Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાયબ મામલતદારનાં પતિનું વ્યાજખોરો દ્વારા અપહરણ

- રાજકોટમાં વ્યાજખોરોને નાથવા સખ્ત કાર્યવાહી જરૃરી

- ઓફિસમાં ગોંધી રાખી કોરા સ્ટેમ્પ પેપરમાં સહીઓ કરાવી, કોરા ચેક પડાવ્યા, અંતે પત્નીએ પોલીસની મદદથી છોડાવ્યા : ત્રણની ધરપકડ

રાજકોટ, તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

શહેરમાં વ્યાજખોરો સામે પોલીસે હાલમાં ઝુંબેશ શરૃ કરી છે. વ્યાજખોરો સામે કાર્યવાહી માટે પોલીસે બે લોક - દરબાર યોજયા હતાં. તેનાં પછી વ્યાજખોરો વિરુધ્ધ ૧૮ ગુના અત્યાર સુધી દાખલ થયા છે. પોલીસની આ કાર્યવાહી પછી વ્યાજખોરો અંકુશમાં આવશે તેવી જે ધારણા બંધાવા જતી હતી તે ખોટી સાબીત થઈ છે. શહેરમાં વ્યાજખોરો કોઈ રીતે સુધરે તેમ નથી તેની પ્રતિતી કરાવતી ઘટનાઓ પોલીસની કાર્યવાહી પછી પણ જોવા મળી રહી છે.

આવી વધુ એક ઘટનામાં નાયબ મામલતદારનાં પતિનું વ્યાજખોરોએ અપહરણ કરી મારકુટ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીગ્રામ -૨ પોલીસે ગુનો દાખલ કરી ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી. જો નાયબ મામલતદાર જેવો હોદો ધરાવતા મહિલાનાં પતિ સાથે પણ વ્યાજખોરો ગુંડાગીરી આચરતા હોય તો સામાન્ય માણસની વ્યાજખોરો શું હાલત કરતા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.

આ બધી ઘટનાઓ પરથી સ્પષ્ટ છે કે વ્યાજખોરો સામે અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે તેનાંથી પોલીસ સંતોષ માની બેસી રહેવાને બદલે આગામી દિવસોમાં વધુ સખ્તાઈથી કાર્યવાહી કરે તે જરૃરી છે. વ્યાજખોરો દ્વારા ભોગ બનનારાઓને મારકૂટ કરવાનાં ગાળો, ધમકી આપવાનાં અને ઉપાડી જવાનાં અનેક કિસ્સા બને છે પરંતુ તેમાંથી જૂજ કિસ્સા પોલીસ પાસે પહોંચે છે. શહેરમાં માથાભારે વ્યાજખોરોએ એટલી દહેશત ફેલાવી દીધી છે કે, ભોગ બનનારાઓ તેમનાં વિરુધ્ધ ફરિયાદ કરતા પણ ડરે છે. શહેરમાં હાલનાં દિવસોમાં વ્યાજખોરોનો સૌથી મોટા ત્રાસ છે. તે જોતા પોલીસ હવે બીજા બધા કામો પડતા મૂકી વ્યાજખોરોની શાન ઠેકાણે લાવવા કડક કાર્યવાહી કરે તે જરૃરી છે.

ગાંધીગ્રામ-૨ પોલીસમાં જે કિસ્સો નોંધાયો છે તેમાં ભોગ બનનાર મયંકભાઈ કાંતિભાઈ મોદી (ઉ.વ.૩૯, રહે શેઠનગર, બ્લોક નં. ૪૯૦, જામનગર રોડ, માધાપર ચોકડી)ના પત્ની હીનાબેન ટંકારામાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મયંકભાઈ કાલાવડ રોડ પર મોદી એસ્ટેટ નામે જમીન મકાનની ઓફિસ ધરાવે છે.

તેણે પોલીસને કહ્યું કે, ધંધાનાં કામે નાણાંની જરૃરીયાત પડતાં પોતાનાં ભાગીદાર અજય રાજાભાઈ ખીમાણીયાના મિત્ર રાજુ મેણંદભાઈ લાવડીયા કે જે યદુવીર ફાયનાન્સ નામથી પેઢી યુનિવર્સિટી રોડ પર એચપી પેટ્રોલ પંપ પાસે ધરાવે છે, તેની પાસેથી અલગ અલગ સમયે ત્રણ ટકા વ્યાજ લેખે કુલ ૭૫ લાખ વ્યાજે લીધા હતાં. દર માસે તે નિયમીત વ્યાજ ચુકવતા હતાં. અત્યાર સુધીમાં વ્યાજ સહિત ૨૧ લાખ ચુકવ્યા હતાં. ત્યારબાદ રાજુએ બાકીનાં રૃપિયા ઉપર છ ટકા વ્યાજ લેખે માગણી શરૃ કરી હતી. એટલું જ નહીં અવાર નવાર વ્યાજ સહિતની રકમ આપવા માટે પ્રેશર કરતો હતો. ફોનમાં ધમકીઓ આપતો હતો.

અવારનવાર ઓફિસે આવી ડરાવી, ગાળો ભાંડી ખૂનની ધમકીઓ આપતો હતો. તે તેને વ્યાજ નહીં ચુકવી શકતા અંતે રાજુએ તેની કાલાવડ રોડ પર સ્થિત ઓફિસ કમ ફલેટનો રજીસ્ટર્ડ સાટાખત જાનથી મારી નાખવાની ધમકી આપી કરાવી લીધો  હતો આટલેથી નહીં અટકતા તેની અને બીજાનાં નામની બે ક્રેટા કાર પણ વ્યાજનાં રૃપિયામાં ગણી પડાવી લીધી હતી.

પોલીસને મયંકભાઈને આગળ કહ્યું કે, કાર તે તેનાં ભાગીદાર આરોપી અજય ખીમાણીયા પાસે અવારનવાર પરત માગતા પણ કાર પરત આપતા ન હતાં. એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાથી તે ખૂબ જ ડરી જતા અને જાન ઉપર જોખમ જણાતાં વધુ દલીલો કરતાં નહીં. ગઈકાલે સવારે ૧૧ વાગ્યે તે પોતાની ઓફિસે આવ્યા ત્યારે આરોપી રાજુ તથા તેનો ભાગીદાર અજય ત્યાં બેઠા હતાં. બંનેએ રૃપિયાની માંગણી કરી હતી. તેણે હાલમાં રૃપિયા નથી તેમ કહ્યું હતું.

તે વખતે રાજુએ ૧.૪૫ કરોડનો હિસાબ કરી કહ્યું કે, તે બે અઢી માસથી વ્યાજ ચુકવ્યું નથી. તેથી પેનલ્ટી સહિતનાં રૃપિયા તારે આપવા પડશે તેણે પૈસા અત્યારે નથી તેમ કહેતા બંનેએ તેને ગાળો ભાંડી હતી. રાજુએ અત્યારે જ પોતાની ઓફિસે આવવાનું કહી અન્યથા તેના ંપરિવારને મારી નાખવાની ધમકી આપી તેની સેન્ટ્રો કારની ચાવી પડાવી લઈ ઓફિસે આવવા સુચના આપતાં તે ખૂબ જ ડરી જતાં તેમની પાછળ એકસેસ પર તેની યુનિવર્સિટી રોડ પર સ્થિત ઓફિસે પહોંચ્યો હતો.

જયાં રાજુએ ૧.૪૫ કરોડની પઠાણી ઉઘરાણી કરી આજે ગમે તેમ રકમ આપી દેવા સુચના આપી હતી. તેણે ના પાડતા અને પછી આપવાની વાત કરતાં તેને ત્યાં જ ઓફિસમાં ગોંધી રાખી ડરાવ્યો હતો.

થોડીવાર પછી ત્યાં ત્રીજો આરોપી નિર્મળ પ્રભાતભાઈ મેતા પણ આવી પહોંચ્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળી, તેને ડરાવી, ધમકાવી મારકૂટ કરી હતી. રાજુએ પેટનાં ભાગે છરી અડાડી આટલી જ વાર લાગે તેમ કહ્યા બાદ પાંચ કોરા સ્ટેમ્પ પેપરમાં સહીઓ કરાવી લીધી હતી. ભયભીત થઈ જતાં તેણે સહીઓ કરી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ તારે આજે જ રૃપિયા આપવા પડશે તેમ કહી તેની પત્નીનો મોબાઈલ નંબર માંગ્યો હતો જેને રાજુએ કોલ કરી પૈસાની માંગણી કરી તે લઈ આવવા કહ્યું હતું, અને તારો પતિ મારી પાસે છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ પછી તેની ઓફિસેથી કોરા ચેક મંગાવ્યા હતાં.

આ દરમ્યાન તેની પત્ની પોલીસ સાથે ત્યાં આવી પહોંચી હતી અને તેને છોડાવ્યો હતો. ગાંધીગ્રામ-૨ પોલીસે તેની ફરિયાદનાં આધારે અપહરણ, મની લેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓ રાજુ (ઉ.વ.૩૩, રહે વિમલનગર-૧, યુનિવર્સિટી રોડ), અજય, (ઉ.વ.૩૯, રહે વીરડાવાજડી ગામ) અને નિર્મળ (ઉ.વ.૨૫, રહે ન્યુ સાગર સોસાયટી) ની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી રાજુની ઓફિસમાં નિર્મળ કામ કરે છે અને બંને કૌટુંબિક સગાઓ છે ત્રીજો આરોપી અજય ફરિયાદીનો ભાગીદાર છે.

રાજકોટ નજીકનાં ગવરીદળનાં યુવાને
૨૫ લાખ સામે ૪૨ લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ, ધમકી
બે આરોપીની ધરપકડ, મહિલાની શોધખોળ

રાજકોટ, શુક્રવાર
શહેરમાં પોલીસનાં બે-બે લોક દરબાર પછી પણ વ્યાજખોરોને કોઈ ફર્ક પડયો નથી અને વ્યાજખોરીનાં કિસ્સા દરરોજ બહાર આવી રહ્યાં છે. ગવરીદળ ગામનો રસિક પટેલ વ્યાજખોરીનો ભોગ બનતાં ગઈકાલે રાત્રે તેનાં પિતાં રમેશભાઈ લાખાભાઈ અજાણી (ઉ.વ.૫૫), એ ફરિયાદ નોંધાવતાં કુવાડવા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદમાં રમેશભાઈએ જણાવ્યું કે, તેનો પુત્ર રસિક અગાઉ મોરબી રોડ પર ઈમિટેશનનાં દાગીનાનું કારખાનું ધરાવતો હતો.

તેને ધંધા માટે જરૃર પડતાં અઢી વર્ષ પહેલા કૌટુંબીક ભાઈ અરૃણ સવદાસભાઈ અજાણી (રહે. ગવરીદળ) પાસેથી ૧૧ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતાં. જેનું દર મહિને ૫૫ હજાર વ્યાજ ચુકવતો હતો. ૨૫ મહિનામાં ૧૩.૭૫ લાખ ચુકવી આપ્યા હતાં. આ ઉપરાંત હાર્દિક  પ્રવિણભાઈ ઉઘાડ (રહે. માયાણી નગર-૧, ચંદ્રેશ નગર મેઈન રોડ) પાસેથી ૧૪.૫૦ લાખ ૮ ટકા વ્યાજે લીધા હતાં. ૧.૨૪ લાખના હપ્તાથી તેને ૨૪ હપ્તામાં કુલ રૃા ૨૭.૮૪ લાખ ચુકવી આપ્યા હતાં. તેમ છતાં બંને આરોપીઓ ઉંચા વ્યાજની માંગણી કરી તેનાં પુત્ર પાસે પઠાણી ઉઘરાણી કરતાં હતાં.

આરોપી હાર્દિકે તો તેનાં પુત્રને મારી નાખવાનો ભય બતાડી તેની પાસેથી ૨ કિલો ૩૦૦ ગ્રામ ચાંદી પડાવી ગયો હતો. આરોપી અરૃણ રૃા ૧૧ લાખની કિંમતનાં ત્રણ ચેક લઈ ગયો હતો. તેની પત્ની ઈલાબેન પણ તેનાં પુત્રને મારી નાખવાની ધમકીઓ આપતી હતી. અંતે કંટાળીને તેણે ફરિયાદ નોંધાવતાં કુવાડવા પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બે આરોપીઓ અરૃણ અને હાર્દિકની ધરપકડ કરી હતી.

Post Comments