Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ સિવિલમાં ત્યજાયેલી દિવ્યાંગ બાળાને મળ્યા અમેરિકન માતા-પિતા

- આને કહેવાય ભાગ્ય

- મારું સૌથી પહેલું કામ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લેવાનું હશે, હું પાંચ વર્ષમાં દુર્વાને દોડતી કરી દઇશઃ

રાજકોટ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ભાગ્યમાં જો સુખી થવાનું લખ્યું હોય તો કોઈ દુઃખ તમારું કશું જ બગાડી શકતું નથી. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં અડધા પગ સાથે જન્મેલી બાળાને તેની માતાએ પ્રથમ દિવસે જ ત્યજી દીધી હતી. વિધિએ તેના લલાટે એવા ઉજ્જ્વળ લેખ લખ્યા કે તેને અમેરિકન માતાપિતા મળ્યા છે. આજે તેને દતક લેવા માટે તેઓ રાજકોટ આવ્યા હતા. જન્માષ્ટમી આવી રહી છે ત્યારે જ અનાથ બાળકીને નંદ અને યશોદા મળી ગયા છે. હવે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહાલશે.

કાઠિયાવાડ બાલાશ્રમમાં અનેક અનાથ બાળકોને છત્ર મળેલું છે. જો યોગ્ય વાલી મળી જાય તો આ તારલાઓને દત્તક પણ આપવામાં આવે છે. તેમાંની જ એક બાળા એટલે દસ મહિનાની દુર્વા. બાળકો દત્તક લેવા માટેની સરકારી એજન્સી કારાની વેબસાઇટ પર દુર્વાની તસવીર અપલોડ થયેલી હતી. આ બાળા બીજા કરતા વિશિષ્ઠ હતી. એટલે કે તેનો ડાબો પગ માત્ર ગોઠણ સુધીનો જ છે. કદાચ એ કારણથી પણ તેને તેની જન્મદાત્રીએ ત્યજી દીધી હોય. તે માત્ર એક દિવસની હતી ત્યારથી બાલાશ્રમમાં ઉછરી રહી છે. સંચાલક ચંદ્રકાન્તભાઈ પટેલ જણાવે છે કે 'સામાન્ય રીતે ભારતીય યુગલો દિવ્યાંગ બાળક એડોપ્ટ કરતા નથી.'

પરંતુ અમેરિકાના યુગલે આ માટેની હિંમત દેખાડી. અમેરિકાના મિશનગ સ્ટેટમાં ઝીલેન્ડ શહેરમાં વસતા ફિલિપ જોસેફ લોન્ગરિયા અને લીઝા લોન્ગરિયાએ નાનકડી દુર્વાને ઉછેરવાનો પડકાર ઝીલ્યો. તેમણે આ બાળાને દત્તક લેવાની ઇચ્છા દર્શાવી. દોઢ મહિના સુધી ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ આજે તેઓ દુર્વાને તેડી જવા માટે રાજકોટ આવ્યા હતા. તમે શામાટે ભારતની બાળકીને દત્તક લઈ રહ્યા છો એવું પૂછવામાં આવતા ૩૯ વર્ષની લિઝાએ જણાવ્યું હતું કે 'મને ભારતની સંસ્કૃતિ ખૂબજ ગમે છે. આથી મને અહીંની દીકરી જોઈતી હતી.'

તમે આ બાળાને ચાલતી જોશો
દુર્વાને પગમાં રહેલી ખોડ વિશે પૂછવામાં આવતા ફિલિપે કહ્યું કે 'અમેરિકા પહોંચ્યા પછી મારું સૌથી પહેલું કામ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લેવાનું હશે. તેની સારવાર કરાવીશ. પાંચ-છ વર્ષ પછી અમે રાજકોટ આવીશું ત્યારે તમે આ બાળાને ચાલતી જોશો.' વિકલાંગ દીકરીને આટલો સારો પરિવાર મળ્યો એ વિશે સંસ્થા દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સ્પેશ્યલ કહેવાતી આ ગુડિયા ખરેખર 'સ્પેશ્યલ' બની રહી છે.

માત્ર બે કલાકમાં પાસપોર્ટ
સામાન્ય રીતે આપણે પાસપોર્ટ કઢાવવા જઈએ ત્યારે ૧૫ દિવસથી એક માસનો સમય લાગી જતો હોય છે. પરંતુ ઢીંગલી જેવી નાજુક દુર્વાની કહાની જાણ્યા બાદ અમદાવાદ પાસપોર્ટ કચેરીના અધિકારીએ તેને માત્ર સવા બે કલાકમાં પાસપોર્ટ ઇશ્યૂ કરી આપ્યો હતો.

દીકરો ઇથોપિયન, દીકરી ઇન્ડિયન
આ યુગલે ઇથોપિયાથી દીકરો દત્તક લીધો હતો. તેનું નામ જોસેફ છે. છ વર્ષનો થઈ ચૂકેલો જોસેફ પણ મમ્મી-ડેડી સાથે રાજકોટ આવ્યો હતો. આમ આ એક બહુસાંસ્કૃતિક, બહુવંશીય પરિવાર હશે.માતાપિતા અમેરિકન, દીકરી ઇથોપિયન, દીકરો ભારતીય.

Post Comments