Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટીડીપીનો સાથ છૂટવાથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડશે

- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ તેમના રાજ્યને વિશેષ દરજ્જો ન આપવાના કારણે મોદી સરકારથી નારાજ

- આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે એનડીએની મહત્ત્વના સહયોગી તેલગુ દેશમ પાર્ટીએ કેન્દ્રની મોદી સરકારથી અલગ થવાનો નિર્ણય લઇને ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે અને હવે ભાજપે આંધ્ર અને તેલંગાણામાં નવેસરથી રાજકીય સમીકરણો માંડવાનો વારો આવ્યો છે

આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મોટો ઝાટકો વાગ્યો છે. વર્તમાન મોદી સરકારમાં સામેલ ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) સરકારમાંથી અલગ થઇ છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે છેલ્લા ચાર વર્ષથી આંદોલન કરી રહેલી ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીના બંને મંત્રીઓએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામા આપ્યા છે. ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી વાઇ.એસ. ચૌધરીએ મોદી સરકારમાંથી રાજીનામા આપ્યા છે.

મંત્રીઓના રાજીનામા મામલે ચંદ્રાબાબુ નાયડૂએ ગઇ કાલે મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને જાહેરાત કરી કે આ મુદ્દે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ વડાપ્રધાન ફોન ઉપર ન આવતા તેમણે વડાપ્રધાનના ઓએસડીને કહ્યું કે તેઓ ટીડીપીના નિર્ણયને વડાપ્રધાન સુધી પહોંચાડી દે. જોકે હાલ ચંદ્રાબાબુ નાયડૂએ એનડીએથી અલગ થવા અંગે કશો ખુલાસો કર્યો નથી. સરકારથી અલગ થવાની જાહેરાત સાથે ચંદ્રાબાબુ નાયડૂએ કહ્યું કે તેમના પાર્ટી કેન્દ્ર સરકાર સાથે એ અપેક્ષાથી જોડાઇ હતી કે આંધ્રપ્રદેશને ન્યાય મળશે પરંતુ એવું થયું નથી. એ સંજોગોમાં હવે મોદી સરકાર સાથે જોડાઇ રહેવું શક્ય નથી.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પહેલા એનડીએમાં સામેલ થતા પહેલા ચંદ્રાબાબુ નાયડૂએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સમયની જરૃરિયાત છે. પરંતુ આ વર્ષે બજેટ રજૂ થયા બાદ તેમણે કહ્યું કે જો ભાજપને અમારી જરૃર નથી તો અમે નમસ્તે કહી દઇશું. ટીડીપીના વડા લાંબા સમયથી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યાં છે. પોલાવરમ બંધ પરિયોજના અને પાટનગર અમરાવતીના નિર્માણ માટે પણ ટીડીપીને કેન્દ્ર સરકારની આર્થિક સહાયની જરૃર છે.

આ વર્ષે પહેલી ફેબુ્રઆરીએ રજૂ થયેલા સામાન્ય બજેટમાં મોદી સરકારે ટીડીપીને માંગ પૂરી  ન કરી અને ન તો એવા કોઇ સંકેત આપ્યા કે આગામી સમયમાં ટીડીપીની માંગો પૂરી કરવામાં આવશે. જે કારણે ચંદ્રાબાબુ રોષે ભરાયા છે. તેમણે મોદી સરકારને આર્થિક સહાયની જાહેરાત કરવા માટે પાંચમી માર્ચ સુધીનો સમય આપ્યો હતો પરંતુ હજુ સુધી ભાજપે આંધ્રપ્રદેશને કોઇ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું નથી. પરિણામે ચંદ્રાબાબુ નાયડૂએ કેન્દ્ર સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

નાણામંત્રી અરુણ જેટલીએ વધુ એક વખત સ્પષ્ટતા કરી છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય એમ નથી. જેટલીના જણાવ્યા અનુસાર વિશેષ રાજ્યનો અર્થ સ્પેશિયલ પેકેજ થાય છે જે દરેક રાજ્યને આપવું શક્ય નથી. તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશનું વિભાજન થયું ત્યારે તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ એ પછી ૧૪મા નાણાકીય પંચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવો દરજ્જો આપી શકાય નહીં.
સંસદમાં ટીડીપીની ક્ષમતાની વાત કરીએ તો આંધ્રપ્રદેશની ૨૫ બેઠકોમાંથી ટીડીપીના ૧૬ સાંસદ છે જેમાંના ટીડીપીના ક્વોટા પ્રમાણે બે મંત્રી બન્યા છે.

હાલ તો ટીડીપી સરકારથી અલગ થઇ જાય તો પણ મોદી સરકારને વાંધો આવે એમ નથી પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સમયે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપે અલગ સમીકરણો વિચારવા પડે એમ છે. ભાજપ માટે બેવડો પડકાર છે. પહેલી એ કે આગામી લોકસભાની ચૂંટણી વખતે જ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીઓ છે. એનો અર્થ એ કે આ રાજ્યોની જનતા જે વિકલ્પ ચૂંટશે તેનાથી ૨૦૧૯ની લોકસભાના ગણિત ઉપર અસર પડવી નક્કી છે. બીજો પડકાર એ કે ભાજપ દક્ષિણના રાજ્યમાં જનાધાર વધારવાના પ્રયાસો કરી રહ્યો છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા પાસે તેને ઘણી અપેક્ષાઓ છે.

બંને રાજ્યોમાં હાલ ભાજપ અને ટીડીપી જ ગઠબંધનમાં છે. બંને પક્ષો ૨૦૧૪ની વિઘાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડયા હતાં. આ પ્રયોગ સફળ પણ રહ્યો. આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર બની ત્યારે ભાજપના ચારમાંથી બે વિધાનસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું. સામા પક્ષે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ટીડીપીની બે સાંસદોને મંત્રીપદ મળ્યું.

આંધ્રપ્રદેશમાં ભાજપના પણ ચાર વિધાનસભ્યો છે અને રાજ્યની ચંદ્રાબાબુ નાયડૂ સરકારમાં ભાજપ પણ સામેલ છે. હવે કેન્દ્રની મોદી સરકારમાંથી જ્યારે ટીડીપીના બે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે ત્યારે આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડૂ સરકારમાંથી પણ ભાજપના બે મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. હાલ તો ટીડીપીએ એનડીએમાંથી જુદા થવાનો ઇન્કાર કર્યો છે પરંતુ બંને પક્ષો વચ્ચે જે તણાવ વ્યાપી રહ્યો છે એ જોતા આગામી દિવસોમાં જો આ જોડાણ તૂટી જાય તો પણ કોઇને નવાઇ નહીં લાગે.

એ સંજોગોમાં ભાજપે હવે એ ધ્યાન રાખવું પડશે કે તે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ટીડીપીના વિકલ્પ તરીકે કોને પસંદ કરે. કમ સે કમ ભાજપે એવો સાથી પસંદ કરવો પડશે કે તેને આ રાજ્યોમાં લાભ ન થાય તો કંઇ નહીં પણ નુકસાન ન થાય. હાલ પરિસ્થિતિ એવી છે કે આંધ્ર અને તેલંગાણામાં ભાજપ એકલા ખાસ પ્રદર્શન કરી શકે એમ નથી.
આંધ્રપ્રદેશની વાત કરીએ તો રાજ્યની વિધાનસભાની કુલ ૧૭૬ બેઠકો છે જેમાં ટીડીપીના ૧૦૩ વિધાનસભ્યો છે.

સંયુક્ત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી સ્વ. વાઇ.એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર જગન રેડ્ડી આંધ્રપ્રદેશની બીજી મોટી તાકાત છે. કોંગ્રેસથી અલગ થયા બાદ તેમણે વાઇએસઆર કોંગ્રેસ નામે અલગ પક્ષ રચ્યો છે. આંધ્રપ્રદેશનું વિભાજન થયા બાદ ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જગન રેડ્ડીના પશ્રે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડયું અને ૬૬ બેઠકો ઉપર વિજય મેળવીને મુખ્ય વિપક્ષ બની ગયો.

આંધ્રપ્રદેશથી અલગ થયેલા તેલંગાણામાં સૌથી મોટો ફાયદો નવા રાજ્યના નિર્માણમાં આગળ પડતી ભૂમિકા ભજવનાર ચંદ્રશેખર રાવ (કેસીઆર)ને થયો. તેલંગાણા તરીકે નવા રાજ્યનું ગઠન થયા બાદ ૨૦૧૪માં થયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ને ૧૨૦ વિધાનસભા બેઠકોવાળી વિધાનસભામાં આસાનીથી બહુમતિ મળી ગઇ. હાલ કેસીઆર ૮૨ વિધાનસભ્યોના સમર્થન સાથે તેલંગાણાના મુખ્યમંત્રી છે.

તેલંગાણામાં બીજા મોટા પક્ષ તરીકે ૧૯ બેઠકો સાથે કોંગ્રેસ છે. રાજ્યમાં ત્રીજો પક્ષ અકબરુદ્દીન અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદુલ મુસ્લિમીન છે. તેમના વિધાનસભામાં સાત સભ્યો છે. ભાજપના પાંચ અને ટીડીપીના ત્રણ વિધાનસભ્યો છે. બાકી બેઠકો અન્યોના ખાતામાં છે.

તેલંગાણાના રાજકારણની વાત કરીએ તો ટીઆરએસ કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકારમાં સહયોગી રહી ચૂકી છે. કેસીઆર યૂપીએ સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતાં. જોકે ૨૦૦૬માં ટીઆરએસ કોંગ્રેસથી અલગ થઇ ગઇ હતી. એ પછી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ સાથે આવવાના પ્રયાસ કર્યા હતાં પરંતુ જોડાણ શક્ય બન્યું નહોતું. મતલબ કે જરૃર પડયે ટીઆરએસ કોંગ્રેસ સાથે આવી શકે છે.

બીજી બાજુ ટીઆરએસને ટીડીપના ચંદ્રાબાબુ નાયડૂ સાથે પણ મધુર સંબંધો બનાવી રાખ્યા છે. વળી કેસીઆર વડાપ્રધાન મોદીની પણ વખતોવખત પ્રશંસા કરી ચૂક્યાં છે. ટીડીપીથી અલગ થયા પછી તેલંગાણામાં ભાજપ  ટીઆરએસ સાથે આવી શકે છે પરંતુ કેસીઆર અને ભાજપ પ્રમુખ અમિત શાહ વચ્ચે ખાસ બનતું ન હોવાની વાતો સંભળાય છે. એ સંજોગોમાં ભાજપ માટે તેલંગાણામાં સર્વશ્રેષ્ઠ સાથીદાર ટીડીપી જ છે.

આંધ્રપ્રદેશમાં ટીડીપી બાદ ભાજપ જગન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસ સાથે જઇ શકે છે. ખુદ જગન રેડ્ડી ભાજપ સાથે આવવા તૈયાર છે પરંતુ તેમની પણ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ છે. બીજું એ કે જગન રેડ્ડી ઉપર ભ્રષ્ટાચાર અને આવકથી વધારે સંપત્તિના મામલા છે જેના કારણે ભાજપ તેમની સાથે જોડાવામાં ખચકાટ અનુભવી શકે છે. વળી જગન રેડ્ડી સાથે જોડાવાનો તેલંગાણામાં ખાસ લાભ મળવાની શક્યતા નથી. મતલબ કે આંધ્રમાં પણ ભાજપ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ટીડીપી જ છે.

ભાજપથી ટીડીપીના અલગ થવાની પરિસ્થિતિમાં કોંગ્રેસ પણ રાજકીય લાભ મેળવવાની કોશિશમાં લાગી ગઇ છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે એવી ટકોર પણ કરી કે આટલા મહત્ત્વના મુદ્દે વડાપ્રધાન મોદી ચંદ્રાબાબુ નાયડૂ સાથે ફોન ઉપર વાત પણ ન કરે એ દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે જો આગામી લોકસભાની ચૂંટણીમાં યૂપીએ સત્તા ઉપર આવશે તો તેઓ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવશે.

જોકે હાલ તો ટીડીપીએ સ્પષ્ટતા કરી છે કે તે સરકારથી અલગ થઇ રહી છે એનડીએથી નહીં અને કોૅગ્રેસ કે બીજા કોઇ પક્ષ સાથે જવાનો સવાલ જ નથી. પરંતુ રાજકારણમાં કશું અશક્ય નથી અને લોકસભાની ચૂંટણી આડે એક વર્ષની વાર છે ત્યારે કેવા રાજકીય સમીકરણો રચાય છે એ તો સમય આવ્યે જ ખબર પડશે.

Keywords NEWS,FOCUS,9,march,2018,

Post Comments