Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં ભયાવહ અગ્નિ-તાંડવઃ ત્રણ મોત, ૨૨ ઘાયલ

- મહિલા વિભાગમાં શોર્ટ-સર્કિટથી ૫૦ ટેન્ટ સળગી ઉઠતા અફડા-તફડી

- આર્મીનાં જવાનોની સમયસુચકતાથી મોટી જાનહાની અટકી, ૩૦૦ શિબિરાર્થી યુવતીઓને આગની જ્વાળાઓ વચ્ચેથી બચાવાઈઃ ગંભીર દુર્ઘટના અંગે સરકારે રીપોર્ટ

(પ્રતિનિધિઓ દ્વારા)રાજકોટ,  13 જાન્યુઆરી 2018,શનિવાર

ઉપલેટા તાલુકાનાં પ્રાંસલા ખાતે સ્વામી ધર્મબંધુજી પ્રેરીત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરની આજે શનિવારે પૂર્ણાહુતિ થાય એ પહેલા જ ગત મધરાત્રે મહિલા વિભાગમાં શોર્ટ-સર્કિટથી ભયાવહ આગ ભભૂકી ઉઠતા ૫૦ ટેન્ટ ભસ્મીભૂત થઈ ગયા હતા. ભીષણ અગ્નિ-તાંડવમાં ત્રણ શિબિરાર્થી વિદ્યાર્થિનીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને ૨૨ યુવતી ઘાયલ થઈ હતી. આ ઉપરાંત ૪૦ જેટલી યુવતીઓને ધુમાડાની અસર અને ગભરામણ થવાથી સારવાર આપવી પડી હતી. સદનશીબે અહીં આર્મીનાં જવાનો પણ શસ્ત્ર પ્રદર્શની માટે હાજર હોવાથી સમયસર રેસ્ક્યુ ઓપરેશન થતાં ૩૦૦ જેટલી યુવતીઓને આગની જ્વાળાઓ વચ્ચેથી બચાવી લેવાતા મોટી જાનહાની થતાં અટકી હતી. ગંભીર દુર્ઘટના અંગે વહિવટી તંત્ર દ્વારા સરકારને પણ રીપોર્ટ મોકલાયો છે.

ઉપલેટા પાસેનાં પ્રાંસલા ગામે છેલ્લા ૨૦ વર્ષથી વૈદિક મિશન શાળાનાં માધ્યમથી સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રકથા શિબિર યોજવામાં આવી રહી છે. જેમાં યુવાઓને પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સાથે તાલ મીલાવવાનું ભારતભરમાંથી આવતા નામાંકીત મહાનુભાવો દ્વારા દિશાસુચન આપવામાં આવે છે. આ વર્ષે પણ રાષ્ટ્રકથા શિબિરમાં ૧૬ હજાર જેટલા યુવાનો-યુવતીઓ જોડાયા હતા. આજે શિબિર પૂર્ણ થવાની હતી. ગઈકાલે સવારથી મોડી સાંજ સુધી વિવિધ ક્ષેત્રના તજજ્ઞાોનાં વક્તવ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, આર્મીનાં જવાનો દ્વારા શસ્ત્ર નિદર્શન વગેરે યોજાયા હતા. બાદમાં નિયત સમયે શિબિરાર્થીઓ સુવા માટે પોત-પોતાનાં ટેન્ટમાં ચાલ્યા ગયા હતા.

આ દરમિયાન રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં મહિલા વિભાગના એક ટેન્ટમાં અચાનક આગ લાગી હતી અને પવનને કારણે ગણતરીની ક્ષણોમાં જ કતારબંધ ૫૦ ટેન્ટ સુધી વિસ્તરી ગઈ હતી. પરિણામે ભારે અફડા-તફડીનો માહોલ છવાઈ ગયો હતો. જીવ બચાવવા માટે શિબિરાર્થી યુવતીઓમાં રોક્કડ અને ભાગદોડ થઈ ગઈ હતી.

ગોજારા અગ્નિકાંડમાં સાયલા તાલુકાનાં ધરમસડા ગામની વનિતા સવસીભાઈ જમોડ (ઉ. ૧૬), જસદણ તાલુકાનાં આંબરડી ગામની કિંજલ અરજણભાઈ શિયાળ (ઉ. ૧૪) અને મોરબીની કૃપાલી અશોકભાઈ દવે (ઉ. ૧૪)ના ગંભીર રીતે દાઝી જવાથી મોત થયા હતા. જ્યારે અન્ય ૨૨ યુવતીઓ દાઝી જતાં કે ધુમાડાની અસર થતાં સારવાર માટે ઉપલેટા, ધોરાજી, પોરબંદર, રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. આ ઉપરાંત ૪૦ જેટલી યુવતીઓને ભયાનક અગ્નિકાંડના લીધે ગભરામણ થઈ જતાં સલામત સ્થળે લઈ જઈને પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ કરાઈ હતી.

આ આગની ઘટનાની જાણ થતાં ઉપલેટા, ધોરાજી, ગોંડલ, પોરબંદર, રાજકોટથી ૨૦ જેટલા ફાયર ફાઈટર પહોંચી ગયા હતા અને બે કલાકે માંડ આગ કાબુમાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રકથા શિબિરમાં આર્મીનાં શસ્ત્રોની પ્રદર્શની માટે આવેલા બી.એસ.એફ. અને એન.ડી.આર.એફ.ના જવાનોએ ત્વરીત રેસ્ક્યુ ઓપરેશન આરંભી દીધું હતું. ૩૦૦ જેટલી યુવતીઓને આગની જ્વાળાઓ વચ્ચેથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી હતી. આ માટે તાબડતોબ એક વિશાળ દિવાલ પણ તોડવી પડી હતી. આ સાથે આગને અન્ય ટેન્ટ સુધી પહોંચતી અટકાવવા માટે પણ કવાયત હાથ શરૃ કરાઈ હતી. પરિણામે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

આ અગ્નિકાંડના પગલે મધરાત્રે જ રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ સહિતનાં અધિકારીઓ પણ પ્રાંસલા પહોંચી ગયા હતા. ગંભીર દુર્ઘટનાની રાજ્ય સરકારે પણ નોંધ લઈને તપાસ રિપોર્ટ રજૂ કરવા વહિવટી તંત્રને આદેશ કર્યો હતો. આ સાથે મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃતકોના પરિવારને રૃા. ૪-૪ લાખ તથા રાષ્ટ્રકથા શિબિરનાં આયોજકો તરફથી રૃા. ૧-૧ લાખ આપવાની જાહેરાત કરાઈ હતી.
 

પ્રાંત અધિકારી પાસે રિપોર્ટ મગાવતા કલેકટર

પ્રાંસલાની દૂર્ઘટનાની FSL તપાસ, આયોજકની પણ ચૂક

સ્પાર્ક થાય તેવા સંજોગોમાં પ્રોટેકશનનાં સાધનોનો હતો અભાવઃ બે ટેન્ટ વચ્ચે અંતર પણ રખાયુ ન્હોતુ

રાજકોટ, શનિવાર
પ્રાંસલાની દૂર્ઘટનાની એફ.એસ.એલ. દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી નમૂનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તપાસ પણ થઈ રહી છે. તેમજ કલેકટર દ્વારા સમગ્ર ઘટના અંગે ૭થી ૧૦ દિવસમાં રિપોર્ટ આપવા પ્રાંત અધિકારીને આદેશ પણ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં જે કાંઈ બાબતો સામે આવી છે, તેમાં શિબિરનાં આયોજકોની ચૂક પણ ખૂલવા પામી છે. કલેકટર ડો.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ  શિબિર સ્થળે વીજ સ્પાર્ક થાય તેવા સંજોગોમાં પ્રોટેકશનનાં સાધનોનો અભાવ હતો. જો કે, ફાયર બ્રિગેડ સહિતની ટીમો સ્થળ ઉપર હોવાનાં કારણે વધુ મૃતાંક અટકાવી શકાયો હતો.
આ ઉપરાંત શિબિર સ્થળે લગાવાયેલા ટેન્ટ વચ્ચે પણ સલામત અંતર જાળવવામાં આવ્યું ન્હોતુ. ટેન્ટ એકદમ નજીક-નજીક હતાં. અને પવનની રફતાર પણ તેજ હતી.જેના કારણે ઝડપભેર પ્રસરેલી આગે એક પછી એક ટેન્ટને ઝપટમાં લઈ લીધા હતાં.

નિવેદનના આધારે બે થિયરી  પર તપાસ

લેમ્પ ઉતારી મોબાઈલ ચાર્જર મૂકવાથી થયો વીજ સ્પાર્ક

પ્રકાશ ઘટાડવા કોઈ વિદ્યાર્થીનીએ લેમ્પ ઉપર મુકેલો રૃમાલ સળગ્યો અને ટેન્ટને સ્પર્શી ગયો
રાજકોટ, શનિવાર
પ્રાંસલાની દૂર્ઘટના અંગે લેવાયેલા વિદ્યાર્થીનીઓના નિવેદનના આધારે બે થિઅરી પર તપાસ ચલાવવામાં આવી રહી છે. જેમાં (૧) ટેન્ટમાં વિદ્યાર્થીનીએ મોબાઈલ ચાર્જ કરવા લેમ્પ ઉતારી ચાર્જર મુકતા  જોરદાર વીજસ્પાર્ક થયો હતો. જેના કારણે લેમ્પ ધડાકાભેર ફૂટયો હતો અને જોતજોતામાં આગ પ્રસરી હતી. (૨) કોઈ વિદ્યાર્થીનીએ ટેન્ટમાં પ્રકાશ ઓછો કરવા લેમ્પ ઉપર રૃમાલ ઢાંક્યો હતો. જે ગરમ થઈ જતા આપોઆપ સળગી ટેન્ટનાં સૂતરના કાપડને સ્પર્શી જવાથી આગ પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત ટેન્ટમાં ગાદલા નાખેલા હોવાથી રૃ સંપર્કમાં આવતા આગે વિકરાળ રૃપ ધારણ કર્યું હતું.

કલેકટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે શોર્ટ સર્કીટ શા કારણે થઈ તેની ઉપરોક્ત બે થિઅરીનાં આધારે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવા પાછળનું સાચુ કારણ શું છે તે બહાર આવી શકશે.

સૂરતથી આવેલી બે વિદ્યાર્થીનીએ મોબાઈલ ચાર્જ કરવા મૂક્યા હતા

મોરબી, તા.૧૩
પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં દૂર્ઘટનાને નિહાળનાર વિદ્યાર્થીની કૃપા સોલંકીએ જણાવ્યું કે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓ ટેન્ટમાં સૂવા માટે ગઈ હતી. સૂરતની બે વિદ્યાર્થીનીઓએ ટેન્ટમાં રોશની માટેના લેમ્પ કાઢી મોબાઈલ ચાર્જ કરવા માટે મૂક્યા હતા, જેના કારણે શોર્ટ-સર્કીટ થતા આગ લાગી હતી.
 

નિંદ્રાધિન કૃપાલીને બહાર કાઢવામાં આવી પણ
ટેન્ટમાં સામાન લેવા ગઈ ને આગની ઝપટમાં આવી ગઈ
આગ લાગ્યા બાદ તૂરંત કાર્યવાહી ન થયાનો પણ વિદ્યાર્થીનીઓની ફરિયાદ
મોરબી, તા.૧૩
પ્રાંસલા દૂર્ઘટનામાં મોરબીની કૃપાલી દવેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના બની ત્યારે તેણી નિંદ્રાધિન હતી. તેણીને ટેન્ટમાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ તેનો સામાન ટેન્ટની અંદર રહી ગયો હોવાથી તે સામાન લેવા ટેન્ટમાં પરત જતા આગની ઝપટમાં આવી ગઈ હતી અને તેનું કરૃણ મૃત્યુ નિપજ્યું હતું.

કૃપાલીના પિતરાઈ ભાઈ ભાર્ગવ દવેએ જણાવ્યું હતું કે, કૃપાલી ધો. ૯માં સમજુબા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. તેણી અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતી. પિતાનું નામ રોશન કરવાનું સ્વપ્ન સેવતી હતી. જ્યારે કૃપાલીની સાથે જ ભણતી ગોધવિયા ખૂશી આ ઘટનામાં દાઝી ગઈ હોવાથી સારવાર આપાવમાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, મોરબીની દોશી હાઈસ્કુલ, યોગી વિદ્યાલય, સમજુબા વિદ્યાલય અને જ્ઞાાનપથ સ્કુલના વિદ્યાર્થીઓ આ શિબિરમાં ભાગ લેવા ગયા હતાં. કેટલીક વિદ્યાર્થીનીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે આગની ઘટના બાદ કાર્યવાહી શરૃ થવામાં થોડો વિલંબ થતા આગ પ્રસરી ગઈ હતી.

પ્રાંસલામાં બનેલી દુર્ઘટનામાં
ટેન્ટનું સળગતુ કપડુ ઉડીને માથે પડતા કિશોરી દાઝી
મોરબીના માણેકવાડાની છાત્રા સહિત બેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈઃ સારવાર હેઠળ

રાજકોટ, શનિવાર
પલેટા નજીકના પ્રાંસલામાં લાગેલી ભયંકર આગમાં ત્રણ કિશોરીના મોત નિપજ્યા હતા જ્યારે અનેક યુવતીને ગંભીર રીતા દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઈજાગ્રસ્ત કિશોરીમાંથી બેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી કિશોરીમાં ખુશી મુકેશભાઈ ગાંધવીયા (૧૪ રહે. માણેકવાડા તા. મોરબી) અને દિક્ષીતા સંજયભાઈ વિરડીયા (રહે. રાજપરા, તા. કો.સાંગાણી)નો સમાવેશ થાય છે. સુત્રોએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ખુશી સમકુવા વિશ્વ વિદ્યાલયમાં ધો. ૯માં અભ્યાસ કરે છે. તે એક ભાઈ અને એક બહેનમાં મોટી છે. પિતા ખેતીકામ કરે છે. તે સ્કુલની જ અન્ય ૨૬ છાત્રા સાથે પ્રાંસલા શિબિરમાં ગઈ હતી.

ખુશીના પરિવારજનોએ જણાવ્યું કે તેને સવારે સ્કુલના શિક્ષકનો ફોન આવ્યો હતો અને તેને ઘટનાની જાણ થઈ હતી. જો કે તેની સાથે ફોન પર વાત કરી હતી. ખુશી ઘટના સમય બહાર નિકળી ગયા બાદ આગથી ટેન્ટનું કપડુ ઉડીને તેના હાથ ઉપર પડતા તે હાથે દાઝી ગઈ હતી. જેથી તેને ઉપલેટા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યારે છાત્રા દિક્ષીતાને સવારે રજા અપાઈ હતી.

 

સુરક્ષા જવાનની ચપળતાએ મોટી ખુવારી અટકાવી

લશ્કરી દારૃગોળાની છાવણી સળગી હોત તો વેરાત વિનાશ

રાષ્ટ્રકથા શિબિરનાં સ્વયંસેવકો બચાવ કાર્ય અંગે વિચારતા રહ્યા અને આર્મીનાં જવાનોએ પાર પાડી દીધું રેસ્ક્યુ ઓપરેશન
ઉપલેટા, તા.૧૩
પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરનાં ભયાવહ અગ્નિકાંડ સમયે આર્મીના જવાનો હાજર ન હોત તો બહુ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાતી નથી.
ગત મધરાત્રે ૧૧ વાગ્યે લાગેલી આગ થોડી જ મિનિટોમાં ૫૦ ટેન્ટમાં પ્રસરી ગઈ હતી અને શિબિરાર્થી યુવતીઓનાં રોક્કડ અને બચાવો-બચાવોના અવાજથી વાતાવતણ ગાજી ઉઠયું હતું. આ સમયે રાષ્ટ્રકથા શિબિરનાં સ્વયંસેવકો બચાવ કાર્ય અંગે વિચારે એ પહેલા તો આર્મીનાં જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૃ કરીને થોડી જ વારમાં પાર પાડી દઈ ૩૦૦ જેટલી યુવતીઓને બચાવી લીધી હતી.
સૌથી નોંધનીય બાબત એ છે કે, ચાલુ વર્ષે રાષ્ટ્રકથા શિબિરમાં આવેલા યુવક-યુવતીઓને આર્મીનાં શસ્ત્રો અને કામગીરી અંગે દરરોજ નિદર્શન કરીને બતાવાતું હતું. જેથી આર્મીનાં જવાનોએ તેમના શસ્ત્ર-સરંજામ સાથે અહીં જ છાવણી નાંખી હતી. આગ લાગી ત્યાં નાળીયેરીના વૃક્ષો હોવાથી સળગીને એક નાળીયેર દૂર લશ્કરી દારૃગોળા અને શસ્ત્ર-સરંજામની છાવણી ઉપર પડયું હતું. જો કે, ત્યાં તૈનાત સુરક્ષા જવાને બિલાડી જેવી ચપળતાથી એક ક્ષણમાં જ છાવણીની ઉપર ચડીને નાળીયેરને દૂર ફંગોળી આગ બુઝાવી નાખી હતી. જો આ આગ બુઝાઈ ન હોત તો દારૃગોળાના કારણે ભયંકર વિનાશ વેરાત, જેની કલ્પના પણ થઈ શકે એમ ન હોવાનું અગ્નિકાંડને નજરે જોનારાઓનું કહેવું છે.
 

Post Comments