Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના પાક પ્રત્યેના આકરા વલણથી ભારતે હરખાવા જેવું ખરું?

ટ્રમ્પે પાકિસ્તાનને મળનારી ૨૫.૫ કરોડ ડોલરની આર્થિક સહાય અટકાવી દીધી

અમેરિકાએ માત્ર અફઘાનિસ્તાનમાં ફેલાયેલા હક્કાની નેટવર્ક અને તાલિબાનને લઇને પાકિસ્તાનને ધમકાવ્યું છે, જૈશ અને તોઇબા જેવા ભારતને કનડતા આતંકી સંગઠનોની અમેરિકાને ખાસ દરકાર નથી

નવા વર્ષની શરૃઆત પાકિસ્તાન માટે ઘણી ખરાબ થઇ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં સહયોગ ન કરવા બદલ પાકિસ્તાનને મળનારી ૨૫.૫ કરોડ ડોલર એટલે કે આશરે ૧૬૨૪ કરોડ રૃપિયાની લશ્કરી સહાય અટકાવી દીધી છે. નવા વર્ષ નિમિત્તે દેશ અને દુનિયાને શુભેચ્છા પાઠવ્યા બાદ પહેલી જ ટ્વીટમાં ટ્રમ્પે પાકિસ્તાનને લતાડયું છે. ટ્રમ્પે પાકિસ્તાનને જૂઠ્ઠું અને દગાબાજ ગણાવતા કહ્યું છે કે છેલ્લા ૧૫ વર્ષમાં પાકિસ્તાનને આપવામાં આવેલી અબજો ડોલરની સહાય એક મૂર્ખતાપૂર્ણ નિર્ણય હતો.

ટ્રમ્પની લતાડના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ આખી દુનિયાને કલ્પના અને હકીકત વચ્ચેનો ભેદ જણાવશે. એ સાથે જ પાકિસ્તાને અમેરિકાના રાજદૂતને બોલાવીને ટ્રમ્પના ટ્વીટ સામે વિરોધ નોંધાવ્યો. આ પહેલી વખત નથી કે અમેરિકાએ પાકિસ્તાનની ટીકા કરી હોય. તાજેતરમાં જ જાહેર થયેલી અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન ઉપર આતંદવાદીઓને ખતમ કરવા માટે જારી પ્રયાસોમાં તેજી લાવવા દબાણ કરીશું

કારણ કે કોઇ પણ દેશ આતંકવાદીઓ અને તેના સમર્થકોને પનાહ ન આપી શકે. અમેરિકાની નવી સુરક્ષા નીતિ જાહેર થયા બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે પણ પોતાની અફઘાનિસ્તાન યાત્રા દરમિયાન પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તે અફઘાનિસ્તાન સરકાર સામે લડતા આતંકવાદી જૂથોને સુરક્ષિત ઠેકાણા પૂરા ન પાડે. એ વખતે પાકિસ્તાને પેન્સના નિવેદનની ટીકા કરતા કહ્યું હતું કે સહયોગી દળોએ એકબીજાને ચેતવણી ન આપવી જોઇએ.

જાણકારો ટ્રમ્પની પાકિસ્તાન પ્રત્યેની હાલની નારાજગી પાછળ પાકિસ્તાનની ઇન્ટસ્ સર્વિસીઝ પબ્લિક રિલેશન્સના વડા મેજર જનરલ આસિફ ગફૂરના એ નિવેદનને ગણે છે જેમાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધની લડતમાં પાકિસ્તાન હદ કરતા વધારે મદદ કરી ચૂક્યું છે અને હવે અમેરિકા અને પાકિસ્તાને અફઘાનિસ્તાનથી આગળ વધીને સાથે કામ કરવાની જરૃર છે. બીજી બાજુ અમેરિકા અને અફઘાનિસ્તાન તાજેતરમાં જ કહી ચૂક્યાં છે કે અફઘાનિસ્તાનથી આવતા આતંકવાદીઓને પાકિસ્તાનમાં કેટલાક ઠેકાણે શરણ મળતી રહે છે. ખરેખર તો પાકિસ્તાનના પેટમાં એ વાતે દુઃખે છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા સતત વધારી રહ્યું છે.

એવું નથી કે અમેરિકાને ખબર ન હોય કે પાકિસ્તાન આતંકવાદીઓનું છૂપું મદદગાર છે. અગાઉ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન પણ અમેરિકા પાકિસ્તાનને ધમકાવતું રહ્યું છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકા પાકિસ્તાન પ્રત્યે વધારે આકરું બન્યું છે. એમાં પણ ટ્રમ્પ તો અનેક વખત પાકિસ્તાનને લતાડી ચૂક્યાં છે. ટ્રમ્પ એ વાત જાણી ગયા છે કે પાકિસ્તાનના મામલે આકરું વલણ અપનાવ્યા વિના છૂટકો નથી. જોકે ટ્રમ્પની નબળાઇ એ છે કે તેઓ કામ કરતા વાતો કરવા માટે વધારે જાણીતા છે. આતંકવાદી સંગઠનોને ખતમ નહીં કરવાના બદલામાં તેઓ પાકિસ્તાનને સહાય રોકવાની ધમકીઓ તો આપે છે પરંતુ આ ધમકીઓ અમલમાં મૂકવામાં ઢીલા પડે છે. ટ્રમ્પની મોટી સમસ્યા એ જ છે કે તેમની નીતિઓ માત્ર ટ્વીટમાં દેખાય છે, વાસ્તવિક જમીન પર નહીં.

બીજી  બાજુ અમેરિકાની ધમકીઓની હવે પાકિસ્તાન પર ખાસ અસર થતી હોય એમ જણાતું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ સ્પષ્ટ કહે છે કે હવે આનાથી વધારે તેઓ અમેરિકા માટે કરી શકે એમ નથી. તેમનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં મળતી નિષ્ફળતા માટે દોષનો ટોપલો ટ્રમ્પ પાકિસ્તાન ઉપર ઢોળી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ તેઓ અમેરિકાને સલાહ આપે છે કે તાલિબાન સામે શક્તિનો ઉપયોગ કરવાના બદલે વાતચીતનો માર્ગ અપનાવે. પાકિસ્તાનના રક્ષા મંત્રી પણ અમેરિકાના વલણથી હતાશ થઇને કહે છે કે તાલિબાન વિરોધી લડાઇમાં પાકિસ્તાને અમેરિકાને જમીન, આકાશ, સંચાર સુવિધા, આર્મી બેઝ સહિત તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી પરંતુ અમેરિકાએ પાકિસ્તાનને ધમકાવ્યા સિવાય કશું આપ્યું નથી.

ટ્રમ્પના પાકિસ્તાન પ્રત્યેનું આકરું વલણ બેશક ભારત માટે સારા સમાચાર છે પરંતુ અમેરિકાની કરણી અને કહેણીમાં અંતર જોતા ભારતે આ મામલે કેટલા હરખાવું જોઇએ એ સવાલ છે. ટ્રમ્પના ટ્વીટનો સૂચિતાર્થ જોવામાં આવે તો તેમણે પાકિસ્તાનને માત્ર હક્કાની નેટવર્ક અને તાલિબાનને લઇને ધમકાવ્યું છે. આ આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાને કનડી રહ્યાં છે. ઓકટોબરમાં જાહેર થયેલા નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન બિલમાં અમેરિકી કોંગ્રેસે હક્કાની અને લશ્કર-એ-તોઇબાને અલગ ગણ્યાં છે. મતલબ એ કે ભારત માટે પરેશાની બનેલા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકવાદી સંગઠનો અમેરિકાની પ્રાથમિકતાની યાદીમાં નથી. એ જ રીતે હાફિઝ સઇદ અને મસૂદ અઝહર પણ અમેરિકા માટે મહત્ત્વના નથી.

જોકે અમેરિકાની આ ધમકીનો ફાયદો ઉઠાવીને ભારત પાકિસ્તાન પર આતંકવાદ મામલે આંતરરાષ્ટ્રીય દબાણ વધારી શકે છે. પાકિસ્તાન જે સારા અને ખરાબ આતંકવાદની વ્યાખ્યા કરતું આવ્યું છે તેનો ભારત વિરોધ કરી શકે છે. જો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરશે તો ભારત કાશ્મીરમાં સક્રિય પાકિસ્તાન તરફી આતંકવાદી જૂથોને પણ પાકિસ્તાને સહાય ન કરવી જોઇએ તેવું આંતરરાષ્ટ્રીય સમુદાયના ગળે ઉતારવું પડશે. ભારત સતત દુનિયાને કહી રહ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ભારતની ધરતી ઉપર આતંકવાદ ફેલાવી રહ્યાં છે. આમ પણ હાલ ભારતે પાકિસ્તાન સાથે તમામ સ્તરના વાર્તાલાપ બંધ કરી દીધાં છે અને આતંકવાદી સંગઠનનો શરણ આપવાની બંધ કરવાની ચીમકી આપી છે.

જો અમેરિકા ખરેખર પાકિસ્તાનને આર્થિક સહાય અટકાવી દે તો પાકિસ્તાન ઉપર તેની માઠી અસર થવી સ્વાભાવિક છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી અમેરિકા દ્વારા પાકિસ્તાનને મળતી સહાયમાં કાપ આવ્યો છે. ૯/૧૧ના હુમલા બાદ અમેરિકા પાકિસ્તાનને વર્ષે બે અબજ ડોલરની સહાય કરતું હતું પરંતુ ઓસામા બિન લાદેનના ખાત્મા બાદ પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી રકમમાં ખાસો ઘટાડો થયો છે. જો પાકિસ્તાનને અમેરિકા તરફથી આર્થિક સહાય મળતી બંધ થઇ જાય તો ચીન તેની વ્હારે આવે એમ છે. આંકડાઓમાં જોઇએ તો અમેરિકાએ પાકિસ્તાનને ૨૫.૫ કરોડ ડોલરની મદદ અટકાવી છે તો બીજી બાજુ ચીન પાકિસ્તાનમાં ઇકોનોમિક કોરિડોર માટે ૫૦ અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. મતલબ કે ચીનના પાકિસ્તાન ખાતેના રોકાણની સરખામણીમાં અમેરિકાની મદદ સાવ નજીવી ગણી શકાય એવી છે. એટલે જો અમેરિકા સહાય અટકાવી દે તો ચીન પાકિસ્તાનમાં વધારે રોકાણ કરવાથી પણ અચકાય એમ નથી.

ટ્રમ્પની ધમકીથી છોભીલા પડેલા પાકિસ્તાનની વહારે તેનું જાનીદોસ્ત ચીન આવ્યું છે. ટ્રમ્પની ટ્વીટના જવાબમાં ચીને પાકિસ્તાનની પીઠ થાબડતા કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં યોગદાન પણ આપ્યું છે અને બલિદાન પણ. પાકિસ્તાનની વકીલાત કરતા ચીને કહ્યું છે કે આતંકવાદ જેવા વૈશ્વિક પડકાર સામે લડવામાં પાકિસ્તાને જોરદાર ભૂમિકા ભજવી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે એનો સ્વીકાર કરવો જોઇએ. આ પહેલી વખત નથી કે ચીન પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું હોય. અગાઉ પણ આતંકવાદના મામલે અનેક વખત ચીન પાકિસ્તાનની તરફેણ કરી ચૂક્યું છે. ખરેખર તો દક્ષિણ એશિયાની રાજનીતિ હવે બે જૂથમાં વહેંચાઇ ગઇ છે જેમાં એક તરફ ભારત અને અમેરિકા છે તો બીજી તરફ પાકિસ્તાન અને ચીન છે. આતંકવાદ, આર્થિક ભાગીદારી અને વ્યૂહાત્મક ભાગીદારી જેવા મામલે આ બંને જૂથ સામસામે ઊભેલા જણાય છે.

એકંદરે જોતા એક સમયે અમેરિકાના હાથની કઠપૂતળી ગણાતું પાકિસ્તાન હવે ચીનની સોડમાં સરી ગયું છે. તો અમેરિકા પણ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનનો ઉપયોગ કરતું રહ્યું છે. ઓબામા કાળથી અમરિકા અને પાકિસ્તાન વચ્ચે શરૃ થયેલી કડવાશ ટ્રમ્પના સમયમાં ચરમ સીમાએ પહોંચી છે. ચીનના ખૂંટે ઉછળી રહેલા પાકિસ્તાનને હાલ તો અમેરિકાની જરૃર હોય એમ લાગતું નથી. હવે આવનારો સમય જ કહેશે કે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો કઇ દિશામાં આગળ વધે છે.

Keywords newsfocus,

Post Comments