Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે બેટીબચાવો-બેટી પઢાવોના કાર્યક્રમોની વણજાર પણ કાર્યો ક્યારે? બેટીની ઘટતી સંખ્યા

- ગુજરાતમાં જાતિદર ઘટીને ૮૪૬, રાજકોટમાં ૨૦૧૭માં જાતિદર ૮૭૬

- દિકરા કરતા દિકરી ભણવામાં અગ્રેસર પણ કન્યા કેળવણી ફ્રી નથી કરાતી, ઉચ્ચ શિક્ષણ ફી ઉંચી,અનિયંત્રીત અને ફી માફી, સહાયની સ્કીમો નિયંત્રીત

રાજકોટ, તા.7 માર્ચ 2018,  બુધવાર

આવતીકાલે વિશ્વ મહિલા દિનની વધુ એક વાર ઉજવણી થશે, આ એક દિવસ જન્મ લેતી બાળકી માટે સરકાર, મનપા દ્વારા કીટ અપાશે પણ ગુજરાતમાં બે દાયકાથી બેટી બચાવો, બેટીપઢાવો એવા વિવિધ નામકરણોથી કાર્યક્રમો તો ખૂબ થયા છે, થતા રહ્યા છે પણ  ખરેખર બેટી બચે, લોકો બેટીની ઈચ્છા રાખે, વાલીઓ બેટીને આસાનીથી ભણાવી શકે, બેટી શહેરમાં ગઈ હોય તો તેની સલામતિની ચિંતા ન હોય એ માટે નક્કર પગલા અનેકવિધ લઈ શકાય તેમ હોવા છતાં હજુ લેવાયા નથી.

ગુજરાતમાં ઈ.સ.૨૦૦૧માં પાંચ કરોડ ગુજરાતીમાં ૨.૬૩ કરોડ પુરુષ, ૨.૪૨ કરોેડ સ્ત્રી અર્થાત્ બન્ને વચ્ચે ૨૧ લાખનું અંતર હતું જે ૨૦૧૧માંે ૬ કરોડ ગુજરાતીમાં ૩.૧૪ કરોડ પુરુષો અને ૨.૮૯ કરોડ સ્ત્રીઓ અર્થાત્ સ્ત્રી પુરુષની સંખ્યા વચ્ચે ૨૫ લાખથી વધુનું અંતર  થઈ ગયું. ભગવાન કે કુદરત આવી અસમતુલા કરતા નથી. ગત ત્રણ વર્ષમાં ગુજરાતનો જાતિદર (એટલે કે દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ૯૧૧થી ઘટીને ૮૪૮ થઈ ગઈ જે ચિંતાનો વિષય છે. રાજકોટ મનપામાંથી પ્રાપ્ત માહિતી મૂજબ શહેરમાં આ પ્રમાણ ૨૦૧૧માં ૯૦૮ હતું તે ઘટીને ગત ૧૪ માસના આંકડાઓ તપાસતા માત્ર ૮૭૬ થઈ ગયું છે.

જે સેક્સરેશિયો જણાવાય છે તે આબાલવૃધ્ધનો છે અને તેમાંય બાળકો-બાળકી વચ્ચેનું પ્રમાણ તો એથી ઘણું વધુ ચિંતાજનક છે, અર્થાત્ અગાઉ કરતા હાલ સ્ત્રીઓની સંખ્યા વધુ ઘટી રહી છે.

કારણ એ છે કે બેટી બચાવોની વાતો કરીને પી.એન.ડી.ટી.એક્ટ સહિતના કાયદા આવ્યા પણ રાજકોટ સહિત રાજ્યમાં લાંબા સમયથી આ મુદ્દે કડક તપાસ કરીને પગલા લેવાયા નથી. કઈ હોસ્પિટલોમાં બાળકી જ વધુ જન્મે છે વગેરે સવાલો તંત્રને થતા નથી.  

પુરૃષો કરતા સ્ત્રીઓમાં સાક્ષરતા શિક્ષણની ઈચ્છા વધી છે. ઈ.સ.૧૯૮૫થી  કન્યાઓને મફત  શિક્ષણ આપશું તેવી  વાતો, પરિપત્રો થતા રહે છે. પણ વાસ્તવમાં આજે પણ કન્યાને ઈજનેરી, મેડીકલ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકની  અર્ધી આવક ખર્ચાય જાય એટલી ફી હોય છે. સરકારના મંત્રીઓ કન્યાઓને ફી માફી, સહાય, શિષ્યવૃતિ, આ ખર્ચો ઉપાડશું અને તે પણ  ઉપાડશું તેમ તો વારંવાર જાહેર કરે છે પણ ખરેખર આ લાભ રાજ્યમાં કેટલી કન્યાઓ ઉંચી ફી ચૂકવીને ભણે છે અને કેટલાને મળ્યો તે વિગત ભાષણોમાં આવતી નથી.

તો રાજકોટ જેવા મહાનગરમાં અને તેમાંય પોલીસના કંટ્રોલરૃમ,હેડક્વાર્ટર, ઓફિસરોના બંગલા આવ્યા હોય ત્યાં પણ યુવતીની તે યુવતી હોવાના કારણે સરાજાહેર છેડતી થાય છે અને પોલીસને ભીંસ ન આવે તો પગલા લેવાનુંય સુઝતું નથી.  સ્કૂલ-કોલેજો પાસે લુખ્ખા તત્વોના આંટાફેરાં પોલીસને દેખાતા નથી.

નોકરીમાં સ્ત્રી અનામતની વાતો ખૂબ થઈ છે પણ કેટલી સ્ત્રીઓને નોકરી મળી તે જાહેર થતું નથી.

રાજકોટ મનપાને જેના પરિવારમાં સંતાનમાં માત્ર એક કે બે દિકરી હોય તેને હાઉસટેક્સમાં વિશેષ રાહત, ૧૦ કરોડ બારોબાર કાર્યક્રમો માટે આંધણ કરવાને બદલે ૫ કરોડ કન્યા શિક્ષણ માટે ફાળવવા જેવા સૂચનો ગળે ઉતરતા નથી. મ્યુનિ.સ્કૂલની હોંશિયાર વિદ્યાર્થીઓને ભણવા વિજ્ઞાાન પ્રવાહ પણ નથી. એકંદરે બેટીને બચાવવા, ભણાવવા કાર્યક્રમો  ખૂબ યોજાયા, કાલેય યોજાશે પણ હવે  નક્કર કાર્યોનો ઈંતજાર છે.


જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા
૧૨ ગાયનેક તબીબોને ત્યાં સોનોગ્રાફી મશીનમાં તપાસ, એકને કરાયું સીલ

જૂનાગઢ, તા.7 માર્ચ 2018,  બુધવાર
જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં બાર ગાયનેક તબીબોને ત્યાં સોનોગ્રાફી મશીનમાં તપાસ કરાઈ હતી. જેમાંથી એકને સીલ કરાયું હતું. જ્યારે એક તબીબને વ્યવસ્થિત ફોર્મ ન નિભાવવા બદલ નોટિસ આપવામાં આવ્યાનું જાણવા મળે છે.

એક તબીબને વ્યવસ્થિત ફોર્મ ન નિભાવવા બદલ અપાઈ નોટિસ

દીકરા-દીકરી જન્મદરના વધતા જતા તફાવતના પ્રમાણથી ચિંતા સર્જાઈ છે. રાજ્ય આરોગ્ય તંત્રની સુચનાથી જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગે ગઈકાલે જિલ્લામાં ૧૨ જેટલા ગાયનેક તબીબોને ત્યાં સોનોગ્રાફી મશીનની તપાસ કરવામાં આવી હતી. આ અંગે જૂનાગઢ સીડીએચઓએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં આઠ, બિલખા તથા મેંદરડામાં એક-એક તથા કેશોદમાં બે ગાયનેક તબીબને ત્યાં રેન્ડમલી સોનોગ્રાફી મશીનની તપાસ કરવામાં આવી હતી.

જેમાંથી જૂનાગઢના કાનાણી મેટરનિટી હોમમાં સોનોગ્રાફી મશીનના ઈન્સ્ટોલ બાદ તેઓએ આરોગ્ય વિભાગમાં મશીનની નોંધણી ન કરાવી હોવાથી તેને હાલ પુરતુ સીલ કરી સસ્પેન્ડ કરાયું હોવાનું સીડીએચઓએ જણાવ્યું હતું. વધુમાં એક સ્થળે વ્યવસ્થિત ફોર્મની નિભાવણી ન થતા તેને નોટિસ આપવામાં આવી હતી. આમ આરોગ્ય તંત્રની આ તપાસથી ગર્ભ પરીક્ષણ કરનાર તથા કરાવનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવાયું છટકું
કાલાવડમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતો ડોકટર રંગેહાથ ઝડપાયો

જામનગર, તા.7 માર્ચ 2018,  બુધવાર
જામનગર જિલ્લાનાં કાલાવડમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તબીબ દ્વારા બિન અધિકૃત રીતે સોનોગ્રાફી મશીન મારફતે ગર્ભવતી મહિલાનું ગર્ભ પરિક્ષણ કરાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમે ડમી મહિલા ગ્રાહક રીતે મોકલી ગર્ભનું પરિક્ષણ કરાવનારા તબીબને ઝડપી લીધો છે અને સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે.

ખાનગી હોસ્પિટલમાં ડમી મહિલા ગ્રાહકને મોકલતા સરકારનાં નિયમ વિરૃદ્ધ કરી આપ્યું ગર્ભ પરીક્ષણઃ સોનોગ્રાફી મશીન સીલ

જામનગર જિલ્લાના કાલાવડના પલ્સ વુમન હોસ્પિટલમાં તેના તબીબ ડો. પૃથ્વીરાજ કુબાવત દ્વારા બિન અધિકૃત રીતે સોનોગ્રાફી મશીન મારફતે ગર્ભવતી મહિલાઓનું ભુ્રણ પરિક્ષણ કરી આપવામાં આવે છે અને સરકારનાં નિયમોનો ઉલાળીયો કરવામાં આવે છે, તેવી માહિતી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળતા આજે બપોરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બે ડમી મહિલા દર્દીઓને ગર્ભ પરિક્ષણ માટે તબીબની હોસ્પીટલમાં મોકલવામાં આવી હતી. જે દરમીયાન તબીબ દ્વારા ડમી મહિલા દર્દીઓનો ભુ્રણ પરિક્ષણ કરી અપાયું હતું.

જેથી આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી ખાનગી તબીબનો સોનોગ્રાફી મશીન સિલ કરી દીધું છે અને તેની સામે આગળની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના ઓચિંતા દરોડાથી તબીબી વર્તુળમાં દોડધામ થઈ ગઈ છે.

Post Comments