Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTમાં કેન્દ્ર સરકારનો વધુ એક રોલબૅક

રોલબૅકના મામલે જીએસટી નવી જ ઊંચાઇઓ સર કરે એવી શક્યતા

આગામી સમયમાં હજુ GSTમાં સુધારાવધારાનો સિલસિલો ચાલુ રહેશે જે જોતાં ચૂંટણી આવતા સુધીમાં વિપક્ષોના હાથમાં ભાજપ વિરુદ્ધ લડવા હાથ લાગેલું આર્થિક મુદ્દાનું હથિયાર જ બુઠ્ઠું થઇ જાય તો નવાઇ નહીં

જીએસટી કાઉન્સિલે સામાન્ય જનતા અને નાના વેપારીઓના હિતમાં મોટો નિર્ણય કરતા ૧૭૮ પ્રોડક્ટ્સ પરના ટેક્સ રેટમાં કાપ મૂક્યો છે. હવેથી માત્ર ૫૦ લક્ઝરી અને હાનિકારક ગણાતી પ્રોડક્ટસ્ ઉપર જ ૨૮ ટકા જીએસટી લાગશે. આ સાથે જ કુલ ૨૧૧ પ્રોડ્ક્ટ્સ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટી લાગુ કર્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો છે.

સંસદના સેન્ટ્રલ હોલમાં આ વર્ષની ૩૦ જૂને મધ્યરાત્રિએ ‘એક દેશ, એક કર’ના સૂત્ર સાથે જીએસટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સરકારના ઘણા નેતાઓએ તેને ‘બીજી આઝાદી’ ગણાવી હતી. બેશક આઝાદી બાદ દેશની અર્થવ્યવસ્થામાં કરવામાં આવેલું આ સૌથી મોટું પરિવર્તન હતું પરંતુ જીએસટીને લઇને સરકાર તરફથી જે મોહક તસવીર રજૂ કરવામાં આવી હતી એ તસવીર થોડા જ દિવસમાં બેરંગ થઇ ગઇ. દસ વર્ષ લાંબી ચર્ચા વિચારણાના અંતે લાગુ કરવામાં આવેલા જીએસટી શરૃઆતથી જ પ્રક્રિયાગત અને ટેકનિકલ જંજાળમાં ગુચવાઇ ગયો છે.

અગાઉના નોટબંધીના નિર્ણયના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી ચૂક્યો હતો ત્યારે તેમાંથી બહાર આવવાને બદલે સરકારે ઉતાવળે અને તૈયારી વગર જીએસટી લાગુ કરીને લોકોની મુંઝવણમાં ઓર વધારો કરી દીધો. આ વર્ષની દીવાળી જેવા મોટા તહેવારોમાં પણ બજારોમાં લગભગ ૪૦ ટકા મંદી જોવા મળી. હવે લગ્નગાળામાં પણ મંદીની અસરો જોવા મળી રહી છે. રોજગારના મુદ્દે તો સરકાર પહેલેથી બેકફૂટ પર હતી અને હવે નોટબંધી અને જીએસટીએ બેરોજગારીની સમસ્યા વિકરાળ બનાવી દીધી છે.

નોટબંધીની પોલ તો રિઝર્વ બેંકે જારી કરેલા આંકડા બાદ ખુલી ગઇ અને હવે એ મામલે સરકાર બચાવ કર્યા સિવાય કશું કરી શકે એમ નથી. પરંતુ જીએસટીમાં હજુ સુધારા થઇ શકે છે અને સરકાર એ જ કરી રહી છે. જીએસટીમાં પણ આ સુધારા લાગુ કરવાનું મુખ્ય કારણ પ્રજા અને ખાસ તો વેપારીઓને પડી રહેલી હાલાકી કરતા પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અને એ પહેલા આવી રહેલી ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ છે. એમાં પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી તો માથે છે ત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લોકોને લાભકારક સુધારા કર્યા સિવાય સરકાર પાસે છૂટકો નહોતો.

જીએસટી લાગુ કરવાના મૂળ બે ઉદ્દેશ હતાં, એક તો દેશમાં એક સમાન કરવ્યવસ્થા લાગુ કરવી અને બીજું કર વ્યવસ્થાનું સરળીકરણ કરવું જેનાથી વેપાર કરવો આસાન રહે. ખાસ તો અસંગઠિત ક્ષેત્રનો મોટો હિસ્સો ટેક્સ હેઠળ આવે જેનો લાભ દેશની અર્થવ્યવસ્થાને મળે. પરંતુ હાલ તો આ તમામ મોરચે પરિસ્થિતિ ડામાડોળ છે. દેશનો મોટો હિસ્સો અસંગઠિત ક્ષેત્ર અને છૂટક રોજગારનો છે.

દેશના ૧૦માંથી ૯ મજૂરો નાની કંપનીઓ અને ઉદ્યોગોમાં કામ કરે છે. આ અસંગઠિત ક્ષેત્રને પહેલો ઢાટકો નોટબંધીના કારણે પડયો કારણ કે આવા ઉદ્યોગોનું અસ્તિત્ત્વ જ રોકડ રકમ પર ટકેલું છે. નોટબંધી અને જીએસટીને સરકાર દ્વારા લોકોના ભલા માટે લેવામાં આવેલાં પગલાં ગણવામાં આવે તો પણ તે જે રીતે ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યાં તેના કારણે તેમનો ઉદ્દેશ જ માર્યો ગયો. આ પગલાના કારણે નાના ઉદ્યોગો અને રોજગારીને બહુ મોટું નુકસાન થયું.

હજુ સુધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને રિયલ એસ્ટેટને જીએસટી અંતર્ગત લાવવામાં આવ્યાં નથી. રાજ્યોના આ ક્ષેત્રો દ્વારા મોટી આવક થાય છે તો સામા પક્ષે લોકોના ખિસ્સા પર બોજ વધે છે.  જીએસટીના દરોમાં હજુ પણ ઘણી અસ્પષ્ટતા છે તો છે જ પરંતુ વસ્તુઓના વર્ગીકરણમાં એટલે કે કઇ વસ્તુ કઇ કેટેગરીમાં આવે એને લઇને પણ મુંઝવણભરી પરિસ્થિતિ છે. ઉપરાંત ટેકનિકલ મુદ્દા પણ જટિલ છે. એટલા માટે જ એક વર્ગ તો એવી દલીલ કરી રહ્યો છે કે જો સરકાર વર્ષોથી જીએસટી લાગુ કરવા માટે વિચારણા કરી રહી હતી તો સંભવિત તકલીફોને ધ્યાનમાં લઇને એક સાથે જ સરળ જીએસટી જેવો સરકાર ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ હોવાના દાવો કરે છે, એવા સ્વરૃપમાં જ કેમ લાગુ ન કર્યો? હવે જીએસટી લાગુ કર્યા બાદ તેમાં છાશવારે સુધારા વધારા કરવાના પરિણામે સામાન્ય વેપારીઓ તો ઠીક મોટા મોટા ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ્સને પણ એ સમજવામાં તકલીફ પડી રહી છે.

એવું નથી કે સરકારને જીએસટી દ્વારા ઊભી થનારી મુશ્કેલીઓનો અંદાજ નહોતો, પરંતુ સત્તાના મદમાં રાચતી સરકારે તેને લાગુ કરવામાં ઉતાવળ કરીને મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો. હજુ પણ જીએસટી કાઉન્સિલ સમક્ષ સમસ્યાઓનો જે ઢગલો પડયો છે તેના કારણે આગામી દિવસોમાં જીએસટીમાં સુધારાવધારા થયા કરશે. એવું લાગે છે કે રોલબેક કરવામાં જીએસટી નવી જ ઊંચાઇઓ સર કરશે. જોકે નવી વ્યવસ્થા લાગુ કરી છે એટલે જેમ જેમ સમસ્યાઓ આવતી જશે એમ એમ સુધારા થયા કરશે.

ખરું જોતા ભારત જેવા પ્રચંડ વસતી ધરાવતા દેશમાં જીએસટી લાગુ કરવો અત્યંત મુશ્કેલ બાબત છે. આમ તો દુનિયાભરના આશરે ૧૪૦ દેશોમાં જીએસટી લાગુ છે પરંતુ ઘણાં ખરા દેશોમાં ભારત જેટલી જનસંખ્યા નથી અથવા તો એ દેશો વિકસિત છે. બીજું કોંગ્રેસ કે અન્ય વિપક્ષોની એક જ ટેક્સ રાખવાની દલીલ પણ ભારત માટે વાજબી નથી કારણ કે અહીંયા વસતીના જ જુદાં જુદાં સ્લેબ છે. યુરોપના દેશોની વાત કરીએ તો ત્યાંના લોકો ખૂબ અમીર કે પછી સાવ ગરીબ નથી. ભારતમાં દૂધ ઉપર અને મર્સિડિઝ કાર ઉપર એક સમાન ટેક્સ લાગે એ વાત જ હાસ્યાસ્પદ લાગે છે.

ખરેખર તો જુદાં જુદાં ટેક્સ સ્લેબ પરેશાની નથી પરંતુ એના કારણે ઊભો થયેલો ગુંચવાડો છે. દેશનો ૭૦ ટકા કારોબાર કાચા બિલ અને કોઇ પણ પ્રકારના પેપરવર્ક વગર ચાલતો હોય તો વેપારીઓની સમજમાં જીએસટી ન જ આવે એ સ્વાભાવિક છે. વેપારીઓમાં જે અસંતોષ અને વ્યાપારમાં જે નુકસાન જઇ રહ્યું છે એ જીએસટીના કારણે નહીં પરંતુ તેને લાગુ કરવાના પ્રકારને લીધે છે. ઉતાવળે જીએસટી લાગુ કરવાના બદલે પહેલા દેશના લોકોને અને વેપારીઓને તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હોત તો કદાચ આટલી મોટી સમસ્યા ઊભી ન થઇ હોત. ઉદાહરણ તરીકે મલેશિયામાં ૨૦૧૫માં જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પહેલાં સરકારે દોઢ વર્ષ સુધી વેપારીઓ વચ્ચે પ્રચાર અને પ્રસાર કર્યો. જમીની સ્તર પર પૂરી તૈયારીઓ સાથે જીએસટી લાગુ કર્યા બાદ પણ ઘણાં મહિના સુધી ત્યાંના નાના અને મધ્યમ કદના વેપારીઓમાં અસમંજસની સ્થિતિ બની રહી હતી.

ભલે નોટબંધી કે જીએસટીનો વિરોધ થઇ રહ્યો હોય અને સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાનંમ બિરુદ છિનવાઇ ગયું હોય પરંતુ મોંઘવારી એ હદે નથી વધી જે રીતે જીએસટી લાગુ કરનારા ઘણાં ખરાં દેશોમાં વધી હતી. સિંગાપોરમાં ૧૯૯૪માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે જીડીપી ૫.૬ ટકાથી ગગડીને ત્રણ ટકા થઇ ગઇ. ઉપરાંત મોંઘવારીમાં પણ ભારે વધારો થઇ ગયો. સદ્નસીબે ભારતમાં એવું થયું નથી. જીડીપી ગ્રોથમાં બેશક બે ટકાનો ઘટાડો થયો છે પરંતુ મોંઘવારીમાં ભારે વધારો થયો નથી.

જીએસટીના ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં આવતી જીવનજરૃરિયાતની ઘણી ખરી વસ્તુઓને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં લાવીને સરકારે રાજકીય રીતે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ખાસ તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તેનો ફાયદો થયા વિના રહેશે નહીં. આમ પણ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્યત્ત્વે નોટબંધી અને જીએસટીના મુદ્દે જ ભાજપ સરકારને ઘેરી રહ્યાં છે. એવામાં જીએસટીમાં મળેલી રાહતોના કારણે કોંગ્રેસનો પક્ષ નબળો પડશે અને ભાજપ મજબૂત બનશે એમાં શંકા નથી.

બીજું દેશના વિપક્ષો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવા માટે આર્થિક મુદ્દો એક મજબૂત હથિયારના રૃપમાં હાથ લાગ્યો છે પરંતુ જીએસટીમાં કરવામાં આવી રહેલા સુધારાઓના કારણે ચૂંટણી આવતા સુધીમાં આર્થિક મુદ્દો જ નબળો પડી જાય તો કહેવાય નહીં. એ તો હકીકત છે કે સરકાર આર્થિક નીતિઓના મામલે બચાવની મુદ્રામાં છે અને હાલ તો વિપક્ષો લગાતાર હુમલા કરી રહ્યાં છે. ખુદ ભાજપની અંદરથી જ યશવંત સિંહા જેવા દિગ્ગજ નેતા સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી ચૂક્યાં છે. પરંતુ સરકારે જીએસટીમાં કરેલા નવા સુધારા બાદ ભાજપ ગુજરાતના વેપારીઓને રીઝવવામાં કામિયાબ નીવડશે એવું હાલ તો લાગી રહ્યું છે. એવી જ રીતે ૨૦૧૯ની ચૂંટણી આવતા સુધીમાં લોકોને અને કારોબારીઓને પોતાની તરફેણમાં કરવા માટે જીએસટીમાં યૂ-ટર્નનો સિલસિલો ચાલુ રહેશે એ પણ નક્કી છે.

Keywords newsfocus,

Post Comments