Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અયોધ્યા વિવાદ : સુનાવણી અંતિમ, પરંતુ ચૂકાદો અંતિમ હશે?

આાગમી પાંચમી ડિસેમ્બરથી અંતિમ સુનાવણી હાથ ધરાશે ત્યારે ન્યાય તોળવામાં અદાલતની પણ કસોટી થવાની છે

બંને પક્ષોએ હજારોની સંખ્યામાં વિવિધ પુરાવાઓ, ઐતિહાસિક તથ્યો, દસ્તાવેજો હિન્દી, ઉર્દુ, ફારસી, વ્રજ, માગધી એવી આઠ અલગ અલગ ભાષાઓમાં રજૂ કર્યા છે

દાયકાઓથી અદાલતમાં પેન્ડિંગ રામમંદિર અને બાબરી મસ્જિદ સંબંધિત કેસમાં હમણાં હમણાં બે યોગાનુયોગ બહુ રસપ્રદ છે. અગાઉ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના વડપણ હેઠળ પહેલી જ વાર ભાજપની પ્રચંડ બહુમતિ ધરાવતી સરકાર બની. બરાબર એ જ અઠવાડિયે અદાલતે દેશના આ સૌથી સંવેદનશીલ અને વિવાદાસ્પદ કેસમાં તાજુબીપ્રેરક નિવેદન કરતાં કહ્યું કે, આ આખો ય કેસ આસ્થા સાથે સંકળાયેલો હોવાથી બંને પક્ષકારો આપસમાં જ સમજુતી પર આવે એ ઈચ્છનિય છે.

હવે ગત બુધવારે શિઆ મુસ્લિમોના સંગઠને સાંપ્રદાયિક સદ્ભાવના હેતુથી આ વિવાદાસ્પદ સ્થાન હિન્દુઓને સોંપી દેવાનો મત વ્યક્ત કર્યો. ઉલ્લેખનિય છે કે, શિઆ વકફ બોર્ડ ઘણાં સમયથી રામમંદિરના વિવાદી સ્થળને શિઆ સંપ્રદાયની માલિકીનું ગણાવીને વિવાદમાં એક પક્ષકાર તરીકે ઝુકાવી ચૂક્યું છે. આથી શિઆ વકફ બોર્ડના આ સુચનને મંદિરની તરફેણ કરતું માનવામાં આવે છે. દરેક પક્ષે પોતાનું પલડું ઝુકાવવા માટે અને કેસને વધુ ગૂંચવવા માટે વધુને વધુ પક્ષકારો દાખલ કરવાનું વલણ રાખ્યું છે. એ સંજોગોમાં શિઆ વકફ બોર્ડ રામમંદિરની તરફેણ કરે અને મૂળ સ્થાનથી સહેજ દૂર મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં મસ્જિદ બાંધવાનું સુચન કરે એ અદાલતી કાર્યવાહી દરમિયાન બાબરી મસ્જિદ એક્શન કમિટીના દાવાને નબળો પાડનારી બાબત માનવામાં આવે છે. અલબત્ત, બાબરી એક્શન કમિટીએ શિયા વકફ બોર્ડના સુચન અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે અને અદાલતના ચુકાદાને અંતિમ ગણવાની બાંહેધારી આપી છે.

રામ જન્મભૂમિ વિવાદ એ ભારતીય અદાલત સમક્ષ રહેલાં સૌથી જૂના અને સૌથી પેચીદા કેસ પૈકીનો એક છે. દેશની સવા અબજ વસ્તીને સીધી અસર કરતા આ વિવાદના કાનૂની ઉપરાંત ધાર્મિક, રાજકીય અને સામાજિક પાસાઓ પણ એટલાં જ તીવ્ર છે. પચાસ વર્ષમાં આ મુદ્દે અનેક વખત દેશભરમાં કોમી રમખાણો થયા છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ થયા પછી રમખાણોની તીવ્રતામાં ભારે વધારો થયો હતો અને સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ વિવાદની રાજકીય અસર પણ એટલી ગહેરી છે કે હાલ સત્તારૃઢ અને એક પછી એક પ્રાંતમાં દિગ્વિજયો લહેરાવતી ભાજપના અસ્તિત્વનું મૂળ જ રામ જન્મભૂમિ મુદ્દો છે. ૧૯૮૪માં લોકસભામાં ભાજપની માત્ર બે બેઠકો હતી. એ પછી સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી ભગિનિ સંસ્થાઓએ દેશભરમાં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચગાવ્યું. દેશભરમાં શીલાપૂજન કરવામાં આવ્યું. પ્રસ્તાવિત મંદિર માટે ફાળો ઉઘરાવવામાં આવ્યો. તેના પગલે અડવાણીએ સોમનાથથી અયોધ્યા રથયાત્રા કાઢી. અડવાણીની રથયાત્રાથી શરુ થયેલી ભાજપની રાજકીય હરણફાળ આજે તેની સર્વોચ્ચ કળાએ ખીલી છે. કેન્દ્ર ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત કેટલાંય મોટા રાજ્યોમાં ભાજપની સરકાર છે. એવું હરગીઝ નથી આ વિવાદ આઝાદી પછી જ ઉદ્ભવ્યો છે. તેના મૂળિયા તો ઘણાં ઊંડા છે. સરેરાશ શ્રદ્ધાળુ હિન્દુ કે ઈમાન પરસ્ત મુસ્લિમ તેને આસ્થાના વિષય તરીકે જુએ છે પરંતુ આ આખાય વિવાદમાં મુઘલ આક્રમકોની બર્બરતા, અંગ્રેજોની કુટિલ નીતિ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ બંને પક્ષના નેતાઓનો તકવાદ પણ સમાયેલો છે.

વિવાદના મૂળમાં છે ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરની પશ્ચિમે સરયુ નદીની નજીક આવેલ એક વિશાળ જગ્યા, જેનું ભૌગોલિક માપ આશરે ૨.૭૭ એકર હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. અહીં એક વિશાળ ચોતરા ઉપર એક ઈમારત હતી. ઈસ. ૧૫૨૮માં મીર બાકી નામના એક મુઘલ સરદારે બંધાવેલી આ ઈમારતનો એક જમાનામાં મસ્જિદ તરીકે ઉપયોગ થતો હતો અને મુઘલ બાદશાહ બાબરના નામે તેને બાબરી મસ્જિદ તરીકે ઓળખાવાતી હતી. સમય જતાં અહીં નમાજ પઢવાની ય બંધ થઈ. બાબરના નામ સાથે આ ઈમારત સંકળાયેલી હોવાથી તે બાબરે બાંધી હોવાની વ્યાપક માન્યતા છે. પરંતુ ઐતિહાસિક તથ્યો એવું કહે છે કે બાબર બાદશાહ હતો માટે તેને રાજી રાખવા માટે જ તેનું નામ જોડવામાં આવ્યું છે. અન્યથા, બાબરે તેના આયુષ્યમાં કદી અયોધ્યાની મુલાકાત સુદ્ધાં લીધી નથી.

અયોધ્યા એ કરોડો હિન્દુઓના પરમ આસ્થાકેન્દ્ર ભગવાન શ્રીરામનું જન્મસ્થળ મનાય છે. હિન્દુઓની તીવ્ર લાગણી હતી કે મધ્યયુગના મુસ્લિમ આક્રમકોના દૌરમાં દેશભરમાં સેંકડો હિન્દુ આસ્થાકેન્દ્ર સમા મંદિરો તૂટયા અને ત્યાં મસ્જિદ બનાવી દેવામાં આવી. એ જ રીતે બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારતનું સ્થળ ખરેખર તો રામ જન્મસ્થળ હતું અને અહીં ભવ્ય રામમંદિર હતું, જે તોડીને મીર બાકીએ મસ્જિદ બંધાવી હતી. અંગ્રેજોએ આ વિવાદને કદી કાને ન ધર્યો કારણ કે તેમના માટે હિન્દુ-મુસ્લિમ વચ્ચે વિખવાદ વધે, પરસ્પર અવિશ્વાસ અને કડવાશ પ્રસરે એ જ ફાયદાનો સોદો હતો.

બ્રિટિશ શાસન સુધી સુષુપ્ત રહેલા હિન્દુઓના આ કચવાટને આઝાદી પછી પહેલી વાર જરાક મોકળાશ મળી. એ મોકળાશમાં જ ૧૯૪૯માં નમાજ કે અન્ય ઈસ્લામિક ધાર્મિક પ્રવૃત્તિઓ વગરની આ અવાવરૃ ઈમારતમાં એક અંધારી રાતે કેટલીક વ્યક્તિઓ મોં પર બુકાની બાંધીને, શરીર ફરતા ધાબળા વિંટીને પ્રવેશી. ઈમારતના એક ઓરડામાં રહેતા નજીબુલ્લાહ અન્સારીના પરિવારે આ ભેદી ઓળાઓ જોયા. બીજા દિવસે તેમણે જોયું કે ઈમારતની બરાબર વચ્ચેના ઓરડામાં મોટો ઓટલો ચણીને તેના પર રામલલ્લા, જાનકી અને લક્ષ્મણની મૂર્તિઓ ખડી કરી દેવામાં આવી હતી. આથી

સ્થાનિક મુસ્લિમોએ હોબાળો મચાવીને મૂર્તિ ઊઠાવી ફેંકવાની તજવીજ હાથ ધરી એટલે સ્થાનિક હિન્દુઓએ પણ આક્રમક વિરોધ નોંધાવ્યો. છેવટે કોમી તણાવ રોકવા જિલ્લા કલેક્ટરે સ્થળનો કબજો મેળવીને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગ્યું. એ વખતે યોગાનુયોગે તત્કાલીન વડાપ્રધાન નહેરુ લખનૌના પ્રવાસે હતા.  

નહેરુએ કાશ્મીર અને ચીન જેવી જ એક ભૂલ અહીં પણ કરી નાંખી. તેમણે ઉ.પ્ર.ના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને આદેશ કરીને કહ્યું કે આ બહુ જ જોખમી ચેષ્ટા છે. આવું દેશભરમાં થશે તો આખા ય દેશનું કોમી સૌહાર્દ રફેદફે થઈ જશે. તાત્કાલિક આ મૂર્તિઓ હટાવી લો. નહેરુનો આ આદેશ જાહેર થતાં જ સમગ્ર પ્રાંતમાં હિન્દુવાદી પરિબળો મેદાનમાં આવી ગયા અને 'ચલો અયોધ્યા'ની હાકલ થવા લાગી. છેવટે રાજ્ય સરકારે વચલો રસ્તો કાઢીને ત્યાં તાળુ જ મારી દીધું. હવે એ ઈમારત પર કબજો કોનો, માલિકી કોની, એ સ્થળ મસ્જિદ છે કે મંદિર તેનો મામલો અદાલતમાં હતો.

દરમિયાન, પંતની સરકારે કરેલી તાળાબંધી ૪૦ વર્ષ સુધી રહી. દેશભરમાં સંઘ, વિહિપે રામજન્મસ્થાન મુક્ત કરવાનો નારો બુલંદ બનાવ્યો. આથી તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમાંથી ભાજપને રાજકીય ફસલ લણતો રોકવા તાળા ખોલી નાંખવાનો અને શ્રદ્ધાળુઓને દર્શન કરવાની છૂટ આપવાનો આદેશ કરી દીધો. એ પછી ૧૯૯૨માં કારસેવાના નામે આખી ઈમારત જ તોડી પાડવાની ઘટના બની.

હિંસાના અનેક બનાવો અને રાજકીય ઉથલપાથલ વચ્ચે છેવટે ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો અને વિવાદિત સ્થળની ત્રણ હિસ્સામાં વહેંચણી કરી નાંખી. બંને પક્ષને એ પણ માન્ય ન હોવાથી મામલો સર્વોચ્ચ અદાલત સમક્ષ હાલ છે. સુબ્રમહ્મણ્યમ સ્વામીએ આ મામલાની રોજેરોજ સુનાવણી થાય અને જલદી ચૂકાદો આવે એ માટે અપીલ પણ કરી હતી.

હિન્દુ-મુસ્લિમ બંને પક્ષના નેતાઓએ લાગણીઓને એટલી હદે બહેકાવી દીધી છે કે કોઈ એક તસુ પણ હવે ચસકી શકે તેમ નથી. સમજુતી શક્ય નથી માટે જ તો અદાલત સમક્ષ મામલો પહોંચ્યો છે. એવે વખતે હવે અદાલત પાસેથી કાયમી ચૂકાદાની જ અપેક્ષા રહે છે, સુચન કે શીખામણની નહિ. કારણ કે, સર્વમાન્ય વિકલ્પના તમામ પ્રયાસો વિફળ રહ્યા છે.

હવે અદાલતે પાંચ ડિસેમ્બરથી રોજિંદા ધોરણે અંતિમ સુનાવણી કરવાની જાહેરાત કરી દીધી છે. આ કેસમાં ઉપયોગમાં લેવાયેલ વિવિધ પુરાવાઓ, ઐતિહાસિક તથ્યો, દસ્તાવેજો હિન્દી, ઉર્દુ, ફારસી, વ્રજ, માગધી એવી આઠ અલગ અલગ ભાષાઓમાં છે. આથી અદાલતે તાકિદના ધોરણે આ દરેક દસ્તાવેજો, જે હજારોની સંખ્યામાં છે, તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાની સુચના આપી છે.

આશા રાખીયે કે અંતિમ સુનાવણી પછી આવનાર ચુકાદો સર્વને શિરોધાર્ય બની રહે.

Keywords newsfocus,

Post Comments