અનુભવતા હતા. જેની સાથે એકાત્મતા સધાઈ હતી એવા એક નાવિકના શરીર પર પડતા ચાબૂકના સોળ એમના શરીર પર ઉપસી આવ્યા હતા અને તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું !

ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય દિવ્ય પ્રેમમાં મગ્ન થઈ ગયેલા મીરાબાઈ એટલા કૃષ્ણમય બની ગયા હતાં કે અંતે શ્રીકૃષ્ણની મૂર્તિમાં જ સદેહે સમાઈ ગયા હતાં ! સેન્ટ કેથેરાઈન જિસસ ક્રાઈસ્ટની પ્રાર્થનામાં એવી તાદાત્મ્યતા અનુભવતા હતાં કે ક્રાઈસ્ટને વધસ્તંભ પર જડી દેવાયા તે વખતે શરીર પર જ્યાં ખીલા ઠોકવામાં આવ્યા હતા, તેમના શરીર પર ત્યાં જ ઘાના નિશાન ઉપસી આવતા અને એમાંથી લોહી નીકળવા લાગતું હતું !

ઈટાલીના મહાન સંત ફાધર પાદરે પિયો (Padre pio) ના શરીર પર આ રીતે ઉપસતા ઘા (સ્ટિગમેટા)માંથી રક્ત નીકળતું અને એ દરમિયાન અનેક ચમત્કારિક ઘટનાઓ બનતી.
'લિવિંગ વીથ ધ હિમાલયન માસ્ટર્સ'ના લેખક અને ભારતના અગ્રગણ્ય મહાન યોગી સ્વામી રામ કહે છે - 'મંત્ર એ મહાન જ્ઞાાની પુરુષો વડે ઊંડા ધ્યાનની અવસ્થામાં શોધાયેલા શબ્દોનો સમૂહ છે. ક્યારેક તે એક પદ, શબ્દ કે ધ્વનિ માત્ર પણ હોઈ શકે.

મંત્ર ઉચ્ચ ચેતન અવસ્થામાંથી પ્રક્ટ થાય છે તે સાધકને સંપૂર્ણ મૌનમાં ન પહોંચે ત્યાં સુધી ઉપર ને ઉપર લઈ જાય છે. સભાનતા જેટલી વધે મંત્ર તેટલો વધારે શક્તિશાળી બને છે તે વ્યક્તિને ચેતનાના ઉચ્ચતર અને ઉચ્ચતમ આયામો તરફ દોરી જાય છે. મંત્ર ખૂબ શક્તિશાળી સાધન છે. તે પ્રાર્થનાનું સંક્ષિપ્ત રૃપ છે.'

મંત્રનો અર્થ સાથે, સભાનતા સાથે સતત અભ્યાસ કરવો પડે. એને આત્મસાત કરવો પડે તો તે સિદ્ધિ આપનારો બને છે. પોતે સાધક હતા તે વખતે પોતાને થયેલા અનુભવ વિશે સ્વામી રામ કહે છે - એક વખતે હું કેટલાક સાધુઓને જીવન-મરણ વિશે શિક્ષણ આપતો હતો ત્યારે એક સ્વામી ત્યાં આવીને બેઠા.

તે મારી વાત સાંભળતા નથી એવું મેં જોયું. તે અવારનવાર હસતા. મારાથી આ સહન ન થયું એટલે મેં પૂછ્યું - 'તમે મને સાંભળો છો ખરા ?' તેમણે મને જવાબ આપતાં કહ્યું - તમે માત્ર શબ્દોથી વાત કરો છો. એનો અમલ કરવા સુધી હજુ પહોંચ્યા નથી.

મેં પૂછ્યું - તો શું તમે મંત્રથી કે અન્ય યોગપ્રક્રિયાથી મરણ પર નિયંત્રણ મેળવી શક્યા છો ? તેમણે કહ્યું - 'હા, હું એમ કરી શક્યો છું. તમારે તે જોવું છે ? તો તમે મને એક મોટી કીડી લાવીને આપો.' એક મોટી કીડી લાવવામાં આવી. તેમણે તેના ત્રણ ટુકડા કરી નાંખ્યા અને તે ત્રણેય ભાગ અલગ અલગ દૂર મૂકી દીધા. પછી આંખો બંધ કરી ધ્યાનની સ્થિતિમાં બેસી ગયા. એમાં હોઠોથી કોઈ ધીમો મંત્રોચ્ચાર થવા લાગ્યો.

થોડી ક્ષણો બાદ તે ત્રણેય ટુકડા એકબીજા તરફ ખસ્યા અને જોડાઈ ગયા. કીડી જીવતી થઈ ગઈ અને તે ઝડપી ચાલતી ચાલતી ઓરડાની બહાર નીકળી ગઈ. એ સ્વામીની યોગશક્તિ આગળ હું મારા કોરા શાસ્ત્ર જ્ઞાાનને વામણું અનુભવવા લાગ્યો. 'એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા'ના લેખક અને બ્રિટિશ પત્રકાર પોલ બ્રન્ટન (મૂળ નામ રાફેલ હર્સ્ટ) ભારત આવ્યા ત્યારે તે મહાન યોગી વિશુદ્ધાનંદજી (૧૮૫૬-૧૯૩૭)ને મળ્યા હતા.

તેમણે પદાર્થ પરિવર્તન ઉપરાંત બીજા યોગસિદ્ધિના ચમત્કારો જોયા હતા. આમાનો એક ચમત્કાર હતો સૂર્યવિજ્ઞાાન અને મંત્રશક્તિથી એક મરેલી ચકલીને જીવતી કરવાનો. પોલ બ્રન્ટન સ્વામી વિશુદ્ધાનંદજીને ઘેર ગયા અને મરેલી ચકલીને જીવતી કરવાનો પ્રયોગ બતાવવા કહ્યું. પોલ બ્રન્ટનની હાજરીમાં એક ચકલીને પકડીને ડોક મરડીને મારી નાંખવામાં આવી.

એનું મૃત શરીર પોલ બ્રન્ટનના પગ પાસે જ રાખી મૂકવામાં આવ્યું. જેથી એમને ખાતરી થાય કે ખરેખર ચકલી મરી જ ગઈ છે. એમણે એને હાથમાં લઈને બરાબર ચકાસી પણ જોઈ કે તે જીવતી તો નથી ને. એ પછી વિશુદ્ધાનંદજીએ સૂર્યવિજ્ઞાાનનો પ્રયોગ શરૃ કર્યો. એ મૃત ચકલીની આંખ પર એમના બિલોરી કાચમાંથી સૂર્યના કિરણો પસાર કરી કેન્દ્રિત કરવા માંડયા.

એ સાથે અજ્ઞાાત કહેવાય એવા મંત્રો બોલવા લાગ્યા. થોડી વારમાં મરેલી ચકલીના શરીરમાં સળવળાટ થયો અને એ જીવતી થઈ ગઈ. બે-ચાર પળોમાં તો તે ત્યાંથી ઊડીને ઝાડની ડાળી પર જઈને બેસી ગઈ હતી. આમ, સિદ્ધપુરુષો મંત્રબળ અને યોગપ્રક્રિયાથી અસંભવ લાગે એવા કાર્યો પણ કરી શકે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments