Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

વસ્તુઓ માણસ જાત પર હાવી થવા લાગી છે

કેન્સરકારક વસ્તુઓ આપણા રોજિંદા જીવન સાથે વણાઈ ચૂકી છે

ગ્રેનાઇટના પથ્થરમાંથી રેડિયો એક્ટિવ ગેસ રેડોન નીકળે છે

તમે મોં પર જે કોસ્મેટિક્સ લગાડો છો તેમાં રહેલું વેન્જોફેન-૩ નામનું કેમિકલ દિવસો સુધી મૂત્રમાંથી નીકળતું રહે છે

જેમ જુદી-જુુદી વસ્તુઓની ફેશન આવે તેમ આજકાલ રાષ્ટ્રવાદની ફેશન ચાલી છે. રાષ્ટ્રને સમજવા-જાણવામાં કોઈને રસ નથી. દેશભક્ત દેખાવાનો, શોઑફ કરવાનો ધખારો છે. આખોં દેખી, ફસ ગયે રે ઓબામા જેવી  કેટલીક વિચારશીલ અને કળાપ્રધાન ફિલ્મોમાં સ્મરણીય કામ કરનારા અભિનેતા સંજય મિશ્રાએ ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આપણે ખરું હિંદુસ્તાન ખતમ કરી નાખ્યું છે.

તેઓ કહે છે કે રાજનીતિ, ખુરશી, ભીડ અને તાકતના સહારે જિંદગી નથી ચાલતી. જો જરૃરી ચીજો બચાવવા માટે વિવાદ કર્યો હોત તો આજે જે સ્થિતિ છે તે ન હોત. જેમ કે આજે આપણે હૈદરાબાદમાં ઊતરીએ તો લાગે છે બનારસમાં ઊતર્યા છીએ. મુંબઈ પહોંચીએ તો લાગે કે દિલ્હી પહોંચ્યા છીએ. દરેક શહેરની એક પરંપરા છે. ઓળખ છે, જેને આપણે નષ્ટ કરી દીધી છે.

બધું સરખું જ લાગે છે. પહેલા મોલ આવ્યા, પછી મોબાઈલ આવી ગયા. બધું અહીંથી જ ખરીદાય છે. આમાંથી હિંદુસ્તાન ગાયબ છે. જેમાં મહિલાઓ સાડીની દુકાને ખરીદી કરવા જતી અને જે લહેકાથી વાત કરતી એ લહેકો લાપતા છે. પહેલા પુરુષો ચાની કેબીને ઊભા રહીને વાતચીત કરતા. એકબીજાના સુખદુ:ખ પૂછતા. આ મૂળભૂત બાબતો જ આપણે ખોઈ નાખી છે તો હવે આપણે કયા કલ્ચરને બચાવીશું?

આ માણસ સંસ્કૃતિ દર્શનનો તમારો અભિગમ બદલી નાખે છે. સંસ્કૃતિ એટલે ખાલી મંદિર-મસ્જિદ, ગીતો, તહેવારો ,નૃત્યો કે રીતિ-રીવાજો નહીં. સંસ્કૃતિ એટલે તમારી ઊઠવા-બેસવાની શૈલી, તમારી લઢણ (ગાળો બોલવાની પણ!), પિકનિક પર જવાની સ્ટાઇલ અને જીવનની ઝીણી-ઝીણી તમામ બાબતો. મંદિર-મસ્જિદ બચી જાય પણ આ બધું વિખેરાઈ જાય તોય સંસ્કૃતિ તો ગુમાવી જ ને. વિવિધતાપૂર્ણ હોય અને બધું એકરસ થઈ જાય તો કલ્ચર તો ગયું જ ને?

(અશોક વાજપેયીનું વિધાન) સમાજનું સ્થાન બજારે લઈ લીધું છે.  વસ્તુઓ આપણા પર જોર બતાડવા લાગી છે. વસ્તુઓનું માનવીયકરણ થઈ રહ્યું છે, અને માનવીનું વસ્તુકરણ. એક દિવસ મોબાઈલ બંધ રહે તો તાવ આવી જાય એવી સ્થિતિ છે. ચૈતન્ય નિષ્પ્રાણ બનતું જાય છે અને જે જડવત્ છે તે નવા તેજથી છલકાઈ રહ્યું છે. આ ચીજોથી આપણને કેટલું નુકસાન થાય છે, થઈ રહ્યું છે તેનોય અંદાજ નથી! ચીજોનો વિરોધ નથી, પણ તેના વિવેકની વાત છે. કોઈ લિમિટ તો હોય કે નહીં. કોઈ એક વ્યક્તિનો વાંક નથી. આ યુગની માનસિકતાનો વાંક છે.

તાજેતરમાં (ચોથી ફેબુ્રઆરીએ) વિશ્વ કેન્સર દિવસ ગયો. કમાલની વાત એ છે કે કેટલીક એવી વસ્તુઓ આપણી આસપાસ છે, જેનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને તેનાથી કેન્સર થઈ શકે છે તેનો આપણને પાતળો-આછોય ખ્યાલ નથી.

થોડીક પણ પી લીધી હોય તોય હંગામો શામાટે મચાવવો જોઈએ તેનું વાજબી કારણ વિજ્ઞાાનીઓએ આપી દીધું છે. ઝાઝી યા થોડી માત્રામાં શરાબ પીવાથી કેન્સર થવાનું જોખમ રહે છે. કુલ ૨૦૦ પ્રકારના કેન્સર છે. તેમાંથી સાત કેન્સર એવા છે જે દારૃને લીધે થઈ શકે છે. રોજ શરાબ પીવાથી અન્નનળી, ગુદા, સ્તન અને પેટનું કેન્સર થઈ શકે છે. રોજ એક કે બે ડ્રિંક પણ કેન્સર કરવા માટે કાફી છે. એટલે હવે  પીવું હોય તો પીજો, પણ જોખમ વિશે વિચારી લેજો. જનહિતમાં જારી! દારૃબંધીગ્રસ્ત ગુજરાતમાં લાખો લોકો માટે આલ્કોહોલ હવે રોજિંદુ પીણું છે એટલે આ વાત પણ એટલી જ પ્રસ્તુત બની જાય છે.

ઘર બનાવવામાં આપણે ગ્રેનાઇટ માર્બલનો છુટ્ટા હાથે ઉપયોગ કરીએ છીએ. તેનો પ્લસ પોઇન્ટ એ છે કે તેમાં ધાબા પડતા નથી. પોતું મારો એટલે હતો એવોને એવો. માઇનસ પોઇન્ટ એ છે કે તેમાંથી રેડિયો એક્ટિવ ગેસ રેડોન ઉત્સર્જિત થાય છે જે કેન્સરકારક છે. તે રંગહીન અને ગંધહીન હોય છે. માણસની જિંદગીને પણ એવી બનાવી દે છે! ફેફસાંના કેન્સર માટેના જે કારકો છે તેમાં રેડોન ગેસ બીજા ક્રમ પર આવે છે.

કેન્ડલ લાઇટ ડિનર શબ્દ સમૂહ જેટલો રોમાન્ટિક છે, કેન્ડલ શબ્દ એટલો જ ખતરારૃપ છે. ભાગ્યે જ કોઈ એવું ઘર કે ઑફિસ હોય જ્યાં મીણબત્તીનો ઉપયોગ ન થતો હોય. કેક કાપતા પહેલા તો ખાસ. મીણબત્તીની અંદર કેન્સરકારક તત્ત્વો હોય છે. ચિરાગનું ઢાંકણું ખોલો અને જીન બહાર આવે એમ મીણબત્તી સળગાવો કે આ તત્ત્વો બહાર નીકળી હવામાં પ્રસરે છે. ખનીજ તેલમાંથી મળી આવતા મીણમાં અનેક એવા તત્ત્વો હોય છે જે માનવીય આરોગ્ય માટે અનુકૂળ નથી.

પહેલા ઘરોમાંથી લોબાનની ખુશબૂ આવતી, હવે એર ફ્રેશનરની આવે છે. તેનો ઉપયોગ ઘણો વ્યાપક થઈ ગયો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમાં જે રસાયણો વપરાય છે તેનાથી કેન્સર થવાનો ખતરો છે. આ કેમિકલ્સ વાયુ પ્રદૂષણ ફેલાવે છે. તેનાથી આપણા નાકના ફોયણાંમાં જે સૂંઘવાની શક્તિ રહેલી હોય છે તે ડેમેજ થઈ શકે છે. ઘ્રાણેન્દ્રીય ક્ષીણ કરતું એર ફ્રેશનર તો બિલકુલ બિનજરૃરી છે. તેનો વપરાશ ટાળવો જોઈએ. ઘરમાં મહેક ફેલાવવા માટે અગરબત્તી, ફૂલો, કસ્તુરી વગેરેનો ઉપયોગ ક્યાં નથી કરી શકાતો.

રડયા-ખડયા લોકો સિવાય હવે દાંતણ તો ગયા. તેના સ્થાને આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ. તે દાંત તો ચમકાવી દે છે, કિન્તુ કેન્સર પણ કરી શકે છે. ટૂથપેસ્ટમાં વપરાતું ફ્લોરાઇડ કાર્સિનોજન છે. તેનાથી હાડકાંનું કેન્સર થઈ શકે છે. ટૂથપેસ્ટમાં નાખવામાં આવતો ટ્રિક્લોસન પણ કેન્સરકારક ઘટક છે. ટૂથપેસ્ટ બનાવનારી મોટા ભાગની કંપનીઓ તેનો ઉપયોગ કરે છે. આ જમાનામાં આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ ટાળી નથી શકવાના પણ જે પેસ્ટ વાપરીએ તેમાં કાર્સિનોજન્સ નથીને તે તો સુનિશ્ચિત કરવું જ જોઈએ. બને તો સારા ડોક્ટર કે ડેન્ટિસ્ટની સલાહ લઈ લેવી.

કોસ્મેટિક્સ વિશે એક ગેરધારણા છે કે મોઢું ધોઈ લો એટલે તે બેસિનમાં વહી જાય છે.  કેટલાક સૌંદર્ય પ્રસાધનો એવા હોય છે જે ચામડી પર ગુંદરની જેમ ચોંટી જાય છે. ખાસ કરીને સન સ્ક્રીન લોશન્સ. તેમાં વેન્જોફેન-૩ નામનું કેમિકલ રહેલું હોય છે. લોશનના ઉપયોગ પછી ઘણા દિવસો લગી પેશાબમાં તેની હાજરી જોવા મળે છે. તે તો કેન્સરકારક છે જે, પણ સાથોસાથ કોસ્મેટિક્સ મારફતે શરીરમાં પેસતા ફોર્મલ્ડિહાઈડ, બેન્જિન, ટૉલ્યુઇન અને ડાયોક્સેન-૧ પણ કેન્સરકારી છે.

ખાવાનો સોડા ખરેખર ખાવાલાયક છે જ નહીં. તેને મધુર બનાવવા માટે તેમાં એવી વસ્તુઓ મિલાવવામાં આવે છે જેનાથી મુત્રાશયનું કેન્સર થઈ શકે છે. વિચારો, સોડા બંધ કરીએ દઈએ તો આપણી કેટલી ખાણીપીણી બંધ થઈ જાય. વિચારી જોવો.

ચાને તો આપણે કૂળદેવી માનીએ છીએ. ચા વિના ચાલે જ નહીં. કેટલાક લોકોને ફળફળતી ગરમ ચા પીવાની આદત હોય છે. તેની જીભ પણ દાઝી-દાઝીને ટેવાઈ ચૂકી હોય છે. નિષ્ણાતો લાલબત્તી ધરે છે કે વધારે પડતી ગરમ ચા પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે.(કહોને, ચા ઠંડી થઈ જાય તો પીવાનો મતલબ શું!)

પેકેજ્ડ ફુડ પણ આજના જમાનાની હળાહળ વાસ્તવિક્તા છે. મજબૂરી છે. તેના વિના આરો નથી. બેય માણસે નોકરી કરવાના આ સમયમાં રોજેરોજ રાંધવું અને ભાતભાતનું રાંધવું વધારે અઘરું બની ગયું છે. એવામાં હાથવગું નિરાકરણ છે પેક્ડ ફુડ. વિજ્ઞાાનીઓ એમ કહે છે કે તે જઠરને ટાઢું પાડી દે છે, પણ બીજા કેટકાક પ્રશ્નોને સળગતા કરે છે. પેકેજિંગ દરમિયાન અનેક હાનિકારક તત્ત્વો તેમાં ભળી જાય છે અને હોર્મોન્સમાં પરિવર્તન લાવી શકે છે, જે કેન્સર કરી શકે છે. ખાસ કરીને સ્તન કેન્સરનો ભય રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેસ્ટ કેન્સરના કેસ વધ્યા છે તેના માટે પેકેજ્ડ ફૂડને પણ અપરાધી ઠરાવી શકાય. આનો ઉકેલ એ છે કે ઘરનું જમવાનું જ ઑફિસે લઈ જવું,

બહારથી ખાણીપીણી ખરીદવી તો લૂઝમાં ખરીદવી. ધંધાર્થીઓએ ફૂડ પેકિંગ માટે એવા સાધનનો ઉપયોગ કરવો જે વાનગીને નકારાત્મક અસર ન કરી શકે.
ગીતામાં બળેલું ખાવાની ના કહી તે શામાટે તે હવે સમજાય છે. સંશોધકો ચેતવે છે કે વધારે પડતુું પકાવેલું ખાણું ખાવાથી કેન્સર થવાની ભીતિ છે. તેનાથી પેટ, મળમાર્ગ, જઠર વગેરેમાં કર્કરોગ થઈ શકે છે. નોનવેજ ખાનારાઓને કેન્સર થવાના ચાન્સીઝ કેમ વધી જાય છે તે પણ સમજી લો.

ચીકન, માછલી કે માંસમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. નવી પેઢી વધુ પ્રોટીન મળે એવા આરોગ્ય પ્રદ અભિગમ સાથે તે ખાવા પ્રેરાય છે, પરંતુ મુશ્કેલી એ થાય છે કે તેને વધુ પડતાં પકવવાં પડે છે. અધિક પકાવવામાં આવે ત્યારે તેમાં રહેલો એમિનો એસિડ (પ્રોટીન) હેટરોસાઇક્લિક એમિનમાં પલટી જાય છે, જે કેન્સરકારી છે.

મગજમાં ભરેલો ધુમાડો તો નડે છે, કિન્તુ અહીં કારના ધુમાડા વિશે વાત કરીએ. ડિઝલના દહનથી ઉત્પન્ન થતો ધુમ્ર વધુ કેન્સરકારક છે. કારના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને બેન્જિન જેવા વિષાક્ત વાયુઓ રહેલા હોય છે. બેન્જિનથી બ્લડ કેન્સર થઈ શકે છે. તે હાડકાં માટે પણ નુકસાનદાયક છે.

ઈશ્વરે સેક્સની રચના સંતતિ માટે કરી હતી અને તેમાં આવતો આનંદ એ આડપેદાશ હતી. મનુષ્ય જેમ-જેમ ઉત્ક્રાંત થતો ગયો તેમ-તેમ પ્રજોત્પતિ બાય પ્રોડક્ટ બની ગઈ અને આનંદ મુખ્ય ભૂમિકામાં આવી ગયો. આવું થયું એ કંઈ ફરિયાદ કરવા પાત્ર નથી, પણ બદલાવને સમજવાની વાત છે.

હવેના યુવા યુગલો કાં તો એક જ સંતાન ઇચ્છે છે અથવા ઇચ્છતા જ નથી.  સંતાનો ન હોવા એવી શિક્ષણ અને સમૃદ્ધિમાંથી જન્મેલી ફિલોસોફી પણ આવકાર્ય છે અને માત્ર એક જ સંતાન કરવું એ પણ સૌ-સૌનો અંગત નિર્ણય હોય છે, પરંતુ કરવાની વાત આમાંથી ઉત્પન્ન થતી સમસ્યા વિશે છે.

તબીબી અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ગર્ભ નિરોધક ટીકડીઓ ખાતી મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. તેમને ગર્ભાશય, સ્તન અને લિવરનું કેન્સર થઈ શકે છે. વારંવાર ગર્ભાવસ્થા રોકવાથી કેન્સરનું જોખમ ઉત્કર્ષ પામે છે. એક રીસર્ચ એવું કહે છે કે ૩૦ વર્ષની વય વટાવ્યા પહેલા મા ન બનનારી મહિલાઓમાં સ્તન કેન્સરની શક્યતાઓ વધી જાય છે.

ભારતમાં દર વર્ષે પાંચ લાખ લોકો કેન્સર થવાથી અકાળે મૃત્યુ પામે છે. જો થોડી કાળજી રાખીએ તો આમાંથી ઘણા બધાને બચાવી શકાય છે. સમસ્યાના સમાધાનો આપણે જાતે શોધી શકીએ છીએ. અમુક સમાધાનો વિજ્ઞાાન શોધી શકે છે, અમુક સમાધાનો બજાર શોધી શકે છે. સમાજ? સમાજ તો હવે ધર્મ અને ઈતિહાસ માટેની લડાઈઓ સિવાય ક્યાંય દેખાતો જ નથી.

આજની નવી જોક

લીલી અને છગન શોપિંગ મોલમાં ગયા હતા. ત્યાં એક છોકરીએ છગનને જોઈને હેલ્લો કહ્યું.

છગન સામે કંઈ બોલે એ પહેલા જ તે ત્યાંથી જતી રહી.

લીલી (છગનને): કોણ હતી આ છોકરી?

છગન: મગજ ન ફેરવ. એને પણ મારે કહેવાનું છે કે તું કોણ છો.
 

Keywords network,10,february,2018,

Post Comments