Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇલેક્ટોરલ બોન્ડ ચૂંટણી ફંડમાં થતા ભ્રષ્ટાચારને નાથી શકશે?

- સરકારની નવી યોજના અનુસાર રાજકીય પક્ષોને ફાળો બોન્ડ દ્વારા જ આપી શકાશે

- ચૂંટણી બોન્ડના ચલણથી રાજકારણમાં બેનામી નાણાના ઉપયોગને સંપૂર્ણ રીતે રોકી શકાશે એવું તો ન કહી શકાય પરંતુ ચૂંટણી ભંડોળમાં આવતા કાળા નાણાં પર લગામ જરૃર કસી શકાશે

રાજકીય પક્ષોને મળતા ચૂંટણી ભંડોળમાં પારદર્શકતા લાવવાના ભાગરૃપે નાણા મંત્રી અરુણ જેટલીએ ચૂંટણી બોન્ડની જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે દરેક રાજકીય પક્ષને ફંડ રોકડ રકમ નહીં પરંતુ બોન્ડ દ્વારા આપી શકાશે. જેટલીએ ગત બજેટ રજૂ કરતી વખતે જ બોન્ડના માધ્યમ દ્વારા ચૂંટણી ફંડ આપવાની યોજનાની જાહેરાત કરી હતી. આ બોન્ડ ભારતના કોઇ પણ નાગરિક કે કંપની ખરીદી શકશે.

નાણા મંત્રીએ દાવો કર્યો છે કે આ પ્રકારના બોન્ડની વ્યવસ્થા શરૃ થવાથી રાજકીય પક્ષોને મળતા ફંડની તમામ પ્રક્રિયામાં પારદર્શકતા આવી જશે. જોકે તેમના આ દાવા અંગે સવાલ કરતા કોંગ્રેસે કહ્યું છે કે જો બોન્ડ દ્વારા ફંડ આપનાર વ્યક્તિનું નામ જાહેર નહીં કરવામાં આવે તો એ પ્રક્રિયા પારદર્શક કેવી રીતે ગણાય? ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ. કૃષ્ણામૂર્તિએ પણ બોન્ડ સિસ્ટમ અંગે શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર ચૂંટણી બોન્ડની આ નવી યોજનાથી ચૂંટણી ફંડમાં પારદર્શકતાને પ્રોત્સાહન નહીં મળે તેમજ કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેની સાંઠગાંઠ તોડવામાં પણ સફળતા નહીં મળે. આમ તો બોન્ડ ખરીદનારનું નામ ગુપ્ત રાખવાની જોગવાઇના કારણે પારદર્શકતા સામે સવાલ થઇ શકે છે પરંતુ બોન્ડ ખરીદનારે કેવાયસી ભરવાનું રહેશે અને પોતાની બેલેન્સ શીટમાં પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

એ તો જગજાહેર છે કે રાજકીય પક્ષો પોતાની આવક અને ખર્ચના આંકડા જાહેર કરવામાં પારદર્શક નથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજકીય પક્ષોને ફંડફાળા તરીકે જે કરમુક્ત રકમ પ્રાપ્ત થાય છે તેની માહિતી તેમની પાસે નથી હોતી. આમ તો માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને મળતા ફંડ ફાળાના આંકડા પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે પરંતુ તેમાંની કેટલી રકમ ટેક્સ ફ્રી છે તેની તેમની પાસે કોઇ જાણકારી નથી. ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૩(એ) અનુસાર રાજકીય પક્ષોને તેમની આવકની જાણકારી આપવા અંગે છૂટ આપવાની જોગવાઇ છે. આ આવકમાં આવાસ સંપત્તિ, અન્ય સ્ત્રોતો, કેપિટલ ગેઇન અને કોઇ વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલા ફાળાની રકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ છૂટ રાજકીય પક્ષોને એ જ સંજોગોમાં મળે જો તેમણે પોતાની આવકનો હિસાબ રાખ્યો હોય અને તેની ઓડિટ કોઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કરાવી હોય. રાજકીય પક્ષોએ દર વર્ષે ફાળા સ્વરૃપે મળેલી ૨૦ હજાર રૃપિયાથી વધારે રકમની જાણકારી ચૂંટણી પંચને આપવાની ફરજિયાત છે.

ખરી રીતે જોઇએ તો લોકશાહીમાં પારદર્શકતા હોવી અત્યંત જરૃરી છે. અગાઉની યૂપીએ સરકારે માહિતીના અધિકાર માટે આરટીઆઇ એક્ટ લાવીને પારદર્શકતાની દિશામાં મહત્ત્વનું પગલું ઉઠાવ્યું હતું. આ કાયદાના કારણે છેલ્લા થોડા વર્ષોમાં લોકોને એવી બાબતોની જાણકારી મળી જે અગાઉ મળવી અશક્ય હતી. આ કાયદા અનુસાર હવે કોઇ પણ સરકારી કામકાજની વિગતો મેળવી શકાય છે. જેના કારણે સરકારી અધિકારીઓએ તેમની કામગીરીમાં સજાગ રહેવું પડે છે. એમ થવાથી સરકારી કામકાજ સુધર્યું છે અને તેમાં પારદર્શકતા પણ આવી છે. પરંતુ આરટીઆઇ એક્ટમાંથી પણ રાજકીય પક્ષોને બાકાત રાખવામાં આવ્યાં છે. દલીલ છે કે રાજકીય પક્ષો સ્વૈચ્છિક સંગઠન ગણાય. સવાલ એ છે કે જે રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય, સરકાર સ્થાપતા હોય, દેશ ચલાવતા હોય એ સરકારી ન ગણાય?

આમ તો વાતે વાતે એકબીજાની વિરુદ્ધ જતા રાજકીય પક્ષો આ વાતે એકમત છે કે તેમની આવકનો હિસાબ માગવાનો જનતાને હક નથી. રાજકીય પાર્ટીઓની દલીલ છે કે તેમના નેતાઓ અને કાર્યકરો સરકાર દ્વારા મળતી રકમ પર ચાલતા નથી કે નથી પક્ષની કામગીરી સરકારી રકમથી થતી. તેમની આ દલીલમાં વજૂદ તો છે પરંતુ જ્યારે પારદર્શક વહીવટની વાત થતી હોય તો દેશના મતદારો સામે એ સ્પષ્ટ કરવાની તેમની નૈતિક જવાબદારી બને છે કે તેમની આવક યોગ્ય પ્રકારે થઇ છે અને ખર્ચ પણ સાચી દિશામાં કરવામાં આવ્યો છે.

એ તો બધાં જાણે જ છે કે રાજકારણમાં ભ્રષ્ટાચારનું મોટું કારણ રાજકીય પક્ષોને મોટા મોટા ઔદ્યોગિક એકમો અને વ્યાવસાયિક કંપનીઓ દ્વારા મળતો ફંડ છે. આ ફાળો નજીવી માત્રામાં ચેક દ્વારા આપવામાં આવે છે અને મોટો હિસ્સો રોકડ રકમરૃપે આપવામાં આવતો હોય છે. આમ જાહેર ન કરવામાં આવતી રોકડ રકમના સ્વરૃપે જ કાળા નાણાનો વ્યવહાર વધતો હોય છે. અને આવું કાળું નાણું જ મોટા ભાગના રાજકીય પક્ષોને ચલાવવામાં મોટો ફાળો ભજવતું હોય છે. રાજકીય પક્ષો ચૂંટણી પંચને તેમની આવક અને ખર્ચનો હિસાબ તો આપતા હોય છે પરંતુ એમાં આવી બેહિસાબી નાણાની કોઇ વિગત હોતી નથી.

એ પણ હકીકત છે કે નિયત સમયની અંદર ચૂંટણી ખર્ચના આંકડા જાહેર ન કરનાર રાજકીય પક્ષો સામે ચૂંટણી પંચ પગલા લેતું નથી. ખરું જોતા ચૂંટણી ટાણે રાજકીય પક્ષો પ્રજાને આકર્ષવા બેફામ ખર્ચ કરતા હોય છે. આ પ્રકારની ચૂંટણીના કારણે સામાન્ય વર્ગના લોકોનું રાજકારણમાં આવવું જ કે ચૂંટણીમાં ઊભા રહેવું મુશ્કેલ બની ગયું છે. આમ તો વિધાનસભા ઉમેદવાર ચૂંટણી દરમિયાન ૨૦થી ૨૮ લાખ રૃપિયા મહત્તમ ખર્ચી શકે છે. તો લોકસભાના ઉમેદવાર ૫૪થી ૭૦ લાખ રૃપિયાનો ખર્ચ કરી શકે છે, પરંતુ એ તો જગજાહેર છે કે ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો આનાથી અનેક ગણી વધારે રકમ ખર્ચતા હોય છે જેની ચૂંટણી પંચ પાસે કોઇ જ માહિતી હોતી નથી.

ચૂંટણી ફંડમાં ભ્રષ્ટાચારની વ્યાપક સંભાવના હોવાથી દુનિયાભરના જુદાં જુદાં દેશોમાં આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે મહત્ત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. અમેરિકાની જ વાત કરીએ તો ત્યાંના નાગરિક દરેક ચૂંટણી અભિયાનમાં એક હજાર ડોલરથી વધારે રકમનું દાન કરી શકતો નથી. એ જ રીતે એક નાગરિક આખા વર્ષ દરમિયાન ૨૫ હજાર ડોલરથી વધારે ફંડ આપી શકતો નથી. વળી ઉમેદવારો અને રાજકીય પક્ષોએ અમુક નિશ્ચિત સમયે ફંડની પ્રાપ્તિ અને ખર્ચ અંગેને વિગતો આપવાની રહે છે. ઉમેદવારો પાસે તેમને આર્થિક સહાય કરતી પોલિટિકલ એકશન કમિટી અને પાર્ટી સમિતિઓની યાદી હોવી જોઇએ. એ સાથે જ વર્ષે ૨૦૦ ડોલરથી વધારે ફંડ આપનાર વ્યક્તિનું નામ પણ જાહેર કરવું પડે છે.

ઓસ્ટ્રેલિયામાં તમામ રાજકીય પક્ષોને તેમને મળતા ચૂંટણી ફંડની વિગતો ચૂંટણી પંચને આપવી અનિવાર્ય છે. જો કોઇ નાગરિક કોઇ ઉમેદવારને ૧૨૫ ડોલરથી વધારે અથવા કોઇ સેનેટ ગુ્રપને ૬૨૫ ડોલરથી વધારે ફંડ આપે તો તેનું નામ જાહેર કરવું પડે છે. જો કોઇ નાગરિક રજિસ્ટર્ડ રાજકીય પક્ષને ૯૩૫ ડોલરથી વધારે ફંડ આપે તો તેને ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવું પડે છે. બ્રિટનમાં ચૂંટણી ફંડ વિશે ઘણી અનિયમિતતા પ્રવર્તે છે. ત્યાંના રાજકીય પક્ષો પર અવારનવાર આક્ષેપો થતા રહે છે કે તેઓ અમુક શ્રીમંત દાતાઓ પર વધારે પડતા નિર્ભર છે.

ફ્રાન્સની વાત કરીએ તો અહીંયા ૧૯૯૫થી કોર્પોરેટ ગુ્રપ પાસેથી ફંડ લેવાની મનાઇ છે. અહીંયા ચૂંટણીઓ સ્ટેટ ફંડિંગ એટલે કે સરકારી ખર્ચે થાય છે. ચૂંટણી સમયે એક વ્યક્તિ ૪૬૦૦થી ૭૫૦૦ યૂરો સુધીનો ફંડ આપી શકે છે. ખાસ વાત એ કે અહીંયા ફંડ આપવામાં ટેક્સ ઉપર પણ છૂટ મળે છે. જર્મનીમાં ૬૭૦૦ યૂરોથી વધારે ફંડની વિગતો આપવી આવશ્યક ગણાય છે. યુરોપિયન યુનિયન અથવા કોઇ જર્મન કંપનીમાં જો કોઇ જર્મન નાગરિકની ભાગીદારી પચાસ ટકાથી વધારે હોય તો તે ૩૩૬ યૂરોનો ફંડ આપી શકે છે. આયરલેન્ડમાં કોઇ પણ વ્યક્તિ વાર્ષિક ૪૫૦૦ પાઉન્ડથી વધારે રકમ ચૂંટણી ફાળામાં આપી શકતો નથી. રાજકીય પક્ષોએ પણ ૩૬૦૦ પાઉન્ડથી વધારે તમામ ફંડની વિગતો આપવી ફરજિયાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી સરકારી વહીવટમાં પારદર્શકતા લાવી ઘણાં ઉપાયો અમલમાં મૂકી રહ્યાં છે. રાજકીય પક્ષોની આવકજાવકનો હિસાબ પણ પારદર્શક કરવાની તેમની ઇચ્છા તેઓ વડાપ્રધાન બન્યા અગાઉ જ જાહેર કરી ચૂક્યાં છે. આશા રાખીએ કે ચૂંટણી બોન્ડની વ્યવસ્થા દ્વારા રાજકીય પક્ષોને મળતા ફંડ પારદર્શક બને અને રાજકીય પક્ષોની વાસ્તવિક આવકજાવક પણ લોકો સમક્ષ આવે.

Post Comments