Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૃથ્વી પર છઠ્ઠા મહાવિનાશનો આરંભ, થેન્ક્સ ટુ ઔદ્યોગિક વિકાસ!

પર્યાવરણ સંરક્ષણ અંગેના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ૨૦૭૦ સુધીમાં ત્રીજા ભાગના વન્યજીવોનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે

અમેરિકા-યુરોપના દેશો-ચીને હવામાં એટલો બધો કાર્બન ઠાલવી દીધો છે, કે પૃથ્વીનું પર્યાવરણ તેને સહન કરી શકે એમ નથી. એટલે આખી હવામાન સિસ્ટમ ફોર્મેટ કર્યે જ છૂટકો છે

ધર્મગ્રંથો પ્રમાણે પરશુરામે પૃથ્વીને ૨૧ વખત નક્ષત્રિય કરી હતી. હવે પરશુરામ તો નથી, પણ તેની જરૃર પણ નથી. વિકાસ નામનો રાક્ષજ  પૃથ્વીને માત્ર નક્ષત્રિય નહીં, બધા પ્રકારના જીવોથી મૂક્ત કરાવવા માટે સક્ષમ છે. એમાંય ૧૮મી સદીના મધ્યભાગથી શરૃ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી તો પૃથ્વી પરનું પર્યાવરણ બહુ ઝડપથી પોતાનો અસલ રંગ ગુમાવી રહ્યું છે. પરિણામ એ આવ્યું છે કે પૃથ્વી પર છઠ્ઠો મહાવિનાશ (માસ એક્સટિંક્શન) આરંભાઈ ગયો છે.

નામ પ્રમાણે જ સામુહિક વિનાશ (માસ એક્સટિંક્શન)નો સબંધ સમુહ સાથે છે. બે-પાંચ વ્યક્તિઓના કે બે-પાંચ પ્રકારના સજીવોના મૃત્યુની અહીં વાત નથી. પરંતુ અનેક નોંધપાત્ર સજીવ પ્રજાતિઓ નષ્ટ થતી જાય તેને સામુહિક વિનાશ કહેવામાં આવે છે. અલબત્ત, આ વિનાશ એ રાતોરાત થતી પ્રક્રિયા નથી. એ ઘટનાક્રમ હજારો વર્ષ ચાલે છે. પણ વિજ્ઞાાનીઓના કહેવા પ્રમાણે ૬ઠ્ઠી વખતના વિનાશકારી યુગમાં પૃથ્વી પ્રવેશી ચૂકી છે. એટલે કે અગાઉ પાંચ વખત આપણી પૃથ્વી આ ઘટમાળમાંથી પસાર થઈ ચૂકી છે.

દરેક વિનાશ વખતે બધા સજીવો નાશ પામ્યા હોય એવુ નથી. પરંતુ પૃથ્વી જેના કારણે નંદનવન કહેવાય છે, એ જીવજગત પૈકીનું ઘણુ ખરું જગત નષ્ટ થયું હતું. એટલે પૃથ્વી પણ સૂર્યમાળાના અન્ય ગ્રહોની માફક ભેંકાર હાલતમાં પહોંચી હતી. પણ સાવ ભેંકાર નહોતી થઈ, તેના બદલે અર્ધ-ભેંકાર કહી શકાય. એવા પ્રસંગો અગાઉ પાંચ વખત આવી ચૂક્યા છે. જરા અગાઉના પાંચ મહાવિનાશને પણ જાણી લઈએ.

સાડા ચાર અબજ વર્ષ પસાર કરી ચૂકેલી પૃથ્વીએ સૌથી પહેલી વખત ખાલસા થવાનો વખત ૪૪ કરોડ વર્ષ પહેલા આવ્યો હતો. સર્વનાશનો એ સૌથી પહેલો નોંધાયેલો ઘટનાક્રમ છે. એ વખતે મોટા ભાગની જીવસૃષ્ટી એવી હતી જે દરિયામાં જ રહેતી હતી. પૃથ્વી પરના સજીવો પ્રગટયા ન હતાં. એ વખતે ૮૫ ટકા દરિયાઈ જીવો નષ્ટ થઈ ગયા હતાં. વિનાશનું મુખ્ય કારણ દરિયાઈ જળ-સપાટીમાં ઘટાડો હતો. અને એ ઘટાડાનું કારણ હવામાનમાં આવેલું પરિવર્તન હતું. હવામાન પરિવર્તન (જળવાયુ-ગ્લોબલ વોર્મિંગ) જ આજે પણ પૃથ્વી પર સજીવોની પેઢી ખતમ કરવાનું કારણ બની રહ્યું છે. અને વળી હવામાન પરિવર્તન પાછળનું કારણ વિકાસના નામે ચાલતી ગરબડ છે.

એ મહાવિનાશથી પૃથ્વી બેઠી થઈ અને ફરીથી સજીવો ઉગી નીકળ્યા. આઠેક કરોડ વર્ષ સ્થિતિ યથાવત રહી. ફરીથી પર્યાવરણિય પરિવર્તનનો યુગ શરૃ થયો. એ વખત આજથી ૩૬ કરોડ વર્ષ પહેલાનો. ત્યારે મોટાભાગની માછલીઓની પ્રજાતિ નાશ પામી હતી. એ પછીના ૧૦ કરોડ વર્ષ સુધી દરિયાઈ પરવાળા બનવાના બંધ થઈ ગયા હતાં. પૃથ્વી પર નબળાં મૂળિયા ધરાવતા અનેક છોડ-વેલા-વનસ્પતિ ઉખડીને ફેંકાઈ ગયા હતા. પ્રાકૃતિક ઈતિહાસમાં એ ઘટના 'લેટ ડિવોનિઅન માસ એક્સ્ટિંક્શન' તરીકે ઓળખાય છે. કુલ મળીને પૃથ્વી પર ત્યારે હતા તેમાંથી ૧૯ ટકા સજીવો નષ્ટ થયા હતા.

પૃથ્વીનો ૭૧ ટકા હિસ્સો સમુદ્ર દ્વારા રોકાયેલો છે. માટે કોઈ પણ મોટી પર્યાવરણિય ઘટના બને તો તેમાં દરિયાનો રોલ મહત્ત્વનો હોવાનો જ. દરિયાની સપાટી વધે તો તકલીફ, ઘટે તો તકલીફ, દરિયા તળિયે રહેલી પ્લેટો એકબીજા સાથે ઘર્ષણ વધારે તો તકલીફ.. એવી તકલીફો પાંચેય મહાવિનાશ વખતે નિમિત્ત બની છે.

૩૬ કરોડ વર્ષ પછી લાંબો સમય એવો આવ્યો જ્યારે પૃથ્વી પર સબ સલામત રહ્યું. લાંબો એટલે છેક ૧૧ કરોડ વર્ષ સુધીનો. પૃથ્વીના ઈતિહાસનો એ સૌથી મોટો ગાળો હતો, જ્યારે પર્યાવરણને વિકાસની પૂરી તક મળી. તમામ પ્રકારના સજીવો ફૂલી-ફાલી શક્યા. એ પછી ત્રીજો પ્રસંગ આવ્યો, લગભગ સવા ત્રણ કરોડ વર્ષ પહેલા. લાંબા સમયે આવેલો એ મહા વિનાશ ખરા અર્થમાં વિનાશકારી હતો. અગાઉના ૧૧ વર્ષ જાણે યુદ્ધ પહેલાની શાંતિ હોય એમ ૨૫ કરોડ વર્ષ પહેલા ત્રાટકેલા મહા વિનાશે ૯૬-૯૭ ટકા જીવજગતને ખતમ કરી દીધું. એ દુર્ઘટના 'પ્રિમાઈન માસ એક્સ્ટિંક્શન' કહેવાય છે.

અત્યારે પૃથ્વી પર લાખો સજીવો છે, કરોડો છોડ વેલા છે, પર્યાવરણિય વૈવિધ્યનો પાર નથી. પરંતુ એ બધુ વૈવિધ્ય ૯૬-૯૭ ટકા સજીવો ખતમ થયા પછી બચેલા ત્રણ-ચાર ટકામાંથી જ આવે છે. એટલે કે પ્રિમાઈન વિનાશ વખતે જે ૩-૪ ટકા સજીવો ટકી રહ્યાં, એ જ આજે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. તો પછી કલ્પના કરવી રહી કે એ પહેલા નાશ પામેલા ૯૬-૯૭ ટકા સજીવોની હાજરીમાં ધરતી કેવી લાગતી હશે?

ડાયનાસોરને આપણે અહોભાવ સાથે જોઈએ છીએ, કેમ કે એ સજીવો પૃથ્વી પરના સૌથી મોટા સજીવોમાં સ્થાન ધરાવે છે. વળી આપણે તેમને જોયા નથી. નિયમિત રીતે તેમના અવશેષો મળતાં રહે છે. ડાયનાસોર પહેલાં તેમના પૂર્વજો રહેતા હતા. એ પૂર્વજોનો વિનાશકાળ આવ્યો ૨૦ કરોડ વર્ષ પહેલાં. ચોથો મહા વિનાશ. આ વિનાશ 'ટ્રિઆસિક-જુરાસિક મહા વિનાશ' તરીકે ઓળખાય છે. જુરાસિક કાળ પહેલા ટ્રિઆસિક કાળ હતો. ડાયનાસોરના જ પૂર્વજો, પણ મોટા ભાગના ઉડી શકે એવા (અવતાર ફિલ્મમાં આવે છે એવા કહીએ તો પણ ચાલે) ડાયનાસોર ત્યારે ખતમ થયા.

છેલ્લો અને પાંચમો મહા વિનાશ ૬.૫ કરોડ વર્ષ પહેલાં ત્રાટક્યો. એ વિનાશ બધા માટે સૌથી વધુ જાણીતો છે. કેમ કે છેલ્લો હોવાથી તેના મહત્તમ પૂરાવા મેળવી શકાયા છે. એ વખતે જ પૃથ્વી પર ૧૪ કરોડ વર્ષથી રાજ કરતા ડાયનાસોરની તમામ પેઢીના ચોપડા બંધ થઈ ગયા હતા. સંભવત કોઈ અવકાશી લઘુગ્રહ એ વિનાશ માટે કારણભૂત હતો. કોઈ લઘુગ્રહ પૃથ્વી પર ત્રાટક્યો, તેની અથડામણથી ધૂળ-રાખના વાદળો આકાશમાં છવાયા અને પૃથ્વી પરનું તાપમાન ઘટયું. એ ઘટેલા તાપમાનને કારણે છેવટે હિમયુગ આવ્યો. પરિણામે એક પછી એક બધા સજીવો નાશ પામવા લાગ્યા.

વિજ્ઞાાનીઓ કહે છે કે આ બીગ ફાઈવ વખતે જે કંઈ થયું ત્યારે આપણે કોઈ હતા નહીં. પરંતુ હવે જે થઈ રહ્યું છે, ત્યારે આપણે એટલે કે મનુષ્ય નામનું બુદ્ધિશાળી સજીવ છે. અને છઠ્ઠી દુર્ઘટનાનું કારણ પણ આપણે જ બનીશું. પૃથ્વી પરથી રોજ હજારો ચોરસ કિલોમીટરના જંગલો કપાય છે, સજીવોની હત્યા થાય છે અને નદી-હવા પ્રદૂષિત કરવામાં આવે છે. એ બધુ વળી વિકાસના નામે થાય છે. જેમ કે અત્યારે અમદાવાદમાં જ મેટ્રો રેલવે માટે વૃક્ષો કપાઈ રહ્યાં છે. આવતી કાલે બુલેટ ટ્રેન માટે વધારે વૃક્ષો કપાશે. આવી જ સ્થિતિ સર્વત્ર છે. બધાને વિકાસ જોઈએ છે અને રાતોરાત જોઈએ છે. એટલે હાલ તો શોર્ટ-કટની બોલબાલા છે. એ શોર્ટ-કટને કારણે આપણે સૌ જાણી જોઈને વિનાશને આમંત્રણ આપી ચૂક્યા છીએ.

ટેકનોલોજીની ભાષામાં જેને ફોર્મેટ કહેવામાં આવે એવી સ્થિતિ આવી પડી છે. લેપટોપ કે મોબાઈલ ફોન બગડે, કોઈ રીતે સુધરે એમ ન હોય ત્યારે ટેકનિશિયન તેને ફોર્મેટ કરે છે. એટલે કે અગાઉની બધી સ્થિતિને રદ કરી નવસર્જન કરે. મોબાઈલ કે લેપટોપને જાણે નવું સ્વરૃપ મળે. પૃથ્વી પર સ્થિતિ એવી જ છે. અમેરિકા-યુરોપના દેશોએ હવામાં અઢળક કાર્બન ઠાલવી દીધો છે. ચીન છેલ્લા દાયકાઓથી એ સ્પર્ધામા ંજોડાયું છે અને હવે ભારત જેવા દેશો પણ કાર્બનના વધુ ઉત્પાદન તરફ આગળ વધી રહ્યાં છે. સંશોધકો કહે છે, એમ આપણે જાણે અજાણે છઠ્ઠા મહા વિનાશના સાક્ષી બની રહ્યાં છે. ભલે રાતોરાત બધુ ખતમ ન થાય, પણ અંતનો આરંભ તો થઈ જ ચૂક્યો છે.

સજીવો નાશ પામવાની ઝડપ વધી રહી છે
૧૫૦૦ની સાલથી લઈને આજ સુધીમાં પૃથ્વી પરથી વિવિધ પ્રકારના ૬૭૬ જાતના સજીવો પૃથ્વી પરથી કાયમી ધોરણે નષ્ટ થઈ ચૂક્યા છે. સજીવો નષ્ટ થવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. અહીં જુઓ કઈ સદીમાં કેટલું નુકસાન થયું?

સદી

નષ્ટ પ્રજાતિઓ

૧૫૦૦-૧૬૦૦

૫૪

૧૬૦૦-૧૭૦૦

૨૨

૧૭૦૦-૧૮૦૦

૬૦

૧૮૦૦-૧૯૦૦

૧૪૪

૧૯૦૦-૨૦૦૦

૩૯૬

 

Keywords newsfocus,

Post Comments