Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર કોરિયાના વલણમાં આવેલા ચોંકાવનારા ફેરફાર પાછળનું કારણ શું છે?

- ઉત્તર કોરિયાના સનકી સરમુખત્યાર કિમ જોંગ ઉને પરમાણુ હથિયારો ત્યાગવાની ઓફર રજૂ કરી

- આ વર્ષે દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની સાથે નરમાશ ધારણ કરેલા કિમ જોંગ ઉને હવે અમેરિકા સાથે વાર્તાલાપ કરવાની અને સલામતીની ખાતરી મળે તો પરમાણુ હથિયારો છોડવાની પણ તૈયારી દર્શાવી છે

ઉત્તર કોરિયાના સનકી સરમુખત્યાર કિમ જોંગ ઉનના નરમ વલણે આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં તેમને મળવા આવેલા દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળ સમક્ષ તેમણે ઓફર મૂકી કે જો સુરક્ષાની ખાતરી મળે તો તેઓ અમેરિકા સાથે વાર્તાલાપ કરવા અને પોતાનો પરમાણુ હથિયાર વિકસાવવાનો કાર્યક્રમ પણ પડતો મૂકવા તૈયાર છે. એ સાથે જ કિમે એવી આશા પણ વ્યક્ત કરી કે બંને કોરિયાઇ દેશો ફરી એક વખત સાથે મળીને કામ કરશે. બંને દેશો વચ્ચે શિખર સંમેલન યોજવાને પણ સંમતિ આપવામાં આવી છે. જો આ સંમેલન યોજાયું તો એ પણ એક મહત્ત્વપૂર્ણ સફળતા લેખાશે કારણ કે ૧૯૫૦માં બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધ બાદ આવા બે જ સંમેલન યોજાઇ શક્યા છે.

આમ તો ૨૦૧૮ની શરૃઆત ઉ.કોરિયા અને અમેરિકા વચ્ચે ગરમાગરમીથી થઇ હતી. કિમ જોંગ ઉને નવા વર્ષના ભાષણમાં હુંકાર કર્યો હતો કે પરમાણુ બોમ્બ લોન્ચ કરવા માટેનું બટન તેમના ટેબલ ઉપર જ રહે છે. કિમે અમેરિકાને ધમકી પણ આપી હતી કે આખું અમેરિકા ઉ.કોરિયાના પરમાણુ શસ્ત્રોની રેન્જમાં છે. એ સાથે જ કિમે ઉ. કોરિયાની હથિયાર નીતિમાં ભારે માત્રામાં પરમાણુ શસ્ત્રો અને બેલાસ્ટિક મિસાઇલો બનાવીને તેમને તૈનાત કરવાની વાત પણ કહી હતી. કિમની પરમાણુ બટનવાળી ધમકીથી ઉશ્કેરાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બે દિવસ પછી કહ્યું હતું કે તેમની પાસે વધારે મોટું પરમાણુ બટન છે.

નવા વર્ષની શરૃઆતે જ ઉ. કોરિયા અને અમેરિકાએ એકબીજાના ધમકીઓ આપતા દુનિયાને એવું લાગ્યું કે આ વર્ષે પણ બંને દેશો વચ્ચે માહોલ તણાવભર્યો રહેશે જે ગમે તે ઘડીએ યુદ્ધને નોતરશે. જોકે નવા વર્ષના પોતાના ભાષણમાં અમેરિકાને ધમકી આપનાર કિમે દ. કોરિયા પ્રત્યે નરમાશભર્યું વલણ અખત્યાર કર્યું હતું. કિમે દ. કોરિયામાં યોજાઇ રહેલા વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની ઇચ્છા પ્રગટ કરી હતી. કિમના નરમ પડેલા તેવર જોઇને દ. કોરિયાએ પણ તક ઝડપીને ઉ. કોરિયાને વાર્તાલાપ માટે આમંત્રણ આપ્યું હતુ. લોકોના આશ્ચર્ય વચ્ચે કિમ જોંગ ઉને આ આમંત્રણનો સ્વીકાર કરીને પોતાનું પ્રતિનિધિ મંડળ દક્ષિણ કોરિયા મોકલ્યું હતું. દુનિયા માટે તો આનંદાશ્ચર્યના સમાચાર હતાં કે ઉત્તર કોરિયાનો માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ ઉન હવે દક્ષિણ કોરિયા સાથે વાતચીત માટે તૈયાર થયો. આમ વિન્ટર ઓલિમ્પિકના બહાને પણ બંને દેશો વચ્ચે જામેલો બરફ પીગળવાની શરૃઆત તો થઇ ગઇ હતી.

કિમ જોંગ ઉને વિન્ટર ઓલિમ્પિકમાં પ્રતિનિધિ મંડળ મોકલતા અને નરમ વલણ અખત્યાર કરતા દ. કોરિયાએ અમેરિકા સાથે યોજાતા સંયુક્ત લશ્કરી અભ્યાસ પણ અટકાવી દીધાં હતાં.  ખરેખર તો અમેરિકા અને દ. કોરિયાના આવી સંયુક્ત લશ્કરી કવાયતથી જ કિમ જોંગ ઉન વધારે ઉશ્કેરાતો હતો અને મિલિટરી એક્સરસાઇઝને ઉ. કોરિયા વિરુદ્ધના યુદ્ધની તૈયારીરૃપે જોતો હતો તેમજ જવાબમાં છાશવારે મિસાઇલ પરીક્ષણ કરતો હતો. અમેરિકાએ પણ ડહાપણભરી નીતિ અપનાવીને મિલિટરી ડ્રીલ બંધ રાખવાની સંમતિ આપીને બંને દેશો વચ્ચેની બેઠકને પણ આવકારી હતી. એ સાથે જ દુનિયાને આંચકો આપતા ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે તેમણે હંમેશા વાતચીતમાં ભરોસો કર્યો છે અને તેમને કિમ સાથે સીધી વાત કરવામાં કોઇ પરેશાની નહીં થાય.

વર્ષ ૨૦૧૮માં ઉત્તર કોરિયાના માથાફરેલ સરમુખત્યારના વલણમાં આવેલા આ બદલાવે વિશ્વભરના રાજકીય વિશ્લેષકોને ચોંકાવ્યા છે. જાણકારો આની પાછળ એક કરતા વધારે કારણોને જવાબદાર ગણાવે છે. વિશ્લેષકોના મતે કિમ જોંગ ઉનના વલણમાં આવેલા ફેરફાર પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ જવાબદાર છે. તેમના મતે ઉત્તર કોરિયાને લઇને ટ્રમ્પે જે આક્રમક રણનીતિ અપનાવી હતી તેના પરિણામે આવું થવાની શક્યતા ઘણાં લોકોને જણાતી જ હતી. ખાસ તો ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના કારણે યૂ.એન.એ ઉત્તર કોરિયા ઉપર જે આકરા પ્રતિબંધો લગાવ્યા હતાં તેના કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા ખસ્તાહાલ થઇ ગઇ છે.

ટ્રમ્પે ઉત્તર કોરિયાને ભારે મદદ કરતા દેશો રશિયા અને ચીન ઉપર પણ પ્રતિબંધોનું પાલન કરવા માટે દબાણ સર્જ્યું. જેના પરિણામે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીને ઉત્તર કોરિયા મોકલવામાં આવતા ગેસ અને ડીઝલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. એ પછી નવેમ્બરમાં યૂ.એન.એ ઉત્તર કોરિયા ઉપરના પ્રતિબંધો વધારે આકરા કરતા તેમને મળતી પેટ્રોલિયમ પેદાશોમાં લગભગ ૯૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો. એ સાથે જ સ્પષ્ટ બની ગયું કે આવનારા સમયમાં ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા સૌથી ખરાબ દોરમાં પહોંચી જશે કારણ કે ચીન તેના માટે હંમેશા તારણહારના રૃપમાં કામ કરતું આવ્યું હતું.

આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કિમ જોંગ ઉને અમેરિકાને ધમકી આપતાની સાથે જ કેટલીક એવી બાબતો પણ કહી હતી જે તેમના મુખે સાંભળવી આશ્ચર્યથી કમ નહોતી. પોતાના ભાષણમાં કિમે એક કરતા વધારે વખત ઉત્તર કોરિયાની નબળી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા કૃષિ અને મત્સ્ય ઉદ્યોગને વધારે વિકસાવવાની વાત કરી હતી. તેમણે પોતાના દેશના યુવાનોને પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે દેશ માટે કામ કરવાની અપીલ કરી હતી. વીજળીની બચત માટે સ્થાનિક કાચા માલ દ્વારા જ ઉત્પાદન વધારવાની તેમણે ઉદ્યોગ ગૃહોને અપીલ કરી હતી. કાયમ પરમાણુ હથિયારો અને મિસાઇલોની વાતો કરતા સનકી પ્રમુખના મુખે આવી દેશસુધારાની વાતો સાંભળવી એ નવાઇભરી વાત હતી.  આમ તો ટ્રમ્પ અગાઉના અમેરિકી રાષ્ટ્રપતિઓ પણ ઉત્તર કોરિયા સામે કડક વલણ ધારણ કરીને પ્રતિબંધો મૂકતા આવ્યા છે. પરંતુ ટ્રમ્પના મામલે તફાવત એ જોવા મળ્યો કે તેમણે પ્રતિબંધો લાગુ કરવા અને એનો કડકપણે અમલ કરવા ઉપર ભાર મૂક્યો. ટ્રમ્પ લગભગ દરરોજ ઉત્તર કોરિયાની સ્થિતિની જાણકારી મેળવે છે. તેમણે પોતાના સહયોગી દેશો ઉપર પ્રતિબંધોનો કડકપણે અમલ કરવા દબાણ તો કર્યું જ છે સાથે સાથે ચીન દ્વારા ઉત્તર કોરિયાને મળતી સહાય મહદ્અંશે બંધ કરાવવામાં પણ સફળતા મેળવી છે.

ટ્રમ્પની ગણતરી છે કે આવનારા દિવસોમાં ઉત્તર કોરિયાને મળતી તમામ મદદ સંપૂર્ણપણ અટકાવી દેવામાં આવે. એ જ કારણે અમેરિકન એજન્સીઓ દરિયાઇ ક્ષેત્રમાં ઘણી સક્રિય બની છે અને કોરિયાઇ ક્ષેત્રમાં આવતા તમામ જહાજોની તપાસ કરવામાં આવે છે. ઉત્તર કોરિયા ચોરીછૂપી માલસામાન પહોંચાડતી શિપિંગ કંપનીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ગયા અઠવાડિયે અમેરિકાએ જે નવા પ્રતિબંધો લાગુ કર્યા તેમાં આવી શિપિંગ કંપનીઓ સામેની કાર્યવાહી જ સૌથી વધારે ચર્ચામાં રહી છે. આ નવા પ્રતિબંધોમાં ઉત્તર કોરિયા, ચીન અને અન્ય પાંચ દેશોની ૨૭ શિપિંગ કંપનીઓ અને ૨૮ જહાજો ઉપર અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છે. આ તમામ ઉપર આરોપ છે કે તેમણે પ્રતિબંધો હોવા છતા ઉત્તર કોરિયાને પેટ્રોલિયમની નિકાસ કરી અને સામા પક્ષે ઉત્તર કોરિયામાંથી કોલસાની નિકાસ કરી. નવા પ્રતિબંધો અંતર્ગત આ કંપનીઓ હવે અમેરિકામાં વ્યાપાર નહીં કરી શકે. એ સાથે જ આ કંપનીઓના અમેરિકા સ્થિત કાર્યાલયોને પણ સીલ કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત અમેરિકાએ અનેક શિપિંગ કંપનીઓને ઉત્તર કોરિયા માટે માલસામાનનું પરિવહન ન કરવાની સખત ચેતવણી પણ આપી છે. કિમ જોંગ ઉનની પરમાણુ હથિયારો ત્યાગવાની ઓફર ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવકારી છે. જોકે અમેરિકાએ એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે ઉત્તર કોરિયાને વાતચીત કરવાના પ્રયાસો જારી રહેશે પરંતુ અમેરિકા પ્રતિબંધોમાં જરાય ઢીલ નહીં મૂકે અને ઉત્તર કોરિયાની સરહદ પાસે તૈનાત કરેલી સેનાને પાછી પણ નહીં ખેંચે. જાણકારોના મતે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા ઉત્તર કોરિયા ઉપરના પ્રતિબંધો વધારે આકરા કરવાના પ્રયાસો પણ ચાલુ રહેશે. અમેરિકાની નીતિ સ્પષ્ટ છે કે જ્યાં સુધી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો વાર્તાલાપ કોઇ નિર્ણાયક તબક્કે ન પહોંચે ત્યાં સુધી તેમના ઉપર દબાણ સર્જી રાખવું. આ દબાણને વશ થઇને જ કિમ જોંગ ઉન સમાધાન માટે તૈયાર થયો છે. આમ તો ઉત્તર કોરિયા ઉપરથી એવું દર્શાવે છે કે તેને કોઇનો ડર નથી પરંતુ હકીકત એ છે કે અંદરખાને તે ટ્રમ્પના આકરા વલણથી ડરેલું છે.

Post Comments